'ગાંધીના ગુજરાત'નું પોરબંદર જ્યારે 'શિકાગો' બન્યું અને ગૅંગવૉરમાં લોહી રેડાયું, લોહિયાળ ઇતિહાસની કહાણી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
1960માં સ્થાપના સમયથી જ રાજ્યને 'ગાંધીના ગુજરાત' તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તેમનો જન્મ પોરબંદર ખાતે થયો હતો. જો પોરબંદરનું કીર્તિ મંદિર ગાંધીની સ્મૃતિઓની સાક્ષી પૂરે છે, તો કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનની ફાઇલો એક સમયે આ શહેર કેટલું કુખ્યાત હતું, તેની જુબાની આપે છે.
પોરબંદર અને પાડોશમાં આવેલું કુતિયાણા 'સિયામીઝ ટ્વિન્સ' જેવાં છે. જે પરિબળો અને ચહેરાએ કુતિયાણાનો ઇતિહાસ લખ્યો, તેમણે જ પોરબંદરનું પણ ભાવિ ઘડ્યું હતું.
એક સમયે કાયદો અને વ્યવસ્થાની હદ આ વિસ્તારમાં પૂરી થઈ જતી. અનેક ગૅંગ અહીંના ટ્રાન્સપૉર્ટ, બંદર, માછીમારી અને ખાણકામના ધંધા ઉપર કબજો જમાવવા માટે પ્રયાસરત હતી.
આ માટે હથિયારોનો છૂટથી ઉપયોગ થતો અને ભારે હિંસા થતી, જેના કારણે અંગ્રેજી માધ્યમોમાં પોરબંદર 'શિકાગો ઑફ ગુજરાત' તરીકે ઓળખાતું.
પોરબંદર વિધાનસભા બેઠક પર કૉંગ્રેસમાંથી ચૂંટાયેલા અર્જુન મોઢવાડિયા પક્ષપલટો કરીને હવે ભાજપમાં જોડાયા છે અને હાલ પોરબંદરની બેઠક પરથી જ ભાજપના ઉમેદવાર તરીકે વિધાનસભાની પેટાચૂંટણી લડી રહ્યા છે.
જોકે, એક સમય હતો જ્યારે પોરબંદર અને નજીકમાં આવેલી કુતિયાણા વિધાનસભા બેઠકો જ નહીં, આ વિસ્તારોમાં પોતાની સત્તા અને સામ્રાજ્ય સ્થાપવા લોહિયાળ ગૅંગવૉર થતાં. શક્તિપ્રદર્શન કરીને લોકમાનસમાં ડરથી પોતાનો પ્રભાવ અને આધિપત્ય જમાવવા માટે સરાજાહેર હત્યાઓ પણ થતી. હવે ભૂતકાળ બની ગયેલી એ ઘટનાઓ પોરબંદરના ઇતિહાસમાં હંમેશ માટે અંકિત થઈ ચૂકી છે.
પોરબંદરના પૉલિટિક્સની પૃષ્ઠભૂમિ

ઇમેજ સ્રોત, Getty Images
1962માં બીજી વિધાનસભાનું ગઠન કરવા માટે ચૂંટણી યોજાઈ ત્યારે કૉંગ્રેસના પોપટલાલ કક્કડ વિજયી થયા હતા, જેઓ બેઠક પર સંખ્યાની દૃષ્ટિએ લઘુમતી ગણાતા લોહાણા (ઠક્કર) સમાજના હતા.
આશ્ચર્યજનક રીતે આ બેઠક પર સામ્યવાદી પક્ષના ઉમેદવાર રામભાઈ વીસાણા બીજા ક્રમે રહ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અહીં નાનજી કાલીદાસ મહેતા (ફિલ્મ અભિનેત્રી જૂહી ચાવલાના પતિ જય મહેતાના દાદા) દ્વારા સ્થાપિત મહારાણા મિલ્સ ધમધમતી હતી.
મિલમજૂરો ઉપર કરસન તથા દેવુ વાઘેરનું પ્રભુત્વ હતું, જેમને કથિત રીતે મિલમાલિકોનું સમર્થન હાંસલ હતું. આગળ જતાં તેઓ સરમણ મુંજાને અંડરવર્લ્ડમાં લાવવા માટે નિમિત્ત બન્યા.
