ગુજરાતીઓને કૅનેડાના રસ્તે ગેરકાયદેસર અમેરિકા મોકલવાના આરોપીઓને પોલીસે કેવી રીતે પકડ્યા?

ઇમેજ સ્રોત, KARTIK JANI
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે

- ગુજરાતીઓને કૅનેડાના રસ્તે ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવાના કેસમાં પોલીસે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન અને ટ્રેડિંગ કરતા એક શખ્સ અને બે એજન્ટની ધરપકડ કરી.
- આ કેસને ઉકેલવા માટે ગુજરાત પોલીસની સાથે અમેરિકાની હોમલૅન્ડ સિક્યૉરિટી અને કૅનેડાની પોલીસ પણ પ્રયાસરત છે.
- જાન્યુઆરી-2022માં કલોલના ડીંગુચાનો પરિવારના ચાર સભ્યો ગેરકાયદેસર રીતે કૅનેડાના રસ્તે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરતાં મૃત્યુ પામ્યાં હતાં.

ગુજરાતીઓને કૅનેડાના રસ્તે ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવાના કેસમાં રાજ્યની પોલીસે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન અને ટ્રેડિંગ કરતા એક શખ્સ અને બે એજન્ટની ધરપકડ કરી છે.
આ શખ્સો પર વિદેશ જવા માગનારાઓ પાસેથી રૂ. 75 લાખથી રૂ. એક કરોડ સુધીની રકમ વસૂલ કરવાનો આરોપ છે. આ કેસને ઉકેલવા માટે ગુજરાત પોલીસની સાથે અમેરિકાની હોમલૅન્ડ સિક્યૉરિટી અને કૅનેડાની પોલીસ પણ પ્રયાસરત હતા.
તપાસનીશ એજન્સીઓને 'વી.ડી.' નામના શખ્સની મદદ મળી છે, તેની પાસેથી મૉડસ ઑપરેન્ડીની માહિતી મળી હતી. આ કેસમાં હજુ કેટલાક એજન્ટ અને પેટા એજન્ટની ધરપકડ થશે એવી ગુજરાત પોલીસને આશા છે.

ગેરકાયદેસર : દસ્તાવેજ, પ્રવાસ અને પ્રવેશ

ઇમેજ સ્રોત, Bhargav Parikh
જાન્યુઆરી-2022માં કલોલના ડીંગુચાનો પરિવાર ગેરકાયદેસર રીતે કૅનેડાના રસ્તે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે દંપતી અને બે સંતાન સહિત ચાર લોકોનાં મૃત્યુ થયાં હતાં. એ પછી આ એક આંતરરાષ્ટ્રીય કેસ બની ગયો હતો. જે દેશ-વિદેશના અખબારોમાં ભારે ચર્ચાયો હતો.
ગુજરાતના ડીજીપી આશિષ ભાટિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું હતું, "ગુજરાત પોલીસ ડીંગુચાના પરિવારના મૃત્યુ વિશેના કેસની તપાસ કરી રહી હતી, એ અરસામાં ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ, સીઆઈડી ક્રાઇમ-બ્રાન્ચે નકલી આધારકાર્ડ પરથી પાનકાર્ડ અને પાસપૉર્ટ બનાવી આપનારની ધરપકડ કરી હતી."
"એ પછી અમેરિકા અને કૅનેડાની ઍમ્બેસી તથા અમેરિકાની હોમલૅન્ડ દ્વારા કેટલીક વિગતો આપવામાં આવી હતી. જેના આધારે અમદાવાદની ક્રાઇમ-બ્રાન્ચ અને ગાંધીનગર સી.આઈ.ડી-ક્રાઇમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી."
નવેક મહિનાની તપાસના અંતે ગુજરાત પોલીસે વિઝિટર વિઝા પર ભારતથી કૅનેડા અને ત્યાંથી ગેરકાયદેસર રીતે અમેરિકા લઈ જવાના રૅકેટમાં સામેલ બે એજન્ટની ધરપકડ કરી છે, જ્યારે અન્યોની તપાસ ચાલુ છે.
અમેરિકાની આંતરિક સુરક્ષા માટે જવાબદાર હૉમલૅન્ડ સિક્યૉરિટી, ગુજરાત પોલીસ અને કૅનેડાની પોલીસે ગેરકાયદેસર ઘૂસણખોરી માટે જવાબદાર શખ્સોની સામે તપાસ હાથ ધરી હતી. ઈમેલ અને વીડિયો કૉન્ફરન્સિંગ સહિતના માધ્યમથી તપાસ એજનસીઓ સંપર્કમાં હતી અને ગુજરાત આવીને રૂબરૂ મુલાકાત પણ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

