ગુજરાતમાં કેવા હવામાનમાં જીરું વાવવાથી મબલખ ઉત્પાદન થાય?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રુચિતા પુરબિયા
- પદ, બીબીસી ગુજરાતી માટે
“જીરાની ખેતીએ તો મને પારાવાર નુકસાન પહોચાડ્યું છે.”
“ગયા વર્ષે હું દસ એકર જમીનમાં માત્ર દસ મણ ઊપજ મેળવી શક્યો. ઝાકળના લીધે મારા અડધાથી વધારે પાકમાં ફૂગ વળી ગઈ હતી. 40થી 50 હજારનો તો મેં ફક્ત ફૂગની દવાઓનો ખર્ચો કર્યો હતો.”
સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના કાળુભાઈ 54 વર્ષના છે. તેઓ બીબીસી સાથે વાત કરતા કહે છે કે તેમના ગામમાં પ્રથમ વખત તેમના પિતાએ જ જીરુંની ખેતી શરૂ કરેલી.
તેઓ કહે છે કે, “તે દિવસોમાં (વર્ષ- 1985-86) દસ મણના માત્ર 360 રૂપિયા મળતા. ત્યારથી અમે જીરાના પાકની ખેતી કરીએ છીએ. પરંતુ પાછલાં બે વર્ષથી હવામાનમાં ફેરફાર, ઝાકળમાં વધારો, માવઠું અને ભેજને કારણે મને ઘણું નુકસાન થયું છે. સામાન્ય રીતે હું મારી દસ એકર જમીનમાં જીરું ઉગાડતો અને એક વીઘા જમીનમાં પાંચથી સાત મણ પાક મેળવી શકતો.”
કંઈક આવી જ કહાણી ગુજરાતમાં જીરું વાવતા ઘણા ખેડૂતોની છે.
જીરુંની ખેતી કરતાં ઘણા ખેડૂતોની ફરિયાદ છે કે હવામાનમાં થતા તીવ્ર ફેરફારને કારણે ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. આ પ્રકારની વિપરીત પરિસ્થિતિઓને કારણે કેટલાક ખેડૂતો તો જીરાની ખેતી મૂકીને અન્ય પાક તરફ વળી રહ્યા છે.
ભારતમાં રાજસ્થાન અને ગુજરાત ક્ષેત્રફળ અને ઉત્પાદનની દૃષ્ટિએ અગ્રેસર સ્થાન ધરાવે છે, જે ભારતમાં જીરાના કુલ ઉત્પાદનમાં 99 ટકાથી વધુ યોગદાન આપે છે.
ગુજરાતમાં જીરું વાવતા મુખ્ય વિસ્તારો બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, જૂનાગઢ, જામનગર, રાજકોટ, ભાવનગર, અમરેલી અને સુરેન્દ્રનગર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજ્યમાં 2000ના દાયકાથી જીરુંની ખેતી હેઠળનો વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતામાં અનેક ગણો વધારો થયો છે.
ગુજરાતમાં અગાઉ જીરાની ખેતી હેઠળ માત્ર 1.5 લાખ હેક્ટર વિસ્તાર હતો, જે હવે વધીને 3.5 લાખ હેક્ટર થયો છે. ઉત્પાદકતાની વાત કરીએ તો 2000ના દાયકાની શરૂઆતમાં ગુજરાતમાં એક હેક્ટરમાં 350-400 કિલો જીરું થતું જેનું પ્રમાણ વધીને હવે પ્રતિ હેક્ટર 900-1,000 કિલો થઈ ગયું છે.
નિષ્ણાતોને મતે જીરુંની ખેતી સાથે સંકળાયેલાં જોખમો અને સંવેદનશીલ પાક હોવા છતાં આકર્ષક વળતરની આશાએ ખેડૂતોને તેની ખેતીમાં રસ છે.
