બાળકને ડરાવવા-ધમકાવવા કે પછી સમજાવટથી કામ લેવું, સૌમ્ય રીતે ઉછરેલાં સંતાનો કેવાં બને છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ગૌતમી ખાન
- પદ, બીબીસી સંવાદદાતા
- વાંચવાનો સમય: 7 મિનિટ
દિવસો વીતતા જાય છે, તેમ-તેમ બાળકોના ઉછેરની પદ્ધતિ અને તેમના વિકાસની પદ્ધતિ બદલાતી જાય છે.
એ દિવસો ગયા, જ્યારે આપણે વડીલો સાથે ઉદ્ધતાઈથી વર્તી નહોતા શકતા અને ધારી લો કે, આપણે તેમની સામે આંખો ફાડીને જોઈએ, તો પણ તેમની સામે અવાજ ઉઠાવવાની હિંમત નહોતી.
પણ હવે એવો સમય આવ્યો છે, જ્યાં માતા-પિતા મિત્રોની માફક વર્તે છે અને આપણે કોઈપણ બાબત વિશે તેમની સાથે સાહજીક રીતે વાત કરી શકીએ છીએ.
આ પ્રક્રિયામાં માતા-પિતા જે રીતે તેમનાં સંતાનોનો ઉછેર કરે છે, તેમાં પણ ઘણા ફેરફારો થયા છે. બાળકો પણ તેમના હક્કો ધરાવતા હોવાની ચર્ચા છેડાઈ ગઈ છે.
અત્યારે બાળકોના સૌમ્ય ઉછેરનું ચલણ પ્રવર્તી રહ્યું છે, જેમાં કહેવામાં આવે છે કે, જો તમે સતત તમારા બાળકને મારશો કે વઢશો, તો બાળક જિદ્દી થઈ જશે અને તમારી વાત સાંભળશે નહીં.
પણ, હવે કેટલાક લોકો કહે છે કે, સૌમ્ય પેરન્ટિંગ કરતાં ફાફો પેરન્ટિંગ બહેતર છે. શું બાળ ઉછેરની આ પદ્ધતિઓ સાચે જ બાળકો અને માતા-પિતા માટે ઉપયોગી છે? કે પછી તેના કારણે તેમની મુશ્કેલીઓ વધી રહી છે?
સૌમ્ય પેરન્ટિંગ એટલે શું

ઇમેજ સ્રોત, Getty Images
તાજેતરમાં જ એક વીડિયો વાઇરલ થયો છે.
એક શોરૂમમાં એક બાળકના હાથમાંથી કોઈ મૂલ્યવાન વસ્તુ પડીને તૂટી જાય છે. તરત જ તેનાં માતા બાળકને વસ્તુ તોડવા બદલ ઠપકો આપવાને બદલે કહે છે, "કશો વાંધો નહીં, તને વાગ્યું નથી." માતા-પિતા અત્યારે આવી પદ્ધતિ અનુસરી રહ્યાં છે... સૌમ્ય ઉછેર.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સૌમ્ય ઉછેરમાં બાળક સાથે શક્ય તેટલો સૌમ્ય વ્યવહાર કરવામાં આવે છે, તેમની સાથે સહાનુભૂતિપૂર્વક વર્તવામાં આવે છે, તેમના અભિપ્રાયનો આદર કરવામાં આવે છે, તેમની પસંદગીને મહત્ત્વ અપાય છે અને સારું શું-ખરાબ શું તે અંગે ચર્ચા કરવામાં આવે છે.
સંતાનો અને માતા-પિતા વચ્ચે જોડાણ પ્રસ્થાપિત કરવામાં સૌમ્ય ઉછેર ઘણો ઉપયોગી છે.
માતા-પિતા સંતાનનો ઉછેર તેમને ડરાવી દેનારા વાતાવરણમાં નથી કરતાં, બલ્કે ધીરજ રાખીને તેમને સઘળી પરિસ્થિતિ સમજાવે છે અને તેમની પ્રાથમિકતા સમજે છે.
