સાપ આપણા માટે કેટલો ઉપયોગી છે, ભારતની પડોશમાં લોકો સાપને કેમ મારી રહ્યા છે?

ઇમેજ સ્રોત, Getty Images
બાંગ્લાદેશમાં પાછલા કેટલાક મહિનાઓથી રસેલ વાઇપર કે ચંદ્રબોડા સાપનો આતંક ફેલાઈ રહ્યો છે.
છેલ્લા કેટલાક દિવસો દરમિયાન વિવિધ સ્થળે રસેલ વાઇપર માનીને તમામ પ્રકારના સાપને ફટકા મારીને ખતમ કરવામાં આવી રહ્યા છે. તેના વિશે દેશમાં જાતજાતની અફવાઓ પણ ફેલાવાઈ રહી છે.
વનવિભાગના અધિકારીઓનું કહેવું છે કે બાંગ્લાદેશમાં મળતા 85થી વધુ ટકાથી વધુમાં ઝેર હોતું નથી. રસેલ વાઇપર ઝેરીલા સાપની યાદીમાં નવમા સ્થાને છે.
અત્યારે લોકો આતંકને કારણે જે સાપને મારી રહ્યા છે એ પૈકીના મોટા ભાગના વિષહીન અને પર્યાવરણ માટે ઉપયોગી છે.
જીવ નિષ્ણાતોનું કહેવું છે કે સાપ જીવવૈવિધ્યનો એક મહત્ત્વનો હિસ્સો છે. પર્યાવરણ સંતુલન જાળવી રાખવા માટે બીજા જીવોની માફક સાપ પણ મહત્ત્વપૂર્ણ છે.
હવે સવાલ એ થાય કે સાપને જે રીતે સમજ્યા-વિચાર્યા વિના મારી નાખવામાં આવી રહ્યા છે તેની પર્યાવરણ પર કેવી અસર થઈ શકે?
રસેલ વાઇપર સાપનો અચાનક પ્રકોપ

ઇમેજ સ્રોત, ALAMY
આ સાપ બાંગ્લાદેશમાં લુપ્ત થઈ ગયા હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ 10-12 વર્ષ પહેલાં આ સાપે ડંખ મારવાને કારણે કેટલાક લોકોના મોતની ઘટના બની હતી. સાપ વિશે શોધ કરતા લોકોનું કહેવું છે કે બાંગ્લાદેશમાં 2013થી આ સાપ વધુ પ્રમાણમાં નજરે પડી રહ્યા છે.
દેશના ઉત્તર-પશ્ચિમના કેટલાક વિસ્તારોમાં અને ખાસ કરીને પદ્માના તટવર્તી વિસ્તારોમાં રસેલ વાઇપરના ડંખને કારણે બે લોકો મૃત્યુ પામ્યા હતા તથા બીજા ઘણા બીમાર પડ્યા હતા. એ સમયે આ ઘટના સમાચારમાં બહુ ચમકી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સરકારી અધિકારીઓનું કહેવું છે કે માનિકગંજમાં સાપના ડંખને કારણે છેલ્લા ત્રણ મહિનામાં પાંચ લોકો મૃત્યુ પામ્યા છે. એ પૈકીના મોટા ભાગના ખેડૂતો હતા. એ સમયે લણણીની મોસમ ચાલી રહી હતી. પાકથી ભરેલાં ખેતરોમાં સાપનો ઉપદ્રવ સ્વાભાવિક ગણવામાં આવે છે.
ચટગાંવ યુનિવર્સિટીના પ્રાણીવિજ્ઞાન વિભાગના પ્રોફેસર ફરીદ અહસાને બીબીસીને કહ્યું હતું, "રસેલ વાઇપર પદ્મા બેસિનના કિનારે-કિનારે માનિગજંગની તટીય વિસ્તારો સુધી પહોંચી ગયા છે."
બીજી તરફ રાજશાહીમાં સાપના ડંખને કારણે રાજાશાહી યુનિવર્સિટીના એક વિદ્યાર્થી સહિત બે લોકો મૃત્યુ પામ્યાના સમાચાર આ સપ્તાહે મળ્યા છે.
