ઑસ્ટ્રેલિયાએ વિઝાના નિયમો બદલ્યા, ગુજરાતથી અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને કેવી મુશ્કેલીઓ પડશે?

ઇમેજ સ્રોત, ANANYA GUPTA
- લેેખક, ટિફની ટર્નબુલ
- પદ, બીબીસી સંવાદદાતા, સિડની
અનન્યા ગુપ્તા માટે ઑસ્ટ્રેલિયામાં અભ્યાસ પૂર્ણ કરવાનું હંમેશાંથી "સ્વપ્ન" રહ્યું છે. હૈદરાબાદનાં 21 વર્ષીય યુવતી અનન્યા કહે છે કે, "તેમની (ઑસ્ટ્રેલિયાની) શિક્ષણ પ્રણાલી વિશ્વની સૌથી શ્રેષ્ઠ શિક્ષણપદ્ધતિ પૈકી એક છે."
જુલાઈમાં મેલબોર્નની મોનાશ યુનિવર્સિટીમાં પોતાની બેચલર્સ ડિગ્રી પૂર્ણ કર્યા પછી અનન્યાએ સામાજિક કાર્યકર બનવા માટે માસ્ટરની ડિગ્રી માટે અરજી કરી. ઑસ્ટ્રેલિયામાં કામદારોની અછત વચ્ચે આ પ્રકારના સ્કિલ્ડ વર્કરોની ખાસ જરૂરિયાત છે.
તેઓ કહે છે, "હું ખરેખર અહીં ભણવા, મારું કૌશલ્ય પ્રદાન કરવા અને સમાજમાં યોગદાન આપવા માંગુ છું."
પરંતુ અનન્યા ગુપ્તા અને તેમનાં જેવા ઘણા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અત્યારે ગભરાઈ ગયા છે, કારણ કે ઑસ્ટ્રેલિયન સરકાર વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડવા માગે છે.
વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા પર મર્યાદા લાદવાથી નવા એડમિશનમાં મોટો ઘટાડો થશે. સરકારનું કહેવું છે કે 32 અબજ ડૉલર (આશરે રૂ. 2690 અબજ)ના શિક્ષણ ઉદ્યોગને ટકાઉ બનાવવા માટે આ પગલું જરૂરી છે.
તાજેતરમાં ઑસ્ટ્રેલિયાએ લીધેલા કેટલાંક વિવાદાસ્પદ પગલાંમાં આનો સમાવેશ થાય છે. ઑસ્ટ્રેલિયાના સ્ટુડન્ટ વિઝાની અરજી કરનારાઓએ અંગ્રેજી ભાષાની વધુ કઠિન આવડત મેળવવી પડે છે, આગળ અભ્યાસની અરજીઓની આકરી ચકાસણી થાય છે, નૉન-રિફંડેબલ વિઝા ઍપ્લિકેશન ફી પણ બમણી કરવામાં આવી છે.
જોકે, શિક્ષણ ક્ષેત્રના લોકો કહે છે કે તેમની સાથે યોગ્ય વિચારવિમર્શ કરાયો ન હતો. તેમના કહેવા મુજબ આવા ફેરફારો અર્થતંત્રને નુકસાન પહોંચાડી શકે છે, લોકો બેરોજગાર થઈ શકે છે અને ઑસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠાને નુકસાન થઈ શકે છે. આનાથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની પરેશાની પણ વધશે.
