ગીરના સિંહો બાદ હવે ગુજરાત ચિત્તાઓનું પણ ઘર બનશે, ક્યાંથી લવાશે અને ક્યાં રખાશે?

ચિત્તા

ઇમેજ સ્રોત, CHARL SENEKAL

    • લેેખક, રુચિતા પુરબિયા
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતમાં ચિત્તાનું આગમન થઈ શકે એમ છે. ભારત સરકારે કચ્છમાં બન્નીનાં ઘાસનાં મેદાનોને ચિત્તાનું રહેઠાણ બનાવવાની યોજના ઘડી છે.

રાજ્યના વન અને પર્યાવરણમંત્રી મુળૂ બેરાએ આ અંગે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ 'એક્સ' પર જાહેરાત કરી છે. પોતાના સત્તાવાર એકાઉન્ટ પરથી તેમણે ટ્વીટ કર્યું, "વૈવિધ્યસભર ગુજરાતમાં ચિત્તાનું પુનઃઆગમન! એક સમયે ચિત્તાનો રહેણાક વિસ્તાર ગણાતા બન્ની ઘાસના મેદાનમાં ચિત્તાનું બ્રિડીંગ સેન્ટર બનાવવા અર્થે પ્રોજેકટ હાથ ધરીને કેન્દ્ર સરકારને સોંપવામાં આવ્યો હતો. હર્ષની વાત છે કે કેન્દ્ર સરકાર દ્વારા પ્રોજેક્ટ 'ચિત્તા કન્ઝર્વેશન બ્રિડીંગ સેન્ટર' નિર્માણને સ્વીકૃતિ અપાઈ છે, જેના પરિણામ સ્વરૂપ ગુજરાત ફરી ચિત્તાનું નિવાસસ્થાન બનશે."

એક સમયે સમગ્ર ભારતીય ઉપખંડમાં ચિત્તાનો વસવાટ હતો અને અર્ધ-રણ વિસ્તારો, ઝાડીવાળાં જંગલો તેમજ ઘાસનાં મેદાનોમાં એ ફરતા હોવાનું 'નિયોલિથિક' યુગનાં ગુફાચિત્રો સ્પષ્ટ કરે છે.

ચિત્તા રાજા-મહારાજાઓમાં ભારે લોકપ્રિય હતા. રાજવીઓ એમનો શિકાર પણ કરતા અને પાળતા પણ હતા. જોકે, 19મી સદીમાં ભારતીય ઉપખંડમાં ચિત્તાઓની સંખ્યામાં તીવ્ર ઘટાડો નોંધાયો. રાજાઓ અને બ્રિટિશરો દ્વારા કરાઈ રહેલા શિકારને કારણે એની સંખ્યા લગભગ દસ હજાર જેટલી જ રહી ગઈ. વર્ષ 1870થી 1925 સુધી તો ચિત્તાને મારવા બદલ પુરસ્કાર પણ એનાયત કરાતો હતો અને 20મી સદીના મધ્ય સુધીમાં ચિત્તા લુપ્ત થવાના આરે આવી ગયા.

1947માં, છેલ્લા એશિયાટિક ચિત્તાનો છત્તીસગઢના કોરિયાના મહારાજા રામાનુજ પ્રતાપસિંહ દેવના હાથે દુ:ખદ અંત આવ્યો. આ છેલ્લા ચિત્તાના મૃત્યુ સાથે, તેની વસતિ ભારતમાં શૂન્ય થઈ ગઈ અને સરકારે સત્તાવાર રીતે તેને લુપ્ત જાહેર કરી દીધા.

વિશેષજ્ઞોના મતે લગભગ 8,000 જેટલા ચિત્તાઓ આફ્રિકાનાં જંગલોમાં રહે છે, જ્યારે એશિયાટિક ચિત્તા અલ્પ પ્રમાણમાં ઈરાનમાં અસ્તિત્વ ધરાવે છે. વિશ્વભરમાં 50 કરતાં ઓછા એશિયાટિક ચિત્તાઓ હોવાનું જાણકારોનું માનવું છે.

ચિત્તાને ભારતમાં લાવવાના પ્રયાસો ક્યારથી થઈ રહ્યા છે?

ચિત્તા

ઇમેજ સ્રોત, ADRIAN TORDRIFFE

ભારતમાં ચિત્તાને પાછા લાવવાના પ્રયાસો છેક વર્ષ 1952થી જ ચાલુ છે.

ભારત સરકારે વર્ષ 2009માં ચિત્તાને ભારત લાવવાની યોજના ઘડી હતી પરંતુ, ભારતની સુપ્રીમ કોર્ટે વર્ષ 2013માં આ યોજનાને મનસ્વી અને ગેરકાયદેસર ગણાવીને નકારી કાઢી હતી. કોર્ટ મુજબ ગુજરાત એશિયાઈ સિંહોનું એક માત્ર ઘર છે અને એથી સિંહોને લુપ્ત થતાં બચાવવા માટે એને ગુજરાતની બહાર સ્થળાંતર કરાવવું વધારે મહત્ત્વપૂર્ણ છે.

જોકે, અગાઉના દૃષ્ટિકોણને ઊલટાવીને બાદમાં આફ્રિકામાંથી ભારતમાં ચિત્તા લાવવાની રજૂઆતને મંજૂરી અપાઈ હતી. એ સાથે જ ભારતમાં લુપ્ત થયાનાં લગભગ સિત્તેર વર્ષ પછી વર્ષ 2020માં ચિત્તાના ભારતમાં પુનરાગમન માટેની યોજના ઘડાઈ હતી.

આ યોજના અંતર્ગત આફ્રિકા અને નામિબિયામાંથી કુલ 20 ચિત્તાઓ ભારતમાં લાવવામાં આવ્યા હતા.

ભારતની જૂની ઇકૉસિસ્ટમમાં જે પ્રજાતીઓની બોલબાલા હતી, એના પુનર્વસન થકી એ જીવન-સાંકળને ફરીથી જીવંત કરવાના ઉદ્દેશના ભાગરૂપે ચિત્તાઓને ભારતમાં લવાયા છે.

બન્નીમાં ચિત્તાનું રહેઠાણ કઈ રીતે ઊભું કરાશે?

બન્ની

ઇમેજ સ્રોત, MULABHAI BERA/X

ઇમેજ કૅપ્શન, મુળૂભાઈ બેરાએ 'એક્સ' પર કરેલી જાહેરાત
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રવિ ચેલમ ભારતના અગ્રગણ્ય વન્યજીવ-નિષ્ણાત છે અને છેલ્લાં ત્રણ વર્ષથી તેઓ ચિત્તા અંગે અભ્યાસ કરી રહ્યા છે. બીબીસી સાથેની વાતચીતમાં તેઓ આ યોજનાને લઈને કેટલીક આશંકા વ્યક્ત કરે છે અને બન્નીમાં જ ચિત્તાને કેમ લવાઈ રહ્યા છે એવો સવાલ પણ કરે છે.

જોકે, એશિયાટિક સિંહો બાદ હવે ગુજરાત ચિત્તાઓનું પણ ઘર બને એવી યોજના ઘડાઈ છે. બન્નીમાં ચિત્તાઓને જંગલમાં નહીં છોડાય પણ મર્યાદિત જગ્યામાં એનું રહેઠાણ ઊભું કરવામાં આવશે.

કચ્છના વનવિભાગના મુખ્ય વનસંરક્ષક ડૉક્ટર સંદીપ કુમાર આ અંગે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવે છે, "કચ્છમાં બ્રિડીંગ સેન્ટર બનાવવાનો હેતુ ગુજરાતમાં ચિતાની વસતિ ઊભી કરવાનો અને નજીકના ભવિષ્યમાં ચિત્તાઓને દેશભરમાં મોકલવાનો છે."

ભારતમાં ચિત્તા માટે કયો વિસ્તાર યોગ્ય રહેશે એ માટે વર્ષ 2010માં 'વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા' દ્વારા એક વિગતવાર અભ્યાસ હાથ ધરાયો હતો અને એમાં કચ્છના બન્ની વિસ્તારને પણ ચિત્તાના સંભવિત વસવાટ માટે યોગ્ય સ્થળોની યાદીમાં સામેલ કરવામાં આવ્યો હતો.

ડૉ. સંદીપ કુમાર વધુમાં જણાવે છે, "ગુજરાત સરકારે ચિત્તા બ્રિડીંગ સેન્ટર માટે 500 હેક્ટરનો વિસ્તાર ફાળવ્યો છે. અહીં સુવિધાઓમાં વેટરનરી હૉસ્પિટલ, ક્વોરૅન્ટીન સેન્ટર, મૅટરનિટી હોમ, નર અને માદા ચિતા માટે આશ્રયગૃહો જેવી સુવિધાઓ ઊભી કરાશે. લગભગ નવ મહિનામાં ચિત્તાને ગુજરાતમાં લાવવાની યોજના છે. આ ચિત્તા દક્ષિણ આફ્રિકા કે નામિબિયાથી લવાશે અને આના માટે ગુજરાત સરકારે હાલમાં બે વર્ષ માટે બે કરોડ રૂપિયા ફાળવ્યા છે."

બન્નીનાં ઘાસનાં મેદાનોની ખાસિયત શું છે?

બન્ની

ઇમેજ સ્રોત, MULABHAI BERA/X

ચિત્તા એવાં જંગલોમાં રહે છે, જ્યાં ખુલ્લાં મેદાનો હોય અને એમાં એ રફ્તારથી દોડી શકે. આફ્રિકામાં ચિત્તા સવાના તરીકે ઓળખાતા આવા વિસ્તારોમાં જ રહે છે.

બન્નીમાં પણ ઘાસનાં આવાં જ મેદાનો છે અને એટલે ચિત્તા માટે એ યોગ્ય સ્થળ બની શકે છે. અલબત્ત, ચિત્તો એ વિસ્તારમાં રહે છે, જ્યાં વિપુલ પ્રમાણમાં શિકાર હોય. બન્નીમાં ચિત્તાના શિકારનું પ્રમાણ ઓછું છે. જોકે, એને વધારવા માટે પ્રયાસ હાથ ધરવા પડશે એવું 'વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા'ના અહેવાલમાં જણાવાયું છે.

આ અહેવામાંં જણાવાયું છે કે બન્ની અને કચ્છ રણ અભયારણ્યમાં આવતો દસ ટકા જેટલો વિસ્તાર વ્યૂહાત્મક રીતે મહત્ત્વનો બની શકે એમ છે અને આ વિસ્તાર 50થી વધારે ચિત્તાઓનું રહેઠાણ બનવા માટે પણ સક્ષમ છે.

ચિત્તાને ઝડપથી દોડવા માટે ઘાસના ખુલ્લા મેદાનની જરૂર પડે છે. મોટાં વૃક્ષો એની દોડને પ્રતિબંધિત કરે છે.

કચ્છનું રણ અભયારણ્યની સાથે બન્ની ઘાસનાં મેદાનો કચ્છ જિલ્લામાં અંદાજે 5000 km²ના વિસ્તારને આવરી લે છે. વળી, બન્નીનું હવામાન પણ ચિત્તાને અનુકૂળ આવે એવું છે.

આ વિસ્તારને ઉષ્ણકટિબંધના કાંટાળા જંગલ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો છે. પ્રદેશમાં વાર્ષિક તાપમાનમાં દૈનિક ભિન્નતા વધારે હોય છે. વળી રણ હોવાના લીધે ઉનાળાનું તાપમાન 50 સેલ્સિયસ જેટલું ઊંચું જઈ શકે છે.

સરકારે વર્ષ 2020માં ચિત્તાના રહેઠાણ વિશે વિશ્લેષણ કર્યું ત્યારે બન્નીનાં ઘાસનાં મેદાનોને ચિત્તા માટે સૌથી પસંદગીના સ્થળ તરીકે નોંધ્યું હતું.

અહીં વાર્ષિક સરેરાશ વરસાદ 250 મીમી હોય છે અને વારંવાર દુષ્કાળની સ્થિતિ સર્જાતી રહે છે. મોટા ભાગે જુલાઈ અને સપ્ટેમ્બર માસ વચ્ચે મહત્તમ વરસાદ નોંધાય છે.

જોકે, બન્નીમાં ચિત્તા માટે કોઈ અડચણ હોય તો એ છે અહીં ઘટી રહેલી વન્યપ્રાણીઓની વસતિ. અહીં ચીંકારા, નીલગાય તેમજ જંગલી ડુક્કરોની વસતિ ઘણી ઓછી છે. રવિ ચેલમ પણ આ જ બાબતે ચિંતા વ્યક્ત કરે છે. જોકે, ડૉ. સંદીપ કુમારના જણાવ્યા અનુસાર ચીત્તાના આહાર માટેની અહીં વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.

જ્યારે આફ્રિકામાંથી ભારતમાં ચિત્તા લવાયા

'પ્રોજેક્ટ ચિત્તા' અંતર્ગત આફ્રિકાના ચિત્તાઓની ભારતમાં ઘાસનાં મેદાનોમાં વસાહત ઊભી કરવાનો ભારત સરકારે નિર્ણય કર્યો હતો.

2022માં ભારતના મહત્ત્વાકાંક્ષી ચિત્તાના પુન: આગમન કાર્યક્રમ અંતર્ગત નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી ભારતમાં 20 વયસ્ક ચિત્તાઓ લાવવામાં આવ્યા હતા. જોકે, એમાંથી કુલ નવ ચિત્તાઓનાં મૃત્યુ થઈ ગયાં છે.

કેટલાક નિષ્ણાતો અનુસાર મૃત્યુનું પાછળ ભારત અને આફ્રિકાના દેશો વચ્ચેના હવામાનનો તફાવત જવાબદાર છે.