એ દેશ જ્યાં જમીન અને ખેતમજૂર વિના ઓછા પાણીએ ખેતી થાય

જાપાન કૃષિ

ઇમેજ સ્રોત, Mebiol

    • લેેખક, ફાતિમા કરમટા
    • પદ, બીબીસી ન્યૂઝ બ્રાઝીલ

જાપાનના યૂચી મોરી ફળો અને શાકભાજી ઉગાડે છે, પણ તે માટે તેમને જમીન કે માટીની જરૂર પડતી નથી.

છોડનાં મૂળ એવા સાધનમાં હોય છે, જે મૂળભૂત રીતે મેડિકલ ટ્રીટમેન્ટ માટે ડિઝાઇન કરાયું હતું.

ટ્રાન્સપરન્ટ પોલીમર ફિલ્મમાં મોરી પોતાના છોડ ઉગાડે છે. નીચે પાથરેલી ફિલ્મની અંદર પાણી અને પોષક પદાર્થો રાખી શકાય છે.

ફિલ્મની ઉપર છોડ ઊગે છે અને છોડનાં મૂળિયા અંદર જવાના બદલે આડાં પથરાય છે.

આ પદ્ધતિને કારણે કોઈ પણ આબોહવામાં છોડ ઉગાડી શકાય છે અને તેમાં ફાયદો એ છે કે 90 ટકા ઓછા પાણીની જરૂર પડે છે.

જંતુનાશકો વાપરવાની પણ જરૂર પડતી નથી, કેમ કે પોલિમરના કારણે વાઇરસ અને બૅક્ટેરિયા આવતાં નથી.

સંશોધક મોરીએ બીબીસીને જણાવ્યું, "રેનલ ડાયાલિસિસ સિસ્ટમમાં રક્તને ફિલ્ટર કરવા માટે વપરાતું આ મટિરિયલ મેં અપનાવ્યું છે, જેથી છોડને ઊગવા માટેના માધ્યમ તરીકે તેનો ઉપયોગ થઈ શકે."

જાપાનમાં કૃષિ ક્રાંતિ તરીકે ગણાયેલી તેમની આ પદ્ધતિ માટે તેમની કંપની મેબિઓલે 120 દેશોમાં પેટન્ટ નોંધાવી દીધા છે.

જાપાન કૃષિ

ઇમેજ સ્રોત, Getty Images

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઑફ થિંગ્ઝ અને લૅબોરેટરીમાંથી પ્રાપ્ત થતા જ્ઞાનનો ઉપયોગ કરીને કૃષિમાં વધારે ને વધારે ટેક્નિકલ પ્રયોગો થઈ રહ્યા છે.

જાપાનમાં ખેતીલાયક જમીન અને ખેતમજૂરોની અછત છે, ત્યારે એગ્રો ટૅક્નૉલૉજી પાકની જાળવણી અને દેખરેખમાં પણ ઉપયોગી થઈ રહી છે.

તેના કારણે જમીન ઉપલબ્ધ ના હોય અથવા દુનિયાભરને સતાવવા લાગેલી મર્યાદિત જળસ્રોતની સમસ્યા હોય ત્યાં પણ ખેતી થઈ શકે છે.

જમીન વિના થતી આ ખેતીને હાઇડ્રોપોનિક ખેતી કહે છે.

જળસ્રોત વિશેના સંયુક્ત રાષ્ટ્રસંઘના આ વર્ષના વર્લ્ડ રિપોર્ટમાં અંદાજ મુકાયો છે વર્તમાન ગતિએ જ પર્યાવરણ અને જળસ્રોતને હાની થતી રહેશે તો મોટું જોખમ ઊભું થશે.

જાપાન કૃષિ

ઇમેજ સ્રોત, MEIBOL

2050 સુધીમાં અનાજના ઉત્પાદનમાં 40% તથા દુનિયાના જીડીપીમાં 45% ટકા સુધીનું નુકસાન તેના કારણે થઈ શકે છે.

યૂચી મોરી જે રીતે પોલિમર ખેતી કરે છે, તે પદ્ધતિ બીજા દેશોમાં પણ દેખાવા લાગી છે.

જાપાનમાં 150થી વધુ જગ્યાએ તેનો ઉપયોગ થાય છે. સાથે જ સંયુક્ત આરબ અમિરાતના રણપ્રદેશ સહિત અન્યત્ર પણ તેનો ઉપયોગ થવા લાગ્યો છે.

માર્ચ 2011માં વિનાશક ભૂકંપ પછી સુનામી આવી હતી. તેનાથી ઈશાન જાપાનમાં જમીનો ખરાબ થઈ ગઈ હતી. આ વિસ્તારમાં ફરીથી ખેતીને જીવંત કરવા માટે પણ આ પદ્ધતિનો ઉપયોગ થઈ રહ્યો છે.

line

ટ્રેક્ટર રોબો

જાપાન કૃષિ

ઇમેજ સ્રોત, Getty Images

દુનિયાની વસતિ ધારણા પ્રમાણે વધશે (2050 સુધીમાં 760 કરોડથી 980 કરોડ) તો તેના માટે ઊભી થનારી અનાજની માંગને પૂરી કરવામાં વેપારની મોટી તક રહેલી છે.