1967ની ચૂંટણીમાં કક્કડે લોહાણા સમાજના જ વસનજી ખેરાજ ઠકરારને પરાજય આપ્યો, જેઓ સ્વતંત્ર પક્ષના ઉમેદવાર હતા. આગામી લગભગ અઢી દાયકા સુધી ઠકરારનો પોરબંદરના રાજકારણમાં દબદબો રહેવાનો હતો.
1972ની વિધાનસભા ચૂંટણી દરમિયાન કૉંગ્રેસે પોરબંદરની બેઠક પરથી મેર સમાજના માલદેવજી ઓડેદરાને ચૂંટણીજંગમાં ઉતાર્યા. જેમને પાસેની કુતિયાણા બેઠક પરથી અહીં ખસેડવામાં આવ્યા હતા.
આ પહેલાં તેઓ 1957ની બૉમ્બે વિધાનસભામાં પણ ચૂંટાઈ આવ્યા હતા અને ગુજરાતની પહેલી વિધાનસભામાં તેમણે પોતાની ટર્મ પૂરી કરી હતી. તેઓ ગુજરાત સરકારમાં કૅબિનેટ કક્ષાના મંત્રી પણ બન્યા હતા.
હજુ ત્રણેક મહિના પહેલાં જ પાકિસ્તાનના હુમલાનો ભારતે જવાબ આપ્યો હતો અને વિશ્વના નકશા ઉપર બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યો હતો. એટલે લોકજુવાળ કૉંગ્રેસ તરફી હતો. ફરી એક વખત વસનજી ઠકરારની હાર થઈ, જેઓ અપક્ષ ચૂંટણી લડ્યા હતા.
પોરબંદરના બાહુબલીઓ હજુ જાતે ચૂંટણી લડીને રાજકારણમાં ઝંપલાવવાનું નહોતા શીખ્યા. રાજકીય પક્ષો 'ઔપચારિક રીતે' તેમનાથી અંતર જાળવતા, પરંતુ અંદરખાને તેમના બાહુબળ તથા ધનબળનો ઉપયોગ કરતા અને તેમના સમાજના મતોને પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવતા હતા.
ઠકરારની ઠકરાઈ અને સત્તાપરિવર્તન

ઇમેજ સ્રોત, Getty Images
કાંધલ જાડેજાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, 'પોરબંદરમાં એક સમય હતો કે સિક્કા મરાવી શકાતા હતા, પરંતુ હવે ઈવીએમ આવી ગયાં છે. તેમાં તમે શું કરી શકો.' તેમનું આ નિવેદન પોરબંદરના રાજકારણ વિશે ઘણું કહી જાય છે.
પોતાની ત્રીજી ચૂંટણીમાં વસનજી ઠકરારે જનસંઘની ટિકિટ ઉપર વિજયનો સ્વાદ ચાખ્યો. કૉંગ્રેસની આંતરિક સત્તાની સાંઠમારી, નવનિર્માણ આંદોલન, મોંઘવારી વગેરે જેવી બાબતો છવાયેલી હતી.
મોરારજી દેસાઈની પહેલથી બનેલા જનતા મોરચાને સત્તાથી હાથવેંતનું છેટું રહ્યું, ત્યારે ચીમનભાઈ પટેલ દ્વારા સ્થાપિત કિમલોપે તેમને ટેકો જાહેર કર્યો હતો.
ઠકરારે પોતાના પરંપરાગત હરીફને માલદેવજી ઓડેદરાને પરાજય આપ્યો હતો. વધુમાં સરમણ મુંજાના ટેકાને કારણે આ વિજય સરળ બન્યો હતો.
પોરબંદરસ્થિત વરિષ્ઠ પત્રકાર હેમેન્દ્ર પારેખે બીબીસી ગુજરાતીના પ્રતિનિધિ ભાર્ગવ પરીખ સાથે વાત કરતા કહ્યું, "વસનજી ઠકરાર પોતે ટ્રાન્સપૉર્ટના વ્યવસાય સાથે જોડાયેલા હતા. તેમણે પોરબંદર નગરપાલિકાના પ્રમુખ તરીકે વિકાસના અનેક નોંધપાત્ર કામો કર્યાં હતાં. તેઓ નીડર પણ આખાબોલા હતા, જેના કારણે તેમના અનેક શત્રુ અને હિતશત્રુ ઊભા થયા હતા."
"ઠકરારની પોતાની કોઈ ગૅંગ ન હતી, પરંતુ અલગ-અલગ સમુદાયની ગૅંગો અને ગૅંગસ્ટર્સની વચ્ચે સમીકરણ બેસાડીને તેઓ પોતાનું હિત સાધી શકતા હતા. જેના કારણે ગૅંગોમાં ફાંટા પડ્યા અને નવી ગૅંગો અને ગૅંગલીડર અસ્તિત્વમાં આવ્યા. જેના કારણે પોરબંદર લાંબા સમય સુધી ગૅંગવૉરમાં સપડાયેલું રહ્યું."
રાજકીય વિશ્લેષક હરિ દેસાઈના (ગાંધીનગર સમાચાર, 17 ડિસેમ્બર 2017, પેજ નંબર 4-5) મતે, "1975ની વિધાનસભા ચૂંટણીમાં મોરારજી દેસાઈએ તેમના કહ્યાગરા એવા બાબુભાઈ જશભાઈ પટેલને મુખ્ય મંત્રી બનાવ્યા, પરંતુ તેમની સરકારને પાડી દેવા જનસંઘના જ બે ધારાસભ્ય વસનજી ઠકરાર અને પીસી પટેલે (અમદાવાદ) પહેલ કરી હતી."
આ અરસામાં ઇંદિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી દીધી હતી. ઠકરાર જનસંઘમાંથી અપક્ષ ધારાસભ્ય બન્યા.
તેમણે તત્કાલીન સરકારના આરોગ્ય વિભાગ પર ભરતી અને બદલીમાં ભ્રષ્ટાચારના આરોપ પણ મૂક્યા હતા. માર્ચ-1976માં બાબુભાઈ સરકારના પતન પછી તેઓ કૉંગ્રેસમાં જોડાઈ ગયા. કટોકટીકાળમાં જનસંઘ તથા સંસ્થા કૉંગ્રેસના અનેક નેતાઓ-કાર્યકરોએ આવું જ કર્યું હતું.
ઠકરાર પોરબંદર નગરપાલિકાના પ્રમુખ બન્યા હતા. 1980ની વિધાનસભા ચૂંટણી તેઓ જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણીપ્રચાર કરી રહ્યા હતા, ત્યારે 18મી મેના દિવસે પોરબંદરના બગવદર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા ભારવાડામાં મેર મૂળુ નથુ અને તેમના ભાઈએ ચાકુના ઘા મારીને ફાયરિંગ કરીને તેમની હત્યા કરી નાખી.
આજે પોરબંદરમાં વસનજી ખેરાજના નામે શાળા ઊભી છે અને મુંબઈ યુનિવર્સિટીમાં તેમની સ્મૃતિ વ્યાખ્યાનમાળા ચાલે છે.
ખારવા, મેર અને 'ખરાખરી'નો ખેલ

ઇમેજ સ્રોત, Getty Images
આમ તો સરમણ મુંજાના સમયમાં જ જાડેજા ગૅંગનો ડંકો વાગવા લાગ્યો હતો. ઑક્ટોબર-1986માં તેમણે રાત્રે નવેક વાગ્યે પોરબંદરની જેલમાંથી બહાર એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો. આના થોડા સમય પહેલાં જ ગુજરાત સરકારે પોરબંદરની જેલને થોડો સમય માટે બંધ કરી દીધી હતી, કારણ કે તે કેદીઓ માટે 'જેલ નહીં મહેલ' બની ગઈ હતી.
તેમણે ટ્રાન્સપૉર્ટ, ખાણકામ અને જમીન-મકાનની લે-વેચમાં ઝંપલાવ્યું હતું, છતાં ગૅંગ પૂર્ણપણે સુવ્યવસ્થિત ન હતી અને પૈસાની દૃષ્ટિએ એટલી સદ્ધર ન હતી.
