ડાંગ : આદિવાસી ખેડૂતે એવું શું કર્યું કે બિનઉપજાઉ જમીન થકી લાખો રળવા લાગ્યા?

ઇમેજ સ્રોત, Sanjay Dave
- લેેખક, સંજય દવે
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
ખેતીની જમીનને પિયત મળે તો કોઈ પણ જાતના કેમિકલનો ઉપયોગ કર્યા વગર પણ ખેતીની કાયાપલટ થાય અને ખેડૂતોનું જીવનધોરણ પણ નોંધપાત્ર રીતે ઊંચું આવે એનું ઉમદા દૃષ્ટાંત એક આદિવાસી ખેડૂત સુકીરાવભાઈ ગાયકવાડ અને તેમના ચીખલી ગામે પૂરું પાડ્યું છે.
ચીખલીના ખેડૂત સુકીરાવભાઈ લાહનુભાઈ ગાયકવાડે ચેકડેમ રિપેરિંગથી ઉપલબ્ધ થયેલાં પાણીનો ખેતીમાં અસરકારક ઉપયોગ કરીને બિનઉપજાઉ જમીનને મબલખ પાક રળતી કરી બતાવી છે.
એટલું જ નહીં, તેમણે તેમની જમીનમાં કોઈ પણ પ્રકારના કૃત્રિમ રસાયણો વાપરવાનું બંધ કરીને માત્ર કુદરતી ખેતી અપનાવીને પણ ખેતીની આવકમાં વધારો કર્યો છે. ચીખલી ગામ, ડાંગ જિલ્લાના સુબિર તાલુકામાં લવચાલી જૂથ પંચાયતમાં આવેલું અંતરિયાળ ગામ છે.
ભીલ, કુણબી વગેરે આદિવાસી જાતિની મળીને આશરે 1000 લોકોની વસતી ધરાવતા આ ગામમાં 80 ટકા લોકો ખેડૂતો છે, બાકીના પરિવારો સ્થળાંતરિત મજૂરો છે. આજે ગામના 50થી વધુ ખેડૂતો ફક્ત અને ફક્ત પ્રાકૃતિક ખેતીને જ વરેલા છે.

- ખેતીને રસાયણો મુક્ત બનાવવા અનેક ગ્રામીણ લોકોને માર્ગ ચીંધી રહ્યા છે
- ખેતીમાં પાણી ઉપલબ્ધ થવાથી ગામની બહારથી શાકભાજી ખરીદીને લાવવી પડતી નથી
- સુકીરાવભાઈ ગાયકવાડ હંમેશાં આયોજનપૂર્વક ખેતી કરે છે તેથી ખેતીમાં ભાગ્યે જ નુકસાન થાય છે.
- તેમણે માસ્ટર ટ્રેનર તરીકે ડાંગ જિલ્લાના 200થી વધારે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી છે
- જોકે કુદરતી ખેતીના નિર્ણયથી તેમને શરૂઆતમાં આર્થિક નુકસાન પણ સહન કરવું પડ્યું, પરંતુ તેમના એક ગુણને લીધે તેઓ નુકસાનને અવગણીને હવે નોંધપાત્ર નફો કરતા થયા છે

બીજા ખેડૂતો કરતાં સુકીરાવભાઈની ખેતીની પદ્ધતિ અલગ કેવી રીતે?

ઇમેજ સ્રોત, SANJAY DAVE
53 વર્ષના સુકીરાવભાઈ તેમાંના એક ઉમદા ખેડૂત છે. ઉમદા ખેડૂત કેમ? તેના જવાબમાં સ્થાનિક સામાજિક કાર્યકર નીતાબહેન કહે છે,“સુકીરાવભાઈની ખેતીની જમીન ઢાળવાળી હતી. તેમણે ખૂબ પરિશ્રમ કરીને તેનું લેવલિંગ કર્યું અને તે બિનઉપજાઉ જમીનને ફળદ્રુપ બનાવી છે, એ પણ માત્ર કુદરતી ખાતર-દવાનો જ ઉપયોગ કરીને."
"તેઓ તેમની બધી જ જમીનમાં ફક્ત છાણિયું ખાતર, અળસિયા ખાતર અને જીવામૃત જેવા જૈવિક ખાતર-દવા જ વાપરે છે. આજે તેમની ખેતીની સફળતા જોઈને ગામના ઘણા ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી કરતા થયા છે.”
સુકીરાવભાઈ પાસે રેવન્યૂની આશરે અઢી હૅક્ટર અને છ હૅક્ટર જંગલ-જમીન છે. આજથી નવેક વર્ષ પહેલાં તેઓ તેમની ખેતીમાં રાસાયણિક ખાતર અને દવાઓ વાપરતા હતા, પણ સ્થાનિક સ્તરે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થા, જિલ્લા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જિલ્લા ખેતીવાડી વિભાગના આત્મા પ્રોજેક્ટ વગેરેના માર્ગદર્શનથી તેમણે રસાયણોને તિલાંજલિ આપીને સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી અપનાવી છે.

શરૂઆતમાં ઉત્પાદન ઘટ્યું પણ હિંમત હાર્યા વિના કુદરતી ખેતી ચાલુ રાખી

ઇમેજ સ્રોત, SANJAY DAVE
સુકીરાવભાઈ માટે પણ કુદરતી ખેતી અપનાવવી સરળ નહોતી. જ્યારે કોઈ પણ ખેડૂત રસાયણોયુક્ત ખેતીમાંથી સજીવ ખેતી તરફ વળે ત્યારે શરૂઆતનાં બે-ત્રણ વર્ષ દરમિયાન તેમનું ખેતી-ઉત્પાદન ઘટતું હોય છે અને એ વખતે ખેતીની આવકમાં ઘટાડો થવાથી ઘણા ખેડૂતો નિરાશ થઈને રાસાયણિક ખાતર-દવા વાપરવાનું શરૂ કરી દે છે, પરંતુ સુકીરાવભાઈએ હિંમત ન હારી. કારણકે કુદરતી ખેતીમાં મહેનતની સાથે સાથે મક્કમ મનોબળ પણ હોવું એટલું જ જરૂરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તે વર્ષને યાદ કરતા તેઓ કહે છે, “મેં લગભગ 2018-19થી ડાંગરની ખેતીમાં રસાયણોનો વપરાશ ઘટાડ્યો અને 2019-20થી તો માત્ર સજીવ ખેતી કરવાનું જ શરૂ કર્યું."
"પહેલા વર્ષે મારો ડાંગરનો પાક થોડોક ઘટ્યો, પણ છતાં મેં કોઈ પણ પ્રકારનું કેમિકલ નહીં જ વાપરું એવું મનોમન નક્કી જ કર્યું હતું. પછી તો બીજા જ વર્ષથી સજીવ ખેતીમાં મને સારું ઉત્પાદન મળવા લાગ્યું. તેથી મારી હિંમત વધી અને ગામના બીજા ખેડૂતો પણ મારી કુદરતી ખેતી જોવા આવવા લાગ્યા.”
તેમના ખેતરમાં ડાંગર (ચોખા), મગફળી, મગ, તુવેર, વટાણા, મકાઈ, નાગલી (રાગી), વરઈ (મોરૈયો), અડદ વગેરેનો પાક લે છે. તેમણે સૌથી પહેલા તેમના ડાંગરના પાકમાં પ્રાકૃતિક ખેતી અપનાવી.

