અમેરિકા : દેશનિકાલથી બચવા ગ્રીન કાર્ડ અને H1-B વીઝા માટે ઝઝૂમતા ભારતીયો

- લેેખક, દિવ્યા આર્યા
- પદ, બીબીસી સંવાદદાતા, દિલ્હીથી
વૉશિંગ્ટન ડીસીમાં યુએસ કૅપિટલ હિલ બિલ્ડિંગની સામે હાથમાં પોસ્ટર લઈને એક ભારતીય એકલા ઊભા છે – અનુજ ક્રિશ્ચિયન. તેઓ ગ્રીન કાર્ડવાંચ્છુકોની કતારમાં ઊભેલા લાખો ભારતીયોમાંથી એક છે. ફરક માત્ર એટલો છે કે અનુજ આ પરિસ્થિતિને બદલવા માટે કશુંક કરી રહ્યા છે.
અમેરિકામાં કાયમ માટે રહેવા અને કામ કરવા માટે જરૂરી ગ્રીન કાર્ડની અરજી કરનારા ભારતીયોની સંખ્યા છેલ્લાં થોડાં વરસોમાં ઝડપભેર વધી છે, પણ ગ્રીન કાર્ડનો ક્વોટા સીમિત છે.
અમેરિકન ઇમિગ્રૅશન એજન્સી યુએસસીઆઈએસ અનુસાર વર્ષ 2023 સુધીમાં 10 લાખ કરતાં વધારે ભારતીયો હરોળમાં હતા.
ગ્રીન કાર્ડ અને વિઝા માટે વરસો કે દાયકાઓની પ્રતીક્ષા, અમેરિકામાં ભણીને કૅરિયર બનાવવા માટેનાં લાખો ભારતીયોનાં સપનાંને સાકાર કરવામાં અવરોધ બનતી જાય છે.
અમે અનુજ સહિત કેટલાક એવા ભારતીયોને મળ્યા જેઓ અમેરિકાની નીતિઓ અને કાયદામાં પરિવર્તન દ્વારા, અને ભારતીયોને અલગ અલગ વિઝાના વિકલ્પોની માહિતી આપીને આ પડકારનો સામનો કરવામાં તેમની મદદ કરી રહ્યા છે.

અનેક માટે સંઘર્ષરત એક ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images
અનુજ 15 વર્ષ પહેલાં ગુજરાતમાંથી અમેરિકા આવ્યા, પણ હજુ પણ એચ1બી વિઝા પર છે. તેમનો આરોપ છે કે અમેરિકાની ઇમિગ્રૅશન નીતિઓ ભારતીયો સાથે ભેદભાવ કરે છે.
અનુજે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, “મોટા ભાગના અમેરિકનોને ખબર નથી કે નોકરી સાથે સંકળાયેલા ઇમિગ્રૅશનના અરજદારોની પસંદગી કરવામાં અમેરિકા કાબેલિયતના બદલે તમે ક્યાં જન્મ્યા છો, તેને વધારે મહત્ત્વ આપે છે.”
ઇમિગ્રૅશન નિયમો અનુસાર, દર વર્ષે અપાતાં 1,40,000 ગ્રીન કાર્ડ્સમાં દરેક દેશની કૅપ કે સીમા સાત ટકા છે. તેને ધ્યાનમાં રાખતાં ભારતીય અને ચીની પ્રોફેશનલ્સને નુકસાન થાય છે. કેમકે, ગ્રીન કાર્ડ માટે અરજી કરનારાઓમાં આ બે દેશના અરજદારોની સંખ્યા બીજા દેશોમાંથી આવતા વ્યાવસાયિક કામદારો કરતાં ઘણી વધારે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમને એમ જ ઘણા લોકોએ જણાવ્યું કે તેઓ દાયકાઓથી ગ્રીન કાર્ડ મળવાની રાહ જોઈ રહ્યા છે. અમે જ્યારે યુએસસીઆઈએસને આ અંગે સવાલ પૂછ્યો તો તેમણે કશો જવાબ ન આપ્યો.
હકીકતમાં, સમસ્યા ખૂબ મોટી છે, પરંતુ તેના વિશે બોલનારા ખૂબ ઓછા. અનુજે કહ્યા અનુસાર, “જે લોકો સીધેસીધા આનાથી પ્રભાવિત છે તેમને ડર છે; પોતે વિઝા પર છે, એટલે ઘણા પરેશાન હોવા છતાં ખૂલીને બોલવા નથી માગતા.”
અનુજ પણ વિઝા પર છે, પરંતુ, ગાડી કાઢી અને અમેરિકાનાં બધાં પચાસ રાજ્યોની કૅપિટલ બિલ્ડિંગ્સની સામે જઈને આ જ રીતે પ્રદર્શન કર્યું.
અમેરિકનો સાથે વાત કરી અને તેમને આ મુદ્દા વિશે જાગરૂક કર્યા. ઘણી જગ્યાએ તેમના સમર્થનમાં બીજાં ભારતીયો પણ જોડાવા લાગ્યાં અને પોતપોતાની આપવીતી જણાવવા લાગ્યાં.
અમેરિકનો અને ભારતીયોના મળેલા આ સમર્થનની શક્તિના આધારે અનુજે હવે એક સંગઠન બનાવ્યું છે – ‘ફૅઅર અમેરિકા’, જે એવી માગણી કરી રહ્યું છે કે ગ્રીન કાર્ડ દેશના ક્વોટાના આધારે નહીં, પરંતુ અરજદારની આવડત પર આપવામાં આવે.
દીપ પટેલની લડાઈ
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હવે આ પડકારનું બીજું એક પાસું જુઓ – જેની લડાઈ લડે છે શિકાગોમાં રહેતા દીપ પટેલ.
દીપ નવ વર્ષના હતા ત્યારે પોતાનાં માતાપિતા સાથે અમેરિકા આવેલા. અહીંની સ્કૂલ-કૉલેજમાં ભણ્યા; અમેરિકન મિત્રો બનાવ્યા.
પરંતુ જ્યારે તેઓ 21 વર્ષના થયા અને માતાપિતાને ત્યારે પણ ગ્રીન કાર્ડ નહોતું મળ્યું એટલે, દીપ અમેરિકામાં 'ગેરકાયદેસર નિવાસી' થઈ ગયા.
ઇમિગ્રૅશન નિયમો અનુસાર કોઈ ઇમિગ્રન્ટ જો પોતાના બાળક સાથે અમેરિકા આવે અને બાળક 21 વર્ષનું થાય ત્યાં સુધી જો તેમને ગ્રીન કાર્ડ ન મળે તો તે બાળક પોતાનાં માતાપિતાના વિઝા પર ડિપૅન્ડન્ટ તરીકે ન રહી શકે, તેણે પોતાના માટે અલગ વિઝા કઢાવવો પડે છે.
અમેરિકામાં આવા અઢી લાખ યુવા છે. દીપે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, “જ્યારે મારે કૉલેજમાં ઍડ્મિશન લેવાનો સમય આવ્યો ત્યારે મને અહેસાસ થયો કે અમેરિકન સ્કૂલોમાં અભ્યાસ કર્યા છતાં હવે મને ઇન્ટરનૅશનલ સ્ટુડન્ટ માનવામાં આવશે.”
“કૅરિયરની પસંદગીમાં પણ મારે જોવું પડ્યું કે કયા વિકલ્પના આધારે હું અમેરિકામાં રહી શકું છું; કે મારે દેશ છોડવો પડશે અને હવે, આ બધાથી ખૂબ તણાવ રહે છે.”
કેટલાક લોકોથી આ તણાવ સહન નથી થતો.
તણાવ હેઠળ ભારતીયો

ભારતમાં જન્મેલાં અતુલ્યા રાજાકુમાર અને તેમના ભાઈ પણ દીપની જેમ નાની ઉંમરે પોતાની માતા સાથે અમેરિકા આવેલાં.
આ મુદ્દે બનાવાયેલી યુએસ સેનેટ જ્યુડિશિયરી કમિટીને આપેલી જુબાનીમાં અતુલ્યાએ જણાવ્યું કે સતત માનસિક પરેશાનીઓ સામે ઝઝૂમી રહેલા તેમના ભાઈએ કૉલેજ શરૂ થાય એ પહેલાં જ આત્મહત્યા કરી લીધી.
અતુલ્યાએ કહ્યું, “યુનિવર્સિટી ઑફ વૉશિંગ્ટનમાં મારા ભાઈનું ઑરિએન્ટેશન હતું, પરંતુ તેના એક દિવસ પહેલાં તેણે આત્મહત્યા કરી લીધી.”
“અચાનક અમારો પરિવાર વીંખાઈ ગયો. ચોવીસ કલાકમાં હું સ્કૂલનું પેપર લખવાની જગ્યાએ તેની ઑબિચ્યુરી લખી રહી હતી.”
હવે દીપ વર્ક વિઝા પર અને અતુલ્યા સ્ટુડન્ટ વિઝા પર છે.
આખરે, તેમના સંગઠન ‘ઇમ્પ્રૂવ ધ ડ્રીમ’ના પ્રયાસોથી યુએસ કૉંગ્રેસ અને સેનેટમાં અમેરિકા ચિલ્ડ્રન્સ ઍક્ટ 2023 બિલ રજૂ થયું, જેથી લાંબા સમયથી અમેરિકામાં વિઝાના આધારે રહેતાં માતાપિતાનાં બાળકોને કાયદા દ્વારા ગ્રીન કાર્ડનો હક આપવામાં આવે. પરંતુ, તે પસાર ન થયું.

ઇમેજ સ્રોત, Getty Images
અમે જ્યારે તેનું સમર્થન કરનારા ડેમૉક્રૅટિક પાર્ટીના કૉંગ્રેસમૅન અમી બેરા સાથે વાત કરી તો તેમણે આગામી સરકારના કાર્યકાળમાં તે પસાર થશે, તેવી આશા પ્રકટ કરી.
અમી બેરાએ કહ્યું, “જે બાળકો પોતાનાં માતાપિતા સાથે કાયદેસર અહીં આવ્યાં, તેવા યુવાઓને અમે ડૉક્યુમેન્ટેડ ડ્રીમર્સ કહીએ છીએ.”
“આ જ તેમનો દેશ છે અને મોટા થઈને તેમને ડિપૉર્ટ કરીએ તે બિલકુલ યોગ્ય નથી. અમને આશા છે કે ભલે રિપબ્લિકન કે ડેમૉક્રૅટ, હવે જેની પણ સરકાર બને તે આ કાયદો પસાર કરે.”
કેટલાક લોકો માટે ગ્રીન કાર્ડ તો દૂર, તેનું પ્રથમ પગથિયું એચ1બી વિઝા પણ નથી મળતું.
ચિન્મય જોગ ભણવા માટે સ્ટુડન્ટ વિઝા પર પુણેથી કૅલિફોર્નિયા આવ્યા છે. પછી જ્યારે નોકરી શોધી તો વર્ક વિઝા ન મળ્યા.
ચિન્મયે જણાવ્યું, “દર વર્ષે 85 હજાર એચ1બી વિઝા ઇસ્યૂ થાય છે, પરંતુ અરજદારોની સંખ્યા વધારે છે, તેથી યુએસસીએઈએસ લૉટરી દ્વારા પસંદગી કરે છે. ગયા વર્ષે લગભગ ચાર લાખ કરતાં વધારે અરજદારો હતા અને વિઝા માત્ર 85 હજારને જ આપવામાં આવ્યા.”
