ગુજરાત : ખેતરમાં નીલગાય-ભૂંડના આતંકને રોકવા શું નવો પ્લાન ઘડાયો?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ઋષિ બેનરજી
    • પદ, બીબીસી સંવાદદાતા

‘‘મેં બે વખત ખેતરમાં મકાઈ વાવી હતી. જે દિવસે વાવણી કરી એ જ રાત્રે 30-40 જંગલી ભૂંડનો ટોળું મારા ખેતરમાં આવીને જમીનમાં જે દાણા નાંખ્યા હતા એ ખાઈ ગયા. મેં ફરીથી મકાઈના દાણા નાંખ્યા તો ફરીથી એક મોટું ટોળું આવીને બધું ખેદાનમેદાન કરી ગયું.’’

‘‘માત્ર જંગલી ભૂંડ જ નહીં પરંતુ નીલગાયનો પણ એટલો જ ત્રાસ છે. વાડ અને ઝટકા મશીન હોવા છતાં નીલગાય કૂદીને ખેતરની અંદર આવી જાય છે અને ઊભો પાક નષ્ટ કરી દે છે. ખેડૂતો ખૂબ જ મુશ્કેલ સ્થિતિમાં છે.’’

બનાસકાંઠા જિલ્લાના ચોથાનેસડા ગામના ખેડૂત ભીખાભાઈ પરમાર પોતાના પાકના બચાવવા માટે વિવિધ તરકીબો અજમાવી ચૂક્યા છે. તમામ તરકીબો છતાં તેમની મુશ્કેલીઓનો પર ન હોવાની જણાવતાં તેઓ ઉપરોક્ત વાત કરે છે.

તેઓ કહે છે કે રાત્રે ખેતરની રખેવાળી કરવાનું કામ એ આ જિલ્લાના તેમના જેવા અનેક ખેડૂતના જીવનનો જાણે એક ભાગ બની ગયો છે.

આવી જ કહાણી કચ્છ જિલ્લાના ચપરેડી ગામના ખેડૂત ભીમજીભાઈ કેસરિયાની પણ છે, જેમણે નીલગાયથી પોતાના પાકને બચાવવા માટે સાત ફૂટ ઊંચી વાડ બનાવી છે. તેમ છતાં ઘણી વખત નીલગાય ખેતરમાં ઘૂસી જાય છે.

ગુજરાતના સૌરાષ્ટ્ર, બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લાના ખેડૂતોને નીલગાય અને જંગલી ભૂંડના ઉપદ્રવને કારણે ખેડૂતોને ઘણું નુકસાન ભોગવવું પડી રહ્યું હોવાની ફરિયાદ છે.

ખેડૂતોના જણાવ્યાનુસાર આ જિલ્લાઓમાં ખેડૂતોની વિસ્તારની ઓળખસમા રાઈ, જીરું, એરંડા, મગ, મઠ, જુવાર અને બાજરાના પાકમાં વ્યાપક નુકસાન વેઠવું પડી રહ્યું છે.

ભૂંડ અને નીલગાયના આ ‘આતંક’ને નિયંત્રિત કરવા અને ખેડૂતોને પડી રહેલી મુશ્કેલીઓના નિવારણ માટે વનવિભાગ દ્વારા હવે એક યોજના શરૂ કરાઈ છે. જે ભૂંડ-નીલગાય અને ખેતીમાં તેમના કારણે સર્જાતી સમસ્યાનો સંતુલિત ઉકેલ સાબિત થઈ શકે છે.

ખેડૂતોને વેઠવી પડતી નીલગાય અને ભૂંડની સમસ્યા પર નિયંત્રણ મેળવવા માટે વનવિભાગે ઘડેલી યોજના અંતર્ગત જૂનાગઢના સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં જન્મેલાં વરુઓને તાલીમ આપ્યા બાદ જંગલ વિસ્તારમાં છોડવાનાં છે. જેથી નીલગાય અને ભૂંડની વસતી પર કાબૂ મેળવી શકાય અને આ પ્રાણીઓની સંખ્યાને કુદરતી રીતે કુદરતી સંતુલિત કરી શકાય.

