અમેરિકા બૉર્ડર પાસેથી મળેલા મૃતદેહો ગુજરાતીઓના? મહેસાણાનો પરિવાર કઈ રીતે પહોંચ્યો હતો કૅનેડા?

ઇમેજ સ્રોત, Reuters
ગુરુવારે કૅનેડામાં નદીકિનારેથી ચાર ભારતીયોના મૃતદેહો જોવા મળ્યા હતા. ગુજરાતના મહેસાણા જિલ્લાના માણેકપુર ગામના ચૌધરી પરિવારને આશંકા છે કે આ મૃતદેહો તેમના પરિવારજનોના છે, જે ફરવા માટે કૅનેડા ગયા બાદ 15 દિવસથી સંપર્કવિહોણા છે.
કૅનેડિયન અધિકારીઓનું કહેવું છે કે તેમને બે બાળકો સહિત જે આઠ માઇગ્રન્ટ્સના મૃતદેહો મળ્યા છે. આ લોકો કથિતપણે કૅનેડાથી અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
ઍક્વેસાસ્ન મોહૉક પોલીસ સર્વિસનાં નાયબ વડાં લી-એન ઓ’બ્રાયને માહિતી આપતાં જણાવ્યું હતું કે મૃતકો બે પરિવારના હોવાનું મનાઈ રહ્યું છે. એક પરિવાર મૂળ રોમાનિયાનો છે જ્યારે બીજો મૂળ ભારતનો.
તેમણે આગળ કહ્યું કે, “આ તમામ લોકો કૅનેડામાંથી અમેરિકા ગેરકાયદેસર રીતે પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું મનાઈ રહ્યું છે. બુધવારે રાત્રે આ વિસ્તારમાં હવામાન ખરાબ હતું.”

ઇમેજ સ્રોત, Akwesasne Mohawk Police Service Facebook

શું કહે છે પરિવારજનો?

ઇમેજ સ્રોત, Ketan Patel
મહેસાણાના માણેકપુરા ડાભલા ગામમાં હાલ શોકનો માહોલ છે. અહીં રહેતા પ્રવીણભાઈ ચૌધરી (ઉં. વ. 50) તેમનાં પત્ની દક્ષાબહેન અને સંતાનો વિધિ અને મીત સાથે 3 ફેબ્રુઆરીએ ફરવા માટે કૅનેડા ગયા હતા.
તેમના પરિવારજનોનું કહેવું છે કે કૅનેડા ગયા પછી થોડોક સમય તેમની સાથે વાત થતી રહેતી હતી, પરંતુ છેલ્લા 15 દિવસથી કોઈ વાત થઈ નહોતી.
પ્રવીણભાઈના પિતરાઈ જસુભાઈએ બીબીસીના સહયોગી પત્રકાર કેતન પટેલ સાથેની વાતચીતમાં જણાવ્યું, "કાલે (1 એપ્રિલ) સવારે ન્યૂઝમાં આવ્યું કે કૅનેડામાં ચાર ભારતીયોના મૃતદેહો મળ્યા છે. મને ચિંતા થઈ એટલે મેં ભાઈને ફોન કર્યો, પણ ના લાગ્યો."
ત્યાર પછી જસુભાઈએ ગુજરાતમાં જ રહેતા અન્ય સંબંધીઓને પણ વાત કરી. જોકે, કોઈ પણ પ્રવીણભાઈના સંપર્કમાં નહોતા. તેથી તેમણે કૅનેડામાં રહેતા ચૌધરી સમાજના લોકોનો સંપર્ક કર્યો અને વધુ માહિતી મેળવી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું, "અમને તો માત્ર શંકા હતી પણ સમાજના વૉટ્સઍપ ગ્રૂપો પર ફરતા થયેલા ફોટો અને મૅસેજો પરથી એ શંકા પ્રબળ થઈ અને આજે (2 એપ્રિલ) સવારે તેમનાં નામ સાથેના સમાચારોથી નક્કી થઈ જ ગયું કે કૅનેડામાં મળેલા ભારતીયોના જે મૃતદેહ મળ્યા તે એ લોકોના જ છે."
આ સાથે જ તેમણે માગ મૂકી હતી કે તેમના પરિવારજનોના મૃતદેહ જલદી જ ભારત પાછા લાવવામાં આવે, જેથી તેઓ અંતિમસંસ્કાર કરી શકે.
જોકે, પ્રવીણભાઈએ ઉમેર્યું કે તેમને ઍમ્બેસી, સરકાર કે પછી પોલીસ તરફથી આ મામલે કોઈ જાણકારી મળી નથી.