ઑસ્ટ્રેલિયા સરકારની યોજના શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
ઑસ્ટ્રેલિયાની ટોચની યુનિવર્સિટીઓનું પ્રતિનિધિત્વ કરતા સંગઠન ગ્રુપ ઑફ એઇટ (જીઓએઈટ)ના ડેપ્યુટી ચીફ ઍક્ઝિક્યુટિવ મૅથ્યુ બ્રાઉન કહે છે, "આનાથી એવા સંકેત મળે છે કે ઑસ્ટ્રેલિયા હવે લોકોને આવકારતો દેશ નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ખનીજ ઉત્પાદન પછી શિક્ષણ એ ઑસ્ટ્રેલિયાની ચોથી સૌથી મોટી નિકાસ છે. વિદેશી વિદ્યાર્થીઓ સરેરાશ ઑસ્ટ્રેલિયન વિદ્યાર્થીઓ કરતાં લગભગ બમણી ફી ચૂકવે છે. તેના કારણે કેટલીક સંસ્થાઓને મદદ મળે છે, સંશોધન, સ્કૉલરશિપ અને સ્થાનિક અભ્યાસ ફીમાં સબસિડી આપી શકાય છે. ઉદાહરણ તરીકે સિડની યુનિવર્સિટીની આવકમાં 40 ટકાથી વધુ હિસ્સો વિદેશી વિદ્યાર્થીઓ આપે છે.
પરંતુ ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન ઍન્થની આલ્બેનીઝની સરકાર પર આગામી વર્ષે યોજાનારી ચૂંટણી પહેલાં માઇગ્રેશન ઘટાડવાનું દબાણ છે. વિક્રમજનક સ્તરે પહોંચી ગયેલું માઇગ્રેશન ઘટે તો હાઉસિંગની અછત હળવી થાય અને મોંઘવારી ઘટે તેવી આશા છે. તેમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ લક્ષ્ય બની ગયા છે જેમની સંખ્યા ગયા સેમેસ્ટરમાં 793,335 હતી.
સરકારે 2025 માટે નવા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા 270,000 સુધી મર્યાદિત રાખવાની દરખાસ્ત કરી છે. તેનું કહેવું છે કે આનાથી કોવિડ અગાઉનો સ્તર આવી જશે. શિક્ષણક્ષેત્રના નિષ્ણાતના કહેવા મુજબ, અગાઉનાં વર્ષો સાથે સચોટ સરખામણી કરવી શક્ય નથી, કારણ કે જાહેરમાં ઉપલબ્ધ ડેટા અપૂરતો છે.
શિક્ષણમંત્રી જેસન ક્લેર કહે છે કે દરેક ઉચ્ચ શિક્ષણ સંસ્થાને વ્યક્તિગત મર્યાદા આપવામાં આવશે, જેમાં વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમ આપનારાઓ પર સૌથી મોટો કાપ આવશે. મોટાં શહેરોમાં આવેલી યુનિવર્સિટીઓમાં સૌથી વધુ ઘટાડો જોવા મળશે.
સરકારનું કહેવું છે કે આ નીતિના કારણે વિદ્યાર્થીઓને પહેલેથી ગીચ વસતી ધરાવતા શહેરોના બદલે પ્રાદેશિક ટાઉન અને યુનિવર્સિટીઓ તરફ વળશે જેમને તેની જરૂર છે.
જાણકારો શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
તેઓ એમ પણ કહે છે કે આ ફેરફારોનો હેતુ સંભવિત વિદ્યાર્થીઓને "અનૈતિક" સંસ્થાઓથી બચાવવાનો છે. તેમણે આરોપ મૂક્યો કે કેટલીક સંસ્થાઓ પૂરતા ભાષાકીય કૌશલ્ય અથવા શૈક્ષણિક ધોરણ વગરના વિદ્યાર્થીઓને પણ સ્વીકારે છે અને ભણવાના બદલે ઑસ્ટ્રેલિયામાં કામ કરવાનો ઇરાદો ધરાવતા લોકોને પ્રવેશ આપે છે.
ક્લેરે જણાવ્યું કે, "આંતરરાષ્ટ્રીય શિક્ષણ અત્યંત મહત્ત્વપૂર્ણ છે, અને આ સુધારા તેને વધુ સારું અને યોગ્ય બનાવવા તથા આગળ જતા વધુ ટકાઉ બનાવવા માટે કરવામાં આવ્યા છે."
ઑસ્ટ્રેલિયાની સ્કિલ્ડ માઇગ્રેશન નીતિને આકાર આપનાર ભૂતપૂર્વ સરકારી અધિકારી અબુલ રિઝવી કહે છે કે શિક્ષણ એ "અપૂરતું ફંડ" મેળવનાર ક્ષેત્ર છે અને "લાંબા સમયથી વિદેશી વિદ્યાર્થીઓ પાસેથી ટ્યુશનની આવક પાછળ દોડે છે. તેમાં શિક્ષણની ગુણવત્તાને અસર થઈ છે."
