કુતિયાણા : સરમણ મુંજાની ગૅંગવૉર અને લોહિયાળ રાજકીય ઇતિહાસની કહાણી

ઇમેજ સ્રોત, facebook
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
આ કહાણી એક મિલમજૂરની માથાભારે શખ્સ અને તેમાંથી ‘રૉબિન હૂડ’ બનવાની છે. આ કહાણી ઘરરખું ગૃહિણીની 'ગોડમધર' અને પછી ધારાસભ્ય બનવાની સફરની છે. રાજકીય જીવનના ઉતાર-ચઢાવની છે.
આ વાત ગુજરાત વિધાનસભાની કુતિયાણા બેઠકની છે. આ બેઠકનો છેલ્લાં 50 વર્ષનો ઇતિહાસ અને જાડેજા પરિવારનો ભૂતકાળ લગભગ એકસાથે જ ચાલે છે.
સરકાર સમયસર કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી અથવા તો તંત્ર દ્વારા ન્યાય ન તોળાયો તો પણ કદાચ કર્મના સિદ્ધાંતે તેનું કામ કર્યું જ. જો રાજકીય ઇચ્છાશક્તિ હોય તો પોલીસ શું કરી શકે તેનું ઉદાહરણ અહીં જોવા મળે છે.
2022ની ચૂંટણીમાં કુતિયાણાની બેઠક પર સરમણ જાડેજા અને સંતોકબહેન જાડેજાના દીકરા કાંધલ જાડેજાએ સમાજવાદી પાર્ટીમાંથી ઉમેદવારી કરી હતી. એ પહેલાં પણ તેઓ ચૂંટણી લડી ચૂક્યા છે.


મિલમજૂરથી ‘મસિહા’ સુધી

ઇમેજ સ્રોત, Kandhal S. Jadeja fb
સરમણ જાડેજાનો જન્મ પોરબંદર જિલ્લાના કડછ ગામના મેર પરિવારમાં થયો હતો, એટલે આ પરિવારના નામ સાથે 'કડછા' પણ જોડાયું. ગામમાં ખેતી સારી ન હોવાથી તેમણે સપરિવાર પોરબંદરની વાટ પકડી.
પોરબંદરના વરિષ્ઠ પત્રકાર હેમેન્દ્રકુમાર પારેખે જીવનની 70 વસંત જોઈ છે. આ દરમિયાન તેમણે કુતિયાણાના રાજકારણ અને પોરબંદરની અલગ-અલગ ગૅંગોના ઉદય-અસ્તને નજીકથી જોયો છે.
બીબીસી સાથે વાત કરતા તેમણે કહ્યું, "સરમણ તથા તેના ભાઈ અરજણ પોરબંદરની મહારાણા મિલમાં નોકરી કરીને ગુજરાન ચલાવતા. મિલના મોટા ભાગના શ્રમિક તેમની જેમ જ આસપાસનાં ગામડાંના ખેડૂત હતા. ટૂંકા પગારને કારણે આ લોકોને છાશવારે ઉછીના પૈસાની જરૂર પડતી."
"વાઢેર લોકો આ જરૂરિયાતમંદોને પૈસા આપતા અને બદલામાં ભારે વ્યાજ વસૂલ કરતા. તેમાં પણ કરસન અને દેવુ નામના બે શખ્સની ભારે ધાક હતી. કથિત રીતે મિલમાલિકોની સાથે તેમના સારા સંબંધ હતા એટલે શ્રમિકો તેમનાથી ફફડતા. તેમના ટ્રક કંપનીના માલની હેરફેર કરતા. સરમણ અને અરજણને નાઇટશિફ્ટમાં જ કામ મળે અને પગારમાંથી હપ્તો પડાવતા"
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમિતાભ બચ્ચન અભિનીત ફિલ્મ 'દીવાર'માં એક દિવસ 'વિજય'ની ધીરજ ખૂટી જાય છે અને તે હપ્તો ઉઘરાવનારાઓ સાથે બાખડી પડે છે. આવું જ કંઈક સરમણના જીવનમાં બનવાનું હતું, પરંતુ અલગ રીતે.
પારેખ કહે છે, "એક સમયે સરમણના ઘરમાં તેના પરિવારજન બીમાર હતા. એટલે સરમણે પછી પૈસા આપી દેવાની વાત કરી, પરંતુ વાઢેર માન્યા નહીં. તેમણે બળજબરીપૂર્વક પૈસા પડાવ્યા. બંને વચ્ચે ઝઘડો થયો અને વાત મારામારી સુધી પહોંચી ગઈ."
"સરમણ મુંજાએ ટ્રકમાં બેઠેલા કરસનને ભાલો માર્યો જે તેની છાતીની આરપાર નીકળી ગયો. પોરબંદરને ધ્રૂજાવનાર માથાભારે શખ્સની હત્યાનો આરોપી હવે પોતે 'બેતાજ બાદશાહ' બની ગયો હતો."
આ ઘટનાએ પોરબંદરને હચમચાવી નાખ્યું અને આવનારા સમયમાં ગુજરાતમાં તેના પડઘા સંભળાવાના હતા. સરમણ અને અરજણે સાથે મળીને મજૂરોમાંથી તથા આસપાસનાં ગામડાંના લોકોને ભેગા કરીને પોતાની ગૅંગ બનાવી. માઇનિંગના ધંધામાં તેમના જ ટ્રક ચાલતા.