શું કહે છે તંત્ર?

ઇમેજ સ્રોત, Ketan Patel
જસુભાઈના કહેવા પ્રમાણે, આજે સવારે મીડિયામાં અહેવાલ ફરતા થયા બાદ સ્થાનિક પોલીસ તેમના ઘરે આવી હતી અને પરિવાર વિશે માહિતી મેળવી હતી.
મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીએ બીબીસી સહયોગી ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં જણાવ્યું, "માહિતી મળતા જ અમે તપાસ શરૂ કરી છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે પરિવાર કાયદેસર રીતે વિઝિટર વિઝા લઈને કૅનેડા ગયો હતો."
તેમણે ઉમેર્યું, "તેઓ ત્યાં કેવી રીતે ગયા હતા, કોના મારફતે ગયા હતા અને ત્યાં ગયા પછી શું થયું, એ વિશે અમે તપાસ કરી રહ્યા છીએ."
મહેસાણા જિલ્લા કલેક્ટર એમ. નાગરાજને ભાર્ગવ પરીખને જણાવ્યું હતું કે, "અમને જાણ થતાં જ અમારા તરફથી કાર્યવાહી શરૂ કરી છે. હાલ અમે કૅનેડિયન સત્તાધીશોનો સંપર્ક સાધી રહ્યા છીએ અને પુષ્ટિ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એ પછી જેમ બને એમ જલદીથી મૃતદેહોને જલદી પાછા લાવીશું."
બીબીસીએ પણ ઍક્વેસાસ્ન મોહૉક પોલીસ પાસેથી ઇ-મેઇલ મારફતે ભારતીય મૂળના લોકોની ઓળખ અંગે માહિતી માગી છે, જેનો જવાબ આવ્યા બાદ આ સમાચાર અપડેટ કરવામાં આવશે.

કેવી રીતે મળ્યા મૃતદેહો?
બીબીસી ન્યૂઝનાં સંવાદદાતા નદીન યુસૂફના અહેવાલ અનુસાર આ સમયે અધિકારીઓ કૅસી ઑક્સ નામના એક 30 વર્ષીય બોટરની શોધખોળ કરી રહ્યા હતા, તેઓ હજુ લાપતા છે.
હજુ સુધી એ વાત અંગે સ્પષ્ટતા નથી થઈ શકી કે ઑક્સ અને મૃતક પરિવારો વચ્ચે કોઈ સંબંધ હતો કે કેમ.
પોલીસ અનુસાર પ્રથમ મૃતદેહ સ્થાનિક સમયાનુસાર સાંજના પાંચ વાગ્યે યુએસ-કૅનેડા બૉર્ડરે આવેલા મોહૉકમાં શી સ્નેનના જળપ્લાવિત ક્ષેત્રમાંથી મળી આવ્યો હતો.
અન્ય મૃતદેહો પણ આ જગ્યાની આસપાસ જ મળી આવ્યા હતા. પોલીસે આઠ પૈકી બે મૃતકોની ઓળખ કરી લીધી છે. જે 28 વર્ષીય ફ્લોરિન લૉર્ડાચે અને ક્રિસ્ટિના લોર્ડાચે હોવાનું 1 એપ્રિલે જાહેર કરેલી પ્રેસ રિલીઝમાં જણાવ્યું છે.
તેમાં આગળ જણાવવામાં આવ્યું છે કે આ બંને સાથે બે નાનાં બાળકો પણ હતાં. તેમના કૅનેડિયન પાસપૉર્ટ પણ મળી આવ્યા છે.
જોકે, ચાર ભારતીય મૂળના લોકોની ઓળખ હજી સુધી ન થઈ હોવાનું પોલીસે જણાવ્યું છે.

















