1800 વાંદરા પર થતો અભ્યાસ માણસ માટે કેમ મહત્ત્વનો છે?

મંકી આઇલેન્ડ

ઇમેજ સ્રોત, RONALD AVILA-CLAUDIO

    • લેેખક, રોનાલ્ડ અવીલા-કલાઉડિયો
    • પદ, પ્યુર્ટો રિકોના વિશેષ બીબીસી સંવાદદાતા

સપ્ટેમ્બરનો એક ખૂબ જ ગરમ દિવસ હતો. અમે 12 લોકો એક નાનકડી હોડી પર મુસાફરી કરી રહ્યા હતા જે ધીમેધીમે અને મુશ્કેલીથી આગળ વધી રહી છે. કાંઠાની નજીક પહોંચતાં જ અમને એક ડઝન કરતાં વધુ વાંદરા દેખાયા.

તેઓ અમને જુએ છે, ખારા પાણીનો સ્પર્શ કરે છે અને ચીસો પાડે છે.

તેઓ એશિયામાં વાંદરાની જાણીતી પ્રજાતિમાંની એક રીસસ મેકાક્સ પ્રજાતિના છે.

જોકે, અમારી મુલાકાત તેના પ્રાકૃતિક નિવાસસ્થાનથી હજારો કિલોમીટર દૂર અને પોર્ટો રિકોના પૂર્વમાં આવેલા એક નાનકડા ટાપુ કેયો સેન્ટિયાગો પર થઈ હતી.

વાંદરા આ ટાપુની 15 હૅક્ટર જમીન પર ચાલતી પ્રયોગશાળામાં રમે છે, લડે છે અને પ્રજનન કરે છે. જ્યારે હાર્વર્ડ, કોલંબિયા અને ઇમ્પિરિયલ કૉલેજ લંડન જેવી મહત્ત્વપૂર્ણ સંસ્થાના વૈજ્ઞાનિકો તેમનો અભ્યાસ કરે છે.

કેયો સેન્ટિયાગોમાં થતું સંશોધન મુખ્યત્વે તેમના વર્તન પર કેન્દ્રિત છે. તે એક વિશાળ પ્રાણી મનોવિજ્ઞાન પ્રયોગશાળાની જેમ કામ કરે છે.

માનવીય સંબંધો, જળવાયુ પરિવર્તનનો સામનો કરવાની ક્ષમતા, ઓટિઝમ અને સમલૈંગિકતા જેવા વિવિધ વિષયો પર ત્યાં અભ્યાસ હાથ ધરવામાં આવ્યો છે.

ઉત્ક્રાંતિવાદ અનુસાર વાંદરા આપણા સૌથી નજીકના સંબંધી છે અને આપણે ઘણી લાક્ષણિકતા તેમને મળતી આવે છે. નિષ્ણાતોના મતે તેમનો અભ્યાસ કરવાથી મનુષ્યોની ઘણી ક્રિયા પાછળનાં કારણો જાણી શકાય છે.

મનુષ્યો માટે વાડો

મંકી આઇલેન્ડ

ઇમેજ સ્રોત, RONALD AVILA-CLAUDIO

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ મેદાનના રક્ષણ માટે સ્થાનિક કાયદા અનુસાર કર્મચારીઓની પરવાનગી વગર કોઈ પણ વ્યક્તિનો પ્રવેશ પ્રતિબંધિત છે.

એટલા માટે અમે કેરેબિયન પ્રાઇમેટ રિસર્ચ સેન્ટર (સીપીઆરસી)ના સંશોધકો અને સંભાળ રાખનારા લોકોના એક જૂથ સાથે પ્રવાસ કર્યો, જેમને યુએસ નેશનલ સાયન્સ ફાઉન્ડેશન અને પોર્ટો રિકોની યુનિવર્સિટીના અનુદાન દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલું છે.

મેદાન પર પહોંચતાની સાથે જ અમે અમારાં પગરખાં ગુલાબી પ્રવાહીથી જંતુમુક્ત કર્યાં અને એ સ્થળે રહેલાં બંધ માળખાં તરફ આગળ વધ્યા.