સરમણ મુંજાનો દબદબો

ઇમેજ સ્રોત, Kandhal S. Jadeja fb
1970ના દાયકામાં જો કોઈ રાજકારણીએ કુતિયાણાની બેઠક પરથી ચૂંટાવું હોય તો તેણે સરમણનો સહારો લેવો પડતો. પોરબંદર પંથકમાં તેમનો દબદબો પ્રસ્થાપિત થઈ ગયો હતો.
પારેખ કહે છે, "સરમણે નાનપણમાં દારુણ ગરીબી જોઈ હતી, પરંતુ હવે તેની સ્થિતિ સદ્ધર બની હતી. મજૂર કે આસપાસના ગામના કોઈ શખ્સને મદદની જરૂર હોય તો તત્પર રહેતા. સરમણ તેમના જમણા હાથમાં વીંટી પહેરતા અને તેનાથી કાગળની ઉપર છાપ મારતા."
"પોરબંદરની કોઈ પણ કરિયાણાની દુકાન પર છાપવાળી કાગળ દેખાડે એટલે જે તે શખ્સને મફતમાં રાશન મળી રહેતું અને સરમણ દ્વારા તેની ચુકવણી કરી દેવામાં આવતી."
મિલમજૂર ભાઈઓ હવે લોકોમાં નામ પામ્યા. સરમણની છાપ 'રૉબિન હૂડ' મસિહાની બની ગઈ હતી. મિલમજૂર તથા આસપાસનાં ગામડાં માટે તે 'સકસેસ સ્ટોરી' હતી અને આ જ વાતે ગૅંગને વિસ્તારમાં મદદ પણ કરી.