સર્વેલન્સ, ઇન્ટેલિજન્સ, ઇન્ફર્મેશન

ઇમેજ સ્રોત, Bhargav Parikh
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ડીંગુચા કેસને ઉકેલવા માટે ગુજરાત પોલીસે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સને કામે લગાડ્યા હતા. જેના આધારે સર્વેલન્સ પણ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન એજન્ટના હાથે છેતરાવાથી બચી ગયેલા એક શખ્સે માહિતી આપી હતી, જેના આધારે કેસમાં નોંધપાત્ર પ્રગતિ થઈ હતી.
આ કેસની તપાસ કરનાર અમદાવાદ ક્રાઇમ-બ્રાન્ચના ડેપ્યુટી કમિશનર ઑફ પોલિસ ચૈતન્ય માંડલિકે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું હતું, "તપાસની શરૂઆતમાં અમને ડુપ્લિકેટ આધારકાર્ડ મળ્યું હતું. જેના આધારે પાનકાર્ડ બનાવડાવવામાં આવ્યું હતું. આ અંગે ઊંડી તપાસ કરતા હરીશ પટેલ નામના શખ્સનું નામ બહાર આવ્યું હતું."
"હરીશ દ્વારા ડુપ્લિકેટ આધારકાર્ડ દ્વારા ગેરકાયદેસર રીતે અમેરિકા જનારાઓને પાસપૉર્ટ બનાવી આપવામાં આવતા હોવાનું ખુલ્યું હતું. સીઆઈડી ક્રાઇમ-બ્રાન્ચે હરીશ પટેલ પાસેથી 87 પાસપૉર્ટ જપ્ત કર્યા હતા. તેના તાર મેક્સિકો અને કૅનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલનાર એજન્ટ સાથે જોડાયેલા હતા."
માંડલિક ઉમેરે છે કે અમેરિકા અને કૅનેડાની પોલીસે અમને ઇનપુટ્સ આપ્યા હતા. જેના આધારે ગેરકાયદેસર રીતે કૅનેડાથી અમેરિકા મોકલતા પાંચ એજન્ટને શૉર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા. હ્યુમન તથા ટેક્નિકલ ઇન્ટેલિજન્સ દ્વારા તેમની પ્રવૃત્તિઓ ઉપર નજર રાખવામાં આવી હતી.
માંડલિક કહે છે, "વિદ્યાર્થીઓ તથા અન્યોને ગેરકાયદેસર રીતે પરદેશ મોકલવાનું ષડયંત્ર સુવ્યવસ્થિત રીતે ચાલી રહ્યું હતું, પરંતુ મોટાભાગના લોકોના પરિવારજનો ગેરકાયદેસર રીતે પરદેશ ગયા હોવાથી અમારી પાસે માહિતી હોવા છતાં કોઈ મદદ નહોતી મળી રહી."
"ગેરકાયદેસર રીતે વિદેશ મોકલવાની આડમાં એજન્ટના હાથે છેતરાતા બચી ગયેલા એક શખ્સે અમારો સંપર્ક કર્યો હતો અને ફેનિલ પટેલ નામનો એજન્ટ રૂ. 66થી 75 લાખમાં અમેરિકા લઈ જાય છે એવી માહિતી આપી હતી. અમારી પાસે ફેનિલ પટેલ વિશે માહિતી હતી. આ સિવાય અમેરિકાની ઇન્વેસ્ટિગેટિવ એજનસીએ જે માહિતી આપી હતી, તે ફેનિલ સાથે મળતા હતા."

