લંડન પહોંચાડતો એ રસ્તો જે 'ડંકી રૂટ' બની ગયો

- લેેખક, સહર બલૉચ
- પદ, બીબીસી ઉર્દૂ
પાકિસ્તાનના બલૂચિસ્તાનના બંજર પહાડોની વચ્ચેથી 'લંડન રોડ' પસાર થાય છે, એમ કહીએ તો કદાચ જ કોઈને વિશ્વાસ બેસે. જોકે, કેટલાક દાયકા પહેલાં સુધી આ રસ્તો યુરોપિયન પર્યટકો માટે પાકિસ્તાન પહોંચવાનો તે મહત્ત્વપૂર્ણ માર્ગ હતો.
મેં બલૂચિસ્તાનના નોશકી જિલ્લાને ઈરાનની સરહદ સાથે જોડતા આ રસ્તા ઉપર અનેક વખત પ્રવાસ ખેડ્યો છે, પરંતુ તેના વિશે હું અજાણ હતી.
તાજેતરનાં વર્ષો દરમિયાન આ રસ્તાને 'ડંકી રૂટ' તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન પાકિસ્તાનથી ગેરકાયદેસર રીતે યુરોપ જનારાઓને કારણે આ માર્ગ ચર્ચામાં આવ્યો છે.
એક સમયે સેંકડો યુરોપિયન બસ અને મોટરબાઇક્સ આ રસ્તે પાકિસ્તાન આવતી.
લંડન રોડનો રૂટ

પાકિસ્તાનને યુરોપ સાથે જોડતા આ માર્ગનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે. તે બલૂચિસ્તાનની રાજધાની ક્વેટાને તફ્તાન સાથે જોડે છે. જે પાકિસ્તાનનું સરહદી નગર છે.
એથી આગળ ઈરાન, તુર્કી, ઇજિપ્ત તથા કેટલાક યુરોપિયન દેશોમાંથી પસાર થઈને બ્રિટન પહોંચી શકાય છે. તેનો છેલ્લો મુકામ લંડન છે અને તેના નામ પર જ આ રસ્તો ઓળખાય છે.
ઇતિહાસકારોના કહેવા પ્રમાણે, 19મી સદીની શરૂઆતમાં આ રસ્તાનું વ્યૂહાત્મક મહત્ત્વ વધી ગયું હતું. એ સમયે રશિયાએ તેના દક્ષિણ ભાગમાં સંરક્ષણાત્મક શક્તિઓમાં વૃદ્ધિના પ્રયાસ કર્યા હતા.
ઇતિહાસકાર અને સંશોધનકર્તા યારજાન બાદીનીના કહેવા પ્રમાણે, આ વાતનો ઉલ્લેખ શાહ મોહમ્મદ હનિફીએ તેમના પુસ્તક 'માઉન્ટસ્ટુઅર્ડ ઍલફિન્સ્ટન ઇન સાઉથ એશિયા'માં કર્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હનિફી તેમના પુસ્તકમાં લખે છે કે આ દરમિયાન બલૂચિસ્તાનના આ ક્ષેત્ર વિશે બહુ થોડા લોકો જાણતા હતા, કારણ કે સદીઓ સુધી આ વિસ્તાર કોઈપણ દેશના તાબા હેઠળ ન હતો.
તેઓ લખે છેકે બ્રિટિશરાજ દરમિયાન તેમને રશિયનો તથા બીજી તરફ નેપોલિયન તરફથી ભારત ઉપર આક્રમણની આશંકા હતી.
પરિણામસ્વરૂપે વર્ષ 1809માં તેમણે (તત્કાલીન) ભારત અને ઈરાનની વચ્ચેના બલૂચિસ્તાન વિસ્તારમાં અનેક ઍજન્ટ્સ મોકલીને માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો.