હૈદરાબાદ સ્થિત મનોવિજ્ઞાની વિશેષના જણાવ્યા પ્રમાણે, "તેનાથી બાળકોને સ્વતંત્રપણે વિચારવામાં મદદ મળે છે અને તેમના માનસિક આરોગ્યમાં સુધારો નોંધાય છે."
"માતા-પિતા સાથે વધુ સમય પસાર કરીને અને તેમની સાથે વાતચીત કરીને તેમની સકારાત્મક વિચારણામાં વધારો થાય છે."
મનોવિજ્ઞાની આલ્ફ્રેડ એડલરે કહ્યું હતું કે, બાળકોને શિક્ષા આપવાને બદલે તેમનો આદર કરવામાં આવે, તેમની સાથે પ્રેમપૂર્વક વાત કરવામાં આવે અને તેમની સાથે ભાવનાત્મક જોડાણ સાધવામાં આવે, તે અગત્યનું છે.
ડોક્ટર એડલરે છેક 1920ના દાયકામાં સૌમ્ય ઉછેરના મુદ્દા વિશે વાત કરી હતી.
બાળકોની સંભાળ અને બાળ ઉછેર નિષ્ણાત સારા ઓકવેલ સ્મિથ સૌમ્ય બાળ ઉછેર અંગે ઘણી વખત વાત કરી ચૂક્યાં છે. ખાસ કરીને મિલેનિયલ્સે બાળ ઉછેરની જૂની પ્રણાલીઓ ત્યજીને નવી પદ્ધતિઓ અપનાવી છે.

ઇમેજ સ્રોત, Getty Images
બાળ અધિકાર તો ઠીક છે... પણ, શું ખરેખર તેઓ સમજી શકે, તેવી ભાષામાં બાળકોને સમજાવવા શક્ય છે?
બાળ ઉછેર અને સૌમ્ય બાળ ઉછેર વચ્ચેની પાતળી ભેદરેખા વિશે પેરન્ટિંગ કોચ, મનોવિજ્ઞાનીઓ તથા માતા-પિતાનું શું કહેવું છે?
સૉફ્ટવેર કંપનીમાં કામ કરતા ક્રિષ્ના સૌમ્ય બાળ ઉછેર વિશે વાત કરતાં કહે છે, "હું નાનો હતો, ત્યારે મારા પિતા કેટલીક વખત મને મારતા હતા. આથી, હું તેમનાથી ખૂબ ડરતો હતો."
"અત્યારે પણ જ્યારે હું મારા પિતાને યાદ કરું છું, ત્યારે સૌથી પહેલો વિચાર તેઓ મને મારતા હતા - એ આવે છે."
"આથી, હું મારાં બાળકોને માર્યા વિના ઉછેરવા માગું છું. હું આ રીતે જ મારા પુત્રને ઉછેરી રહ્યો છું."
"પણ તેમ કરવું સરળ નથી. તે ઘણું ધૈર્ય માગી લેનારું કામ છે."
"કેટલીક વખત અનેક વખત સમજાવવા છતાં મારો પુત્ર મારી વાત નથી સાંભળતો. તે સમયે મારી ધીરજ ખૂટી પડે છે."
"પણ હું મારા સિદ્ધાંતોને વળગી રહું છું અને તેના પર હાથ નથી ઉઠાવતો. આથી તેને મારી બીક નથી લાગતી."
"તેના કારણે કેટલીક વખત તે શિસ્તમાં રહેતો નથી. પરિવારના સભ્યો કહે છે કે, તે આવો એટલા માટે થઈ રહ્યો છે, કારણ કે, હું તેની સાથે કડકાઈ કરું છું."
તેમણે ઉમેર્યું હતું કે, "પણ હું તે વાત સાથે સંમત નથી. આજના વ્યસ્ત જીવનમાં સાચી હકીકત એ છે કે, પુખ્ત લોકો પાસે બાળકો સમજી શકે, તે રીતે તેમને સમજાવવાનો સમય કે ધીરજ નથી."
બૅન્ક ઑફ ન્યૂયૉર્કમાં કામ કરતાં શાંતિ આઠ વર્ષની પુત્રીનાં માતા છે.
શાંતિ કહે છે કે, તેમનો ઉછેર અલગ રીતે થયો હતો અને અત્યારે તેઓ તેમની પુત્રીનો ઉછેર જુદી રીતે કરી રહ્યાં છે.
તેઓ કહે છે કે, સૌમ્ય બાળ ઉછેરમાં પણ માતા-પિતાએ અમુક અંશે સખ્ત થવું પડે છે. માતા-પિતાએ બાળકોને તેમની ખાવા-પીવાની અને રોજબરોજની આદતો વિશે શીખવવું પડે છે અને અમુક વખત તેમની સાથે કઠોર થવું પડે છે.
સૌમ્ય બાળ ઉછેરના કેવા ફાયદા છે

ઇમેજ સ્રોત, Getty Images
સૌમ્ય બાળ ઉછેરનાં કેટલાંક સકારાત્મક પાસાં આ પ્રમાણે છેઃ
- બાળકો તેમનાં માતા-પિતા સાથે ભાવનાત્મક રીતે જોડાય છે
- કોઈપણ બાબત અંગે અભિપ્રાય આપવાની સ્વતંત્રતા, પસંદ-નાપસંદ વિશે મુક્તતાથી વાત કરવી
- બીક રાખ્યા વિના શિક્ષણને લગતા નિર્ણયો લેવા
- જીવન પ્રત્યે સકારાત્મક અભિગમ રાખવો
- આ રીતે ઉછેરેલાં બાળકોમાં ચિંતાને લગતી સમસ્યાઓ ભાગ્યે જ જોવા મળે છે, કારણ કે, તેમણે કોઈપણ સમસ્યાનો સામનો એકલા હાથે નથી કરવો પડતો.
- રમત-ગમત અને અભ્યાસમાં અગ્રેસર.
પણ, આ કામ સરળ નથી. કારણ કે, મોટાભાગનાં મિલેનિયલ્સના જીવનની સ્થિતિ એવી હોય છે કે, માતા-પિતા બંનેએ કામ કરવું પડે છે.
એક તરફ નોકરી હોય છે અને બીજી તરફ ઘર અને બાળકોની જવાબદારી હોય છે. કેટલાંક માતા-પિતાએ અમને જણાવ્યું હતું કે, આવી સ્થિતિમાં સૌમ્ય બાળ ઉછેર સરળ નથી.
સૌમ્ય ઉછેરના ગેરલાભ કેવા હોય છે?

ઇમેજ સ્રોત, Getty Images
નિષ્ણાતો કહે છે કે, તેમાં કેટલીક સમસ્યાઓ પણ રહે છે.
ડૉક્ટર વિશેષ કહે છે કે, આ પ્રકારના પેરન્ટિંગમાં રહેલી પાતળી સીમારેખા પારખીને સંતુલિત રીતે આગળ વધવું જરૂરી છે.
- માતા-પિતા પર તણાવ.
- તમામ સમસ્યાઓ સહાનુભૂતિપૂર્વક ઉકેલી નથી શકાતી.
- બાળકો જિદ્દી બની શકે છે અને એવું માની શકે છે કે, માતા-પિતા તેમને વઢશે નહીં. (ઉદાહરણ તરીકે, માતા-પિતાએ ના પાડી હોવા છતાં કલાકો સુધી ફોન વાપરવો).
- વારંવાર કહેવામાં આવ્યું હોવા છતાં, ધ્યાન ન આપવું. (વાત કાને ન ધરવી).
બાળકોની હઠ જોઈને કેટલીક વખત માતા-પિતાના મનમાં સવાલ થાય છે કે, તેમણે ઉછેરનો યોગ્ય માર્ગ અપનાવ્યો છે કે કેમ.
કેટલાંક માતા-પિતા એમ પણ કહે છે કે, આ સૌમ્ય બાળ ઉછેરથી તેઓ થાકી ગયાં છે.
આથી જ, ઘણાં માતા-પિતા હવે ફાફો પેરન્ટિંગનો રસ્તો અપનાવી રહ્યાં છે.
ફાફો પેરન્ટિંગ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
બાળકને એકની એક વાત વારંવાર કહેવામાં આવે, તેમ છતાં તેઓ વાત કાને ધરતાં ન હોય, એવા સંજોગોમાં તેમને તેના કારણે આવતી સમસ્યાઓનો સામનો કરવા દેવામાં આવે, તે બહેતર છે.
અર્થાત્, શબ્દોમાં સમજાવટને બદલે, તેમને વ્યવહારિક રીતે તે સમજાય, તે બહેતર છે. આ જ છે, એફએએફઓ પેરન્ટિંગ (ફૂલ અરાઉન્ડ ઍન્ડ ફાઇન્ડ આઉટ).
ફાફો પેરન્ટિંગની થિયરી કહે છે કે, જો બાળકો સમજી જાય, કે કોઈ વાતનું પુનરાવર્તન કરવાની જરૂર નથી, તો તેમનું જિદ્દીપણું ઓછું થઈ જશે. અને એક વખત તેમને ઠોકર વાગે, તે પછી આપણે વારંવાર તેમને સાંત્વના નથી આપવી પડતી.
સૌમ્ય બાળ ઉછેરની માફક, તેમાં પણ અમુક મુશ્કેલીઓ રહેલી હોવાનું મનોવિજ્ઞાન તેમજ 'પેરન્ટિંગ ફૉર હ્યુમન્સ'નાં લેખિકા ડૉક્ટર ઍમા સ્વાનબર્ગ જણાવે છે.
સ્વાનબર્ગ કહે છે કે, બાળકો તેમની સામે આવનારી મુશ્કેલીઓમાંથી તો શીખ મેળવે જ છે, પણ તેની સાથે તે મુશ્કેલી પ્રત્યે માતા-પિતાની પ્રતિક્રિયા કેવી હોય છે, તેના પરથી પણ બોધપાઠ મેળવે છે.
તેઓ જણાવે છે કે, જ્યારે બાળકો ભૂલ કરે અને મુસીબતમાં મૂકાય છે, ત્યારે માતા-પિતા કહે છે, "તેની સાથે તેમને કોઈ લેવાદેવા નથી."
તેના કારણે તેમનાં બાળકોમાં પણ આવી જ વર્તણૂંક વિકસી શકે છે. તેઓ કહે છે કે, ભાવનાત્મક રીતે બાળકો "શરમ" તથા એકાકીપણાનો અનુભવ કરે છે.
મનોવિજ્ઞાની ડૉક્ટર વિશેષના જણાવ્યા પ્રમાણે, ફાફો પેરન્ટિંગ એ અસહિષ્ણુતામાંથી ઉત્પન્ન થયેલી એક રીત છે, જે બિલકુલ યોગ્ય નથી.
તેઓ કહે છે, "માતા-પિતાના કઠોર શબ્દો બાળકોને અસંવેદનશીલ બનાવી શકે છે, જેના કારણે ભવિષ્યમાં અનેક અનિચ્છનીય સ્થિતિ ઊભી થઈ શકે છે."

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, પેરન્ટિંગની પ્રણાલીમાં ગમે તેટલી પદ્ધતિઓ આવે, તો પણ તે તમામ પદ્ધતિઓમાં સંતુલન સાધવું અત્યંત જરૂરી હોવાનું ડૉક્ટર વિશેષ કહે છે.
એટલે કે માતા-પિતા - સ્વતંત્રતા, નિયંત્રણ અને માર્ગદર્શન - આ ત્રણ પરિબળોનું સંતુલન સાધીને બાળકોનો ઉછેર કરે, તે હિતાવહ છે.
કહેવાય છે કે, વધુ પડતી ચિંતા કરવી, બાળકોને વધુ પડતી સ્વતંત્રતા આપી દેવી, તેમના પર વધારે પડતું નિયંત્રણ રાખવું... કોઈ પણ ચીજની અતિશયતાથી સમસ્યાઓ સર્જાશે.
ડૉક્ટર વિશેષ આગળ જણાવે છે, "આ સમસ્યાઓનું કારણ એ છે કે, ઘણાં માતા-પિતા બાળ ઉછેર અને તેના મહત્ત્વથી અજાણ હોય છે."
તેમના મતે, ખરી સમસ્યા છે કે, લોકો બાળ ઉછેરના આ વિષય અંગે કોઈની સાથે ચર્ચા કરતાં નથી અને તેમને લાગે છે કે, માતા-પિતા બનવા સાથે ઉછેર અંગેની સમજ કુદરતી રીતે જ આવી જતી હોય છે અને તેમણે તે શીખવાની જરૂર હોતી નથી.
મનોવિજ્ઞાની વિશેષનું માનવું છે કે, બાળ ઉછેર વિશે, નવી ચીજો શીખવા વિશે તેમજ બાળકોને શીખવા માટે કેવી રીતે પ્રોત્સાહન આપવું, તે વિશે સમજ મેળવવી સારી બાબત છે.
આ ફાફો પેરન્ટિંગના ભાગરૂપે, બાળકોએ સ્વાભાવિકપણે જે સમસ્યાઓનો સામનો કરવો પડે છે, તેને સામે લાવવાવામાં કશું ખરાબ નથી.
પણ જો માતા-પિતા ઉકેલ લાવવાની સમગ્ર જવાબદારી બાળકોના ખભે નાખી દે, તો તેમનું વર્તન અન્ય લોકો માટે ક્ષોભજનક બને, તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

ઇમેજ સ્રોત, Getty Images
આથી જ, આવા નિર્ણયો લેતાં પહેલાં અત્યંત કાળજી રાખવી આવશ્યક હોવાનું 'ધ સિક્યૉર ચાઇલ્ડ સેન્ટર ફૉર ફેમિલીઝ ઍન્ડ ચિલ્ડ્રન'નાં સ્થાપક તથા બાળ મનોવિજ્ઞાની ડૉક્ટર તમારા ગ્લેન સોલ્સે ઑનલાઇન સામયિક 'ધ પેરન્ટ્સ'ને જણાવ્યું હતું.
ઉદાહરણ તરીકે, બાળકો જિદ્દી હોય અને ભાત ખાવાની ના પાડી દે છે. તેમને તેમનું ભાવતું ભોજન રાંધવાનું જણાવવામાં આવે છે.
આ સ્થિતિમાં, તેમને એક દિવસ ભાત ન આપવો. તેમાં કશું ખોટું નથી. તેનાથી તેમને ભૂખ શું છે, તે સમજાશે. આમ, અહીં ફાફો પેરન્ટિંગ યોગ્ય નથી.
ડૉક્ટર સોલ્સ કહે છે, "પણ તમારું બાળક તેની મનપસંદ રમત રમવા ન મળતાં તેના મિત્ર સાથે ઝઘડી રહ્યું હોય, કે તેને મારી રહ્યું હોય, તો તમારે ચૂપચાપ ઊભા ન રહેવું જોઈએ. આ સ્થિતિ તમારી વિચારણા કરતાં વધુ ખતરનાક બની શકે છે."
પેરન્ટિંગ કોચ અને યુનિવર્સિટી ઑફ અલાબામાનાં પ્રોફેસર કિમ્બર્લી કિંગ કહે છે કે, કે, સૌમ્ય રીતે બાળકોનો ઉછેર કરીને થાકી-હારી ગયેલાં માતા-પિતા ફાફો તરફ વળવા માગતા હોય, તો તેમણે સંતુલન પર ધ્યાન આપવું જરૂરી છે.
કિમ્બર્લીએ સમાન સામયિકમાં અભિપ્રાય આપ્યો હતો, "બાળકોને તેમના કાર્યનાં સારાં-નરસાં પરિણામોની સમજ આપવી ઘણી જ જરૂરી છે."
તેમણે કહ્યું હતું કે, બાળકો સાથે તેમની સામે આવનારી સંભવિત સમસ્યાઓ, તેનો સામનો કેવી રીતે કરવો અને તેના વિકલ્પો વિશે વાત કરવી અગત્યની છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન











