અમેરિકાના ગ્રીન કાર્ડ માટે 12 લાખ ભારતીયો લાઇનમાં, આજે અરજી કરો તો 100 વર્ષે મળે

અમેરિકા, ભારતીય નાગરિક, ગ્રીનકાર્ડ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, જાહ્નવી મૂળે
    • પદ, બીબીસી સંવાદદાતા

“હું બાર વર્ષથી અમેરિકામાં રહું છું. એક રીતે હું અહીં જ મોટી થઈ છું, પરંતુ આ વર્ષે એક કોર્ષ માટે ઍડમિશન લેતી વખતે મારે વિદેશી વિદ્યાર્થી તરીકે અરજી કરવી પડી હતી”

સૃષ્ટિ (નામ બદલ્યું છે) તેમણે અનુભવેલી મુશ્કેલીની વાત કરતાં હતાં. સૃષ્ટિ 2012માં નવ વર્ષનાં હતાં ત્યારે તેમના પિતા સાથે અમેરિકા આવ્યાં હતાં અને એ પછીનું તેમનું જીવન અમેરિકાના ન્યૂ જર્સીમાં વિત્યું છે.

આટલાં વર્ષ અમેરિકામાં રહેવા છતાં સૃષ્ટિને હજુ સુધી ગ્રીન કાર્ડ એટલે કે અમેરિકામાં કાયમી નિવાસી તરીકે રહેવાની પરવાનગી મળી નથી.

આ વર્ષે જાન્યુઆરીમાં સૃષ્ટિ 21 વર્ષનાં થયાં ત્યારે તેમણે વિદેશી વિદ્યાર્થી તરીકે વિઝા માટે અરજી કરવી પડી હતી અને ઉચ્ચ શિક્ષણ માટે પ્રવેશ લેતી વખતે સ્થાનિક વિદ્યાર્થીની સરખામણીએ બમણી ફી ભરવી પડી હતી.

સૃષ્ટિની વિતકકથા યુવા પૉડકાસ્ટર દ્વારકેશ પટેલ જેવી જ છે.

દ્વારકેશે થોડા સપ્તાહ પહેલાં સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે કોવિડના સમયગાળામાં તેમના પિતાને ગ્રીન કાર્ડ ન મળ્યું હોત તો તેમણે પણ ફરીથી વિઝા માટે રાહ જોવી પડી હોત અને કદાચ તેમને ભારત પાછા મોકલવામાં આવ્યા હોત.

આવા તણાવમાંથી પસાર થતા લોકોમાં સૃષ્ટિ કે દ્વારકેશ એકલાં નથી. અમેરિકામાં તેમના જેવાં લગભગ અઢી લાખથી વધુ બાળકો છે અને એ પૈકીના 1.30 લાખ તો ભારતીય મૂળનાં છે.

સવાલ ફક્ત બાળકોનો નથી. તેમનાં માતા-પિતાનો પણ છે, જેઓ કાયદેસર ઇમિગ્રન્ટ્સ તરીકે ભારતથી અમેરિકા આવ્યાં હતાં અને રોજગાર આધારિત ગ્રીન કાર્ડ માટે વર્ષોથી રાહ જોઈ રહ્યાં છે.

ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા લોકોની કુલ સંખ્યા હવે દસ લાખથી વધુની થઈ ગઈ છે અને તેમાં દર વર્ષે વધારો થઈ રહ્યો છે.

ગ્રીન કાર્ડ માટે અરજી કરવાની વર્તમાન વ્યવસ્થા અપૂરતી છે. ઉપરાંત દરેક દેશને કેટલાં ગ્રીન કાર્ડ મળી શકે તેના પર પણ નિયંત્રણ છે. તેથી પ્રતિક્ષાનો સમય દર વર્ષે લંબાઈ રહ્યો છે.

તેમાં પણ કેટલાક ભારતીયોના કિસ્સામાં પ્રતિક્ષાનો આ ગાળો 100 વર્ષથી વધુનો છે.

અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સના મુદ્દે વાતાવરણ તપેલું છે ત્યારે ભારતીય મૂળના ઘણા લોકોને લાગે છે કે કાયદેસરના ઇમિગ્રન્ટ્સના મુદ્દા પર પણ ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે.