હત્યાના 46 આરોપ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
સરમણ મુંજાના સિતારા આસમાનમાં હતા, પરંતુ સાથે-સાથે તેમના દુશ્મન પણ વધી રહ્યા હતા. વેર વાળવા (કે ઊભું કરવા) તે કોઈ સાથીને સાથે ન રાખતા, જેના કારણે તેમની ધાક ઊભી થઈ હતી. કહેવાય છે કે મૃત્યુ સમય સુધીમાં તેમની ઉપર હત્યાના 46 આરોપ હતા.
વરિષ્ઠ પત્રકાર પ્રફુલ ત્રિવેદીએ બીબીસી સાથે વાત કરતા કહ્યું, "સરમણની પાસે જેલના બૅરેકની ચાવીઓ રહેતી અને તે ઇચ્છે ત્યારે જેલની બહાર આવતા."
આ વાત એટલી હદે પ્રચલિત થઈ ગઈ હતી કે 1984 આસપાસ ગુજરાત સરકારે થોડા સમય માટે પોરબંદરની જેલને બંધ કરી દેવી પડી હતી.
સામાન્ય રીતે ગૅંગ અને ધાક વિસ્તરે એટલે બીજી બદીઓ પ્રવેશે, પરંતુ વ્યક્તિગત રીતે તેઓ સ્ત્રીને સન્માન આપતા. આ સિવાય બ્રાહ્મણો પર તેઓ હાથ ઉપાડતા ન હતા.
ત્રિવેદી કહે છે, "એક વખત એક કૉલેજિયન યુવકે છોકરીની છેડતી કરી હતી, ત્યારે તેને પુલ પર ઊલટો લટકાવીને માર્યો હતો, જેથી કરીને ગામમાં દાખલો બેસે."

સરમણ વિરુદ્ધ સ્વામી
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાતની સ્થાપના પછી યોજાયેલી પ્રથમ ચૂંટણીમાં (1962) કૉંગ્રેસ પાર્ટી જીતી હતી. એ પછીની ચૂંટણીમાં સ્વતંત્ર પાર્ટી (1967) જીતી હતી. 1975ની ચૂંટણીમાં કૉંગ્રેસના ઉમેદવારનો વિજય થયો હતો.
પહેલાં 1972માં કૉંગ્રેસના ઉમેદવારનો વિજય થયો હતો. એ સમયે બેઠક નંબર-30 ધરાવતી આ ધારાસભાની બેઠક પરથી 30 ઉમેદવારોએ ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું હતું.
1980માં પાસું પલટાઈ ગયું. કૉંગ્રેસ (આઈ)ના ઉમેદવાર મહંત વિજયદાસજી બિનહરીફ ચૂંટાઈ આવ્યા. તેઓ કબીરપંથ સાથે જોડાયેલા હતા. 1985ની ચૂંટણીમાં વધુ એક વખત મહંત વિજયદાસજી ચૂંટાઈ આવ્યા, પરંતુ સમય તેમને અને સરમણને સામ-સામે લાવી દેવાનો હતો.
વર્ષો સુધી ગુજરાત વિધાનસભાનું રિપોર્ટિંગ કરનારા વરિષ્ઠ પત્રકાર ગુણવંત ત્રિવેદીએ બીબીસી સાથે વાત કરતા કહ્યું, "વિજયદાસજી કૃષિમંત્રીના પદ સુધી પહોંચ્યા હતા. એક દિવસ જેખલી નદી પર ડૅમ બાંધવાની રજૂઆત સાથે સરમણ મુંજા ગાંધીનગર ખાતે વિધાનસભામાં આવ્યા હતા, પરંતુ મહંતના પ્રત્યુત્તરથી સરમણને સંતોષ થયો ન હતો."
"વિધાનસભાની લૉબીમાં ધારાસભ્યો અને મંત્રીઓની હાજરીમાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. વાત હાથ ઉઠાવવા સુધી પહોંચી ગઈ હતી. લૉબીમાં મંત્રી સાથે આવું વર્તન થવા છતાં કોઈએ તેને અટકાવવાની હિંમત કરી ન હતી."
પછીનાં વર્ષોમાં સરમણનાં પત્ની અને પુત્ર વિજયદાસની બેઠક પરથી ચૂંટણી જીતવાના હતા અને એ જ વિધાનસભાની લૉબીમાં પહોંચવાનાં હતાં.