યુનિવર્સિટીઓ પોતે પ્રશ્ન કરી રહી છે કે શું તેઓ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની આવક પર વધારે નિર્ભર છે કે કેમ, અને તેને કેવી રીતે ઠીક કરવું. ડૉ બ્રાઉન કહે છે, "દરેક યુનિવર્સિટીમાં આ ચર્ચા થઈ રહી છે."
પરંતુ વિદ્યાર્થીઓ ઘટાડવાની જાહેરાતનો શિક્ષણક્ષેત્રમાંથી મોટા ભાગે ઉગ્ર વિરોધ કરાયો છે.
Go8 એ સૂચિત કાયદાને "ભયંકર" ગણાવ્યા છે, જ્યારે અન્ય લોકોએ સરકાર પર અર્થતંત્રને "ઇરાદાપૂર્વક નબળું પાડવા"નો અને "માઈગ્રેશન મામલે ચૂંટણીપ્રેરિત જંગમાં" આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો હથિયાર તરીકે ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો છે.
આ મર્યાદા કેટલા સમય સુધી રહેશે તેની સરકારે સ્પષ્ટતા નથી કરી. પરંતુ ડૉ બ્રાઉન કહે છે કે Go8ની ગણતરી મુજબ પ્રથમ વર્ષમાં જ તેમના સભ્યોને એક અબજ ઓસ્ટ્રેલિયન ડોલર (લગભગ 54.46 અબજ રૂપિયા)નું નુકસાન જશે. તેમના સંશોધન મુજબ વ્યાપક અર્થતંત્રને 5.3 અબજ ઓસ્ટ્રેલિયન ડોલરનો ફટકો પડશે અને લગભગ 20,000 લોકોની નોકરી જશે.
ઑસ્ટ્રેલિયાના ટ્રેઝરી વિભાગે આ અંદાજોને "શંકાસ્પદ" ગણાવ્યા છે, પરંતુ ફેરફારોની આર્થિક અસર વિશે તેનું પોતાનું મોડેલિંગ બહાર પાડ્યું નથી.
શિક્ષણ ક્ષેત્રની સંસ્થાઓએ શું પ્રતિભાવ આપ્યો?

ઇમેજ સ્રોત, ALESSANDRO RUSSO/MONASH UNIVERSITY
ડૉ. બ્રાઉને એવી ચેતવણી પણ આપી હતી કે આ કૅપ્સના કારણે કેટલીક યુનિવર્સિટીઓ વિદેશી વિદ્યાર્થીઓને પહેલેથી જ કરવામાં આવેલી ઑફરોને રદ કરી શકે છે, તેનાથી મહત્ત્વપૂર્ણ સંશોધન કાર્યક્રમોનું ગળું રુંધાઈ શકે છે અને કેટલાક ઑસ્ટ્રેલિયન વિદ્યાર્થીઓ માટે ફીમાં વધારો પણ થઈ શકે છે.
જોકે, જેમના માટે આ મર્યાદા ફાયદાકારક છે તેવી અમુક નાની યુનિવર્સિટીઓએ આ ફેરફારોનું સ્વાગત કર્યું છે.
લા ટ્રોબ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર થિયો ફેરેલે જણાવ્યું કે તેઓ ઑસ્ટ્રેલિયામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યાને નિયંત્રિત કરવા માટે "પારદર્શક અને પ્રમાણસરના પગલાં" ને સમર્થન આપે છે.
તેમણે કહ્યું, "અમે જાણીએ છીએ કે નેટ માઈગ્રેશન ઘટાડવા માટે વ્યાપક રાજકીય અને સામુદાયિક સમર્થન છે."
