સૅટેનિક ટૅમ્પલઃ એ શેતાનવાદીઓ જે બાઇબલનાં પાનાં ફાડી નાખે છે અને ક્રૉસને ઊંધો લટકાવે છે

- લેેખક, રેબેકા સીલ્સ
- પદ, બીબીસી ન્યૂઝ, બૉસ્ટન
આ શેતાનવાદીઓનો વિશ્વનો કદાચ સૌથી મોટો મેળાવડો હશે અને તે અમેરિકા ખાતે બૉસ્ટનના હૃદયની જેમ ધબકતા વિસ્તાર આવેલી મેરિયેટ હોટેલમાં યોજાયો હતો.
શેતાની વિધિઓ માટેનો એક અલાયદા ઓરડો મીણબત્તીથી પ્રકાશિત છે. તેમાં આવેલી ચમકતી નિયોન સાઇન લાઇટ બ્લેક ચેપલ ભણી દોરી જાય છે. તેના એક છેડે વેદી છે. તેની સામે ફરસ પર સફેદ પેન્ટાગ્રામ છે.
ખ્રિસ્તી બાળકો અમુક ઉંમરનાં થાય ત્યારે તેમને એક ખાસ વિધિમાં ધાર્મિકસંસ્કાર આપવામાં આવે છે, જેને બૅપ્ટિઝમ કહે છે. આ ઓરડામાં તેનાથી ઊલટી વિધિ કરવામાં આવે છે. એટલે પોતાનું જે બૅપ્ટિઝમ થયું હતું તેને બાળકો અહીં પ્રતીકાત્મક રીતે નકારે છે.
એક શેતાનવાદીએ મને તેમના આ સમારંભમાં હાજર રહેવાની પરવાનગી આપી હતી. તેમણે કહ્યું હતું કે ઓળખ છતી ન થાય એટલે અહીં કોઈનું નામ લેવામાં આવતું નથી.
તેઓ ગળાથી પગ સુધીનો લાંબો હૂડવાળો ડગલો અને ફેસ માસ્ક પહેરે છે. તેમના હાથ દોરડાથી બંધાયેલા હોય છે, ચોક્કસ વિધિ પછી તેમની મુક્તિ થઈ છે એ દર્શાવવા તેને કાઢીને ફેંકી દેવામાં આવે છે.
ખ્રિસ્તી તરીકે તેમને અપાયેલા ધાર્મિક સંસ્કારને ઊલટાવી દેવાના પ્રતીક તરીકે બાઇબલમાંથી કેટલાક પાનાં ફાડી નાખવામાં આવે છે. તેમના માટે આ અનુભવ સ્પષ્ટપણે શક્તિશાળી હોય છે.
પેલા શેતાનવાદીએ કહ્યું હતું કે "સમલૈંગિક બાળક પ્રત્યે ઘૃણા રાખવામાં આવતી હોય છે અને તે ઘૃણાનો નાશ થવો જરૂરી છે. એવી ઘૃણાને કારણે મારી વિચારસરણી પર માઠી અસર થઈ હતી."
"સૅટેનિક ટૅમ્પલ(ટીએસટી)માં આવવાથી મને તર્ક અને સહાનુભૂતિ તરફ વળવામાં ખરેખર મદદ મળી છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સૅટેનિક ટૅમ્પલને અમેરિકન સરકાર દ્વારા એક ધર્મ તરીકે સ્વીકૃતિ આપવામાં આવી છે અને અમેરિકા ઉપરાંત યુરોપ તથા ઑસ્ટ્રેલિયામાં પણ તેના મંત્રીઓ તથા સંગઠનો છે.
એપ્રિલ માસના અંતમાં યોજાયેલા સૅટેનોૉન નામના સંમેલનમાં હાજરી આપવા માટે 830થી વધુ લોકોએ ટિકિટ્સ લીધી હતી.
તેના સભ્યોના જણાવ્યા મુજબ, તેઓ શેતાનમાં કે નરકમાં વાસ્તવિક રીતે માનતા નથી.
શેતાન શબ્દ વાસ્તવમાં અધિકૃતતા સામે સવાલ ઉઠાવવા અને વિજ્ઞાનમાંના ભરોસાને દૃઢ બનાવવાનું એક રૂપક છે. આ મૂલ્યો સાથે સંકળાયેલો સમુદાય તેને ધર્મ બનાવે છે.

