મહમદ પયગંબરે મક્કા પર વિજય કઈ રીતે મેળવ્યો અને અહીંથી ઇસ્લામ વિશ્વમાં કઈ રીતે ફેલાયો?

મક્કા અને ઇસ્લામ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ડૉ. અકીલ અબ્બાસ જાફરી
    • પદ, સંશોધક અને ઈતિહાસકાર, કરાચી

ઇસ્લામના ઈતિહાસમાં એવી અનેક ઘટનાઓ છે, જે રમઝાન મહિનામાં આકાર પામી છે.

તેમાં સૌથી મહત્ત્વની ઘટના ફતહ-એ-મક્કા (મક્કા વિજય) છે. એ પછી અરબ દ્વીપકલ્પને એક થવાની તક મળી હતી અને ઇસ્લામ અરબ દ્વીપકલ્પની બહાર ફેલાયો હતો.

ઇસ્લામના પ્રસારમાં મક્કા વિજયે કેવી ભૂમિકા ભજવી હતી એ જાણતા પહેલાં મક્કાના એ મહત્ત્વને જાણી લેવું જરૂરી છે, જે તેને ઇસ્લામ પહેલાં મળ્યું હતું.

ઇસ્લામ પહેલાં અરબ અને મક્કાની હેસિયત

મક્કા અને ઇસ્લામ

ઇમેજ સ્રોત, SEERAT ALBUM, PSO

મક્કા અરબનું કેન્દ્રીય શહેર અને ઇસ્લામી જગતનું ધાર્મિક તથા આધ્યાત્મિક કેન્દ્ર છે.

હોલૅન્ડના વિખ્યાત પ્રાચ્યવિદ ડોઝીએ લખ્યું છે કે મક્કાના ઇતિહાસની શરૂઆત હઝરત દાઉદના જમાનાથી થાય છે.

તેનો ઉલ્લેખ યહૂદીઓના પવિત્ર ગ્રંથ તૌરાત અને ઈંજીલ (બાઇબલ)માં પણ મળે છે.

એ પછી હઝરત ઇબ્રાહિમ (અબ્રાહમ) ઇજિપ્તથી પેલેસ્ટાઈન આવ્યા હતા ત્યારે તેમને મક્કા જવાનો આદેશ મળ્યો હતો. તેઓ તેમનાં પત્ની હઝરત હાજરા અને પુત્ર હઝરત ઇસ્માઈલને લઈને મક્કા પહોંચી ગયા હતા.

મક્કામાં ખાના-એ-કાબાનો પાયો તેમણે જ નાખ્યો હોવાનું કહેવાય છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ખાના-એ-કાબાનું નિર્માણ એક પ્રાચીન ઇમારતના આધારે કરવામાં આવ્યું હતું. એ પ્રાચીન ઇમારત વિશે કહેવાય છે કે તે જમીન પર આકાર પામેલી પહેલી ઇમારતો પૈકીની એક હતી.

જરુરતમંદ લોકો ત્યાં સદીઓથી આવતા હતા અને તેમની ઇચ્છાઓની પૂર્તિ કરકો હતા.

હઝરત ઇબ્રાહિમે તે ઇમારતના પાયા પર ખાના-એ-કાબાનું પુનઃ નિર્માણ કર્યું હતું.

અરબી ખીણના લોકો ખુદને અલ-અરબ અથવા અરબી દ્વીપકલ્પના રહેવાસી તરીકે ઓળખાવતા હતા. તેઓ પોતાને અરબી શા માટે કહેતા હતા તે જાણી શકાયું નથી. જોકે, એ પૈકીના મોટા ભાગના લોકો રણમાં વિચરતા લોકો હતા. તેમને બેદુઈન્સ કહેવાય છે.

ઇસ્લામ પહેલાં સમાજમાં બદ્દૂ બિરાદરીના લોકો અનેક ટોળકીઓ કે જાતિઓમાં વહેંચાયેલા હતા. એ બધાની શાસનવ્યવસ્થા તથા રીત-રિવાજ અલગ-અલગ હતા.

કૅમ્બ્રિજના પુસ્તક ‘ઇસ્લામી ઇતિહાસ’માં જણાવ્યા મુજબ, ઇસ્લામ પહેલાં અહીં નાનાં-નાનાં રજવાડાં હતાં અને અહીં રાજકીય દૃષ્ટિએ સંગઠિત કે સંયુક્ત ક્ષેત્ર ન હતું.

ઇસ્લામના પયગંબર હઝરત મહમદના જન્મ પહેલાંથી જ મક્કા વેપારનું એક મોટું કેન્દ્ર બની ચૂક્યું હતું. કૅમ્બ્રિજના પુસ્તકમાં જણાવ્યા મુજબ, પર્શિયા અને રોમની સલ્તનત લાંબા યુદ્ધને કારણે નબળી પડી રહી હતી ત્યારે મક્કા મજબૂત બની રહ્યું હતું.

મક્કાનું વધુ એક મહત્ત્વ બૈતુલ્લાહ (અલ્લાનું ઘર, કાબા)ને લીધે પણ હતું. કુરૈશ કબીલાના વ્યાપારી કાફલાઓ યમનથી સીરિયા જતા હતા અને વિવિધ દેશોની વિખ્યાત ચીજો લાવીને મક્કામાં વેચતા હતા. અહીં દર વર્ષે મોટો મેળો યોજાતો હતો. તેમાં જરૂરિયાતના સામાન ઉપરાંત ગુલામોનો વેપાર પણ થતો હતો.

કૅમ્બ્રિજના પુસ્તકમાં જણાવ્યા અનુસાર, પવિત્ર ગણાતા મહિનાઓમાં લોકો અહીં ઊમટી પડતા હતા ત્યારે મક્કાનું મહત્ત્વ દર વર્ષે ઊભરી આવતું હતું.

મક્કાના લોકોની મહેમાનગતી વિખ્યાત હતી. તેઓ તેમના મહેમાનોને બૈતુલ્લાહના મહેમાન સમજીને આગતાસ્વાગતા કરતા હતા. મહેમાનો પણ તેમનો આદર કરતા હતા.

મક્કા વિજય પહેલાંની ઘટનાઓ અને હુદૈબિયા

મક્કા અને ઇસ્લામ

ઇમેજ સ્રોત, SEERAT ALBUM, PSO

મદીના હિજરત પછી મક્કાના લોકો મુસલમાનો સામે ત્રણ યુદ્ધ લડ્યા હતા. ઇતિહાસકારોના જણાવ્યા અનુસાર, ઇસ્લામવિરોધી આંદોલનનું કેન્દ્ર પણ મક્કા અને સાથે કુરૈશ બિરાદરીના લોકો પણ હતા.

એ પરિસ્થિતિમાં એક ઝુલકાદા (ઇસ્લામી કેલેન્ડરનો 11મો મહિનો) છઠ્ઠી હિજરી (ઇસવી 628)માં ઇસ્લામના પયગંબર હઝરત મહમદ તેમના સહાબા (સાથીઓ) જોડે ખાના-એ-કાબાની ઝિયારત (દર્શન) તથા ઉમરા (હજનું નાનું સ્વરૂપ) માટે અહરામ (ખાસ કપડું) બાંધીને રવાના થયા હતા. આરબોની એવી પરંપરા હતી કે કોઈ વ્યક્તિ અહરામ બાંધીને મક્કા આવે તો તેને રોકવામાં આવતી ન હતી અને એ રિવાજનું સદીઓથી પાલન થતું હતું.

મક્કાથી નવ માઈલ અગાઉ આવેલું હુદૈબિયા એ સ્થાન છે, જ્યાં પહોંચીને હઝરત મહમદે મક્કાની કુરૈશ બિરાદરીને સંદેશો મોકલ્યો હતો કે 'અમારા અહીં આવવાનો હેતુ અલ્લાના ઘરની ઝિયારત છે. અમે કોઈની સાથે લડવા આવ્યા નથી.'

આ સંદેશો સાંભળીને કુરૈશ બિરાદરીના લોકોએ ઉરવા બિન મસૂદને મુસલમાનો તરફ મોકલ્યા હતા, જેથી તેમને ઉમરા કરતા રોકવાનો પ્રયાસ કરી શકાય. જોકે, ઉરવા બિન મસૂદને તેમાં સફળતા મળી ન હતી.

એ પછી હઝરત ઉસ્માન બિન અફ્ફાનને (ઇસ્લામના ત્રીજા ખલીફા) મક્કાના શ્રીમંતો સાથે વાતચીત માટે રવાના કરવામાં આવ્યા હતા, પરંતુ પહેલાં તેમને કેદ કરવામાં આવ્યાની અને પછી તેમની હત્યાની અફવા ફેલાઈ ત્યારે હઝરત મહમદે પોતાના સાથીઓ જોડે બદલો લેવાની બૈત (પ્રતિજ્ઞા) લીધી હતી. તે બૈત-એ-રિઝવાન નામે વિખ્યાત છે.

આ બૈતની જાણકારી કુરૈશ બિરાદરીને મળી ત્યારે તેમણે સંદેશો મોકલાવ્યો હતો કે હઝરત ઉસ્માન સલામત છે અને તેઓ મુસલમાનોને વચન આપે છે કે તેઓ આ વર્ષે પાછા ચાલ્યા જાય અને આગામી વર્ષે પાછા આવીને ખાના-એ-કાબાની ઝિયારત તથા ઉમરા કરે.

કુરૈશ બિરાદરીના લોકોએ વચન આપ્યું હતું કે મક્કાને ત્રણ દિવસ માટે ખાલી કરી નાખવામાં આવશે, જેથી સંઘર્ષની કોઈ શક્યતા ન રહે. આ પ્રસ્તાવોને લેખિત સ્વરૂપ આપવામાં આવ્યું હતું. તેમાં કેટલીક શરતો પણ સામેલ હતી. તેને સુલહ-હુદૈબિયા અથવા હુદૈબિયા સમજૂતિ નામે યાદ કરવામાં આવે છે. એ સમજૂતિની કેટલીક શરતો દેખીતી રીતે મુસલમાનોની વિરુદ્ધમાં હતી, પરંતુ કુરાનમાં એ સમજૂતિને ફતહ-એ-મુબીન (સ્પષ્ટ વિજય) કહેવામાં આવી છે.

મક્કા વિજય

મક્કા અને ઇસ્લામ

ઇમેજ સ્રોત, Getty Images

હુદૈબિયા સમજૂતિને માંડ એકાદ વર્ષ થયું ત્યાં કેટલીક એવી ઘટનાઓ ઘટી હતી, જેને લીધે કુરૈશ બિરાદરીએ તે કરાર તોડવાની જાહેરાત કરી હતી.

દસ રમઝાન સન આઠ હિજરી (ઇસવી 630)ના દિવસે મહમદ તેમના સાથીઓ જોડે મક્કા માટે રવાના થયા ત્યારે મદીનાથી રવાના થતી વેળાએ તેમની સંખ્યા લગભગ 7,000 હતી. તેમાં પ્રવાસ દરમિયાન કેટલાક અન્ય કબીલાઓના લોકો પણ સામેલ થયા હતા અને કાફલામાં સામેલ લોકોની સંખ્યા 10,000 સુધી પહોંચી ગઈ હતી.

આ મુસલમાનો મક્કા પાસે પહોંચ્યા અને તેમણે મક્કાથી દસ માઇલ દૂર એક જગ્યાએ પડાવ નાખ્યો. આ લોકોના આગમનના સમાચાર મક્કાની કુરૈશ બિરાદરીને મળ્યા ત્યારે તેમના સરદાર અબુ સુફિયાન હઝરત મહમદ પાસે પહોંચ્યા હતા અને ઇસ્લામ કબૂલ કરવાની જાહેરાત કરી હતી.

મુસલમાનો ચારે તરફથી મક્કામાં પ્રવેશ્યા હતા અને આ રીતે મક્કાના લોકો માટે નાસી છૂટવાના માર્ગ બંધ કરી દીધા હતા.

કેટલાક લોકોએ વિરોધ કર્યો ત્યારે લગભગ 33-34 લોકો માર્યા ગયા હતા. બીસ રમજાન (11 જાન્યુઆરી, 630)ના દિવસે હઝરત મહમદ ખાના-એ-કાબા પહોંચી ગયા હતા. ત્યાં મક્કાના લોકોને સંબોધન કરતાં તેમણે કહ્યું હતું, “તમે બધા આઝાદ છો. આજથી તમારી કોઈ પૂછપરછ નહીં કરે. અલ્લા તમને પણ માફી આપે. તે સૌથી વધારે કૃપાળુ છે.”

કુરાનની સૂરા (અધ્યાય) ફતહમાં જે હુદૈબિયાના કરારને સ્પષ્ટ વિજય ગણાવવામાં આવ્યો હતો, તે હવે મળી ગયો હતો.

મક્કા વિજયથી ઇસ્લામનો પ્રસાર કેવી રીતે શક્ય બન્યો?

મક્કા અને ઇસ્લામ

ઇમેજ સ્રોત, Reuters

દાયરા મઆરિફ-એ-ઇસ્લામિયા (ઇસ્લામી એન્સાઇક્લોપીડિયા)માં લખવામાં આવ્યું છે કે મક્કા વિજય પછી લોકોના મનમાંથી કુરૈશનો ભય નીકળી ગયો હતો. ખુદ કુરૈશે ઇસ્લામ સામે સમર્પણ કરી દીધું હોવાથી આરબોનાં મોટા-મોટા જૂથો અને કબીલાઓ પણ મુસલમાન બનવાં લાગ્યાં હતાં.

કૅમ્બ્રિજના ‘ઇસ્લામી ઇતિહાસ’ પુસ્તકમાં જણાવ્યા અનુસાર, મક્કા વિજય અને એ પછી હુનૈન યુદ્ધમાં વિજયનો અર્થ એ હતો કે મુસલમાનોનો વિરોધ કરી શકે એવો કોઈ મજબૂત કબીલો બચ્યો ન હતો. આ રીતે હઝરત મહમદને એ વિસ્તારના સૌથી શક્તિશાળી માર્ગદર્શક હોવાનું સન્માન મળ્યું હતું.

કૅમ્બ્રિજના પુસ્તકમાં જણાવ્યા મુજબ, આરબ લોકો શક્તિનો આદર કરતા હતા. તેથી તેમને ટોળેટોળાં ઇસ્લામ અંગીકાર કરવા લાગ્યાં હતાં.

આ રીતે મક્કા વિજયે અરબ ક્ષેત્રને એક એવો માર્ગદર્શક આપ્યો હતો, જેના નેતૃત્વનો આધાર કબાયલી વફાદારી કે સામાજિક દરજ્જો નહીં, પરંતુ માત્ર ધાર્મિક હતો. એકમેક સાથે લડતા આરબ લડવૈયાઓ હવે એક માર્ગદર્શક અને એક ધર્મના છત્ર તળે રહેતા થયા હતા.

‘ઇસ્લામી ઇતિહાસ’ પુસ્તકમાં જણાવ્યા અનુસાર, આ રીતે એક એવો સમુદાય રચાયો, જેના સભ્યોને લાંબા સમય બાદ શાંતિ મળી હતી અને બીજી તરફ પર્શિયન અને રોમની મજબૂત સલ્તનતો નબળી પડી ગઈ હતી.

પુસ્તકમાં લખ્યું છે કે આરબ લડવૈયાઓની ઊર્જાને અરબ દ્વીપકલ્પની શાંતિનો ભંગ કરતી રોકવા માટે જીતનો સિલસિલો શરૂ થયો હતો. તેણે આરબોના એક સંગઠિત સમુદાયને ઇસ્લામના પ્રસારમાં મદદ કરી હતી.

કૅમ્બ્રિજના પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે કે મક્કા વિજયના બહુ લાંબા સમય પહેલાં હઝરતને અંદાજ આવી ગયો હશે કે એક સમય એવો આવશે જ્યારે આરબ દ્વીપકલ્પમાં બહુ ઓછા બિન-મુસ્લિમો બાકી રહેશે. તેથી ઇસ્લામે આરબ દ્વીપકલ્પમાંથી નીકળીને ઇરાક તથા સીરિયા તરફ પ્રસ્થાન કરવું પડશે. તેના માટે વ્યાપક પ્રમાણમાં વ્યવસ્થા કરવી પડશે અને વહીવટી ક્ષમતા ધરાવતા લોકોની જરૂર પડશે, એનો અંદાજ પણ તેમને આવી ગયો હશે.

‘ઇસ્લામી ઇતિહાસ’માં જણાવ્યા અનુસાર, લાંબો પ્રવાસ કરતા વેપારી કાફલાઓ માટેની વ્યવસ્થા કરવાની આવડત તથા અનુભવ ધરાવતા આવા અનેક લોકો મક્કામાં જ હતા.

કૅમ્બ્રિજના પુસ્તકમાં જણાવ્યા મુજબ, નવસ્થાપિત ઇસ્લામી રાષ્ટ્રના પ્રસારને શક્ય બનાવનાર મોટા ભાગના જનરલો અને વ્યવસ્થાપકોનો સંબંધ હિજાઝ ક્ષેત્રનાં ત્રણ શહેરો સાથે હતો. તેમાં મક્કા, મદીના અને તાએફનો સમાવેશ થાય છે.

આ રીતે મક્કા વિજય પછી એ નવમુસ્લિમો અને તેમનાં સંતાનોમાંથી અનેક વિચારકો, મુજાહિદ, સિપહસાલાર તથા ઉલેમા બન્યા હતા. તેમણે ઇસ્લામનો સંદેશ ચારે બાજુ ફેલાવ્યો હતો અને ઇસ્લામનો ઝંડો ઇરાક, ઈરાન, સીરિયા અને આફ્રિકામાં લહેરાવ્યો હતો.

હઝરત મહમદના દેહાંત પછી મક્કાનો રાજધાની તરીકેનો દરજ્જો જળવાઈ રહ્યો છે. હજને કારણે મક્કા ધાર્મિક, આધ્યાત્મિક અને શૈક્ષણિક કેન્દ્ર બની રહ્યું છે.

બનુ ઉમૈયાના સમયમાં ઇસ્લામી દુનિયાનું કેન્દ્ર મદીનાથી સીરિયાની રાજધાની દમાસ્કસમાં સ્થાનાંતરિત થયું હતું. તેમ છતાં મક્કા અને મદીનાનો કેન્દ્રીય દરજ્જો જળવાઈ રહ્યો હતો. લોકો છેક દૂરદૂરથી પોતાની આધ્યાત્મિક અને શૈક્ષણિક તરસ છિપાવવા ત્યાં આવતા હતા.

મક્કાનો કેન્દ્રીય તથા આધ્યાત્મિક દરજ્જો આજે પણ યથાવત્ છે. આજે પણ દુનિયાનો દરેક મુસલમાન ખાના-એ-કાબા તરફ મોં રાખીને નમાજ પઢે છે.