બીજાં ખેતરોમાંથી પોતાનાં ખેતરોમાં આવતાં રસાયણો પણ રોક્યાં
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સુકીરાવભાઈએ કુદરતી ખેતી અપનાવી ત્યારે શરૂઆતમાં તેમના ખેતરની બાજુમાં આવેલાં ખેતરોના ખેડૂતોએ રસાયણો વાપરવાનું ચાલું જ રાખ્યું હતું. એના કારણે એ પાડોશી ખેડૂતોનાં ખેતરોનું રાસાયણિક દવા-ખાતરવાળું પાણી સુકીરાવભાઈના ખેતરમાં આવી જતું.
સુકીરાવભાઈએ તેનાથી પોતાના ખેતરને બચાવવા માટે, ખેતર પાસે જાતે જ એક નીક બનાવીને તે પાણીને આગળ વેરાન જમીન તરફ વાળી દીધું. આમ, તેમણે બીજા ખેતરોમાંથી આવતાં રસાયણો રોકીને પોતાની ખેતીને કેમિકલગ્રસ્ત થતા બચાવી લીધી.
સુકીરાવભાઈ આજે તેમના ખેતરની સાથે-સાથે ડાંગનાં બધાં ગામોની ધરતીનું રસાયણોના માર સામે રક્ષણ કરવા પ્રતિબદ્ધ બન્યા છે.
કુદરતી ખેતીમાં શરૂઆતના વર્ષોમાં ઉત્પાદનના ઘટાડા અને તેની આવક પર અસર અને ડાંગમાં કુદરતી ખેતીને લોકપ્રિય બનાવવાની પ્રતિબદ્ધતા માટેના મક્કમ મનોબળના મૂળમાં સુકીરાવભાઈએ રાજ્યના અર્ધલશ્કરી પોલીસ દળમાં બજાવેલી ફરજ છે. તેમની એ નોકરી દરમિયાન મળેલી શિસ્ત અને પ્રતિબદ્ધતાની તાલીમ તેમની ખેતી પદ્ધતિમાં પણ દેખાય છે.
તેઓ કહે છે, “હું પોતે મારી ખેતીની જમીનમાં કોઈ પણ પ્રકારનું રાસાયણિક ખાતર કે દવા નાખતો નથી અને બીજા અનેક ખેડૂતોને પણ સમજાવું છું કે, ધરતીમાતાને ઝેર ન અપાય.”
સુકીરાવભાઈની આ વાત મોટાભાગના ખેડૂતોને ગળે ઊતરી જાય છે. તેમના ગામ ચીખલીના ખેડૂતો સંદુરીબહેન રામભાઈ માલા, તુલસીબહેન અનદભાઈ ચૌધરી, અવશુભાઈ મનીયાભાઈ ચૌધરી, રમેશભાઈ ગાહુભાઈ આહીર, વાનુભાઈ ચૌધરી, સોનિયાભાઈ તાનુભાઈ ચૌધરી વગેરેએ હવે રસાયણોને તિલાંજલિ આપીને કુદરતી દવા-ખાતર વાપરવાનું શરૂ કર્યું છે.

ખેડૂતો જલદી સમજે તે માટે તેમને ડાંગી ભાષામાં જ તાલીમ

ઇમેજ સ્રોત, SANJAY DAVE
સુકીરાવભાઈની પ્રાકૃતિક ખેતી વિશે ડાંગના ‘કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-વઘઈ’ના વડા અને કૃષિ-વિજ્ઞાની જિગ્નેશભાઈ ડોબરિયા કહે છે, “સુકીરાવભાઈ હંમેશાં આયોજનપૂર્વક ખેતી કરે છે, તેથી તેમને ખેતીમાં ભાગ્યે જ નુકસાન સહન કરવાનો વારો આવે છે. વળી, તેઓ પ્રાકૃતિક ખેતી બાબતે ડાંગના ખેડૂતો માટે ઉદાહરણરૂપ બન્યા છે."
"અમે અમારી ખેડૂત-તાલીમોમાં સુકીરાવભાઈને તેમની પોતાની પ્રાકૃતિક ખેતી વિશે વાત કરવા બોલાવીએ છીએ. તેઓ ડાંગી ભાષામાં જ ખેડૂતોને તાલીમ આપે છે, તેથી ખેડૂતો જલદી સમજે છે અને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરણા મેળવે છે. ઉપરાંત, તેમણે ખેતીમાં પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરી બતાવ્યો છે. તે પણ બહુ પ્રેરણાદાયી વાત છે.”
ડાંગના સરકારી ખેતીવાડી વિભાગ દ્વારા ચાલતા ‘આત્મા પ્રોજેક્ટ’ના નાયબ ખેતી નિયામક (તાલીમ) સંજયભાઈ ભગરીયા કહે છે, “સુકીરાવભાઈ ગાય આધારિત કુદરતી ખેતી કરે છે. તેઓ દેશી ડાંગર અને આંબાનાં વૃક્ષો પણ કુદરતી ખેતીથી કરે છે."
"તેઓ અમારા આત્મા પ્રોજેક્ટમાં માસ્ટર ટ્રેનર તરીકે, ડાંગ જિલ્લાના 200થી વધારે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી ચૂક્યા છે. તેઓ એક પ્રગતિશીલ ખેડૂત તરીકે બીજા અનેક ખેડૂતોને પ્રેરણા આપે છે.”

