વરુ અને કૂતરાના પ્રજનનથી પેદાં થયેલાં આ પ્રાણીઓ ખતરનાક કેમ બની ગયાં છે?

ઇમેજ સ્રોત, THE GRASSLANDS TRUST
- લેેખક, જાહ્નવી મૂળે
- પદ, બીબીસી સંવાદદાતા
સિદ્ધેશ બ્રાહ્મણકર પૂણે નજીકના માળરાણા ગયા ત્યારે તેમને એક પ્રાણી જોવા મળ્યું હતું, જે કંઈક અલગ જ હતું.
“અમે રખડપટ્ટી કરતા હતા અને યોગાનુયોગે તે જોવા મળ્યું હતું. તે વરુ જેવું દેખાતું હતું, પરંતુ વરુ જ હતું કે કેમ તે ચોક્કસ કહી શકાય નહીં. તે રાખોડી રંગનું નહીં, પરંતુ પીળા રંગનું હતું. આ 2014ની વાત છે.”
એ સમયે સિદ્ધેશ પૂણેના નાગરિકોએ સ્થાપેલા ગ્રાસલેન્ડ ટ્રસ્ટના તેના સાથીદારો જોડે એ વિસ્તારમાં ફરી રહ્યા હતા. આ વિસ્તારમાં આવા અલગ રંગનું પ્રાણી જોવા મળ્યાની માહિતી સ્થાનિક લોકોએ આપી પછી તેમણે વધુ તપાસ કરવાનું નક્કી કર્યું હતું.
આ ટ્રસ્ટના સ્થાપક મિહિર ગોડબોલે કહે છે, “લોકડાઉનના દિવસોમાં અમે પૂણે નજીક આવું જ બીજું પ્રાણી જોયું હતું. એ પછી એક માદા દેખાઈ હતી. તે વરુ જેવી લાગતી હતી, પરંતુ ચામડી પર અલગ રંગના પટ્ટા દેખાતા હતા.”
નિષ્ણાતોના માર્ગદર્શન અને વન વિભાગની પરવાનગી સાથે તેમણે બાદમાં એ પ્રાણીના વાળ તથા વિષ્ટા એકત્ર કર્યા હતા. જોકે, એ કામ સરળ ન હતું.
મિહિર કહે છે, “વરુ એક ઉમદા અને તેટલું જ રહસ્યમય પ્રાણી છે. તેને શોધવાનું બહુ મુશ્કેલ છે. વરુઓ માનવ વસાહતની નજીક રહેતાં હોય છે અને એક રીતે માણસોને સારી રીતે ઓળખતાં હોય છે. તેથી તે અમને થાપ આપીને ચાલ્યાં જતાં હતાં, પણ અમે દિવસો સુધી રાહ જોઈ હતી.”
“તે ક્યાં ફરે છે, ક્યાં બેસે છે અને એ જગ્યા છોડીને ક્યારે જાય છે તેના પર અમે નજર રાખી હતી. તેને લીધે અમે આ વિચિત્ર પ્રાણીના વાળ અને વિષ્ટા મેળવી શક્યા હતા.”
જીનોમ સિક્વન્સિંગ કર્યા પછી તેમની શંકાની પુષ્ટિ થઈ હતી. તે એક વર્ણસંકર પ્રાણી હતું, જે કૂતરાં અને વરુમાંથી તૈયાર થયેલું હાઈબ્રિડ પ્રાણી હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, THE GRASSLANDS TRUST
આ પ્રકારનાં પ્રાણીઓને વુલ્ફ-ડોગ કહેવામાં આવે છે. જોકે, આ વર્ણસંકર પ્રાણી વુલ્ફ-ડોગ તરીકે ઓળખાતી પ્રજાતિ કરતાં અલગ છે.
શ્વાન અને વરુના સંવર્ધનના કિસ્સાઓ બાબતે દુનિયાભરમાં સંશોધન કરવામાં આવી રહ્યું છે, પરંતુ ભારતમાં આ પ્રકારના નક્કર પુરાવા મળ્યા હોય અને તેનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવામાં આવ્યો હોય તેવી આ પ્રથમ ઘટના હતી.
આ સંશોધને વધુ એક વાત સાબિત કરી હતી કે આ વર્ણસંકર પ્રાણી નવા બચ્ચાંઓને જન્મ આપી શકે છે.
આ સંશોધન ધ ગ્રાસલૅન્ડ ટ્રસ્ટ, અશોકા ટ્રસ્ટ ફોર રિસર્ચ ઈન ઇકૉલૉજી એન્ડ એન્વાયરન્મેન્ટ અને નેશનલ સૅન્ટર ફૉર બાયૉલોજિકલ સાયન્સિસ દ્વારા સાથે મળીને હાથ ધરવામાં આવ્યું હતું. તેનું પ્રકાશન જર્નલ ઓફ ઇકૉલૉજી એન્ડ ઇવોલ્યુશનમાં કરવામાં આવ્યું હતું.
એક વર્ષ પછી પણ વરુ સંવર્ધનના પ્રયાસોમાં કોઈ મોટો ફેરફાર થયો નથી.
વરુ અને કૂતરાં વચ્ચે આ સંકરપ્રક્રિયા શા માટે થાય છે? રખડતાં કૂતરાંઓની સંખ્યામાં થયેલો વધારો એ માટે કારણભૂત છે? આ સંદર્ભે શા માટે વધુ સંશોધન જરૂરી છે?

બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો...
માલરાનના રાજાઓ

ઇમેજ સ્રોત, THE GRASSLANDS TRUST
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગ્રે વૂલ્ફ અથવા રાખોડી રંગનાં વરુઓ વિશ્વભરમાં વિવિધ પ્રકારનાં આવાસોમાં રહે છે. તે ઘાસનાં મેદાનો, જંગલો, બરફીલા પ્રદેશો અથવા તો પણ હોય છે.
જોકે, ભારતમાં વરુઓ મુખ્યત્વે માનવ વસાહતોને અડીને આવેલા ‘સવાના’માં (ઘાસવાળું જંગલ, ગ્રીનલૅન્ડ ઇકૉસિસ્ટમ) રહે છે.
સવાના શબ્દ સંભળાય એટલે આપણી નજર સામે આફ્રિકાના કૅન્યા જેવા દેશોમાંના ઘાસનાં વિશાળ મેદાનો આવે. ભારતમાં પણ હિમાલયના તરાઈ પ્રદેશમાં, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં (પૂણે-સાસવડ, અહમદનગર, સોલાપુર) આવા મેદાની વિસ્તારો છે.
મિહિર સમજાવે છે, “ભારતીય સવાના એક અનન્ય ઇકૉસિસ્ટમ છે. તેમાં કાળિયાર, શાહુડી અને ઇન્ડિયન બસ્ટાર્ડ (ઘોરાળ) વગેરે જેવાં ઘણાં પ્રાણીઓ તેમાં રહે છે. વરુઓ આ ઇકૉસિસ્ટમની ફૂડચેઈનનો સર્વોચ્ચ અને સૌથી મહત્ત્વનો હિસ્સો છે.”
ભારતમાં વરુની બે પ્રજાતિ – હિમાલયન વરુ અને ભારતીય ગ્રે વરુ – છે.
તેમાં ખાસ કરીને ભારતીય વરુ મહત્વના છે, કારણ કે ભારતની ગ્રે વરુની આ પ્રજાતિ વિશ્વની સૌથી જૂની ગ્રે વરુની પ્રજાતિઓ પૈકીની એક છે. તેથી એક રીતે આ વરુ વિશ્વભરમાંનાં ગ્રે વરુઓના પૂર્વજો છે. તે લુપ્ત થઈ જશે તો ઉત્ક્રાંતિની સાંકળની એક મહત્ત્વની કડી ખોવાઈ જશે.
આઈસીયુએન સંસ્થાના વર્ગીકરણ મુજબ, ગ્રે વરુ વિશ્વભરમાં ચિંતાજનક સ્થિતિમાં હોય તેવી પ્રજાતિ નથી, પરંતુ જે દેશોમાં તેના અસ્તિત્વ પર જોખમ છે, તેમાં ભારતનો સમાવેશ થાય છે.
ભારતમાં 1972ના વન્યજીવન અધિનિયમ હેઠળ વરુઓને રક્ષણ આપવામાં આવ્યું છે, પરંતુ સંશોધકોનું કહેવું છે કે વરુઓના વસવાટવાળા વિસ્તારમાં માનવોની દખલગીરીને લીધે તેમના અસ્તિત્વ પર જોખમ સર્જાયું છે.
ભારતમાં વરુઓની સંખ્યા 2,000થી 3,000 હોવાનો અંદાજ છે, પરંતુ સંશોધકો કહે છે કે આ સંખ્યા સાચી નથી, કારણ કે માત્ર અંદાજ છે. વાઘની માફક વરુઓની ગણતરી કરવામાં આવી નથી.
મહારાષ્ટ્રના સવાના વિસ્તારોમાં વરુઓની ગીચ વસ્તી છે અને એક અંદાજ મુજબ, માત્ર પૂણે જિલ્લામાં જ 30થી વધુ વરુઓ છે. સંશોધકોને પૂણેના ઘાસિયા મેદાની વિસ્તાર માલરાનમાંથી વરુ-કુતરાના મિશ્રણ જેવું પ્રાણી મળી આવ્યું હતું.
સંશોધનમાં શું બહાર આવ્યું?

ઇમેજ સ્રોત, THE GRASSLANDS TRUST
અશોકા ટ્રસ્ટ ફૉર રિસર્ચ ઇન ઇકૉલોજી ઍન્ડ એન્વાયરન્મેન્ટ જૈવવિવિધતા સંશોધક અબી વનક કહે છે, “કુતરાં અને વરુ આનુવાંશિક રીતે ખૂબ જ નજીકના સંબંધી છે. કુતરાંઓ વરુમાંથી વિકસિત થયા છે. કુતરાં એક રીતે પાળેલાં વરુ જ છે.”
અબી વનક ઉમેરે છે, “વિશ્વભરમાં વરુ-કુતરાંના હાઈબ્રિડના ઘણા કિસ્સાઓ નોંધાયા છે. ભારતમાં તેના કેટલાક ફોટોગ્રાફિક પુરાવા પણ છે. તેનું કારણ એ છે કે કોઈ જગ્યાએ વરુઓની સંખ્યા ઘટે તો તેઓ નવા સાથી શોધી શકતા નથી અને તે સમયે કુતરા સાથે સંવનન કરે છે.”
તાજેતરના સમયમાં ઘાસના મેદાનોમાં માનવ અતિક્રમણમાં વધારો થયો છે. ખેતી, ઢોર ચરાવવા અને કચરો ફેંકવાને કારણે વરુઓ મુશ્કેલીમાં મુકાયા છે. શહેરીકરણ વધવાની સાથે રખડતા કુતરાંઓ અને જંગલી વરુઓ વચ્ચેનો સંપર્ક પણ વધી રહ્યો છે.
માણસે ભૂતકાળમાં શ્વાન અને વરુઓ વચ્ચે સંવનન કરાવીને શ્વાનની ચોક્કસ જાતિઓ વિકસાવી છે. ઘણી જગ્યાએ આવા બ્રીડિંગ પર પ્રતિબંધ છે.
જંગલમાં આવું બ્રીડિંગ વધારે જોખમી સાબિત થઈ શકે છે, કારણ કે તે વરુની પ્રજાતિઓ માટે જોખમી સાબિત થઈ શકે છે. તેમની અલગ આનુવાંશિક ઓળખ ભૂંસી શકે છે.
નેશનલ સૅન્ટર ફૉર બાયૉલૉજિકલ સાયન્સિસમાં મોલેક્યુલર ઇકૉલૉજિસ્ટ અને પ્રોફેસર ઉમા રામકૃષ્ણન આ બાબતે વધુ માહિતી આપે છે. ઉમાએ પોતાની પ્રયોગશાળામાં વરુ-શ્વાનના વર્ણશંકર પ્રાણીનું જીનોમ સિક્વન્સિંગ કર્યું હતું અને ભારતમાં આવા હાયબ્રીડ પ્રાણીનું અસ્તિત્વ સિદ્ધ કર્યું હતું.
ઉમા કહે છે, “ધારો કે તમે બે રંગના ડબ્બા લઈને તેને એકમેકની સાથે ભેળવો તો મૂળ રંગ જેવા હોય તેવા ન રહે. એવી જ રીતે વર્ણસંકર પ્રજાતિની આનુવંશિક લાક્ષણિકતાઓ ભૂંસાઈ જાય છે.”

ઇમેજ સ્રોત, THE GRASSLAND TRUST
“એક પ્રજાતિના પ્રાણીની સંખ્યા વધારે હોય (જેમ કે આ કિસ્સામાં શ્વાન) અને બીજી પ્રજાતિના પ્રાણીની સંખ્યા ઓછી હોય (જેમ કે વરુ) તો વરુના આનુવાંશિક લક્ષણોને શ્વાન નષ્ટ કરી શકે છે અને આખરે વરુની પ્રજાતિનો જ નાશ થઈ શકે છે.”
અબી વનક વધુ માહિતી આપતાં કહે છે, “શ્વાન અને વરુ વચ્ચે આનુવંશિક તફાવત છે. કુતરાઓ પાળેલા પ્રાણી બન્યા હોવાને કારણે તેમણે વરુ જેવાં કેટલાંક લક્ષણો ગુમાવ્યાં છે. એટલે કે શ્વાનનું કદ નાનું થયું છે. તેમની શક્તિમાં ઘટાડો થયો છે. તેનું બ્રીડિંગ થાય તો શ્વાનની કેટલીક લાક્ષણિકતાઓ વરુઓમાં આવી શકે છે અને તેનાથી વરુઓના અસ્તિત્વ પર જોખમ સર્જાઈ શકે છે.”
જોકે, આ એકમાત્ર સમસ્યા નથી.
મિહિર ગોડબોલે કહે છે, “કુતરાંઓને લીધે હડકવા જેવા રોગ અને વાઇરસ વરુઓમાં પ્રસરી શકે છે. તે પૈકીના કેટલાક વાઇરસ એટલા ઘાતક હોય છે કે તેના ચેપથી તમામ જંગલી વરુઓ મરી શકે છે. રખડતાં શ્વાનો નાના પ્રાણીઓને મારી નાખે છે અને વરુઓ તેની મિજબાની માણે છે.”
અલબત, વરુઓના અસ્તિત્વ પર માત્ર કુતરાંઓને કારણે જ જોખમ નથી. મિહિરના ગ્રાસલૅન્ડ ટ્રસ્ટની ટીમે કરેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે વરુના રહેણાંક વિસ્તારોમાં દીપડાઓની હાજરીને કારણે આ વસવાટનું સંતુલન ખોરવાઈ રહ્યું છે.
તેમ છતાં, ભારતીય વરુના સંરક્ષણ માટે પૂરતા પ્રયાસો કરવામાં આવતા નથી, તેવું સંશોધકો જણાવે છે.
વરુનું રક્ષણ અને ઘાસિયા મેદાનોનું સંરક્ષણ

ઇમેજ સ્રોત, THE GRASSLANDS TRUST
અબી વનક કહે છે, “જેવી રીતે વાઘનું સંરક્ષણ કરવામાં આવે છે તેવી રીતે વરુઓનું સંરક્ષણ કરી શકાશે નહીં. આપણે વરુઓ માટે સંરક્ષિત અભયારણ્ય બનાવી શકતા નથી. વરુઓ મિશ્રિત વિસ્તારમાં રહેતાં હોય છે. તેઓ ઘણીવાર પાળેલાં પ્રાણીઓનો શિકાર કરીને પોતાનું પેટ ભરતાં હોય છે. તેથી બાકીનાં ઘટકો, પશુપાલકો અને ગ્રામજનોનો વિચાર પણ કરવો જોઈએ.”
ધ ગ્રાસલૅન્ડ ટ્રસ્ટે હવે એક નવો પ્રોજેક્ટ પ્રાયોગિક ધોરણે શરૂ કર્યો છે. તેમાં ગ્રામજનો અને અન્ય તમામ હિતધારકોનો સમાવેશ થાય છે. તેઓ ઘાસના મેદાનોના સંરક્ષણ અને જંગલી પ્રાણીઓના રક્ષણ માટે કામ કરી રહ્યા છે.
તેમણે રાજ્યમાં વરુઓના સંરક્ષણ માટે વન વિભાગ સમક્ષ એક યોજના રજૂ કરી છે. તેને અંતિમ મંજૂરી મળવાની બાકી છે.
જોકે, ઉમા રામકૃષ્ણન, અત્યાર સુધીના સંશોધનોએ જે અલગ સવાલ ઊભા કર્યા છે તેના તરફ ધ્યાન દોરે છે.
“આપણી સામેનો મુખ્ય પડકાર આ હાઈબ્રિડ પ્રાણીના વર્ગીકરણનો છે. શું તે વાઇલ્ડલાઇફ ઍક્ટ હેઠળ સંરક્ષિત છે? આવું પ્રાણી મળી આવે તો શું કરવું? આ માત્ર નૈતિકતાનો નહીં, પરંતુ ઇકૉલૉજી અને બાયૉલૉજીનો પ્રશ્ન પણ છે.”
તેઓ ઉમેરે છે કે કોઈ ચોક્કસ વિસ્તારમાં કોઈ ચોક્કસ પ્રાણીના આનુવંશિક મેકઅપમાં થતો ફેરફાર, તે પ્રજાતિ સાથે ખરેખર શું થઈ રહ્યું છે અથવા થવાનું છે તેની માહિતી પ્રદાન કરે છે અને તેના આધારે સંશોધકો સરકાર અને સંવર્ધનકર્તાઓને સલાહ આપે છે.
તેઓ કહે છે, “આપણે ઉત્ક્રાંતિનો વિચાર કરીએ ત્યારે ભૂતકાળમાં શું થયું હતું તે વિચારીએ છીએ, પરંતુ ઉત્ક્રાંતિ ભવિષ્યમાં પણ થવાની છે. પ્રજાતિની ઉત્ક્રાંતિ કેવી રીતે થશે તેની દિશા આપણે એટલે કે માણસોએ નક્કી કરવાની છે?”