આ મુદ્દો શું છે, કાયદો શું કહે છે અને તેમાં ફેરફાર માટે કેવા પ્રયાસો થઈ રહ્યા છે? આવો જાણીએ.

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

ગ્રીન કાર્ડ શું છે?

અમેરિકા, ભારતીય નાગરિક, ગ્રીનકાર્ડ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગ્રીન કાર્ડ ધરાવતી વ્યક્તિને સ્થાનિક નાગરિક જેટલા જ અધિકારો મળે છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કોઈ અન્ય દેશમાંથી અમેરિકામાં સ્થળાંતર કરતી વ્યક્તિને અમેરિકામાં કાયમી નિવાસ માટે આપવામાં આવતી પરવાનગીને ગ્રીન કાર્ડ કહેવામાં આવે છે.

તે એક પ્રકારનું ઓળખપત્ર છે અને તેનો રંગ લીલો હોવાને કારણે તેને ગ્રીન કાર્ડ કહેવામાં આવે છે.

ગ્રીન કાર્ડ ધરાવતી વ્યક્તિને સ્થાનિક નાગરિક જેટલા જ અધિકારો મળે છે અને ગ્રીન કાર્ડધારક સામાન્ય રીતે ત્રણથી પાંચ વર્ષમાં અમેરિકાના નાગરિકત્વ માટે અરજી કરી શકે છે.

અમેરિકા જતી દરેક વ્યક્તિને તત્કાળ ગ્રીન કાર્ડ મળતું નથી. એ પહેલાં ગ્રીન કાર્ડ માટેની લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.

અમેરિકન નાગરિકના નિકટના કુટુંબના સભ્યો એટલે પતિ, પત્ની, અપરિણીત બાળકો, એ બાળકોનાં અમેરિકામાં જન્મેલાં ભાઈ-બહેન વગેરે ‘ફૅમિલી બેઝ્ડ ગ્રીન કાર્ડ’ માટે અરજી કરી શકે છે.

અમેરિકામાં પોતાના પરિવારની કોઈ વ્યક્તિ ન હોવા છતાં દર વર્ષે હજારો ભારતીયો લાંબા ગાળાના નિવાસ માટે અમેરિકા જાય છે.

તે પૈકીના મોટા ભાગના શિક્ષણ (એફ વન વિઝા), સંશોધન-રોજગાર (એચવનબી વિઝા એટલે કે કામચલાઉ વર્ક પરમિટ) અથવા રહેવાસીઓના જીવનસાથી અથવા બાળકો (એચફોર વિઝા) પર અમેરિકા જાય છે.

જે વ્યક્તિ વિદ્યાર્થી તરીકે અમેરિકા ગઈ હોય તેને અમેરિકામાં નોકરી મળે તો તેણે એચવનબી વિઝા માટે અરજી કરવી પડે છે.

એચવનબી વિઝા પર વિદેશી કામદાર તરીકે કામ કર્યા પછી રોજગાર આધારિત ગ્રીન કાર્ડ માટે અરજી કરતા ભારતીયોની સંખ્યા મોટી છે અને અહીં તેનું જ મહત્ત્વ છે.

અમેરિકા, ભારતીય નાગરિક, ગ્રીનકાર્ડ

આ કર્મચારીઓના એચવનબી વિઝા તેમની નોકરીદાતા કંપની દ્વારા સ્પોન્સર કરવામાં આવે છે. એટલે કે તેના માટે કંપની પૈસા ચૂકવે છે. નિશ્ચિત સમયગાળા પછી વિઝા રિન્યૂ કરાવવા પડે છે એટલે કે ફરીથી મેળવવા પડે છે.

તેથી એચવનબી વિઝા મેળવ્યા પછી કર્મચારીઓ કેટલીક વધુ શરતો અને પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા પછી ગ્રીન કાર્ડ માટે અરજી કરી શકે છે.

એક સમયે ગ્રીન કાર્ડ મેળવવામાં પાંચથી સાત વર્ષ થતાં હતાં, પરંતુ હવે તે સમયગાળો ઘણો વધી ગયો છે. તેના કેટલાંક કારણો છે.

1990માં રજૂ કરાયેલા નિયમ અનુસાર, રોજગાર આધારિત ગ્રીન કાર્ડની સંખ્યા પ્રતિ વર્ષ 1.40 લાખની નક્કી કરવામાં આવી છે.

આ ગ્રીન કાર્ડ રેન્ડમ રીતે આપવામાં આવતાં નથી. પ્રત્યેક દેશને વધુમાં વધુ સાત ટકા ગ્રીન કાર્ડ મળે છે. આ હિસાબે દર વર્ષે 9,800 ભારતીયોને જ ગ્રીન કાર્ડ મળી શકે છે.

આ કન્ટ્રી કૅપ નિયમનો હેતુ અમેરિકા આવતા ઇમિગ્રન્ટ્સમાં વૈવિધ્ય જાળવી રાખવાનો અને તમામ દેશોને સમાન તક આપવાનો છે.

જોકે, આ નિયમથી, ભારત અને ચીન જેવા વધુ વસ્તી ધરાવતા દેશોમાંથી આવેલા ઇમિગ્રન્ટ્સને, ખાસ કરીને ભારતીયોને મોટો ફટકો પડ્યો છે.

તેનું કારણ એ છે કે 1990 પછી નોકરી માટે અમેરિકામાં સ્થળાંતર કરનારાઓમાં મોટા ભાગના ભારતીયો છે. એ ઉપરાંત સ્માર્ટફોનથી માંડીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુધીની ટૅક્નૉલૉજી વિકસિત થવાને કારણે તેમની સંખ્યામાં સતત વધારો થતો રહ્યો છે.

ભારતીયોની લાંબી કતાર

અમેરિકા, ભારતીય નાગરિક, ગ્રીનકાર્ડ

અમેરિકામાં કામ કરવા ગયેલા લોકોને અલગ-અલગ ગ્રીન કાર્ડ આપવામાં તેઓ કઈ કૅટેગરીના છે તે અનુસાર પ્રાધાન્ય મળે છે.

તેમાં ઈબીવન, ઈબીટુ અને ઈબીથ્રી કૅટેગરી સૌથી મહત્ત્વપૂર્ણ છે. આ ત્રણેયની અવધિ અલગ-અલગ છે.

  • ઈબીવન કૅટેગરી (સર્વોચ્ચ અગ્રતા) અસામાન્ય કૌશલ્ય ધરાવતા કર્મચારીઓ અને સંશોધક, પ્રાધ્યાપક, કળાકાર વગેરે જેવી વ્યક્તિઓ માટે છે.
  • ઈબીટુ કૅટેગરી અનુસ્નાતક શિક્ષણ પ્રાપ્ત કર્યું હોય તેવા કર્મચારીઓ અને વિજ્ઞાન, ટૅક્નૉલૉજી, કળા અથવા ઉદ્યોગમાં ઉચ્ચ શિક્ષિત તથા પ્રશિક્ષિત કર્મચારીઓ માટે છે.
  • ઈબીથ્રી કૅટેગરી ઓછામાં ઓછી સ્નાતકની ડિગ્રી ધરાવતા કર્મચારીઓ માટે છે.

યુએસ સિટિઝનશિપ ઍન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (યુએસસીઆઈએસ) દ્વારા મે, 2024માં બહાર પાડવામાં આવેલા વિઝા બુલેટિન અનુસાર, આ વર્ષે ઈબીવન કૅટેગરી માટેની 2021 સુધીની અરજીઓને અને ઈબીટુ તથા ઈબીથ્રી કૅટેગરી માટેની સપ્ટેમ્બર 2012 સુધીમાં કરવામાં આવેલી અરજીઓને પ્રોસેસ કરવામાં આવશે.

તેનો અર્થ એ છે કે ઈબીવન કૅટેગરી હેઠળ અરજી કરનાર અસામાન્ય કૌશલ્ય ધરાવતી વ્યક્તિને ગ્રીન કાર્ડ મેળવવામાં ખાસ તકલીફ પડતી નથી, પરંતુ બાકીની બે કૅટેગરીમાં અરજીઓનો ગંજ ખડકાયો છે.

