ગોલ્ડન વિઝા અથવા ગોલ્ડન પાસપોર્ટ શું છે, તેની પાછળનો વિવાદ શું છે?

ગોલ્ડન વિઝા યોજના મોટા રોકાણના બદલામાં શ્રીમંત વિદેશીઓને અન્ય દેશમાં રહેવાનો અને કામ કરવાનો અધિકાર આપે છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગોલ્ડન વિઝા યોજના મોટા રોકાણના બદલામાં શ્રીમંત વિદેશીઓને અન્ય દેશમાં રહેવાનો અને કામ કરવાનો અધિકાર આપે છે.
    • લેેખક, ઑનુર ઍરમ
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ

સ્પેન તેની "ગોલ્ડન વિઝા" સ્કીમને રદ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ યોજના અંતર્ગત યુરોપિયન યુનિયનના નાગરિક ન હોય તેવા નાગરિકોને મોટા નાણાકીય રોકાણના બદલામાં ફાસ્ટ-ટ્રેક રેસિડેન્સી મળે છે. આ નિર્ણય બાદ સ્પેન એ દેશોની યાદીમાં આવી ગયો છે જે આ યોજના બંધ કરી રહી છે. આ યાદી લાંબી થઈ રહી છે.

વડા પ્રધાન પેડ્રો સાંચેઝ કહ્યું કે નિર્ણય પાછળનો ઉદ્દેશ્ય એ ખાતરી કરવાનો છે કે રેસીડન્સી એ અધિકાર છે અને માત્ર ધંધાકીય અટકળોનો વિષય નથી.

તેઓ વધુમાં કહે છે કે હાઉસિંગ માર્કેટ ભારે દબાણ હેઠળ હતું અને જે લોકો રહે છે અને કામ કરે છે તેમના માટે પોષાય તેવાં આવાસ શોધવા અશક્ય બન્યા હતા.

ઘણા રોકાણકારો આ યોજનાને કોઈ જગ્યાએ નવું જીવન શરૂ કરવા માટે અથવા તેમના મૂળ દેશમાં રાજકીય, સામાજિક અથવા આર્થિક જોખમોથી બચવાની તક તરીકે જુએ છે.

પરંતુ ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશ ચલાવનારાઓ અનુસાર રાજકારણીઓ ગુનેગારો તેમના પોતાના હિત માટે સિસ્ટમનો દુરુપયોગ કરે છે અને રિયલ ઍસ્ટેટની કિંમતમાં વધારો કરે છે. તેના કારણે સ્થાનિક લોકોને ઓછી કિંમતમાં મકાન મળતું નથી.

ગોલ્ડન વિઝા અથવા ગોલ્ડન પાસપોર્ટ શું છે?

ગોલ્ડન વિઝા યોજના મોટા રોકાણના બદલામાં શ્રીમંત વિદેશીઓને અન્ય દેશમાં રહેવાનો અને કામ કરવાનો અધિકાર આપે છે.

ગોલ્ડન વિઝા મેળવવા માટેની રકમ પણ અલગઅલગ હોય છે. પનામામાં રિયલ ઍસ્ટેટમાં 1,00,000 ડૉલરનું રોકાણ કરવાથી ગોલ્ડન વિઝા મળી જાય છે જ્યારે લગ્ઝમબર્ગમાં નાણાકીય સંસ્થાઓમાં 21.4 મિલિયન ડૉલરનું રોકાણ કરવું પડે છે.

ઉપરાંત ગોલ્ડન પાસપોર્ટ યોજનાઓ છે, જેના દ્વારા શ્રીમંત વ્યક્તિઓ નાગરિકોને મળતા તમામ અધિકારો અને સ્વતંત્રતાઓ મેળવી શકે છે. આમાં કામ કરવાની પરવાનગી અને મત આપવાનો અધિકાર પણ સામેલ છે.

લોકપ્રિય સ્થળો કયાં છે?

વર્ષ 2020 સુધી યુરોપિયન યુનિયનમાં સામેલ 14 દેશો ગોલ્ડન વિઝા ઑફર કરતા હતા.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વર્ષ 2020 સુધી યુરોપિયન યુનિયનમાં સામેલ 14 દેશો ગોલ્ડન વિઝા ઑફર કરતા હતા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ડૉ. ક્રિસ્ટિન સુરાક લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં પૉલિટિકલ સોશિયોલૉજીના ઍસોસિયેટ પ્રોફેસર છે. તેમણે ‘ધ ગોલ્ડન પાસપોર્ટઃ ગ્લોબલ મોબિલિટી ફૉર મિલિયનર્સ પુસ્તક’ લખ્યું છે.

