બાગેશ્વર ધામ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ચિઠ્ઠી વાંચીને લોકોનું મન જાણવાનો ખરેખર 'ચમત્કાર' કરે છે કે એ 'ટ્રિક' છે?

ઇમેજ સ્રોત, FB/BAGESHWARDHAMSARKAROFFICIAL
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
બાગેશ્વર ધામના ‘કથાકાર’ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી તેમની સભાઓમાં આપેલાં નિવેદનો, વિવિધ રાજ્યોમાં સભાનાં આયોજન અને સભા દરમિયાન કહેવાતા ‘ચમત્કારો’થી સતત ચર્ચામાં રહે છે.
ભારતમાં ઇન્ટરનેટનો વપરાશ વધવાનો લાભ ધીરેન્દ્ર શાસ્ત્રીને પણ મળ્યો છે. ધીરેન્દ્ર વીડિયો, યૂટ્યૂબ, વૉટ્સઍપ અને પછી સંસ્કાર ચૅનલ મારફત અનેક લોકો સુધી પહોંચ્યા. તેમાં સોશિયલ મીડિયાએ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
ધીરેન્દ્રના મોટા ભાગના વીડિયો લાખો લોકોએ નિહાળ્યા છે. યૂ-ટ્યૂબ પર તેમના 37 લાખથી વધુ સબસ્ક્રાઇબરો છે અને ત્રણ વર્ષમાં તેમના વીડિયોને કુલ 54 કરોડથી વધુ વ્યૂ મળ્યા છે. ફેસબુક પર બાગેશ્વર ધામના 30 લાખ, ટ્વિટર પર 60,000 અને ઇન્સ્ટાગ્રામ પર બે લાખથી વધારે ફૉલોઅર છે.
ધીરેન્દ્ર શાસ્ત્રી અને બાબા બાગેશ્વર ધામની ટીમ ઇન્ટરનેટને કેટલી સારી રીતે સમજે છે તેનાં કેટલાંક ઉદાહરણ જોઈએઃ
બાબા બાગેશ્વર ધામની વેબસાઇટ ગૂગલ સર્ચને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. સરળ ભાષામાં સમજીએ તો લોકો ગૂગલ પર શું લખીને સર્ચ કરતા હોય છે, કેવા સવાલ બાબતે વધારે સર્ચ કરતા હોય અને ક્યા કી-વર્ડ સાથે સર્ચ કરતા હોય છે, તેનું ધ્યાન આ વેબસાઇટના નિર્માણમાં રાખવામાં આવ્યું છે. જેથી ગૂગલ પર કોઈ સર્ચ કરે તો તેઓ સીધા ધીરેન્દ્રની વેબસાઇટ પર પહોંચી શકે.
આ વેબસાઇટના હોમ પેજ પર 23 જાન્યુઆરીએ ‘બાગેશ્વર ધામ શ્રી યંત્રમ્’નો પ્રચાર કરવામાં આવી રહ્યો હતો. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ યંત્ર ભારતના માત્ર 5,000 ‘ભાગ્યશાળી’ લોકોને મળશે અને ઘરમાં રાખવાથી ગરીબી દૂર થશે.
એ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. તેમાં વ્યક્તિ તેનું નામ, ફોન નંબર લખે કે તરત સંસ્કાર ટીવીની વેબસાઇટ પર તેનું ઍકાઉન્ટ બની જાય છે. આ સંસ્કાર ટીવીના માલિક યોગગુરુ તથા ઉદ્યોગપતિ બાબા રામદેવ છે.
યૂ-ટ્યૂબમાં થંબનેલ એટલે કે વીડિયો પ્લે કરતાં પહેલાં જોવા મળતો ફોટોગ્રાફ બહુ મહત્ત્વનો ગણવામાં આવે છે. બાગેશ્વર ધામની યૂ-ટ્યૂબ ચેનલના વીડિયો પર નજર કરીએ તો તે સર્ચ તથા લોકોના મિજાજને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા હોય તેવું લાગે છે. તેનાં કેટલાંક ઉદાહરણ જોઈએઃ
- 'લવેરિયા'વાળા છોકરાની ઇચ્છા પૂર્ણ થઈ
- ધનવાન બનવાના દસ ઉપાય
- સાસુ-વહુના ઝઘડાના ઉપાય
- દેવામુક્ત થશો, વેપાર ચાલશે
- લક્ષ્મી ઘરે કેમ રોકાતી નથી?
- લગ્ન પછી આટલું બોલશો નહીં, એવું છોકરીએ શા માટે કહ્યું?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દરબારમાં પ્રવેશ કઈ રીતે મળે?