શેતાનનાં પ્રતીકોનો ઉપયોગ

ઇમેજ સ્રોત, Reuters
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેઓ લગ્નની ઉજવણી કે નવું નામ અપનાવવા જેવી ધાર્મિક વિધિઓ માટે શેતાનના પ્રતીકોનો ઉપયોગ કરે છે.
તેમાં “શેતાનની જય હો,” એવી બૂમ પાડતી વખતે વેદી પર નિયોન ક્રૉસ ઊંઘો રાખવાનો સમાવેશ થાય છે.
ઘણા ખ્રિસ્તીઓ આ બાબતને ગંભીર ધર્મનિંદા ગણે છે.
સૅટેનિક ટૅમ્પલના એક પ્રવક્તાએ કહ્યું હતું કે "આમાં કંઈ ખોટું નથી. આપણી ઘણી બધી કલ્પનાઓ સ્વાભાવિક રીતે (ધર્મ પ્રત્યે) નિંદાત્મક હોય છે."
તેમણે ઉમેર્યું હતું કે "અમારે ત્યાં એવા ઘણા લોકો છે, જેઓ ઊંધો ક્રૉસ પહેરે છે અને અમારા ઉદ્ઘાટન સમારંભમાં બાઇબલના પાનાં ફાડી નાખવામાં આવે છે જે દમન, ખાસ કરીને એલજીબીટીક્યુ તથા બાયપોક સમુદાયના અને મહિલાઓના તેમજ ધાર્મિક આઘાત સાથે મોટા થયેલા લોકોના દમનનું પ્રતીક છે. અમારા સમુદાયમાં એવા લોકો મોટા પ્રમાણમાં સભ્ય છે."
શેતાનવાદીઓના કહેવા મુજબ, તેઓ ધર્મ પસંદ કરવાના દરેકના અધિકારને આદર આપે છે. તેઓ લોકોને નારાજ કરવાના પ્રયાસ કરતા નથી.
જોકે, હોટેલની બહાર અનેક ખ્રિસ્તી સમુદાયના લોકો દંડની ચેતવણીનાં ચિહ્નો સાથે એકઠા થયા હતા.
એક વ્યક્તિએ કહ્યું હતું કે "પ્રાયશ્ચિત કરો અને ગૉસ્પેલમાં શ્રદ્ધા રાખો." બીજી વ્યક્તિએ કહ્યું હતું કે "શેતાન તમામ એલજીબીટીક્યુ બાળકોનો ખ્યાલ રાખે છે."
રૂઢિચુસ્ત કૅથલિક ખ્રિસ્તી જૂથના વિરોધ પ્રદર્શનકર્તા માઈકલ શિવલરે કહ્યું હતું કે "આ ધર્મનિંદા અમને અસ્વીકાર્ય છે અને શેતાનવાદીઓ માટે કૅથલિકોએ મેદાન મોકળું છોડી દીધું નથી, એ અમે ઇશ્વરને જણાવવા માગીએ છીએ."
સંમેલનમાં આવેલા લોકો પરસાળમાંથી બહાર થતા વિરોધપ્રદર્શનને નિહાળતા હતા ત્યારે એક વ્યક્તિએ કહ્યું હતું કે "વિરોધ પ્રદર્શનકર્તાઓ આપણે માદક દ્રવ્યો ફૂંકતા, હસ્તમૈથુન કરનારા લોકો કહે છે."
બીજી વ્યક્તિએ મજાક કરી હતી કે "ઓહ, ભગવાન મારાથી નારાજ હોય તેવું લાગે છે."