વધુ નફાનો વધુ જોખમી રસ્તો

ઇમેજ સ્રોત, Bhargav Parikh
ડીંગુચાના પટેલ પરિવારની સાથે કુલ 11 શખ્સ કૅનેડાથી અમેરિકા જવા રવાના થયા હતા. ફેનિલ પટેલ અને બિટ્ટુ નામનો શખ્સ અમેરિકાની બૉર્ડર ક્રૉસ કરાવવા માટે તેમને 2500 કિલોમીટરની સફર કરાવીને વેનકુવર લઈ ગયા હતા.
અમેરિકા જવા માગતા લોકોને બે કારમાં લઈ જવામાં આવ્યા હતા, એક ગાડીને ફેનિલે તથા બીજી કારને બિટ્ટુએ ડ્રાઇવ કરી હતી. ત્યાં સરહદ પાર કરાવવા માટે વ્યક્તિદીઠ 11 હજાર 500 ડૉલરનો ખર્ચ થાય એમ હતો અને તેમાં રાહ જોવી પડે તેમ હતી.
બીજી બાજુ, વિનિપૅગથી બૉર્ડર ક્રૉસ કરવા માટે સાત હજાર 500 ડૉલર ચૂકવવા પડે તેમ હતા. જોકે, આને માટે વિદેશ જવા માગનારાઓએ વિનિપૅગથી ખાસ્સું ચાલીને જવું પડે તેમ હતું. આમ છતાં ફેનિલ દ્વારા તમામને વેનકુવરથી વિનિપૅગ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં વિદેશ જવા માગનારાઓના મોબાઇલમાં એક ઍપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવી હતી અને અમેરિકામાં તેમને સ્ટિવ સેન્ડ્સ નામનો શખ્સ મળશે, જે તેમને ફ્લૉરિડા લઈ જશે, એમ જણાવવામાં આવ્યું હતું.
ડીસીપી માંડલિકના કહેવા પ્રમાણે, "વધુ પૈસા મેળવવા માટે ફેનિલે બે હજાર 500 કિલોમીટરની સફર કારથી કરાવી હતી. અન્યથા તેણે ફ્લાઇટ મારફત મોકલ્યાં હોત. વિનિપેગ અને વેનકુવરની વચ્ચે ચાર હજાર ડૉલરનો ફેર પડતો હતો. આમ 11 લોકોના કુલ 44 હજાર ડૉલરથી વધુની રકમ થાય તેમ હતી. એટલે જીવના જોખમે પણ લોકોને વિનિપૅગના રસ્તે રવાના કર્યા હતા."
આગળનો રસ્તો ખતરનાક હોવાને કારણે ચાર લોકોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે વધુ બે લોકોનાં જીવ જોખમમાં મૂકાયાં હતાં. જો સમયસર સારવાર ન મળી હોત તો તેમની સ્થિતિ પણ ગંભીર રીતે ખરાબ થઈ હોત.