નવેમ્બર 2023 સુધી લગભગ 1.8 લાખ લોકો રોજગાર આધારિત ગ્રીન કાર્ડની પ્રતિક્ષામાં હતા અને તેમાં 12 લાખ ભારતીયોનો સમાવેશ થાય છે.

અમેરિકા, ભારતીય નાગરિક, ગ્રીનકાર્ડ

કૉંગ્રેશનલ રિસર્ચનો અંદાજ છે કે કાયદા અને પ્રક્રિયામાં કોઈ ફેરફાર નહીં કરવામાં આવે તો 2030 સુધીમાં આ બૅકલૉગ વધીને 21,95,795નો થઈ જશે.

તેનો અર્થ એ છે કે આ કૅટેગરી હેઠળ અરજી કરનારે ગ્રીન કાર્ડ મેળવવા માટે લગભગ 195 વર્ષ રાહ જોવી પડે તે શક્ય છે.

હાલ ઈબીવન કૅટેગરીમાં 1,43,497, ઈબીટુ કૅટેગરીમાં 8,38,784 અને ઈબીથ્રી કૅટેગરીમાં 2,77,162 ભારતીયો ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા છે. એટલે કે ઈબીટુ અને ઈબીથ્રી કૅટેગરીના કર્મચારીઓએ વધુ રાહ જોવી પડશે.

ગ્રીન કાર્ડ મળ્યાં પહેલાં બે લાખથી વધુ લોકો મૃત્યુ પામશે, એવો અંદાજ પણ છે.

ખાસ કરીને ઈબીટુ કૅટેગરીમાં ગ્રીન કાર્ડ માટે લાંબી કતારને કારણે ઘણા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેથી આ બૅકલૉગને ભરવા માટે છેલ્લાં દસ-બાર વર્ષથી પ્રયાસો ચાલી રહ્યા છે.

ગ્રીન કાર્ડના અભાવે મુશ્કેલી

અમેરિકા, ભારતીય નાગરિક, ગ્રીનકાર્ડ

કૌશલ દળવી છેલ્લા એક દાયકાથી ફ્લોરિડાના મિયામીમાં રહે છે. તેઓ સૉફ્ટવેર એન્જિનિયર છે અને ‘ઇમિગ્રેશન વોઈસ’ નામની સંસ્થા સાથે પણ જોડાયેલા છે.

કૌશલે કહ્યું હતું, “તમે ભારત, ચીન કે ફિલિપાઇન્સ સિવાયના કોઈ પણ નાના દેશમાંથી આવતા હો તો અહીં દોઢ વર્ષમાં ગ્રીન કાર્ડ મળી જાય છે, પરંતુ ભારતીયોએ ગ્રીન કાર્ડ માટે વધારે રાહ જોવી પડે છે.”

તેમણે ઉમેર્યું હતું, “પ્રતીક્ષાના એ સમયગાળામાં તમે અહીં અમેરિકન નાગરિકની માફક ટેક્સ ચૂકવો છો અને અન્ય ઘણી ફરજ પણ બજાવો છો. તેમ છતાં અન્ય ગ્રીન કાર્ડધારકો અથવા અમેરિકન નાગરિકોને મળતા કેટલાક અધિકાર તમને મળતા નથી. તમે અહીં રહેતા હોવા છતાં તમને અમેરિકાના ગણવામાં આવતા નથી. તમે મતદાન કરી શકતા નથી.”

કૌશલના જણાવ્યા અનુસાર, ગ્રીન કાર્ડ ન મળે ત્યાં સુધી માત્ર એચવનબી વિઝા પર અહીં રહેવું પડે છે.

તમે તરત નોકરી બદલી શકતા નથી અથવા નોકરીમાં મોટું પ્રમોશન મેળવી શકતા નથી, કારણ કે એમ કરવાથી તમારે ફરીથી વિઝા અને ગ્રીન કાર્ડની પ્રક્રિયા શરૂ કરવી પડે છે.

