ઈરાન-અમેરિકા યુદ્ધની સીધી અસર ગુજરાતનાં બંદરો પર કામ કરતા મજૂરો પર કેવી રીતે પડી રહી છે?

ઇમેજ સ્રોત, Pawan Jaiswal/BBC
"ગયા મહિને સુધી અમે અઠવાડિએ 4000 રૂપિયા જેટલી મજૂરી કરી શકતા હતા, પરંતુ હવે તે ઘટીને 1500 થી 2000 જેટલી જ થઈ ગઈ છે. અમારામાંથી ઘણા પોતાના રૂમ ખાલી કરી રહ્યા છે, તો ઘણા હોળી પછી પાછા જ નથી ફર્યા." આ શબ્દો 24 વર્ષના તેજ રામના છે, જેઓ કચ્છના દીનદયાળ પૉર્ટ પર અસંગઠિત મજૂર તરીકે કામ કરે છે.
તેમના જેવા મજૂરો હજારોની સંખ્યામાં છે, જેમની પર ઈરાન પરના અમેરિકા અને ઇઝરાયલના યુદ્ધની સીધી અસર વર્તાવા માંડી છે.
તેઓ હાલમાં એક કોલસાના ગોદામમાં બોરીઓ ભરવાનું અને ખાલી કરવાનું કામ કરે છે, પરંતુ છેલ્લા થોડાક દિવસોથી વિદેશ તરફ જતાં જહાજોની સંખ્યા ઘટી ગઈ હોવાથી તેમની મજૂરીમાં ઘટાડો થઈ રહ્યો છે. દરરોજના 500 થી 700 રૂપિયાની મજૂરી હવે તેમને દરરોજ મળી રહી નથી.
તેજ રામનું માનવું છે કે હાલમાં મજૂરીના દિવસોમાં ઘટાડો થઈ રહ્યો છે. "મારી સાથે રહેતા ઘણા લોકો પાછા પોતાના વતન જતા રહ્યા છે. હાલમાં હું એકલો જ રૂમમાં રહું છું. મને ખબર નથી કે હું ક્યાર સુધી અહીં રોકાઈ શકીશ. પણ જો કામ બિલકુલ બંધ થઈ જશે તો હું પણ પાછો પોતાના વતન જતો રહીશ."
બીબીસી ગુજરાતીએ દીનદયાળ પૉર્ટ ટ્રસ્ટના વહીવટદારો પાસેથી પૉર્ટ પરના મજૂરોની પરિસ્થિતિ વિશે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો, તેમની પાસેથી હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી.
ગુજરાતના બંદર પર મજૂરોની સંખ્યા ઘટવા કેમ લાગી છે?

ઇમેજ સ્રોત, Getty Images
તેમની સાથે રહેતા ઘણા લોકોએ તો કડિયા કામ કે બીજી નાની-મોટી મજૂરી પર જવાનું શરૂ કરી દીધું છે.
તેઓ કહે છે કે યુદ્ધ પહેલાં સુધી દરરોજ બંદરની વિવિધ જેટીઓ પર કોઈ પણ સમયે 1500 થી 2000 જેટલા મજૂરો કામ કરતા જોવા મળતા હતા, જો કે હવે તેની સંખ્યામાં ઘટાડો થઈ ગયો છે.
કંડલાના દીનદયાળ બંદર પર મોટાભાગે જહાજોમાં ઘઉં, ચોખા, કેળાં જેવાં ફળ, કોલસા વગેરે જેવી વસ્તુઓ કાર્ગો સ્વરૂપે બીજા દેશોમાં મોકલવામાં આવે છે. આ માટે ટ્રક પર સામાન લાદવા અને તેને ઉતારવા માટે મોટી સંખ્યામાં મજૂરોની જરૂર પડે છે. આ ટ્રક વિવિધ સ્થળોથી કંડલા પર આવે છે અને જે માલ વિદેશથી આવ્યો હોય તેને લઈને પાછા પરત ફરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલના યુદ્ધ બાદ ખાડીના દેશો તરફ જતાં જહાજોની અવરજવર પર અસર પડી છે, જેના કારણે ચોખા તેમજ બીજા ખાદ્યપદાર્થોની નિકાસ પર સૌથી વધુ અસર પડી છે. જેના કારણે મજૂરોને મળતી મજૂરી ઘટી ગઈ છે.
કંડલાના દીનદયાળ પૉર્ટ પર શું કામ બિલકુલ બંધ થઈ ગયું છે?