ચિન્મયે મહત્તમ ત્રણ વાર એચ1બી વિઝા માટે અરજી કરી, પરંતુ, વિઝાની લૉટરીમાં તેમનો નંબર ન લાગ્યો.
'01 વિઝા'નો વિકલ્પ

ભારત પાછા ફરવા સિવાય હવે તેમની પાસે બીજો કશો વિકલ્પ નહોતો રહ્યો. હવે ચિન્મયને એક બીજા વર્ક વિઝા વિશે સૌંદર્યા બાલાસુબ્રહ્મણીના પુસ્તક ‘અનશૅકલ્ડ’માંથી જાણવા મળ્યું.
તે હતો 01 વિઝા. એચ1બી વિઝાથી જુદી રીતે આ 01 વિઝામાં લૉટરી નહીં કાબેલિયત આંકવામાં આવે છે.
એચ1બીના 85 હજારના ક્વોટાથી અલગ આમાં કશી લિમિટ પણ નક્કી નથી. અરજદાર બધા નિયમ પૂરા કરે તો તેને વિઝા મળી શકે છે.
સૌંદર્યા જ્યારે અમેરિકન ઇમિગ્રૅશન સિસ્ટમની જટિલતાઓમાંથી પોતાનો માર્ગ શોધતાં હતાં, ત્યારે તેમને વિઝા વિશે જાણવા મળ્યું.
પછી, આવા બીજા વર્ક વિઝા પર પુસ્તક લખ્યું અને નવી કંપની બનાવી જેના દ્વારા હવે પ્રોફેશનલ સર્વિસિસ આપે છે.
બીબીસી સાથેની વાતચીતમાં સૌંદર્યાએ કહ્યું, “વિઝા મળ્યા બાદ ઘણા લોકોએ મને જણાવ્યું કે હવે તેઓ દરરોજ સવારે ઇમિગ્રૅશન વિશે વિચારવાના બદલે જે કરવા આવ્યા છે તેના પર ધ્યાન આપી શકે છે.”
“ખાસ કરીને નવી કંપનીઓના સંસ્થાપક. સંસ્થાપક તો કંઈક નવું રચીને, નોકરીઓ ઊભી કરીને દેશની મદદ કરી રહ્યા છે. પરંતુ, અમેરિકાને પરવા જ નથી કે તે તેમને આમ કરતાં રોકી રહ્યું છે.”
અનુજ, દીપ, અતુલ્ય, ચિન્મય અને સૌંદર્યાના માર્ગ અલગ જરૂર છે, પરંતુ મંઝિલ એક છે. અમેરિકા આવવાનું અમુક હદ સુધી સરળ છે, પરંતુ અહીં રહીને કૅરિયર અને લાઇફ સેટ કરવાનું મુશ્કેલ છે.
પરંતુ અમેરિકન સપનાની ચમક એવી છે કે આ બધાનો જુસ્સો અને આશા અણનમ છે.
અમેરિકાની ડેમૉક્રૅટિક પાર્ટી એક લિબરલ રાજકીય પાર્ટી છે, જેનો ઍજન્ડા મુખ્યત્વે નાગરિક અધિકારો, સામાજિક સુરક્ષા અને જળવાયુ પરિવર્તનના મુદ્દાને આગળ વધારવાનો અને તેના માટેના ઉપાયો સુનિશ્ચિત કરવાનો છે. આ જ કારણે એવું માનવામાં આવે છે કે, ઇમિગ્રૅશન મુદ્દે કમલા હૅરિસનું વલણ નરમ છે.
રિપબ્લિક પાર્ટી અમેરિકાની રૂઢિવાદી પાર્ટી છે. તેને 'જીઓપી' કે 'ગ્રાન્ડ ઑલ્ડ પાર્ટી' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પાર્ટી ઇમિગ્રેશનના વિરોધ માટે જાણીતી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