આ યોજના વિશે જાણીએ એ પહેલાં ગુજરાતના ખેડૂતો માટે ભૂંડ અને નીલગાયના કારણે ભોગવવા પડતા નુકસાનની સમસ્યા કેટલી વિકટ છે એ પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કરીએ.

ખેતીને કેટલું નુકસાન થઈ રહ્યું છે?

લોદરાણી ગામના ખેડૂત શ્રવણભાઈ મનવરના ખેતરને જંગલી ભૂંડના ઝૂંડે આ રીતે ખોદી નાખી છે

ઇમેજ સ્રોત, PARESH PADHIYAR

ઇમેજ કૅપ્શન, લોદરાણી ગામના ખેડૂત શ્રવણભાઈ મનવરના ખેતરને જંગલી ભૂંડના ઝૂંડે આ રીતે ખોદી નાખી છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જંગલી ભૂંડના કારણે સૌરાષ્ટ્ર અને બનાસકાંઠા – સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને ભોગવવાનો વારો આવી રહ્યો છે. કચ્છ જિલ્લામાં પણ ભૂંડની વસતી છે, પરંતુ ત્યાંના ખેડૂતોને વધુ નુકસાની નીલગાયના કારણે થઈ રહી છે.

એક અંદાજ મુજબ અને સૌરાષ્ટ્ર, બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને કચ્છના ઘાસનાં મેદાન અને વનવિસ્તારમાં 30 હજારથી વધુ નીલગાય છે અને એટલી જ સંખ્યામાં જંગલી ભૂંડ છે. નીલગાય અને જંગલી ભૂંડ ખેતરમાં ઘૂસીને પાકને બરબાદ કરી નાખે છે.

આ પ્રાણીઓને કારણે થતા નુકસાન અંગે વાત કરતાં બનાસકાંઠા જિલ્લાના લોદરાણી ગામના ખેડૂત શ્રવણભાઈ મનવર કહે છે કે, ‘‘ભૂંડનાં ટોળાં સમગ્ર ખેતરને વેરવિખેર કરી નાંખે છે. મેં જુવાર અને બાજરાનું વાવેતર કર્યું હતું, પરંતુ ભૂંડના એક મોટા ટોળાએ ઊભા મોલને બરબાદ કરી નાખ્યો.”

ભૂંડ અને નીલગાયના ત્રાસથી બચવા માટે ખેડૂતો દ્વારા અપનાવાઈ રહેલી વ્યૂહરચના અંગે તેઓ કહે છે કે, “ભૂંડ-નીલગાયનો ત્રાસ એટલો વધી ગયો છે કે ઘણા ખેડૂતો માત્ર જીરું-એરંડાનો પાક લેવા લાગ્યા છે, કારણ કે ભૂંડ અને નીલગાય તેને નુકસાન પહોંચાડતાં નથી.”

તેઓ કહે છે કે સારા ભાવની આશા હોવા છતાં આ વિસ્તારોમાં ખેડૂતો પોતાની મરજી મુજબ પાક લઈ શકતા નથી, જેના કારણે તેમને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવે છે.

ભીખાભાઈ અને ભીમજીભાઈ પણ ખેડૂત પોતાની મરજી અનુસાર પાક ન લઈ શકતો હોવાની મુશ્કેલી પડતી હોવાની વાત સ્વીકારે છે.

તેમના અનુસાર અન્ય કોઈ પાકની વાવણી કરાય તો તે નષ્ટ થવાનું જોખમ રહે છે અને તેથી ખેડૂતો પાસે માત્ર બે જ વિકલ્પ રહે છે, કાં તો રાત્રે જાગીને પાકની રખેવાળી કરો અથવા વાડ લગાવો.

