એ '3 લેયર ફૉર્મ્યુલા' જેના થકી ગુજરાતીઓને અમેરિકામાં ગેરકાયદે ઘુસાડાય છે

ઇમેજ સ્રોત, Gujarat Police
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાત પોલીસે હાલમાં જ ‘ત્રણ સ્તરવાળા નેટવર્ક’નો પત્તો લગાવી ગુજરાતથી અનેક લોકોને અમેરિકા મોકલતી એક ગૅંગના કથિત મુખ્ય સૂત્રધાર ભરત પટેલ ઉર્ફે બૉબી પટેલ નામની વ્યક્તિની ધરપકડ કરી છે.
બૉબી પટેલની ધરપકડ થયા બાદ પોલીસને હવે ડીંગુચા ગામના પટેલ પરિવારના મૃત્યુ કેસમાં પણ કડી મળે તેવી શક્યતા દેખાઈ રહી છે.
ચાલુ વર્ષના પ્રારંભમાં ડીંગુચા ગામના એક પટેલ પરિવારનાં બે બાળકો સહિત ચાર સભ્યો કૅનેડા-અમેરિકાની સરહદે ગેરકાયદેસર રીતે પ્રવેશતી વખતે અતિ ઠંડા વાતાવરણમાં ફસાઈ જતાં મૃત્યુ પામ્યા હતા.જેમાં જગદીશ પટેલ, તેમનાં પત્ની વૈશાલી અને તેમનાં બે બાળકો સામેલ હતાં.
ડીંગુચા કેસ ઉપરાંત ગુજરાતથી ‘સેંકડોની સંખ્યામાં કેવી રીતે ગેરકાયદેસર વિદેશ મોકલવા માટે’ આરોપીઓ દ્વારા શું વ્યવસ્થા કરાતી? આ કૃત્ય માટે કેટલા રૂપિયા પડાવાતા? આ તમામ પ્રશ્નોના જવાબ મેળવવા માટે બીબીસી ગુજરાતીએ પ્રયત્ન કર્યો હતો.

‘એક માસમાં 100 લોકોને અમેરિકા મોકલવાની પ્રક્રિયા શરૂ કરાઈ’

ઇમેજ સ્રોત, Gujarat Police
બૉબી પટેલની ધરપકડ સ્ટેટ મૉનિટરિંગ સેલના (SMC) અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી.
આ અંગે SMCના એસપી નિર્લિપ્ત રાયે આ મામલા અંગે વાત કરતાં કહ્યું કે, “બૉબી પટેલની ધરપકડ બાદ અનેક લોકો છેતરાતા અટકશે, કારણ કે અમેરિકા ગેરકાયદેસર જનારા લોકો બૉબી કે તેની ગૅંગના સભ્યોનો જ સંપર્ક કરતા હતા.”
પોલીસના એક અંદાજ પ્રમાણે બૉબીએ માત્ર એક મહિનામાં 100 જેટલા લોકોને અમેરિકા મોકલવાની પ્રક્રિયા કરી હતી, જોકે પોલીસને આશંકા છે કે હજી આગળની તપાસમાં આ આંકડો ખૂબ મોટો હોવાનું સામે આવી શકે એમ છે.
રાય કહે છે કે, “પોલીસ હજી આગળ તપાસ કરી રહી છે અને હજી આ કેસમાં બીજા અનેક સ્તરો અને અન્ય સર્કિટ બહાર આવી શકે તેવું લાગી રહ્યું છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નોંધનીય છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયેલી કબૂતરબાજીની એક ફરિયાદના આધારે બૉબીની ધરપકડ કરાઈ હતી.
બૉબીને ગુરુવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને પોલીસ તેમના રિમાન્ડ માગશે.
સ્ટેટ મૉનિટરિંગ સેલની તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે કથિતપણે બૉબી પટેલનું નેટવર્ક ત્રણ સ્તરમાં ચાલે છે અને દરેક સ્તરમાં અનેક લોકો અલગઅલગ કામ કરે છે.
પ્રથમ સ્તર ગુજરાતમાં છે, બીજો દિલ્હી અને ત્રીજો સ્તર બહારના દેશોમાં છે, જેમાં મુખ્ય લૅટિન અમેરિકાનું મૅક્સિકો છે.
જોકે મળી રહેલ જાણકારી અનુસાર ગુજરાત પોલીસ હજી સુધી પહેલા અને બીજા સ્તર સુધી જ પહોંચી છે.
આ કથિત નેટવર્ક વિશે વાત કરતાં સ્ટેટ મૉનિટરિંગ સેલના ડેપ્યુટી સુપ્રરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ, કે. ટી. કમારીયાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું : “જો ગુજરાતની વાત કરીએ તો તેમાં મુખ્ય સૂત્રધાર બૉબી પટેલ છે અને તેના માણસો વિવિધ શહેરોમાં, મુખ્યત્વે ઉત્તર ગુજરાતમાં ફેલાયેલા છે. આ માણસો દ્વારા બૉબીને એવા લોકોનો સંપર્ક થાય છે કે જેઓ અમેરિકા જવા માટે ખર્ચો કરી શકે છે.”

