10 વર્ષે ખીલતું અને મડદા જેવી દુર્ગંધ છોડતું ફૂલ જેને જોવા દુનિયાના લોકો લાઇન લગાવે છે
- લેેખક, જોસલિન ટિમ્પર્લી
- પદ, બીબીસી ફ્યુચર
તેને કળીમાંથી ફૂલ થવામાં કદાચ એક દાયકો લાગે છે, અને એ ફૂલમાંથી સુગંધ નથી આવતી પણ એ મડદા જેવું ગંધાય છે, અને આમ છતાં જ્યારે તે ખીલે છે ત્યારે વિશાળ ભીડ તેના ભણી આકર્ષાય છે. વિજ્ઞાનીઓ જાયન્ટ એરૂમ નામના આ ફૂલના કોયડારૂપ જીવનચક્રને સમજવાના આજે પણ પ્રયાસો કરી રહ્યા છે.
હું ગ્રીન હાઉસની હૂંફાળી હવામાં વાંકાચૂકા રસ્તા પર આગળ વધી રહેલા લોકોની એક લાઇનમાં છું.
અમે માંસાહારી છોડ અને ઊંચા રોડોડેન્ડ્રોન્સ પાસેથી પસાર થઈએ છીએ, પરંતુ અમે બધા અહીં એક ખાસ ચીજને નિહાળવા આવ્યા છીએ અને તે છે ખીલેલું વિશાળ એરૂમ.
આ પ્રચંડ, દુર્ગંધયુક્ત, અનન્ય છોડ સદીઓથી લોકોના કલ્પનાજગત પર છવાયેલો છે અને સદીઓથી અજાયબી બની રહ્યો છે, પરંતુ તેની વિચિત્ર રચનાનો વિગતવાર અભ્યાસ કરવાનું સંશોધકોએ 1990ના દાયકાથી શરૂ કર્યું છે.
મેં આ ફૂલને અગાઉ ક્યારેય જોયું નહોતું. હું એક ખૂણા તરફ વળું છું અને આગલા ગ્રીન હાઉસમાં તે દેખાય છે. તે દૂરથી એક લાંબી, આછી પીળી સ્પાઈક, જે રિંગણી-ગુલાબી ટીપવાળી એક વિશાળ, જાડી, કરચલીવાળી લીલી પાંખડી જેવું દેખાય છે. હું એની કુખ્યાત દુર્ગંધનો સામનો કરવા માટે મારી જાતને તૈયાર કરું છું. તેનાં ઘણાં નામો પૈકીનું એક નામ છેઃ કોર્પ્સ પ્લાન્ટ.
ન્યૂ રીકીની નર્સરીમાં 153.9 કિલોગ્રામ વજનનું ફૂલ

ઇમેજ સ્રોત, Getty Images
હું રૉયલ બોટનિકલ ગાર્ડન એડિનબર્ગ (આરબીજીઈ) ખાતે આવી છું અને આ વિશાળકાય ફૂલ કમસેકમ થોડા દિવસ માટે અહીંનું મુખ્ય આકર્ષણ બની રહેવાનું છે.
સ્કૉટિશ રાજધાનીના જૂના નામ (ઓલ્ડ રીકી)ને કારણે ન્યૂ રીકી નામે વિખ્યાત આ 22 વર્ષીય છોડ પર બે દિવસથી ફૂલ ખીલી રહ્યાં છે. તે વધારે સમય ખીલેલાં નહીં રહે અને આ દુર્લભ ઘટનાની ઝલક મેળવવા તથા તેની દુર્ગંધ પામવાનો પ્રયાસ કરી રહેલા લગભગ 2,000 મુલાકાતીઓમાં મારો સમાવેશ થાય છે.
ન્યૂ રીકી 2003માં નેધરલેન્ડ્સના હોર્ટ્સ બોટેનિક્સ લીડેનથી એડિનબર્ગ પહોંચ્યું હતું. તે એક વર્ષના નિષ્ક્રિય બલ્બ (કંદ જેવો દાંડીનો હિસ્સો) જેવું, એક સંતરાના આકારમાં હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અહીંની ટીમે 2010માં છેલ્લી વખત તેનું વજન કર્યું ત્યારે એડિનબર્ગ પ્રાણી સંગ્રહાલય ખાતેના હાથીઓનાં બચ્ચાંના વજન માટે વપરાતા વજનકાંટાનો ઉપયોગ કરવો પડ્યો હતો. તેનું વજન 153.9 કિલોગ્રામ હતું, જે જાયન્ટ એરૂમનું અત્યાર સુધીનું સૌથી વધારે વજન છે.