કેરીની વિવિધ જાતોના 100થી વધુ આંબા ઉછેર્યા

ઇમેજ સ્રોત, SANJAY DAVE
સુકીરાવભાઈએ ડાંગર, મગફળી, નાગલીનો પાક લઈને સંતોષ માનવાને બદલે આંબાનાં વૃક્ષો ઉગાડીને ખેતીની મબલખ આવકનો નોંધપાત્ર રાહ પણ અપનાવ્યો છે. સ્થાનિક સંસ્થાની મદદથી તેમણે કેસર, લંગડો, દશેરી, રાજાપુરી જેવી કેરીની વિવિધ જાતોના 100થી વધુ આંબા ઉછેર્યા છે.
એક વર્ષ પહેલાં કમોસમી વરસાદ અને કરા પડવા છતાં તેમની કેરીનો પાક ખૂબ સારો થયો. તેમણે આ રીતે આંબા ઉછેરીને ખેતી ખોટનો ધંધો ન રહે તેની કાળજી રાખી છે. તેમની સ્વાદિષ્ટ કેરીઓ અમદાવાદ અને સુરતના નામાંકિત લોકો સુધી પહોંચી છે.
ખેતીમાંથી સુકીરાવભાઈ વર્ષે બે લાખથી વધુ આવક રળતા થયા છે. ઉપરાંત, કેરીનાં વેચાણમાંથી પણ તેઓ લાખો રૂપિયાની આવક રળતા થયા છે એ ખરેખર નોંધપાત્ર છે.
આવું પરિવર્તન આવ્યું કેવી રીતે? તેનો જવાબ આપતા સ્થાનિક સ્તરે કુદરતી સંસાધનોનાં જતન માટે કાર્યરત સામાજિક કાર્યકર રામકૃષ્ણ મહાજન કહે છે, “અમારી સંસ્થાએ ચેકડેમ, બંધપાળા, કૂવા, ખેતતલાવડી જેવાં કુદરતી સંસાધનોનું જતન કર્યું, જર્જરિત થઈ ગયેલા સરકારી ચેકડેમોને રિપેર કર્યા તેમ જ નવા 12 ચેકડેમ બનાવ્યા. તેથી ગામમાં પિયતનું પાણી ઉપલબ્ધ થયું તેનાથી ખેતી વિકસી. હવે અહીંના ખેડૂતો વિવિધ જાતની કેરી, ડાંગર, મગફળી, અડદ અને વરઈ (મોરૈયો) જેવા પાકોમાં પિયતનું પાણી મેળવતા થયા છે.”
જળસંગ્રહના આ પ્રયાસથી હવે ગામના કૂવામાં એકસાથે 15 મોટર મૂકાય તો પણ પાણી ખૂટતું નથી. પહેલાં તો 60 ફૂટે પણ માંડ પાણી મળતું હતું.
વધુ નોંધપાત્ર વાત એ છે કે, જળસંગ્રહનાં સ્ટ્રકચરના કારણે ગામના 20 બોર પણ રિચાર્જ થઈ ગયા. ગામમાં જળસંગ્રહનાં કામો થવાથી ખેતીનો વિકાસ થયો અને તેના પરિણામે રોજગારી માટે ગામની બહાર થતું સ્થળાંતર અટક્યું છે.
ગામનાં સ્થળાંતરિત આઠેક કુટુંબોને હવે ગામમાં જ ખેતમજૂરીનું કામ મળી રહેતું હોવાથી અને પોતાની ટૂંકી ખેતીમાં પણ પિયતની સુવિધા થવાથી શેરડી કાપવાની મજૂરી માટે તેમને ગામની બહાર જવાની ફરજ પડતી નથી.

પિયતની સુવિધા ઊભી થવાથી રોજી માટે કરવું પડતું સ્થળાંતર અટક્યું
ચીખલી ગામનાં 55 વર્ષનાં વિધવા ચનુબહેન ચંદુભાઈ વાઘમારેને પહેલાં રોજગારી માટે તેમનાં કુટુંબ સહિત ગામની બહાર સ્થળાંતર કરવું પડતું. તેઓ બારડોલીમાં શેરડી કાપવાની મજૂરીએ જતાં. પરંતુ, હવે ગામમાં પિયતની સુવિધા ઊભી થવાથી તેમને અને તેમના કુટુંબના સભ્યોને સ્થળાંતર કરવાની ફરજ પડતી નથી એ ખરેખર નોંધપાત્ર વાત છે. જળસંગ્રહની સમગ્ર કામગીરીમાં સુકીરાવભાઈની આગેવાનીએ મહત્ત્વનો ભાગ ભજવ્યો.
દેશની સરહદના સિપાહી રહી ચૂકેલા સુકીરાવભાઈએ કૉન્ટ્રાક્ટરોને કહી દીધું કે, “મારા ગામના કોઈ પણ કામમાં હલકી ગુણવત્તાની કોઈ પણ વસ્તુ વાપરવા નહીં દઉં. ગામના કામમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે બેદરકારી ચલાવીશ નહીં.”
પ્રામાણિકતા અને પારદર્શિતાને વરેલા આ યોદ્ધાએ સંસ્થાની મદદથી બનેલા સંગઠનનું નામ પણ ‘શ્રી પારદર્શક ગ્રામ વિકાસ મંડળ’ રાખ્યું છે. ગામલોકોના આ મંડળમાં ચીખલી ગામનાં 297 ભાઈઓ-બહેનો સભ્ય છે.
આ મંડળના નેજા હેઠળ સૌ ગ્રામજનો સાથે મળીને ગામોમાં કુદરતી સંસાધનોનાં જતન તથા સર્વાંગી વિકાસ માટે મથે છે. આ મંડળ તેના નામને ચરિતાર્થ કરે છે, કારણ કે ગામમાં કોઈ પણ વિકાસનું કામ થાય તે દરેકમાં પારદર્શિતા જાળવવામાં આવે છે. સુકીરાવભાઈ હંમેશાં પ્રામાણિકતા અને પારદર્શિતા પર ભાર મૂકે છે.