પરંતુ ડૉ. બ્રાઉનની દલીલ છે કે ઑસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠાને પણ ફટકો પડ્યો છે, જેનું પ્રમાણ નક્કી કરવું મુશ્કેલ છે. તેમણે ચેતવણી તરીકે કૅનેડાનું ઉદાહરણ આપ્યું. કૅનેડાએ આ વર્ષે વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા પર મર્યાદા મૂકી છે. પરંતુ ત્યાંની ઉદ્યોગ સંસ્થાઓ કહે છે કે વિદ્યાર્થીઓની નોંધણી આના કરતા ઘણી વધારે ઘટી ગઈ છે, વિદ્યાર્થીઓ ચિંતિત છે અને તેઓ બીજે ક્યાંક અભ્યાસ કરવા માટે અરજી કરશે.
"આપણને એક એવી આંતરરાષ્ટ્રીય શિક્ષણ પ્રણાલીની જરૂર છે જે ગ્રોથને પણ નિયંત્રિત કરી શકે. કોઈ મંત્રી રાજકીય ગણતરી આધારિત ફોર્મ્યુલાથી પોતાની જાતે એકપક્ષીય રીતે નિર્ણય લે તે ન ચાલે."
રિઝવીની દલીલ છે કે ઑસ્ટ્રેલિયામાં સૂચિત મર્યાદા લાગુ કરવાના બદલે સરકારે એક ન્યૂનતમ યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષા સ્કોર વિશે વિચારવું જોઈએ.
તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું કે, "આપણે આપણા પગ પર કુહાડો મારી રહ્યા છીએ....તે નબળા વિદ્યાર્થીઓને ઑસ્ટ્રેલિયા આવતા નહીં રોકી શકે, પરંતુ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને રોકશે અને તેઓ બીજે જતા રહેશે."
દરમિયાન ગ્રીન્સે સંસદમાં કહ્યું કે, આ નીતિ "વંશવાદી" છે અને સરકારના એક સાંસદો પણ તેની આકરી ઝાટકણી કાઢી છે.
જુલિયન હિલે ધ ઑસ્ટ્રેલિયન અખબારને જણાવ્યું કે, "આવી મર્યાદા લાગુ કરવાથી ઑસ્ટ્રેલિયાની માનવ મૂડી અને પ્રતિભાને નુકસાન જશે. તે સૉફ્ટ પાવર માટે અને શિક્ષણ ક્ષેત્રે સંશોધન માટે પણ નુકસાનકારક રહેશે."
ભારતીય વિદ્યાર્થીઓને કેવી અસર થશે?

ઇમેજ સ્રોત, Getty Images
પરંતુ આટલી ટીકા થવા છતાં વિદ્યાર્થીઓની સંખ્યા પર મર્યાદા લાદતા કાયદા પર આ સપ્તાહમાં સંસદમાં ચર્ચા થવાની છે અને વિપક્ષના ટેકા સાથે તે પસાર થવાની અપેક્ષા છે.
ક્લેરે સ્વીકાર્યું છે કે કેટલાક સર્વિસ પ્રોવાઇડરોને બજેટમાં મુશ્કેલ નિર્ણયોનો સામનો કરવો પડી શકે છે. પરંતુ તેમણે કહ્યું કે આ નીતિ "આંતરરાષ્ટ્રીય શિક્ષણને નુકસાન પહોંચાડશે તે વાત સંપૂર્ણપણે અને મૂળભૂત રીતે ખોટી છે".
જોકે, બે મહિના કરતા ઓછા સમયમાં ફેરફારો થવાના હોવાથી વિદ્યાર્થીઓ ચિંતિત છે અને મૂંઝવણમાં મૂકાયા છે.
ઑસ્ટ્રેલિયામાં જ્યાંથી સૌથી વધારે વિદેશી વિદ્યાર્થીઓ આવે છે તે બે દેશ - ચીન અને ભારતમાં આ સમાચારે હલચલ મચાવી દીધી છે.
અમૃતસર સ્થિત ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ રુપિન્દર સિંહે બીબીસીને જણાવ્યું કે, "ભારતમાં વિદ્યાર્થીઓ માટે આ ખૂબ જ મુશ્કેલ બનશે. મોટા ભાગના વિદ્યાર્થીઓ મિડલ ક્લાસમાંથી આવે છે અને વિદેશમાં તેમના શિક્ષણ માટે આયોજન અને તૈયારીમાં વર્ષો વિતાવે છે. તેમના બધાના સપના બરબાદ થઈ જશે."
