ભારતમાં વિદેશથી લવાયેલા ચિત્તાનાં ‘રહસ્યમય’ મૃત્યુ પાછળ શું છે કારણ?

ઇમેજ સ્રોત, Cheetah Conservation Foundation
- લેેખક, નીતિન શ્રીવાસ્તવ
- પદ, બીબીસી સંવાદદાતા
28 ફેબ્રુઆરી 2023ના ઈરાનમાં ‘પિરોઝ’ નામ ટ્રેન્ડ કરી રહ્યું હતું.
સોશિયલ મીડિયા પર લોકો #RIPPirouz લખીને તેને અલવિદા કહી રહ્યા હતા, તમામ કોશિશો છતાં પિરોઝની કિડની ફેઇલ થઈ રહી હતી અને તેને ઈરાનની સેન્ટ્રલ વેટરનરી હૉસ્પિટલમાં ડાયાલિસિસ પર રાખવામાં આવ્યો હતો, દસ માસની ઉંમર પૂરી થવામાં તેને માત્ર બે દિવસ બાકી હતા.
પિરોઝ તેની સાથે પેદા થયેલાં બચ્ચાં પૈકી એકલો જ આટલા લાંબા સમય સુધી જીવી શક્યો હતો. પાછલા વર્ષે એક માદા ચિત્તાએ કેદ દરમિયાન ત્રણ બચ્ચાંને જન્મ આપ્યો હતો.
ચિત્તાને પોતાને ત્યાં વસાવવાની ઈરાનની વધુ એક કોશિશ નાકામ થઈ હતીં, પરંતુ એક જમાનામાં ઈરાનમાં ચિત્તા હજારોની સંખ્યામાં જોવા મળતા હતા.
આ ઘટનાના લગભગ એક મહિના બાદ, 27 માર્ચના રોજ ભારતના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં સાશા નામના ચિત્તાનું પણ કિડની ફેઇલ થવાના કારણે મૃત્યુ થઈ ગયું હતું.
સાસા મૂળ નામીબિયાના એવા આઠ ચિત્તા પૈકી એક હતો જેને ગત સપ્ટેમ્બર માસમાં જ મધ્ય પ્રદેશના આ રાષ્ટ્રીય ઉદ્યાનમાં લાવીને વસાવવાની પહેલી કરાઈ હતી.

- ભારતમાં વર્ષ 1952માં ચિત્તાને વિલુપ્ત જાહેર કરી દીધો હતો
- તે બાદ ગત વર્ષે વડા પ્રધાન મોદીના જન્મદિવસે 17 સપ્ટેમ્બરના રોજ નામીબિયાથી આઠ ચિત્તા લાવવામાં આવ્યા
- અમુક મહિના બાદ દક્ષિણ આફ્રિકાથી 12 ચિત્તા લાવવામાં આવ્યા
- અમુક અઠવાડિયાં પહેલાં એક માદા ચિત્તાએ ચાર સ્વસ્થ બચ્ચાંને જન્મ આપ્યો
- 27 માર્ચના રોજ સાશા અને 22 એપ્રિલના રોજ ઉદય નામના ચિત્તાનાં મૃત્યુ થઈ ગયાં
- આવી રીતે કુનો નેશનલ પાર્કમાં હવે કુલ 22 ચિત્તા છે


ઇમેજ સ્રોત, Getty Images
સાશાનો ઇલાજ કરનારા મેડિકલ સ્ટાફ મુજબ, "એ કુનો આવ્યો એ બાદથી તેની તબિયત થોડી ખરાબ રહેતી હતી કારણ કે કદાચ નામીબિયામાં જ તેમની કિડનીમાં ચેપ લાગી ગયો હતો."
"તેથી જ તેને ‘બોમા’ ક્વોરૅન્ટીનવાળા વિસ્તારમાં જ વધુ રાખવામાં આવ્યો હતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પરંતુ હવે વધુ એક ચિત્તાનું મૃત્યુ થતાં મૃત્યુના કારણ અંગે વિચારવું જરૂરી લાગી રહ્યું છે.
આ રવિવારે, એટલે કે 22 એપ્રિલના રોજ, કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં વધુ એક ચિત્તા ઉદયનું મૃત્યુ અત્યંત રહસ્યમય પ્રકારે થયું હતું.
નામીબિયાથી આઠ ચિત્તા આવ્યા બાદ દક્ષિણ આફ્રિકાથી વધુ 12 ચિત્તા કુનો લાવીને વસાવાયા હતા. છ વર્ષનો ઉદય આ પૈકી જ એક હતો.
મધ્ય પ્રદેશના પ્રમુખ વાઇલ્ડલાઇફ વૉર્ડન જે. એસ. ચૌહાણે જણાવ્યું હતું કે, "ચિત્તાનું અમે દરરોજ ઇન્સ્પેક્શન કરીએ છીએ અને શનિવારે અમારી ટીમને ઉદય સંપૂર્ણપણે સ્વસ્થ મળી આવ્યો હતો."
"રવિવારે જ્યારે ટીમ નિરીક્ષણ માટે ગઈ ત્યારે ઉદય થોડો કમજોર લાગ્યો અને એ માથું નમાવીને ચાલી રહ્યો હતો."
"તે બાદ તેને ટ્રેંકક્વાલાઇઝ કરીને ઇલાજ માટે લવાયો પરંતુ એ દરમિયાન જ તેનું મૃત્યુ થઈ ગયું."
જે. એસ. ચૌહાણ અનુસાર, "પ્રારંભિક પોસ્ટમૉર્ટમ રિપોર્ટ હાર્ટ ઍટેક તરફ ઇશારો કરે છે. સમગ્ર રિપોર્ટ આવે એ વાતની રાહત જોવાઈ રહી છે. જેમાં બ્લડ ટેસ્ટ રિપોર્ટ સહિત તમામ બાબતો અંગે વિસ્તારપૂર્વક જવાબ મળશે."
બીબીસી સાથે થયેલી એક ખાસ વાતચીતમાં ચિત્તા કન્ઝર્વેશન ફંડનાં નિદેશક લૉરી માર્કરે સોમવારે નામીબિયાથી જણાવ્યું કે, "વૈજ્ઞાનિક તરીકે અમે લોકો નેક્રોપસી ટેસ્ટ – જેનાથી પ્રાણીઓના મૃત્યુ પાછળનું કારણ ખબર પડે છે -ની રાહ જોઈશું. સાથે જ જો સ્વાસ્થ્યસંબંધી કોઈ સમસ્યા થઈ રહી હોય તો તેનું સમાધાન શોધાશે જેથી ભવિષ્યમાં મૃત્યુ ન થાય."

ચિતા અને કિડની ફેઇલ થવાનો ઇતિહાસ

ઇમેજ સ્રોત, ADRIAN TORDIFFE
નોંધનીય છે કે ચિત્તાના મૃત્યુ થવા પાછળનું એક મોટું કારણ કિડની ફેઇલ થવાની સમસ્યા છે, જેને વૈજ્ઞાનિકો અને ડૉક્ટરોએ સંશોધન વડે સાબિત કરવાની કોશિશ કરી છે.
અમેરિકન સરકારના નેશનલ સેન્ટર ઑફ બાયટેકનૉલૉજી ઇન્ફર્મેશને વર્ષ 1967-2014 વચ્ચે 243 એવા ચિત્તા અંગે તપાસ કરી હતી જે કેદમાં રહી રહ્યા હતા.
એમિલી મિચેલના નેતૃત્વમાં કરાયેલ આ ગહન સંશોધનમાં જાણવા મળ્યું કે, “કેદમાં રહેતા કેટલાક ચિત્તામાં નાની ઉંમરેથી જ કિડની ખરાબ થવાનાં લક્ષણો દેખાવા લાગે છે, જે આગળ જતાં જીવલેણ સાબિત થાય છે.”
સંશોધન પરથી એવું તારણ આવ્યું કે કેદમાં કે અન્ય કોઈ કન્ટ્રોલ્ડ માહોલમાં રહેતા ચિત્તા મોટા ભાગે તણાવ લે છે, જેની અસર તેમની કિડની પર પણ પડે છે.
ચિત્તાના સંરક્ષણ માટે કામ કનારી પ્રખ્યાત સંસ્થા ‘ચિત્તા કંઝર્વેશન ફંડ’ના એક રિસર્ચ પેપરે પણ એ વાત તરફ ધ્યાન આપ્યું ચે કે ચિત્તામાં કિડની ફેઇલ થવાની શરૂઆતમાં જ કેવી રીતે પકડી શકાય જેનાથી તેનો સફળ ઇલાજ થઈ શકે.

મધ્ય પ્રદેશમાં ચિત્તા

ઇમેજ સ્રોત, ADRIAN TORDIFFE
તેથી મધ્ય પ્રદેશના 1.15 લાખ હેક્ટર ક્ષેત્રફળવાળા કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં છોડાય એ પહેલાં પાંચ-સાત વર્ષની ઉંમરવાળા તમામ 20 ચિત્તાને એક મહિના સુદી ક્વોરૅન્ટીન ઝોનમાં રખાયા હતા, જેનાથી તે આ આબોહવાથી ટેવાઈ શકે.
આગામી તબક્કામાં આ ચિત્તાને કોરૅન્ટીન ઝોનથી બહાર ચાર વર્ષ કિલોમિટર વિસ્તારમાં રાખવામાં આવ્યા, જેથી એ જંગલી પ્રાણીઓ અને શિકાર વગેરેથી ટેવાઈ શકે.
ભારતમાં નામીબિયાથી આઠ અને દક્ષિણ આફ્રિકાથી 12 ચિત્તા લવાયા, એ પૈકી હવે 18 જીવિત છે.
ભારત આવનારા ચિત્તાને અભયારણ્યોમાંથી જ લવાયા છે, જ્યાં સારી રીતે તેમનું પ્રજનન કરાય છે.
દક્ષિણ આફ્રિકામાં લગભગ 50 જેટલાં અભયારણ્ય છે, જેમાં 500 પુખ્ત ચિત્તા છે.
ચિત્તા કન્ઝર્વેશન ફંડનાં નિદેશક લૉરી માર્કરે બીબીસી સાથે થયેલી એક ખાસ વાતચીતમાં નામીબિયાથી જણાવ્યું કે, "આ પ્રોજેક્ટ માટે અમે ઘણી મહેનત કરી હતી અને આશા છે કે બધું ઠીક રહેશે."
"આ ચિત્તા સિંહો અને દીપડા સિવાય અન્ય પ્રાણીઓની આસપાસ રહીને મોટા થયા છે."
"ભારતમાં પણ તેઓ પોતાનું ઘર વસાવી લેશે. થોડો સમય આપો, બસ."
લૉરી માર્કર પ્રમાણે, તેમની "ટીમે કુનો રાષ્ટ્રીય ઉદ્યાનને આ ચિત્તાના વસવાટ માટે ખૂબ યોગ્ય ઠરાવ્યો હતો. તેથી તેમને અહીં લાવવામાં આવ્યા."
"હું જાતે પ્રથમ ખેપ સાથે ભારત આવ્યો હતો અને તમામ માપદંડ વિશ્વ સ્તરના છે.”

ચિત્તા વિશે જાણો રસપ્રદ જાણકારી

- વાઘ, સિંહ કે દીપડાની જેમ ચિત્તા ગર્જના નથી કરતા, તેમના ગળામાં આવો અવાજ કાઢી શકે એ માટેનું હાડકું નથી હોતું, તેઓ બિલાડીની માફક ધીમો અવાજ કાઢે છે અને ઘણી વખત ચકલીની જેમ અવાજ કરે છે.
- ચિત્તો વિશ્વનો સૌથી વધુ ઝડપથી દોડનાર જીવ છે પરંતુ એ ખૂબ લાંબા અંતર સુધી આ ઝડપે દોડી શકતો નથી, મોટા ભાગે ટૉપ સ્પીડ પર તેની દોડ 300 મિટર કરતાં વધુ નથી હોતી.
- ચિત્તો ભલે ખૂબ ઝડપથી દોડવા સક્ષમ હોય પરંતુ એ બિલાડી પ્રજાતિના અન્ય જીવોની માફક ઘણા સમય સુધી આરામ કરે છે.
- ગતિ પકડવા મામલે ચિત્તા સ્પૉર્ટ્સ કાર કરતાં પણ વધુ ઝડપ ધરાવતા હોય છે, શૂન્યથી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડવામાંં તેને ત્રણ સેકન્ડનો સમય લાગે છે
- ચિત્તાનું નામ હિંદીના શબ્દ ‘ચિત્તી’થી બનેલું છે કારણ કે તેના શરીર પરનાં નિશાન તેની ઓળખ હોય છે
- ચિત્તા બિલાડી પ્રજાતિના અન્ય જીવોની માફક રાત્રે શિકાર નથી કરતા
- ચિત્તાની આંખો નીચે જે કાળા પટ્ટા આંસુ માફક લાગે છે એ ખરેખર સૂર્યની તેજ રોશનીને રિફ્લેક્ટ કરે છે જેથી એ તાપમાં પણ ચોખ્ખું જોઈ શકે છે
સ્રોત – ઝૂલૉજિકલ સોસાયટી ઑફ લંડન

અનેક ચિંતાઓ
સમગ્ર વિશ્વમાં હાલ ચિત્તાની સંખ્યા લગભગ સાત હજાર છે, જે પૈકી અડધા કરતાં વધુ ચિત્તા દક્ષિણ આફ્રિકા, નામીબિયા અને બોત્સવાનામાં છે.
ભારતે વર્ષ 1950ના દાયકામાં ચિત્તાને વિલુપ્ત જાહેર કરી દીધો હતો. એ સમયે દેશમાં એક પણ જીવિત ચિત્તો નહોતો.
આવી સ્થિતિમાં આટલા મોટો માંસાહારી પ્રાણીને એક ખંડમાંથી બીજા ખંડનાં જંગલમાં લાવવામાં આવ્યું એવી આ પ્રથમ તક છે.
વિશેષજ્ઞ જણાવે છે કે જંગલી ચિત્તાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું કામ ખૂબ જ પડકારજનક હોય છે, કારણ કે ચિત્તા માણસોની નિકટતા અને પાંજરાંના કારણે તણાવગ્રસ્ત બની જાય છે.
વાઘો પર ઘણા સમયથી અભ્યાસ કરી રહેલા વાઇલ્ડ લાઇફ ફિલ્મમેકર અજય સૂરીએ જણાવ્યું કે, “વાઘોને બીજાં અભયારણ્યોથી અહીં લાવીને વસાવવાનું શક્ય છે, પરંતુ જ્યાં સુધી એ થઈ ન જાય, એ સમય સુધી આ અંગે અનુમાન ન કરી શકાય.”
આમ સપ્ટેમ્બરમાં કુનો આગમન બાદ ચિત્તાની સંખ્યામાં વધારો પણ થયો છે, કારણ કે 70 વર્ષ બાદ ચાર સ્વસ્થ ચિત્તાનો કુનોમાં જન્મ થયો હતો.