વેરઝેરનાં બીજ

ઇમેજ સ્રોત, SAIFF @AWADHFILMFEST
આ અરસામાં એક એવી ઘટના બનવાની હતી, જેનો અપરાધબોધ સરમણને થતો રહ્યો. પત્રકાર હેમેન્દ્ર પારેખ એ ઘટનાક્રમને યાદ કરતા કહે છે :
"ગુજરાતનાં અન્ય શહેરોની જેમ પોરબંદરમાં પણ મિલો અને કારખાનાં બંધ થઈ રહ્યાં હતાં. લોકો ફરીથી ખેતી ઉપર આધારિત બન્યા હતા. જે ડૅમની રજૂઆત કરી હતી, તેને મંજૂરી મળી ગઈ અને જેતપુરના એક બ્રાહ્મણ શખ્સને તેનો કૉન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. તેમાં ઢીલ થતાં તેની હત્યા કરી નાખી. બ્રહ્મહત્યાનો સંતાપ તેમને કોરી ખાતો હતો."
આ અરસામાં સરમણના વિશ્વાસુ કાળા કેશુ ગોરાણિયાએ એક મહિલાની છેડતી કરી હોવાની સરમણને જાણ થઈ હતી. સરમણે તેને સરાજાહેર માર માર્યો અને ગૅંગમાંથી હકાલપટ્ટી કરી.
એ સમયે પોરબંદર વિસ્તારમાં મૅગ્સેસે પુરસ્કાર વિજેતા પાંડુરંગ અઠાવલેની 'સ્વાધ્યાય પરિવાર'ની ચળવળ વેગ પકડી રહી હતી. હત્યા, બ્રહ્યહત્યા, વેરઝેર અને હિંસાથી વ્યથિત સરમણે 'દાદા' સામે હથિયાર નહીં ઉપાડવાના સૌગંધ લીધા.
હોલીવૂડનાં અભિનેત્રી સાન્ડ્રા બુલકે એક વખત કહ્યું હતું, "હું કર્મમાં દૃઢપણે વિશ્વાસ ધરાવું છું. સારું કે ખરાબ, તમે જે આપો છો એ તમને પાછું મળે છે." આવું જ કંઈક સરમણ સાથે થવાનું હતું.
ઑક્ટોબર-1986માં અમદાવાદથી પ્રકાશિત થતા અખબાર 'સમભાવ'ના એક જુનિયર પત્રકારને સરમણે જેલમાંથી એક્સક્લુસિવ ઇન્ટરવ્યૂ આપ્યો હતો. બહારથી સરમણને મળવા આવનાર કોઈ પણ શખ્સ ઉપર ગોરાણિયા દ્વારા હુમલાની આશંકા હતી એટલે રિપોર્ટર માટે આસમાની રંગની ઍમ્બૅસૅડર કાર 'MRF 50' મોકલી હતી.
રાત્રે નવ વાગ્યે જેલમાંથી બહાર આવીને સરમણે પત્રકારને કહ્યું હતું, "સરમણ મુંજાએ ભલે હથિયાર મૂકી દીધાં હોય, પરંતુ કોઈ સામી છાતીએ તેની ઉપર હુમલો કરવાનો પ્રયાસ નહીં કરે."
તા. 20 ડિસેમ્બર, 1986ના દિવસે મેર સમાજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં તેમની હત્યા કરી દેવામાં આવી હતી. હુમલાખોરે પીઠ પાછળથી રિવૉલ્વરની તમામ છ ગોળી સરમણને ધરબી દીધી હતી. આ ઘટનાને ત્રણેક મહિના થયા હશે કે તા. 11 માર્ચ 1987ના જાડેજા પરિવારના આધારસ્તંભ સમાન અરજણનું અવસાન થયું.
હેમેન્દ્ર પારેખ કહે છે, "પહેલાં તો સરમણનાં પત્ની સંતોકબહેને પોતાનાં સંતાનો સાથે દિયર ભૂરા મુંજા પાસે લંડન જવાનું વિચાર્યું, પરંતુ બંને કુટુંબનાં નાનાં બાળકોને લઈ જવાનું શક્ય ન હતું. એટલે તેમણે ગૅંગનો ભાર ઉપાડી લીધો."

