ગુજરાત : કપાસના ભાવ વર્ષોથી ખાસ કેમ વધ્યા નથી?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રુચિતા પુરબિયા
- પદ, બીબીસી ગુજરાતી માટે
“પાછલાં દસ વર્ષમાં મને કપાસના ભાવમાં કોઈ મોટો વધારો જોવા મળ્યો નથી. દરેક ક્ષેત્રમાં દસ વર્ષે કમાણી વધે, પરંતુ કપાસની ખેતીમાં એવું નથી."
“દસ વર્ષ પહેલાં કપાસના ભાવ મણ દીઠ 1,200 રૂ.ની આસપાસ હતા. ગયા વર્ષે મને મણના 1,600 રૂ.નો ભાવ મળ્યો હતો, પરંતુ આ વર્ષે તે ઘટીને રૂ. 1,300 થઈ ગયા છે.”
રાજકોટના તરગડી તાલુકાના રમેશ ડોબરિયા કપાસની ખેતી અને તેના ભાવ અંગે નિરાશા વ્યક્ત કરતા કંઈક આવી વાત કરે છે.
તેઓ કહે છે કે, "હું 15 વીઘા જમીન પર કપાસની ખેતી કરું છે. દર વર્ષે મને 18થી 20 મણ પાક મળે છે. પરંતુ આ વર્ષે ફક્ત આઠ મણ પાક થયો છે. ઉત્પાદન ઘટવાને કારણે મજૂરો પણ ભાવ વધારી દે છે. આ વર્ષે હું માંડ વાવેતર અને બિયારણનો ખર્ચો કાઢી શકીશ."
હાલમાં ગુજરાતના વિવિધ એપીએમસીમાં કપાસના ભાવ 1,500 થી 1,800 રૂપિયા પ્રતિ 20 કિલો છે. કપાસના ખેડૂત અને ગોંડલ એપીએમસીમાં ટ્રેડર જૂથના પ્રમુખ યોગેશ ક્યાડા કહે છે, "આ ભાવ થોડા મહિના અગાઉ કરતાં 200-300 રૂપિયા ઓછા છે. ગયા વર્ષે કપાસનો ભાવ રૂ. 2,000 આસપાસ હતો."
કપાસના નીચા ભાવ પાછળનું કારણ શું?

ઇમેજ સ્રોત, Getty Images
છેલ્લાં દસ વર્ષમાં મોટા ભાગના પાકના ભાવ પણ વધ્યા છે. 2013માં જીરાના ભાવ 2,000-3,000 પ્રતિ 100 કિલોની આસપાસ હતા, જે ઑક્ટોબર 2023માં 13,000 જેટલા વધી ગયા હતા.
2018માં બટાટાના ભાવ 500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતા, જે આ વર્ષે ડિસેમ્બર 2023માં 1,900 રૂપિયાની આસપાસ પહોંચી ગયા હતા.
તેમજ મગફળીના ભાવ 2013માં 3,000 પ્રતિ ક્વિન્ટલની આસપાસ હતા અને 2013માં તે વધીને 6,775 થઈ ગયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પરંતુ કપાસની વાત કરીએ તો તેના ભાવમાં ભાગ્યે જ વધારો થયો છે. નિષ્ણાતો અનુસાર તેનું એક મુખ્ય કારણ છે કપાસની મર્યાદિત નિકાસ.
બાબુલાલ તેજાણી રાજકોટ એપીએમસીના સચિવ છે. તેઓ કહે કે, "ભારતીય કપાસની આંતરરાષ્ટ્રીય સ્તરે માગ નથી. અને તેથી ખેડૂતોને મળતા ભાવમાં વધારો નથી થયો."
અજય શાહ ગુજકોટના સહસ્થાપક અને સચિવ છે. તેઓ કહે છે, "યુનાઇટેડ સ્ટેટ્સ અને બ્રાઝિલ જેવા અન્ય દેશો છે જે વિશ્વને સસ્તી કિંમતે કપાસ આપે છે. આથી ભારતમાંથી નિકાસ ઘટી છે કારણ કે ખરીદનાર દેશોને તે આ દેશો પાસેથી ઓછા ભાવે કપાસ મળે છે."
યોગેશ ક્યાડા કપાસના ખેડૂત અને ગોંડલ એપીએમસીમાં ટ્રેડર જૂથના પ્રમુખ છે. તેઓ ભારતમાં કપાસના ભાવ ઓછા રહેવાના કારણ અંગે વાત કરતાં કહે છે, "અત્યાર સુધી ચીન ભારત પાસેથી કપાસનો સૌથી મોટો ખરીદદાર હતો. પરંતુ આ વર્ષે ચીને ઉત્પાદનમાં વધારો કર્યો છે અને તેથી ચીને ભારતથી થતી આયાતમાં ઘટાડો કર્યો છે."
ઉપરાંત જાણકારો પ્રમાણે આ વર્ષે કમોસમી વરસાદ, અલનીનો, ગુલાબી કૃમિના રોગોની અસરને કારણે કપાસનું ઉત્પાદન ઘટશે.
યોગેશ ક્યાડા કહે છે, "હું 20 વીઘા જમીનમાં કપાસ ઉગાડું છું અને તેમાં મને સામાન્ય રીતે 600-700 મણ પાક મળે છે, પરંતુ આ વર્ષે મને માત્ર 275 મણ જ મળ્યો છે. કમોસમી વરસાદને કારણે કપાસની ગુણવત્તા બગડી છે. ફાઇબરનો દોરો જોઈએ તેટલો લાંબો નથી. તેની પણ નિકાસ પર અસર પડશે."
અજય શાહ ઘરઆંગણે કપાસના મર્યાદિત ભાવને આંતરરાષ્ટ્રીય બજારનાં પરિબળો સાથે જોડતાં કહે છે કે, “બીજું એ થયું છે કે આયાત ડ્યૂટીના કારણે તેમજ સ્પર્ધાત્મક દરે કાચા માલની ઉપલબ્ધતાએ ભારતીય કાપડઉદ્યોગને ગંભીર અસર કરી છે. આનાથી આંતરરાષ્ટ્રીય બજારમાં જે ભારતના કપાસની પેદાશો હતી, તેની માગ પણ ઘટી ગઈ છે.”
અજય શાહ જણાવે છે કે, "દર વર્ષે નવેમ્બર અને માર્ચ વચ્ચે મોટા ભાગનું કપાસ બજારમાં આવે છે."
"મોટા ભાગની કાંતણ મિલો નાના ઉદ્યોગો હોવાથી તે કાર્યકારી મૂડીની મર્યાદાને કારણે માત્ર ત્રણ મહિના માટે કપાસની ખરીદી અને સ્ટૉક કરી શકતી હતી અને ઑફ-સિઝન દરમિયાન પુરવઠા-માગની વિસંગતતાને દૂર કરવા માટે મિલો આયાત કરવાનું પસંદ કરે છે. પરંતુ આયાત જકાતને કારણે તે અશક્ય બની ગયું છે."
ભારતમાં કપાસના ઉત્પાદનમાં ઝડપી વધારા-ઘટાડાનું કારણ શું?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય કૃષિ સંશોધન સંસ્થાના અહેવાલ મુજબ, 2000-01 અને 2013-14 ની વચ્ચે ભારતમાં કપાસના ઉત્પાદનમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો, જેનું મુખ્ય શ્રેય બીટી ટેકનૉલૉજીને આપવામાં આવ્યું હતું.
તેના કારણે ઊપજ 2000-01માં 278 કિલો પ્રતિ હેક્ટરથી વધીને 2013-14માં 566 કિલો પ્રતિ હેક્ટર થઈ ગઈ હતી.
જોકે, બીટી ટેકનૉલૉજી દ્વારા હાંસલ કરેલ લાભો અલ્પજીવી હતા. 2013-14 પછી કપાસનાં ઉત્પાદન અને ઊપજમાં ઘટાડો થવા લાગ્યો.
ઘટાડા માટે જવાબદાર પ્રાથમિક પરિબળ ગુલાબી બૉલવોર્મનો ઉદ્ભવ હતો.
જ્યારે ગુલાબી બૉલવોર્મ નામનો નાનો કીડો કપાસના બૉલ પર આક્રમણ કરે છે, ત્યારે તેના કારણે કપાસના છોડ ઓછું ઉત્પાદન આપે છે અને ઉત્પાદિત કપાસ ઓછી ગુણવત્તાનો હોય છે.
2014માં ગુજરાતે વાવેતરના 60-70 દિવસ પછી કપાસનાં ફૂલો પર ગુલાબી બૉલવોર્મના નાના કીડાના અસ્તિત્વમાં અસામાન્ય વધારો અનુભવ્યો હતો.
2015માં આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને મહારાષ્ટ્રમાં પણ ગુલાબી બૉલવોર્મના ઉપદ્રવ નોંધાયા હતા.
2021માં પંજાબ, હરિયાણા અને ઉત્તર રાજસ્થાનમાં પણ પ્રથમ વખત જંતુનો ભારે ઉપદ્રવ જોવા મળ્યો હતો.
કપાસના ઉત્પાદનમાં ભારત બીજા ક્રમે

ઇમેજ સ્રોત, Getty Images
કપાસની ખેતી માટે ગરમ હવામાનની જરૂર પડે છે. તે ગરમ અને ભેજવાળી આબોહવાની પરિસ્થિતિઓમાં સૌથી વધુ ઉત્પાદન કરે છે.
ભારત વિશ્વમાં કપાસના વાવેતર હેઠળનો સૌથી મોટો વિસ્તાર ધરાવે છે અને તે વિશ્વમાં કપાસનું બીજું સૌથી મોટું ઉત્પાદક છે. ચીન વિશ્વમાં કપાસનું સૌથી મોટો ઉત્પાદક દેશ છે.
કપાસ એ ભારતમાં ઉગાડવામાં આવતા સૌથી મહત્ત્વપૂર્ણ રોકડિયા પાકોમાંનો એક છે અને કુલ વૈશ્વિક કપાસના ઉત્પાદનમાં લગભગ 25 ટકા હિસ્સો ધરાવે છે.
ભારતમાં તેના આર્થિક મહત્ત્વને કારણે તેને "વ્હાઇટ-ગોલ્ડ" તરીકે પણ ઓળખવામાં આવે છે.
ભારતમાં, આશરે 67 ટકા કપાસ વરસાદ આધારિત ખેતી કરતા વિસ્તારોમાં અને 33 ટકા સિંચાઈવાળા વિસ્તારોમાં ઉગાડવામાં આવે છે.
મહારાષ્ટ્ર પછી, ગુજરાત કપાસના ઉત્પાદનમાં બીજા ક્રમે છે.
ભારતમાં 2022-2023માં કપાસનું ઉત્પાદન 3.41 કરોડ ગાંસડીથી વધુ હતું અને 2021-22માં 3.12 કરોડ ગાંસડી હતું. કપાસની એક ગાંસડીનું વજન 170 કિલોગ્રામ હોય છે.
ઇકૉનૉમિક ટાઇમ્સ મુજબ 2023-24માં, કપાસનું વાવેતર 2.951 કરોડ ગાંસડી જેટલું થવાનો અંદાજ વ્યક્ત કરાયો છે. જે અલ નીનોની અસરને કારણે વાવેતરમાં ઘટાડો થવાથી 15 વર્ષમાં થયેલ સૌથી ઓછો પાક હશે.
કૉટન ઍસોસિયેશન ઑફ ઇન્ડિયાએ આ વર્ષે ગુજરાતમાં કપાસનું ઉત્પાદન 85 લાખ ગાંસડી રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે.
ગુજરાતમાં 2020-21માં 72 લાખ ગાંસડી, 2021-22માં 74.8 લાખ ગાંસડી અને 2022-23માં 91. 83 ગાંસડી કપાસનું ઉત્પાદન થયું હતું.
કપાસનું આર્થિક મહત્ત્વ

ઇમેજ સ્રોત, Getty Images
મુખ્યત્વે ફાઇબર પાક તરીકે જાણીતો કપાસ એ વિશ્વની આર્થિક, રાજકીય અને સામાજિક બાબતોમાં મુખ્ય ભૂમિકા ભજવતો અને સૌથી મહત્ત્વપૂર્ણ રોકડિયા પાકોમાંનો એક છે.
વિશ્વના લગભગ 60 દેશોમાં કપાસની ખેતી થાય છે.
ભારતમાં, મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, મધ્ય પ્રદેશ, પંજાબ, રાજસ્થાન, હરિયાણા, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશ રાજ્યોમાં કપાસની ખેતી મોટા પાયે થાય છે.
ભારતમાં કપાસનું સૌથી વધુ ઉત્પાદન ગુજરાતમાં છે, ત્યાર બાદ પંજાબ અને મહારાષ્ટ્ર આવે છે.
ગુજરાતમાં કપાસની ખેતી લગભગ 15.19 લાખ હેક્ટરમાં થાય છે અને વાર્ષિક ઉત્પાદન આશરે 31.80 લાખ ગાંસડી કપાસ છે. ગુજરાતમાં ડાંગ અને વલસાડ જિલ્લાના ભાગ સિવાય લગભગ તમામ જિલ્લાઓમાં તેની વ્યાપકપણે ખેતી થાય છે.












