પૃથ્વીના પરિભ્રમણની ગતિ ધીમી પડી, શું ભવિષ્યમાં 25 કલાકનો દિવસ થઈ જશે?

ઇમેજ સ્રોત, eladelantado.com
- લેેખક, પારા પદાઇયા
- પદ, બીબીસી સંવાદદાતા
પૃથ્વી પોતાની ધરી પર પરિભ્રમણ કરે છે અને સાથે સાથે સૂર્યની ફરતે પરિભ્રમણ કરે છે. તેના કારણે દિવસ-રાત થાય છે અને ઋતુ બદલાય છે.
હાલમાં પૃથ્વીને એક પરિભ્રમણ કરવામાં અથવા એક ચક્કર પૂરું કરવામાં 24 કલાક અથવા 86,400 સેકન્ડ લાગે છે.
જોકે, છેલ્લા કેટલાક સમયથી પૃથ્વીના પરિભ્રમણની ગતિ ધીમી પડી છે. તેના કારણે દિવસ લાંબો થવા લાગ્યો છે. આ ફેરફાર બહુ મામૂલી અને અમુક મિલી સેકન્ડનો જ છે. હાલમાં દર 100 વર્ષે પૃથ્વી પર દિવસ 1.7 મિલીસેકન્ડ લાંબો થઈ રહ્યો છે.
સામાન્ય જીવન પર આની કોઈ અસર નથી પડતી, પરંતુ લાખો-કરોડો વર્ષમાં એક મોટો ફેરફાર થઈ શકે છે.
મિલીસેકન્ડની વૃદ્ધિ આગળ વધીને 20 કરોડ વર્ષમાં એક કલાક સુધી પહોંચશે. નાસાનું કહેવું છે કે ત્યારે પૃથ્વી પર એક દિવસ 24ના બદલે 25 કલાકનો થઈ જશે.
પૃથ્વીની ઉત્પતિનાં થોડાં વર્ષો બાદ સુધી એક દિવસમાં માત્ર 10 કલાક હતા. કેટલાક દિવસો 24 કલાકથી પણ વધુ લાંબા હતા, પરંતુ તે લાંબો સમય ટક્યા નહીં.
કૅલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજીમાં ગ્રહવિજ્ઞાનના પ્રોફેસર કૉન્સ્ટેન્ટિન બેટિગિને લાઇવ સાયન્સ વેબસાઇટને જણાવ્યું કે, "પૃથ્વીના પરિભ્રમણની ગતિ ધીમે ધીમે ઘટી રહી છે. તેના કારણે પૃથ્વી પર પડનારા પ્રભાવ સમયની સાથે બદલાતા રહે છે."
પૃથ્વીની સાથે ઘૂમનારી ઘડિયાળો

ઇમેજ સ્રોત, Getty Images
આજે પણ પૃથ્વીના પરિભ્રમણનો કોઈ નિશ્ચિત સમય નથી. ખગોળીય ઘટનાઓ અને ક્લાઇમેટ ચેન્જના કારણે દિવસની લંબાઈ અમુક માઇક્રોસેકન્ડ વધી અથવા ઘટી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પૃથ્વીના પરિભ્રમણનો નિશ્ચિત સમય રાખવા માટે સેકન્ડોનો સરવાળો કરીને તેને લીપ વર્ષ તરીકે ઓળખવામાં આવે છે.
1950ના દાયકામાં વૈજ્ઞાનિકોએ પૃથ્વીના પરિભ્રમણની ગતિ પ્રમાણે માઇક્રોસેકન્ડ અને નેનોસેકન્ડમાં સમયને રેકૉર્ડ કરવા માટે પરમાણુ ઘડિયાળો બનાવી હતી. આ ઘડિયાળો માઇક્રોસેકન્ડને પણ માપી શકે છે અને સચોટ સમય બતાવે છે.
તે નેનોસેકન્ડને પણ રેકૉર્ડ કરી શકે છે, જે એક સેકન્ડનો એક અબજમો ભાગ હોય છે.
વિશ્વભરમાં હાલમાં ઉપયોગમાં લેવાતો કોઑર્ડિનેટેડ યુનિવર્સલ ટાઇમ પણ આ પરમાણુ ઘડિયાળો દ્વારા બનાવાયો હતો. દુનિયાભરમાં 450 પરમાણુ ઘડિયાળો છે જેમાં નોંધાયેલા સમયની ગણતરી એક યુનિટ તરીકે કરવામાં આવે છે.
પરમાણુ ઘડિયાળો દ્વારા નિર્ધારિત સમય યુનિવર્સલ સ્ટાન્ડર્ડ સમયને નક્કી કરવાનો આધાર છે.
આપણા ફોન, કાંડા ઘડિયાળ અને ઉપગ્રહોમાં દેખાડવામાં આવતો સમય પણ તેના પર આધારિત હોય છે.
આ ઘડિયાળો એક સેકન્ડ માટે પણ અટકી જાય અથવા સમય રેકૉર્ડ કરવામાં કોઈ ખામી રહી જાય, તો આપણા કમ્પ્યુટર, ફોન, જીપીએસ સિગ્નલ અને સર્વરના સમયમાં પણ ગરબડ થશે.
પૃથ્વીની પરિભ્રમણની ગતિમાં 0.9 સેકન્ડ કરતાં વધારે તફાવત આવે ત્યારે પૃથ્વીના પરિભ્રમણની રેફરન્સ સિસ્ટમો દુનિયાભરની ઘડિયાળોમાં લીપ સેકન્ડ ઉમેરે છે.
ભારતમાં અમદાવાદ, ફરિદાબાદ, બૅંગલુરુ, ભુવનેશ્વર અને ગુવાહાટીમાં પરમાણુ ઘડિયાળો આવેલી છે. તો ઑપ્ટિક ફાઇબર દ્વારા એકબીજા સાથે જોડાયેલી છે. ભારતમાં આ ઘડિયાળોને નૅશનલ ફિજિકલ લૅબોરેટરી દ્વારા જાળવવામાં આવે છે.
આવું શા માટે થાય છે?

ઇમેજ સ્રોત, AFP via Getty Images
લગભગ 60 કરોડ વર્ષ અગાઉ પૃથ્વી પર એક દિવસ માત્ર 22 કલાકનો હતો. સંશોધનમાં જાણવા મળ્યું છે કે અગાઉ 14થી 18 કલાકના દિવસો પણ હતા. તે સમયે ચંદ્ર આજની તુલનામાં પૃથ્વીની વધુ નજીક હતો.
આ બધી વાતોને ધ્યાનમાં રાખીને એવું વિચારવું કે પૃથ્વી પર એક દિવસ માત્ર 24 કલાકનો હોય છે, તે કાયમી સ્થિતિ નથી. જોકે, આવાં પરિવર્તન થવામાં લાખો વર્ષ લાગી જાય છે.
પૃથ્વીના પરિભ્રમણના કારણે ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળથી મહાસાગરોની લહેરો વચ્ચે ઘર્ષણ થાય છે જે પૃથ્વીના પરિભ્રમણને ધીમું પાડે છે.
તેના કારણે પૃથ્વી પર 100 વર્ષમાં એક દિવસની લંબાઈ 1.7 મિલીસેકન્ડ વધી જાય છે. આ પ્રક્રિયા લાખો વર્ષથી ચાલે છે, પરંતુ બરફ પીગળવા જેવા ટૂંકા ગાળાના જળવાયુ પરિવર્તનથી પૃથ્વીના પરિભ્રમણની ગતિને અસર થાય છે.
નાસાના એક અભ્યાસ પ્રમાણે જળવાયુ પરિવર્તન, પૃથ્વી પર થઈ રહેલા ફેરફારો અને પૃથ્વીથી ચંદ્ર દૂર જવાના કારણે પૃથ્વીને એક ચક્કર પૂરું કરવામાં 25 કલાક લાગી શકે છે.
અપોલો મિશનમાં ભાગ લેનારા અંતરિક્ષયાત્રીઓએ ચંદ્રની સપાટી પર રાખેલા રિફ્લેક્ટરો પર લેસર છોડીને પૃથ્વીથી ચંદ્રની દૂર જવાની ગતિને સ્પષ્ટ રીતે માપી હતી.
તેમના સંશોધન પ્રમાણે દર વર્ષે ચંદ્ર પૃથ્વીથી 3.8 સેમી દૂર જઈ રહ્યો છે. જેમ જેમ આ અંતર વધતું જશે, તેમ તેમ દિવસ લાંબો થતો જશે.
લંડન યુનિવર્સિટીમાં રૉયલ હોલોવેના પ્રોફેસર ડેવિડ વાલ્થમ કહે છે કે આ બધું દરિયાની ભરતી-ઓટના કારણે થાય છે.
તેઓ પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના સંબંધનો અભ્યાસ કરે છે.

ઇમેજ સ્રોત, Getty Images
પૃથ્વીના પરિભ્રમણના કારણે ચંદ્રનું ગુરુત્વાકર્ષણબળ મહાસાગર પર અસર પાડે છે. પરિણામે સમુદ્રમાં કેટલીક લહેરો મોટી અને કેટલીક નાની થઈ જાય છે. તેના કારણે તેમની વચ્ચે ઘર્ષણ પેદા થાય છે. પરિણામે પૃથ્વીનું પરિભ્રમણ ઓછું થઈ જાય છે.
રોજિંદા આધાર પર આ કોઈ મોટો ફેરફાર નથી, પરંતુ લાંબા ગાળે તેમાં મોટો ફરક આવે છે.
તાજેતરમાં એક થયેલા એક વિશ્લેષણ પ્રમાણે 1600ના દાયકાના ઉત્તરાર્ધથી લઈને 100 વર્ષમાં પૃથ્વી પર એક દિવસની લંબાઈમાં 1.09 મિલીસેકન્ડનો વધારો થયો છે.
અન્ય અનુમાન અને બીજા ગ્રહણોના આધારે તે દર 100 વર્ષે 1.78 મિલીસેકન્ડ છે.
આમાંથી કોઈ વાત કદાચ મહત્ત્વપૂર્ણ ન લાગે, પરંતુ તે પૃથ્વીના 4.5 અબજ વર્ષના ઇતિહાસમાં એક મોટું પરિવર્તન દેખાડે છે.
હાલમાં પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર 3,84,400 કિલોમીટર છે.
જોકે, 3.2 અબજ વર્ષ અગાઉ ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર 2.70 લાખ કિલોમીટર હતું, જે હાલના અંતરના 70 ટકા થાય છે.
પૃથ્વીના પરિભ્રમણને ઘટાડવામાં ભારત અને ચીનની ભૂમિકા

ઇમેજ સ્રોત, Getty Images
નાસાએ અગાઉ ખુલાસો કર્યો હતો કે ચીન નિર્મિત એક વિશાળ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ થ્રી ગોર્જેસ ડેમના કારણે પૃથ્વીના પરિભ્રમણની ગતિ 0.06 માઇક્રોસેકન્ડ સુધી ધીમી પડી ગઈ છે.
આ ઉપરાંત ગ્લેશિયરો પીગળવા, ભૂગર્ભજળના સ્તરમાં ઘટાડો, સમુદ્રની સપાટીમાં વધારો, વગેરે કારણો પણ પૃથ્વીની ગતિને અસર કરે છે. તેના કારણે પૃથ્વી પોતાની ધરી પર વધારે ઝૂકી રહી છે.
ઉત્તર અમેરિકા અને ઉત્તર પશ્ચિમ ભારતમાં પીવા માટે, સિંચાઈ અને ઔદ્યોગિક હેતુઓ માટે પુષ્કળ પ્રમાણમાં ભૂગર્ભજળનો ઉપયોગ થઈ રહ્યો છે.
1993 અને 2010 વચ્ચે 2150 ગીગાટન ભૂગર્ભજળ ખેંચી કાઢવામાં આવ્યું હતું. તે ઑલિમ્પિક આકારના 86 કરોડ સ્વિમિંગ-પૂલના પાણી જેટલું થાય છે.
ભૂગર્ભજળ ઘટવાના કારણે પાણી એક સ્થળેથી બીજા સ્થળે મોટા પ્રમાણમાં સ્થળાંતરિત થઈ રહ્યું છે.
તેનું કારણ જમીનનું અસમાન વિતરણ છે, જેના કારણે પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી પડી રહી છે. સિયોલ નૅશનલ યુનિવર્શિટીના કી વૂન સોના નેતૃત્વમાં કરવામાં આવેલા સંશોધન પ્રમાણે પૃથ્વીની ધરી 31.5 ઇંચ (80 સેન્ટિમીટર) ઝૂકેલી છે.
આ સંશોધનમાં પણ જાણવા મળ્યું કે પાણીની ગતિ પૃથ્વીના પરિભ્રમણની ગતિને કેવી રીતે અસર કરે છે.
પાણીમાં વધારાના કારણે સમુદ્રના સ્તરમાં 0.24 ઇંચનો વધારો થયો છે.
તેાન કારણે પૃથ્વીના દ્રવ્યમાનમાં તફાવત પેદા થયો અને પૃથ્વીની ધરી દર વર્ષે 4.36 સેમીના દરે ઝૂકવા લાગી.
વૈજ્ઞાનિકોએ સૌથી પહેલાં વર્ષ 2000માં આ ફેરફારની નોંધ કરી હતી.
આવું કેમ થાય છે તે જાણવા માટે 10 વર્ષ સુધી સંશોધન કરવામાં આવ્યું.
દિવસમાં એક કલાક વધી જાય તો શું થાય?

ઇમેજ સ્રોત, Getty Images
નામ જાહેર ન કરવાની શરતે આઇએસઆરઓના એક ભૂતપૂર્વ વૈજ્ઞાનિકે કહ્યું કે દિવસની અવધિ વધારીને 25 કલાક કરવામાં આવે તો માનવી પર અનેક રીતે અસર પડશે. કેલેન્ડર અને ઘડિયાળ બદલાઈ જશે અને માનવીના જૈવિક પાસામાં પણ પરિવર્તન આવશે.
જોકે, જેમ જેમ દિવસની લંબાઈ વધે છે, તેમ તેનાથી વાકેફ રહેવું જરૂરી બની જાય છે.
25 કલાકનો દિવસ થાય તો ખંડ અને મહાસાગરોને અસર કરી શકે છે, નવા જીવમંડળ પેદા થઈ શકે છે. ચંદ્ર આપણાથી દૂર જશે તો તે નાનો દેખાવા લાગશે, તેનું ગુરુત્વાકર્ષણ બળ ઘટવાના કારણે સમુદ્રમાં ભરતી અને ઓટ ઘટી જશે.
દિવસનો સમય વધવાથી પૃથ્વી પર ઉષ્માના વિતરણમાં ફેરફાર થશે. પરિણામે હવામાનની પૅટર્ન પણ બદલાઈ શકે છે.
નવા નવા જૈવિક પ્રભાવ જોવા મળી શકે છે. ઘણા છોડ, જાનવર અને માનવી દૈનિક તાપમાન ચક્ર પર આધારિત હોય છે.
દિવસના તાપમાનમાં પણ એક કલાકનો વધારો થાય તો ભવિષ્યમાં અલગ અલગ જીવોએ પોતાની આદતમાં ફેરફાર કરવા પડશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