'ગૉડમધર' સંતોકબહેનની ઍન્ટ્રી

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA
અરજણ અને સરમણની હત્યા પહેલાં સંતોકબહેન ઘરરખ્ખું ગૃહિણી હતાં. જેઓ નજીકના વર્તુળમાં 'બહેન' કે 'ભાભી' તરીકે ઓળખાતાં. તેઓ ધારાસભ્ય પણ બન્યાં.
શબાના આઝમી અભિનીત ફિલ્મ 'ગૉડમધર' તેમની 'અનધિકૃત અર્ધઆત્મકથાનક' ફિલ્મ છે. આ ફિલ્મે સંતોકબહેનના નામની સાથે 'ગૉડમધર' નામ જોડી દીધું.
ગુજરાતમાં ડાયરેક્ટર જનરલ (વિજલન્સ) તરીકે લાંબો સમય સુધી કામ કરનારા દીપક વ્યાસે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું, "સંતોકબહેને ગૅંગની કમાન સંભાળી એ પછી ભૂરા મુંજા પણ વિદેશથી પોરબંદર આવી ગયા. 14 શખ્સ પર સરમણ મુંજાની હત્યામાં સંડોવણીની આશંકા હતી. એક પછી એક એ તમામની હત્યા થઈ, પરંતુ એકેય કેસમાં સંતોકબહેનનું નામ પોલીસના ચોપડે ચડ્યું ન હતું."
"સંતોકબહેન ઉપર આર્મ્સ ઍક્ટ, ઍક્સપ્લિઝિવ ઍક્ટ, ખંડણી વગેરેના કેસ નોંધાયા, પરંતુ પોરબંદરના કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં સરમણ, અરજણ કે ભૂરા મુંજા સામે નોંધાયેલા છે, એવા હત્યા જેવા ગંભીર કેસ તેમની સામે નોંધાયા ન હતા."
ચીમનભાઈ પટેલે કૉંગ્રેસથી અલગ થઈને જનતાદળની સ્થાપના કરી હતી. તેમને જીતી શકે તેવા ઉમેદવારોની જરૂર હતી. આ સમયે કુતિયાણાની બેઠક પર સંતોકબહેનને પસંદ કરવામાં આવ્યાં હતાં.
પત્રકાર હેમેન્દ્ર પારેખ કહે છે, "આ બેઠક પરથી મહંત વિજયદાસનો (અને કૉંગ્રેસ) દબદબો તોડવા માટે ચીમનભાઈએ આમ કર્યું હતું. કાંધલ જાડેજાનાં લગ્નમાં ચીમનભાઈ પટેલ સરકારનું મંત્રીમંડળ પોરબંદર પહોંચ્યું હતું."