ઇમેજ સ્રોત, FB/BAGESHWARDHAMSARKAROFFICIA
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઇન્ટરનેટ સિવાયની વાત કરીએ તો ધીરેન્દ્રના ચાહકોનો પણ બહોળો વર્ગ છે.
ધીરેન્દ્રના પિતરાઈ લોકેશ ગર્ગે બીબીસીને કહ્યું હતું કે, “રોજ લગભગ 10-15,000 લોકો બાગેશ્વર ધામ આવે છે. ગુરુજી મહારાજ (ધીરેન્દ્ર) હાજર હોય ત્યારે – મંગળ અને શનિવારે, અહીં દોઢ-બે લાખથી લોકો આવે છે.”
છત્તીસગઢના દરબારમાં જાન્યુઆરીમાં ગયેલા એક પત્રકારે જણાવ્યું હતું કે એ કાર્યક્રમમાં ત્રણ લાખથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ દરબારમાં પ્રવેશ કેવી રીતે મેળવી શકાય? તેની પ્રક્રિયા શું છે? આ વિશેની જાણકારી બાબા બાગેશ્વર ધામની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. તેમાં જણાવ્યા મુજબ, બાગેશ્વર ધામ દ્વારા સમયાંતરે ટોકન આપવામાં આવે છે. મહારાજના નિર્ણય પછી સમિતિ શ્રદ્ધાળુઓને ટોકનની તારીખ જણાવે છે.
આ માહિતી દરબાર તથા સોશિયલ મીડિયા મારફત આપવામાં આવે છે. શ્રદ્ધાળુઓએ પોતાનું તથા પિતાનું નામ, ગામ, જિલ્લો, રાજ્ય, પિનકોડ નંબર અને ફોન નંબર ટોકનમાં લખવાના હોય છે. જેમના ટોકનનો નંબર લાગે તેનો સંપર્ક સમિતિ કરે છે. જે દિવસનું ટોકન હોય એ દિવસે વ્યક્તિએ બાગેશ્વર ધામ જવાનું હોય છે. આ પ્રક્રિયા નિઃશુલ્ક છે.
વેબસાઇટ પર લખ્યું છે કે, “કેટલી વખત હાજર રહેવાનું છે તે ગુરુદેવ પોતે જણાવી દે છે, પરંતુ કમસેકમ પાંચ મંગળવાર દરબારમાં હાજરી આપવાનો આદેશ દરેક ભક્તને મળે છે.”
બાગેશ્વર ધામની વેબસાઇટ પર ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા કેટલાંક અન્ય કામ કરવામાં આવ્યાં હોવાનો દાવો પણ કરવામાં આવે છે. બાગેશ્વર ધામમાં ધરાવવામાં આવતાં નાણાં તથા દાનનો ઉપયોગ ગૌરક્ષા, ગરીબ કન્યાઓનાં લગ્ન, મંગળવાર તથા શનિવારે ભૂખ્યા લોકો માટે ભોજન, પર્યાવરણ માટે બાગેશ્વર બગીચા અને વૈદિક ગુરુકુળના નિર્માણ માટે કરવામાં આવે છે.

ધીરેન્દ્ર શાસ્ત્રી કરે તે શું એક ‘ટ્રિક’ છે?

ઇમેજ સ્રોત, FB/SUHANISHAH
તમે વિચારતા હશો કે ધીરેન્દ્ર જે કરે છે તે વાસ્તવમાં શું છે? આ સવાલના અનેક જવાબ છે. ધીરેન્દ્રને પૂછીશું તો જવાબ મળશે કે, “અમે કશું નથી કરતા, બધું બાલાજી કરે છે અને અમારી પાસે કરાવે છે.”
શ્રદ્ધાળુઓને પૂછીશું તો જવાબ મળશે કે આ ચમત્કાર છે. વિજ્ઞાન, મનોવિજ્ઞાનીઓ અને જાદુગરોને પૂછીશું તો બિલકુલ અલગ જવાબ મળશે.
'મેન્ટલિઝમ' નામની એક કળા છે. તે માઇન્ડ રીડિંગ એટલે કે દિમાગ વાંચવાની કળા છે. આ કળા જાણતા લોકો હાવભાવ, શબ્દોના ઉપયોગ અને બોલીના આધારે સામેની વ્યક્તિના દિમાગમાં શું ચાલી રહ્યું છે તે જાણી શકે છે.
આ કળાનાં એક જાણકાર અને યૂ-ટ્યૂબર સુહાની શાહ મુંબઈમાં રહે છે. આજકાલ તેઓ ટીવી ચેનલો પર પણ જોવા મળે છે. સુહાની તેમના યૂ-ટ્યૂબ વીડિયો તથા કાર્યક્રમોમાં સામેની વ્યક્તિના કશું કહ્યા વિના તેની સાથે જોડાયેલી કેટલીક વાતો કહી સંભળાવે છે.
સુહાનીએ બીબીસીને કહ્યું હતું કે, “જાદુના કેટલાય પ્રકાર હોય છે. તેમાં મેન્ટલિઝમ એક છે. હું 32 વર્ષની છું અને સાત વર્ષની વયથી જાદૂની ટ્રિક્સ કરી રહી છું. છેલ્લાં 10 વર્ષથી હું મેન્ટલિઝમ કરી રહી છું. તેમાં અનેક ટેકનિક હોય છે. ઘણીવાર આંખોની હિલચાલ, હાવભાવ, બોલવાની રીત વડે સામેની વ્યક્તિના મનની વાત જાણી શકાય છે. આ સમગ્ર કળા લોકોના દિમાગસંબંધી છે.”
ધીરેન્દ્રના કાર્યક્રમ અને કૃપાથી લોકોનું ભલું કરવા બાબતે સુહાની શાહ અસહમત છે. સુહાનીએ કહ્યું હતું કે, “સનાતન ધર્મ કહે છે કે સાચું બોલવું જોઈએ. તેથી કોઈ ખોટું બોલતું હોય તો તે અયોગ્ય છે. હનુમાનજી આપણા બધાના ભગવાન છે અને આપણા બધા પર તેમની કૃપા છે. ધીરેન્દ્ર કોઈનું દિમાગ વાંચી શકતા હોય તો તે એક ટ્રિક છે અને તેમણે તેને ટ્રિક જ કહેવી જોઈએ. મારા વીડિયો નિહાળશો તો સમજાશે કે હું ધીરેન્દ્ર કરે છે તેના કરતાં ઘણી આગળની ચીજો કરું છું. અમે જેને કળા કહીએ છીએ તેને ધીરેન્દ્ર ચમત્કાર કહે છે.”
યુપીએસસી કોચિંગના વિખ્યાત શિક્ષક ડૉ. વિકાસ દિવ્યકીર્તિએ બીજાનું દિમાગ વાંચવાની કળા વિશે કહ્યું હતું કે, “સામેની વ્યક્તિની આંખો જોઈને તેના મનમાં શું ચાલી રહ્યું છે તે જાણવાની ક્ષમતા ધરાવતા ઘણા લોકો માનસશાસ્ત્ર ક્ષેત્રે હોય છે.”

આવું કઈ રીતે કરી શકે છે?

ઇમેજ સ્રોત, FB/BAGESHWARDHAMSARKAROFFICIAL
બીબીસીએ સુહાનીને સવાલ કર્યો હતો કે લોકોને સમજાવી શકાય અને તેઓ જાતે આવું કરી શકે તેની કોઈ ટ્રિક જણાવશો?
સુહાનીએ કહ્યું હતું કે, “ધીરેન્દ્ર શું કરી રહ્યા છે એ હું કહી શકું નહીં, કારણ કે હું એવું કરીશ તો તેમની ટ્રિક ખતમ થઈ જશે. આ મારી નહીં, એ કલાની ટ્રિક છે. દુનિયાભરમાં જે લોકો આ ટ્રિક કરે છે તેના વિશે જણાવીને હું તેમની ટ્રિક ખતમ કરી શકું નહીં.”
આ રીતે લોકોની પરેશાનીનું નિરાકરણ કોઈ ‘ચમત્કાર’ વડે કરતા હોય તેવી ધીરેન્દ્ર એકલી વ્યક્તિ નથી. ખ્રિસ્તીઓમાં, મુસલમાનોમાં પણ આવા ઘણા લોકો છે, જેઓ ‘હંલાલુઈયા’ તો ક્યારેક કુરાનની આયતો વાંચીને લોકોનું દુઃખ દૂર કરવાનો દાવો કરતા જોવા મળે છે.
‘હંલાલુઈયા’ બોલીને વિકલાંગોના ચાલતા, વ્હીલચેર પરથી ઊઠીને દોડતા તથા આંખોની રોશની પાછી લાવવાનો દાવો કરતા સ્વઘોષિત ગુરુઓના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે.
ભારતમાં ઘણા લોકો મધર ટેરેસાના કથિત ચમત્કારો સામે પણ આંગળી ઉઠાવી ચૂક્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે 2015માં કહ્યું હતું કે, “મધર ટેરેસાએ સારી સેવા કરી હતી, પરંતુ તેમનો હેતુ, તેઓ જેમની સેવા કરતા હતા તેમને ખ્રિસ્તી બનાવવાનો હતો.”
તાજેતરમાં ‘ટ્રાન્સ’ નામની એક મલયાલમ ફિલ્મ પ્રદર્શિત થઈ હતી. તેમાં ખ્રિસ્તી ધર્મ તથા ઈસુ ખ્રિસ્તના નામે લોકોનો ઇલાજ કરતા લોકો તથા એ લોકોના સામ્રાજ્ય પર આઘાત કર્યો હતો. આમિર ખાનની ‘પીકે’ ફિલ્મમાં તમામ ધર્મ સાથે જોડાયેલા આવા લોકો પર કટાક્ષ કરવામાં આવ્યો હતો.
ફિલ્મી પડદા પર આવા લોકોની કથાઓ તથા સત્યને ઉજાગર કરવાના પ્રયાસ થતા હોય, પરંતુ હકીકતમાં લોકોની શ્રદ્ધા તથા વિશ્વાસ, ધર્મગુરુઓમાં વધી રહેલો દેખાય છે. આવા જ એક ગુરુ ધીરેન્દ્ર શાસ્ત્રી છે, જેઓ પોતાના દરબારમાં લોકો સાથે વાત કરતા હોય છે ત્યારે મોટા ભાગે હસતા રહે છે અને તાળી વગાડીને જોરથી કહે છે કે “વગાડો તાલી.”