જીરાની ખેતીમાં સક્રિય ખેડૂતોને વેઠવી પડતી દુવિધાને જોતાં જીરાની ખેતીના પડકારો, તેની પાછળનાં કારણો અને તેનાથી બચવાના ઉપાય અંગે વિસ્તૃત જાણકારી મેળવવા બીબીસી ગુજરાતીએ ખેડૂતો અને નિષ્ણાતો સાથે વાત કરી હતી.
‘જીરાનું વાવેતર જુગાર રમવા જેવું?’

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભૂપાભાઈ ઠાકોર પાટણના હારીજ ગામમાં રહે છે. બીબીસી સાથે વાત કરતાં તેઓ કહે છે કે, "હું છેલ્લાં 20-25 વર્ષથી જીરુંનું વાવેતર કરતો અને 20-25 મણ જીરુંનો પાક થતો, પરંતુ પાછલા ઘણા સમયથી જીરુંની ખેતી એક જુગાર જેવી થઈ ગઈ હતી.”
તેઓ જીરુંના પાકમાં થતી તકલીફો અંગે વાત કરતાં આગળ કહે છે કે, “કદીક કાળિયો (રોગ) થઈ જાય છે, તો કદીક માવઠું પડીને પાક બગડી જતો. આખરે ચાર વર્ષ પહેલાં મેં જીરાનું વાવેતર કરવાનું બંધ કર્યું. હવે હું અજમો અને એરંડા વાવું છું.”
તેમનો દાવો છે કે નર્મદાના પાણીના લીધે પાટણના હારીજમાં ‘જમીન કાયમ માટે ભેજવાળી’ બની ગઈ છે, એમાં પણ ઠાર પડે એટલે વધુમાં પાકને નુકસાન થતું. તેઓ કહે છે કે હવે તેમના ગામમાં કોઈ જીરાનું વાવેતર નથી કરતું.
સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના રામરાજપર ગામના દલપત ત્રિકમભાઈ જીરાનું વાવેતર કરે છે.
તેમનું કેહવું છે છેલ્લાં કેટલાંક વર્ષોથી જીરાના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. તેમના મતે પાકમાં આ ઘટાડાનું મુખ્ય કારણ છે કમોસમી માવઠું. તેઓ કહે છે કે ઉપરથી ઝાકળના લીધે નુકસાનમાં વધારો થાય છે.
તેઓ ઉમેરે છે કે, “ગઈ ઋતુમાં સાથી ખેડૂતો સહિતનાને આશા હતી કે મારા ખેતરમાં 60-70 મણ જીરુંની ઊપજ થશે. પણ જ્યારે વાઢવાનો વારો આવ્યો ત્યારે માંડ 26 મણ પાક થયો. આમ, ઘણી વાર વાવેતર વખતે લાગે કે પાક સારો થશે, પણ આખરે કોઈને કોઈ કારણસર નુકસાન થાય છે.”
દલપતભાઈ જીરાની ખેતી અંગે અનુભવાતી અસુરક્ષા અંગે કહે છે કે, “ખેડૂતના હાલ તો એવા થઈ ગયા છે કે રાત્રે તેને ખબર નથી હોતી કે જ્યારે એ સવારે ઊઠશે ત્યારે તેનો પાક સુરક્ષિત હશે કે કેમ. ઘણી વખત એવુંય બને છે કે જ્યારે અમે સવારે ઊઠીએ ત્યારે જોવા મળે છે કે ઝાકળને કારણે પાક સંપૂર્ણપણે બગડી ગયો છે.”
તેઓ જીરુંના પાકની સંવેદનશીલતા તરફ ધ્યાન દોરતા કહે છે કે, “જયારે જીરું પાકીને ઘરે આવે ત્યારે આવ્યું કહેવાય. જીરુંના પાકને સંપૂર્ણપણે નાશ થવામાં માત્ર એક રાત લાગે છે.”