તેઓ કહે છે કે આશરે 60 દેશો ગોલ્ડન વિઝા ઑફર કરે છે. અંદાજીત 20 દેશો રોકાણ થકી કાનૂની જોગવાઈઓ સાથે નાગરિકત્વ આપે છે. 10 દેશ એવા છે જેમને દર વર્ષે 100થી વધુ અરજીઓ મળે છે.

ડૉ. ક્રિસ્ટિન સુરાકના સંશોધન પ્રમાણે સૌથી વધુ નાગરિકત્વ તુર્કી આપે છે અને તે મોટો વેચાણકર્તા દેશ છે. વિશ્વમાં ગોલ્ડન પાસપોર્ટ માટે જેટલી પણ અરજીઓ થાય છે તેમાંથી અડધી અરજીઓ માત્ર તુર્કીમાં થાય છે.

તેઓ વધુમાં જણાવે છે કે રોકાણ થકી સૌથી વધુ નાગરિકત્વ આપનાર દેશો દક્ષિણમાં છે, જેમાં મલેશિયા અને સંયુક્ત આરબ અમીરાત છે સૌથી લોકપ્રિય દેશો છે.

સૅન્ટ કિટ્સ, ડૉમિનિકા, વનુઆતુ, ગ્રેનાડા, ઍન્ટિગુઆ અને માલ્ટા પણ સારાં એવા પ્રમાણમાં ગોલ્ડન પાસપોર્ટ આપે છે.

ગોલ્ડન પાસપોર્ટની ઇચ્છા ધરાવતા લોકોમાં યુરોપિયન યુનિયન (EU)એ સૌથી લોકપ્રિય છે. તેની પાછળનું મુખ્ય કારણે છે કે યુરોપિયન યુનિયનના સભ્ય દેશોમાં જો રહેવા અને કામ કરવાનો અધિકાર મળે તો વ્યક્તિ શેન્ગેન વિસ્તારના દેશોમાં વિઝામુક્ત મુસાફરી કરી શકે છે.

વર્ષ 2020 સુધી યુરોપિયન યુનિયનમાં સામેલ 14 દેશો ગોલ્ડન વિઝા ઑફર કરતા હતા. કુલ અરજીઓમાં 70 ટકા અરજીઓ ગ્રીસ, લાતવિયા, પોર્ટુગલ અને સ્પેન મંજૂર કરતા હતા. પરંતુ હવે આ દેશો યોજના પર કાપ મૂકી રહ્યા છે.

વર્ષ 2022માં યુકે સરકારે શ્રીમંત વિદેશી નાગરિકો તેમની સાથે સંપત્તિ લાવ્યા હોય તો તેઓને દેશમાં સ્થાયી થવાની મંજૂરી આપતી યોજનાને સમાપ્ત કરી નાખી હતી.

તે પછીના વર્ષે આયર્લૅન્ડએ ગોલ્ડન વિઝાની યોજના રદ કરી હતી. આ વર્ષે પોર્ટુગલએ તેમાં સુધારો કર્યો હતો, જેમાં મિલ્કતમાં રોકાણ કરવા બદલ નહીં પરંતુ સંશોધનમાં રોકાણ અને ફંડમાં કૅપિટલ ટ્રાન્સફર કરવાથી ગોલ્ડન વિઝા આપવાની જોગવાઈ કરવામાં આવી હતી.

ગોલ્ડન વિઝા શા માટે ડિમાન્ડમાં છે?

ગોલ્ડન વિઝા અને પાસપોર્ટ ધનાઢ્ય વ્યક્તિઓમાં લોકપ્રિય છે, જેઓ વધુ સારી બિઝનેસ તકો, જીવનશૈલી, શિક્ષણ અથવા આરોગ્ય સેવાઓની શોધમાં હોય છે.

યુકે સ્થિત લા વિડા ગોલ્ડન વિઝાસ નામની કંપનીના માર્કેટિંગ મૅનેજર લિઝી ઍડવર્ડ્સે બીબીસી ટર્કિશને એક મુલાકાતમાં જણાવે છે કે, આજના વિશ્વમાં જે અનિશ્ચિતા છે તેમાં સેકન્ડ રેસિડેન્સી અથવા પાસપોર્ટની જરૂરિયાત ક્યારેય એટલી પ્રબળ નહોતી."

"રોકાણકારના ઇનસેન્ટિવ અલગ-અલગ હોય છે, પરંતુ અરજી કરવા પાછળનાં કારણોમાં સુરક્ષા હેતુઓ, વિઝામુક્ત મુસાફરી, શિક્ષણ અને વ્યવસાયની સંભાવનાઓ સહિત વૈશ્વિક તકોનો સમાવેશ થાય છે."