મોનાશ યુનિવર્સિટીમાં ભણતા વેદાંત ગઢવી કહે છે કે ગુજરાતમાંથી મારા કેટલાક મિત્રો માસ્ટર્સ માટે ઑસ્ટ્રેલિયા આવવાની આશા રાખતા હતા, પણ હવે તેઓ ડરી ગયા છે.
તેઓ કહે છે, "સતત ફેરફારના કારણે તેમણે પોતાની યોજનાઓ બદલી નાખી હોય તેમ લાગે છે. ... તેમણે વિચાર્યું કે તેમની કારકિર્દી અને જીવનનું આયોજન કરવું મુશ્કેલ બનશે."
ચીનના અન્હુઈ પ્રાંતમાં સિનિયર હાઈસ્કૂલનાં વિદ્યાર્થિની જેની કહે છે કે તેણે ઑસ્ટ્રેલિયામાં ભણવા પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે, કારણ કે ચાઇનીઝ યુનિવર્સિટીમાં ગળાકાપ સ્પર્ધા વચ્ચે પ્રવેશ મેળવવા કરતાં ઑસ્ટ્રેલિયામાં ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવું પ્રમાણમાં "સરળ" છે.
તેમણે બીબીસીને કહ્યું, "હવે બધું અનિશ્ચિત છે."
જેની કહે છે કે, પ્રાદેશિક સ્તરે નીચા રેન્કની યુનિવર્સિટીમાં જવું એ અમારા માટે યોગ્ય વિકલ્પ નથી. "અમે ઑસ્ટ્રેલિયા જઈશું જ નહીં."
ઑસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ ડિપાર્ટમેન્ટના પ્રેસિડેન્ટ ઋષિકા અગ્રવાલ કહે છે કે સૂચિત કાયદાઓના કારણે બીજી ચિંતાઓ પેદા થઈ છે.
તેઓ કહે છે, "ઘણા વિદ્યાર્થીઓ માને છે કે ઓસ્ટ્રેલિયન સરકારને ઇમિગ્રન્ટ્સ ગમતા નથી અને તેની આ નિશાની છે."
તેઓ કહે છે કે, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ સમાજને આપેલા યોગદાનની સતત અવગણના કરવામાં આવે છે, તેથી પોસ્ટ-ગ્રેજ્યુએટ રોજગારના વિકલ્પો ન હોય ત્યારે નારાજગી વધતી જાય છે."
"તેઓ પોતાના શિક્ષણ પાછળ જંગી ખર્ચ કરીને પોતાના દેશ પાછા જાય છે. તેમને તેનું વળતર નથી મળતું."
"તેમને લાગે છે કે તેમનો ફાયદો ઉઠાવવામાં આવ્યો છે."
સંસદમાં ચર્ચા ચાલુ છે ત્યારે અનન્યા માટે થોડા રાહતના સમાચાર છે. તેમણે બીબીસી સાથે વાત કરી તેના થોડા સમય પછી, અભ્યાસ શરૂ થવાની તારીખના માત્ર અઠવાડિયા પછી, તેમને માસ્ટર્સમાં નોંધણીનું સત્તાવાર પ્રમાણપત્ર અને નવા સ્ટડી વિઝા મળી ગયા, જે મેળવવાની આશા તેમણે ગુમાવી દીધી હતી.
પરંતુ અન્ય ઘણા વિદ્યાર્થીઓ હજુ પણ રાહ જુએ છે અને ચિંતિત છે.
રિશિકા કહે છે, "હું તેમની જગ્યાએ હોત તો મારી જાતને ખૂબ લાચાર, નિરાશ અનુભવતી હોત. ઑસ્ટ્રેલિયાની જે વિશ્વસનીયતા હતી તે ગુમાવાઈ રહી છે.”
(સિંગાપોરમાં ફેન વાંગ અને દિલ્હીથી ઝોયા મતીનના અહેવાલ સાથે)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