‘અતિ સંવેદનશીલ છે જીરુંનો પાક’

ઇમેજ સ્રોત, Getty Images
ઊંઝા ઍગ્રિકલ્ચરલ પ્રોડક્ટ માર્કેટ કમિટી (એપીએમસી)ના ચૅરમૅન દિનેશભાઈ પટેલે બીબીસી સાથે જીરુંના પાકની સંવેદનશીલતા અને હવામાનમાં જુદા જુદા ફેરફારોની વિપરીત અસર અંગે વાત કરી હતી.
તેમણે કહ્યું કે, "જીરુંનો પાક એટલો સંવેદનશીલ હોય છે કે થોડી ગરમીને કારણેય પાક બગડી શકે છે. તેમજ થોડા અમથા ભેજથીય પાકમાં ફૂગજન્ય રોગ થઈ શકે છે, જે પાકનો સંપૂર્ણપણે નાશ કરી શકે છે. જીરાનો પાક વાવતા પહેલાં હવામાનમાં આગામી દિવસોમાં આવતા ફેરફારોને લઈને મોટા ભાગના લોકો અજાણ હોય છે."
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના સહસંશોધક વૈજ્ઞાનિક એન. આર. પટેલનું કહેવું છે કે તાજેતરમાં હવામાન પરિવર્તનને કારણે જીરુંના ખેડૂતો માટે ઘણો પડકાર ઊભો થયો છે.
ગુજરાત અને રાજસ્થાનમાં પાછલાં ત્રણ વર્ષથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ફેબ્રુઆરી મહિનામાં માવઠું થાય છે.
ફેબ્રુઆરી એ લણણીની મોસમ છે અને અંતિમ મહિનામાં જ્યારે વરસાદ પડે છે ત્યારે આખા પાકને નુકસાન થવાની શક્યતાઓ વધુ હોય છે.
જોકે તેઓ કહે છે કે ભલે જીરુંની ખેતી ભલે જોખમી હોય પણ ખેડૂતો હજુય તેના તરફ આકર્ષાઈ છે.
તેઓ આ વલણનું કારણ આપતાં કહે છે કે, “કારણ કે જો મોસમ બરાબર રહી તો ખેડૂતોને સારા વળતરની અપેક્ષા હોય છે.”
તેઓ આ વલણનું કારણ આપતાં કહે છે કે, “કારણ કે જો મોસમ બરાબર રહી તો ખેડૂતોને સારા વળતરની અપેક્ષા હોય છે.”
રામરાજપર ગામના 52 વર્ષના રમેશ મનોહરભાઈ પણ આવા જ એક ખેડૂત છે. તેમને ગઈ ઋતુમાં જીરાના સારા ભાવ મળ્યા હતા. એટલે આ વર્ષે ખેડૂતોની આશા વધશે.
નિષ્ણાતોનું માનવું છે કે જે ખેડૂત જમીન પર પહેલી વાર જીરાનું વાવેતર કરે છે તેમને સારું વળતર મળવાની શક્યતા સૌથી વધારે હોય છે.
હવામાન કેવું હોય તો જીરાનો પાક સારો થાય?

ઇમેજ સ્રોત, Getty Images
જીરુંના ઍડ્વાન્સ પ્રોડક્શન ટેકનૉલૉજી પરના આઈસીએઆરના અહેવાલમાં જીરાના સારા ઉત્પાદન માટે માફક આવતા હવામાન અંગે નોંધ કરાઈ છે.
જે અનુસાર જીરાની ખેતી માટે ઠંડા અને સંપૂર્ણ શુષ્ક હવામાનની જરૂર હોય છે. તેના વાવેતર માટે મહત્તમ તાપમાનની આવશ્યકતા 20-30 ડિગ્રી સેસ્લિયસ છે. જીરુંના પાકને હિમવર્ષાથી નુકસાન થાય છે, ખાસ કરીને ફૂલો અને પ્રારંભિક બીજ રચનાના તબક્કામાં.
અહેવાલમાં વાવેતરની જમીન માટેની માટીના માફક આવતા પ્રકારનીય વાત કરાઈ છે.
જે અનુસાર માટી એવી હોવી જોઈએ કે જેથી પાણી નીચે ઊતરી જાય. કારણ કે સ્થિર પાણી અને વધુ પડતો ભેજ જીરુંના પાક માટે ખૂબ જ નુકસાનકારક મનાય છે.
એસિડયુક્ત જમીન (ઉચ્ચ pH ધરાવતી જમીન) પાકની સારી વૃદ્ધિ અને ઊપજ માટે વધુ યોગ્ય નથી. જીરું ઊંડી અથવા છીછરી બંને જમીનમાં ઉગાડી શકાય છે, જોકે છિદ્રાળુ અથવા પથ્થરવાળી જમીનમાં પાણી ભરાઈ નથી રહેતું અને આપોઆપ ઊંડું ઊતરી જાય છે જેથી તે જીરાના પાક માટે યોગ્ય છે.
જીરું મધ્યમ ખારાશ પાણીને પણ સહન કરી શકે છે.
ક્ષારવાળી જમીન હોય અથવા જેને સિંચાઈનું પાણી મળી રહે તેવી વ્યવસ્થા હોય તો પાક સારો થતો હોય છે.
જો જીરાની ખેતી માટે માફક હવામાનની વાત કરાય તો વાતાવરણમાં ભેજ, ઠાર કે ઝાકળ હોય અથવા વાદળછાયું વાતાવરણ હોય તો પાકને નુકસાન થવાની સંભાવના ખૂબ જ વધારે રહેતી હોય છે. જોકે આવા સમયે વધુ ઝડપથી વાતા પવનવાળી સ્થિતિ પાક માટે યોગ્ય છે, કારણ કે તે ભેજને સૂકવી નાખે છે.
ડૉ. યોગેશ પવાર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં બાગાયત વૈજ્ઞાનિક છે.
તેઓ કહે છે, “જીરાના પાકને ખાસ કરીને સારી ગોરાડુ અને રેતાળ જમીન વધુ અનુકૂળ આવે છે.”
તેઓ જીરાના વાવેતરનો યોગ્ય સમય જણાવતાં કહે છે કે દિવાળી પછી જ્યારે ઠંડીની શરૂઆત થાય અને દિવસનું ઉષ્ણતામાન 30 ડિગ્રી સેલ્સિયસથી નીચે જાય ત્યારે જીરુંનું વાવેતર કરવું જોઈએ.
આથી મહત્તમ ઉત્પાદન લેવા જીરુંના પાકની સમયસર વાવણી કરવી જોઈએ.
એન. આર. પટેલ પ્રમાણે વાસ્તવમાં જીરાના પાકને વધુ ખાતર અને પાણીની જરૂર નથી હોતી.
તેઓ જીરુંના પાક અંગે વધુ માહિતી આપતાં કહે છે કે તે ઉષ્ણકટિબંધીય પાક છે. તેના પાકવાનો સમયગાળો 100 - 120 દિવસનો હોય છે.
છોડ ભાગ્યે જ એકથી દોઢ ફૂટ ઊંચો હોવાથી, તે એવા વિસ્તારોમાં પણ ઊગી શકે છે કે જ્યાં સિંચાઈની યોગ્ય સગવડ નથી.
પટેલ જીરુંના પાક સામેના પડકાર અંગે વાત કરતાં કહે છે કે, “હવામાનમાં ફેરફાર અને ફૂગના રોગો સામે તેની તાત્કાલિક પ્રતિક્રિયા જ તેને જોખમી પાક બનાવે છે.”
એન. આર. પટેલનું કહેવું છે કે ગુજરાત અને રાજસ્થાનમાં જીરુંનો પાક સામાન્ય રીતે બે રોગોથી પ્રભાવિત થાય છે, સુકારો અને મૂળનું કોહવાવું, જે વધુ પડતા ભેજને લીધે થાય છે.
“તેથી જે દર વર્ષે જીરું વાવે છે તેમણે પાકની ફેરબદલી કરવી જોઈએ, જો આમ ન કરે અને તે જ જગ્યાએ વારંવાર જીરું વાવે તો પ્રતિ એકર ઓછી ઊપજ થઈ શકે.”
તેમના મતે પાકને ફૂગના રોગથી બચાવવા માટે વિકલ્પ તરીકે જંતુનાશકોનો ઉપયોગ કરી શકાય.
પડકારો સામે જીરુંના પાકને બચાવવા માટે શો ઉકેલ છે?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી દર વર્ષે માવઠા આવતા હોવાથી જીરું વાવતા ખેડૂતો માટેના પડકારોમાં વધારો થયો છે.
આના ઉપાય વિશે વિગતવાર વાત કરતાં ડૉક્ટર પવાર કહે છે કે, “ભારત અને ગુજરાતની યુનિવર્સિટીમાં 100-120 દિવસના ગાળામાં જીરુંની ખેતી શક્ય બનાવવા માટેની જાતો વિકસાવવા માટેનાં સંશોધન ચાલી રહ્યાં છે.”
તેઓ આ નવી જાતોના લાભ જણાવતાં કહે છે કે, “આ નવી જાતો બજારમાં ઉપલબ્ધ થશે ત્યારે ખેડૂતો શિયાળાની શરૂઆત પછી મોડી વાવણી શરૂ કરી શકશે અને વહેલી જીરું લઈ પણ શકશે. જેથી કમોસમી વરસાદ પાકને નુકસાન પહોંચાડે એ પહેલાં તેને ઘરે લાવવું શક્ય બનશે.”
ડૉ. પવારના મતે જીરુંના પાકમાં છોડની સંખ્યાનું પ્રમાણ જાળવવું જરૂરી છે. ખેતરમાં જીરુંના પાકમાં દરેક છોડ વચ્ચે પ્રકાશ, જગ્યા, પાણી અને પોષકતત્ત્વો માટે સ્પર્ધા હોય છે, જેના પરિણામે છોડદીઠ પોષકતત્ત્વોનું પ્રમાણ ઘટી જાય છે.”
એન. આર. પટેલનું કહેવું છે કે સારા અંકુર માટે વાવણી પછી ઓછા પ્રમાણમાં પાણી આપવું જોઈએ.
તેઓ પાકના જીવનકાળ અને તે દરમિયાન ધ્યાનમાં રાખવાજોગ બાબતો અંગે કહે છે કે, “બીજનો અંકુર વાવણીના 10-12 દિવસ પછી દેખાશે. હવામાનની સ્થિતિ અને જમીનના ફેરફારને આધારે પાકને લગભગ 30 દિવસના અંતરે પિયત અપાય છે. નોંધનીય છે કે જ્યારે પાક પરિપક્વતાના તબક્કે હોય ત્યારે સિંચાઈ ટાળવી જોઈએ, કારણ કે આવું કરવાથી બીજની ગુણવત્તાને પ્રતિકૂળ અસર થઈ શકે છે.”
આઈસીએઆરના અહેવાલ મુજબ જીરાની ખેતી માટે વાવણીનો સમય ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તેથી, જીરુંને રોગ અને જીવાતોના ઉપદ્રવથી બચાવવા પાક યોગ્ય સમયે ઉગાડવો જોઈએ, જેથી જીરુંનાં ફૂલોના નિર્ણાયક સમયગાળા સુધી વાતાવરણમાં ભેજનું પ્રમાણ ના હોય એ સુનિશ્ચિત કરી શકાય.
પાકની ફેરબદલી વિશે વાત કરતાં એન. આર. પટેલ જીરુંના પાકને વાતાવરણીય ફેરફારોને કારણે થતા નુકસાનથી બચાવવા કહે છે કે આદર્શ ઉકેલ એ છે નિયમિત અંતરાલ બાદ જીરુંનો પાક લેવો.
“ખેડૂતોએ બે-ત્રણ વર્ષ સુધી જીરાનો પાક લઈ બાદનાં એક-બે વર્ષ માટે અન્ય પાક માટે જમીનનો ઉપયોગ કરવો. અને પછી ફરીથી જીરું ઉગાડવું. આવું કરવાથી જમીનની માટી ફૂગમુક્ત રહે છે.”
કૅનાલને કારણે જમીનમાં ભેજથી પાકને થતા નુકસાન વિશે વાત કરતાં તેઓ કહે છે કે કૅનાલને કારણે જમીનમાં ભેજના પ્રમાણમાં વધારો થાય છે. પરંતુ કૅનાલોના માત્ર એક-બે કિમીના પરિઘમાં જ ભેજ વધુ હોય છે.
આગામી સિઝન માટે શું અપેક્ષા છે?

ઇમેજ સ્રોત, Getty Images
જીરાના ભાવ 2014માં 20 કિલોના રૂ. 2,000ની આસપાસ હતા, જે 2017માં વધીને રૂ. 3050ની આસપાસ થયા, વર્ષ 2022માં ભાવ રૂ. 4,000 અને ઑગસ્ટ માસમાં ભાવ વધી રૂ. 13,000 સુધી પહોંચી ગયેલા.
આ વર્ષના એપ્રિલ મહિનામાં ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં જીરાનો ભાવ 20 કિલોદીઠ રૂ. 13,000 રૂપિયાની સપાટી સુધી પહોંચી ગયેલો. 10મી ઑક્ટોબર 2023ના રોજ જીરુંનો ભાવ મહત્તમ રૂ. 11,501 અને ન્યૂનતમ રૂ. 10,100 હતો.
દિનેશભાઈ કહે છે કે ઑક્ટોબર-નવેમ્બરમાં જ્યારે નવા પાકની વાવણીના અહેવાલો આવશે ત્યારે ભાવ ઘટી શકે છે. ભારતમાં દર વર્ષે 80-90 લાખ બોરી જીરુંનું ઉત્પાદન થાય છે. એક બોરી 60 કિલો બરાબર છે. આમ દેશમાં જીરુંના કુલ ઉત્પાદનનો આંકડો સાડા ચાર લાખ મેટ્રિક ટન સુધી પહોંચી જાય છે. પરંતુ ગયા વર્ષે ભારતમાં માત્ર 55 લાખ બોરીનું ઉત્પાદન થયું હતું.
ગયા વર્ષે શિયાળાના મહિના સામાન્ય કરતાં વધુ ગરમ હતા. તેથી મોટા ભાગના જીરાના છોડને ખરાબ અસર થઈ હતી.
તદુપરાંત, કમોસમી વરસાદને કારણે પાકને ફૂગના રોગ, જેમ કે કાળિયો અથવા ચરમી થવાથી ભારે નુકસાન થયું હતું.
આ કારણે ગત વર્ષે ઓછો પુરવઠો અને માગ ઝાઝી હતી, આમ બજારની માગ પુરવઠાના અસંતુલનને કારણે ખેડૂતોને તેમના ઉત્પાદનના ઊંચા ભાવ મળેલા.
આમ ખેડૂતોને જંતુનાશકો, વાતાવરણીય ફેરફારોને કારણે થયેલા નુકસાનની ભરપાઈ ઊંચા ભાવથી થઈ હતી. સામાન્ય રીતે કિલોદીઠ રૂ. 200 મળે છે, પણ ગયા વર્ષે ખેડૂતને પ્રતિ કિલો રૂ. 600 મળ્યા હતા.
દિનેશભાઈના મતે ગયા વર્ષનો સ્ટૉક ઓછો હોવાથી આ વર્ષે લણણીની ઋતુ શરૂ થતાં સુધીમાં જીરુંનો સ્ટૉક પૂરો થઈ જશે.
“જોકે, બજારમાં ઊંચા ભાવને કારણે અને મધ્ય-પૂર્વમાં યુદ્ધ જેવી સ્થિતિને કારણે અમે આંતરરાષ્ટ્રીય બજારમાંથી ઓછી માગની અપેક્ષા રાખીએ છીએ.”
“બજારમાં અપેક્ષા છે કે આ વખત જીરુંના પાકનું ઉત્પાદન બે કે ત્રણ ગણું વધી શકે છે, કારણ કે છેલ્લી સિઝનની સફળતા પછી વધુ ખેડૂતો જીરું ઉગાડવા માટે આકર્ષાયા છે.”
છેલ્લાં દસ વર્ષની પૅટર્ન વિશે વાત કરતાં દિનેશ પટેલ કહે છે કે, “જીરુંની ખેતી જોખમી હોવા છતાં ખેડૂતોએ સારા વળતરને કારણે જીરુંની ખેતી હેઠળની જમીનમાં વધારો કર્યો છે અને એકંદરે જીરુંનું ઉત્પાદન વધ્યું છે.
ભારતમાં જીરાની ખેતી
ભારત બીજ-મસાલાના નિકાસમાં વિશ્વનો અગ્રેસર દેશ છે. જેની નિકાસમાં વર્ષોથી સતત પ્રગતિ નોંધાઈ છે. ગુજરાત અને રાજસ્થાન 'ભારતના બીજ મસાલાના બાઉલ' તરીકે ઓળખાય છે.
મહેસાણા જિલ્લામાં આવેલું ઊંઝા એશિયાનું સૌથી મોટું મસાલા બજાર છે અને તે ભારતમાં બીજ મસાલા માટે અગ્રણી પ્રોસેસિંગ હબ પણ છે.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના ભારતીય મસાલા બોર્ડ દ્વારા ભારતીય મસાલાના અહેવાલ મુજબ, ગુજરાતમાં ઉત્પાદન હેઠળનો કુલ વિસ્તાર 4,25,000 હેક્ટર છે અને ઉત્પાદન 4,20,000 ટન છે.
વિશ્વમાં જીરુંની ખેતી મુખ્યત્વે ભારત, તુર્કી, સીરિયા, સંયુક્ત અરબ અમીરાત (યુએઈ), ઈરાન, ઇજીપ્ત, પાકિસ્તાન અને ઈટાલીમાં થાય છે.
જીરાની વાવણી ઑક્ટોબર-નવેમ્બર અને ઉતારો ફેબ્રુઆરી-માર્ચમાં થાય છે. મુખ્ય મંડીઓમાં મે-જૂન સુધી વેચાણ થાય છે.
તુર્કી અને સીરિયા જેવા અન્ય મુખ્ય ઉત્પાદક દેશોમાં, ભારતમાં સિઝન પૂર્ણ થયા પછી તેનું વાવેતર કરાય છે. આ દેશોમાં જીરાનો ઉતારો જૂન અને જુલાઈમાં થાય છે. બંને પ્રદેશોમાં ખેતીની મોસમમાં આ અંતરને કારણે ભારતને જીરુંના સપ્લાયર તરીકેનો લાભ મળે છે.
સીરિયા કુલ ઉત્પાદનના 80 ટકાથી વધુ નિકાસ કરે છે. તેમની ઉતારાની મોસમ નવેમ્બર-ડિસેમ્બરથી શરૂ થાય છે.
ભારતના વેપારીઓ આ દેશમાં પાકની પ્રગતિ અને આઉટપૂટ અંદાજ પર બારીક નજર રાખે છે. ભારતમાં ભાવની હિલચાલ મોટા ભાગે સીરિયાનાં ઉત્પાદન અને નિકાસથી પ્રભાવિત છે.
મુખ્ય સ્પર્ધક દેશોમાં જીરુંનું ઉત્પાદન પણ જીરાની માગ અને ભાવને અસર કરે છે. જીરુંનો નિકાસ ભાવ તેના તુર્કી, ઈરાન, અને સીરિયામાંના ઉત્પાદન પર આધારિત છે.
કુલ ભારતીય મસાલાની નિકાસમાં જીરુંનો હિસ્સો 20-30% છે.