ત્રણ દેશ, એક કેસ

ઇમેજ સ્રોત, Bhargav Parikh
યુનાઇટેડ સ્ટેટ્સ ડિસ્ટ્રિક્ટ કોર્ટના મૅજિસ્ટ્રેટ હેડિ બોબિર સમક્ષ હોમલૅન્ડ સિક્યૉરિટી ઑફિસર જ્હોન સ્ટેનલી તથા બૉર્ડર પેટ્રોલિંગ એજન્ટ કેવિન બેકસે દાખલ કરેલી ઍફિડેવિટમાં જણાવ્યું હતું કે ડિસેમ્બર મહિનામાં કેટલાક લોકોએ ગેરકાયદેસર રીતે બૉર્ડર પાર કરી હતી. તેમના ફૂટપ્રિનટ મળ્યા હતા. ત્યાંથી તેમને કોઈ વાહનમાં લઈ જવાયા હોવાના પણ પુરાવા મળ્યા હતા.
કૅનેડિયન માઉન્ટેડ પોલીસને વિનિપૅગ પાસેથી એક બૅગપેક મળી હતી, જેની કિંમત ભારતીય ચલણમાં લખેલી હતી. આથી, હ્યુમન ટ્રાફિકિંગની આશંકાની પુષ્ટિ થઈ હતી.
તા. 12મી જાન્યુઆરીએ ભારે હીમવર્ષા થઈ હતી, જેના કારણે અમેરિકા-કૅનેડાની સરહદ પર એક કાર ફસાઈ ગઈ હતી. જેને કાઢવા માટે ક્રેન બોલાવવામાં આવી હતી. ક્રેનના સંચાલકે આપેલી માહિતી પ્રમાણે, જ્યારે કારને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે સાત લોકો ત્યાં પગપાળા પહોંચ્યા હતા. તેમને અંગ્રેજી બોલતા નહોતું આવડતું પણ ગુજરાતી જાણતા હતા.
સાત જણાં સાડા અગ્યાર કલાક પગપાળાચાલીને કૅનેડાથી અમેરિકાની સરહદમાં ઘૂસ્યા હતા. તેમને લેવા માટે સ્ટિવ સેન્ડ્સ પહોંચ્યો હતો. મૂળ ફ્લૉરિડાની આ વ્યક્તિએ આવનારાઓ માટે ખાવા-પીવાની વ્યવસ્થા કરી રાખી હતી અને અંતરિયાળ રસ્તે તેમને અમેરિકા લઈ જવાની યોજના હતી.
સાત લોકોમાં 'વી.ડી.' નામની વ્યક્તિ પણ હતી. તેની પાસે ડાયપર અને બાળકોનાં કપડાં હતાં. પૂછપરછ કરતા ચાર લોકો સાથે ન હોવાનું બહાર આવ્યું હતું. લાંબી શોધખોળ પછી બે બાળક અને માતા-પિતાના મૃતદેહ બરફમાંથી મળ્યા હતા.
સાડા અગ્યાર કલાક સુધી બરફમાં ચાલવાને લીધે એક મહિલાની આંગળીઓમાં લોહી થીજી ગયું હતું અને તેને શ્વાસની તકલીફ થઈ હતી. જ્યારે એક પુરુષના પગની આંગળીઓ થીજી જવાને કારણે તેને હૉસ્પિટલમાં સારવાર અપાવવી પડી હતી.
ગુજરાત પોલીસે અમદાવાદમાં ફેનિલ પેટલની ઑફિસે આવનારા લોકોનું ટેકનિકલ સર્વેલન્સ હાથ ધર્યું ત્યારે માલૂમ પડ્યું હતું કે મેમનગરમાં રહેતી યોગેશ પટેલ નામની વ્યક્તિ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલી હતી. યોગેશ પટેલ રૂ. 66થી રૂ. 75લાખ લઈને ફેનિલની મદદથી અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરાવતા હતા.