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA
સંતોકબહેન માન્ય મતના 75 ટકાની લીડ સાથે વિધાનસભામાં પહોંચ્યાં હતાં. તેમને 41 હજાર 909 મત મળ્યા હતા, જ્યારે બીજા ક્રમે રહેલાં કૉંગ્રેસના ઉમેદવારને માત્ર પાંચ હજાર 359 મત મળ્યા હતા. 475 મત સાથે ભાજપના ઉમેદવાર ચોથા ક્રમે રહ્યા હતા, જ્યારે ત્રીજા ક્રમે એક અપક્ષ હતા.
1995ની વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતનું રાજકીય પરિદૃશ્ય બદલાઈ ગયું, જેણે સંતોકબહેનના રાજકીય ભાવિ પર પણ અનિશ્ચિતતા લાવી દીધી.
તેમના રાજકીય આશ્રયદાતા એવા ચીમનભાઈ પટેલનું અવસાન થઈ ગયું હતું. તેમના પછી છબીલદાસ મહેતા મુખ્ય મંત્રી બન્યા, જેમણે દેશની આઝાદીની ચળવળમાં પણ ભાગ લીધો હતો. તેમની પાસે બહુ થોડી મુદ્દત રહી હતી, પરંતુ આ અરસામાં તેમણે પોલીસને છૂટોદોર આપ્યો.
દીપક વ્યાસે કહે છે, "અમદાવાદમાં દારૂના વેપાર કરનાર લતીફની સામે એકે જાડેજા અને કુલદીપ શર્મા, જામનગરમાં આઈપીએસ પ્રમોદકુમાર ઝા દ્વારા ખંભાળિયા-સલાયાના દાણચોરોની સામે કાર્યવાહી શરૂ થઈ. પોરબંદરમાં આ કાર્યવાહી સતીશ વર્મા તથા તેમના સુખદેવસિંહ ઝાલાએ ઉપાડી હતી."
"જાડેજા પરિવાર તથા ગૅંગના સભ્યો ઉપર ધમકી આપવા, હથિયારધારા, હત્યા, હત્યાના પ્રયાસ, ખંડણી, બળજબરીપૂર્વક સંપત્તિ પડાવવી વગેરે જેવા આઈપીસીની (ઇન્ડિયન પીનલ કોડ) કેટલીક કલમોથી લઈને ટાડા (ટૅરરિસ્ટ ઍન્ડ ડિસ્ટરપ્ટિવ ઍક્ટિવિટીઝ (પ્રિવેન્શન) ઍક્ટ) હેઠળના કેસ દાખલ થયા."

રાજકીય પતન અને પોલીસની કાર્યવાહી

ઇમેજ સ્રોત, Getty Images
1995ની વિધાનસભા ચૂંટણીમાં સંતોકબહેનના દિયર ભૂરા મુંજા કડછા ચૂંટણીજંગમાં ઊતર્યા અને તેઓ જીત્યા પણ. જાડેજા પરિવારમાં ફાટ પડી હતી. સંતોકબહેન તથા ભૂરા મુંજા વચ્ચેના મતભેદ મનભેદ સુધી પહોંચી ગયા હતા.
રાજકીય અસ્થિરતા વચ્ચે 1998માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં જનતાએ ભાજપને બહુમતી આપી. ભાજપના ઉમેદવાર કરસનભાઈ ઓડેદરાનો આ બેઠક પરથી વિજય થયો હતો. તેમણે ભૂરા મુંજાનાં પત્ની હીરલબાને પરાજય આપ્યો હતો.
2002માં કૉંગ્રેસે મહંત વિજયદાસજીના દીકરા મહંત ભરતકુમારને મેદાનમાં ઉતાર્યા, જ્યારે ભૂરા મુંજાએ સમાજવાદી પાર્ટીની ટિકિટ પરથી ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું. છતાં કરસનભાઈ ઓડેદરાનો વિજય થયો અને 2007માં તેમણે વિજયની હૅટ્રિક પણ ફટકારી.
2007માં ભૂરા મુંજાએ અપક્ષ તરીકે ફરી ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું, પરંતુ ત્રીજાક્રમે રહીને સંતોષ માનવો પડ્યો.
કહેવાતું કે લોકો જેમની સામેથી પસાર થવાની હિંમત નહોતા કરતા, એવાં સંતોકબહેન સામે પણ ફરિયાદો થવા લાગી. સંતોકબહેને જેલવાસ ભોગવવો પડ્યો. દીકરાઓએ ફરાર થવું પડ્યું.
દિયર ભૂરા મુંજા સામે પણ કાર્યવાહી થઈ. સંતોકબહેને પોરબંદર છોડીને રાજકોટ આવી જવું પડ્યું, જ્યારે ભૂરા મુંજાએ ગાંધીનગરને બેઝ બનાવ્યો.
કાંધલ જાડેજાની 2017ની ઍફિડેવિટ પ્રમાણે, તેમનાં પત્ની મનીષા છે. વાસ્તવમાં આ તેમનું બીજું લગ્ન છે.
સંતોકબહેનની ઉંમર વધતી જતી અને પુત્રો ફરાર હતા એ અરસામાં ધંધાકીય નિર્ણયો લેવામાં તેઓ પુત્રવધૂ રેખાની મદદ લેતાં હતાં. દરમિયાનમાં રાજકોટના નિવાસસ્થાન 'શ્રવણ' (પૈત્તૃક ગામમાં પણ કાંધલ જાડેજાના ઘરનું નામ 'શ્રવણ' જ છે.) ખાતે રેખાની હત્યા થઈ ગઈ. આરોપ રેખાના દિયર કરણ પર લાગ્યો હતો.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સંતોકબહેન તેમનાં પુત્રવધૂ ઉપર વધુ વિશ્વાસ મૂકતાં હતાં એ વાત કરણને ખટકતી હતી એટલે ઇર્ષ્યામાં તેમણે આમ કર્યું હતું. મીડિયા રિપોર્ટ્સમાં બીજી પણ કેટલીક થિયરી વહેતી થઈ.
રેખાનાં મૃત્યુ બાદ અને સંતોકબહેનની હયાતીમાં જ કાંધલે મનીષા સાથે લગ્ન કર્યું. માર્ચ-2011માં સંતોકબહેનનું અવસાન થયું, તે પછી કાંધલ તેમના રાજકીય ઉત્તરાધિકારી બન્યા.

