ગુજરાત : ગીરનું એ ગામ જ્યાં સિંહ અને દીપડાના ભયથી લોકો પાંજરામાં પૂરાઈ જાય છે
ગુજરાતમાં આવેલું ગીર અભયારણ્ય અને તેની આસપાસનો વિસ્તાર એશિયન સિંહો માટે વિચરણ અને આશ્રયસ્થાન ગણાય છે.
ગુજરાતમાં સિંહોની સંખ્યા સતત વધી રહી છે અને એવામાં આસપાસ વિસ્તારોનાં ઘરોમાં પણ સિંહો આવી જતા હોય એવી ઘટનાઓ ઘટે છે.
કેટલાંક ગામોમાં તો એવી સ્થિતિ છે કે લોકો પાંજરામાં પૂરાયેલા રહે છે, જેથી સિંહ કે દીપડા જેવાં જંગલી પ્રાણીઓથી બચી શકાય.
રાની પશુઓ માનવ વસાહતોની નજીક વિચરણ કરતા થવાથી મેન-એનિમલ કૉન્ફ્લિક્ટ એટલે કે માનવો અને વન્યપ્રાણીઓ વચ્ચે ઘર્ષણના બનાવોમાં વૃદ્ધિ થવાની શક્યતા વધારે રહે છે તેમ નિષ્ણાતો જણાવે છે.
પરંતુ, વનવિભાગના અધિકારીઓ કહે છે કે સિંહો સામાન્ય સંજોગોમાં માણસો પર હુમલા કરતા નથી અને સૌરાષ્ટ્રના લોકો પ્રાણીઓ પ્રત્યે સંવેદના અને સહનશીલતા દાખવનાર લોકો હોવાથી માનવો અને વન્યપ્રાણીઓ વચ્ચે ઘર્ષણ વધવાની શક્યતા ઓછી છે. જોકે, દીપડા થોડો ઉપદ્રવ ફેલાવી રહ્યા છે.
સિંહોને કારણે 'હવે બળદ બહાર બાંધવામાં જોખમ'

ઇમેજ સ્રોત, ANI/Getty Images/Bipin Tankariya
અમરેલીના રાજુલા તાલુકામાં ધાતરવડી નદીના કાંઠે આવેલા ઝાપોદર ગામમાં સિંહો દોઢેક દાયકાથી અવરજવર કરી રહ્યાં હોવાનું આ ગામના 75 વર્ષના ખેડૂત આપાભાઈ ધાખડા જણાવે છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેમણે કહ્યું, "હું યુવાન હતો ત્યારે ગઢિયા (અમરેલીના ધારી તાલુકામાં ગીરની સરહદ નજીક) ગામે અમારા સંબંધીને ત્યાં જવાનું થતું. ત્યારે અમને ત્યાંના લોકો સિંહ બતાવતા હતા. અમે કોઈ દિવસ અમારા ગામમાં સિંહ જોયા નહોતા. અમે તો અમારી વાડીમાં રાત-દિવસ કામ કરતા અને રાત્રે વાડીમાં જ સૂઈ જતા."
"પરંતુ, 15-17 વર્ષ પહેલાં અમારા ગામમાં સિંહ અને દીપડા દેખાવા લાગ્યા અને છેલ્લા દસેક વર્ષથી તો તેઓ અમારા ગામમાં જ રહી ગયા છે. હવે વાડીમાં ખુલ્લામાં સૂઈ શકાતું નથી કારણ કે દીપડા ક્યારે હુમલો કરે તે નક્કી નહીં. મેં બળદ માટે વાડીમાં ફરજો (પશુ રાખવા માટે બનાવેલો શેડ) બનાવ્યો છે. હવે બળદને બહાર બાંધી શકતા નથી. સાવજ ગમે ત્યારે આવે અને તેને વીંખી નાખે."
સિંહના ભયને લીધે લોકો પાંજરામાં પૂરાઈ રહે છે