પીડિતો અને પાડોશીઓનું મૌન

ઇમેજ સ્રોત, KARTIK JANI
યોગેશ પટેલને પૈસા આપીને ગેરકાયદેસર રીતે અમેરિકા ગયેલાં પ્રિયંકા ચૌધરીનાં સગાં અને અમદાવાદના રાણીપમાં રહેતા એમ. એમ. ચૌધરીએ બીબીસી સાથે વાત કરતા કહ્યું હતું, "પ્રિયંકા અમારા સગાં છે અને માણસામાં રહેતાં. પ્રિન્સ ચૌધરીના કહેવાથી તેમણે યોગેશ પટેલ સાથે મુલાકાત કરી હતી. એની સાથે એના કાકાને વાત થઈ હતી."
"અમેરિકા પહોંચ્યા પછી અમુક રકમ આપવાની હતી. વીડિયો કૉલ ઉપર વાત થઈ હતી. પણ ત્યારબાદ જાન્યુઆરીના અંતમાં ની સાથે વાત થઈ, ત્યારે તે હૉસ્પિટલમાં હતી. એના હાથની આંગળીઓમાં લોહી થીજી જવાને કારણે ઑપરેશન કરાવવું પડ્યું હતું અને હૉસ્પિટલમાં લઈ જતી વખતે શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી એટલે ઑક્સિજન પણ આપવો પડ્યો હતો. લોહી થીજી જવાને કારણે પ્રિનસને પગની આંગળીઓની સારવાર કરાવવી પડી હતી."
અગાઉ પેટાએજન્ટ તરીકે ગેરકાયદેસર રીતે લોકોને અમેરિકા મોકલવાના કામ સાથે જોડાયેલા એક શખ્સે નામ નહીં આપવાની શરતે બીબીસી સાથે વાત કરતા કહ્યું હતું, "જાન્યુઆરી-2022માં કોરોનાની મહામારી ઓછી થતાં યોગેશ પટેલ ફરી સક્રિય થયા હતા. જે છેલ્લા દસેક વર્ષથી બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના ઓઠા હેઠળ કૅનેડાના રસ્તે અમેરિકા મોકલવાનું કામ કરતા."
"યોગેશે 11 લોકોને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવાનું આયોજન કર્યું હતું. પેટાએજન્ટ ભાવેશે કલોલ-માણસામાંથી અને યોગેશે અમદાવાદમાંથી અમેરિકા જવા માગતા કેટલાક લોકોને તૈયાર કર્યા હતા."
અમદાવાદના મેમનગર વિસ્તારમાં રહેતા યોગેશના પાડોશીઓ તેમના વિશે કોઈ વાત કરવા તૈયાર નથી અને તેમણે મૌન સેવી લીધું છે. તેમની સાથે કામ કરનાર ઇલેક્ટ્રિશિયન જયેશ ઠાકોરે કહ્યું, "અમે યોગેશ પટેલને કૉન્ટ્રાક્ટર તરીકે ઓળખીએ છીએ. તેઓ ગેરકાયદેસર રીતે લોકોને પરદેશ મોકલવાનું કામ કરતા હોવાની અમને જાણ નથી."
કલોલના પલસાણામાં રહેતા ભાવેશ પટેલના મિત્ર જિગ્નેશે બીબીસી સાથે ટેલિફોનિક વાતચીતમાં કહ્યું હતું, "ભાવેશ નાનું-મોટું ટ્રેડિંગનું કામ કરતા હતા, પણ તેઓ ગેરકાયદેસર રીતે વિદેશમાં મોકલવાનું કામ કરતા હોવાની અમને ખબર નથી."
મહેસાણા એલસીબી (લોકલ ક્રાઇમ-બ્રાન્ચ)માં કામ કરી ચૂકેલા અને હાલમાં અમદાવાદ ગ્રામ્યમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા બી. એચ. રાઠોડે કહ્યું હતું, "ઉત્તર ગુજરાતમાંથી લોકોને મૅક્સિકો અને કૅનેડાના રસ્તે ગેરકાયદેસર રીતે અમેરિકા લઈ જવાનું નેટવર્ક ચાલે છે. મૅક્સિકોનું રૅકેટ અતુલ ચૌધરી અને બૉબી પટેલ ચલાવે છે. કૅનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવામાં આવે છે."