ખેડૂત ભીખાભાઈ પરમાર પાકને નુકસાનથી બચાવવા કરવા પડતા પ્રયાસો અને તેની સાથે જોડાયેલી મુશ્કેલીઓ અંગે વાત કરતાં કહે છે કે, ‘‘ખેતર ફરતે વાડ બનાવવા માટે ઘણો ખર્ચ થાય છે. પ્રતિ ફૂટનો ખર્ચ 300 રૂપિયા છે. બધા ખેડૂતોને આ ખર્ચ પોસાય એમ નથી. સરકાર વાડ માટે સબસિડી આપવાની વાત કરે છે, પરંતુ ખેડૂતોને એ મળતી નથી.’

ભૂજ તાલુકાના કાળી તલાવડી ગામના શિવાજી આહીર વિવિધ પાકોની ખેતી કરે છે. તેઓ કહે છે કે સમગ્ર કચ્છ જિલ્લાના ખેડૂતોને નીલગાયના કારણે મોટું નુકસાન થઈ રહ્યું છે.

તેઓ કહે છે કે, ‘‘બે વર્ષ પહેલાં મારી પાંચ એકર જમીનમાં ખારેકના ઊભા પાકને નીલગાયના ટોળાએ ખેદાનમેદાન કરી દેતાં અમે ખેતરની ચારે બાજુ વાડ કરી દીધી છે. આ માટે અમારે ઘણો ખર્ચ કરવો પડ્યો છે પણ તે સિવાય છૂટકો નહોતો. ઘણા ખેડૂતો હવે સુંગધિત પાકની ખેતી કરે છે જેથી નુકસાનીથી બચી શકાય.’’

વનવિભાગની નીલગાય-ભૂંડની સમસ્યાના ઉકેલ માટેની યોજના

વરુનો સંવર્ધન અને ઉછેર બાદ જંગલમાં મુક્ત કરનાર ભારત વિશ્વનો બીજો દેશ બન્યો છે

ઇમેજ સ્રોત, PARESH PADHIYAR

ઇમેજ કૅપ્શન, વરુનો સંવર્ધન અને ઉછેર બાદ જંગલમાં મુક્ત કરનાર ભારત વિશ્વનો બીજો દેશ બન્યો છે

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયના રૅન્જ ઑફિસર નીરવકુમારે આ યોજના અંગે મહત્ત્વપૂર્ણ વિગતો આપી હતી.

તેમણે કહ્યું હતું કે, ‘‘નીલગાય અને ભૂંડ ઊભા પાકને નુકસાન કરે છે, જેનાથી ખેડૂતોને વ્યાપક નુકસાન થાય છે. રાજ્ય સરકાર ખેડૂતોને વિવિધ રીતે મદદ કરતી હોય છે, પરંતુ વરુ એ કુદરતી રીતે તેમની વસતી પર કાબૂ મેળવવામાં મદદ કરે છે.’’

‘‘ભારતીય વરુ એ કુદરતી આહારશૃંખલામાં એક મહત્ત્વની કડી છે, જે તેને સંતુલિત રાખવામાં ઉપયોગી ભૂમિકા ભજવે છે. વરુનો મુખ્ય ખોરાક નીલગાયનાં બચ્ચાં, ભૂંડની સાથોસાથ ઘેંટાં, બકરાં અને અન્ય નાના પ્રાણી છે. વરુને કારણે નીલગાય સહિત અન્ય પ્રાણીઓની વસતી નિયંત્રણમાં રહે છે.’’

અધિકારીઓએ આપેલી માહિતી અનુસાર વરુને જંગલમાં છોડવાની તૈયારીના ભાગરૂપે ગુજરાતમાં દસ જેટલાં વરુને સૉફ્ટ રિલીઝ સેન્ટરમાં મૂકી તાલીમ અપાઈ રહી છે.

તેઓ વધુમાં જણાવે છે કે વરુ સામાન્યપણે પૅક અથવા ટોળામાં રહે છે. એક ટોળામાં પાંચ અથવા છ વરુ હોય છે, જેમાંથી એક વરુ મુખી હોય છે, જે નર અથવા તો માદા હોઈ શકે છે. તેઓ કુદરતી આહારશૃંખલામાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે.

નોંધનીય છે કે ગુજરાત વનવિભાગ લાંબા સમયથી આ યોજના પર કામ કરી રહ્યો છે. યોજનાના પ્રથમ બે તબક્કામાં અધિકારીઓના મતે વનવિભાગને સફળતા મળી છે એટલે હવે વિભાગને આશા છે કે અન્ય તબક્કામાં પણ ધાર્યું પરિણામ મળશે.

વરુને જંગલમાં મુક્ત કરનાર ભારત વિશ્વનો બીજો દેશ

ભારતીય વરુ એ કુદરતી આહાર શ્રૃંખલામાં એક મહત્ત્વની કડી છે

ઇમેજ સ્રોત, HANIF KHOKHAR

ઇમેજ કૅપ્શન, ભારતીય વરુ એ કુદરતી આહારશૃંખલામાં એક મહત્ત્વની કડી છે

પાછલાં અમુક વર્ષોથી શિકાર અને અન્ય કારણોના લીધે વરુની વસતી ઘટવા લાગતાં ભારત સરકારે વરુના સંવર્ધન માટે કાર્યક્રમ ઘડ્યો છે.

પ્રથમ તબક્કામાં જૂનાગઢસ્થિત સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં વરુઓ માટે સંવર્ધન કાયક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં ઇન્ડિયન ગ્રે વુલ્ફનું (વરુ) બ્રીડિંગ સેન્ટર છે, જે 2014થી કાર્યરત છે.

અહીં બ્રીડિંગ થકી નવાં બચ્ચાંનો જન્મ થાય તે માટેના પ્રયાસ કરવામાં આવે છે, જેનાં સારાં પરિણામ પણ મળ્યાં છે. વર્ષ 2018માં બ્રીડિંગ સેન્ટરમાં બે બચ્ચાંનો જન્મ થયો હતો, 2019માં 14 અને 2020માં સાત બચ્ચાં જન્મ્યાં હતાં.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં વન્યપ્રાણી વિભાગનાં મુખ્ય વનસંરક્ષક આરાધના સાહુ કહે છે કે, ‘‘સંવર્ધન કાર્યક્રમ શરૂ કરવા માટે વર્ષ 2015માં અન્ય રાજ્યોમાંથી છ વરુ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં લાવવામાં આવ્યાં હતાં. 2018માં અમને પરિણામ મળવાનું શરુ થયું અને તે બાદ અમે ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યા છીએ. હાલ દર વર્ષે 20-25 બચ્ચાંનો અહીં જન્મ થાય છે.’’

અધિકારીઓએ આપેલી વિગતો અનુસાર જન્મ બાદ વિવિધ રીતે બચ્ચાંનું મૉનિટરિંગ કરવામાં આવે છે. તેમની અંદર રોગપ્રતિકારક ક્ષમતા વધે અને સ્થાનિક આબોહવા સાથે તાલમેલ બેસાડી શકે તે માટેની તાલીમ આપવામાં આવે છે. ત્યાર બાદ વરુઓને શિકાર કરવાની, ઝૂંડમાં રહેવાની અને રક્ષણ માટેની ટ્રેનિંગ પણ આપવામાં આવે છે.

આરાધના સાહુ કહે છે કે, ‘‘જંગલમાં જતા પહેલાં વરુઓને વિવિધ તબક્કાઓમાંથી પસાર થવાનું હોય છે. મોટાં થાય ત્યારે માદા અને નર વરુને એક પૅક (ઝૂંડ) બનાવીને કઈ રીતે રહેવું તે બાબતની તાલીમ આપવામાં આવે છે. પાંજરામાં તેઓ એકબીજા સાથે હળીમળી જાય અને નાનાં પ્રાણીઓ જેમ કે સસલાં, મરઘાંનો અને જંગલી પક્ષીઓનો શિકાર કરી શકે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવે છે.’’

તેઓ વધુમાં જણાવે છે કે જંગલમાં રહેતા અન્ય જીવોને ઓળખવા અને પોતાની રીતે ટકી રહેવાની તાલીમ પણ અપાય છે.

સક્કરબાગ ઝુના રેન્જ ઑફિસર નીરવ કુમાર

ઇમેજ સ્રોત, HANIF KHOKHAR

ઇમેજ કૅપ્શન, સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયના રૅન્જ ઑફિસર નીરવકુમાર

જ્યારે પૅકમાં રહેતાં વરુ આપમેળે શિકાર કરતાં થઈ જાય અને વનમાં રહેવાની ક્ષમતા ધરાવતાં થઈ જાય ત્યારે તેમને વુલ્ફ સૉફ્ટ રિલીઝ સેન્ટરમાં છોડવામાં આવે છે. સામાન્યપણે ચાર હેક્ટર વિસ્તારમાં ફેલાયલા આવા સેન્ટરમાં ઘાસનાં મેદાન, વનવિસ્તાર અને બીજી પ્રાકૃતિક સુવિધાઓ હોય છે.

અહીં વરુઓ આપમેળે ભૂંડ, નીલગાય, જંગલી પક્ષીઓ અને અન્ય વન્યજીવનો શિકાર કરે એવો માહોલ તૈયાર કરવામાં આવે છે.

સૉફ્ટ રિલીઝ સેન્ટરમાંથી છોડવામાં આવતાં વરુ જંગલામાં પૅક બનાવીને રહે છે અને કુદરતી ફૂડ ચેઇનને સંતુલિત કરવાનો પ્રયાસ કરે છે. જંગલમાં છોડ્યા બાદ પણ વનવિભાગના કર્મચારીઓ સતત વરુ ઉપર નજર રાખતાં હોય છે.

હાલમાં ગુજરાતમાં ત્રણ વુલ્ફ સૉફ્ટ રિલીઝ સેન્ટર છે, જે બનાસકાંઠા જિલ્લાના સુઈગામમાં, અમરેલી જિલ્લામાં આવેલા આંબરડી સફારી પાર્કમાં અને દેવાલીયા સફારી પાર્કમાં આવેલાં છે.

સુઈગામ સેન્ટરની શરૂઆત 13 ઑગસ્ટ 2023ના રોજ થઈ હતી અને હાલ ત્યાં પાંચ વરુ છે. આંબરડી સફારી પાર્કમાં સ્થિત સૉફ્ટ રિલીઝ સેન્ટરમાં છ વરુને તાલીમ અપાઈ રહી છે.

વનવિભાગ અનુસાર તાલીમ પામેલા વરુ બનાસકાંઠા, સૌરાષ્ટ્ર, કચ્છ, ગીર અને પૂર્વ ગીરના આંબરડી વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે. અહીં અગાઉ પણ વરુની વસતી હતી અને એટલે જ વનવિભાગને આશા છે કે તેમનો પ્રયત્ન સફળ રહેશે.

મહત્ત્વની વાત એ છે કે વરુનો સંવર્ધન અને ઉછેર બાદ જંગલમાં મુક્ત કરનાર ભારત વિશ્વનો બીજો દેશ બન્યો છે.

શું પ્રોજેક્ટ સફળ થશે?

એક સ્વાભાવિક પ્રશ્ન થાય છે કે શું સફળ થશે

ઇમેજ સ્રોત, PARESH PADHIYAR

વરુની વસતી વધારવા અને ખેડૂતોના લાભ માટે વનવિભાગનો આ પ્રોજેક્ટ સફળ થશે ખરો?

