ગુજરાતનાં વીસરાઈ ગયેલાં જાડાં ધાનનાં બીજનો ખજાનો સાચવતી મહિલાઓની કહાણી

જાડાધાનની ખેતી

ઇમેજ સ્રોત, ANKIT CHAUHAN/BBC

ઇમેજ કૅપ્શન, જાડા ધાનની ખેતી કરતાં મહિલાઓ
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

"અમે એવાં બીજની ખેતી કરી રહ્યાં છીએ જે આજના સમયમાં ખોવાઈ ગયા છે અને જેના નામ પણ વીસરાઈ ગયાં છે."

"અમે ગામની બધી બહેનોએ ભેગા મળીને એક બીજ બૅન્ક બનાવી છે. અમે દેશી અને લુપ્ત થઈ ગયેલી જાતોનાં બીજ સાચવીએ છીએ. અમે હાઇબ્રિડ બીજનો ઉપયોગ બિલકુલ નથી કરતાં." આ શબ્દો છે કમલા ડામોરના જે અરવલ્લીના એક નાનકડા ગામમાં ખેતી કરે છે.

કમલાબહેન અને તેમનાં જેવી અનેક મહિલા ખેડૂતો જાડાં ધાનનાં બીજનો ખજાનો સાચવીને બેઠી છે. તેઓ પોતે તો મિલેટ્સ એટલે કે જાડાં ધાનની ખેતી કરે છે સાથે તેમની બીજ બૅન્કમાંથી અન્ય ખેડૂતોને પણ મિલેટ્સની ખેતી માટે બીજ ઉપલબ્ધ થાય છે.

બાવલો, ગજરો, ચેનો, કુરી, કાંગ, બાજરી, જુવાર, નાગલી જેવાં અનેક મિલેટ્સ તરફ પાછા વળવા અને તેમના પ્રચાર -પ્રસારના ઉદ્દેશ્યથી આ વર્ષને આંતરરાષ્ટ્રીય મિલેટ યર તરીકે જાહેર કરવામાં આવ્યું છે ત્યારે કહાણી એ મહિલાઓની જેઓ વિસરાઈ ગયેલા જાડાં ધાનની ખેતીની સાથે બીજ બૅન્ક પણ ચલાવે છે.

અરવલ્લી બીજ બૅન્ક શું છે?

અરવલ્લી બીજ બૅન્ક

ઇમેજ સ્રોત, ANKIT CHAUHAN/BBC

ઇમેજ કૅપ્શન, અરવલ્લી બીજ બૅન્ક

કમળાબેન જણાવે છે કે, "મહિલા ખેડૂતો માટે કામ કરતી સખાવતી સંસ્થા, સરકારી કૃષિવિભાગ અને સ્વ સહાય સખીમંડળો સાથે થતી બેઠકોમાંથી આ બીજ બૅન્ક શરૂ કરવાનો વિચાર આવ્યો અને બીજ બૅન્કનું બીજ રોપાયું. પણ આવા અતંરિયાળ વિસ્તારમાં બીજને સંગ્રહિત કરવા, સંભાળ રાખવી એ એક મોટો પડકાર હતો."

ફૅડરેશન ઑફ સીડ ઇન્ડસ્ટ્રી ઑફ ઇન્ડિયા અનુસાર બીજ બૅન્ક એ એવી સુવિધા છે જે આગામી પેઢી માટે આનુવંશિક રીતે શુદ્ધ વિવિધતા જાળવી રાખવા બીજનો સંગ્રહ કરે છે.

સામાન્ય રીતે તે એક પૂર, બૉમ્બ અને રેડિયેશન-પ્રૂફ વૉલ્ટ છે જે વિવિધ છોડની પ્રજાતિઓમાંથી બીજ સંગ્રહિત કરે છે.

બીજ બૅન્કમાં બીજ સામાન્ય રીતે આબોહવા નિયંત્રિત, ઓછાં ભેજ અને ઠંડા તાપમાનમાં સંગ્રહિત થાય છે. આ બીજની લાંબા ગાળાની જાળવણીમાં મદદ કરે છે, બાંયધરી આપે છે કે તે પછીના દિવસે વધશે.

પરંતુ અરવલ્લીમાં બીજ બૅન્કનો ધ્યેય દેશી બિયારણની ખોવાયેલી જાતોને પુનઃ જીવંત કરવાનો છે. જેથી ખેડૂતો હાઇબ્રિડ ન હોય તેવા બીજ ઉગાડી શકે.

આ રીતે ગામોને ખેતી માટે દેશી સ્થાનિક બીજ મળે છે. બીજ બૅન્કો સ્થાનિક પાકની જાતોના વિનિમય અને સંગ્રહની સુવિધા આપે છે.

આ બીજ બૅન્ક કેવી રીતે કામ કરે છે?

બીજ બૅન્ક કામ કેવી રીતે કરે છે?

