શું હજારો વર્ષ પહેલાં વિલુપ્ત થયેલી પ્રજાતિઓને ફરીથી પેદા કરી શકાય છે?

ઇમેજ સ્રોત, Universal Images Group via Getty Images
એપ્રિલ 2025માં એક ખાનગી અમેરિકન કંપની કોલોસલ બાયૉસાયન્સિસ દ્વારા 17 સેકન્ડનો એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં વરુનાં બે નાનાં બચ્ચાં નજરે ચડે છે.
આ વરુનાં બચ્ચાંને કોલોસલ બાયૉસાયન્સિસ કંપનીએ બનાવ્યાં છે અને તેને રોમિયોલેસ અને રીમસ નામ આપ્યાં છે.
આ બંને નામ રોમની સ્થાપના કરનાર જોડિયા મિથક પાત્રનાં નામ પરથી રાખવામાં આવ્યાં છે. અમુક પ્રચલિત કિસ્સા મુજબ તેનો જીવ માદા વરુએ બચાવ્યો હતો.
જીનેટિક ઍન્જિનિયરિંગ કરનાર અમેરિકન કંપની કોલોસલ બાયૉસાયન્સિસે વરુની હજારો વર્ષો પહેલાં વિલુપ્ત થયેલ "ડાયર વુલ્ફ" પ્રજાતિઓનાં ડીએનએની મદદથી આ વરુનાં બચ્ચાંઓને બનાવ્યાં છે.
ત્યારબાદ આ ઘટના પર ચર્ચાઓ થવા લાગી છે અને આ સવાલ પણ ઊઠી રહ્યા છે કે શું આવું થવું જોઈએ?
આ લેખમાં આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે શું જાનવરોની પ્રજાતિઓને વિલુપ્ત થવાની વાત હવે ભૂતકાળ બની રહેશે? શું વિલુપ્ત થયેલી પ્રજાતિઓને ફરીથી પૃથ્વી પર લાવી શકાશે?
ભૂતકાળને જીવંત કરવાનો પ્રયાસ

ઇમેજ સ્રોત, COLOSSAL BIOSCIENCES
કોલોસલ બાયૉસાયન્સિસના પ્રમુખ સાયન્સ અધિકારી ડૉ. બૅથ શેપિરો જણાવે છે કે તેમણે 2015માં તેમના દ્વારા લખાયેલ પુસ્તકમાં ક્લૉનિંગની ચર્ચા કરી હતી. વધુમાં તે પુસ્તકમાં કહ્યું હતું કે વિલુપ્ત થયેલ કોઈ પણ પ્રજાતિઓનું ક્લૉનિંગ ન થઈ શકે પરંતુ આ નવી ઉપલબ્ધિએ તેમનું મંતવ્ય બદલ્યું છે.
જો તમે ટીવી ધારાવાહિક 'ગેઇમ ઑફ થ્રોન્સ' જોઈ હશે તો તેમાં ડાયર વુલ્ફનું ચિત્રણ છે. ડૉ. બૅથ શેપિરો મુજબ ડાયર વુલ્ફ એ કૂતરા અને શિયાળ સાથે જોડાયેલી એક પ્રજાતિ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પુરાતત્ત્વ વિજ્ઞાનીઓ મુજબ, ડાયર વુલ્ફના મળેલાં અંશો લગભગ અઢી લાખ વર્ષ જૂનાં છે. આ જાનવર ઉત્તર અમેરિકામાં જોવાં મળતાં હતાં અને છેલ્લા હિમયુગમાં એટલે કે લગભગ બાર હજાર વર્ષ પૂર્વે ડાયર વુલ્ફ વિલુપ્ત થઈ ગયાં હતાં.
ડૉ. બૅથ શેપિરો જણાવે છે કે બે વર્ષ પહેલાં તેમની કંપનીની એક બેઠકમાં ચર્ચા થઈ રહી હતી કે કઈ પ્રજાતિઓને ફરીથી જન્મ આપી શકાય છે?
