વડોદરા : 'અધિકારીઓ પ્રજાનાં કામ નથી કરતા' ભાજપના જ પાંચ ધારાસભ્યોએ CMને ફરિયાદ કેમ કરી?

ઇમેજ સ્રોત, Facebook
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
મધ્ય ગુજરાતમાં ભાજપમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી ચાલી રહેલી ખેંચતાણમાં વધુ એક પ્રકરણ ઉમેરાયું છે. તાજેતરમાં વડોદરાના ભાજપના 5 ધારાસભ્યોએ મુખ્ય મંત્રીને પત્ર લખીને એવી ફરિયાદ કરી છે કે અધિકારીઓ તેમનું સાંભળતા નથી.
આગામી સમયમાં મહાનગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે આ 'મિનિ વિધાનસભા'ની ચૂંટણીઓ પહેલાં ભાજપમાં આ પ્રકારે ઊઠેલા અવાજને રાજકીય પંડિતો ભૂતકાળની ઘટનાઓ સાથે જોડીને એક નિશ્ચિત 'પૅટર્ન' તરીકે જુએ છે.
શું છે સમગ્ર મામલો?

ઇમેજ સ્રોત, Bhargav Parikh
તાજેતરમાં વડોદરા જિલ્લાના પાંચ ધારાસભ્યોએ ગુજરાતના મુખ્ય મંત્રીને એક સંયુક્ત પત્ર લખ્યો હતો, જેમાં સરકારી અધિકારીઓની કામગીરી સામે સવાલો ઉઠાવી ફરિયાદ કરવામાં આવી છે.
પત્રમાં જણાવ્યા અનુસાર, "સામાન્ય વ્યક્તિ માટે પોતાની સમસ્યાના નિરાકરણ માટે સરકારી કચેરીમાં જવું એ યુદ્ધ સમાન છે. કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને પોલીસ અધિક્ષક સહિતના અધિકારીઓ મનસ્વી રીતે વર્તે છે."
પત્રમાં વધુમાં આક્ષેપ કરાયો છે કે, "સરકારી અધિકારીઓ પ્રજાનાં કામ કરતા નથી, પરંતુ સરકાર સમક્ષ 'ગુલાબી ચિત્ર' રજૂ કરે છે. આ અધિકારીઓ લોકપ્રતિનિધિઓ કે ધારાસભ્યોએ સૂચવેલાં કામો હાથ ધરતા નથી. જો જનતા ધારાસભ્યની ભલામણ લઈને જાય, તો 'તમે સરકારી અધિકારીઓ પર રાજકીય દબાણ કેમ લાવો છો?' તેમ કહીને તેમને ધમકાવવામાં આવે છે."
આ પત્ર લખનારા 5 ધારાસભ્યોમાં ડભોઈના શૈલેષ મહેતા (સોટ્ટા), વાઘોડિયાના ધર્મેન્દ્રસિંહ વાઘેલા, સાવલીના કેતન ઇનામદાર, કરજણના અક્ષય પટેલ અને પાદરાના ચૈતન્યસિંહ ઝાલાનો સમાવેશ થાય છે.
પત્ર લખનાર ધારાસભ્યોનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, KETAN INAMDAR FACEBOOK
પાદરા બેઠકના જનપ્રતિનિધિ ચૈતન્યસિંહ ઝાલાએ આ મુદ્દે જણાવ્યું હતું કે, "અમારી મુખ્ય સમસ્યા એ છે કે અધિકારીઓ સામાન્ય લોકોને યોગ્ય જવાબ આપતા નથી. તેઓ ઘણીવાર પોતાની કચેરીમાં સમયસર હાજર હોતા નથી. જ્યારે અમે લોકોની રજૂઆત કરીએ છીએ, ત્યારે પણ તેનો સંતોષકારક ઉકેલ આવતો નથી."
તેમણે ઉમેર્યું કે, મુખ્ય મંત્રી જ્યારે પૂછે ત્યારે અધિકારીઓ વાસ્તવિકતા છુપાવીને બધું બરાબર હોવાનું ચિત્ર રજૂ કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ (સોટ્ટા) જણાવ્યું કે, "8 વર્ષથી ધારાસભ્ય હોવા છતાં અમારી રજૂઆતો પર કાર્યવાહી થતી નથી, જેના કારણે જનતાએ હાલાકી ભોગવવી પડે છે. ચાંદોદના ઘાટ, ત્રિવેણી સંગમ અને નહેરોની મરામત જેવા પ્રશ્નો વણઉકલ્યા છે. અધિકારીઓ મુખ્ય મંત્રીને ગેરમાર્ગે દોરે છે."
'જૂની પૅટર્ન'નો 'નવો ટ્રેન્ડ'