ઇમેજ સ્રોત, ANKIT CHAUHAN/BBC

ઇમેજ કૅપ્શન, બીજ બૅન્ક કામ કેવી રીતે કરે છે?
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ બીજ બૅન્ક કામ કેવી રીતે કરે છે તે સમજાવતાં કમળાબહેન કહે છે, "અરવલ્લીના વલુણા ગામની 10 બહેનોનું અમારું મંડળ છે. આવી જ રીતે બીજાં 15 ગામો પણ અમારી સાથે જોડાયેલાં છે. અમારી વચ્ચે એક-બે મહિલાઓને અમે અમારાં લીડર તરીકે પસંદ કરી છે. એમ દરેક ગામમાં એક-બે બહેનો લીડર છે."

કમળા ડામોર આગળ જણાવે છે, "અમારી પાસે બૅન્કમાં કેટલાં બિયારણો છે, અમારાં ગામડાંમાં કેટલાં બિયારણનો ઉપયોગ ખેડૂતો કરે છે અને તેના બદલામાં કેટલાં બિયારણો મળશે તેનો ડેટા અમે રાખીએ છીએ. અમે દરેક બાબતની નોંધ રાખીએ છીએ."

"અમે બીજ બૅન્કમાં બધા જ ખેતીલક્ષી દેશી બીજ રાખીયે છીએ. જે ખેડૂતને દેશી પાકની ખેતી કરવી હોય તે અમારી પાસેથી બીજ લઈ શકે છે, બદલામાં તેમણે બે ગણાં બીજ પરત કરવાનાં હોય છે."

"ખેડૂત અમારી પાસેથી બીજ લઈ જાય એ પછી જો કોઈ કારણોસર જેમકે વરસાદ અને વાવાઝોડાથી બગડી ગયાં હોય તો તે તેમની પાસે રહેલાં બીજાં કોઈ દેશી બીજ પણ બૅન્કને પરત કરી શકે. જેમકે તે અમારી પાસેથી અડદ લઈ ગયા પણ તે બગડી જાય તો તે તુવેરના દેશી બીજ પણ પરત કરી શકે. આ નિર્ણય અમારી સમિતિ લે છે."

આ બીજ બૅન્કમાં ગુજરાતી દેશી બાજરીની જાતોનાં ઘણાં બિયારણો છે. જે હવે રાજ્યના બાકીના ભાગોમાં દુર્લભ બની ગયા છે. તેમની પાસે જુવાર, નાગલી, બાવલો, ગજરો, ચેનો, કુરી, કાંગ અને સામાનાં બીજ છે. આરોગ્ય નિષ્ણાતો અનુસાર આ જાડાં ધાનમાં ઉચ્ચ પોષણ મૂલ્ય છે.

આ બીજ બૅન્કે મહિલા ખેડૂતોઓને કેવી રીતે મદદ કરી છે?

મહિલા ખેડૂતો

ઇમેજ સ્રોત, ANKIT CHAUHAN/BBC

ઇમેજ કૅપ્શન, અરવલ્લીનાં મહિલા ખેડૂતો

કમલા ડામોરના જ ગામનાં ખેડૂત મીના ખાંટ કહે છે કે, "દેશી બીજથી અમારો પાક સારો થાય છે અને અમને બજારમાં પાકનું સારું વળતર મળે છે."

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના વલુણા ગામની મહિલા ખેડૂતો અંતરિયાળ ડુંગર વિસ્તારમાં વિષમ પરિસ્થિતિમાં પણ ખેતી કરી રહ્યાં છે. આ મહિલાઓ એવા પાકની ખેતી કરે છે જે પોષણમાં તો ભરપૂર છે પણ વિલુપ્તની આરે છે.

જાડાં ધાનની ખેતી કરીને આ વિસ્તારની કેટલીક મહિલાઓને રોજગારની સાથે આર્થિક સધ્ધરતા પણ આપી છે.

આ મહિલાઓનું કહેવું છે કે તેમની સામે આ પારંપરિક બીજોની સારસંભાળ અને તેનો સંગ્રહ કરવો એ મોટો પડકાર હતો.

કમલા ડામોર જણાવે છે કે આસપાના 15 જેટલાં ગામોમાં બીજની ઉપલબ્ધતાનું રજિસ્ટર જાળવે છે. જે મહિલાઓને લીડર બનાવવામાં આવી છે તેઓ કયાં ગામમાં કેટલું બીજ છે, બહાર કોને આપવાનું છે એ નક્કી કરે. બીજનો સંગ્રહ કરવા માટે પોતાનાં ગામમાં જ કોઠીઓ બનાવેલી છે કારણ કે મોટું ગોડાઉન નથી.

અરવલ્લીની સ્થાનિક રૂરલ એજન્સી આ મહિલાઓને બીજ નિગમ, ખેતીવાડી સંસ્થા કે સખી મંડળો સાથે જોડી માર્ગદર્શન આપે છે. તેઓ પણ આ આદિવાસી મહિલાઓના પ્રયત્નોને બિરદાવે છે.

અરવલ્લી જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સીના નિયામક આર.એન.કુચારા કહે છે કે, "અમુક પ્રકારની ડાંગર એવી થાય છે કે એ ઓછા પાણીમાં પણ પાકે છે, અને એ પાકેલી ડાંગરનો ઉપયોગ જો મહિલાઓ કરે તો તેમને તેમાંથી વધુમાં વધુ પોષણ મળે છે."

"લાલ મકાઈ, જાંબલી વાલોડ, લાલ ભિંડો આ એવાં અલગ પ્રકારનાં બીજ છે જે કદાચ બીજી કોઈ જગ્યાએ જવા મળતાં નથી. તેમને લોકો વચ્ચે લઈ જવા માટે આ મહિલાઓ આવાં બીજને સાચવીને બીજ બૅન્ક ચલાવવાની નૉન કમર્શિયલ પ્રવૃત્તિ કરે છે."

અરવલ્લીના સખી મંડળે આ મહિલાઓને ગોડાઉન બનાવી આપવાનું આશ્વાસન આપ્યું છે.

આ વિસ્તારમાં પાણી પણ ઓછું છે જે મહિલા ખેડૂતો સામે મોટો પડકાર છે.

કમલા ડામોર કહે છે, "અમે એ મહિલાઓને જ બીજ બનાવવા માટે બીજ આપીએ છીએ જેમને પાણીની વ્યવસ્થા છે અથવા વાવણી માટે પાણી હોય તો તેમને બીજ આપીએ છીએ. અમુક મહિલાઓને બીજ ફેઇલ પણ થઈ જતાં હોય છે તો કેટલીક બહેનોને સફળ પણ થાય છે."

બાજરીની કેટલીક લુપ્ત થઈ ગયેલી પ્રજાતિઓ અને તેનું પોષક મૂલ્ય

લુપ્ત થઈ રહેલા જાડા ધાન

ઇમેજ સ્રોત, ANKIT CHAUHAN/BBC

ઇમેજ કૅપ્શન, લુપ્ત થઈ રહેલાં જાડાં ધાન

ભારતમાં 2018ના વર્ષને 'યર ઑફ મિલેટ્સ' તરીકે ઊજવવામાં આવ્યું હતું. એ ઉપરાંત, ભારતના પ્રસ્તાવને સ્વીકારીને સંયુક્ત રાષ્ટ્રે 2023ના વર્ષને 'ઇન્ટરનૅશનલ યર ઑફ મિલેટ્સ' તરીકે ઊજવવાનો નિર્ણય કર્યો છે.

જાડાં ધાન્ય અયોગ્ય માટીમાં પણ ઊગી શકે છે અને તુલનાત્મક રીતે એના માટે કીટનાશકોની પણ એટલી જરૂર નથી પડતી.

મોતી બાજરી

સૌથી વધુ વ્યાપક રીતે ઉગાડવામાં આવતી બાજરી એ મોતી બાજરી છે. મોતી બાજરી વજન ઘટાડવાની પ્રક્રિયામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે તેમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે અને તે પેટમાંથી આંતરડામાં પસાર થવામાં લાંબો સમય લે છે અને તૃપ્તિ પણ આપે છે. એવું જાણવા મળ્યું છે કે તેમાં ફાઇબરની માત્રા વધુ હોવાને કારણે પિત્તાશયની પથરી થવાનું જોખમ ઓછું છે. મોતી બાજરીમાં કેલ્શિયમનો સમૃદ્ધ સ્ત્રોત હતો. જે હાડકાની ટોચની ઘનતા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. આમાં પ્રોટીન, આયર્ન, ઝિંક જેવાં કેટલાંક પોષક તત્ત્વો રહેલાં છે.

જુવાર

તેનું મુખ્ય ઘટક સ્ટાર્ચ છે, જે અન્ય અનાજ કરતાં વધુ ધીમેથી પચે છે. તેમાં પ્રોટીન અને ચરબીની પાચનક્ષમતા પણ ઓછી છે.

ધાન્ય પાકનાં બીજ

ઇમેજ સ્રોત, ANKIT CHAUHAN/BBC

ઇમેજ કૅપ્શન, ધાન્ય પાકનાં બીજ

કુરી

કુરીમાં ઓછાં કાર્બોહાઇડ્રેટ અને ધીમી પાચનક્ષમતા છે. જે ગ્લુકોઝ ચયાપચયને સુધારવા માટે આભારી છે. કુરીનું અનાજ લોહીમાં ધીમે ધીમે સુગર છોડે છે અને ગ્લુકોઝનું શોષણ ધીમું કરે છે.

નાગલી (નવગલી, રાગી)અને બાવલો

તેમાં ખનીજો, આહારના ફાઇબર, પોલિફીનૉલ્સ અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. તે કેલ્શિયમથી ભરપૂર છે. બાળકો, સગર્ભા સ્ત્રીઓ તેમજ સ્થૂળતા, ડાયાબિટીસ અને કુપોષણથી પીડિત લોકોમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમાં પ્રચુર માત્રામાં કેલ્શિયમ, પ્રોટીન સહિત વિટામિન એ, વિટામિન બી અને ફૉસ્ફોરસ આવેલા છે જે બ્લડપ્રેશર, આંતરડાના કૅન્સરથી બચાવે છે.