ત્યાં કાર્યરત ટીમ પોતાનો સામાન ઍલ્યુમિનિયમના એક ડાઇનિંગ રૂમમાં છોડીને પોતાના દિવસની શરૂઆત કરે છે. તેઓ વાંદરા સામે પોતાના રક્ષણ માટે પૂરી તકેદારી રાખે છે, કારણ કે વાંદરા એવા વાઇરસનું વહન કરે છે જે તેમને તો નુકસાન નથી કરતો, પરંતુ માનવી માટે તે ઘાતક સાબિત થઈ શકે છે.

સીપીઆરસી સંશોધનના સંયોજક અને બાયોઍન્થ્રૉપૉલૉજિસ્ટ એન્જેલિના રુઇઝ લેમ્બાઇડ્સ અમને કહે છે, "કેયો સેન્ટિયાગોમાં આ વાડા મનુષ્યો માટે છે, વાંદરા માટે નહીં."

આસપાસ થોડાં તાડનાં વૃક્ષો, કેટલીક ઝાડી અને ખડકો છે. છ વર્ષ પહેલાં મારિયા વાવાઝોડા દ્વારા અસરગ્રસ્ત વૃક્ષો પર હજુ પણ ઓછાં પાંદડાં છે.

વાંદરા ડાળી પર બેસીને અમને જોઈ રહ્યા હતા. અમે અમારી મુલાકાતમાં જે જોયું એ વિશ્વના મોટા ભાગના લોકો તે ક્યારેય નહીં જોઈ શકે.

વાંદરાની મુસાફરી

મંકી આઇલેન્ડ

ઇમેજ સ્રોત, UNIVERSITY OF PENNSYLVANIA ARCHIVES

2017માં આવેલા મારિયા વાવાઝોડાને લીધે કેયો સેન્ટિયાગો એક નાનો ટાપુ નથી રહ્યો.

હવે તે બે ટાપુનો બનેલો છે, જે બંને અગાઉ એક સાંકડી જમીનની પટ્ટી મારફતે જોડાયેલો હતો, જે વાતાવરણીય બદલાવને કારણે થયેલા પાણીના સ્તરના વધારામાં અદૃશ્ય થઈ ગઈ.

વૈજ્ઞાનિકો ઉત્તરપૂર્વમાં સ્થિત ટાપુને કેયો પેકેનો કહે છે. તે ટાપુ પર વધુ વનસ્પતિ છે અને તે તરતા બ્રિજ દ્વારા બાકીની જમીન સાથે જોડાયેલો છે.

રુઇઝ લેમ્બાઇડ્સે બીબીસીને કહ્યું કે અહીં પ્રયોગશાળાની શરૂઆત 1938માં થઈ હતી. આ વાંદરાના પૂર્વજોને 1938માં ભારતથી લવાયા હતા.

આ પ્રયોગશાળાની સ્થાપના પ્રાઇમેટોલૉજિસ્ટ કલૅરેન્સ કાર્પેટરે કરી હતી અને તેમને વાંદરાના પહેલા સમૂહ માટે ભારતનો પ્રવાસ કર્યો હતો. તેઓ પ્રાણીઓની વર્તણૂકના અભ્યાસમાં અગ્રણી હતા. તેમણે સેન્ટ જ્હૉન્સ સ્કૂલ ઑફ ટ્રોપિકલ મેડિસિન માટે કામ કર્યું હતું.

કાર્પેટરને કોલંબિયા યુનિવર્સિટી તરફથી આ પ્રયોગો માટે અનુદાન મળ્યું હતું, જેના થકી તેઓ 400 મેકાક્સ પ્રજાતિના વાંદરા ખરીદી તેને એક હોડીની મદદથી 14,000 માઈલ દૂર લઈ આવ્યા.

તેના આગમન પર કેયોના સૌથી નિકટના પાડોશી પુન્ટા સેન્ટિયાગોમાં ભય ફેલાયો.

પુન્ટા સેન્ટિયાગોના રહેવાસીઓમાં અફવા ફેલાવા લાગેલી કે આ વાંદરા રક્તપિત્ત અને પોલિયોથી સંક્રમિત છે.

