ગૂડ ફ્રાઈડે : શૂળીએ ચડાવાની સજાની શરૂઆત ક્યાં, ક્યારે અને કેવી રીતે થઈ?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, માર્ગરીટા રોડ્રિગ્ઝ
- પદ, બીબીસી ન્યૂઝ મુંડો
શૂળીએ ચડાવીને મારી નાખવામાં આવેલા લોકોમાં ઈસુ ખ્રિસ્ત સૌથી ચર્ચિત લોકો પૈકીના એક છે, પરંતુ મૃત્યુની સજાની આ ભયાનક પદ્ધતિ તેમના જન્મની અનેક સદીઓ પહેલાંથી જ પ્રચલિત હતી.
દક્ષિણ આફ્રિકાની યુનિવર્સિટી ઑફ ફ્રી સ્ટેટના રિસર્ચ ફેલો અને લેખક લુઈસ સિલિયર્સના કહેવા મુજબ, “પ્રાચીન કાળમાં કોઈને મોતની સજા આપવાની ત્રણ સૌથી બર્બર પદ્ધતિમાં શૂળી પર ચડાવવાની પદ્ધતિને સૌથી ખરાબ ગણવામાં આવતી હતી.”
તેમના જણાવ્યા મુજબ, મૃત્યુદંડની બીજી બે પદ્ધતિ સળગાવી નાખવાની અને માથું કાપી નાખવાની હતી.
સ્પેનની નવારા યુનિવર્સિટીમાં ધર્મશાસ્ત્રના ઍસોસિએટ પ્રોફેસર ડિએગો પેરેઝ ગોંડારે કહ્યું હતું કે, “લોકોમાં શક્ય હોય તેટલો આતંક પેદા કરવા માટે ક્રૂરતા અને તમાશાના મિશ્રણ જેવી આ પદ્ધતિ હતી.”
ઘણા કિસ્સામાં પીડિતનું મોત કોઈ ચોકમાં શૂળીએ ચડાવ્યાના દિવસો બાદ થતું હતું. શૂળી પર લટકાવવામાં આવેલી વ્યક્તિનું મોત શ્વાસ રૂંધાવાને, લોહી તથા પાણીની કમીને કારણે અને તેનાં અંગ એક પછી એક કામ કરતાં બંધ થવાને લીધે થતું હતું.

ઈસવીસન પૂર્વ 500 વર્ષ પહેલાં શરૂ થઈ હતી આ સજા

ઇમેજ સ્રોત, Getty Images
ડૉ. સિલિયર્સનું માનવું છે કે ગુનેગારને શૂળીએ ચડાવવાની સજાની શરૂઆત કદાચ અસીરિયા અને બેબીલોનમાં થઈ હતી. દુનિયાની એ બન્ને મહાન સંસ્કૃતિ આજના પશ્ચિમ એશિયામાં વિકસી હતી. મોતની સજાની આ પદ્ધતિ ઈસવી પૂર્વે છઠ્ઠી સદીમાં પર્શિયન લોકોમાં બહુ પ્રચલિત હતી.
પ્રોફેસર પેરેઝે જણાવ્યું હતું કે આ સંદર્ભે સૌથી જૂની માહિતી એસીરીયન મહેલો પર બનાવવામાં આવેલાં ચિત્રોમાંથી મળે છે.
ડૉ. સિલિયર્સે સાઉથ આફ્રિકન મેડિકલ જર્નલમાં 2003માં એક લેખ પ્રકાશિત કર્યો હતો. શૂળીએ ચડાવવાની સજાના ઇતિહાસ વિશેનો એ લેખ કોઈની સાથે મળીને લખવામાં આવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ લેખમાં તેમણે જણાવ્યું હતું કે પર્શિયન લોકો ક્રોસને બદલે વૃક્ષો કે થાંભલાઓ પર ગુનેગારોને શૂળીએ ચડાવતા હતા.
પ્રોફેસર પેરેઝે કહ્યું હતું કે, “દોષી વ્યક્તિના ઉપહાસ ઉપરાંત મોતની ક્રૂર સજા આપવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હતો. ગુનેગારોને વૃક્ષ પર લટકાવી દેવામાં આવતા હતા, જેથી શ્વાસ રૂંધાઈ જવાથી અને થાકને કારણે તેમનું મોત થાય.”

શૂળીએ ચડાવવાની સજાનો વિસ્તાર

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઈસવી પૂર્વે ચોથી સદીમાં સિકંદર મહાને પૂર્વ ભૂમધ્ય સાગરના કિનારે વસેલા દેશો માટે આ સજાની પસંદગી કરી હતી.
ડૉ. સિલિયર્સે કહ્યું હતું કે, “સિકંદર અને તેના સૈનિકોએ મહદ્અંશે અભેદ્ય ગણાતા સોર શહેર(આજનું લેબનોન)ને ઘેરી લીધું હતું. તેઓ શહેરની અંદર પ્રવેશ્યા હતા અને લગભગ 2,000 નાગરિકોને શૂળીએ ચડાવી દીધા હતા.”
સિકંદરના ઉત્તરાધિકારીઓએ ગ્રીસ અને સીરિયા ઉપરાંત ફોનીશિયા દ્વારા સ્થાપિત ઉત્તર આફ્રિકાના મહાન શહેર કાર્થેજના લોકોને શૂળીએ ચડાવાની સજા કરી હતી.
પૂનિકની લડાઈ (ઈસવી પૂર્વે 264-146) દરમિયાન રોમના લોકોએ સજાની આ પદ્ધતિ અપનાવી હતી અને 500 વર્ષ સુધી તેનો અમલ કર્યો હતો, એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે, “રોમના દિગ્ગજો જ્યાં ગયા ત્યાં શૂળી પર ચડાવવાની સજાનો અમલ કરતા રહ્યા હતા.”
તેમણે આ રીતે સજા કરી એ સ્થળોએ પણ મૃત્યુદંડની આ પદ્ધતિ પ્રચલિત થઈ ગઈ હતી.
નવમી ઈસવીમાં જર્મનીના જનરલ આર્મિનિયસે ટ્યુટોબર્ગ ફૉરેસ્ટની લડાઈમાં વિજય મેળવ્યા બાદ રોમના સૈનિકોને શૂળીએ ચડાવવાનો આદેશ આપ્યો હતો.
ઈસવીસન 60માં ઈકેની નામની બ્રિટિશ જનજાતિની રાણી બૌદિકાકાએ રોમ હુમલાખોરો વિરુદ્ધના એક મોટા વિદ્રોહનું નેતૃત્વ કર્યું હતું. તેમણે રોમના અનેક સેનાપતિઓને શૂળીએ ચડાવી દીધા હતા.

પવિત્ર ભૂમિ

ઇમેજ સ્રોત, Getty Images
પ્રાચીન ઇઝરાયલમાં રોમના લોકોના આગમન પહેલાંથી જ આ સજા આપવામાં આવતી હતી.
પ્રોફેસર પેરેઝે કહ્યું હતું કે, “પવિત્ર ભૂમિ પર રોમનોની જીત પહેલાંથી શૂળી પર ચડાવાની સજાની પ્રચલિત હોવાનું જણાવતા કેટલાક સ્રોત છે.”
એવા લોકોમાં એક રોમન-યહૂદી ઇતિહાસકાર, નેતા અને સૈનિક ફ્લેવિયસ જોસેફસ છે. તેમનો જન્મ પહેલી સદીમાં જેરુસલેમમાં થયો હતો.
તેમણે ઍલેક્ઝેન્ડર જૈનિયસ(ઈસવી પૂર્વે 125-76)ના શાસનકાળમાં ઈસવી પૂર્વે 88માં લગભગ 800 લોકોને શૂળીએ ચડાવી દેવાયા હોવાનો ઉલ્લેખ કર્યો છે.
ડૉ. સિલિયર્સના જણાવ્યા મુજબ, શૂળી પર ચડાવવાની સજા માટે અનેક પ્રકારના ક્રોસનો ઉપયોગ રોમન લોકોએ જ શરૂ કર્યો હતો. એવા ક્રોસમાં એક ક્રોસ એક્સ આકારનો પણ હતો.
તેમણે કહ્યું હતું કે, “મોટા ભાગના કિસ્સામાં જાણીતા લેટિન ક્રોસ અથવા ટી-આકારના ક્રોસનો ઉપયોગ કરવામાં આવતો હતો. તેમાં ઓછી ઊંચાઈવાળા ક્રોસ વધુ પ્રચલિત હતા.”
મોતની સજા કરવામાં આવી હોય તે વ્યક્તિને ક્રોસની ટોચ સુધી ચડાવવામાં આવતી હતી, એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે, “વ્યક્તિ નગ્ન ન હોય તો તેનાં વસ્ત્રો કાઢી નાખવામાં આવતાં હતાં અને તેને હાથ ફેલાવીને ચત્તી સુવડાવી દેવામાં આવતી હતી.”
એ પછી તેના બન્ને હાથને બીમ સાથે બાંધી દેવામાં આવતા હતા અથવા તો તેમાં ખીલા ઠોકી દેવામાં આવતા હતા. એ ખીલાની મહત્તમ લંબાઈ 18 સેન્ટિમીટર અને પહોળાઈ એક સેન્ટિમીટર હતી.
પીડિતોની હથેળીમાં ખીલા ઠોકવામાં આવતા ન હતા, કારણ કે શરીરના વજનને કારણે ખીલાથી હથેળી ફાટવાની શક્યતા હતી, જ્યારે કાંડા અને હાથના આગલા ભાગનાં હાડકાં ખીલાને જકડી રાખતા હતાં.
સજા પામેલી વ્યક્તિને જમીનમાં ખોડવામાં આવેલા ક્રોસના આડા ભાગ સાથે ટાંગવા માટે ઉઠાવવામાં આવતી હતી અને ઊભા હિસ્સા પર લટકાવી દેવામાં આવતી હતી. તેના પગને ક્રોસના ઊભા હિસ્સા સાથે બાંધી દેવામાં આવતા હતા અથવા તેમાં પણ ખીલા ઠોકવામાં આવતા હતા. તેની પીડા અકલ્પનીય હતી.

ભયાનક પીડાની એ ક્ષણો

તેની અસર શરીરની ઘણી નસને થતી હતી, એવું જણાવતાં પ્રોફેસર પેરેઝે કહ્યું હતું કે, “લોકોએ બેસવા અને શ્વાસ લેવા માટે પોતાના પગ પર જોર કરવું પડતું હતું. એમ કરવામાં ઘણું લોહી વહી જતું હતું. પ્રચંડ પીડા થતી હતી, પરંતુ કોઈ વ્યક્તિ એવું ન કરે તો શ્વાસ રૂંધાવાને કારણે તેનું મોત થતું હતું.”
ઘણા કિસ્સામાં આ મોતની ગતિ ધીમી હતી અને શરીરનાં અનેક અંગ કામ કરતાં બંધ થવાને કારણે મોત થતું હતું.
ડૉ. સિલિયર્સને જણાવ્યા મુજબ, પીડિતોના મોતનાં કારણ અલગ-અલગ હતાં. શ્વાસ રૂંધાવાને કે શરીરમાંથી મોટા પ્રમાણમાં લોહી તથા પાણી વહી જવાને કારણે અને શરીરનાં અનેક અંગો કામ કરતાં બંધ થવાને કારણે પીડિતો મૃત્યુ પામતા હતા.
શૂળી પર લટકાવવામાં આવેલી વ્યક્તિનું મોત અનેક દિવસો પછી થાય ત્યારે આ સજાની ક્રૂરતા વધી જતી હતી.
કેટલાક લોકો તો ગણતરીના કલાકોમાં મૃત્યુ પામતા હતા. બાઇબલમાં જણાવ્યા મુજબ, ઈસુ ખ્રિસ્ત શૂળી પર ચડાવાયા પછી છ કલાક જીવંત રહ્યા હતા.
પ્રોફેસર પેરેઝે કહ્યું હતું કે, “શૂળી પર ચડાવવામાં આવેલી વ્યક્તિ જલદી મૃત્યુ પામે એટલા માટે કેટલાક કિસ્સામાં ફટકા મારીને તેમના ગોઠણ તોડી નાખવામાં આવતા હતા. તેથી શૂળી પર લટકેલી વ્યક્તિ પોતાના પગની માંસપેશીના ઉપયોગ વડે શ્વાસ લઈને ખુદને ઉપર ખેંચી શકતી ન હતી અને જલદી મૃત્યુ પામતી હતી.”
બાઇબલમાં જણાવ્યા મુજબ, રોમના સૈનિકોએ ઈસુ ખ્રિસ્તની બાજુમાં જ શૂળી પર ચડાવવામાં આવેલા બે ગુનેગારો સાથે આવું જ કર્યું હતું. જોકે, તેમના મામલામાં એવું કરવામાં આવ્યું ન હતું, કારણ કે તેઓ પહેલેથી જ મૃત્યુ પામ્યા હતા.

ક્રૂર સજાની નાબૂદી

ઇમેજ સ્રોત, Getty Images
રોમન સમ્રાટ કોન્સેટેંટાઇને શૂળીએ ચડાવાની સજા ચોથી સદીમાં નાબૂદ કરી હતી અને ખ્રિસ્તી ધર્મ અપનાવી લીધો હતો. તેઓ આવું કરનારા રોમના પહેલા સમ્રાટ બન્યા હતા.
તેમણે ધર્મને કાયદેસરતા આપી હતી. તેમના અનુયાયીઓને પરંપરાગત ધર્મોથી છીનવી લેવાયેલા વિશેષ અધિકાર આપવામાં આવ્યા હતા અને એ કારણે રોમન સામ્રાજ્યનું ખ્રિસ્તીકરણ થયું હતું.
જોકે, દુનિયાના કેટલાક દેશોમાં આ સજા આજે પણ આપવામાં આવે છે. 1597માં જાપાનમાં 24 ખ્રિસ્તી ધર્મપ્રચારકોને શૂળીએ ચડાવી દેવાયા હતા.
પોતાના ક્રૂર અતીત છતાં ‘શૂળી’ ખ્રિસ્તીઓ માટે ‘પ્રેમ ખાતર બલિદાન’નું પ્રતીક બની રહી છે.