તમે નોકરી ગુમાવો તો બીજી નોકરી શોધવા માટે અને બીજી કંપની તમારા એચવનબી વિઝા સ્પોન્સર કરે તે માટે 60 દિવસનો જ સમય મળે છે.

તમે નોકરી છોડીને તમારો પોતાનો બિઝનેસ શરૂ કરી શકતા નથી. કૉન્ફરન્સ કે લેક્ચર માટે જવાનું પણ મુશ્કેલ બની શકે છે, કારણ કે તમને જે કંપનીએ નોકરી આપી છે તેના સિવાય બીજા કોઈ પાસેથી તમે પગાર લઈ શકતા નથી.

તમે તમારા સ્વજનોને મળવા કે ફરવા વતન કે પરદેશ જઈ શકો છો, પરંતુ અમેરિકામાં પાછા પ્રવેશતી વખતે તમને અટકાવવામાં આવી શકે છે અથવા તમારો વિઝા રદ કરવામાં આવી શકે છે. સામાન્ય રીતે તેવું થતું નથી, પરંતુ તમારા માથા પર કાયમ તલવાર લટકતી હોય છે.

તમારા બાળકો 21 વર્ષનાં ન થાય ત્યાં સુધી તેમને ગ્રીન કાર્ડ મળતું નથી. તેમના માટે નવેસરથી વિઝા લેવા પડે છે, અન્યથા બાળકોનો ભારતમાં દેશનિકાલ થઈ શકે છે.

અશ્વિન ગાડવે પણ સૉફ્ટવેર ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે અને બાર વર્ષથી અમેરિકામાં છે.

તેમણે કહ્યું હતું, “થોડા સમય પહેલાં મેં અચાનક નોકરી ગુમાવી ત્યારે તત્કાળ બીજી નોકરી શોધવી પડી હતી. એ આખી પ્રક્રિયા ત્રાસદાયક હોય છે.”

કેટલાક લોકોની પ્રતિક્રિયા અલગ છે.

અમેરિકા, ભારતીય નાગરિક, ગ્રીનકાર્ડ

સાન ફ્રાન્સિસ્કોમાં એક આઈટી કંપનીમાં કામ કરતા એક કર્મચારીએ તેમનું નામ જાહેર ન કરવાની શરતે કહ્યું હતું, “અમેરિકાના દૃષ્ટિકોણથી વાત કરીએ તો અહીં બધા ઇમિગ્રન્ટ્સને સ્વીકારવા જોઈએ કે માત્ર અસામાન્ય કૌશલ્ય ધરાવતા કેટલાક લોકોને જ રહેવા દેવા જોઈએ તેનો નિર્ણય અમેરિકા જ કરશે.” આ વ્યક્તિ પોતે દસ વર્ષથી ગ્રીન કાર્ડની પ્રતિક્ષા કરી રહી છે.

તેઓ માને છે કે કન્ટ્રી કૅપનો નિયમ ન હોય અને માત્ર એક દેશમાંથી એટલે કે ભારતમાંથી આવતા લોકોને જ પ્રાધાન્ય મળે તો તે ખોટું હશે.

તેમણે ઉમેર્યું હતું, “અમેરિકામાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની સંખ્યા પણ બહુ મોટી છે. તેથી અહીંના વહીવટીતંત્રે આકરા કાયદા બનાવવા પડે છે. અહીં તમે વિદ્યાર્થી તરીકે આવો અને તમને એચવનબી વિઝા મળે તો એ પણ લોટરી લાગવા જેવું છે. ગ્રીન કાર્ડ તો એ પછીની વાત છે.”

“તેથી અરજી કરનાર તમામને ગ્રીન કાર્ડ મળી શકે નહીં એ અમેરિકામાં સ્થળાંતર કરવાની વાસ્તવિકતા અમે સ્વીકારી લીધી છે. સમયસર ગ્રીન કાર્ડ નહીં મળે તો ભારત પાછા ફરવાની પણ અમારી તૈયારી છે.”

ગ્રીન કાર્ડ વિશેના કાયદામાં ફેરફારની માંગ

વીડિયો કૅપ્શન, ડોનાલ્ડ ટ્રમ્પે કમલા હૅરિસ વિશે એવું શું પૂછ્યું જેની ચર્ચા છે?

ઇન્ફૉર્મેશન ટૅક્નૉલૉજી ક્ષેત્રના વિકાસ સાથે જ મોટી સંખ્યામાં ભારતીયો અમેરિકા જવા લાગ્યા હતા. તેથી ગ્રીન કાર્ડ બૅકલૉગની સમસ્યા વધતી જશે એવું 2005ની આસપાસ જ ધ્યાનમાં આવી ગયું હતું.

ત્યારથી જ પ્રવર્તમાન કાયદામાં ફેરફારની માંગ જોર પકડવા લાગી હતી. આ પ્રયાસોને 2012માં મોટી સફળતા મળી હતી.

એ વખતે અમેરિકન સંસદના નીચલા ગૃહ હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવ્સ દ્વારા ફૅરનેસ ફૉર હાઇલી સ્કિલ્ડ ઇમિગ્રન્ટ્સ ઍક્ટ નામનો કાયદો પસાર કરવામાં આવ્યો હતો, પરંતુ તે સેનેટમાં સમયસર પસાર કરી શકાયો ન હતો.

આ કાયદો ઇક્વલ ઍક્સેસ ટુ ગ્રીન કાર્ડ્સ ફૉર લીગલ એમ્પ્લૉયમેન્ટ ઍક્ટ એટલે કે ઈગલ ઍક્ટ તરીકે પણ ઓળખાય છે. જે દેશનો બૅકલૉગ વધારે હોય તેના માટેના સાત ટકા ક્વોટામાં વધારો કરવાની જોગવાઈ તેમાં હતી.

અમેરિકા, ભારતીય નાગરિક, ગ્રીનકાર્ડ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગ્રીન કાર્ડ ન મળે ત્યાં સુધી માત્ર એચવનબી વિઝા પર અહીં રહેવું પડે છે

એ પછી 2019-20માં ફરીવાર આ ખરડો અમેરિકન સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો. હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવ્સની સાથે સેનેટે પણ તેના આ વખતે પસાર કર્યો હતો, પરંતુ આગળની પ્રક્રિયા સમયસર પૂર્ણ થઈ ન હતી.

એક ટૅક્નૉલૉજી કંપનીના સ્થાપક અપૂર્વ ગોવિંદે તાજેતરમાં સોશિયલ મીડિયા પર લખ્યું હતું, “હું 13 વર્ષથી અમેરિકામાં રહુ છું, પરંતુ હજુ પણ વિઝા પર જ છું. ભારતમાંથી કાયદેસર સ્થળાંતર કરીને અહીં આવેલા લોકોને વહેલામાં વહેલી તકે અહીં રહેવાની પરમિટ મળવી જોઈએ. એ માટે ક્યો પક્ષ પ્રયાસો કરવાનો છે?”

કૌશલ દળવીના જણાવ્યા મુજબ, કાયદો બદલવાની સત્તા અમેરિકન કૉંગ્રેસ એટલે કે સંસદ પાસે છે. તેથી ભારતીયો માટે રાષ્ટ્રપ્રમુખપદની ચૂંટણી જેટલી જ મહત્ત્વની કૉંગ્રેસની ચૂંટણી છે.

તેમણે ઉમેર્યું હતું, “રિપબ્લિકન અને ડેમૉક્રૅટિક બંને પક્ષો આ મુદ્દાનું નિરાકરણ ઇચ્છે છે, પરંતુ અમેરિકાની દક્ષિણ સરહદ (મેક્સિકોથી થતું સ્થળાંતર) ઇમિગ્રેશનની ચર્ચામાં મુખ્ય રાજકીય મુદ્દો છે. લોકપ્રતિનિધિઓ પાસેથી અમને મળેલા સંકેતો મુજબ, મેક્સિકોથી સ્થળાંતરનો મુદ્દો નહીં ઉકેલાય ત્યાં સુધી તેમને અમારા મુદ્દાના નિરાકરણમાં રસ નથી.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.