ઇમેજ સ્રોત, Pawan Jaiswal/BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એક લેબર કૉન્ટ્રાક્ટર મુકેશ ગુર્જરે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે, "એવું નથી કે મજૂરી સાવ બંધ થઈ ગઈ છે. જે જહાજો માલની ડિલિવરી કર્યા વગર પાછા ફર્યાં છે, તે જહાજો ખાલી કરવા માટે આ મજૂરોને મજૂરી મળી રહી છે."
"પરંતુ એક સમયે જેટલાં જહાજો ભરાતાં કે ખાલી થતાં હતાં, તેની સંખ્યા હવે ઘટી ગઈ છે."
તેઓ માને છે કે હજી સુધી એવી પરિસ્થિતિ નથી સર્જાઈ કે મજૂરોને મજૂરી મળતી બિલકુલ બંધ થઈ હોય, પરંતુ એ ચોક્કસ છે કે મજૂરીમાંથી થતી કમાણી ઘટી છે.
ગુર્જરે જણાવ્યું કે, "જો આવનારા થોડા દિવસોમાં પરિસ્થિતિ નહીં સુધરે તો સૌથી મોટો માર કંડલામાં રહેતા પરપ્રાંતીય મજૂરોને પડશે."
દીનદયાળ પૉર્ટ ભારત દેશનાં મુખ્ય બંદરોમાં એક છે. તેની વેબસાઇટ પ્રમાણે તેમાં ત્રણ કૅટેગરીના મજૂરો હોય છે, જેમાં A, B અને C એમ ત્રણ કૅટેગરી હોય છે.
A કૅટેગરીના મજૂરો કાયમી મજૂરો હોય છે, B કૅટેગરીના મજૂરોને જ્યારે જરૂર હોય ત્યારે બોલાવવામાં આવે છે અને C કૅટેગરીના મજૂરો હંગામી કે Casual લેબર તરીકે ઓળખવામાં આવે છે.
કંડલા પૉર્ટ કર્મચારી સંગઠનના પ્રમુખ રાણા વિસરીયા પ્રમાણે જે પ્રાઇવેટ કામદારો મુખ્યત્વે લોડિંગ-અનલોડિંગનું કામ કરતા હતા તેમની સ્થિતિ ડહોળાઈ ગઈ છે. તેમને મજૂરી તો દિવસની 500 કે 700 રૂપિયાની જ મળે છે, પરંતુ જ્યારથી યુદ્ધની શરૂઆત થઈ છે ત્યારથી તેમનું બજેટ ડહોળાઈ ગયું છે.
તેઓ વધુમાં કહે છે કે, "સામાન્ય રીતે એક સમયનું ભોજન પૉર્ટ તરફથી આપવામાં આવે છે, માટે મજૂરોને થોડી રાહત છે. પરંતુ જો લાંબા સમય સુધી આવી પરિસ્થિતિ રહેશે તો મજૂરો આ નુકસાન સહન કરી શકશે નહીં."
સામાન્ય રીતે ગુણીઓમાં સામાન ભરીને તેને ટ્રક પર ચઢાવવાનું અને ઉતારવાનું કામ કરતા મજૂરોની હાલત સૌથી ખરાબ છે.
ગુજરાતથી બંદરો પર કામ કરતા મોટાભાગના મજૂરો વતન જઈ રહ્યા છે?

ઇમેજ સ્રોત, Pawan Jaiswal/BBC
ઘણા લોકોનું માનવું છે કે હજી સુધી એવી પરિસ્થિતિ નથી સર્જાઈ કે તેમનું કામ બિલકુલ બંધ થયું હોય, પરંતુ જો પરિસ્થિતિ ન સુધરે તો ઘણા મજૂરોને બીક છે કે તેમને પોતાના વતન પાછા જવું પડશે.
કૉન્ટ્રાક્ટ પર કામ કરતા મજૂરોની સંખ્યાનો ચોક્કસ આંકડો કોઈની પાસે નથી. જો કે કંડલા પૉર્ટ કર્મચારી સંઘ પ્રમાણે પ્રાઇવેટ કૉન્ટ્રાક્ટ પર કામ કરતા મજૂરોની સંખ્યા આશરે 5000 જેટલી હોઈ શકે.
અહીં કામ કરતા એક મજૂર દેવા રામે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું હતું, "ઘણા લોકો હોળી પર પોતાના ગામડે ગયા હતા, પરંતુ હવે તેઓ પાછા જ નથી આવ્યા."
"તેમને લાગે છે કે યુદ્ધને કારણે કામ ઘટી જશે."
દેવા રામ કહે છે, "પહેલાં હું અઠવાડિયામાં 3500 જેટલી મજૂરી કમાઈ લેતો હતો, હવે 1000 થી 1200 સુધી જ કમાઈ રહ્યો છું. આવામાં હું પોતે શું ખાઈશ અને ઘરે શું મોકલીશ."
તેમના પ્રમાણે એક સમયે જ્યારે એક સાથે 17 થી 18 જહાજો પર મજૂરો કામ કરતા હતા, તેની જગ્યાએ અત્યારે 11 થી 12 જહાજો પર લોકો કામ કરી રહ્યા છે. તે પણ થોડા દિવસોમાં બંધ પડી જશે તેવી તેમને બીક લાગી રહી છે.
જો કે બીજી તરફ ટ્રાન્સપોર્ટ ઍન્ડ યુનિયન ડૉક વર્કર હિન્દ મજૂર સભાના પ્રમુખ જીવરાજ બામ્બીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, "હાલમાં ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે હજી અમુક જહાજોનું કામ ચાલી રહ્યું છે. હજી તો કામ બિલકુલ બંધ નથી થયું."
"જો કે આગળ શું પરિસ્થિતિ સર્જાઈ શકે તેના વિશે કંઈ કહી શકાય તેમ નથી."
જો કે આ વિશે બીબીસી ગુજરાતીએ દીનદયાળ પૉર્ટ ટ્રસ્ટ પાસેથી માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો કે પ્રાઇવેટ કામદારો તરીકે કામ કરતા લોકોની હાલની પરિસ્થિતિ કેવી છે.
જો કે તેમના તરફથી કોઈ જવાબ મળ્યો નથી. જવાબ મળશે ત્યારે તેને અહીં ઉમેરવામાં આવશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન











