'સિર્ફ એક બંદા કાફી હૈ' : એ વકીલ જેણે આસારામને જેલ કરાવી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
વિખ્યાત ક્રિમિનલ લૉયર રામ જેઠમલાની, યુપીએ સરકારમાં કેન્દ્રીય મંત્રી સલમાન ખુરશીદ, ભાજપના નેતા સુબ્રમણ્યન સ્વામી, રાજ્યસભામાં કોંગ્રેસના સંસદસભ્ય કેટીએસ તુલસી, પાછળથી સુપ્રીમ કોર્ટના જજ બનેલા યુયુ લલિત, સિદ્ધાર્થ લુથરા, રાજુ રામચંદ્રન. આ એ નામો છે, જેઓ વિવાદાસ્પદ કથાવાચક આસારામ વતી અલગ-અલગ કોર્ટોમાં હાજર રહ્યા હતા.
આમાંથી અનેક વકીલ એક વખત હાજર રહેવા માટે કે ફાઇલને વાંચવા માટે લાખો રૂપિયાની ફીસ લે છે. પરંતુ એક સામાન્ય વકીલની સામે તેઓ પોતાના અસીલ આસારામને સજામાંથી છૂટ અપાવવી તો દૂરની વાત, પરંતુ જામીન પણ અપાવી શક્યા ન હતા.
તા. 15 ઑગસ્ટ 2013ના રોજ દેશ સ્વતંત્રતાદિવસ ઊજવી રહ્યો હતો, ત્યારે 16 વર્ષીય પીડિતાના જીવનમાં એક દર્દનાક અધ્યાય લખાવાનો હતો. જેમાં તેને ન્યાય મળે તે માટે તેનું અભિયાન પૂનમચંદ સોલંકી નામના વકીલે હાથ ધર્યું હતું.
એટલું જ નહીં, તેમણે અદાલતમાં રામ જેઠમલાણી અને સુબ્રમણ્યમ સ્વામી જેવા વકીલોને પણ કાયદાના પાઠ ભણાવ્યા હતા અને સલમાન ખુર્શીદના બચાવને ધ્વસ્ત કરી દીધો હતો.
કેસની સુનાવણી દરમિયાન સોલંકીને રૂપિયાની લાલચ પણ આપવામાં આવી હતી અને તેમના જીવ પર જોખમ પણ હતું. છતાં તેઓ કેસ લડ્યા અને જીત્યા. આસારામને મૃત્યુપર્યંત જેલમાં રહેવાની સજા ફટકારવામાં આવી છે.
પીસી સોલંકીના જીવન અને 'સત્યઘટનાઓ પર આધારિત' ફિલ્મ 'સિર્ફ એક બંદા કાફી હૈ' બનાવવામાં આવી છે.
જે ઓટીટી પ્લૅટફૉર્મ Zee5 પર તા. 23મી મેના રોજ રજૂ થશે.
આસારામના ટ્રસ્ટ દ્વારા ફિલ્મના નિર્માતા આસિફ શેખને પ્રસારણ અટકાવવા માટે નોટિસ મોકલવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જેમણે નોટિસ મળી હોવાની તથા કાયદાકીય નિષ્ણાતોને મોકલી દેવામાં આવી હોવાની વાત કહી છે.
આ અહેવાલના અમુક અંશ સંવેદનશીલ વાચકને વિચલિત કરી શકે છે. વાચકનો વિવેક અપેક્ષિત.

દર્દનાક દોઢ કલાક

ઇમેજ સ્રોત, @ZeeStudio
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સાતમી ઑગસ્ટ-2013ના દિવસે આસારામના છિંદવાડા (મધ્ય પ્રદેશ) ગુરુકુળમાંથી વૉર્ડન શિલ્પીએ સગીરાનાં પિતાને ફોન કર્યો હતો. ફોન ઉપર પિતાને જણાવાયું હતું કે તેમની 16 વર્ષની દીકરી બીમાર છે.
બીજા દિવસે પીડિતાનાં માતાપિતા છિંદવાડા ગુરુકુળ પહુંચ્યાં હતાં. જ્યાં તેમને જણાવાયું હતું કે તેમની દીકરીને વળગાડ છે.
આસારામ તેને ઠીક કરી શકે છે. તા. 13મીએ તેઓ દિલ્હી પહોંચ્યા તો આસારામ જોધપુરના મણહી ખાતે હોવાનું માલૂમ પડ્યું હતું.
14 ઑગસ્ટની રાત્રે પીડિતાનો પરિવાર આસારામને મળવા માટે જોધપુર પહોંચ્યો હતો. જ્યાં આસારામના અંગત સચિવ અને કેસમાં દોષિત ઠરેલા શિવાએ તેમનો આશ્રમમાં પ્રવેશ કરાવડાવ્યો હતો. કેસની ચાર્જશીટ પ્રમાણે, 15 ઑગસ્ટની સાંજે પીડિતાને 'ઠીક' કરવાના બહાને આસારામે તેણીને ઝૂંપડીમાં બોલાવીને તેની સાથે રેપ કર્યો હતો.
જોધપુરની કોર્ટે આપેલા ચુકાદાના (પેજનંબર 5-6) પર ઘટનાક્રમનું વિવરણ છે. જે મુજબ સત્સંગ બાદ બાદ આસારામ પોતાના ઝૂંપડીમાં ગયા અને પીડિતાને પાછલા બારણેથી અંદર બોલાવી. તેમણે ધો. 12માં અભ્યાસ કરતી કિશોરીને પોતાની પાસે બેસાડીને તેની સાથે વાતચીત શરૂ કરી.
આસારામે કિશોરીને બહાર તેનાં માતા-પિતા શું કરે છે તે જોઈ આવવાં માટે કહ્યું. જ્યારે કિશોરીએ જણાવ્યું કે પિતા જતા રહ્યા છે અને માતા બહાર બેઠાં છે, ત્યારે આસારામે રૂમને અંદરથી લૉક કરી દીધો અને કિશોરી સાથે છેડતી કરવાં લાગ્યાં.
જ્યારે સગીરાએ બૂમાબૂમ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે આસારામે ધમકી આપી કે તેનાં માતા-પિતાને મરાવી નાખશે. ડરાવી-ધમકાવીને તેનું મોં બંધ કરાવી દીધું. આસારામે સગીરાને ચુંબન કર્યું અને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો. સગીરાના સમગ્ર શરીર ઉપર પોતાનો હાથ ફેરવ્યો.
તેણે બળજબરીપૂર્વક ફરિયાદીનાં કપડાં ઉતારવા માંડ્યાં. લગભગ એકથી દોઢ કલાક સુધી તેણે ફરિયાદી સાથે છેડછાડ કરી. એ સમયે રૂમની બહાર આસારામના બે-ત્રણ સેવક પણ હતા.
આસારામે સગીરાને ધમકી આપી કે આના વિશે કશું ન કહેવું. સગીરા તેનાં માતાનાં રૂમમાં પહોંચી ગયાં.
બીજા દિવસે આસારામ દિલ્હી જવા નીકળી ગયો. તેણે સગીરાને અનુષ્ઠાન માટે સાત-આઠ દિવસ અમદાવાદ ખાતેના આશ્રમે મોકલવા માટે પરિવારને જણાવ્યું. સાથે જ કહ્યું કે તેને છિંદવાડા મોકલી આપશે.
પરંતુ રાતની ઘટનાથી ગભરાયેલી કિશોરીએ અમદાવાદ ન જવાનો નિર્ણય કર્યો અને પરિવારને તમામ વિગતો જણાવી દીધી.

સાધક પરિવારનો સંઘર્ષ

ઇમેજ સ્રોત, MOHAR SINGH MEENA
આ ઘટના બની તે પહેલાં પીડિતાનો સમગ્ર પરિવાર આસારામનો કટ્ટર અનુયાયી હતો. તેનાં પિતાએ પોતાના ખર્ચે ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં આસારામનો આશ્રમ બંધાવ્યો હતો.
બાળકોને 'સંસ્કારવન શિક્ષણ' મળે તે માટે સાધક પરિવારે તેમનાં બે સંતાનોને છિંદવાડા ખાતેને આસારામના ગુરુકુળમાં ભણવા બેસાડ્યાં હતાં.
સુનાવણીના સાડા ચાર વર્ષ પરિવારે તેમના જ ઘરમાં 'નજરકેદ'ની જેમ પસાર કર્યા હતા. આ ઘટનાથી ત્રસ્ત પીડિતાનાં પરિવારજનોએ કહ્યું કે, 'અમારા તો ભગવાન જ ભક્ષક બની ગયા.'
પરિવારજનોએ નવી દિલ્હીના કમલા માર્કેટ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ કરાવવા પહોંચ્યા. જ્યાંથી સગીરાને દિલ્હીની લોકનાયક હૉસ્પિટલમાં તેનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું. એ પછી 'ઝીરો નંબર'થી ફરિયાદ લેવામાં આવી, આગળ જતાં આ મુદ્દો કાયદાકીય દલીલો માટે આધારરૂપ બનનાર હતો.
નીચલી કોર્ટના ચુકાદા પ્રમાણે, ગુનો જોધપુર ન્યાયક્ષેત્રમાં બન્યો હોવાથી ફરિયાદીઓને ત્યાં જવા માટે જણાવવામાં આવ્યું હતું.
તા. 21મી ઑગસ્ટે જોધપુર મહિલા પોલીસ સ્ટેશનમાં (પશ્ચિમ) આસારામ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી.
પરિવારનું કહેવું છે કે તેમને પૈસા લઈને કેસને દબાવી દેવાની લાલચ આપવામાં આવી હતી.
ઉપરાંત તેમને હત્યાની ધમકીઓ પણ મળી હતી. જોકે પીડિતાનો પરિવાર ડગ્યો ન હતો અને ન્યાય માટેનો સંઘર્ષ ચાલુ રાખ્યો હતો.
શરૂઆતનાં વર્ષોમાં કેસમાં થયેલી પ્રગતિથી ફરિયાદી પરિવાર ખુશ ન હતો, એટલે 2014 આસપાસ તેમણે પૂનમચંદ સોલંકીનો સંપર્ક સાધ્યો હતો. પૂનમચંદે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું :
'તેમની પાસે ફીસ ચૂકવવાના પૈસા ન હતાં. તેમની બિના સાંભળ્યા પછી ફીસ મારા માટે ગૌણ બની ગઈ હતી અને હું તેમને ન્યાય અપાવવા માટે પ્રતિબદ્ધ બન્યો. આજીવિકા માટે કેસ લડવા જરૂરી છે, પરંતુ ઘણીવખત તમારી જરૂરિયાતો કરતાં ધ્યેય મહત્ત્વપૂર્ણ બની જાય. આ કેસ મેં ન્યાય અને સત્ય માટે લડ્યો હતો.'
દરજી સમાજના શિવરામ સોલંકી રેલવેમાં મિકેનિક તરીકે નોકરી કરતાં. ત્રણ દીકરીઓના એક ભાઈ હોવા છતાં પિતાએ તેમને જીવ ઉપર જોખમ હોય એવો કેસ લેતા અટકાવ્યા ન હતા.
આ કેસના અમુક સાક્ષી ઉપર જીવલેણ હુમલા થયા હતા તથા મૃત્યુ પણ થયાં હતાં. છતાં પૂનમચંદ ડગ્યા ન હતા. તેઓ જોધપુરની સાંકળી ગલીઓમાં પોતાના સ્કૂટર ઉપર જ નીકળતા.
પૂનમચંદનું કહેવું છે કે કેસની સુનાવણી દરમિયાન અલગ-અલગ લોકો તરફથી તેમને કેસમાંથી ખસી જવાની તથા કરોડો રૂપિયાની ધમકીઓ મળી. પરંતુ તેઓ ડગ્યા નહીં. અને ચુકાદા પછી કિશોરી અને પિતાના ચહેરા ઉપર આવેલી ખુશી તેમના માટે સંતોષ આપનારી હતી.'
એ પહેલાંની બે દાયકાની વકીલ તરીકેની કારકિર્દી દરમિયાન પૂનમચંદ સોલંકીના પ્રયાસોથી જ ગુલાબ સાગરમાં પ્લાસ્ટર ઑફ પેરિસની ગણેશ પ્રતિમાઓનું વિસર્જન અટક્યું હતું.
આસારામને મૃત્યુપર્યંત જેલ તથા તેમના અન્ય સાથીઓને 20-20 વર્ષની જેલની સજા થઈ. જે દિવસે ચુકાદો આવ્યો તે દિવસે જોધપુરમાં 144ની કલમ લાગુ કરવી પડી હતી. આ ઘટનાને કવર કરવા માટે દેશભરમાંથી મીડિયા ઉમટી પડ્યું હતું.
જોકે, આ પહેલાં પૂનમચંદે કાયદાના માંધાતાઓનો ન કેવળ સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેમને પરાજય પણ આપવો પડ્યો હતો.

જેઠમલાની, સ્વામીને શીખવ્યા પાઠ

ઇમેજ સ્રોત, Getty Images
કાયદાકીય લડાઈના એક તબક્કે વિખ્યાત વકીલ રામ જેઠમલાની કેસ લડવા માટે પહોંચ્યા હતા. તેઓ પૂર્વ કેન્દ્રીય કાયદા પ્રધાન હતા અને ક્રિમિલ કેસોમાં તેમની નિપુણતાની ચર્ચા આજે પણ વકીલોમાં થાય છે.
તેમણે સુનાવણીના એક તબક્કે એફઆઈઆર દાખલ થયા પહેલાં જ નવી દિલ્હીમાં સગીરાની તબીબી તપાસ વિશે સવાલ ઉઠાવ્યા હતા. અને કહ્યું કે આસારામને ફસાવવામાં આવી રહ્યા છે.
ત્યારે પૂનમચંદે કહ્યું હતું કે કાં તો જેઠમલાનીએ દુષ્કર્મની ઘટનાના એક વર્ષ પહેલાં POCSO (પ્રૉટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ) ઍક્ટ વાંચ્યો નથી અથવા તો તેને છૂપાવી રહ્યા છે.
આ કાયદાની કલમ 27માં સ્પષ્ટપણે જોગવાઈ કરવામાં આવી છે કે કોઈ બાળક સાથે દુષ્કર્મ થયું હોય તો એફઆઈઆર દાખલ થયા પહેલાં પણ તેની તપાસ થઈ શકે છે. તેમણે અદાલતમાં આ જોગવાઈઓ જોવા મંગાવી હતી અને પોતાની ક્ષતિ સમજી હતી.
ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આસારામને જામીન અપાવવા માટે તજવીજ હાથ ધરી હતી. તેઓ જોધપુરની કોર્ટમાં પહોંચ્યા ત્યારે આસારામના સમર્થકોએ તેમની ઉપર પુષ્પવર્ષા કરી હતી.
કહેવાય છે કે સુબ્રમણ્યમ સ્વામીએ અદાલતની બહાર દાવો કર્યો હતો કે તેમણે કોઈ આરોપીના જામીન માગ્યા હોય તો તેને મળ્યા જ છે અને આ માટેનો તેમનો રેકોર્ડ છે. તેમણે 2જી કૌભાંડ, કોલસા કૌભાંડ તથા અન્ય હાઈપ્રોફાઇલ કેસોમાં દલીલો દીધી હોવાથી તેમની મોટી છાપ ઊભી રહી હતી. આ મુદ્દો તેમણે ટ્રાયલ કોર્ટ સમક્ષ ઉઠાવ્યો હતો.
પૂનમચંદના કહેવા પ્રમાણે, સ્વામી ટ્રાયલ કોર્ટમાં આસારામની જામીન અરજી માટે હાજર થયા ત્યારે તેમણે કહ્યું કે તેઓ સુપ્રીમ કોર્ટ અને દેશની અનેક હાઈકોર્ટોમાં દલીલો આપી ચૂક્યા છે. તેઓ અનેક કૌભાંડ બહાર લાવ્યા છે અને તેમના કારણે સરકારોનાં પતન પણ થયાં છે.
દલીલો આપવા માટે સ્વામીએ નામ આપ્યા વગર સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંક્યો હતો જે મુજબ વકીલ ન હોય તેવી વ્યક્તિ પણ હાજર રહી શકે અને દલીલ રજૂ કરી શકે.
ત્યારે પૂનમચંદે કહ્યું હતું કે, 'શું તમે હરિશંકર રસ્તોગીના કેસની વાત કરી રહ્યા છો ?' ત્યારે સ્વામીએ પૂછ્યું હતું, 'શું તમને ખબર છે ? સારી વાત છે, તો તો વાંધો નથી.' એ પછી સ્વામીએ દલીલો આપવાનું શરૂ કર્યું હતું.
ત્યારે પૂનમચંદે વાંધો ઉઠાવ્યો હતો અને દલીલ આપી હતી કે વકીલ ન હોય તેવી વ્યક્તિ દલીલ આપી શકે, પરંતુ આને માટે અગાઉથી જ અદાલતને જાણ કરવી પડે અને તેની મંજૂરી લેવી પડે.
ત્યારે આસારામના પક્ષ તરફથી આના વિશે કોર્ટને જાણ કરવામાં ન આવી હોવાનું જાણીને સ્વામીને આઘાત લાગ્યો હતો. એ પછી તેની મંજૂરી મેળવવામાં આવી હતી અને સ્વામીએ જામીન માટે પોતાની દલીલો આપી હતી. જોકે, તેઓ આસારામને જામીન અપાવી શક્યા ન હતા.
સલમાન ખુર્શીદ સુપ્રીમ કોર્ટમાં આસારામની ઉંમર તથા તેઓ અનેક બીમારીઓથી પીડિત હોવાની દલીલ આપીને તેમને જામીન આપવાની અરજી દાખલ કરી હતી, પરંતુ પૂનમંચદે માગ કરી હતી કે જો એવું હોય તો મેડિકલ બોર્ડનું ગઠન કરવામાં આવે. જે આસારામની શારીરિક અને માનસિક સ્થિતિ અંગે અહેવાલ આપશે. અને તેણે જેલમાં જ રહેવું પડ્યું હતું.
આસારામના વકીલોએ તેમના અસીલને બચાવવા માટે કાયદાના પુસ્તકોમાં ઉપલબ્ધ તમામ દાવ અજમાવ્યા હતા. એક તબક્કે આસારામે દાવો કર્યો હતો કે તે નપુંસક છે અને આ પ્રકારનું કૃત્ય કરી શકે તેમ નથી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, પરંતુ તેમની ઉપર હાથ ધરવામાં આવેલાં તબીબી પરીક્ષણના તારણ મુજબ તેમણે દવા વગર આ પરીક્ષણ પસાર કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે POCSO ઍક્ટની જોગવાઈઓ મુજબ ન કેવળ લિંગ પરંતુ, શરીરનું બીજું કોઈ અંગ કે વસ્તુ ઘૂસાડવાને પણ 'ભેદન' તરીકે વ્યાખ્યાતિત કરવામાં આવ્યું છે.

અદાલતના આંગળે આસારામ

ઇમેજ સ્રોત, Getty Images
આસારામના ટ્રસ્ટે ફિલ્મ 'સિર્ફ એક બંદા કાફી હૈ'ને રિલીઝ થતી અટકાવવા માટે નિર્માતા આસિફ શેખને નોટિસ કાઢી છે. નિર્માતાનું કહેવું છે કે કાયદાકીય ટીમને આના વિશે જાણ કરી દેવામાં આવી છે.
ફિલ્મમાં અભિનેતા મનોજ વાજપેયી પૂનમંચદ સોલંકીનું પાત્ર ભજવે છે. તેમનું કહેવું છે કે ફિલ્મમાં માત્ર પીસી સોલંકીનું નામ ખરું છે. એ સિવાયની તમામ ઘટનાઓ 'વાસ્તવિક ઘટનાઓથી પ્રેરિત' છે.
સામાન્યતઃ ફિલ્મનિર્માતાઓ દ્વારા 'અસ્વીકરણ' દ્વારા ફિલ્મની શરૂઆતમાં જ આ પ્રકારની વાત કહેવામાં આવતી હોય છે અને વ્યાપક રીતે રિપોર્ટ થયેલી ઘટનાઓ માટે 'સર્જનાત્મક સ્વતંત્રતા'નો આશરો પણ લેતા હોય છે.
કોઈ એક ઘટનાક્રમ સાથે અનેક વ્યક્તિ જોડાયેલી હોય છે. ત્યારે કોઈ ગુનેગાર વ્યક્તિ તેના કેન્દ્રમાં હોય તો પણ તપાસનીશ અધિકારી, વકીલ કે પીડિત એમ 'અન્યના દૃષ્ટિકોણ' હોય એટલે રજૂઆત અટકાવવી મુશ્કેલ બની રહેતી હોય છે. અથવા તો રજૂઆતના બદલમાં વળતર પણ મેળવવું મુશ્કેલ હોય છે.
ફિલ્મના એક નિર્માતા વિનોદ ભાનુશાળીનું કહેવું છે કે તેમનો કોઈ ઍજન્ડા નથી. તેઓ માત્ર જે બન્યું છે, તેની જ વાત કરી રહ્યા છે અને આના વિશે ચુકાદો પણ આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે આસારામે તેની ધરપકડ કરનાર પૂર્વ આઈપીએસ અધિકારી અજય લાંબાના પુસ્તક 'ગનિંગ ફોર ધ ગૉડમૅન : ધ સ્ટોરી બિહાઇન્ડ આસારામ બાપુસ કન્વિક્શન'ને બજારમાં આવતી અટકાવવા માટે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના પણ દરવાજા ખખડાવ્યા હતા.
જોકે, સુપ્રીમ કોર્ટે તેના પ્રકાશનને અટકાવવાનો ઇન્કાર કરી દીધો હતો. ત્યારે આસારામ ફિલ્મમાં તેમના જેવા દેખાતા આધ્યાત્મિક ગુરૂ મુદ્દે 'સિર્ફ એક બંદા કાફી હૈ'ની રજૂઆત અટકાવી શકે છે કે કેમ તેના ઉપર કાયદાકીય નિષ્ણાતો ઉપરાંત ફિલ્મજગતની પણ નજર રહેશે.