તમે ગોલ્ડન વિઝા અથવા પાસપોર્ટ કેવી રીતે મેળવી શકો?

દેશો ગોલ્ડન વિઝા માટે વિવિધ વિકલ્પો આપે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દેશો ગોલ્ડન વિઝા માટે વિવિધ વિકલ્પો આપે છે

ગોલ્ડન વિઝાના નિયમો ગંતવ્ય અને રોકાણના પ્રકાર પર આધારિત છે. દાખલા તરીકે તુર્કી 400,000 ડૉલર કે તેથી વધુની રિયલ ઍસ્ટેટ ખરીદનાર વિદેશીઓને ગોલ્ડન પાસપોર્ટ ઑફર કરે છે.

લક્ઝમબર્ગ જેવા કેટલાક અન્ય દેશો ગોલ્ડન વિઝા માટે વિવિધ વિકલ્પો આપે છે. વિકલ્પોમાં લક્ઝમબર્ગમાંની કોઈ કંપનીમાં ઓછામાં ઓછા 536,000 ડૉલરનું રોકાણ અથવા નાણાકીય સંસ્થામાં 2.14 કરોડ ડૉલર જમા કરાવવા, જેવી શરતો સામેલ છે. કેટલાક દેશો સંશોધન અને વિકાસ પ્રવૃત્તિઓમાં દાન અથવા રોકાણ પણ સ્વીકારે છે.

ઘણી સરકારો માટે ગોલ્ડન વિઝા યોજના ચલાવવા પાછળનો હેતુ દેશમાં રોકાણ વધારવું અને અર્થતંત્રને વેગ આપવાનો છે.

જર્નલ ઑફ ઍથનિક ઍન્ડ માઇગ્રેશન સ્ટડીઝમાં પ્રકાશિત ડૉ. ક્રિસ્ટિન સુરાક અને યુસુકે સુઝુકીના સંશોધન અનુસાર પોર્ટુગલમાં વર્ષ 2013થી 2019 વચ્ચે જે ડાયરેક્ટ ફૉરેન ઇનવેસ્ટમેન્ટ થયું તેમાં ગોલ્ડન વિઝા થકી આવતાં રોકાણનું પ્રમાણ 14.4 ટકા હતું.

આ સમયગાળામાં લાતવિયામાં અને ગ્રીસમાં ડાયરેક્ટ ફૉરેન ઇનવેસ્ટમેન્ટ થયું તેમાં ગોલ્ડન વિઝા થકી આવતાં રોકાણનું પ્રમાણ અનુક્રમે 12.2 ટકા અને સાત ટકા હતું.

યોજના શા માટે વિવાદાસ્પદ છે?

આ વિઝા મેળવવામાં લગભગ 12 મહિનાના જેટલો સમય લાગી શકે છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આ વિઝા મેળવવામાં લગભગ 12 મહિનાના જેટલો સમય લાગી શકે છે.

ભષ્ટ્રાચાર સામે ઝુંબેશ ચલાવતા લોકો અનુસાર ગોલ્ડન વિઝાનાં બે મુખ્ય નકારાત્મક પાસાં છે. પ્રથમ ભષ્ટ્રાચાર અને બીજી સ્થાનિકો માટે આવાસ સંકટને વેગ આપવો.

ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ એ 100થી વધુ દેશોમાં ભ્રષ્ટાચાર સામે કામ કરતી વૈશ્વિક એનજીઓ છે.

તે ચેતવણી આપતા કહે છે કે EUની યોજનાઓ સાચા રોકાણ અથવા સ્થળાંતર માટે નથી પરંતુ ભ્રષ્ટ હિતોને સાધવા માટે છે.

ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ માટે કૅમ્પેઇન કરતા ઈકા રોસ્ટોમાશવિલીના કહે છે કે આવા કાર્યક્રમો ચલાવતા દેશો પાસે પગલાં લેવા માટેની સક્ષમ પ્રક્રિયાઓ છે પરંતુ તેઓ હંમેશાં હેતુ પ્રમાણે કામ કરતાં નથી.

"એવા જાહેર કિસ્સાઓ છે જેમાં સત્તાધીશોથી ભાગતા લોકોએ ભ્રષ્ટાચાર અથવા છેતરપિંડી કરતા પહેલાં અથવા તેના પછી ગોલ્ડન વિઝા અથવા પાસપોર્ટ માટે અરજી કરી હોય. દેખીતી રીતે આવા લોકો તેને કાયદાના અમલીકરણની કાર્યવાહી સામે એક પ્રકારની વીમા પૉલિસી તરીકે જુએ છે."

