'સિંહ ભલે મને ખાઈ જાય, તું ભાગી જજે', એક પિનને લીધે બચી ગયેલી બે સખીની કહાણી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ‘લાઇવ્ઝ લેસ ઑર્ડિનરી’ શ્રેણી
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
“એ અદભુત હતું. હું ખૂબ જ ઉત્સાહિત હતી. સુંદર દૃશ્યાવલી હતી”
સ્વીડનનાં હેલેન અબર્ગ વિશાળ કાલહારી ડેઝર્ટમાંના તેમના પ્રવાસની શરૂઆતને આ રીતે યાદ કરે છે. કાલહારી ડેઝર્ટનો પ્રવાસ કરવાનું તેમનું બાળપણનું સપનું હતું, જે સાકાર થયું હતું.
હેલેન કહે છે, “હું દસ વર્ષની હતી ત્યારે સ્કૂલમાં અમને કાલહારી ડેઝર્ટ વિશેની એક અદભુત ફિલ્મ દેખાડવામાં આવી હતી. હું એક દિવસ ત્યાં જઈશ, એવું કહ્યું ત્યારે બધા મારા પર હસ્યા હતા.”
ઉપહાસ છતાં હેલેને સપનાં જોવાનું ચાલુ રાખ્યું હતું.
હેલેન એક એવી છોકરી હતી, જે ઘૂંટણમાં ઉઝરડા, કપડાં પર ઘાસના ડાઘા અને ચહેરા પર સ્મિત સાથે ઘરે પાછી આવી હતી. એ બધું નવેસરથી શરૂ કરવા તૈયાર હતી.
હેલેનની સખી જેની સોડરક્વિસ્ટ અલગ, તાર્કિક અને વિચારશીલ હતી.
આ સાહસી અને વ્યૂહરચનાકાર સ્વીડિશ ટેલિવિઝનના મોૉર્નિંગ ન્યૂઝ શો માટે વીડિયો ઍડિટર્સ તરીકે કામ કરતી વખતે ગાઢ દોસ્ત બન્યાં હતાં.
2004માં હેલેનને અકસ્માત નડ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
“હું બાઇક ચલાવતી હતી એ વખતે એક દારૂડિયા ડ્રાઇવરે મને ટક્કર મારી હતી. હું હોૉસ્પિટલમાં ભાનમાં આવી ત્યારે બે પોલીસ અધિકારીઓએ મને જણાવ્યું હતું કે તમે હેલમેટ ન પહેર્યું હોત તો આપણે અત્યારે શબગૃહમાં હોત.”
તેનાથી હેલેનને એક નવો પરિપ્રેક્ષ્ય મળ્યો હતો અને 2006માં બોત્સ્વાનાના ગેબોરોનમાં એક ટેલિવિઝન સ્ટેશનમાં કામ કરવાની તક મળી ત્યારે તેમણે એ તક ઝડપી લીધી હતી.
બોત્સ્વાના 9,00,000 ચોરસ કિલોમીટરના કાલહારી સવન્નાને આવરી લેતા દક્ષિણ આફ્રિકાના ત્રણ દેશો પૈકીનો એક હોવાથી હેલેનને ત્યાં પોતાનું સપનું સાકાર થવાની આશા જાગી હતી અને તેમણે જેનીને સાથે આવવાં રાજી કર્યાં હતાં.
જેની સ્મૃતિ સંભારતાં કહે છે, “તે ખૂબ જ રોમાંચક લાગતું હતું. ત્રણ દિવસનો સુંદર પ્રવાસ.”
તેમણે તમામ તૈયારી કરી હતી. ફર્સ્ટ એઈડ કીટ, ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન જરૂરી પાણી કરતાં વધુ પાણી અને નકશા વગેરે બધું સાથે લીધું હતું.
તેઓ એવી સફર પર ગયાં હતાં, જે તેઓ જાણતાં હતાં કે યાદગાર બની જશે. જોકે, એ સફરના અંતની કલ્પના તેમણે કરી ન હતી.

જંગલ, અંધારી રાત, સિંહ અને બે બહેનપણી

ઇમેજ સ્રોત, AP
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
શરૂઆત “આનંદદાયક” હતી.
જેની કહે છે, “અમે વહેલી સવારે નીકળી ગયાં હતાં અને ક્ષિતિજ પરથી અમે પર્વતો જોયા હતા.”
“સૅન્ટ્રલ કાલહારી ગેમ રિઝર્વનો રસ્તો ખૂબ જ સુંદર, વિશાળ અને ખાલી હોય છે, કારણ કે ત્યાં બહુ ઓછાં ગામ છે. એમાં ઘણું બધું સુંદર છે.”
તેઓ એક ટ્રકમાં પ્રવાસ કરતાં હતાં. “તમે હન્ટિંગ અભયારણ્યમાં પ્રવેશ કરો ત્યારે તમારે વાહનની બહાર નીકળવું ન જોઈએ, કારણ કે ત્યાં એવાં પ્રાણીઓ હોય છે, જે તમને ખાઈ જાય.”
અનુભવથી મળેલી શીખની વાત હેલેને કરીઃ
“પહેલો નિયમ એ છે કે કારની બહાર નીકળવાનું નહીં. ક્યારેય નીકળવાનું નહીં. તમે ફસાઈ ગયા હો તો પણ નહીં. તમારું વાહન ખરાબ થઈ ગયું હોય કે પછી તમે ખોવાઈ ગયા હો તો પણ નહીં. બાથરૂમ જવું છે? વાહનના દરવાજાની બાજુમાં જ તે કરી લો અને પાછા અંદર આવી જાઓ.”
જેનીના કહેવા મુજબ, નિયમના પાલન સાથે તેમણે પસાર કરેલી પહેલી રાત શાનદાર હતી.
“અમે બરાબર ઊંઘી શક્યાં ન હતાં, કારણ કે ત્યાં ખાસ સુવિધા ન હતી. આકાશ તારાઓથી ભરેલું હતું અને દૂરથી તમરા તથા વરુના અવાજ સાંભળી શકાતા હતા. રણ જાગી રહ્યું હતું.”
તેમણે બીજા દિવસે અભયારણ્યમાં સિંહો જોયા હતા. “તે અદભુત હતું.”
હેલેન ઉત્સાહપૂર્વક યાદ કરે છે, “એક કાળિયારને ટાંપીને જોતા ચિત્તાને અમે નજરે જોયો હતો.”
“કાળિયાર શ્વાસ ન લેતું હોય તેમ એકદમ સ્થિર થઈ ગયું હતું. ચિત્તો આંટા મારતો હતો. એ થોડી હિલચાલની રાહ જોતો હતો, જેથી કાળિયાર પર હુમલો કરી શકે.”
“ટેન્શનને લીધે અમે વાત કરી શકતાં ન હતાં. આખરે ચિત્તાએ હાર માની લીધી હતી.”
જોકે, આખો દિવસ એટલો સુંદર ન હતો.

ઇમેજ સ્રોત, Getty Images
“હેલેન બપોરે ડ્રાઇવિંગ કરતી હતી ત્યારે તેને કશુંક બળવાની ગંધ આવી હતી. આજુબાજુ ક્યાંય ધુમાડો દેખાતો ન હતો.”
“મેં ટ્રક ચેક કરી, પરંતુ તેમાં પણ કશું બળતું હોવાનું દેખાયું ન હતું. પછી રીઅર વ્યૂ મિરરમાં કશુંક નારંગી દેખાયું હતું.”
“મેં દરવાજો ખોલ્યો ત્યારે મને લાગ્યું કે આગ અમારા પગ સુધી પહોંચી જશે. મેં પાછળના ટાયરમાંથી લગભગ એક મીટર લાંબા જ્વાળા બહાર આવતી જોઈ. દરવાજો બંધ કર્યો અને હેલેનને કહ્યું, કારમાં આગ લાગી છે. આપણે બહાર નીકળવું પડશે.”
હેલેન કહે છે, “મેં ના પાડી હતી, કારણ કે કાલહારી ડેઝર્ટમાં રેતી નથી. એ સુકા ઘાસનો મહાસાગર છે. ઘાસમાં આગ લાગશે તો અમે મરી જઈશું.”
“બૅટરીમાં પણ આગ લાગી હોવાનું મેં જોયું ત્યારે મેં તેને કહ્યું હતું કે આપણે કૂદી પડવું પડશે.”
“મેં જોરથી બ્રેક દબાવી અને કાર આગળ વધતી હોવા છતાં તેમાંથી કૂદી પડી.”
જેનીનો પગ સીટ બેસ્ટમાં ફસાઈ ગયો હતો એટલે તેઓ કૂદી શક્યાં ન હતાં.
“મારે ભાખોડિયાં ભરવાં પડ્યાં હતાં. હું કારની નજીક માથાભેર પટકાઈ હતી. એ જ વખતે પાછળનું ટાયર મારા ભણી આવતું દેખાયું હતું.”
“મને થયું કે મારા જીવનનો અંત આવશે, પરંતુ હું તેના માર્ગમાંથી હટવામાં સફળ થઈ હતી અને ખરાબ રીતે ઘાયલ થવા છતાં દૂર ભાગી ગઈ હતી. અમારું વાહન સળગી રહ્યું હતું અને ઘાસ તરફ આગળ વધતું હતું.”
“મેં હેલેનને કાર તરફ ભાગતી જોઈ. મને લાગ્યું કે આ મૂર્ખામી છે. હું બરાડવા લાગીઃ કારની નજીક જઈશ નહીં, કારની નજીક જઈશ નહીં.”
“કારથી દૂર રહેવા જણાવતી જેનીની બૂમો મેં સાંભળી હતી, પરંતુ મેં એક બેગ જોઈ હતી. તેમાં એ વિસ્તારનો નકશો હતો. તેથી હું કારના દિશામાં ભાગી હતી.”
“અચાનક કારમાં વિસ્ફોટ થયો અને એ જમીનથી અડધો મીટર દૂર ઊંચકાઈ. તેનાથી મોટો અવાજ થયો.”
“હું એ વિચારીને બહુ ગભરાઈ ગઈ કે અમે શું કરીશું? અમે નક્કી મરી જઈશું. હું જેનીની તરફ ફરીને વારંવાર આવું કહેતી હતી, જ્યારે જેની મને કહેતી હતી કે કારની પાસે જઈશ નહીં, કારની પાસે જઈશ નહીં.”
“મેં તેના ચહેરા તરફ જોયું. એ તદ્દન ફિક્કી પડી ગઈ હતી. તેના હોઠ પણ દેખાતા ન હતા. એ સમયે મારા મનમાં એક જ વિચાર હતો કે મારે ગભરાવાનું નથી, કારણ કે જેની પહેલેથી જ ગભરાયેલી છે.”
આગની જ્વાળાથી અંધારા સુધી

ઇમેજ સ્રોત, Getty Images
હેલેન અને જેનીને સળગવામાંથી બચાવી લેવાયાં હતાં, પરંતુ તેમની સાથેનો ત્રણ દિવસનો સામાન તેમણે ગુમાવી દીધો હતો.
તેઓ જ્યાં સૂતાં હતાં એ સ્થળે તેમણે પહેલા નિયમનું પાલન કર્યું હતું. તેમનું તમામ ભોજન, દવા, પાણી, કપડાં, નકશા, તેમની જરૂરિયાતની તમામ વસ્તુઓ સળગી ગઈ હતી.
“અમે આઘાતમાં હતાં અને સળગતી કારની પાસે રહેવું યોગ્ય છે કે નહીં એ જાણતાં ન હતાં. સળગતી કારથી ખતરનાક જાનવરો દૂર રહેશે, પરંતુ તેમાં સળગી મરવાનું જોખમ હતું.”
સમય ઝડપથી પસાર થતો હતો. થોડા સમયમાં અંધારું થઈ જવાનું હતું. તેમણે કશુંક કરવું પડે તેમ હતું.
હેલેન કહે છે, “નજીકનું શહેર લગભગ 20 કિલોમીટર દૂર છે એ અમે જાણતાં હતાં. અમારું નસીબ સારું હોય તો ત્યાં કોઈક હોય પણ ખરું.”
“આગ ફેલાવા લાગી ત્યારે વિકલ્પ આસાન હતો. અમે ચાલવાનું શરૂ કરી દીધું. મેં સેન્ડલ પહેર્યાં હતાં. એ ઝાડીઓમાં ચાલવા માટે આદર્શ ન હતાં, ઝાડીઓમાં સાપ અને વીંછી હતા.”

ઇમેજ સ્રોત, KATARINA MARTHOLM
“હું બહુ ડરી ગઈ હતી. તેથી ઝડપથી ચાલતી હતી અને અચાનક મને ભાન થયું કે જેની મારી પાછળ નથી.”
બહુ ઈજા થઈ હોવાને કારણે જેનીનું દરેક પગલું પીડાદાયક થઈ ગયું હતું. એ બહુ ધીમી ગતિથી ચાલતી હતી.
“અમે ઝાડની ડાળી કાપી અને તેનો એક-એક છેડો પકડ્યો, જેથી હું ફરી જેનીથી આગળ ન ચાલી જાઉં. અમે છૂટાં પડી જવાના વિચારમાત્રથી ભયભીત હતાં.”
ટૂંક સમયમાં અંધારુ થઈ ગયું. “એટલું અંધારું હતું કે મેં હાથ લંબાવ્યો તો મને મારી આંગળીઓ સુધ્ધાં દેખાતી ન હતી.”
“પછી એક સમય એવો આવ્યો જ્યારે જેનીએ મને કહ્યું હતું કે તે થાકી ગઈ છે અને આગળ વધી શકે તેમ નથી. એ ત્યાં જ રોકાઈ જશે. મેં જેનીને કહ્યું હતું, એકલા રોકાવાનો સવાલ જ નથી. તેણે ચાલતાં રહેવું પડશે, કારણ કે હું તેને એકલી છોડવાની નથી.”
જેની એવું વિચારતી હતી કે “હું એક સિંહ હોત તો સૌથી વધુ માંસવાળી ઘાયલ વ્યક્તિને ખાઈ જાત.”
“મને ખાતરી હતી કે સિંહ મને ખાઈ જશે. તેથી મેં હેલેનને કહ્યું હતું કે સિંહ આપણા પર હુમલો કરે તો મને બચાવવાના પ્રયાસ કરીશ નહીં. ખુદને બચાવજે અને ભાગી જજે. મારી સાથે કશુંક ખરાબ થયાનો રંજ તેને થાય એવું હું ઇચ્છતી ન હતી.”
બન્ને સખી એ વાતે સહમત થઈ હતી કે તેઓ એકમેકને બચાવવાનો પ્રયાસ નહીં કરે, કારણ કે બન્ને મરી જાય તેના કરતાં કમસે કમ એક બચી જાય તે બહેતર છે.
ચમકતી લાલ આંખો

ઇમેજ સ્રોત, KATARINA MARTHOLM
મદદ મળવાની આશાએ બન્ને આગળ વધતાં રહ્યાં હતાં, પરંતુ તેઓ ભયભીત હતાં, કારણ કે કાલહારી ડેઝર્ટમાં તેઓ પશુઓના આહારનો હિસ્સો હોવાનું જાણતાં હતાં.
પછી એ ક્ષણ આવી, જ્યારે ખતરો વાસ્તવ બની ગયો.
“હું આગળ હતી અને અંધારામાં અમારી તરફ આગળ વધતા બે લાલ બિંદુ મને અચાનક દેખાયાં. મેં મારી આંખો બંધ કરીને ફરી ખોલી. એ હજુ પણ ત્યાં જ હતા. કુલ ચાર આંખો હતી, જે અમારા તરફ આવી રહી હતી.”
“હું એટલી ભયભીત હતી કે જેનીને કહી પણ શકતી ન હતી. બરાબર એ જ ક્ષણે તેણે કહ્યું- મારે અટકી જવું પડશે. મારાં પગરખાંમાં એક ડાળખું ફસાઈ ગયું છે.”
“મેં તેને કહ્યું કે આપણે રોકાઈ શકીએ નહીં, પરંતુ પછી મને પેલું કાળિયાર યાદ આવ્યું, જે ચૂપ રહીને ચિત્તા સામેની લડાઈ જીત્યું હતું.”
“તેથી અમે એકદમ સ્થિર રહ્યાં. જેનીએ આરામ કરવાની તક ઝડપી લીધી, જેથી મેં તેને કશું ન કહ્યું હોવા છતાં તે સ્થિર હતી. અમને ઘાસમાંથી થોડો અવાજ સંભળાતો હતો. સિંહો અમારી પાસેથી પસાર થઈને આગળ વધી ગયા.”
“એ વિસ્તારમાંના એકમાત્ર પ્રાણીની આંખોનો આકાર લાલ બિંદુઓ જેવો દેખાય છે અને તે સિંહ હોય છે, એ વાતની ખબર અમને બાદમાં પડી હતી.”
તેઓ જાણતાં હતાં કે જીવતાં રહેવા માટે તેઓ ફરીથી શિકારી જાનવરોને આશ્ચર્યચકિત કરી શકે નહીં. તેમને દૂર રાખવા માટે તેઓ જોરશોરથી અવાજ કરવા લાગ્યા હતાં.
“પહેલાં અમે ગાવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગાવાનું અને ચાલવાનું એક સાથે શક્ય ન હતું. પછી અમે એબીસીડી, આંકડાઓ, જર્મન વ્યાકરણ, સોકર બાર્સ વગેરે જોરથી બોલવાનું શરૂ કરી દીધું હતું.”
અચાનક તેઓ કોઈ કઠોર ચીજ સાથે ટકરાયાં.
“તે દીવાલ કરતાં કશુંક વિશેષ હતું. હું લાકડી લઈને અંદર ગઈ. દરેક ચીજ પર ફટકા માર્યા. પછી મને સમજાયું કે તે એક શૌચાલય હતું.”
તે એક નાનકડું બાથરૂમ હતું, જે અભયારણ્ય બની ગયું.
કાલહારીમાં રાત્રે ઉષ્ણતામાનનો પારો એકદમ નીચે આવી જાય છે અને ગરમ કપડાં રાખ થઈ જાય છે.
તેઓ પ્રાણીઓના અવાજ અને તેમના દ્વારા ખાઈ જવાના ડરથી બચવાના પ્રયાસમાં રાતે બહુ નજીક રહ્યા અને શક્ય હોય તેટલો આરામ કર્યો.
ચાવી વિનાનું ટ્રેક્ટર

ઇમેજ સ્રોત, KATARINA MARTHOLM
“સવાર પડી ત્યારે અમને 150 મીટર દૂર ત્રણ ઘર દેખાયાં. અમે બહુ ખુશ હતાં. અમને ખબર હતી કે અમે સલામત રહીશું. પરંતુ અમે ત્યાં પહોંચીને બારી-દરવાજા ખખડાવ્યા ત્યારે કોઈ જવાબ મળ્યો ન હતો. તેમાં જીવનનો કોઈ સંકેત ન હતો. એ ત્યજી દેવાયેલા ઘર હતાં.”
બન્ને સખી તેમની બચેલી તાકાતથી એક દરવાજો ખોલવામાં સફળ થઈ હતી. તેમણે કશું ખાધું-પીધું ન હતું. એટલે ભોજનની શોધમાં હતી.
“ત્યાં થોડા પાસ્તા અને સૂપ હતો તથા સ્પેમના બે ડબ્બા હતા તેમજ વરસાદી પાણીના સંગ્રહની એક મોટી ટાંકી પણ હતી. એ દુનિયાનું સૌથી સારું પાણી હતું,” જેનીએ કહ્યું.
અલબત્ત, તેઓ દુનિયાથી હજુ પણ દૂર હતાં. તેઓ મુશ્કેલીમાં ફસાયાં છે તેની કોઈને ખબર ન હતી. જેનીના ખભાની સારવાર કરવી જરૂરી હતી.
નકશાને જોતાં તેઓ સૌથી નજીક આવેલી વસાહતથી 100 કિલોમીટર દૂર હતા. તેઓ પગપાળા ત્યાં સુધી જઈ શકે તેમ ન હતાં. તેથી તેમણે આખો દિવસ મહેનત કરીને જમીન પર ઈંટોની મદદથી "HELP" શબ્દો લખ્યા હતા, જેથી કોઈ વિમાનની નજર પડે તો તેઓ બચી શકે.
કોઈ વિમાન પસાર થયું નહીં.
જોકે, ત્યાં એક ટ્રેક્ટર હતું, પરંતુ તેને ચાલુ કરવા માટે ચાવી શોધવાની હતી.
“અમે દરેક જગ્યાએ તપાસ કરી. હેર ક્લિપ વડે પ્રયાસ કર્યો અને અમને બધી ચાવીઓ મળી આવી.”
પેડલૉકની એક ચાવીથી ટ્રેક્ટરનું એન્જિન ચાલુ થયું.
“અમે બહુ ઉત્સાહિત હતાં. અમારી પાસે બહુ પેટ્રોલ ન હતું, પરંતુ અમારે અમારી જાતને બચાવવાની હતી.”
“અમે ટ્રેક્ટરને ચાલુ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે જેનીએ મને કહ્યું, ચાવી તૂટી જશે. તેણે એ બહાર ખેંચી કાઢી અને અમે જોયું તો લોખંડનો એક તાર તેની સાથે જોડાયેલો હતો. અમે તેનો ઉપયોગ કરી શકીએ તેમ હતાં.”
તેમના બચવાની આશા ભાંગી પડી હતી.
આ તેમના ત્રણ દિવસના પ્રવાસનો ચોથો દિવસ હતો અને તેમની પાસે એકમાત્ર ટ્રેક્ટર હતું, પરંતુ તેને ચાલુ કરવાની કોઈ રીત ન હતી.
બીજી ચાવી શોધવા કટિબદ્ધ જેની બહાર નીકળી.
“મેં અવાજ સાંભળ્યો. મેં ઘણી દસ્તાવેજી ફિલ્મો જોઈ હતી અને મને ખબર હતી કે એવો અવાજ સિંહો જ કરતા હોય છે.”
“હું એટલી ડરી ગઈ હતી કે થીજી ગઈ. હું હેલેનને કશું કહી શકી નહીં, પરંતુ તેણે પાછું ફરીને જોયું અને મને તેના હાવભાવથી સમજાઈ ગયું હતું કે તેને બધી ખબર છે.”
તેઓ ટ્રેક્ટર કેબમાં ચડી ગયાં અને તેનો નબળો દરવાજો બંધ કરી દીધો. એકમેકને પકડીને તેઓ ફરતાં સિંહોની રાહ જોવા લાગ્યા.
કેન ઓપનર

ઇમેજ સ્રોત, AP/GETTY IMAGES
તેઓ ટ્રેક્ટર પર લાંબો સમય રહી શકે તેમ ન હતાં.
આ વખતે હેલેને કોઈ એવી ચીજ શોધવાનો પ્રયાસ કર્યો, જે ચાવી તરીકે ઉપયોગી થઈ શકે.
“હું થાકેલી હતી, ડરેલી હતી, ગુસ્સે થયેલી હતી. મને ખાતરી હતી કે અમે મરવાના છીએ. ટ્રેક્ટરને ચાલુ કરવા માટે દરેક જગ્યાએ કશુંક શોધતી વખતે હું સતત રડતી હતી.”
“થોડી વારમાં જેની અંદર આવી અને મારા માટે એક કૉફી બનાવી. એ ઇન્સ્ટન્ટ કૉફી હતી. આ વખતે જેની શાંત અને મજબૂત રહી હતી. તેણે મને ધરપત આપી હતી.”
“પછી તેણે કહ્યું, આપણે કશુંક ખાવું પડશે. અમે સ્પેમના ડબ્બા ખોલી રહ્યાં હતાં ત્યારે મને સમજાયું કે તેને ખોલવાનું ઉપકરણ એક ચાવી જેવું હતું.”
“મેં જેનીને કહ્યું, પહેલાં આપણે ખાઈ લઈએ, પછી આ ઉપકરણનો ઉપયોગ ટ્રેક્ટર પર કરીશું.”
“કેન ઓપનરથી ટ્રેક્ટર ચાલુ કરવાનો વિચાર હાસ્યાસ્પદ હતો, પરંતુ હેલેનને એ વિચાર બહુ ગમ્યો હતો.”
“સ્પેમ ખાધા પછી અમે ટ્રેક્ટર પાસે ગયાં અને તે ચાલુ થઈ ગયું. અમે એટલાં ખુશ થઈ ગયાં કે સિંહોને ભૂલીને નાચવાં-કૂદવાં લાગ્યાં હતાં.”
તેઓ જેટલો સામાન પૅક કરી શકે તેમ હતાં એ બધો પૅક કર્યો અને ગ્રાસલેન્ડ્સ સફારી હોટલ જવા નીકળી પડ્યાં.
“અમે ટ્રેક્ટર મારફત પહોંચ્યાં ત્યારે એક માણસ બાલાક્લાવા લઈને બહાર આવ્યો હતો, કારણ કે ત્યાં બહુ જ ઠંડી હતી.”
“અમે તેને સળગતી મોટરકાર, સિંહો વિશે સ્વીડિશ અને અંગ્રેજી ભાષામાં કહેવાનું શરૂ કર્યું ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયો હતો. મને લાગે છે કે અમારામાંથી સ્ટ્રોબરી જેવી ગંધ નહીં આવતી હોય.”
દિવસો સુધી રણમાં ભટકવા બાદ અને સિંહોએ કરેલા પીછા બાદ હેલેન અને જેની સલામત હતાં.
તેમનું ધ્યાન રાખવામાં આવ્યું હતું અને આખરે તેઓ પોલીસને, દૂતાવાસને તથા પોતપોતાના ઘરે ફોન કરી શક્યાં હતાં.
આ સખીઓ આટલાં વર્ષો પછી પણ પોતાના જીવંત રહેવાનું શ્રેય એકમેકને આપે છે.
જેની કહે છે, “બે જેની હોત તો બન્ને મરી ગઈ હોત કે બે હેલેન હોત તો પણ અમે મરી ગયાં હોત. અમે બચી ગયાં, કારણ કે અમે બહુ અલગ છીએ અને તે એકદમ પરફેક્ટ સંયોજન છે.”
“અમને એકબીજાની સતત જરૂર હતી. જેની વિના હું આજે અહીં ન હોત અને મને નથી લાગતું કે મારાં વિના જેની પણ અહીં હોત.”