હેલબિલીઝ, શિંગડા અને શેતાની મજા

ઇમેજ સ્રોત, Getty Images
એ સમારંભ માટે હોટેલનો આખો ચોથો માળ ભાડે લેવામાં આવ્યો હતો. તે ગોથિક (કાળા વસ્ત્રો અને મેકઅપ વાપરનાર) વેશમાં આવેલી યુવતીઓ , ભડકાઉ ઝભ્ભા, હાથથી ચિતરેલાં શિંગડાં, શેતાનના ટેટૂઝ અને ઝમકદાર મૂછોવાળા શેતાનવાદીઓથી ભરેલો હતો.
અહીં હાજર મોટાભાગના લોકો માતા-પિતા બનવા જેવડા મોટા હતા અને કેટલાંક તો માતા-પિતા પણ હતાં.
તેમાં શેતાનવાદ તથા સ્વ-આનંદ વિશે ચર્ચા યોજવામાં આવી હતી.
રાજકીય કર્મશીલતા સૅટેનિક ટેમ્પલની ઓળખનો મુખ્ય હિસ્સો છે. તેઓ માને છે કે ધર્મ અને રાજકારણની ભેળસેળ થવી ન જોઈએ.
આ ભેદ જાળવી રાખવા તેઓ અમેરિકાની અદાલતોમાં વારંવાર મુકદ્દમા પણ દાખલ કરે છે. તેમનો મુદ્દો ગંભીર છે, પરંતુ તેઓ આ લડાઈમાં વ્યંગ અને આક્રોશ લાવીને આનંદ માણે છે.
દાખલા તરીકે, ઓકલોહામામાં ટૅન કમાન્ડમેન્ટ્સનું સ્મારક ઊભું કરવામાં આવ્યું ત્યારે તેમણે રાજ્યના પાટનગરમાં શેતાનની આઠ ફૂટની પ્રતિમા મૂકવાની માગણી કરી હતી અને જણાવ્યું હતું કે બંધારણના પ્રથમ સુધારામાં તમામ ધર્મો પ્રત્યે સમાનતા રાખવાની જોગવાઈ કરવામાં આવેલી છે. (લાંબી અદાલતી લડાઈ પછી ટૅન કમાન્ડમેન્ટ્સનું સ્મારક દૂર કરવામાં આવ્યું હતું.)
દરેક મહિલાને તેના શરીર બાબતે સ્વાયતતા હોવી જોઈએ તેવી દલીલ સાથે સૅટેનિક ટૅમ્પલ ગર્ભપાતની છૂટની પણ હિમાયત કરે છે.
આ વર્ષની શરૂઆતમાં તેમણે ન્યૂ મેક્સિકો ખાતે એક ઑનલાઈન ક્લિનિકની શરૂઆત કરી છે. તે ક્લિનિક ગર્ભપાતની ગોળીઓ ટપાલ દ્વારા પૂરી પાડે છે.
તેમણે સગર્ભાવસ્થાનો અંત આણવા ઇચ્છતી મહિલાઓ માટે ગર્ભપાતની વિધિ પણ બનાવી છે.
તેનો હેતુ દિલાસો આપવાનો છે અને તેમાં ગર્ભપાત પહેલાં પ્રતિજ્ઞા કરવામાં આવે છે.
તેઓ ભારપૂર્વક દલીલ કરે છે કે તેમના સંગઠનના સભ્યોને ગર્ભપાત પરના પ્રતિબંધમાંથી ધાર્મિક રીતે મુક્તિ આપવી જોઈએ.
આ તર્કની કૅથોલિક અખબાર નેશનલ કૅથોલિક રજિસ્ટર સહિતનાં અનેક વર્ગોએ ટીકા કરી છે. કૅથોલિક અખબારે આ વિધિને "ધાર્મિક વિધિઓ તથા વિચિત્ર પ્રતીકોની વક્રોક્તિ" ગણાવી હતી.

"શેતાન કોઈ દુષ્ટ વ્યક્તિ નથી, તે ઇચ્છે છે કે તમે ભણો અને સવાલ કરો"

ઇમેજ સ્રોત, EPA-EFE/REX/SHUTTERSTOCK
સમર્થકોથી ભરેલા હૉલમાં ટીએસટીની ઝુંબેશના ડિરેક્ટર્સ તેમના કામની અપડેટ રજૂ કરે છે. તેમની સફળતાને તાળીઓના ગડગડાટ અને શિંગડાં દ્વારા સંકેત આપીને વધાવી લેવામાં આવે છે.
ચર્ચાનું કેન્દ્ર બનેલો એક અન્ય પ્રોજેક્ટ આફટર સ્કૂલ શેતાન ક્લબ્ઝ છે. તેનું સૂત્ર છેઃ “શેતાન સાથે શિક્ષણ. " સૅટેનિક ટેમ્પલ ધર્મને શાળાઓથી દૂર રાખવા ઉપરાંત વિદ્યાર્થીઓને ઉપદેશ આપવા આવતાં જૂથોનો સામનો પણ કરવા ઇચ્છે છે.
તેથી સ્થાનિક લોકોની માગણી મુજબ તે સામુદાયિક સેવા, વિજ્ઞાન, હસ્તકલા અને વિવેચનાત્મક વિચારસરણી પર ધ્યાન કેન્દ્રીત કરતી આફ્ટર સ્કૂલ સૅટેનિક ક્લબ્ઝ શરૂ કરવાના પ્રયાસ કરે છે.
વિરોધીઓ કહે છે કે તેઓ બાળકોને ડરાવે છે, પરંતુ ટીએસટી કહે છે કે તેની સામગ્રીમાં ડરવા જેવું કશું નથી.
તેમણે બાળકો માટે "મારો દોસ્ત શેતાન" નામનું ગીત બનાવ્યું છે. તે ગીતના શબ્દો છેઃ "શેતાન કોઈ દુષ્ટ વ્યક્તિ નથી. તે ઇચ્છે છે કે તમે ભણો અને સવાલ કરો."
"તે ઇચ્છે છે કે તમે આનંદ કરો, તમારી જાત પ્રત્યે પ્રમાણિક રહો અને નરક જેવું કશું નથી."

‘શેતાન તમને ચાહે છે’

ડઝનેક કળાકારો અને વિક્રેતાઓએ શેતાન પ્રેરિત હસ્તકલાની કૃતિઓ વેચવા માટે સ્ટોલ ઊભા કર્યા છે. તેમની પાસે “શેતાન તમને ચાહે છે” એવું લખેલી ટોપીઓથી માંડીને બાફોમેટ પર બનાવેલાં ક્રોશેટેડ રમકડાં સુધીનું બધું છે.
સેતાનિક ટેમ્પલ તેના પોતાના ટી-શર્ટ્સનું વેચાણ પણ કરે છે. આ જૂથ સભ્યપદ માટે કોઈ ફી લેતું નથી. તેનું કામકાજ મોટાભાગે દાન અને સામગ્રીના વેચાણમાંથી થતી આવક પર ચાલે છે.
‘ગૂડનાઈટ બાફોમેટ’ નામનું બાળકો માટેનું નવ-પ્રકાશિત પુસ્તક લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
સેતાનિક ટેમ્પલના સાત માર્ગદર્શક સિદ્ધાંતોમાં સહાનુભૂતિ, પોતાના શરીર પર નિયંત્રણ અને અન્ય લોકોની સ્વતંત્રતાને આદર આપવાનો સમાવેશ થાય છે. આ બધું બાળકો માટેના પુસ્તકમાં સમાવવામાં આવ્યું છે. તેમાંના જોડકણા જણાવે છે કે “ખાસ કરીને સામેની વ્યક્તિ અસંમત હોય ત્યારે તેમના વ્યક્તિ તરીકેના અધિકારનો આદર કરો. તેમના શબ્દોથી તમારું માથું ભમી જાય તો તેમને મુક્ત કરી દો. ઉદાસ થશો નહીં.”
સમારંભમાં ભાગ લેવા માટે કેલિફોર્નિયાથી અહીં આવેલા અરાસેલી રોજાસ માને છે કે આ સિદ્ધાંતો સમજી શકાય તેવા છે અને તેનો અમલ શક્ય છે.
તેઓ કહે છે કે “હું શેતાનવાદીઓ બાબતે હંમેશા સાશંક હતી. મને તેમના વિશે ખબર ન હતી.”
તેમના જણાવ્યા મુજબ, તેમને ટીએસટી બાબતે ટિકટોક મારફત 2020માં સૌપ્રથમ વખત જાણવા મળ્યું હતું. “એ પછી મને તેમાં રસ પડ્યો હતો. મને થોડો ડર લાગ્યો હતો. મોટાભાગના લોકોને લાગતો હશે. તેઓ બાળકોનું બલિદાન ખરેખર આપતા નથી તેની ખાતરી હું કરવા માગતી હતી. એ પછી મેં ટીએસટીમાં આગળ વધવાનું, તેમને મીટિંગ્સમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું. આખરે મને સમજાયું હતું કે તેઓ શેતાન નથી. તેઓ માત્ર શેતાનના પ્રતિકનો ઉપયોગ કરે છે અને ખરેખર સારા લોકો છે.”

ધાર્મિક સ્વાતંત્ર્ય પ્રત્યે પ્રતિબદ્ધતા
મર્ચન્ડાઈઝ સ્ટોલ્સની આસપાસ ગપસપ કરતા ઘણા લોકોએ જણાવ્યું હતું કે સેટેનિક ટેમ્પલ સાથે તેમનો પરિચય 2019ની પેની લેન નિર્દેશિત દસ્તાવેજી ફિલ્મ ‘હેઈલ સૅટન?’ને કારણે થયો હતો. એ ફિલ્મમાં ટૅમ્પલના સિદ્ધાંતો તથા પ્રારંભિક ચળવળની માહિતી આપવામાં આવી હતી.
ટીએસટીના જણાવ્યા મુજબ, "2019માં લગભગ 10,000 લોકો અમારા સભ્ય હતા, પરંતુ દસ્તાવેજી ફિલ્મને લીધે આજે સભ્યોની સંખ્યા વધીને સાત લાખથી વધુની થઈ ગઈ છે."
બૉસ્ટનમાં એકઠા થયેલા લોકોમાં સ્થાનિક સરકારી કર્મચારીઓ, ચિકિત્સકો, ઇજનેરો, કળાકારો, નાણાકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો, એક સામાજિક કાર્યકર, એક થેરપિસ્ટ અને સર્કસના એક કળાકારનો સમાવેશ થાય છે.
ઘણા લોકો એલજીબીટીક્યુ સમુદાયના છે. ઘણા લોકો ખ્રિસ્તીઓને પરણેલા છે.
સંગઠનના સભ્યો રાજકીય રીતે ડાબેરી ઝુકાવ ધરાવે છે, પરંતુ સંગઠન કોઈ પણ રાજકીય પક્ષ કે ઉમેદવારને સમર્થન આપતું નથી.
સૅટેનિક ટૅમ્પલના સહ-સ્થાપક પોતાના સલામતી રક્ષકો સાથે કાળો પોશાક પહેરી અને થર્મોસ સાથે અહીં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે "થર્મોસમાં ઇંગ્લિશ બ્રેકફાસ્ટ ચા છે. તે મેં અહીં બ્રિટિશ ચીજો વેચતી દુકાનમાંથી ખરીદ્યું છે."
ગ્રીવ્ઝ ઉપનામધારી એક વ્યક્તિએ માલ્કમ જેરી ઉપનામ ધરાવતી એક અન્ય વ્યક્તિ સાથે એક દાયકા પહેલાં આ ચળવળ શરૂ કરી હતી.
એ બન્ને ધાર્મિકસ્વાતંત્ર્ય પ્રત્યે પ્રતિબદ્ધ હતા અને કાયદા પરના ખ્રિસ્તી ધર્મના અતિક્રમણનો વિરોધ કરતા હતા.
ખાસ કરીને અમેરિકન મીડિયા સૅટેનિક ટૅમ્પલને ધાર્મિક હોવાનો ઢોંગ કરીને લોકોનું ધ્યાન આકર્ષવાનો પ્રયાસ કરતું મસ્તીખોર સંગઠન માને છે, જેનો સૅટેનિક ટૅમ્પલ સખત વિરોધ કરે છે.
"અમે જે કહીએ છીએ તેને સ્વીકારવામાં લોકો ખચકાય છે, પરંતુ હું માનું છું કે અમે જે કંઈ કહીએ છીએ તે એકદમ સ્પષ્ટ છે અને અમે અમારી જાતને ખોટી રીતે પ્રસ્તુત કરતા નથી."

ગર્ભપાતના અધિકાર માટે ઝુંબેશ

ઇમેજ સ્રોત, AFP VIA GETTY
સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ સેમ્યુઅલ અલિટોએ ગર્ભપાતનો અધિકાર રદ્દ કરવાના સરકારના નિર્ણયને સમર્થન આપ્યું હતું ત્યારે તમારા ગર્ભપાત ક્લિનિકનું નામ ‘સેમ્યુઅલ અલિટોઝ મોમ્સ સૅટેનિક એબૉર્શન ક્લિનક’ રાખવું અને તે ટી-શર્ટ્સ પર છાપવું કેટલું યોગ્ય છે?
આ સવાલના જવાબમાં ગ્રીવ્સ કહે છે કે "દરેક અધિકૃત બાબત ગંભીર જ હોવી જોઈએ, એવા વિચારના ઇનકારના ભાગરૂપે આવું કરવામાં આવ્યું હતું."
"એ બાબતે હું એવું માનતો હતો કે ટેલિહેલ્થ ક્લિનિક શરૂ કરવાથી વધારે ગંભીર કશું હોઈ શકે નહીં. મસ્તી, રમૂજ વિનાનું જીવન મને જરાય પસંદ નથી."
અમેરિકાના સૌથી પ્રખ્યાત શેતાનવાદી તરીકે વ્યક્તિગત જોખમોનો સામનો કરવા માટે ગ્રીવ્સે તેમના જીવનમાં ઘણા ફેરફાર કરવા પડ્યા છે.
તેમના કહેવા મુજબ, "છેલ્લા ચાર વર્ષમાં મેં અનેક વખત સ્થળાંતર કરવું પડ્યું છે અને હું વધુ સ્થળાંતર કરવા ઇચ્છતો નથી એટલે લોકો સાથે ભળતો પણ નથી."
ટીએસટીના કેટલાક સભ્યો, તેઓ આ સંગઠન સાથે સંકળાયેલા હોવાનું સલામતીના કારણોસર ખુલ્લેઆમ સ્વીકારતા નથી.
જે સભ્યોએ ખુલ્લેઆમ સ્વીકાર્યું હતું તેમણે નોકરી ગૂમાવવી પડી છે. છૂટાછેડાના કેસમાં બાળકો ગૂમાવવાં પડ્યાં છે. તેમની કાર નીચેથી નકલી બૉમ્બ પણ મળી આવ્યા હતા.
સૅટેનિક ટૅમ્પલની ધાર્મિક પ્રજનન અધિકાર ચળવળના પ્રવક્તા ચેલિસ બ્લિથે ઉદઘાટન સમારંભમાં બાઇબલના પાના ફાડ્યાં હોવાનું ફૂટેજ વાયરલ થયું એ પછી તેમની કાર્યક્રમ દરમિયાન ઑનલાઈન સતામણી કરવામાં આવી હતી.
ચેલિસ બ્લિથને અગાઉ પણ અનેક વખત ધમકી આપવામાં આવી હતી. તેમના પરિવારના એક સભ્યએ તેમની વિગત 2016માં ઑનલાઈન લીક કરી પછી એક બંદૂકધારી તેમના ઘર સુધી આવી પહોંચ્યો હતો.

ઇમેજ સ્રોત, Reuters
એ માણસે કહ્યું હતું કે “હું આ કામ કરવા અહીં આવ્યો છું. મારી પાસે બંદૂક છે અને તેના પર પેલી કૂતરીનું નામ લખાયેલું છે.”
ચેલિસ બ્લિથે કહે છે કે “મારે મારું નામ કાયદેસર બદલવું પડ્યું હતું.”
ચેલિસ બ્લિથ ચિંતિત હોય તે વાજબી છે. તેઓ કહે છે કે “મારા દુશ્મનો ધાર્મિક ઉન્માદયુક્ત માનસ ધરાવતા લોકો હોય અને મારા અધિકાર છીનવી લેવા ઇચ્છતા હોય તો એવા દુશ્મનો હોવા બદલ મને ગર્વ છે.”
ટાયફૂન નીક્સ, ટીએસટીના એક સભ્ય છે અને તેઓ સમુદાયમાં વૈકલ્પિક નામનો ઉપયોગ કરે છે. તેમના જણાવ્યા મુજબ, તેઓ તાજેતરમાં જ નાસ્તિકવાદમાંથી શેતાનવાદ ભણી વળ્યા છે.
તેઓ કહે છે કે “મારી અને શેતાનવાદની વિચારધારા સમાન છે. તેમાં શારીરિક સ્વાયતતા, કરુણા, આદર અને વિજ્ઞાનનો સમાવેશ થાય છે. એ ઉપરાંત શેતાન હાંકી કાઢવામાં આવેલા, અલગ વિચારધારા ધરાવતા લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. મારા દોસ્તોને ખ્રિસ્તી વર્તુળોમાં ક્યારેય આવકાર મળ્યો નથી, જ્યારે શેતાન સર્વસમાવેશક છે. તે લગભગ મારા જેવો જ છે. જોકે, તેના અસ્તિત્વમાં હું માનતો નથી.”