આરબીજીઈનાં બાગાયતશાસ્ત્રી પૌલિના મેસિજેવસ્કા-ડારુક 13 વર્ષથી ન્યૂ રીકી ઉગાડી રહ્યાં છે. તેઓ જણાવે છે કે તેને ઉગાડવાનું ખરેખર ખૂબ સરળ છે.
તેઓ કહે છે, “તેને ઊંચા તાપમાન, પુષ્કળ પાણી અને પુષ્કળ ખાતરની જરૂર હોય છે. તે ઝડપથી વિકસે છે.” જોકે, આ છોડ સંબંધી જે વાતો સાંભળવા મળે છે તેનું કારણ કંઈક બીજું છે.
“આટલાં બધાં વર્ષો પછી હું કહું છું કે ઓહ, તે ફરીથી ખીલશે. ઓહ, મારે ઘણી બધી તૈયારી કરવાની છે. આમ એક ગૌરવાન્વિત માતાને બદલે મને એવો વિચાર આવે છે કે મારું આ બાળક દુનિયા માટે ખરેખર તૈયાર છે કે નહીં?”
માણસને ગળી જતું હોવાની માન્યતા ધરાવતું ફૂલ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઇન્ડોનેશિયન બાયોસિસ્ટમિક્સ ઍન્ડ ઈવોલ્યુશન રિસર્ચ સેન્ટરના વનસ્પતિશાસ્ત્રી અને જાયન્ટ એરૂમને જેની સાથે સંબંધ છે તે એમોર્ફોફાલસના નિષ્ણાત યુઝામી જણાવે છે કે, તેનાં મૂળ ઇન્ડોનેશિયાના સુમાત્રામાં હોવાથી કેટલાક લોકો કોર્પ્સ પ્લાન્ટને રસ તથા આકર્ષણથી જુએ છે.
જોકે, અન્ય લોકો તેને અસ્વસ્થતા, ડર અને ચિંતા સાથે નિહાળે છે, કારણ કે તે નુકસાનકારક હોવાની પૌરાણિક માન્યતા છે.
તેઓ કહે છે, “આ છોડનાં પાંદડાંની દાંડી સાપ જેવી દેખાતી હોવાથી તે માણસને ગળી શકે છે, એવી ગેરસમજ પ્રવર્તે છે.”
અલબત, તેના વતન ઇન્ડોનેશિયા બહાર પણ જાયન્ટ એરૂમનો લાંબો ઇતિહાસ છે.
એક ઈટાલિયન વનસ્પતિશાસ્ત્રી ઓડોઆર્ડો બેક્કારીએ 1878માં તેની સૌપ્રથમવાર વિજ્ઞાનમાં ઓળખ કરાવી હતી. ઓડોઆર્ડોએ સુમાત્રાનો પ્રવાસ કર્યો હતો અને યુરોપમાં તેના અહેવાલો અને રેખાંકનો મોકલ્યાં હતાં. (જોકે, તેમણે તેમના સંદેશાઓમાં સ્થાનિક લોકોના પોતાની વનસ્પતિ વિશેના જ્ઞાનનો કોઈ ઉલ્લેખ કર્યો ન હતો) એ પછી તેમણે આ છોડનાં કંદને મોકલવાનું શરૂ કર્યું હતું.
આ પ્રજાતિ ઝડપભેર વિક્ટોરિયન લોકોની પસંદગી બની ગઈ હતી. ખાસ કરીને તે બ્રિટનના સૌથી પ્રતિષ્ઠિત ઉદ્યાનો પૈકીના એક કેવ ગાર્ડનમાં 1889 પછી પ્રથમવાર ખીલી ત્યારે લોકોની ફેવરિટ બની ગઈ હતી.
બીજીવાર 1926માં તે ખીલી ત્યારે એટલા બધા લોકો તેના ભણી આકર્ષાયા હતા કે વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસ બોલાવવી પડી હતી.