આ પ્રશ્નના જવાબમાં આરએફઓ ચેતનસિંહ બારડ કહે છે કે, ‘‘વરુ એક શરમાળ અને મુખ્યત્વે રણની કાંધીમાં વસવાટ કરનાર પ્રાણી છે, જે ભાગ્યે જ માનવ વસાહતમાં આવે છે. વરુ મોટા ભાગે વનવિસ્તારમાં રહીને જ શિકાર કરે છે. એટલે મનુષ્યો અને વરુ વચ્ચે સંઘર્ષની સંભવના નહિવત્ છે.’’

તેઓ આગળ કહે છે કે ખેડૂતો અને સ્થાનિકોમાં પણ વન્યજીવો પ્રત્યે જાગૃતિ આવી છે, જેના કારણે પણ આશા છે કે આ પ્રોજેક્ટ સફળ રહેશે. વનવિભાગ પણ ગામલોકો અને ખેડૂતોને જાગૃત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, જેથી તેઓ વરુને નુકસાન ન પહોંચાડે.

પર્યાવરણ અને વન્યજીવો માટે કામ કરતા વિપુલ લહેરીએ વરુને જંગલમાં છોડવાને કારણે માનવ સાથે ઘર્ષણની શક્યતા અંગે વાત કરતાં કહ્યું હતું કે, ‘‘હું ઘણાં વર્ષોથી વન્યજીવો માટે કાર્ય કરી રહ્યો છું. વરુએ માનવી અથવા ઢોર ઉપર હુમલો કર્યો હોય એવું મેં ક્યારેય પણ સાંભળ્યું નથી. એટલે મને લાગતું નથી કે વરુ અને મનુષ્યો વચ્ચે સીધી રીતે કોઈ ઘર્ષણ થાય.’’

તેઓ વધુમેં ઉમેરે છે કે વરુથી ખેડૂતોને ચોક્કસ ફાયદો થશે. જે રીતે સૌરાષ્ટ્રના ખેડૂતો અને માલધારીઓએ સિંહ સાથે રહેવાનું શીખી લીધું છે, તે રીતે વરુઓ સાથે પણ રહીને તેમનું જતન કરશે.

આ વાતને સમર્થન આપતાં નીરવકુમાર કહે છે, ‘‘જો વન્ય વિસ્તારમાં વરુ હશે તો ખેડૂતોને પોતાના પાકને નીલગાય અને ભૂંડથી બચાવવા માટે રાત્રે જાગવું નહીં પડે. વરુ એ રણ અને ઘાસના મેદાન વિસ્તારનો મુખ્ય શિકારી પ્રાણી છે, નીલગાય અને ભૂંડ ના ઉપદ્રવ પર કુદરતી અંકુશ માટે વરુ ઉપયોગી સાબિત થશે.’’

વરુની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો કેવી રીતે થયો હતો?

મુખ્ય વન સંરક્ષક આરાધના સાહુ

ઇમેજ સ્રોત, HANIF KHOKHAR

ઇમેજ કૅપ્શન, મુખ્ય વનસંરક્ષક આરાધના સાહુ

વર્ષો પહેલાં ગુજરાતના સૌરાષ્ટ્ર, ભાવનગર, સુરેન્દ્રનગર અને કચ્છમાં વરુની સારા એવી વસતી હતી. અહીંનાં ઘાસનાં મેદાન, જંગલ વિસ્તાર અને રણવિસ્તારમાં વરુ વસવાટ કરતાં હતાં અને નાનાં પ્રાણીઓની સાથે ભૂંડ અને નીલગાયનું શિકાર કરતાં હતાં. આમ એ પ્રાકૃતિક સંતુલન જાળવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવતાં હતાં.

અધિકારીઓના જણાવ્યાનુસાર છેલ્લાં થોડાં વર્ષોથી મનુષ્યો દ્વારા વરુઓના શિકાર કરાતાં અને તેમનાં આશ્રયસ્થાન નષ્ટ કરી દેવાતાં રાજ્યમાં વરુઓની વસતીમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો હતો.

નીરવકુમાર કહે છે કે, ‘‘ગુજરાતનાં ગામડાંની વસતી મુખ્યત્વે ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરે છે. જ્યારે ગુજરાતમાં વરુઓની સારી એવી વસતી હતી, ત્યારે શિકાર ન મળતાં વરુઓ ક્યારેક ઘેટાં, બકરાં અને ઢોરનો શિકાર કરી લેતાં હતાં. જેના કારણે લોકો વરુનો શિકાર કરવા લાગ્યા. ક્યારેક મૃત ઘેટાંમાં ઝેર ભેળવી દેવાતું, જેના કારણે પણ વરુ મૃત્યુ પામતાં હતાં.’’

આ બાદ ભારત સરકારની સેન્ટ્રલ ઝૂ ઑથૉરિટી અને ગુજરાત સરકાર સાથે મળીને વરુના સંવર્ધન માટે કાર્યક્રમ તૈયાર કર્યો હતો. વનવિભાગ અનુસાર ખેતીના રક્ષણ અને કુદરતી સંતુલન જાળવવાની સાથોસાથ ગુજરાતમાં વરુની વસતીમાં વધારો થાય તે માટે પણ આ પ્રોજેક્ટ ખૂબ જ જરૂરી છે.

ગુજરાતમાં કેટલાં વરુ છે?

ગુજરાતમાં વરુની સંખ્યા 150ની આસપાસ છે

ઇમેજ સ્રોત, HANIF KHOKHAR

ઇમેજ કૅપ્શન, હાલમાં જ પૂર્ણ થયેલા વસતીગણતરીમાં ગુજરાતમાં વરુની સંખ્યા 150ની આસપાસ હોવાનું બહાર આવ્યું છે

1991માં ગુજરાતમાં વરુની વસતી વિશે એક સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. સર્વે અને લોકો સાથેની વાતચીતના આધારે સંશોધકોએ ગુજરાતમાં વરુની વસતીનો અંદાજ મેળવવામાં આવ્યો હતો. સંશોધક યાદવેન્દ્રદેવ ઝાલા અને રૉબર્ટ એચ. ગાઇલ્સ દ્વારા એવો અંદાજ મૂકવામાં આવ્યો હતો કે ગુજરાતમાં વરુની વસતી 190થી લઇને 270ની વચ્ચે છે.

વર્ષો બાદ હાલમાં જ ગુજરાત વનવિભાગ દ્વારા વરુની વસતીગણતરી કરવામાં આવી હતી જે મુજબ ગુજરાતમાં વરુની સંખ્યા 150ની આસપાસ છે. કચ્છના નાના રણમાં વરુની વસતી દસની આસપાસ છે અને 30 વરુ વેળાવદર અને ગીર અભ્યારણ્યમાં છે. વનવિભાગ અનુસાર રાજ્યમાં પ્રથમ વખત વરુની વસતીગણતરી કરવામાં આવી છે.

અહેવાલ અનુસાર 2020માં ઘુડખરની વસતીગણતરીની પ્રક્રિયા વખતે વનવિભાગના કર્મચારીઓને કચ્છના નાના અને મોટા રણમાં વિસ્તારમાં માત્ર એક વરુ દેખાયું હતું. વનકર્મીઓને વરુ જોવા મળ્યું હોય એવી આ પ્રથમ ઘટના હતી, જે બાદ વરુની વસતીગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

વરુની વસતીમાં સતત ઘટાડો થતાં ભારત સરકાર અને ગુજરાત સંવર્ધન માટેના પ્રયાસો શરૂ કર્યા બાદ ગુજરાતનાં જંગલોમાં વરુની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. વનવિભાગને આશા છે કે ભવિષ્ય સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ અને બીજા વિસ્તારોમાં વરુની વસતીમાં ફરી એક વાર વધારો થશે.