તે તકનો ફાયદો ઉઠાવવા કંપનીઓ તૈયારીઓ કરી રહી છે. સાથે જ કૃષિમાં ઉપયોગી થનારાં મશીનોની પણ માગ નીકળી હશે, તેની પણ તૈયારીઓ થઈ રહી છે.

જાપાન સરકાર હાલમાં 20 પ્રકારના રોબો વિકસાવવા માટે સબસિડી આપી રહી છે. આ રોબો રોપણીથી માંડીને લણણી સુધીના ખેતીના જુદા જુદા કામમાં ઉપયોગી થાય તેવા હશે.

હોક્કાઇડો યુનિવર્સિટી સાથે સહયોગમાં યાન્માર કંપનીએ એક રોબો ટ્રેક્ટર તૈયાર કર્યું છે, જેની હાલમાં ખેતરોમાં ચકાસણી થઈ રહી છે.

અવરોધો પારખીને તેની સાથે ટક્કર ટાળી શકાય તેવા ઇન્ટગ્રેટેડ સેન્સરને કારણે એક વ્યક્તિ એક સાથે બે ટ્રેક્ટર ચલાવી શકે છે.

નિસ્સાને આ વર્ષે એવો રોબો લોન્ચ કર્યો છે, જેમાં જીપીએસ, વાઈફાઈ કનેક્શન છે અને સોલર ઍનર્જીથી ચાલે છે.

ડક નામનો આ રોબો નાની સાઈઝનો છે. તે ચોખાના ખેતરોમાં પાણી વચ્ચે ચાલે છે અને એવી રીતે કામ કરે છે છોડ સુધી ઓક્સિજન પહોંચે. તેના કારણે જંતુનાશકોનો ઉપયોગ ઓછો કરવો પડે અને પર્યાવરણને પણ ફાયદો થાય.

line

ખેતમજૂરી વિનાની ખેતી

જાપાન કૃષિ

ઇમેજ સ્રોત, Getty Images

યુવાનોને ખેતીના કામમાં બહુ રસ પડતો નથી, પણ ટૅક્નૉલૉજીમાં રસ પડે. તેથી સરકાર ટૅક્નૉલૉજીનો ઉપયોગ કૃષિમાં કરીને યુવાનોને તે તરફ વાળવા માગે છે.

ખેતીમાં કામ કરનારા માણસો ઓછા થઈ રહ્યા છે ત્યારે કૃષિને ટકાવવા માટે આવા પ્રયાસો જરૂરી બન્યા છે.

જાપાનમાં છેલ્લા એક દાયકામાં કૃષિકારોની સંખ્યા 22 લાખમાંથી ઘટીને 17 લાખની થઈ ગઈ છે. જાપાની ખેડૂતોની સરેરાશ ઉંમર 67 વર્ષની થઈ ગઈ છે.

જાપાનની સક્રિય વસતિમાંથી માત્ર 7% લોકો ખેતીકામમાં છે. મોટા ભાગના ખેડૂતો ખેતી પાર્ટટાઇમ જ કરે છે.

જાપાનની ભૂમિ એવી છે કે ખેતી માટે મર્યાદિત જમીન મળે છે. જાપાનમાં તેની જરૂરિયાતનું માત્ર 40% અનાજ જ પાકે છે.

જાપાનનો 85% પ્રદેશ પહાડી છે. ખેતીલાયક સમથળ જગ્યા છે તેમાંથી મોટા ભાગના ખેતરોમાં ચોખા જ પાકે છે. જાપાની લોકો માટે મુખ્ય આહાર ચોખાનો જ રહ્યો છે.

જાપાની સરકારે ચોખા ઉગાડતા ખેડૂતોને સબસિડી આપે છે, જેથી કમ કે કમ એક હેક્ટરમાં ચોખા ઉગાડતા જ રહે. જોકે ભોજનની ટેવ બદલાવા લાગી છે અને તેની અસર દેખાવા લાગી છે.

જાપાનમાં 1962માં ચોખાનો ઉપયોગ માથા દીઠ 118 કિલો હતો, તે હાલનાં વર્ષોમાં ઘટીને 60 કિલો જેટલો ઓછો થઈ ગયો છે.

તેના કારણે જાપાને ખેતીમાં જુદા જુદા પાક લેવામાં આવે તે માટે પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું છે.

ખેતમજૂરો મળતા હોતા નથી, તેથી ખેડૂતો મશીનરી અને બાયોટૅક્નૉલૉજી પર વધારે આધાર રાખતા હોય છે.

જાપાન કૃષિ

ઇમેજ સ્રોત, Getty Images

દવા છાંટવા જેવાં ઘણાં કામ માટે હવે ડ્રોનનો ઉપયોગ થવા લાગ્યો છે. તેના કારણે મજૂર આખા દિવસમાં જેટલું કામ કરે તેટલું કામ અડધા કલાકમાં થઈ જાય છે.