"આ બંને અંગ્રેજી ન આવડતું હોય તો પણ ડમી છોકરાઓને પરીક્ષામાં બેસાડીને આઈઈએલટીએસમાં (ઇન્ટરનેશનલ ઇંગ્લિશ લૅંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ) સારા માર્ક્સ સાથે પાસ કરાવવાનું કામ દિલ્હીની એક ઇન્સ્ટિટ્યૂટ મારફત કરતા.અંગ્રેજીમાં સારા માર્ક સાથે પાસ થયેલા છોકરા અમેરિકામાં પકડાયા અને કોર્ટમાં પકડાયા ત્યારે અને ડીંગુચાના પરિવારના મૃત્યુ સમયે પણ એજન્ટોના તાર મળતા હતા."
"તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે ઉત્તર ગુજરાતના ગ્રામ્ય કે તાલુકાસ્તેર કામ કરતા એજન્ટ અમદાવાદ ખાતેના એજન્ટનો સંપર્ક કરાવે છે. તેમને વિઝિટર વિઝા પર દિલ્હીથી કૅનેડા કે મેક્સિકો મોકલવામાં આવે છે. મૅક્સિકોની સરહદેથી ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરતા પકડાયેલા લોકોને રૅફ્યૂજી કૅમ્પ જેવી સુવિધામાં રાખવામાં આવે છે."
"એમના મોબાઇલ ફોનમાં ઍપ્લિકેશન ડાઉનલોડ કરીને તેમને ચાલતા મોકલવામાં આવે છે. અહીં ગુજરાતના એજન્ટનું કામ પૂરું થાય છે અને એ પછી મૅક્સિકોના એજન્ટ એમને અમેરિકાના એજન્ટના હવાલે કરે છે અને ત્યાં નોકરીએ રખાવવા સુધીનું કામ કરે છે."
"કૅનેડાથી અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરનારાઓને મૉટેલના રૂમમાં રાખવામાં આવે છે. કૅનેડા અને અમેરિકાના એજન્ટ અલગ-અલગ હોય છે. જ્યારે ઘૂસણખોરી કરનારી વ્યક્તિ અમેરિકામાં પકડાય જાય, ત્યારે તેમના કાંડા પર જીપીએસવાળો (ગ્લોબલ પૉઝિશનિંગ સિસ્ટમ) બૅન્ડ બાંધવામાં આવે છે. જેથી કરીને તેમની મૂવમેન્ટ પર નજર રહે. જો આ લોકો કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ ન હોય તો કેસ ચાલે ત્યાર સુધી તેમને કોઈ હેરાન નથી કરતું. અમેરિકાના એજન્ટના વકીલો આવા લોકોના કેસ લડે છે. મોટાભાગના લોકો ગેરકાયદેસર કામ ન કરે તો સમય જતાં ત્યાંજ સ્થાયી થઈ જાય છે."
"રૂ. 66 થી 75 લાખ વસૂલતા એજન્ટ આ બધી જવાબદારી ઉઠાવે છે."
બોબી પટેલની તાજેતરમાં ધરપકડ થઈ છે, જ્યારે અતુલ ચૌધરીએ રશિયન છોકરી સાથે લગ્ન કર્યું છે. રશિયા અને યુક્રેનની વચ્ચે યુદ્ધ શરૂ થયું તે પછી અતુલ તેમનાં પત્ની સાથે કૅનેડામાં હોવાનું માનવામાં આવે છે.
ડીજીપી ભાટિયાના કહેવા પ્રમાણે, "ગુજરાતમાંથી ગેરકાયદેસર અમેરિકા મોકલવાના રૅકેટમાં અમે ઘણાં નજીક સુધી પહોંચી ગયા છીએ. બે એજન્ટની ધરપકડ થઈ છે. વિદેશી એજન્સીઓ સાથે સંપર્કમાં છીએ અને પરદેશમાં રહેલા એજન્ટોને પણ અમે ટૂંક સમયમાં પકડી પાડીશું."