લણણીની આ મોસમમાં રસેલ વાઇપરના પ્રકોપને કારણે પદ્મા નદીના તટીય વિસ્તારોમાં ખેડૂતોમાં સૌથી વધારે આતંક ફેલાયો છે.
રાજાશાહીના ચારઘાટ ઉપજિલ્લાના સારદામાં પદ્મા નદીના કિનારા પરની પોલીસ ઍકેડૅમીના પરિસરમાંથી રસેલ વાઇપરનાં આઠ બચ્ચાં રવિવારે મળી આવ્યાં હતાં, પરંતુ મીડિયામાં પ્રકાશિત સમાચારોમાં જણાવવામાં આવ્યું હતું કે પોલીસ જવાનોએ તેને ફટકા મારીને ખતમ કરી નાખ્યાં હતાં.
ફરીદપુરના એક રાજકીય નેતાએ જાહેરાત કરી હતી કે રસેલ વાઇપરને મારી નાખનાર લોકોને એક સાપ દીઠ 50,000 ટાકા (બાંગ્લાદેશી ચલણ)નું ઇનામ આપવામાં આવશે. જોકે, તેમણે રવિવારે આ નિવેદન પાછું ખેંચી લીધું હતું.
વનવિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે રસેલ વાઇપરના આતંકને કારણે જે સાપોને મારી નાખવામાં આવી રહ્યા છે તેમાં શંખિની, અજગર, ધરગિન્ની, દારાજ, ઢોંઢા અને ગુઈ સહિતના વિભિન્ન પ્રજાતિના સાપનો સમાવેશ થાય છે.
આ બધા સાપ જ રસેલ વાઇપરને ગળી જઈને પ્રકૃતિનું સંતુલન જાળવી રાખતા હોય છે, પરંતુ આ ઉપયોગી સાપને મારી નાખવામાં આવી રહ્યા છે.
અધિકારીઓનું કહેવું છે કે સોશિયલ મીડિયા પર રસેલ વાઇપર વિશે મોટા પ્રમાણમાં નકારાત્મક પ્રચાર થતો હોવાને કારણે લોકો આતંકિત થઈને સમજ્યા-વિચાર્યા વિના, પ્રકૃતિના મિત્ર ગણાતા વિભિન્ન પ્રજાતિના વિષહીન સાપ તથા સરીસૃપ જીવોને મારી નાખા છે. લોકો તમામ સાપને જોતાંની સાથે જ મારી નાખે છે.
મુખ્ય વનસંરક્ષક મોહમ્મદ અમીર હુસેન ચૌધરીએ બીબીસીને કહ્યું હતું, "રસેલ વાઇપર કોઈ આક્રમક સાપ નથી. તેના પર હુમલો કરવામાં આવે તો જ તે વળતો હુમલો કરે છે. સાપને મારી નાખવાની કોઈ જરૂર નથી. લોકોએ સતર્ક રહેવું પડશે. અમે લોકોને જાગૃત કરવાની દિશામાં કામ કરી રહ્યા છીએ."
વનવિભાગના અધિકારીઓ મેડિકલ સર્વિસના આંકડાને ટાંકીને જણાવે છે કે દેશમાં સાપ દ્વારા ડંખ મારવાને કારણે દર વર્ષે લગભગ સાડા સાત હજાર લોકો મૃત્યુ પામે છે. એ પૈકીના 120ના મોત રસેલ વાઇપરના ડંખને કારણે થતા હોય છે.
હુસૈને કહ્યું હતું, "જે ખેતરોમાં ઊભો પાક લહેરાતો હોય ત્યાં સાપ મોટા પ્રમાણમાં રહેતા હોય છે. તેથી સ્થાનિક લોકપ્રતિનિધિ, વહીવટીતંત્ર અને સ્વયંસેવકો સાપને મારી નાખવામાં આવતા રોકવા તેમજ ખેડૂતોને જાગૃત કરવાનું કામ કરી રહ્યા છે. લોકોમાં જાગૃતિ વધશે અને સોશિયલ મીડિયા પર નકારાત્મક પ્રચાર ઓછો થશે પછી થોડા દિવસોમાં આ આતંક ઘણો ઓછો થઈ જશે."

સાપ પર્યાવરણ માટે કઈ રીતે લાભદાયક?

ઇમેજ સ્રોત, Getty Images
નિષ્ણાતોનું કહેવું છે કે જીવવૈવિધ્યના રક્ષણમાં સાપની ભૂમિકા બહુ મહત્ત્વની છે. વાસ્તવમાં સાપ પ્રકૃતિના મિત્ર છે તથા પર્યાવરણનો એક અભિન્ન તથા મહત્ત્વપૂર્ણ હિસ્સો છે. ઇકૉસિસ્ટમમાં સાપ ટોચનાં માંસાહારી પ્રાણીઓ પૈકીનાં એક છે.
‘પ્રિવેન્શન ઍન્ડ ટ્રીટમેન્ટ ઑફ સ્નેક્સ ઍન્ડ સ્નેક બાઇટ્સ ઇન બાંગ્લાદેશ’ નામના પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે કે સાપ અત્યંત આળસુ અને નિર્દોષ જીવ છે. સાપ માણસથી ડરતા હોય છે. આ જ કારણસર માણસને જોતાંની સાથે જ પોતાનો જીવ બચાવવા સાપ ભાગી જતા હોય છે, પરંતુ તેના પર હુમલો કરવામાં આવે ત્યારે તે આત્મરક્ષણ માટે વળતો હુમલો કરે છે અને ડંખ મારે છે. ઇકોસિસ્ટમમાં સંતુલન જાળવી રાખવામાં સાપ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
આ પુસ્તક મોહમ્મદ અબુ સઈદ અને મોહમ્મદ ફરીદ અહસાને સાથે મળીને લખ્યું છે.
આ પુસ્તકના એક લેખક અને ચટગાંવ યુનિવર્સિટીના પ્રાણીવિદ્યા વિભાગના પ્રોફેસર મોહમ્મદ ફરીદ અહસાને બીબીસીને કહ્યું હતું, "આ ચક્રમાં સાપ શિકારી પણ હોઈ શકે છે અને શિકાર પણ. તેનું કારણ એ છે કે સાપ અન્ય જીવોનો આહાર કરીને પર્યાવરણનું સંતુલન જાળવી રાખે છે. એવી જ રીતે સાપ બીજા પ્રાણીઓનો આહાર બનીને પર્યાવરણનું સંતુલન જાળવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે."
પ્રકૃતિના ચક્રમાં સાપ કીટ નિયંત્રણની એક પ્રાકૃતિક વ્યવસ્થા છે. સાપ શિકારી તરીકે એવા જીવોનો આહાર કરીને પર્યાવરણનું સંતુલન જાળવી રાખે છે.
પ્રાણી વિજ્ઞાનીઓનું કહેવું છે કે આ વિસ્તારમાં લગભગ 100 વર્ષ પહેલાં રસેલ વાઇપર સાપનું અસ્તિત્વ હતું. ઇકોસિસ્ટમમાં પરિવર્તનને કારણે જ આ પ્રજાતિના સાપની સંખ્યામાં ઘટાડો થયો છે. એટલે કે ગુઈ સાપ, બેજી, ચીલ અને બાજ જેવા જે જીવો આ પ્રજાતિના સાપનો આહાર કરતા હતા તેમની સંખ્યા પણ ઘટી છે. રસેલ વાઇપરની સંખ્યા વધવાનું સૌથી મહત્ત્વનું કારણ આ છે.
અહસાને કહ્યું હતું, "ઇકોસિસ્ટમમાં પરિવર્તનને કારણે રસેલ વાઇપરની સંખ્યા વધી છે. તેનો આહાર કરતા જીવોની સંખ્યા ઘટી છે. તેથી આ પ્રજાતિના સાપની સંખ્યા વધી રહી છે."
સાપને મારી નાખવાથી પર્યાવરણ પર કેવી અસર થાય?

ઇમેજ સ્રોત, PRITOM SUR ROY
નિષ્ણાતોનું કહેવું છે કે પ્રકૃતિનો હિસ્સો બની રહેલા આ સાપોને મારી નાખવાની અસર સમગ્ર ઇકોસિસ્ટમ પર થશે. પાકવાળાં ખેતરોમાંના સાપને મારી નાખવાથી ઉંદરડાઓનો પ્રકોપ વધી જશે.
ઉંદરડાં સામાન્ય રીતે દર વર્ષે 10થી 20 ટકા પાક બરબાદ કરી નાખતા હોય છે. સમજ્યા-વિચાર્યા વિના સાપને મારી નાખવાથી ઉંદરડાંની સંખ્યા વધી જશે અને તેના કારણે અનાજના ઉત્પાદનમાં ઘટાડો થશે.
મુખ્ય વનસંરક્ષક હુસૈને કહ્યું હતું, "ઉંદરડાં અને દેડકાંને સાપ ખાઈ જતા હોય છે. બેજી, બાગદાસ, ગંધોગોકુલ અને જંગલી બિલાડીઓ સાપનો આહાર કરે છે. શંખચૂડ અને કોબ્રા સહિતના કેટલાક સાપ રસેલ વાઇપર સહિતની બીજી પ્રજાતિઓના સાપનો આહાર કરતા હોય છે."
"જે ખેતરોમાં પાક હોય છે ત્યાં ઉંદરડાંને સાપ ખાઈ જાય છે. ઉંદરડાંનો આહાર કરીને સાપ પાકનું રક્ષણ કરે છે અને ખેડૂતોનું ભલું કરે છે, પરંતુ સાપને આટલા મોટા પ્રમાણમાં મારી નાખવાનો સિલસિલો ચાલુ રહેશે તો શિકારી જીવોની એક શ્રેણી ઓછી થઈ જશે."
તેમણે ઉમેર્યું હતું, "આ સિલસિલો નહીં અટકે તો ભવિષ્યમાં ઉંદરડાંની સંખ્યામાં મોટો વધારો થશે. ઉંદરડાં પાકનો નાશ કરશે."
"તેને લીધે અનાજનું ઉત્પાદન ઘટશે અને ભોજનચક્ર પર તેની પ્રતિકૂળ અસર થશે. તેથી સ્પષ્ટ છે કે સાપને મારી નાખવામાં આવશે તો ભવિષ્યમાં મોટું નુકસાન થશે."
ઢાકા યુનિવર્સિટીના પ્રાણી વિજ્ઞાન વિભાગના પ્રોફેસર મો. અમીનુલ ઇસ્લામ ભુઈયાંએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં સાપ પ્રત્યેના નકારાત્મક વલણને કારણે આવા જીવોને સમજ્યા-વિચાર્યા વિના મારી નાખવામાં આવે છે, પરંતુ ઇકૉસિસ્ટમમાં સાપનું સ્થાન કોઈ અન્ય જીવ લઈ શકતો નથી.
તેમણે બીબીસીને કહ્યું હતું, "ઇકોસિસ્ટમમાં સાપની જે ભૂમિકા છે તેને બીજો કોઈ જીવ રિપ્લેસ કરી શકતો નથી. આ વ્યવસ્થામાં પ્રત્યેક જીવ બીજાને પ્રભાવિત કરે છે. તેથી સાપની કમીથી સમગ્ર ફૂડ ચેઈનને અસર થશે."
વન્ય જીવ અધિનિયમ, 2012 મુજબ, રસેલ વાઇપરને સંરક્ષિત પ્રજાતિ તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે. આ કાયદા હેઠળ સાપને મારી નાખવા, પકડવા કે એકથી બીજી જગ્યાએ લઈ જવા તે દંડનીય અપરાધ છે.
આ બધાની વચ્ચે પર્યાવરણ, વન તથા જળવાયુ પરિવર્તન મંત્રાલયે પણ એક નિવેદન બહાર પાડ્યું છે અને સાપને મારી નહીં નાખવાની અપીલ લોકોને કરી છે.