સરમણ મુંજાની હત્યા બાદ સંતોકબહેને ગૅંગની ધૂરા સંભાળી. તેમણે ગૅંગને સુવ્યવસ્થિત બનાવી તથા આવકના નવા સ્રોત ઊભા કર્યા.
શબાના આઝમી અભિનીત 'ગોડમધર'ને સંતોકબહેનના જીવન પરની 'અનૌપચારિક અર્ધઆત્મકથાનક' ફિલ્મ જણાવવામાં આવે છે. ફિલ્મની અનેક ઘટનાઓ તેમના વાસ્તવિક જીવન પર આધારિત છે.
પોરબંદરમાં મેર સિવાય નોંધપાત્ર વસતિ ખારવાની છે. જેઓ માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. શરૂઆતમાં બંને વચ્ચે વર્ચસ્વની લડાઈ થઈ હતી.
મુખ્ય માહિતી કમિશનર ઉદય માહુરકર પત્રકાર હતા, ત્યારે ડિસેમ્બર-1988માં પોરબંદરની ગૅંગો વિશે 'ઇન્ડિયા ટુડે' માટે વિશેષ લેખ લખ્યો હતો.
જેમાં તેમણે લખ્યું: 'પોરબંદર શહેરમાં ખારવા ગૅંગનું પ્રભુત્વ હતું, જ્યારે આસપાસના કુતિયાણા અને રાણાવાવમાં મેરનું વર્ચસ્વ હતું. મેર વધારે શક્તિશાળી હતા. કીર્તિ મંદિર પાસેના ખારવાવાસમાં પ્રવેશતા પહેલાં પોલીસે પણ બે વખત વિચાર કરવો પડતો.'

ઇમેજ સ્રોત, Getty Images
'ખારવા સમાજના નારણ સુધાની ગૅંગમાંથી શિયાળ ભાઈઓ અલગ થયા હતા. 1988 પહેલાં નારણ સુધા પોરબંદર નગરપાલિકાના વડા હતા એ પછી રણછોડ શિયાળ હતા. એ સમયની નગરપાલિકાના 40માંથી અડધા કરતાં વધુ સભ્યોની સામે કેસ ચાલતા હતા. બૉક્સાઇટ, કોલસો તથા તેલમાં ટનદીઠ હપ્તો વસૂલ કરવામાં આવતો.'
પોરબંદરની આસપાસની ખાણોમાંથી બૉક્સાઇટ, લાઇમસ્ટૉન અને ચૉકપાઉડર પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. લાઇમસ્ટૉન અને ચૉકપાઉડરની જરૂર આસપાસની સિમેન્ટ અને કૅમિકલની ફેકટરીઓમાં રહે છે, જ્યારે બૉક્સાઇટની નિકાસ કરવામાં આવે છે.
દરિયામાર્ગે સોનું, ચાંદી, કમ્પ્યુટરના પાર્ટ્સ, ટેલિફોન, ઘડિયાલ, કૅલ્ક્યુલેટર, ટ્રાન્ઝીસ્ટર, વૉકમૅન, થ્રી-ઇન-વન, કિંમતી કપડાં, સ્પ્રે અને સાબુની દાણચોરી થતી. વિદેશ જતાં દેશી જહાજોમાં આ સામાન છુપાવીને લાવવામાં આવતો.
સોમાલિયા જેવા ચાંચીયાગીરીથી પીડિત દેશોમાં ગુણી ભરીને ડુંગળી કે બટેટા આપવાની સાટે તેમને હથિયાર કે થેલી ભરીને કારતૂસ મળી રહેતી હોવાની વાતો જહાજીઓના મોઢેથી સાંભળી છે.
ગુરુદયાળ સિંહ, સતીશ વર્મા, 'ઝંઝીરવાળા ઝાલા' (એમ.એમ. ઝાલા) તથા સુખદેવસિંહ ઝાલા જેવા પોલીસ અધિકારીઓએ ગૅંગોને નાથવા પોતાની રીતે પ્રયાસો કર્યા હતા.