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વરિષ્ઠ રાજકીય વિશ્લેષક વિદ્યુત જોશીએ આ ઘટનાને 'જૂની પૅટર્ન'ના 'નવા ટ્રેન્ડ' તરીકે ઓળખાવી છે.
તેમના મતે, "આ પત્રો દ્વારા સરકાર સામેની 'ઍન્ટિ-ઇન્કમ્બન્સી' (સત્તાવિરોધી લહેર)ને નેતાઓને બદલે અધિકારીઓ તરફ વાળવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ભાજપ જ્યારે પણ વિરોધ જુએ છે ત્યારે 'નો-રિપીટ' થિયરી અપનાવે છે, પરંતુ હવે કદાચ વહીવટી પાંખ પર દોષનો ટોપલો ઢોળીને જનતાની સહાનુભૂતિ મેળવવાની આ નવી વ્યૂહરચના હોઈ શકે છે."
"ભાજપને જ્યારે-જ્યારે ઍન્ટિ-ઇન્કમ્બન્સી જોવા મળે છે, ત્યારે નો-રિપીટને નામે નેતા બદલે છે. વર્ષ 2016માં સત્તાવિરોધી વલણને ખાળવા માટે મુખ્ય મંત્રી બદલ્યા, તો વર્ષ 2021માં આખું જ મંત્રીમંડળ બદલી કાઢ્યું. જેનો તેમને ફાયદો થયો."
વિદ્યુત જોશી ઉમેરે છે, "વર્ષ 2024ની લોકસભા ચૂંટણી બાદ ફરી એક વાર ગુજરાત સરકારમાં ઊથલપાથલ કરી. છતાં ઍન્ટિ-ઇન્કમ્બન્સીમાં કોઈ ફરેફાર નથી થયો, એટલે ભાજપે હાલમાં નવી વ્યૂહરચના અપનાવી હોય તેમ દેખાય છે."
વિદ્યુત જોશી આને માટે અગાઉ પૂર્વ મંત્રી કુમાર કાનાણી, વિરમગામની બેઠક ઉપરથી ધારાસભ્ય હાર્દિક પટેલ તથા ભરૂચની બેઠક ઉપરથી પાર્ટીના સંસદસભ્ય મનસુખ વસાવાએ લખેલા પત્રોની યાદ અપાવે છે.
પત્રકાર પ્રફુલ ત્રિવેદીના મતે, "મિનિ વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં પ્રજાના આક્રોશને પક્ષ પરથી હટાવી અધિકારીઓ તરફ વાળવામાં આવી રહ્યો છે. અગાઉ આવા પત્રો લખનારા સામે કાર્યવાહી થતી હતી, પરંતુ અત્યારે કોઈ પગલાં લેવાઈ રહ્યાં નથી, જે આ રણનીતિનો ભાગ હોવાનું સૂચવે છે."
શું કહે છે ભાજપ?
આ મામલે ગુજરાત સરકારે હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી. બીબીસી ગુજરાતીએ પ્રયાસ કર્યો હોવા છતાં ભાજપના પ્રવક્તા આના વિશે કોઈ પ્રતિક્રિયા આપવાનો ઇન્કાર કર્યો હતો.
બીબીસીએ ગુજરાત ભાજપના યુવા મોરચાના વડા તથા વડોદરાની બેઠક ઉપરથી સંસદસભ્ય હેમાંગ જોશી સાથે વાત કરી હતી.જે પાંચ ધારાસભ્યોએ પત્ર લખ્યો છે, તેમાંથી બે ધારાસભ્યના મતભેત્ર હેમાંગ જોશીના સંસદક્ષેત્ર હેઠળ આવે છે.
વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે, "લોકપ્રતિનિધિઓ અને અધિકારીઓ વચ્ચે સામાન્ય રીતે સારો તાલમેલ હોય છે. સંકલન સમિતિની બેઠકોમાં પ્રશ્નો રજૂ થાય જ છે. હું આ પત્ર અંગે ધારાસભ્યો સાથે ચર્ચા કરીશ."
વડોદરમાં ભાજપના આંતરિક વિખવાદની પૃષ્ઠભૂમિ

ઇમેજ સ્રોત, FB/ RANJAN BHATT
વડોદરામાં આ પ્રકારનો વિખવાદ નવો નથી. 2018માં પણ યોગેશ પટેલ અને મધુ શ્રીવાસ્તવ સહિતના નેતાઓએ સરકાર સામે મોરચો માંડ્યો હતો.
2022 અને 2024ની ચૂંટણીઓ દરમિયાન પણ ટિકિટ ફાળવણી અને કાર્યકરોના અસંતોષને કારણે ભાજપે અનેક ઉતાર-ચઢાવ જોયા છે, જેમાં રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાનો ઇનકાર કરવો પડ્યો તે મુખ્ય ઘટના હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