1989થી સમગ્ર વિશ્વમાં માત્ર 21 વખત જ આ ફૂલ ખીલ્યાં છે

ઇમેજ સ્રોત, Getty Images
એ પછીથી વિશાળકાય એરૂમ દુનિયાભરના વનસ્પતિ ઉદ્યાનોમાં ફેલાઈ ગયાં છે અને સમયાંતરે ખીલતાં હોવાથી સ્થાનિક સ્તરે સમાચારમાં ચમકતાં રહ્યા છે. 1989 સુધી દુનિયાભરમાં તે માત્ર 21 વખત જ ખીલ્યાં હતાં.
સવાલ એ છે કે આ છોડમાં એવું તે શું છે, જે આપણને આટલા આકર્ષિત કરે છે?
એક તરફ વિશાળકાય એરૂમનો પુષ્પક્રમ અપેક્ષાકૃત દુર્લભ ઘટના બની રહ્યો છે.
યુઝામીએ જણાવ્યું હતું કે આ છોડને પોતાનું પહેલું ફૂલ બનાવવામાં સામાન્ય રીતે 11થી 15 વર્ષ લાગે છે, કારણ કે તેને આકારની પુષ્પ સંરચના બનાવવા માટે બહુ વધારે ઊર્જાની જરૂર પડે છે.
ટાઇટન અરૂમનું વિશાળ કદ પ્રમાણમાં દુર્લભ ગણાય છે.
સંશોધનમાં જાણવા મળ્યું છે કે કેરિયન ભૃંગ અથવા માખીઓ દ્વારા પુષ્પપરાગથી ફલિત કરવામાં આવતી પ્રજાતિઓમાં જંગી કદ જોવા મળે છે. તેને કારણે તેઓ મોટાં પ્રાણીઓનાં શબની હૂંફ અને કદની વધુ સારી રીતે નકલ કરી શકે છે તેમજ આ પરાગરજને અસ્થાયી રૂપે ફસાવી શકે છે.
તેની ખરાબ બાબત એ છે કે જાયન્ટ એરૂમે વિકાસ માટે પૂરતી ઊર્જા એકઠી કરતાં પહેલાં જીવનના વિવિધ તબક્કામાંથી પસાર થવું પડે છે.
આ વિશાળ ફૂલ હોવા છતાં દુનિયાનું સૌથી મોટું ફૂલ નથી

ઇમેજ સ્રોત, Getty Images
તેમનું પ્રારંભિક જીવનચક્ર પર્ણધારણથી લઈને સુષુપ્ત અવધિ સુધીનું હોય છે, જેમાં કોઈ પણ તબક્કે ફૂલો હોતાં નથી.
પાંદડાંનો ઉપયોગ તે ઊર્જા એકત્રિત કરવા માટે કરે છે. પાંદડા ઊગવાના તબક્કે તેની દાંડી ભૂગર્ભમાં રહે છે, ત્યારે જમીનમાંથી બહાર નીકળતા સ્ટ્રક્ચરને વૃક્ષ ગણવાની ભૂલ થઈ શકે છે. વાસ્તવમાં તે એક વિશાળ પર્ણ હોય છે, જેમાંથી નાનાં પાંદડાં ફૂટે છે.
એ વખતે નિષ્ક્રિય તબક્કા દરમિયાન જમીનમાં રહેતી એકમાત્ર વસ્તુ કૉર્મ હોય છે, જ્યારે છોડ એકઠી કરેલી અનામત ઊર્જાના સહારે “વિશ્રામની સ્થિતિમાં” હોય છે, એમ યુઝામીએ કહ્યું હતું.
તે ખીલવા માટે પૂરતી ઊર્જા એકઠી કરે છે ત્યારે તેનો દેખાવ આપણને ફરીથી થાપ આપે છે.
યુઝામીએ કહ્યું હતું, “જે ફૂલને વ્યાપક જાહેર સ્વીકૃતિ મળી છે તે વાસ્તવમાં અસલી ફૂલ નથી. તેનું રંગીન ઘટક પાંખડીઓ નથી, પરંતુ તે ગર્ભાધાનની પ્રક્રિયા દરમિયાન રક્ષણાત્મક માળખા તરીકે કામ કરતું સ્ટ્રક્ચર હોય છે.”
વિશાળ ફૂલ જેવી રચનાને સ્પેથે કહેવામાં આવે છે, જ્યારે વાસ્તવિક ફૂલો નાનકડાં, અસંખ્ય અને લાંબા પીળા સ્પેડિક્સના છેડે જોવા મળે છે. નીચે માદા ફૂલો હોય છે અને ઉપર નર ફૂલો હોય છે.
તેનો અર્થ એ થાય કે જાયન્ટ એરૂમ શાખા વગરનું સૌથી મોટું ફ્લોરલ સ્ટ્રક્ચર હોવા છતાં, વિશ્વનું સૌથી મોટું ફૂલ નથી.
આ ફૂલની ભયંકર દુર્ગંધ રાત્રે વધી જાય છે

ઇમેજ સ્રોત, JOCELYN TIMPERLEY
થોડી પ્રારંભિક સમસ્યા પછી ન્યૂ રેકી 2015માં તે 13 વર્ષનું હતું ત્યારે પ્રથમવાર ખીલ્યું હતું અને ત્યારથી તેમાં દર બે કે ત્રણ વર્ષે ફૂલો આવે છે. (પાંચમી વેળા ફૂલ ખીલ્યાં ત્યારે મેં તેની મુલાકાત લીધી હતી) તેની સંભાળ રાખતા બાગાયતકારો સમય જતાં તેને વધારે સારી રીતે જાણતા થયા છે.
મેસીજેવસ્કા-દારુકે કહ્યું હતું, “તે ક્યા દિવસે ખુલશે તેની બરાબર આગાહી આ વખતે હું અને મારા સાથીદાર કરી શક્યા હતા. અલબત, અમને ક્યારેય 100 ટકા ખાતરી હોતી નથી, પરંતુ આ વખતે અમારી આગાહી સાચી હતી.”
એ પછી એની કુખ્યાત ગંધ ફેલાય છે. તેને મોર આવે છે ત્યારે વિશાળકાય એરૂમનો લાંબો પીળો સ્પેડિક્સ તીવ્ર, ભેદી દુર્ગંધ છોડે છે.
કમનસીબે, તે દુર્ગંધનો અનુભવ કરવામાં હું મોડી પડી હતી, પરંતુ તેની ગંધના રંગીન વર્ણનોની કોઈ કમી નથી.
મેસીજેવેસ્કા-દારુકે કહ્યું હતું, “તે ભયાનક હોય છે. સડેલી માછલી જેવી અથવા તો ખરેખર દુર્ગંધયુક્ત મોજા જેવી હોય છે. મારા માટે તે ખાદ્યપદાર્થના કચરાના ગંજ જેવી હતી.”
અન્ય લોકો તેને દુર્ગંધયુક્ત પેશાબ, રેસીડ ચીઝ અથવા ખાતર જેવી ગણાવે છે.
કૅનેડાની યુનિવર્સિટી ઑફ બ્રિટિશ કોલંબિયામાં કેમિકલ અને બાયોલોજિકલ એન્જિનિયરિંગનાં ઍસોસિયેટ પ્રોફેસર જેન હિલ માને છે કે તે દુર્ગંધ મોટાભાગનાં પ્રાણીઓના શબની દુર્ગંધ જેવી હોતી નથી. “મને લાગે છે કે તે એસિડિક ગંધ હોય છે. એક મૃત, ફૂલી ગયેલા ઉંદરની દુર્ગંધ જેવી.”
જેન હિલ અને તેમના સાથીઓએ 2023ના એક અભ્યાસમાં તેનાં નર અને માદા ફૂલો દ્વારા ઉત્સર્જિત થતી આ ગંધ પાછળના અસ્થિર પરમાણુઓનું વિશ્લેષણ કર્યું હતું. માનવ શ્વાસમાં રોગના બાયોમાર્કર્સ જોવા માટે ઉપયોગમાં લેવાતા અત્યંત સંવેદનશીલ સાધનોનો ઉપયોગ તેમણે આ માટે કર્યો હતો.
સૅમ્પલિંગ દરમિયાન તેમણે એ પણ નોંધ્યું હતું કે છોડ તે મૉલેક્યુલ્સને પલ્સિસમાં ઉત્સર્જિત કરે છે, જે માત્ર થોડી સેકન્ડો સુધી જ ચાલે છે.