યુએસ નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિન અનુસાર શાળા અને સરકારી અધિકારીઓએ ટાઉનહૉલમાં એક મિટિંગનું આયોજન કરીને આ અફવાને દૂર કરી અને સ્થાનિક રહેવાસીઓને જાણાવ્યું કે આ કૉલોનીનો મુખ્ય હેતુ સ્વસ્થ વાંદરાને જન્મ આપવાનો છે.

આ કૉલોનીમાં વર્ષોથી 14,000થી વધારે વાંદરા રહ્યા છે અને પ્રથમ સમૂહમાં આવેલા વાંદરાના વંશજોની સંખ્યા અત્યારે 1,800 જેટલી છે.

અભ્યાસની સરળતા માટે વાંદરાને 12 જૂથમાં વહેંચવામાં આવ્યા છે.

કેયો સેન્ટિયાગોમાં કઈ બાબતનું વિશ્લેષણ કરાય છે?

મંકી આઇલેન્ડ

ઇમેજ સ્રોત, JOSE MARIA RODERO

'મંકી આઇલૅન્ડ' પર દાયકાથી એકત્રિત કરવામાં આવેલા ડેટાની તુલના અભ્યાસ કરવામાં મદદરૂપ થાય છે.

નિષ્ણાતો આ ડેટા થકી વાંદરાને મળતા પોષણની માહિતી, વસ્તીવિષયક માહિતી અને તેને થતા રોગોનું નિરીક્ષણ કરે છે.

આ ઉપરાંત તેઓ એ પણ નિરીક્ષણ કરે છે કે કયો વાંદરો ઝઘડો કરે છે, કયા વાંદરા એકબીજાની મદદ કરીને કૉલોનીમાં તાકતવર બને છે.

કેટલીક વાર આ આનુવંશિક માહિતી માટે વાંદરાનું રક્ત પરીક્ષણ વર્ષના ચોક્કસ સમયે કરવામાં આવે છે.

આ ઉપરાંત અમુક પ્રાણીઓને અમેરિકાની પ્રયોગશાળાઓમાં મોકલવામાં આવે છે.

આ પ્રાણીઓના મૃત્યુ પછી તેમના મૃતદેહને યુનિવર્સિટી ઑફ પ્યુર્ટો રિકોના મેડિકલ સાયન્સ કૅમ્પસમાં લઈ જવામાં આવે છે, જ્યાં નેક્રોપ્સી કરવામાં આવે છે.

તેમનાં હાડકાંને સાચવી રાખવામાં આવે છે અને તેનો પણ અભ્યાસ કરવામાં આવે છે.

રુઇઝ લેમ્બાઇડ્સ સમજાવે છે કે કેયો સેન્ટિયાગોના વાંદરાએ કોવિડ-19થી બચવા માટે બનતી રસીનાં સંશોધનો અને પોલિયોની રસીનાં સંશોધનોમાં પણ યોગદાન આપ્યું છે. ઉપરાંત અમુક વાંદરાઓ જે અહીં કેદમાં રહે છે તેમનો ઉપયોગ ડેન્ગ્યુ અને ઝીકા વાઇરસના અભ્યાસ માટે કરવામાં આવ્યો હતો.

આ કેન્દ્રની કેટલીક પ્રથાઓ અને પ્રયોગોની 'પેટા' દ્વારા ટીકા કરવામાં આવી છે. પેટા સંસ્થા પ્રાણીઓની સુરક્ષા માટે અંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરે છે.

સંસ્થા આરોપ મૂકે છે કે વાંદરાની આ પ્રજાતિ પર શરૂઆતમાં પરીક્ષણ કરાયેલી છ એચઆઇવી રસીઓ (જેનો ટ્રાયલના ભાગરૂપે મનુષ્ય પર પણ પ્રયોગ કરવામાં આવ્યો હતો) બિનઅસરકારક સાબિત થઈ હતી.

પેટાએ પ્રયોગો માટે વાંદરાના વેચાણની પણ નિંદા કરી છે. સંસ્થા દાવો કરે છે કે તાજેતરનાં વર્ષોમાં પ્રયોગો માટે વાંદરાના વેચાણમાં વધારો થયો છે.

સંસ્થાએ પોતાના લેખિત નિવેદનમાં જણાવ્યું, “આ વાંદરા અને તેનાં બચ્ચાંને અમેરિકામાં પ્રયોગો માટે વેચવામાં આવે છે. આ એકમાર્ગીય બાબત છે, પ્રયોગશાળાના પ્રયોગો માટે વેચવામાં આવેલા વાંદરાઓમાંથી એક પણ આ ટાપુ પર પરત ફરતો નથી.”

જોકે સીપીઆરસીએ પોતાના બચાવમાં એક લિખિત નિવેદનમાં કહ્યું છે કે અમારી કામગીરી અમેરિકાના કાયદાઓ અને નિયમોને અધીન જ છે.

નિવેદનમાં કહ્યું છે કે તબીબી વિજ્ઞાનમાં જરૂરી પ્રગતિને સમર્થન આપવા માટે અમે નૈતિક ધોરણોને પ્રાથમિકતા આપી છીએ. અમે આવશ્યક સંશોધન પ્રયાસોને સમર્થન આપવાની સાથે-સાથે પ્રાઇમેટ્સની સુખાકારી અને સામાજિક માળખાને સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ.

રુઇઝ લેમ્બાઇડ્સ પોતાનો પક્ષ રાખતા કહે છે કે કેયો સેન્ટિયાગોમાંથી હજારો સંશોધનને લગતી રજૂઆતો થાય છે. તેઓ ભારપૂર્વક કહે છે કે કેયો સેન્ટિયાગોની વાનર વસાહત માત્ર વૈજ્ઞાનિક સમુદાય માટે જ નહીં, પણ માનવતા માટે પણ મહત્ત્વપૂર્ણ છે.

વાંદરા પરનાં સંશોધનનાં તારણો

બ્રિટનની યુનિવર્સિટી ઑફ ઍૅક્સેટર ખાતે પ્રાણીઓના વર્તનના પ્રોફેસર લૉરેન બ્રૅન્ટે બીબીસી મુંડોને સમજાવ્યું કે શા માટે તેઓ માને છે કે મંકી આઇલૅન્ડ એ પ્રાણીઓ પર સામાજિક જીવનની અસર જેવા વિષયોનો અભ્યાસ કરવા માટે "એક મહત્ત્વપૂર્ણ સાધન છે".

તેમણે જણાવ્યું, “ઘણાં સ્ટેશનો જ્યાં વૈજ્ઞાનિકો આ પ્રકારના પ્રશ્નોની તપાસ કરે છે, તે સમાન સ્તરની ઊંડાઈ અને એટલા જ ડેટા સાથે કરી શકાતું નથી જે અમારી પાસે કેયો સેન્ટિયાગોમાં છે, કારણ કે આ સ્ટેશન દશકોથી કાર્યરત્ છે.”

બ્રૅન્ટ જણાવે છે કે કેયો સેન્ટિયાગોના અભ્યાસોને કારણે અનેક તારણો મળ્યાં છે, જેમ કે સામાજિક રીતે વધુ સારી રીતે જોડાયેલા વાનરનું આયુષ્ય લાંબું હોય છે. અમને આવાં જ તારણો અન્ય પ્રાણીઓ અને માનવો માટે પણ મળ્યાં છે.

તેમણે નોંધ્યું કે સામાજિક રીતે જોડાયેલા લોકોમાં કાર્ડિયોવેસ્ક્યુલર રોગોનું જોખમ ઓછું હોય છે અને તેઓ સામાજિક રીતે અલગ પડેલા લોકોની સરખામણીમાં લાંબું જીવે છે.

આ ઉપરાંત ટેક્સાસ એ ઍન્ડ એમ યુનિવર્સિટીના અધ્યાપક અને પેલિયોન્ટોલૉજિસ્ટ ચિયાન વાંગે કરેલા વાંદરાના એક જૂથનાં હાડકાંનું પૃથક્કરણ કર્યું જેની 1960માં નસબંધી કરવામાં આવી હતી અને ફરીથી વસાહતમાં સમાવિષ્ટ થયા હતા.

તેમના અવશેષો દર્શાવે છે કે તેમને મોઢાને લગતા ગંભીર રોગો હતા, તેથી વાંગ ટેસ્ટોસ્ટેરોનના ઉત્પાદન અને મૌખિક સ્વાસ્થ્ય વચ્ચે સંબંધ સ્થાપિત કરવામાં સક્ષમ થયા હતા.

નિષ્ણાતે બીબીસી મુન્ડો સાથેની વાતચીતમાં જણાવ્યું, “સૌથી મહત્ત્વની બાબત એ છે કે તેઓ એક જ ટાપુ પર રહેતી શુદ્ધ વસાહત છે, એટલું જ નહીં પણ આપણી પાસે વસાહતમાં રહેતા દરેક વાંદરા વિશે માહિતી પણ છે.”

તેમણે નોંધ્યું કે આ ડેટાથી તેમને જણાયું કે વાંદરાનું શરીર નાનું અને પાતળું બનતું રહ્યું છે, જેથી તેઓ કેરેબિયનના ઉષ્ણકટિબંધીય વાતાવરણને અનુરૂપ રહી શકે.

વાંગ કહે છે કે માનવી અને રીસસ મેકાક પ્રજાતિના વાનરો ખૂબ જ સમાન છે. તેના હાડપિંજરનું માળખું સમાન છે. ઉપરાંત તેની વૃદ્ધિ અને વૃદ્ધાવસ્થાની પેટર્ન પણ એકબીજાને ઘણી મળતી આવે છે.

ઉત્ક્રાંતિ જીવવિજ્ઞાનના નિષ્ણાત અને એરિઝોના યુનિવર્સિટીના અધ્યાપક નોહ સ્નાઇડર-મૅકલર કહે છે, “ડીએનએ ક્રમની દૃષ્ટિએ માનવી અને રીસસ મેકાક પ્રજાતિના વાનરોમાં 95 ટકા સામ્ય છે.”

માનવી અને રીસસ મેકાક પ્રજાતિના વાનરોના અવયવો અને મગજની રચના પણ સમાન છે. કેયો સેન્ટિયાગોના સંશોધકની વિગતો દર્શાવે છે કે માનવી અને વાનરોની આ પ્રજાતિની વર્તણૂકોમાં પણ સમાનતા છે.

“તે પસંદગીના ભાગીદારો સાથે સામાજિક સંબંધો સ્થાપિત કરે છે, જેને આપણે મૈત્રી ગણી શકીએ. તેની પાસે પણ યાદશક્તિ અને યાદો છે," એમ તેઓ કહે છે.

તેથી જ વાનરોની આ પ્રજાતિ મનુષ્યને સમજવા માટે કરવામાં આવતા પ્રયોગો માટે આદર્શ છે.

ફિલ્ડ વર્ક

મંકી આઇલેન્ડ

ઇમેજ સ્રોત, RONALD AVILA-CLAUDIO

તેત્રીસ વર્ષીય જીવવિજ્ઞાની હોસ્વે નેગ્રાન ડે વાલે દર અઠવાડિયે કેયો સેન્ટિયાગો પર 105 મકાક વાંદરાની વર્તણૂકનું અવલોકન કરે છે.

તેઓ પહાડ પર ઊભા રહી એક વાંદરા તરફ ઈશારો કરે છે અને કહે છે કે તે 'પ્રિન્સ' છે, જે બીજા વાંદરાને પકડી રહ્યો છે.

વન્ય જીવોના સંચાલનના નિષ્ણાત એક ગોળાકાર ટોપી, ચશ્માં અને લાંબું પૅન્ટ પહેરે છે. આ રીતે તે હર્પીસ બી વાઇરસથી સુરક્ષિત છે જે મકાક વાંદરાનાં પેશાબ, મળ અથવા તેના કરડવાથી ફેલાય છે. જો વાઇરસ તમારામાં મ્યુકોસ મેમ્બ્રેનમાંથી અથવા ખુલ્લા ઘા દ્વારા પ્રવેશે તો ચેપ લાગી શકે છે.

તેઓ જે વાંદરાનો ઉલ્લેખ કરે છે તે એક યુવા વાંદરો છે, જેના પિતા મોત પહેલાં તે જૂથના નેતા હતા. જોશુઆ માને છે કે 'પ્રિન્સ' પોતાના જૂથનો નવો નેતા બનવા માટે કોશિશ કરી રહ્યો છે.

તેમણે ઉમેર્યું, “તમે જ્યારે પહેલી વખત આવો ત્યારે દરેક વાંદરા સરખા લાગે છે. જોકે જેમ-જેમ તમે વધારે સમય પસાર કરતા જશો તેમ તમને તેના ચહેરા, તે કેવી રીતે વાત કરે છે તેના વિશે જાણવા લાગો છો.”

અમે જ્યાં ઊભા છીએ તે ક્ષેત્રની મધ્યમાં એક વિશાળ ફીડર છે જેને તેઓ મંકી ચાઉ કહે છે. આ વાંદરાની સંભાળ રાખનારા લોકો પ્રાઇમેટ માટે તૈયાર કરાયેલા ખોરાક દરરોજ મંકી ચાઉમાં પીરસે છે.

સેંકડો વાંદરા પોતાના હિસ્સાનો ખોરાક લેવા માટે રાહ જુએ છે, દરમિયાન તે ભાગે છે, ચીસો પાડે છે અને ખોરાક મેળવવા ખૂણાઓમાં ઝૂકે છે. હૉસ્વે આ બધી વિગતો પોતાના ટેબ્લેટમાં નોંધે છે.

તેઓ સમજાવે છે કે આ એક પડકાર છે, કારણ કે તમે જ્યારે બે સેકન્ડ માટે ટેબ્લેટ પર નોંધ લેવા માટે તમારું ધ્યાન હટાવો કે એટલા સમયમાં તે વાંદરા ગાયબ થઈ જાય છે, કેમ કે તે જથ્થામાં ચાલે છે.

હોસ્વેને કેયો સેન્ટિયાગોમાં દસ વર્ષ વિતાવ્યાં પછી પ્રાણીઓએ તેમને સ્વીકારી લીધા છે, જે તેમના કામને સરળ બનાવે છે. વાંદરા તેમનાથી ડરતા નથી અને જાણે કે તેઓ ત્યાં ન હોય તેવું વર્તન કરે છે.

તેઓ સમજાવે છે કે અગાઉ તેમને અનેક તકલીફો હતી. એક વાંદરી ચીસો પાડવા લાગી ત્યારે હું મૂંઝાઈ ગયો હતો, કેમ કે તેનું બચ્ચું એકલું હતું. ત્રણ વાંદરાએ મને ઘેરી લીધો, એક કૂદીને મારી કમરને વળગી ગયો.

વાવાઝોડાનું રહસ્ય

મંકી આઇલેન્ડ

ઇમેજ સ્રોત, JOSE MARIA RODERO

સીપીઆરસી સંશોધનનાં સંયોજક રુઇઝ લેમ્બાઇડ્સ વાવાઝોડા 'મારિયા'ની મંકી કૉલોની પર અસરની વાત કરે છે.

તેમનો આઘાત અન્ય પોર્ટો રિકોના રહેવાસીઓની જેમ હજુ પણ તાજો છે. તેમને આગાહીની જાણ હતી કે મારિયા વાવાઝોડું કેયો સેન્ટિયાગોની ખૂબ નજીક (પૂર્વ)થી પ્રવેશ કરશે.

તેમને સૌથી મોટી બીક એ હતી કે 80 વર્ષથી ચાલી રહેલું કામ બરબાદ થઈ જશે.

તેઓ આંસુ સાથે કહે છે, "અમે પ્રતીકાત્મક રીતે ગુડબાય કહ્યું, અમે કેયોને ગુડબાય કહ્યું."

તેમનું સૌથી ખરાબ પૂર્વાનુમાન સાચું પડ્યું. પોર્ટો રિકોનો નાશ થયો હતો અને મંકી આઇલૅન્ડ પણ અપવાદ ન હતો.

બાંધકામો કાટમાળ બની ગયાં. વૃક્ષો નાશ પામ્યાં હતાં, વાંદરાના ફીડર અને પાણી એકત્ર કરવાની વ્યવસ્થા બિનઉપયોગી બની ગઈ હતી.

"અમે વાંદરા શોધવા અને તેમને જીવિત જોવા માટે ઉડાન ભરી પણ અમે જોઈ શક્યા નહીં."

અવિશ્વાસના સ્વરમાં તેઓ કહે છે કે જ્યારે હું જમીન પર ઊતરી ત્યારે સેંકડો વાંદરા હતા. તેઓ પોર્ટો રિકોના તાજેતરના ઇતિહાસમાં સૌથી ભયંકર વાવાઝોડાથી બચી ગયા હતા.

અધ્યાપક બ્રેન્ટના મતે માત્ર 50 વાંદરા મૃત્યુ પામ્યા હતા. નિષ્ણાતોમાંથી કોઈને ખાતરીપૂર્વક ખબર નથી કે તે કેવી રીતે બન્યું.

હોસ્વે નેગ્રાન ડે વાલે ફિલ્ડમાં આ વાંદરાનું નિરીક્ષણ કરે છે, તેમની પાસે એક થિયરી છે.

તેમણે ડેટા એકત્ર કરતી વખતે એક બપોરે ઢોળાવવાળા ભૂપ્રદેશ પર વાંદરાઓનું અસામાન્ય વર્તન જોયું.

તેઓ કહે છે, “તે દિવસે હવામાન વાદળછાયું હતું, પવન ફૂંકાવા લાગ્યો અને પાંદડાંનો અવાજ ખૂબ જોરથી સંભળાતો હતો. મેં જોયું કે વાંદરાઓ ચોક્કસ વર્તણૂક કરવા લાગ્યા. હું જે જૂથનું અવલોકન કરતો હતો તેણે પણ તેવું કર્યું, પછી બધાં જૂથોએ કર્યું, જાણે કે તેઓ એકબીજાને ચેતવણી આપતા હોય."

“ચારેબાજુથી વાંદરાઓ લગભગ 30 સેકન્ડમાં આવવા લાગ્યા. તેઓ બધા ટાપુના ચોક્કસ ભાગમાં ગયા પછી ભલે તેઓ ગમે તે જૂથમાંથી હોય. આપણે માની શકીએ કે આ રીતે તેમણે પોતાનું રક્ષણ કર્યું. ચેતવણીનો કૉલ આપવો અને પવનની દિશા પ્રમાણે આગળ વધવું.”

વૈજ્ઞાનિકોએ વાવાઝોડાને લીધે વાંદરાના વર્તનમાં ફેરફાર જોયા છે. તેમણે નિરીક્ષણ કર્યું કે તેઓ એકબીજાના વધુ સહાયક બન્યા છે. તે પહેલાં અલગ રહેતા, હવે એક સાથે રહે છે. જો તમે ઉષ્ણકટિબંધીય અને ભાગ્યે જ કોઈ વૃક્ષો ધરાવતા ટાપુ પર રહેતા હોવ તો તે એક મહત્ત્વપૂર્ણ સ્રોત છે.

તેમણે એ પણ શોધી કાઢ્યું કે વાવાઝોડા 'મારિયા'નો અનુભવ કરનાર વાંદરાનું જૂથ વૃદ્ધત્વનાં લક્ષણોને વેગ આપે છે.

હોસ્વે સમજાવે છે કે નિરીક્ષણ કરતા એવું જાણવા મળ્યું હતું કે વાવાઝોડાના આઘાતમાંથી પસાર થયેલા વાંદરાઓ હોર્મોનની દૃષ્ટિએ પોતાની જાતને અન્ય કરતાં બે વર્ષ મોટી હોવાનું દર્શાવે છે.

માનવતા આબોહવા સંકટની અસરોનો સામનો કરી રહી છે ત્યારે ડેટા મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

હોસ્વે કહે છે કે સંશોધનો દર્શાવે છે કે અન્ય પ્રજાતિનું અવલોકન કરીને માનવી વિશે કેટલું જાણી શકાય છે.

તેઓ જણાવે છે, "હું તેમની સાથે જેટલો વધુ સમય પસાર કરું છું, તેમ મને ખાતરી થાય છે કે આપણે વિચારીએ છીએ તેના કરતાં વધુ એકસરખા છીએ."

“તેમનું અને આપણું વર્તન એકદમ સરખું છે."

તેઓ બોલે છે ત્યારે વાંદરાનો અવાજ પૃષ્ઠભૂમિમાં સંભળાઈ રહ્યો છે.