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA
રાજુલા તાલુકા નજીક જાફરાબાદના ભાકોદર ગામના વાતની અને ઝાપોદર ગામમાં ભાગીયા તરીકે ખેતી કરતા ભરતભાઈ બારૈયા (ઉ. 35 )નાં પત્નીનું છ મહિના પહેલાં તેમના દીકરા પ્રકાશને જન્મ આપતી વખતે મૃત્યુ થયું હતું. બે મહિના પછી તેમના વૃદ્ધ પિતા ખીમાભાઈનું પણ મૃત્યુ થયું.
તેથી ભરતભાઈ પર નવજાત દીકરા, પાંચ દીકરીઓ અને વૃદ્ધ માતાની સારસંભાળ રાખવાની સઘળી જવાબદારી પર આવી.
બીબીસી સાથેની વાતચીતમાં ભરતભાઈ કહે છે કે, "મારી સૌથી મોટી દીકરી દસ વર્ષની છે. માતાની ઉંમર પણ લગભગ 70 વર્ષ છે. મારે રાત્રે પણ વાડીમાં કામ કરવું પડે. હું જે વાડીમાં કામ કરું છું ત્યાં બારણાંબંધ કોઈ મકાન નથી. અમે જેમાં રહીએ છીએ તે ઝૂંપડી જેવું મકાન બે તરફથી ખુલ્લું છે."
"પત્નીના મૃત્યુ બાદ એક દિવસ અમારા મકાન નજીક એક દીપડો દેખાયો અને મને મારી બાળકીઓની સલામતીની ચિંતા થવા લાગી. તેથી, મેં દસેક હજારના ખર્ચે મકાનની અંદર એક પાંજરું બનાવ્યું અને દીકરીઓને તેની અંદર સુવડાવું છે કારણ કે મારે તો રાત્રે પણ વાડીમાં કામ કરવા જવું પડે."
ભરતભાઈ વધુમાં ઉમેરે છે, "સાતેક મહિના અગાઉ એક સાથે નવ સિંહ મારા કપાસના ખેતરમાં દેખાયા હતા. દીપડો અમારા એક-બે ગલૂડિયાં પણ લઈ ગયો. પણ, ગમે તે જાનવર હોય, આપણો નિયમ છે કે તેની પર ઘા નહીં કરવાનો."
ગુજરાતમાં સિંહની સંખ્યા

ઇમેજ સ્રોત, Getty Images
સત્તાવાર આંકડા મુજબ 2020માં સૌરાષ્ટ્રના 30,000 ચોરસ કિમી (ચો. કિમી) વિસ્તારમાં સિંહોની અવરજવર હતી તે 2025માં વધીને 35,000 ચો. કિમીમાં થઈ ગઈ છે.
કેટલાંક ગામોમાં તો સિંહો લગભગ દરરોજ રાત્રે શેરીમાં લટાર મારવા નીકળી પડે છે અને તે રીતે સોપો પાડી દે છે તેમ સ્થાનિક લોકો કહે છે.
માનવવસ્તીવાળા વિસ્તારોમાં સિંહો અને દીપડા જેવાં શક્તિશાળી માંસાહારી પ્રાણીઓ સ્થાયી થવાથી સૌરાષ્ટ્રના લોકોને પોતાની જીવનશૈલી અને મકાનો-આવાસોમાં ફેરફાર કરવાની ફરજ પડી છે.
રાજ્ય સરકારે 10-13 મે, 2025 દરમિયાન હાથ ધરાયેલ સોળમો સિંહ વસ્તી અંદાજ, 2025 જેને લોકો સામાન્ય રીતે સિંહ વસ્તી ગણતરી કહે છે તેનાં પરિણામ જાહેર કરી દીધાં છે.
સત્તાવાર રીતે જાહેર કરાયેલ આંકડા અનુસાર ગુજરાતમાં એશિયાઈ સિંહોની વસ્તી વધીને 891 થઈ ગઈ છે. આ વસ્તી 2020ના વર્ષમાં 674 હોવાનો અંદાજ હતો.
આમ, પાંચ વર્ષમાં રાજ્યમાં સિંહોની વસ્તીમાં 217 સિંહોનો એટલે કે 32.20 ટકાનો વધારો થયો છે.
રસપ્રદ બાબત એ છે કે સિંહોની કુલ વસ્તીમાંથી લગભગ અડધોઅડધ સિંહો તો રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો જેવા રક્ષિત વનવિસ્તારોની બહાર માનવોની વસ્તીવાળા રેવન્યૂ વિસ્તારોમાં વસવાટ કરી રહ્યા છે.
મહેસૂલી વિસ્તારો વનવિભાગના નિયંત્રણ હેઠળ નહીં, પરંતુ મહેસૂલ ખાતાના નિયંત્રણ હેઠળ હોય છે અને જમીનની માલિકી ખાનગી, સરકારી કે સંસ્થાઓની હોય છે અને આવા વિસ્તારોમાં માનવોની વસ્તી વધારે હોય છે. વળી, સત્તાવાર આંકડા મુજબ 2020માં સૌરાષ્ટ્રના 30,000 ચોરસ કિમી (ચો. કિમી) વિસ્તારમાં સિંહોની અવરજવર હતી તે 2025માં વધીને 35,000 ચો. કિમીમાં થઈ ગઈ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