જેન હિલે કહ્યું હતું, “અમારા અભ્યાસમાં 32 નવા મૉલેક્યુલ્સ શોધવામાં આવ્યા હતા. અભ્યાસ દર્શાવે છે કે નર અને માદા ફૂલો વિવિધ પ્રકારનાં સંયોજનોનું ઉત્સર્જન કરે છે તથા કેટલીકવાર તે સંયોજનો સમાન હોય છે.”

ઇમેજ સ્રોત, Getty Images
સમય જતાં ઉત્સર્જિત થતી અલગ-અલગ દુર્ગંધ વિવિધ જંતુઓને આકર્ષી શકે છે, એમ જણાવતાં તેમણે સવાલ કર્યો હતો, “અપ્રિય અને મૃત વસ્તુ જેવી દુર્ગંધને કેવી રીતે ફરી ઉત્પાદિત કરી શકાય તે છોડને કઈ રીતે સમજાતું હશે?”
આ બધી ગંધ પરાગરજકોને મૂર્ખ બનાવવા માટે હોય છે. યુઝામીના જણાવ્યા મુજબ, રાત્રે તેનાં પરનાં ફૂલો પણ પાકે છે અને તેના પરાગરજકો સૌથી વધુ સક્રિય હોય છે ત્યારે આ ગંધ તીવ્ર હોય છે.
આ ગંધ ભૃંગ, વંદા અને માખીઓ જેવા કેરિયન જંતુઓને આકર્ષતી હોવાનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે તેમજ ડંખ ન ધરાવતી મધમાખીઓ જંગલમાં આ છોડ પર બેસતી હોવાનું જોવા મળ્યું છે.
વાસ્તવમાં કેટલાક જંતુઓ આ છોડનો ઉપયોગ સંવર્ધન સ્થળ તરીકે કરતા હોવાનું નોંધાયું છે, પરંતુ જાયન્ટ એરૂમનાં પરાગનયન માટે ચોક્કસ કઈ પ્રજાતિઓ જવાબદાર છે તે મોટાભાગે રહસ્ય બની રહ્યું છે.
આટલું અપૂરતું હોય તેમ, આ પ્લાન્ટ પાસે જંતુઓને આકર્ષવા માટે એક અન્ય યુક્તિ પણ હોય છે. તે ગરમી ફેલાવે છે.
સુમાત્રામાં 30થી વધુ વર્ષ સુધી કામ કરી ચૂકેલા આરબીજીઈના વનસ્પતિશાસ્ત્રી અને વર્ગીકરણશાસ્ત્રી પીટર વિલ્કીએ કહ્યું હતું, “ગરમી સુગંધ ફેલાવવામાં અને પરાગરજને આકર્ષવામાં મદદ કરે છે.”
ગાર્ડનની નજીક આવેલા વિશાળ વનસ્પતિ સંગ્રહાલયમાં મેં તેમની મુલાકાત લીધી ત્યારે તેમણે જણાવ્યું હતું કે આ છોડ ખૂબ જ ઓછી ગરમી છોડે છે. આપણે યાદ રાખીએ કે આપણે ઉષ્ણકટિબંધીય પ્રદેશમાં છીએ, જ્યાં આસપાસનું તાપમાન ઘણું વધારે છે અને ખૂબ જ ભેજ છે.
સંશોધન દર્શાવે છે કે છોડ દ્વારા ઉત્સર્જિત ગરમી માનવ શરીર દ્વારા ઉત્પાદિત તાપમાનની માફક 36 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.
વિશાળકાય રિંગવોર્મ તેની ખાસ પ્રકારની ગંધની સાથે સમન્વયિત પલ્સિસનું ઉત્સર્જન કરે છે. કેટલાક વિજ્ઞાનીઓ કહે છે કે તેનાં લાલ-વાયોલેટ પાંદડાંનો રંગ તેને સડેલા માંસ જેવો દેખાવ આપે છે.
આ ફૂલનો છોડ જંતુઓને આકર્ષવા યુક્તિ કરે છે

ઇમેજ સ્રોત, Getty Images
અલબત, એ નોંધવું યોગ્ય છે કે વિશાળકાય એરૂમ એ માંસભક્ષક છોડ નથી. તે જંતુઓને પરાગાધાન કરવા માટે આકર્ષે છે, તેમને ખાઈ જવા માટે નહીં.
મેસીજેવેસ્કા-દારુકે કહ્યું હતું, “દર વખતે તે ખીલે છે ત્યારે કેટલા બધા લોકોને ખાતરી હોય છે કે તે જંતુઓને મારી નાખે છે અને ખાઈ જાય છે. એ જાણીને મને આશ્ચર્ય થાય છે.”
વિશાળકાય એરૂમની અનોખી બાયૉલૉજી અને વિશાળ કદે તેને એવી પ્રતિષ્ઠા મેળવવામાં મદદ કરી છે, જેનો લાભ બીજા કેટલાક છોડને પણ મળે છે, પરંતુ વિશ્વનભરના ડઝનેક બૉટનિકલ ગાર્ડન્સમાં ફૂલો સંબંધી અતિશયોક્તિભરી વાતો વચ્ચે વિશાળકાય એરૂમ માટે તેના મૂળ વિસ્તારમાં બધું સમુંસૂતરું નથી.
2015માં એકમાત્ર ટાઇટન અરૂમ ફૂલને જોવા માટે ગ્લાસહાઉસીસની બહાર એકઠા થયેલા લગભગ 20,000 સ્કૉટ લોકોને જોયા બાદ વિલ્કીને એ વાતનો આઘાત લાગ્યો હતો કે આ છોડને ઇન્ટરનેશનલ યુનિયન ફૉર કન્ઝર્વેશન ઑફ નેચર (આઈસીયુએન) રેડ લિસ્ટ ઍસેસમૅન્ટમાં ક્યારેય સમાવિષ્ટ કરવામાં આવ્યો ન હતો.
તેમણે કહ્યું હતું, “આઈસીયુએન રેડ લિસ્ટ પ્રજાતિઓ પરના ખતરાના મૂલ્યાંકન માટેનું સર્વોત્તમ ધોરણ ગણાય છે. તેથી આ પ્રતિષ્ઠિત પ્રજાતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું ન હતું.”
તેમણે મૂલ્યાંકન માટે યુઝામી અને આરબીજીઈના બાગાયતશાસ્ત્રી સેડી બાર્બર સાથે હાથ મિલાવ્યા હતા. 2018માં આ છોડને અસ્તિત્વ પર ગંભીર ખતરો હોય તેવા છોડ તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યો હતો.
તેમને જાણવા મળ્યું હતું કે સુમાત્રામાં આ છોડની વસ્તીમાં છેલ્લાં 90થી 150 વર્ષ દરમિયાન 50 ટકા ઘટાડો થયો હતો અને હવે જંગલમાં તેના 1,000થી ઓછા પુખ્ત છોડ બચ્યા છે.
યુઝામીએ જણાવ્યું હતું કે ગેરકાયદે વૃક્ષછેદન, જંગલની જમીનના ખેતીની જમીનમાં રૂપાંતર અને કુદરતી આફતોને કારણે તેમ જ આ છોડ માણસોને ગળી જતો હોવાની સ્થાનિક દંતકથાને કારણે તેની વસ્તીમાં ઘટાડો થયો છે. વૈકલ્પિક દવાઓ માટે આ પ્લાન્ટની ગેરકાયદે લણણી પણ જોખમ સર્જે છે.
વિલ્કીના જણાવ્યા મુજબ, સમગ્ર સુમાત્રામાં તે વ્યાપક હોવાને કારણે જ હજુ સુધી બચી રહ્યું છે. આ છોડ મૂળભૂત જંગલોને બદલે લોગિંગ ટ્રેલ્સ જેવા ખુલ્લા વિસ્તારોમાં જ ઊગતો હોય છે.
યુઝામીએ ઉમેર્યું હતું કે આ છોડ હવે ઇન્ડોનેશિયાના કાયદા હેઠળ સુરક્ષિત છે.

ઇમેજ સ્રોત, JOCELYN TIMPERLEY
ઇન્ડોનેશિયાના સંશોધકો જંગલોમાં વિશાળકાય એરૂમની આનુવાંશિક વિવિધતાનો અભ્યાસ કરી રહ્યા હોવાનું વિલ્કીએ કહ્યં હતું, પરંતુ મૂલ્યાંકનને કારણે ઉદ્યાનોમાં ઉગાડવામાં આવતા છોડની સંભાવનામાં પણ વધારો થયો છે, કારણ કે તે એક મહત્ત્વપૂર્ણ આનુવાંશિક સ્રોત છે.
વિજ્ઞાનીઓએ જાયન્ટ એરૂમની સંપૂર્ણ જિનોમ સિકવન્સ સૌપ્રથમ 2022માં પ્રકાશિત કરી હતી, પરંતુ એવી ચિંતા છે કે વનસ્પતિ ઉદ્યાનોમાં જોવા મળતા ઘણા અથવા તમામ છોડ સંબંધિત હોઈ શકે છે.
મેસીજેવેસ્કા-દારુકે કહ્યું હતું, “આ બધા એક જ છોડના વંશજ હોય તેવી ભારોભાર શક્યતા છે.”
વિજ્ઞાનીઓ જાયન્ટ ફૂલના સંરક્ષણ માટે હવે પશુપાલન પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યા છે. તેઓ વન્યજીવનના વંશને શોધવા માટે વપરાતી હર્ડ બૂક્સ જેવી જ પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છે.
એડિનબર્ગ પ્લાન્ટને, ઈંગ્લૅન્ડના કૉર્નવેલમાં પાંગરતા સમાન છોડમાંથી તાજા પરાગનો ઉપયોગ કરીને 2019માં ફલિત કરવામાં આવ્યો હતો. એક પેકિંગ સર્વિસ દ્વારા તે તાજો પરાગ ઝડપભેર મોકલવામાં આવ્યો હતો.
વિશાળકાય એરૂમનાં કાંકરાનાં કદનાં, અંડાકાર લાલ બીજ ગર્ભાધાનના નવ મહિના પછી દેખાય છે અને દરેકમાં બે બીજ હોય છે. જંગલમાં તેને રાયનોસોરસ હોર્નબિલ જેવા પક્ષીઓ ખાય છે અને ફેલાવે છે.
જોકે, બીજનું ઉત્પાદન કરવું તે જમીનની અંદરના કંદ માટે બહુ મુશ્કેલીભર્યું હોય છે, એમ જણાવતાં મેસીજેવેસ્કા-દારુકે ઉમેર્યું હતું, “તેથી બીજ ઉત્પન્ન કર્યા પછી કંદ મરી જવાનું જોખમ કાયમ હોય છે.”
આરબીજીઈ ગ્રીનહાઉસ કુદરતી અને કૃત્રિમ રીતે ઉત્પન્ન કરવામાં આવેલા વિવિધ કદનાં બીજથી ભરેલું છે. જોકે, એ વખતે તે ફલિત થયું નહોતું અને મેં ફરી મુલાકાત લીધી ત્યારે તે ઓછું પ્રભાવશાળી લાગતું હતું.
જાયન્ટનો અંત

ઇમેજ સ્રોત, JOCELYN TIMPERLEY
મારી પ્રથમ મુલાકાતના થોડા દિવસ પછી તેની એક બાજુ તૂટી પડી હતી અને ત્રણ સપ્તાહ પછી તે સડેલા પીળા-ભૂરા છોડના પદાર્થોના ઢગલા તરીકે જ બચ્યો હતો.
મેસીજેવેસ્કા-દારુક માટી ખોદી કાઢે છે ત્યારે આ કંદ સંપૂર્ણપણે અલગ થઈ જાય છે. તે ફરીથી તેની નિષ્ક્રિય અવસ્થામાં ચાલ્યું જાય છે.
તેને ફરીથી જોવાની તક મળવામાં અનેક વર્ષો થઈ શકે છે.
વિલ્કીએ કહ્યું હતું, “અમે દરેક વખતે તેને જોઈએ છીએ, એકત્ર કરીએ છીએ ત્યારે અમે તેની કામ કરવાની રીત બાબતે થોડું-ઘણું શીખીએ છીએ. આ બધું એ વાત પર નિર્ભર હોય છે કે અમે આ જંગલને વિકસવામાં કેવી રીતે મદદ કરી શકીએ.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