કેવી રીતે ગુજરાતીઓને અમેરિકા પહોંચાડાય છે?

ઇમેજ સ્રોત, Gujarat Police
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પ્રથમ સ્તર – ગુજરાત
પોલીસે આપેલ માહિતી અનુસાર ગુજરાતના સ્તરે ગેરકાયદેસર રીતે અમેરિકા જવા માગતી વ્યક્તિ જો આરોપી બૉબીના માણસોનો સંપર્ક કરે તો તેના તમામ દસ્તાવેજો તૈયાર કરાય છે.
જો કોઈ વ્યક્તિ પાસે પાસપોર્ટ હોય તો તેના આધારે બીજા દસ્તાવેજ બનાવાની તૈયારી કરવામાં આવે છે. અને જો પાસપોર્ટ ન હોય તો તેવી વ્યક્તિ માટે પાસપોર્ટની વ્યવસ્થા પણ કરવામાં આવે છે.
આ સ્તરે, કથિતપણે વ્યક્તિના યુરોપ અથવા કૅનેડાના વિઝા માટેની તમામ તૈયારીઓ કરવામાં આવે છે. જેમાં બૅંક ઍકાઉન્ટથી માંડીને આઇટી રિટર્ન કે પછી અમુક બનાવટી કંપનીના બનાવટી દસ્તાવેજો સહિતનાં કાગળો તૈયાર કરવામાં આવે છે.
કથિતપણે જ્યારે અમુક વ્યક્તિ બૉબી કે તેમના કોઈ સાગરિતને મળે તો પહેલાં તેમને કયાં દેશામાં વિઝિટર વિઝા મળી શકે તેની શક્યતા જોઈને તે પ્રમાણેનું ડૉક્યુમેન્ટેશન થતું હોય છે.
હાલમાં પોલીસને જાણવા મળ્યું છે કે આ સ્તરનું બધું કામ પાર પાડવા માટે બૉબી પાસે અમદાવાદમાં બે ઑફિસ હતી.
પોલીસના દરોડા દરમિયાન આ ઑફિસેથી 94 પાસપોર્ટ કબજે કરવામાં આવ્યા છે. આ પાસપોર્ટોની ખરાઈ કરાવા માટે પોલીસે પાસપોર્ટ ઑફિસની પણ મદદ લીધી છે.

દ્વિતીય સ્તર – દિલ્હી
જ્યારે એક વખત તમામ ડૉક્યુમેન્ટેશન થઈ જાય ત્યારે વિદેશમાં વિઝિટર વિઝા મેળવવા માટે જે તે વ્યક્તિને દિલ્હીમાં જે તે દેશના દૂતાવાસમાં ઇન્ટરવ્યૂ માટે જવાનું રહે છે.
કથિતપણે આ વ્યવસ્થામાં દિલ્હી અને ત્યાર બાદની તમામ જવાબદારી દિલ્હીમાં રહેલી વ્યક્તિની હોય છે.
આ સ્તર અંગે માહિતી આપતાં ડીવાયએસપી કમારીયા કહે છે કે, “હાલમાં આ સ્તરને લઈને ચરણજિત નામની એક વ્યક્તિ વિશે જાણ થઈ છે, જે દિલ્હીમાં રહે છે અને ત્યાંથી ગુજરાતનું આખું ઑપરેશન સંભાળે છે. આ સ્તરે, વિદેશ જનાર વ્યક્તિને વિઝા ન મળી જાય ત્યાં સુધી દિલ્હીના લોકો તેને દરેક રીતે મદદ કરતા રહે છે.”

તૃતીય સ્તર – મૅક્સિકો
કથિતપણે સેનજેન (યુરોપિયન યુનિયનના 22 દેશો માટે અપાતો વિઝા) વિઝા મેળવ્યા બાદ યુરોપના દેશોમાં આવી રીતે પહોંચેલ વ્યક્તિ છૂટથી ફરી શકે છે.
આ સ્તર અંગે માહિતી આપતાં પોલીસે નીચે પ્રમાણેની માહિતી શૅર કરી હતી.
જો વિઝા ન હોય તો મૅક્સિકોમાં ઓન-અરાઇવલ વિઝા થકી પણ પ્રવેશ કરી શકાય છે.
એટલે કે યુરોપના વિઝા મેળવીને અમેરિકાની બૉર્ડર સુધી સહેલાઈથી પહોંચી શકાય છે. દાખલા તરીકે ઑસ્ટ્રિયા, હંગરી, સ્પેન, સ્વિટ્ઝર્લૅન્ડ વગેરે જેવા દેશમાં વિઝિટર વિઝા મેળવ્યા બાદ, થોડા દિવસ સુધી ત્યાં રહ્યા બાદ, ગુજરાતથી ગેરકાયદેસર અમેરિકા જઈ રહેલા લોકો ઓન-અરાઇવલ વિઝાની મદદથી મૅક્સિકોમાં પ્રવેશ કરે છે.
આ ત્રીજા સ્તરના લોકોની જવાબદારી, ગુજરાતથી મૅક્સિકો પહોંચનારા લોકોને અમેરિકાની બૉર્ડરની પેલે પાર પહોંચાડવાની હોય છે.
પોલીસને લાગી રહ્યું છે કે આ સ્તરમાં ગુજરાતમાંથી અમેરિકા જઈ વસેલા લોકો પણ સક્રિય ભાગ ભજવતા હોઈ શકે છે.

પૈસાની લેવડ-દેવડ કેવી રીતે થાય છે?
આ સંદર્ભે પોલીસે ચોક્કસ ખુલાસો કર્યો નથી. પરંતુ પોલીસને મળેલી માહિતી પ્રમાણે કથિતપણે આવી રીતે અમેરિકા મોકલવા માટે બૉબી પટેલ એક વ્યક્તિ દિઠ 85 લાખ રૂપિયા વસૂલતા હતા.
પોલીસે આપેલ માહિતી અનુસાર આમાં પાસપૉર્ટ, વિઝિટર વિઝા, દિલ્હી અને ત્યાર બાદના તમામ પ્રવાસનો ખર્ચ સામેલ હોય છે.
આ તમામ લેવડદેવડ માત્ર રોકડામાં થતી હોય છે.
પોલીસ પ્રમાણે એક વ્યક્તિ દિઠ બૉબીની ટીમને આશરે 25 લાખ રૂપિયા મળતા હતા, જ્યારે બાકીના પૈસા બીજા ખર્ચ અને દિલ્હી તેમજ મૅક્સિકોના સ્તરે આગળ પહોંચાડવામાં આવતા હતા.
પોલીસને હાલમાં બૉબીની ઑફિસમાંથી કથિતપણે 94 પાસપોર્ટ મળ્યા છે, જો આ બાબતને હકીકત માની ગણતરી માંડવામાં આવે તો જો પોલીસે આરોપીને ન પકડ્યા હોત તો કથિતપણે તેમણે આશરે 80 કરોડ રૂપિયાની લેવડદેવડ કરીને 100 જેટલા લોકોને ગુજરાતથી અમેરિકા મોકલી દીધા હોત.

ડિંગુચાના પરિવારનો મામલો શો છે?