ખેતીલાયક જમીન વિના પણ પાક લેવાની ઉચ્ચકક્ષાની ટૅક્નૉલૉજી ઉપયોગી થઈ રહી છે.

હવે ગ્રીનહાઉસ અને હાઇડ્રોપોનિક્સથી પાક લેવામાં આવે છે, તેના કારણે જાપાનમાં ફળો અને શાકભાજીનું ઉત્પાદન વધી શક્યું છે.

મિરાઈ ગ્રૂપ કંપની વર્ટિકલ ખેતી માટે અગ્રેસર બની છે. કંપની હાલમાં રોજના 10,000 (કોબી જેવી) લેટ્યુસ ઉગાડે છે.

પરંપરાગત રીતે થતી ખેતી કરતાં આ પદ્ધતિમાં 100 ગણી વધુ ઉત્પાદકતા મળે છે.

કૃત્રિમ પ્રકાશ, પોષક પદાર્થો, કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોપોનિક્સના છોડના તાપમાન પર સેન્સર દ્વારા નજર રાખી કંપની તેને નિયંત્રિત કરે છે.

કૃત્રિમ પ્રકાશને કારણે છોડ ઝડપથી વિકસે છે અને નિયંત્રિત માહોલને કારણે છોડને રોગ લાગુ પડતો નથી.

આવી પદ્ધતિ પાછળ બહુ ઊર્જા વાપરવી પડે છે, તેમ છતાં જાપાનમાં છેલ્લા એક દાયકામાં જ આવા કૃષિ એકમોની સંખ્યા ત્રણ ગણી વધીને 200 જેટલી થઈ ગઈ છે.

હાઇડ્રોપોનિકનું બજાર દુનિયાભરમાં વિકસી રહ્યું છે અને હાલમાં તેનું બજારમૂલ્ય લગભગ 1.5 અબજ ડૉલર જેટલું છે.

2023 સુધીમાં તેનું બજાર વધીને 6.4 અબજ ડૉલર સુધીનું થવાની ધારણા છે એમ એલાઇડ માર્કેટ રિસર્ચનું કહેવું છે.

line

વિકાસશીલ દેશોને સહાય

જાપાન કૃષિ

ઇમેજ સ્રોત, Mebiol

જાપાન આ ટૅક્નૉલૉજીની મદદથી આફ્રિકાના દેશોને પણ મદદરૂપ થઈ રહ્યું છે, જેથી ત્યાં વર્ષે ચોખાનું ઉત્પાદન બમણું થઈને 2030 સુધીમાં 5 કરોડ ટન સુધી પહોંચી જાય.

આફ્રિકામાં આ માટેના વિશેષ પ્રોજેક્ટ્સ શરૂ થઈ ગયા છે.

દાખલા તરીકે સેનેગલમાં જાપાને રોકાણ કર્યું છે અને કૃષિ ટેક્નિશિયન્સને તાલીમ માટેનાં કેન્દ્રો ખોલ્યાં છે અને સિંચાઇને લગતી ટૅક્નૉલૉજીનો ઉપયોગ ત્યાં થઈ રહ્યો છે.

તેના કારણે હેક્ટર દીઠ ચોખાનું ઉત્પાદન વધીને ચારથી સાત ટન સુધી પહોંચ્યું છે અને ખેડૂતોની આવકમાં 20 ટકા સુધીનો અંદાજિત વધારો થયો છે.

જાપાન કૃષિ ક્ષેત્રમાં ખાનગી મૂડીરોકાણને પ્રોત્સાહન આપવા માગે છે તથા આફ્રિકા ખંડમાં કૃષિ વિષયક મશીનરીનો વેપાર વધારવા માગે છે.

છેલ્લાં 15 વર્ષોમાં આફ્રિકાનો જીડીપી 3.4 ગણો વધ્યો છે - 2001માં 63,200 કરોડ ડૉલર હતો, તે 2016માં વધીને 2.1 ટ્રિલિયન થઈ ગયો છે.

લણણી પછી પાકને નુકસાન થાય છે તેમાં ઘટાડો કરવો, ફૂડ ઇન્ડસ્ટ્રીને ફરી ધમધમતી કરવી અને ગ્રામીણ વિસ્તારની આવક વધારવી એવા હેતુ સાથે 2014માં જાપાનના કૃષિ, વન અને મચ્છીમારી મંત્રાલયને વિશેષ કાર્યક્રમ ઘડી કાઢ્યો હતો.

ફેડ વેલ્યૂ ચેઈન માટે ગ્લોબલ સ્ટ્રેટેજી તૈયાર કરીને જાપાન વિયેતનામ, મ્યાનમાર અને બ્રાઝીલ જેવા દેશોમાં તેનો અમલ કરી રહ્યું છે.

(આ અહેવાલ સૌપ્રથમ 26 સપ્ટેમ્બર, 2019માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો)

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન