વર્ષે 18 લાખના પગારની નોકરી છોડી, ખેતી કરીને કરોડોનો ધંધો કેવી રીતે વિકસાવ્યો?

ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લાના એક નાનકડા ગામમાં રહેતા અખિલેશ ચૌધરીને એક નવી ઓળખ મળી છે.
એક મલ્ટીનેશનલ કંપનીમાં વાર્ષિક 18 લાખ રૂપિયાનું પૅકેજ ધરાવતા અખિલેશે પોતાની નોકરી છોડી દીધી છે અને પોતાના ગામના યુવાનો માટે એક પ્રેરણાસ્ત્રોત બની ગયા છે.
તેમણે નોકરી છોડીને શરૂ કરેલો ફૂલોનો વ્યવસાય હવે તેમને મલ્ટીનેશનલ કંપનીમાં મળતા પગારથી વધુ કમાણી કરાવી રહ્યો છે.
અખિલેશ માટે તેમની નોકરી છોડવી અને નવો વ્યવસાય કરવો એક મોટો પડકાર હતો પણ તેની સામે લડીને તેઓ સફળ બન્યા છે.
ફૂલોનો વ્યવસાય શરૂ કરવા માટે તેમને સરકાર પાસેથી પણ મદદ મળી હતી.
તેમણે સરકારી મદદ કેવી રીતે મેળવી? અને શૂન્યમાંથી કરોડો રૂપિયાનો વ્યવસાય ઊભો કેવી રીતે કર્યો?

'લોકોને રોજગારી આપીએ છીએ, એની ખુશી'

અખિલેશ ચૌધરી જ્યારે નોકરી કરતા હતા. ત્યારે જ તેમને ફૂલોની ખેતી કરવાનો વિચાર આવ્યો હતો.
વર્ષ 2016માં તેમની નોકરી ચાલુ હતી તે સમયે જ તેમણે પ્રથમ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો અને તે સફળ રહેતાં 2017માં તેમણે નોકરી છોડીને પોતાનું સર્વસ્વ આ વ્યવસાય માટે આપી દીધું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અખિલેશનું માનવું છે કે આ વ્યવસાયે તેમના આત્મવિશ્વાસમાં વધારો કર્યો છે.
તેમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "મારા માટે નવું કરિયર શરૂ કરવું એ ખૂબ જ પડકારજનક હતું પણ મારા પરિવારનો સાથ મને અહીં સુધી લઈને આવ્યો છે."
તેઓ આગળ કહે છે, "જ્યારે મેં આ પ્રોજેક્ટ શરૂ કર્યો અને ફૂલો તૈયાર થવાં લાગ્યાં, ત્યારે મેં નોકરી છોડી દીધી હતી."
"અત્યારે બિઝનેસ સારી રીતે ચાલી રહ્યો છે અને હું મલ્ટીનેશનલ કંપનીમાં જેટલું કમાતો હતો એટલી કમાણી તો થઈ જ જાય છે. સાથેસાથે પંદરેક લોકોને રોજગારી આપીએ છીએ, એ વાતની પણ ખુશી છે."

ચીનથી આવતાં પ્લાસ્ટિકનાં ફૂલો મોટો પડકાર

અખિલેશ ચૌધરી જરબેરા, લિલિયમ, કાર્નેશન જેવાં વિદેશી ફૂલોની ખેતી કરે છે.
આ ફૂલોની માવજત સામાન્ય સ્વદેશી ફૂલો કરતાં વધારે કરવી પડે છે અને તેની કિંમત પણ વધારે હોય છે.
તેમણે જ્યારે ફૂલોનો વેપાર શરૂ કર્યો ત્યારે તે સીમિત હતો. પણ સૂઝબૂઝથી તેમણે પોતાનું 80 ટકા માર્કેટ લોકલ બનાવી લીધું.
આ વિશે તેઓ કહે છે, "મેં જ્યારે આ વ્યવસાય શરૂ કર્યો ત્યારે અમે દિલ્હી અને ઉત્તરાખંડ મોકલતા હતા. પણ ત્રણ-ચાર વર્ષની મહેનત બાદ હવે અમે 80 ટકા ફૂલો સ્થાનિક બજારમાં જ વેચીએ છીએ."
સતત વિસ્તરી રહેલા વેપાર વચ્ચે પણ તેઓ ઘણા પડકારોનો સામનો કરી રહ્યા છે. તેમનું માનવું છે કે ચીનથી આવતાં પ્લાસ્ટિકનાં ફૂલોની તેમના વ્યવસાય પર સીધી અસર પડી રહી છે.
તેઓ જણાવે છે, "અમે વર્ષે છ લાખથી વધુ ફૂલો ઉગાડીએ છીએ અને તેનાથી કમાણી પણ સારી થાય છે પરંતુ ચીનથી જે પ્લાસ્ટિકના ફૂલો આવે છે તેના લીધે અમારો નફો ઘટી જાય છે."
"જોકે, જે પણ વેચાણ થાય છે તેનાથી થતી કમાણી અને સરકાર તરફથી મળતી સબસિડીના કારણે વેપાર સરળતાથી ચાલે છે."

કેવી રીતે મળી સબસિડી?

સરકાર પાસેથી મળતી સહાય વિશે અખિલેશ ચૌધરી કહે છે, "ફૂલોની ખેતી માટે એક ગ્રીન હાઉસ ઊભું કરવાનો આશરે 58 લાખ જેટલો ખર્ચો થાય છે અને સરકાર તેના માટે 50 ટકા સુધીની સબસિડી આપે છે."
સબસિડી મેળવવાની પ્રક્રિયા વિશે તેઓ કહે છે, "સૌથી પહેલાં એ માટે સંલગ્ન સ્થાનિક કચેરીમાં અરજી કરવી પડે છે."
"ત્યાર પછી અધિકારીઓ આવીને ધારાધોરણોની ચકાસણી કરે છે અને પ્રોજેક્ટ જો સરકારી ધારાધોરણો મુજબ હોય તો સબસિડી પાસ થઈ જાય છે."
અખિલેશ ચૌધરીને ફૂલોની ખેતીના પ્રોજેક્ટ પાછળ 58 લાખ રૂપિયા જેટલો ખર્ચો થયો હતો. જે પૈકી તેમને 28 લાખ રૂપિયાની સબસિડી મળી હતી.


