ઇમેજ સ્રોત, KARTIK JANI
હાલ પોલીસ પાસે રહેલ માહિતી અનુસાર હાલ તો આરોપી બૉબી પટેલે ડીંગુચા ગામના ચાર લોકોને અહીંથી કૅનેડા અને પછી અમેરિકન બૉર્ડર પર મોકલ્યા હોવાની અને પછી તેમના મૃત્યુ સંદર્ભે કોઈ માહિતી આપી નથી.
જોકે પોલીસ તે દિશામાં તપાસ જરૂર કરી રહી છે, પરંતુ આ કેસ વિશે કોઈ પણ માહિતી હજી સુધી ગુજરાત પોલીસ પાસે નથી.
આ કેસની સંપૂર્ણ તપાસ તેમજ તમામ કેસ પેપરો કૅનેડાની પોલીસના કબજામાં છે, માટે જો ગુજરાત પોલીસને આ અંગે કડી મળશે તો કેનેડાની સરકારને તે વિશે માહિતગાર કરાશે.
ચાલુ વર્ષના જાન્યુઆરી માસમાં કૅનેડાની પોલીસને અમેરિકાની સરહદ નજીક આવેલા વિશાળ મેદાનમાં એક નવજાત સહિત ચારના મૃતદેહ મળ્યા હતા. ગુજરાતના કલોલના ડીંગુચાનો આ પટેલ પરિવાર પરિવાર ગેરકાયદે પ્રવેશ કરતી વખતે કાતિલ ઠંડીમાં થીજી જવાથી મૃત્યુને ભેટ્યો હતો.
અધિકારીઓનું કહેવું હતું કે -35 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને ઠંડી હવાથી ઠરી જવાથી ચારેય લોકોનાં મૃત્યુ થયાં હતાં. મૃતકોનાં નામ જગદિશ પટેલ, વૈશાલી પટેલ, વિહાંગી પટેલ અને ધાર્મિક પટેલ હતાં. પરિવાર કૅનેડામાંથી ગેરકાયદે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો એ વખતે આ ઘટના ઘટી હતી. ડીગુંચા એન.આર.આઈ.ના ગામ તરીકે ઓળખાય છે. ગામમાં મુખ્યત્વે પાટીદાર સમાજના લોકો રહે છે અને લગભગ ઘરેથી એક કરતાં વધુ વ્યક્તિ અમેરિકા, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ, કૅનેડા કે યુરોપના કોઈ દેશમાં સ્થાયી થઈ છે. ગુજરાતમાંથી પરદેશ જનારા અને ત્યાં નામ કમાનારા લોકોમાં પાટીદાર સમુદાય મોખરે ગણાય છે.
ખાસ કરીને ઉત્તર ગુજરાતના પાટીદાર સમુદાયમાં વિદેશ જવાની ભારે ધૂન હોવાનું માનવામાં આવે છે. ઉત્તર ગુજરાતના પટેલ સમાજના આગેવાન અને નિવૃત્ત શિક્ષક આર.એસ. પટેલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું :
"ઉત્તર ગુજરાતના યુવાનો અમેરિકા અને કૅનેડા જવા માટે ગમે તે રસ્તો અપનાવે છે. ઉત્તર ગુજરાતનાં 42 ગામના ગોળના મોટા ભાગના યુવાનો પરદેશમાં સ્થાયી થયા છે એટલે એ લોકોને 'ડૉલરિયા ગોળ' પણ કહેવામાં આવે છે. આવા યુવાનોનાં લગ્ન ઝડપથી થઈ જાય છે."
નોંધનીય છે કે ઉત્તર ગુજરાતમાં પટેલોનાં ગામ પ્રમાણે ગોળ બન્યા છે. ગોળ એ પરસ્પર કન્યાની લેવડદેવડ માટે નક્કી કરેલું નાતીલાઓનું જૂથ છે.
આર.એસ. પટેલ ઉમેરે છે, "પૈસા કમાવા માટે જે છોકરાઓ પરદેશ જાય એને ત્યાં પહેલાંથી જ સ્થાયી થયેલા 42 ગોળના પટેલો તરત જ નોકરીએ રાખી લે છે. એ રીતે બે પાંદડે થવાની લાયમાં અહીંના યુવાનો પરદેશ જતા રહે છે. ઓછું ભણેલા લોકો પણ જીવના જોખમે પરદેશ જાય છે."