વિવિધ ઈયુ સંસ્થાઓ પણ ગોલ્ડન વિઝાની ટીકા કરે છે. સાલ 2022માં, ઈયુ કમિટિ ઑન સિવિલ લિબર્ટીઝ, જસ્ટિસ ઍન્ડ હોમ અફેર્સેએ ગોલ્ડન પાસપોર્ટ પર પ્રતિબંધના સમર્થનમાં મત આપ્યો હતો.

સંસ્થાઓએ ઈયુમાં વિઝા-ફ્રી એક્સેસ ધરાવતા ત્રીજા દેશોને તેમની ગોલ્ડન પાસપોર્ટ સ્કીમ્સ સમાપ્ત કરવા માટે વિંનતી પણ કરી હતી.

ડૉ. ક્રિસ્ટિન સુરાક કહે છે કે આ યોજનાઓ વડે નાણાની ઉચાપત કરવી શક્ય છે પરંતુ સરળ અને સસ્તા વિકલ્પો પણ લોકો માટે હાજર છે.

"તમે સ્ટુડન્ટ વિઝા સાથે પણ આવું કરી શકો છો, તે કદાચ ઘણું સસ્તું છે. બિઝનેસ વિઝા સાથે પણ એવું જ છે. આ પ્રોગ્રામ્સ માટે તે કોઈ ખાસ ચિંતા નથી."

ઑક્ટોબર 2023માં પ્રકાશિત થયેલા ઍન ઑર્ગાનાઇઝડ ક્રાઇમ ઍન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટની તપાસમાં બહાર આવ્યું છે કે યુદ્ધ અપરાધોના આરોપી એવા લિબિયાના ભૂતપૂર્વ કર્નલ અને તુર્કીમાં જેલની સજા પામેલા તુર્કીના ઉદ્યોગપતિએ આવી યોજના થકી ડૉમિનિકન પાસપોર્ટ ખરીદ્યો હતો.

વર્ષ 2023માં યુકેની હોમ ઑફિસે દેશમાં ચાલતી ગોલ્ડન વિઝા સ્કીમની સમીક્ષા કરી હતી. આ સમીક્ષામાં બહાર આવ્યું હતું કે વિદેશી રોકાણકારોમાં એક નાની સંખ્યા એવી હતી જે વધુ જોખમી હતી કારણે તેઓ ભષ્ટ્રાચાર અને સંગઠિત અપરાધ સાથે સંકળાયેલા હતા.

ઝુંબેશ ચલાવતા લોકો અનુસાર બીજી સૌથી મોટી ચિંતા છે ઘરોની કિંમતમાં થઈ રહેલો વધારો. ગોલ્ડન વિઝા ઑફર કરતા દેશો રોકાણ માટે વિવિધ વિકલ્પો આપે છે પરંતુ સૌથી વધુ અરજદારો મિલ્કતમાં રોકાણ કરે છે, જે મિલકતના ભાવમાં વધારો કરે છે.

પરંતુ ડૉ. ક્રિસ્ટિન સુરાકનું સંશોધન સૂચવે છે કે મોટા ભાગના દેશોમાં આની મર્યાદિત અસર છે.

દાખલા તરીકે સ્પેન દર વર્ષે લગભગ 2000 અરજીઓ સ્વીકારે છે. આંકડાઓ પ્રમાણે 4.8 કરોડ લોકોના દેશમાં 2000 રિયલ ઍસ્ટેટ વ્યવહારો નગણ્ય કહી શકાય.

પરંતુ મિલકત મોટાભાગે અમુક વિસ્તારોમાં કરવામાં આવે છે, જેમાં લોકપ્રિય નગરો અને વિસ્તારો સામેલ છે. અહીં વિદેશી લોકો દ્વારા મોટાપાટે મિલ્કતની ખરીદી કરવાથી સ્થાનિકોને અસર થાય છે.

દક્ષિણ તુર્કીનું દરિયાકાંઠાનું શહેર અંતાલ્યા તેમાનું એક શહેર છે. રશિયન અને યુક્રેનિયન પ્રવાસીઓમાં પરંપરાગત રીતે લોકપ્રિય અંતાલ્યા યુક્રેનમાં યુદ્ધની શરૂઆત પછી કાયમી આશ્રય બની ગયું હતું. સ્થાનિકોની ફરિયાદ છે કે રિયલ ઍસ્ટેટની માંગમાં વધારો થવાથી ભાવમાં વધારો થયો છે.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમ દ્વારા પ્રકાશિત)