આ મુદ્દાની ટૅક્નિકલ ,પારિસ્થિતિકી અને નૈતિકતા સાથે સંકળાયેલા પડકારો પર ચર્ચા થઈ હતી.
ડાયર વુલ્ફના જીનોમ મળ્યાના 18 મહિનાની અંદર રોમિયોલેસ અને રિમસનો જન્મ થયો.
જીનોમ એ કોઈ પણ પ્રાણીનાં બધાં જ ડીએનએનો સેટ હોય છે. આના માટે કોલોસલ બાયૉસાયન્સિસને સૌ પ્રથમ ડાયર વુલ્ફનાં ડીએનએની જરૂરત હતી.
ડૉ. બૅથ શેપિરોએ જણાવ્યું કે "અમને ડાયર વુલ્ફની 72 હજાર વર્ષ જૂની ખોપડી અને 13 હજાર વર્ષ જૂનો એક દાંત મળી આવ્યો હતો જેનાથી અમે પ્રાચીન ડીએનએ મેળવ્યું અને તેના જ ઉપયોગથી અમે આ બંને ડાયર વુલ્ફનાં સંપૂર્ણ જીનોમ સિક્વન્સ તૈયાર કર્યાં."
આ જીનોમ સિક્વન્સને ડાયર વુલ્ફની નજીકની પ્રજાતિ ગ્રે-વુલ્ફથી મેળવીને અધ્યયન કરાયું.
ડૉ. બેથ શેપિરોએ જણાવ્યું કે તેમણે આ જીનોમમાં અમુક બદલાવ કર્યાં જેથી ડાયર વુલ્ફની સૌથી મળતી પ્રજાતિ જન્મ લઈ શકે.
આ પ્રયોગના છેલ્લા તબક્કામાં ગ્રે-વુલ્ફનાં સેલ અને કોશિકાઓમાં ડાયર વુલ્ફનાં ડીએનએ ભેળવવામાં આવ્યાં અને ભૃણ(બચ્ચું) તૈયાર કરાવાયું.
જેને વિકસિત કરવામાં પાલતું કૂતરાંઓનો સરોગેટની જેમ ઉપયોગ કરવામાં આવ્યો એટલે કે ભ્રૂણને માદા કુતરાના ગર્ભાશયમાં નાખીને વિકસિત કરવામાં આવ્યાં.
ત્યારબાદ બચ્ચાંઓને સી- સેકશન સર્જરી દ્વારા જન્મ આપવામાં આવ્યો પરંતુ આના માટે ગ્રે-વુલ્ફને સરોગેટ કેમ ન બનાવાયાં?
આ મુદ્દા પર ડૉ. બૅથ શેપીરોએ કહ્યું કે અમારી પાસે કૂતરાંઓને સરોગેટ તરીકે ઉપયોગ કરવાનો વધારે અનુભવ અને જાણકારી છે. વધુમાં તેઓ જણાવે છે કે ખરેખર તો કૂતરાંઓ વુલ્ફનાં પાલતું સ્વરૂપ જ છે.
આ વાત પર સવાલો પણ ઉદ્ભવી રહ્યા છે કે 'ડાયર વુલ્ફનાં બચ્ચાંઓ' ખરેખર શું છે અને શું નહીં ?
ડૉ. બેથ શેપિરો જણાવે છે કે, "આ વાત સાચી છે કે તે હુબહુ ડાયર વુલ્ફની નકલ તો નથી. અમે તેમને ડાયર વુલ્ફ કહી રહ્યાં છીએ પરંતુ તમે એમને પ્રૉક્સી ડાયર વુલ્ફ અથવા તો કોલોસેલ ડાયર વુલ્ફ પણ કહી શકો છો. અમે તેમનામાં ગ્રે વુલ્ફના ગુણો પણ ભેળવ્યા છે."
વરુનાં બે બચ્ચાં ઑકટોબર 2024માં જન્મ્યાં હતાં અને ત્રીજું બચ્ચું આ વર્ષે જાન્યુઆરીમાં જન્મ્યું છે. ડૉ. બેથ શેપિરોએ જણાવ્યું કે આ બચ્ચાંઓને સંરક્ષિત જગ્યા પર રાખવામાં આવશે. તેમને જંગલોમાં છોડવાનો કંપનીનો ઇરાદો નથી.