આ ઍજન્ટ્સને આ જંગલોના ઇતિહાસ, અહીંના લોકોની રહેણીકરણી તથા પ્રાણીઓ વિશે માહિતી એકઠી કરવા માટે કહેવામાં આવ્યું હતું.
પુસ્તકની વિગતો પ્રમાણે, જે બે ઍજન્ટ્સને બલૂચિસ્તાન મોકલવામાં આવ્યા હતા, એમાં લૅફ્ટનન્ટ હેનરી પૉટિંગર તથા ચાર્લ્સ ક્રિસ્ટી સામેલ હતા.
વિભાજન પહેલાંથી આ રસ્તો જાણીતો

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પૉટિંગર ઘોડા વેચનારા વેપારીનો સ્વાંગ લઈને બલૂચિસ્તાન ગયા હતા. અહીંથી તેમણે પહેલાં ઈરાન અને પછી તુર્કી સુધીનો પ્રવાસ ખેડ્યો.
આ એ સમયની કદાચ પહેલી એવી સફર હતી જે ભારતથી બલૂચિસ્તાન, ઈરાનથી તુર્કીના ઓટ્ટોમન સામ્રાજ્ય સુધી ખેડવામાં આવી હતી.
બલૂચિસ્તાનના પૂર્વ ચીફ સૅક્રેટરી અહમદ બખ્શ લહડીના કહેવા પ્રમાણે, બ્રિટિશ શાસનકાળ પહેલાં મુગલકાળ દરમિયાન સુરક્ષાના હેતુસર તેનો ઉપયોગ થતો.
મુગલ અને અંગ્રેજોના સમયમાં આ રસ્તાનો સુરક્ષા હેતુસર ઉપયોગ થતો. બીજી બાજુ, વિભાજન પછી આ રસ્તો યુરોપ અને પાકિસ્તાનને જોડતો રૂટ હતો.
એક સમયે ઘોડાનો ઉપયોગ થતો, પરંતુ એ પછી બસ અને મોટરસાઇકલોનો ઉપયોગ થવા લાગ્યો હતો. લોકો બ્રિટનની રાજધાનીથી લઈને ક્વૅટા સુધીની સફર ખેડતા.
મને તપાસ દરમિયાન 1960 -1970ના દાયકાની અનેક તસવીરો જોવા મળી, જેમાં કેટલાક અંગ્રેજ પર્યટક લંડન રોડ ઉપરના માઇલસ્ટૉન પાસે ઊભા હોય. અથવા તો ડબલ ડૅકર બસની તસવીર છે, જેમાં લોકો રસ્તા કિનારે પિકનિકની ઉજવણી કરી રહ્યા છે.
શોધકર્તા યારજાન બાદિની આ તસવીરોની પુષ્ટિ કરતાં કહે છે કે એ સમયે યુરોપિયન લોકો બસોમાં બેસીને ક્વૅટા પહોંચતા. અહીંથી તેઓ ભારત તરફનો પ્રવાસ ખેડતા.
આ રસ્તે સફર ખેડીએ એટલે માર્ગમાં અનેક લોજ-હોટલો આવે છે. બાદિનીના કહેવા પ્રમાણે, તીર્થયાત્રિકો અને સામાન્ય મુસાફરો તેનો ઉપયોગ કરતા.
અંગ્રેજ મુસાફરોનો જૂનો અને જાણીતો રસ્તો

તાજ મોહમ્મદ આવી જ એક ચાની દુકાનના માલિક છે. તેમણે 1970ના દાયકામાં અહીં વેપાર શરૂ કર્યો હતો.
તેમના દીકરા મુમતાઝ અહમદના કહેવા પ્રમાણે, શરૂઆતનાં વર્ષો દરમિયાન મુસાફરો અહીં રાતવાસો કરતા, પરંતુ 1999માં પિતાનાં મૃત્યુ બાદ તેઓ માત્ર ચાની દુકાન જ ચલાવે છે.
તેઓ કહે છે, "અહીં આવનારા લોકોની સંખ્યા ખૂબ જ ઘટી ગઈ છે, લોકો હવાઈજહાજ દ્વારા ગંતવ્ય સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે. કેટલાક મોટરબાઇક્સવાળા અહીં આવે છે, જેમને માત્ર ચા પીવી હોય છે."
અહીં મારી મુલાકાત અશફાક નામના શિક્ષક સાથે જોડાયેલી છે. તેમના જીવનની અનેક સ્મૃતિઓ આ માર્ગ સાથે જોડાયેલી છે.
તેમના કહેવા પ્રમાણે, આ રસ્તો 'એન-40' તરીકે પણ ઓળખાય છે. તેનું વાણિજ્યક મહત્ત્વ પણ રહેલું છે. ક્વૅટામાંથી ફળ, શાકભાજી તથા અન્ય ચીજવસ્તુઓ આ રસ્તે ઈરાન પહોંચે છે.
અશફાકનું કહેવું હતું, "મેં નાનપણમાં અનેક વખત ડબલ ડૅકર બસો જોઈ છે, જેમાં બેસીને અંગ્રેજ મુસાફરો ક્વૅટા આવતા. મારાં અમ્મી-અબુને અંગ્રેજી બોલતાં નહોતું આવડતું, પરંતુ ઇશારા દ્વારા એ લોકોને અમારાં ઘરમાં બેસવા આવવા માટે આમંત્રણ આપતાં."
એ સમયે ક્વૅટાના રસ્તામાં જે હોટલો બાંધવામાં આવી, એમાં લૉર્ડ્ઝ અને બ્લૂમ સ્ટાર પણ સામેલ છે. કહેવાય છે કે લૉર્ડ્સ હોટલની શરૂઆત વર્ષ 1935માં થઈ હતી. તેના માલિક પારસી વેપારી ફિરોઝ મહેતા હતા.

એ સમયે આ હોટલોમાં વિદેશી પર્યટકોની ભીડ રહેતી, પરંતુ હવે સૈન્યછાવણીનો હદવિસ્તાર હોવાને કારણે અહીં આવનારા લોકોએ કડક સુરક્ષાતપાસમાંથી પસાર થવું પડે છે. જેના કારણે અહીં આવનારા લોકોની સંખ્યા ઘટી ગઈ છે.
લૉર્ડ્ઝના માલિક પાકિસ્તાનમાં નથી રહેતા. આ હોટલની સંભાળ ડાર સાહેબ નામના મૅનેજર કરે છે, જેમણે અમારી સાથે વાતચીત કરવામાં ખચકાટ અનુભવ્યો.
ડાર સાહેબથી વિપરીત બ્લૂમ સ્ટારના માલિક ફહિમ ખાને બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું કે તેમના પિતાએ વર્ષ 1970માં આ હોટલનો પાયો નાખ્યો હતો.
ફહિમ ખાનનું કહેવું છે કે તેમની હોટલમાં દેશ-વિદેશમાંથી લોકો આવતાં. આજે પણ રજિસ્ટ્રેશન ફૉર્મ્સમાં એ મુલાકાતીઓના દેશ વિશે માહિતી મળી રહે છે.
તેઓ કહે છે, "એક સમયે અહીં પગ મૂકવાની પણ જગ્યા નહોતી મળતી. લોકો કોઈ ને કોઈ રીતે અહીં પહોંચતા."
ફહિમ ખાનનું કહેવું છે કે સુરક્ષાતપાસએ પર્યટકો માટે મોટી સમસ્યા છે. "કોઈ યુરોપિયન અહીં આવે અને ઠેર-ઠેર એનઓસી (નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ) દેખાડવું પડે છે કે હોટલમાં બેસીને એનઓસી મળે તેની રાહ જોવી પડે છે, જેથી પર્યટકો ત્રાસી જાય છે."
"આ કારણસર જ કેટલાક યુરોપિયન પર્યટક પાકિસ્તાનમાં બેથી પાંચ દિવસ અને ભારતમાં છ-છ મહિનાનો નિવાસ કરે છે."
ગેરકાયદેસર વિદેશપ્રવાસ માટે બદનામ થયો

સમયની સાથે-સાથે અહીંની રાજકીય પરિસ્થિતિ અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કારણે યુરોપિયન મુસાફરોની સંખ્યા સતત ઘટતી રહી છે. બીજી બાજુ, આ માર્ગ ગેરકાયદેસર રીતે વિદેશપ્રવાસ ખેડવા માગતા લોકોમાં "સહેલા રસ્તા" તરીકે બદનામ થઈ ગયો.
માનવતસ્કરો પાકિસ્તાની યુવાનોને યુરોપમાં સ્વર્ણિમ ભવિષ્યની લાલચ દેખાડીને આ રસ્તે ઈરાન પછી તુર્કી અને ત્યાંથી યુરોપમાં લઈ જવાની લાલચ આપે છે. એ પછી તેઓ કાં તો બૉર્ડર પોલીસના હાથે ઝડપાઈ ગયા અથવા તો ગોળીબારમાં મૃત્યુ પામ્યાની અનેક ઘટનાઓ નોંધાઈ છે.
ઐતિહાસિક 'લંડન રોડ' તાજેતરનાં વર્ષો દરમિયાન 'ડંકી રૂટ' તરીકે કુખ્યાત થયો છે, છતાં ઘણાં લોકો તેનું મહત્ત્વ સમજે છે અને તેની ઉપર સફર ખેડવાની ખેવના રાખે છે.
ક્વૅટા સાથે સંબંધ ધરાવતા ફોટોગ્રાફર દાનિયાલ શાહ પણ આવા લોકોમાં સામેલ છે. દાનિયાલે ઘણાં વર્ષો પહેલાં આ રસ્તા ઉપર સફર ખેડવાનું સપનું જોયું હતું, જે તાજેતરમાં પૂર્ણ થયું હતું.
દાનિયાલ બૅલ્જિયમમાં અભ્યાસ કરે છે. બીબીસી સાથે વાત કરતી વેળાએ તેમણે કહ્યું, લંડનથી ક્વૅટાની સફર બે મહિનામાં પૂર્ણ થઈ હતી.
દાનિયાલ ડંકી રૂટ તરીકે ચર્ચિત આ રસ્તા વિશે કહે છે કે ગેરકાયદેસર શરણાર્થીઓ તથા આ રસ્તાનો વધુ પડતો ઉપયોગ થવાને કારણે તથા કેટલાક યુરોપિયન દેશોમાં સઘન સુરક્ષાતપાસને કારણે તેમણે કેટલીક તપાસ ચોકીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
દાનિયાલના કહેવા પ્રમાણે, "એક અંગ્રેજ આ રસ્તા ઉપર સફર ખેડે અને એક પાકિસ્તાની પ્રવાસ કરે એની વચ્ચે જમીન અને આકાશ જેટલો ફેર હોય શકે છે, એ વાતનો અંદાજ મને પ્રવાસની શરૂઆતમાં જ આવી ગયો હતો."
દાનિયલ કહે છે કે ક્રોએશિયામાં તેમને અન્ય મુસાફરોથી અલગ કરી દેવાયા હતા અને તેમની સાથે ગેરવર્તાવ થયો હતો. દાનિયલ કહે છે, "તેનું એક કારણ આ રૂટનો ગેરકાયદેસર ઉપયોગ છે."
દાનિયાલ કહે છે કે જે લોકો પાકિસ્તાન આવે છે તેમણે સિક્યૉરિટીની સાથે ફરવું પડે છે. જેના કારણે અહીં સુધી પહોંચવાની મજા મારી જાય છે. તેઓ કહે છે, "શું કરીએ? યુરોપિયનોની સુરક્ષા પણ જરૂરી છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