કોઠાસૂઝથી બનાવેલી ખેતતલાવડીમાં વિવિધ પ્રકારની માછલીઓનો ઉછેર

ઇમેજ સ્રોત, SANJAY DAVE
હૈયે દેશદાઝ ધરાવતા સુકીરાવભાઈએ ગામમાં બનેલી પાઇપલાઇનને ‘વંદેમાતરમ પાઇપલાઇન’નું નામકરણ કરીને તેમની અનેરી દેશભક્તિનાં દર્શન કરાવ્યાં છે. ચીખલી ગામના 23 ખેડૂતોના ખેતર સુધી આ પાઇપલાઇન દ્વારા પાણી પહોંચે છે અને તેનાથી પિયતની સુવિધા ઊભી થઈ છે.
આ પિયતનું પાણી ખેતીની અને ગામની કાયાપલટ કરવામાં નિમિત્ત બની રહ્યું છે. હવે આખા ગામમાં પિયતનાં પાણીની ઉપલબ્ધિથી મબલખ શાકભાજી થાય છે. તેથી ગામના લોકોને કોઈ પણ શાકભાજી બહારથી લાવવી પડતી નથી.
સુકીરાવભાઈએ વધારાની આવક રળવા માટે વધુ એક પ્રયોગ કર્યો છે. તેમણે તેમના ખેતરના એક ભાગમાં ડાંગર વાવવાને બદલે તેમણે 20 x 22 મીટરની ખેતતલાવડી બનાવી છે.
પોતાની કોઠાસૂઝથી બનાવેલી આ ખેતતલાવડીમાં તેમણે મીરગલ, પંગસિયસ, રહુ, કોમનક્રાફ્ટ જેવી વિવિધ પ્રકારની માછલીઓ ઉછેરી છે. આમ, ખેતી સિવાય મત્સ્યપાલનમાંથી પણ તેમણે વધારાની આવક ઊભી કરી છે.
સુકીરાવભાઈની સાથે-સાથે ગામના બીજા ખેડૂતોએ પણ આંબા ઉછેરવાનું શરૂ કર્યું છે. તે બાબતે રસપ્રદ વાત કરતા સુકીરાવભાઈ કહે છે, “મેં મારા ગામના ખેડૂત અવશુભાઈ મનીયાભાઈને આંબાની એક કલમ આપી હતી. તે તેમણે તેના કૂવા પાસે વાવી હતી, પણ તેને નિયમિત પાણી આપવાની કાળજી તે લેતા નહોતા. છતાં, કૂવા પાસેના એ એક જ આંબામાંથી તેમને 15,000 રૂપિયાની કેરીનો પાક મળ્યો.
મજાની વાત એ છે કે, કૂવા પાસે નહાવા માટે વપરાતું પાણી એક નાનકડા નાળા મારફતે આંબા સુધી પહોંચતું.” આમ, વગર પ્રયાસના આ પિયતનાં પાણીથી અવશુભાઈનો આંબો ફૂલ્યો-ફાલ્યો અને તેનાં ફળ અવશુભાઈને પ્રાપ્ત થયાં.
સુકીરાવભાઈએ પોતાની ખેતીની જમીનમાં પ્રાકૃતિક ખેતી અપાનાવાની સાથે-સાથે ડાંગનાં બીજાં ગામોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનું બીડું ઝડપ્યું છે.


