વર્મા અને સુખદેવસિંહ ઝાલાને કારણે જ સંતોકબહેન તથા ભુરા મુંજાએ તેમના કાર્યક્ષેત્રને પોરબંદરની બહાર ખસેડવા પડ્યા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
રણછોડ શિયાળના ભાઈ જશુ ગગન શિયાળનું પોલીસ ઍન્કાઉન્ટર થયું હતું, જેણે મોદી સરકાર સામે પડનારા આઈપીએસ અધિકારી સતીશ વર્મા માટે મુશ્કેલીઓ ઊભી કરી છે.
1993માં બૉમ્બેમાં શ્રેણીબદ્ધ બૉમ્બવિસ્ફોટ થયા, તેનું આરડીઍક્સ પોરબંદર નજીક ગોસાબારા ખાતે ઊતર્યું હતું. મુમુમિયાં પુંજુમિયાંનું નામ આ કેસમાં ખૂલ્યું હતું અને તેને સજા થઈ હતી.
કહેવાય છે કે સરમણ મુંજાના કારણે તેના ભાઈની હત્યા થઈ હતી એટલે તેને વેર વાળવું હતું, પરંતુ એ પહેલાં જ કાળા કેશવે તેની હત્યા કરી નાખી.
આગળ જતાં પોરબંદર સાથે સંકળાયેલા ધનજીભાઈ કોટિયાવાલા, ગોવિંદ ટીટી તરીકે વિખ્યાત ગોવિંદ તોરણિયાની હત્યા થઈ હતી.
આરડીએક્સ પછી લાંબો સમય સુધી શાંત રહેલો પોરબંદરનો દરિયાકિનારો તાજેતરનાં વર્ષો દરમિયાન ડ્રગ્સની હેરફેર માટે કુખ્યાત બન્યો છે. ગુજરાત એટીએસ અને કૉસ્ટગાર્ડે મળીને અહીંના દરિયામાંથી સેંકડો કરોડની કિંમતની ડ્રગ્સની ખેપો પકડી છે.
બોખીરિયા વિ. મોઢવાડિયા

ઠકરારની હત્યા બાદ કૉંગ્રેસે ઠક્કર સમાજના શશિકાન્ત લાખાણીને ટિકિટ આપી હતી, જ્યારે જનતા પાર્ટીએ કરસન ઓડેદરાને ઉમેદવાર બનાવ્યા હતા. જેમાં લાખાણીનો વિજય થયો હતો.
1985માં કૉંગ્રેસના લક્ષ્મણભાઈ આગઠે ભાજપના કાંતિલાલ જોશીને 22 હજાર 700 મતથી પરાજય આપ્યો હતો, જે કુલ માન્ય મતના 73.5 ટકા જેટલા હતા. ભાજપના ઉમેદવારને બે હજાર 628 મત મળ્યા હતા.
1990ની વિધાનસભા ચૂંટણી લાખાણીએ માલદેવજી ઓડેદરાના પુત્ર ભરતભાઈ સામે લડી જેમાં તેમનો 977 મતે વિજય થયો. લાખાણી ગુજરાત સરકારમાં મંત્રી પણ બન્યા.
આ ચૂંટણી ચીમનભાઈના જનતા દળ અને ભાજપે મળીને લડી હતી.
1995માં બાબુભાઈ બોખીરિયાએ પ્રથમ વખત વિધાનસભામાં પગ મૂક્યો, ભાજપની ટિકિટ ઉપર તેમણે કૉંગ્રેસના ઉમેદવાર શશિકાન્ત લાખાણીને 12 હજાર 391 મતની લીડથી પરાજય આપ્યો.
શંકરસિંહે ભાજપમાં બળવા પછી રાજપની સ્થાપના કરી અને 1998ની ચૂંટણીમાં શિયાળ પરિવારના હીરાલાલને ટિકિટ આપી, જ્યારે ભાજપે બોખીરિયાને રિપીટ કર્યા. આ વખતે તેઓ વધુ સારી લીડ (23 હજાર 640) સાથે વિધાનસભામાં પહોંચ્યા.
બંને ચૂંટણીની વચ્ચે એક નોંધપાત્ર ઘટના ઘટી. 1997ની ગાંધી જયંતીના દિવસે જૂનાગઢમાંથી અલગ જિલ્લા તરીકે પોરબંદર અસ્તિત્વમાં આવ્યો. અલગ જિલ્લાનો દરજ્જો આપવાનો વાઘેલાની પાર્ટીને લાભ નહોતો થયો.
2002 ભાજપના બાબુ બોખીરિયા તથા કૉંગ્રેસના અર્જુન મોઢવાડિયા વચ્ચે પહેલી વખત ટક્કર થઈ. ત્યારથી 2022 સુધી બંને પક્ષોએ મેર સમાજના ઉમેદવારોને જ સામસામે ઉતાર્યા છે.
2002માં ગોધરાકાંડ પછીના ભાજપતરફી જુવાળ છતાં મોઢવાડિયાએ બે વખતથી ધારાસભ્ય બોખીરિયાને ચાર હજાર 400 મતથી પરાજય આપ્યો. 2007માં ફરી એક વખત તેઓ ચૂંટાઈ આવ્યા.
તેમણે ઓડેદરા પરિવારનાં શાંતાબહેનને પરાજ્ય આપ્યો, જેઓ ભાજપની ટિકિટ પર ચૂંટણીજંગમાં હતાં. મોઢવાડિયાને નવ હજાર 616 મતની લીડ મળી હતી.
2012માં વિધાનસભાના બેઠકોનું પુનઃસીમાંકન થયું અને બોખીરિયાએ પુનરાગમન કર્યું. તેમણે 17 હજાર 146 મતથી મોઢવાડિયાને પરાજય આપ્યો હતો.

ઇમેજ સ્રોત, @arjunmodhwadia
ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન માત્ર એક હજાર 855 મતે બોખીરિયા ચૂંટાઈ આવ્યા હતા, જેણે આ વખતના ચૂંટણીજંગને રસપ્રદ બનાવી દીધો.
બસપાના ઉમેદવાર આનંદ મારૂને ચાર હજાર 259 અને નોટાને ત્રણ હજાર 408 મત મળ્યા હતા. જેઓ અનુક્રમે ત્રીજા અને ચોથા ક્રમે રહ્યા હતા. મતોમાં સહેજની હેરફેર ચૂંટણી પરિણામોમાં મોટો ઊલટફેર લાવી શકે છે, તેનું આ ઉદાહરણ હતું.
બોખીરિયા મોદી, આનંદીબહેન પટેલ અને વિજય રૂપાણીના પહેલા મંત્રીમંડળમાં મંત્રી બન્યા હતા. જ્યારે મોઢવાડિયા ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના નેતા તથા ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ પણ બન્યા.
ગુજરાત સરકાર દ્વારા સબસિડીવાળા ડીઝલનો ક્વૉટા ઘટાડવામાં આવ્યો છે. ડ્રેજિંગના અભાવે માછીમારોને માછલી પકડવા માટે ઊંડા દરિયામાં જવું પડે છે, જેના કારણે ડીઝલ વધુ વપરાય છે.
આ સિવાય મધદરિયેથી પાકિસ્તાની એજન્સીઓ દ્વારા અપહરણનું જોખમ પણ તોળાતું રહે છે. જો માછીમાર પકડાઈ જાય તો બોટ તથા કિંમતી જાળ ગુમાવવી પડે છે. આ સિવાય પાકિસ્તાનના જેલમાં સબડવું પડે છે. આવી અનેક સમસ્યા છે.
ન્યૂઝ એજન્સી આઈએએનએસના એક રિપોર્ટ પ્રમાણે, પોરબંદરની બેઠક પર લગભગ 74 હજાર મેર, 35 હજાર બ્રાહ્મણ, 26 હજાર ખારવા, 15 હજાર 500 લોહાણા, 16 હજાર દલિત તથા 15 હજાર મુસ્લિમ છે.
જોકે, 2022ની વિધાનસભા ચૂંટણીમાં જ્યારે ભાજપે રાજ્યમાં 156 બેઠકો પર વિજય મેળવ્યો હતો ત્યારે પોરબંદરની જનતાએ કૉંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાને વિજયી બનાવ્યા હતા. જોકે, માત્ર બે જ વર્ષમાં 2024માં હવે એ જ અર્જુન મોઢવાડિયા કૉંગ્રેસ છોડીને ધારાસભ્યપદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા બાદ ભાજપના ઉમેદવાર તરીકે પોરબંદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ઊતર્યા છે.

કુખ્યાત ઇતિહાસ

ઇમેજ સ્રોત, JAYRAJSINH JADEJA FB
1840ની આસપાસ પશ્ચિમ અમેરિકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પડી ભાંગી હતી, જેના કારણે શબ્દસમૂહ 'Wild Wild West' પ્રચલિત બન્યો હતો.
એક સમયે ગુજરાતના સૌરાષ્ટ્રમાં કંઈક આવી જ સ્થિતિ પ્રવર્તમાન હતી. રાજકીય વર્ચસ્વ માટે હત્યાઓ અને ગોળીબાર બહુ સામાન્ય બાબત હતી.
એક તબક્કે પોરબંદરમાં (અને પછી જૂનાગઢ, જામનગર, દેવભૂમિ દ્વારકા તથા રાજકોટ) 'રોટલિયા'ને કોઈ મકાન કે જમીન પસંદ પડી જાય તો તેમને માગ્યા ભાવે આપી દેવું પડતું. અન્યથા કનડગત શરૂ થઈ જતી.
જો કોઈ વેચવા કાઢે તો પણ સસ્તાભાવે પડાવી લેવાના પ્રયાસ થતા. ગૅંગો દ્વારા તેના સભ્યોને ઘરખર્ચ પેટે મહિને રકમ ચૂકવવામાં આવતી, જેના આધારે 'રોટલિયા' શબ્દ અસ્તિત્વમાં આવ્યો હતો.
વસનજી ઠકરાર ઉપરાંત જામનગર જિલ્લાની કાલાવડ બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય ભીમજી પટેલની (1982) એસટી બસ-સ્ટેશન ખાતે સરાજાહેર છરીના ઘા મારીને હત્યા કરી દેવામાં આવી હતી અને તેમાં એક ક્ષત્રિય યુવક દોષિત ઠર્યો હતો. આ ઘટનાને કારણે જ્ઞાતિવાદી સમીકરણોને હવા મળી.
1988માં પાટીદાર નેતા પોપટ સોરઠિયાની હત્યા કરી દેવામાં આવી હતી. ગોંડલની બેઠક ઉપર કૉંગ્રેસ તથા ગુજરાતભરમાં ભાજપને વિજયી બનાવવાની જાહેરાત કરનારા ભાજપના નેતા અનિરુદ્ધસિંહ જાડેજા (રીબડાવાળા) એ કેસમાં દોષિત ઠર્યા હતા.
1989માં એક સમયે ગુજરાતના આરોગ્યમંત્રી વલ્લભભાઈ પટેલની હત્યા કરી દેવામાં આવી હતી. તેમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાનું (અલબત્ત હડમતિયાવાળા) નામ પોલીસ ચોપડે નોંધાયું હતું.
ગત વિધાનસભાની ચૂંટણીમાં આપના મુખ્ય મંત્રીપદના ચહેરા ઈસુદાન ગઢવીની સામે ખંભાળિયાની બેઠક પરથી ભાજપે તેના વરિષ્ઠ નેતા મુળૂ બેરાને મેદાનમાં ઉતાર્યા હતા. તેમના પિતાની પોલીસરક્ષણ છતાં હત્યા થઈ ગઈ હતી.
આ સિવાય ધના માંડા, લાલજી વીસનગરા, બાબુલાલ પરેલ અને અનુપ મકવાણા અને ભરત કાંબલિયા જેવા નેતાઓની હત્યા થઈ હતી. જેમાંથી કેટલાક વિવાદાસ્પદ ભૂતકાળ પણ ધરાવતા હતા.