કુતિયાણામાં કોણ કરશે કમાલ?

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA
જાણીતા રાજકીય વિશ્લેષક રાજેન્દ્ર જોશીના કહેવા પ્રમાણે, "સંતોકબહેનના દીકરા કાંધલે રાજકારણમાં ઝંપલાવવાનું નક્કી કર્યું, કારણ કે કુતિયાણાની બેઠક ઉપર સવા બે લાખ મતદાતા છે, જેમાંથી લગભગ એક લાખ 35 હજાર મેર સમુદાયના છે. "
"આ સિવાય કોળીના 45 હજાર, રબારીના 22 હજાર તથા અન્ય જ્ઞાતિના 22 હજાર મત છે. ઠક્કર (લોહાણા) તથા સોની સમાજ પણ નોંધપાત્ર હજારી ધરાવે છે. આ બંને સમાજ પરંપરાગત રીતે ભાજપની સાથે રહ્યા છે."
તેઓ કહે છે, "મેર મત પર મુસ્તાક કાંધલે 2020ની રાજ્યસભા ચૂંટણી દરમિયાન પાર્ટીના એનસીપીના વ્હીપ વિરુદ્ધ જઈને ભાજપના ઉમેદવાર માટે મતદાન કર્યું હતું. કાંધલની સામે કૉંગ્રેસ અને ભાજપે મેર ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. જેનું સીધું નુકસાન કાંધલ જાડેજાને થશે."
"કદાચ તેમને 'કટ ટુ સાઇઝ' કરવા માટે જ બંને મુખ્ય પક્ષોએ મેર ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે, જેથી કરીને ભવિષ્યમાં જ્ઞાતિ આધારિત તાકત ધરાવનારની સામે બેમાંથી એકેય પક્ષે સરેન્ડર ન કરવું પડે."
આમ આદમી પાર્ટીએ રબારી સમાજના ભીમાભાઈ મકવાણાને મેદાનમાં ઉતાર્યા છે, જેઓ અગાઉ ભાજપમાં હતા. જ્યારે ભાજપે કાંધલ જાડેજાનાં ફોઈનાં પુત્રવધૂ ઢેલીબહેન ઓડેદરાને ટિકિટ આપી છે.
બીબીસી સાથેની વાતચીતમાં ઢેલીબહેને કહ્યું, "સામે ભલે ને દબંગ નેતા હોય, એ કોઈ સિંહ નથી કે અમને ફાડી ખાય. હું પણ મેર છું. ભાજપના વિકાસનાં કામો મહત્ત્વનાં છે."
"ગત નગરપાલિકાની ચૂંટણીમાં એનસીપીએ પોતાની પેનલ ઊભી રાખી હતી. જેમાં 24માંથી 19 બેઠક ભાજપે જીતી હતી, જે દેખાડે છે કે કોઈ એક જ્ઞાતિ એ કોઈ એક વ્યક્તિનો ઈજારો નથી. નગરપાલિકામાં રહેવાને કારણે માત્ર મેર જ નહીં, પરંતુ તમામ સમાજ સાથે સારા સંબંધ છે. ગત ચૂંટણીમાં ભલે 11 ઉમેદવાર સામે વિજય થયો હોય, પરંતુ આ વખતે અલગ સ્થિતિ છે."

ઇમેજ સ્રોત, AJAY SILU
ઢેલીબહેન જેવી જ વાત કૉંગ્રેસના મેર ઉમેદવાર નાથાભાઈ ઓડેદરા કરે છે. કૉંગ્રેસની તરફેણમાં એનસીપીએ આ બેઠક ખાલી મૂકી અને સિટિંગ એમએલએનું પત્તું કાપ્યું હતું.
તેઓ કહે છે, "હવે દબંગગીરીનો સમય ગયો છે. છેલ્લાં પાંચ વર્ષથી હું લોકોની વચ્ચે રહીને કામ કરી રહ્યો છું. કોરોનાકાળમાં મેં દિવસરાત જોયા વગર લોકોને મદદ કરી છે. કૉંગ્રેસ સાથે ગઠબંધનમાં રહેવા છતાં કાંધલ જાડેજાએ પાછલા બારણે ભાજપને મદદ કરી હતી, એ વાત લોકો સારી રીતે જાણે છે."
"ભાજપની તુમારશાહીથી લોકો ત્રસ્ત છે. એનસીપી આ ચૂંટણી નથી લડી રહી એટલે અમારી વ્યૂહરચના થોડી અલગ છે. આ ચૂંટણીમાં દબંગાઈ નહીં ચાલે."
આમ આદમી પાર્ટી આ વખતે નવા પરિબળ તરીકે ગુજરાતના રાજકીય પટલ ઉપર ઊભરી આવી છે. પાર્ટીના ઉમેદવાર મકવાણાએ બીબીસી સાથે વાત કરતા કહ્યું, "હું વર્ષોથી કુતિયાણામાં ભાજપ સાથે રહ્યો છું, પરંતુ ભાજપ અને એનસીપીની દબંગાઈથી લોકો ત્રસ્ત છે. એટલે આ વખતે અમારા વિજયમાં બેમત નથી."
"માલધારીઓની અનેક સમસ્યા છે. ભાજપ સત્તામાં હતો ત્યારે આ સમસ્યા લઈને સરકાર પાસે ગયા હતા, પરંતુ ભાજપમાં અમારી અવગણના થઈ હતી. એટલે આ ચૂંટણીમાં અમારી તેની સામે લડાઈ છે."
તો મીડિયા સાથે વાત કરતા કાંધલ જાડેજાએ ડરાવવા-ધમકાવવાની વાતને ફગાવીને આ વખતે પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે 2012 અને 2017માં પણ લોકોએ મને પ્રેમ આપ્યો હતો. આ વખતે પણ હું જંગી બહુમતીથી ચૂંટાઈશ.
તેમણે કહ્યું કે હવે ઈવીએમનો જમાનો આવ્યો છે, તેમાં કોઈને ડર હોતો નથી. તેમણે એ પણ સ્વીકાર્યું કે મેં રાજ્યસભામાં ભાજપને મત આપ્યો હતો.