વધુમાં તેઓ જણાવે છે કે કંપની આ બચ્ચાંઓને બીજાં બચ્ચાંઓના પ્રજનન માટે ઉપયોગ નથી કરવા માંગતી. કંપનીનો ઉદેશ્ય ફક્ત તે જાણવાનો છે કે આવાં પ્રાણી આપણા વાતાવરણમાં કઈ રીતે મોટાં થાય છે. તેમને સ્વસ્થ રાખવાનો જ તેમનો ઉદ્દેશ્ય છે.
કંપની સંરક્ષણ માટે આ પ્રક્રિયાનો ઉપયોગ કરવા માંગે છે. આશા છે કે આ ટૅક્નિકના ઉપયોગથી ઘણી લુપ્ત પ્રજાતિઓનું સંરક્ષણ કરી શકાશે.
ડૉ. બૅથ શેપિરોનું કહેવું છે કે લુપ્તપ્રાય પ્રજાતિઓનું સંરક્ષણ ખૂબ જ જરૂરી છે, પરંતુ સંરક્ષણની સાથે સાથે આ વિજ્ઞાની મદદ અને તેના ઉપયોગ દ્વારા દુનિયામાં જૈવ વિવિધતા બનાવી રાખવામાં મદદ મળશે.
કઈ પ્રજાતિઓ પર હવે વિલુપ્તિનો ખતરો છે?

ઇમેજ સ્રોત, Getty Images
હવે સવાલ એ થાય કે પ્રજાતિઓ વિલુપ્ત કઈ રીતે થાય છે?
યુકેની બેલફસ્ટ સ્થિત કિન્સ યુનિવર્સિટીના ઇવૉલ્યૂશનરી બાયૉલૉજીના અધ્યાપક ડૉ. ડેનિયલ પિંચેરા ડોનોસો કહે છે કે જીવ ઇતિહાસમાં ડોકિયું કરીએ તો પૃથ્વી પર 3.7 અબજ વર્ષોની અંદર જેટલી પણ પ્રજાતિઓ અસ્તિત્વમાં હતી, તેમાંથી 99 ટકાથી વધારે એટલે કે મોટા ભાગની પ્રજાતિઓ વિલુપ્ત થઈ ચૂકી છે.
"સૌથી મહત્ત્વની વાત તો એ છે કે અત્યારે પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતી પ્રાણીઓની 48 ટકા પ્રજાતિઓની સંખ્યા ઘટી રહી છે. એટલે કે જે પ્રજાતિઓ સુરક્ષિત લાગી રહી છે તેમની સંખ્યા પણ આ રીતે ઘટતી રહી તો આગળના દાયકાઓમાં તે પણ વિલુપ્ત થઈ જશે."
વિલુપ્તિ આંશિક પણ હોય શકે છે એટલે કે અમુક પ્રજાતિઓ વિશ્વના અમુક ભાગમાં ખતમ થઈ જાય પરંતુ બીજા ભાગમાં જીવિત હોય છે. પરંતુ જો તે પ્રજાતિ દરેક જગ્યાએ ખતમ થાય તો તે પ્રજાતિ વિલુપ્ત થઈ તેમ કહેવાય છે.
ડૉ. ડેનિયલ પિંંચેરા ડોનોસોનું માનવું છે કે પ્રજાતિઓની વિલુપ્તિનાં ઘણાં કારણો હોય શકે છે. દાખલા તરીકે તેમનો વધતો જતો શિકાર, અથવા તેમના વિસ્તારમાં તેવાં પ્રાણીઓને વસાવવા જેઓ તેમને ખતમ કરે દે છે. અને એક કારણ તો તે પ્રજાતિઓનો ધીમો પ્રજનન દર પણ હોય શકે છે.
વૈજ્ઞાનિકો દ્વારા પૃથ્વી પર આવી પાંચ ઘટનાની ઓળખ કરવામાં આવી હતી જેનાં કારણે મોટા પ્રમાણમાં જીવોની પ્રજાતિઓ વિલુપ્ત થઈ ગઈ હતી. એટલે કે મહાવિલુપ્તિ(મોટી સંખ્યામાં પ્રાણીઓના વિલુપ્તિ)નું કારણ બની હતી.
ડૉ. ડેનિયલ પિંંચેરા ડોનોસોએ કહ્યું કે "આપણે જાણીએ છીએ કે જે પાંચ મહાવિલુપ્તિની ઘટનાઓ બની છે તે જ્વાળામુખીના ફાટવાના કારણે, ઉલ્કાપિંડ ધરતી પર અથડાવાના કારણે અથવા તો પ્રાકૃતિક કારણોસર થઈ છે. ઉદાહરણ તરીકે મૅક્સિકોમાં ઉલ્કાપિંડના અથડાવાથી ડાયનોસોર ખતમ થઈ ગયા હતા."
તે ઘટના લગભગ 6.5 કરોડ વર્ષ પહેલાં બની હતી, આ જ પ્રમાણેની ઘટનાઓથી 20.5 કરોડ વર્ષ પૂર્વે પૃથ્વીની 90 ટકા પ્રજાતિઓ ખતમ થઈ ગઈ.
મહાવિલુપ્તિની આ પાંચ ઘટનાઓનું કારણ હજુ સુધી શોધાયું નથી. પરંતુ હવે છઠ્ઠી મહાવિલુપ્તિનો સમય નજીક આવી ગયો છે. ડૉ.ડેનિયલ પિંચેરા ડોનોસો મુજબ, માસ ઍક્સ્ટિંક્શન અથવા મહાવિલુપ્તિનો અર્થ એ છે કે જ્યારે ધરતી પર ઓછામાં ઓછી 70 ટકા પ્રજાતિ ખતમ થઈ જાય છે.
તેઓ જણાવે છે કે આપણે તે સમયમાં હજુ પહોંચ્યા નથી પરંતુ જૈવવિવિધતા ઝડપથી ઘટી રહી છે અને આપણે મહાવિલુપ્તિની તરફ આગળ વધી રહ્યા છીએ. આવું પણ કહેવાય છે કે મહાવિલુપ્તિ પછી ધરતી ઉપર જીવન બદલાઈ જશે. પરંતુ હવે કઈ પ્રજાતિઓનો વિલુપ્ત થવાનો ખતરો છે?
ડૉ.ડેનિયલ પિંચેરા ડોનોસો અનુસાર, ઘણા મોટાં સ્તનધારી પ્રાણીઓ પર વિલુપ્તિનો ખતરો છે જેમાં વ્હેલની અમુક પ્રજાતિઓ અને આફ્રિકાનાં મોટાં સ્તનધારી પ્રાણીઓનો સમાવેશ થાય છે. પરંતુ સૌથી મોટો ખતરો દેડકાંની પ્રજાતિઓને છે.
તેઓ જણાવે છે કે જળવાયુ પરિવર્તન, જમીનની અછત અને બીમારીઓનાં કારણે દેડકાં જેવાં ઊભયજીવી(જમીન અને પાણી બંને પર રહી શકે તેવા) પ્રાણી અન્ય પ્રાણીઓની સરખામણીમાં ઘણી ઝડપથી ખતમ થઈ રહ્યાં છે.
તેમની ઘણી પ્રજાતિઓ વિલુપ્ત થઈ ચૂકી છે અને અન્ય વિલુપ્તિના આરે છે. કોઈપણ પ્રજાતિના વિલુપ્ત થવાથી એક ચેઇન રિઍક્શન શરૂ થાય છે અને તેથી તેનાથી જોડાયેલ અન્ય પ્રજાતિઓ પણ વિલુપ્ત થવા લાગે છે. આ એક કારના ઍન્જિન સમાન છે જેમાં ઘણા અવયવો હોય છે પરંતુ એક નાના સ્ક્રૂના પડી જવાથી સંપૂર્ણ ઍન્જિન બંધ પડી શકે છે.
વિલુપ્ત થયેલ પ્રજાતિઓની વાપસી

ઇમેજ સ્રોત, Getty Images
ઘણા પ્રોજેક્ટ હજારો વર્ષ પહેલાં વિલુપ્ત થયેલ મેમથ જેવાં પ્રાણીઓને ફરીથી પેદા કરવા માટે ચાલી રહ્યા છે.
વિજ્ઞાન સંબંધિત બાબતોના પત્રકાર અને જીન ઍડિટિંગ એટલે કે જિનની પુન:રચના પર પુસ્તકોનાં લેખિકા ટોરિલ કૉર્નફેલ્ટ જણાવે છે કે, "જિન એડિટિંગની મદદથી વિલુપ્ત થયેલ પ્રજાતિઓને ફરીથી જીવંત કરવા ઓછામાં ઓછા 10 પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે."
તેમણે જણાવ્યું હતું કે, "ઘણા પ્રોજેક્ટ હજારો વર્ષો પૂર્વે વિલુપ્ત થયેલ મેમથ જેવા પ્રાણીઓને ફરીથી પેદા કરવા માટે ચાલી રહ્યા છે. ઘણા પ્રોજેક્ટ એવા પ્રાણીઓને પેદા કરવા ચાલી રહ્યા છે જે થોડાં વર્ષો પહેલાં જ વિલુપ્ત થયાં છે અથવા તો આજે વિલુપ્તિની અણી પર છે."
વધુમાં તેમણે કહ્યું હતું કે, "જે પ્રાણીઓને ફરીથી પેદા કરવાના પ્રયત્નો ચાલી રહ્યા છે તેમના તરફ લોકોનું હંમેશાંથી આકર્ષણ રહ્યું છે. ઉદાહરણ તરીકે મેમથ, ડાયર વુલ્ફ અથવા અમેરિકાનાં પૅસેન્જર પીજન અને ઉત્તરના સફેદ ગેંડા જે હવે બિલકુલ વિલુપ્તિની અણી પર છે. પરંતુ જો વિજ્ઞાનની મદદથી એક લાખ સફેદ ગેંડાઓને પેદા કરીને જંગલમાં છોડી દેવામાં આવે તો એક અઠવાડિયાના સમયમાં જ ગેરકાયદેસર રીતે શિકારીઓ તેઓને મારી નાંખશે. આવાં જ કારણોસર આ પ્રાણીઓ વિલુપ્ત થયાં છે. આ સમસ્યાનું સમાધાન હજુ થયું જ નથી."
વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીમાં આવેલ ક્રાંતિકારી ફેરફારોના કારણે અસંભવને સંભવ બનાવી શકાય છે. પરંતુ આ પ્રક્રિયા સરળ નથી.
ટોરિલ કૉર્નફેલ્ટ કહે છે કે જો બરફમાં જામેલો મેમથ પણ મળે તો પણ તેનું ડીએનએ ઘણું ખામીયુક્ત થઈ ચૂક્યું હોય છે.
"તેની પુન:રચના કરવી એટલે કે એક પ્રકારે કોઈ નવલકથાના હજારો ટુકડાઓનાં ફાટેલાં પાનાંઓને જોડીને તેને વાંચવાના પ્રયત્નો કરવા સમાન છે."
તેમણે કહ્યું હતું કે, "1980ના દાયકામાં તેવી ટૅક્નૉલૉજી બની હતી કે જેની મદદથી ડીએનએની પુનઃરચના કરીને તેનું અધ્યયન કરી શકાય.પરંતુ 1990ના દાયકામાં ડૉલી નામની ઘેંટીનો જન્મ ખૂબ મોટી ઉપલબ્ધિ સાબિત થઈ હતી, જેને ક્લૉન કરીને બનાવવામાં આવી હતી. એટલે કે કોઈ જીવિત પ્રાણીની હૂબહૂ નકલ બનાવવામાં હતી. પરંતુ આવું કરવા માટે જીવિત કોશિકાઓની જરૂર હોય છે."
2012માં જિન ઍડિટિંગના એક નવા સાધનનો આવિષ્કાર થયો જેને 'ક્રિસ્પર કેસ 9' કહેવાય છે. તેની મદદ વડે કોલોસલ બાયૉસાયન્સિસે ડાયર વુલ્ફનાં બચ્ચાં પેદા કર્યાં છે.
ટોરિલ કૉર્નફેલ્ટ કહે છે કે આ સાધનની મદદ દ્વારા જિન ઍડિટિંગ ખૂબ સટીક બની ગયું છે અને તેમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે.
તેઓ વધુમાં કહે છે કે સંરક્ષણ જ નહીં, પરંતુ કૃષિ વિજ્ઞાનમાં પણ 'ક્રિસ્પર કેસ 9'નો ઉપયોગ થઈ રહ્યો છે.
તેના કારણે જ વિલુપ્ત થઈ ગયેલ પ્રજાતિઓને ફરીથી જીવંત કરવાના સ્વપ્નો સાચા થઈ શકે છે. પરંતુ વિલુપ્ત થઈ ગયેલ પ્રાણીઓને ફરીથી પેદા કરવાના પ્રયાસ કરનાર લોકો આવું કેમ કરી રહ્યા છે?
ટોરિલ કૉર્નફેલ્ટ જણાવે છે કે "મારા મત પ્રમાણે તેનું મુખ્ય કારણ એ જિજ્ઞાસા છે.વસ્તુઓની સાથે પ્રયોગ કરીને દુનિયાને વધુ સારી રીતે સમજવાની જિજ્ઞાસાના કારણે દુનિયામાં ઘણી સારી શોધો થઈ ચૂકી છે જેનાથી આપણને ફાયદા થયા છે. પરંતુ આ પ્રયોગોની સાથે નૈતિકતાના ઘણા સવાલો સંકળાયેલા છે."
સમસ્યાઓ શું છે ?

ઇમેજ સ્રોત, Getty Images
વિલુપ્ત થયેલ પ્રજાતિઓને બનાવવાની સાથે સાથે ઘણા સવાલો પણ જોડાયેલા છે.
અમેરિકાના ઑરેગોન રાજ્યની લુઇસ ઍન્ડ ક્લાર્ક કૉલેજમાં દર્શનશાત્રના અધ્યાપક ડૉ. જે ઓડેનબો કહે છે કે, "જિન ઍડિટિંગ એ એક મહત્ત્વની ટૅક્નૉલૉજી છે પરંતુ આના ઉપયોગના કારણે વિલુપ્ત થયેલ પ્રજાતિઓને ફરીથી પેદા કરીને શું આપણે ઈશ્વર બનવાના પ્રયત્નો તો નથી કરી રહ્યા ને?"
તેઓ કહે છે કે, "એક ફિલોસોફર (દર્શનશાસ્ત્રી) હોવાના કારણે અમારે પરખવું પડે છે કે આના ફાયદાઓ નુક્સાનથી વધારે છે કે નહીં. સાથે સાથે આના વિરોધમાં કરવામાં આવી રહેલ દલીલોનું આંકલન પણ કરવું જોઈએ. વિલુપ્ત થઈ ગયેલ પ્રજાતિઓને પાછી લાવવાથી જોડાયેલા નૈતિકતાના મુદ્દાઓ પણ છે. આના ખરાબ પાસાં પણ છે."
આ મુદ્દા પર એક ચિંતા એ પણ વ્યક્ત થઈ રહી છે કે આનાથી લુપ્તપ્રાય પ્રાણીઓના સંરક્ષણના પ્રયાસો માટે જનસમર્થન ઘટી શકે છે.
ડૉ. જે ઓડેનબોએ કહ્યું,"એક ચિંતા એ પણ છે કે લોકોને એવું લાગવા માંડશે કે જો કોઈ પ્રજાતિ લુપ્ત થઈ પણ જાય છે તો તેને ફરીથી પેદા કરી શકાય છે. પહેલાં કહેવાતું હતું કે વિલુપ્ત થવું તે સ્થાયી હોય છે પરંતુ આવી ધારણા બદલી શકાય છે. લોકોને એવું લાગશે કે સંરક્ષણના પ્રયાસો પર વધારે ધ્યાન દેવાની જરૂર નથી."
એક સૈદ્ધાંતિક પ્રશ્ન એ પણ છે કે આ કેમનું નક્કી કરવું કે કઈ પ્રજાતિઓને ફરીથી પેદા કરાય?
ડૉ. જે ઓડેનબો કહે છે કે મેમથ જેવાં પ્રાણીઓને ફરીથી પૈદા કરવા પાછળ એક સારી દલીલ તે પણ છે કે તે વૃક્ષોને તોડી પાડીને બરફને કચડે છે અને તે કારણે બરફના ઓગળવામાં ઘટાડો થઈ શકે છે અને તેનાથી પર્યાવરણને ફાયદો થઈ શકે છે.
પરંતુ વિલુપ્તિ સાથે જોડાયેલ બીજા સવાલ એ પણ છે કે જે પ્રાણીઓને ફરીથી પેદા કરવામાં આવી રહ્યાં છે તે ખરેખર તેમના જેવાં જ નહીં પરંતુ તેમનાથી મળતી પ્રજાતિ છે.
ડૉ. જે ઓડેનબો માને છે કે જો આવું થયું તો તેનો મુખ્ય ઉદેશ્ય હાંસલ નહીં થઈ શકે અને તેનાથી આવી રીતે પેદા થયેલાં પ્રાણીઓનું જીવન પણ એકલવાયું થઈ શકે છે.
ડૉ. જે ઓડેનબો કહે છે કે, "લોકોને જિજ્ઞાસા છે કે જીનેટિક ઍડિટિંગ દ્વારા પેદા થયેલાં પ્રાણીઓ મૂળ પ્રાણીઓ જેવા છે કે નહીં. તેમને સંરક્ષિત પિંજરાઓમાં રાખવામાં આવશે અને જો તેઓ પ્રજનન નહીં કરી શકે તો ફરીથી વિલુપ્ત થઈ જશે.
"આનાથી લાગે છે કે આ પ્રોજેક્ટને ફક્ત જિજ્ઞાસાના કારણે ચલાવવામાં આવી રહ્યો છે સંરક્ષણ માટે નહીં. આ કામ ખાનગી કંપનીઓ કરી રહી છે અને બીજા વૈજ્ઞાનિકો નહીં."
આ વર્ષે એપ્રિલમાં કોલોસલ બાયૉસાયન્સિસે કહ્યું હતું કે તેને ડાયર વુલફને ફરીથી પેદા કરવાના પ્રયોગથી જોડાયેલ શોધકાર્ય ઍકેડેમિક જર્નલમાં સમીક્ષા માટે મોકલ્યો છે પરંતુ આને પ્રકાશિત થવામાં હજુ ઘણા મહિનાઓ લાગશે.
તો હવે પાછા ફરીએ મુખ્ય પ્રશ્ન પર - શું હવે પ્રજાતિઓનું વિલુપ્ત થવું ભૂતકાળની વાત છે? તો તેનો જવાબ છે ના.
કોલોસલ બાયૉસાયન્સિસ દ્વારા પેદા કરાયેલ ડાયર વુલ્ફનાં ત્રણ બચ્ચાં 100 ટકા ડાયર વુલ્ફ નથી. જોકે, આ ડિઍક્સટિંક્શનને વિકસિત કરવાની તરફ એક મોટું પગલું છે.
સંભવતઃ આ પણ સંરક્ષણનું એક માધ્યમ બની શકે છે પરંતુ ફક્ત એક જ વિલુપ્ત પ્રાણીને ફરીથી પેદા કરવા ખૂબ જ મહેનત અને પૈસાની જરૂર પડે છે.
સાથે સાથે આની સાથે સારું અને ખરાબ એમ ઘણા નૈતિક મુદ્દાઓ પણ જોડાયેલા છે.
તો, એ સ્પષ્ટ છે કે ડાયર વુલ્ફ પ્રજાતિ હજુ પણ વિલુપ્ત જ છે અને બીજા ઘણાં પ્રાણીઓની વિલુપ્તિનો ખતરો યથાવત્ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન












