એવું ગામ જે વર્ષમાં માત્ર એક વાર પાણીમાંથી બહાર આવે છે
- લેેખક, સુપ્રિયા વોહરા
- પદ, બીબીસી હિંદી માટે
ગોવામાં એક ગામ એવું છે વર્ષ દરમિયાન 11 મહિના પાણીની અંદર રહે છે અને માત્ર એક મહિના માટે પાણીમાંથી બહાર આવે છે.
આ દરમિયાન ગામ છોડીને અન્યત્ર વસી ગયેલા મૂળનિવાસીઓ અહીં આવે છે અને ઉત્સવ મનાવે છે.

ઇમેજ સ્રોત, GURUCHARAN KURDIKAR
કુર્દી ગામ પશ્ચિમીઘાટના બે પહાડો વચ્ચે સાલૌલિમ નદી પાસે વસેલું છે.
દક્ષિણ પૂર્વી ગોવાનું આ ગામ એક સમયે બહુત જીવંત હતું.
પરંતુ 1986માં ગામલોકોએ આ જગ્યા છોડવી પડી. રાજ્યનો પહેલો બંધ અહીં બનાવાઈ રહ્યો હતો. જેના કારણે ગામ ડૂબી જવાનું હતું.

ક્યારેક અહીં એક ગામ વસતું હતું

ઇમેજ સ્રોત, SUPRIYA VOHRA
પણ દર વર્ષે મે મહિનામાં પાણી ઓસરવા લાગે છે અને ગામ દેખાવા લાગે છે.
જે દેખાય છે તેમાં ખંડેર બની ગયેલું ગામ, બગડી ગયેલી ઘરવખરી અને નાનાંનાનાં તળાવો વચ્ચેની ઉજ્જડ જમીન.
આ જમીન એક સમયે ખૂબ ઉપજાઉ હતી. આ ગામની વસ્તી અંદાજે ત્રણ હજાર હતી. ગામલોકો અહીં ધાન્યની ખેતી કરતા હતા. અહીં નારિયેળ, કાજુ, કેરી અને ફણસનાં ઝાડ પણ હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અહીં હિંદુ, મુસલમાન અને ઈસાઈ સાથે રહેતા હતા. એક મુખ્ય મંદિરની સિવાય નાનાંનાનાં કેટલાંય મંદિરો, એક ગિરજાઘર અને એક મસ્જિદ હતી.
પ્રતિષ્ઠિત ક્લાસિકલ ગાયક મોગુબાઈ કુર્દિકરનો પણ આ સ્થળ સાથે નાતો છે.
પરંતુ 1961માં જ્યારે ગોવા પોર્ટુગલથી આઝાદ થયું ત્યારે બધું બદલાઈ ગયું.

બંધ માટે કુરબાની આપી પણ પાણી ન મળ્યું

ઇમેજ સ્રોત, SUPRIYA VOHRA
પહેલા મુખ્ય મંત્રી દયાનંદ બાંદોડકરે આ ગામની મુલાકાત લીધી અને બંધ બાંધવાની યોજના જણાવી. તેઓએ ગામલોકોને બોલાવ્યા અને કહ્યું કે બંધથી આખા દક્ષિણ ગોવાને ફાયદો થશે.
જૂની યાદોને વાગોળતા 75 વર્ષીય ગજાનન કુર્દિકર કહે છે, "તેમણે કહ્યું કે બંધથી આખું ગામ ડૂબી જશે, પરંતુ એક મોટી યોજના માટે આ કુરબાની આપવી પડી."
કુર્દિકર સહિત અહીંયાં 600 પરિવાર હતા. તેમને પડોશના ગામમાં વિસ્થાપિત કરાયા, તેમને સહાય કરાઈ અને જમીન અપાઈ.
આ યોજના બહુ મહત્ત્વાકાંક્ષી હતી. સાલૌલિમ નદીના કિનારે આ આકાર પામવાની હતી, માટે તેને સલૌલિમ સિંચાઈ પરિયોજના નામ અપાયું.
એ સમયે વાયદો કરાયો હતો કે તેનાથી પીવાનું પાણી, સિંચાઈ અને ઔદ્યોગિક જરૂરિયાતો માટે પાણી આપવામાં આવશે, તેમાંનું કશું જ મળ્યું નથી.
એ પણ કહેવાયું હતું કે પ્રતિદિન 40 કરોડ લિટર પાણી મળશે.

વિસ્થાપન

ઇમેજ સ્રોત, GURUCHARAN KURDIKAR
ઇનાશિયો રોડ્રિગ્સનું કહેવું છે, "જ્યારે અમે નવા ગામમાં પહોંચ્યા ત્યારે અમારી પાસે કંઈ નહોતું."
રોડ્રિગ્સનો પરિવાર 1982માં અહીંથી વિસ્થાપિત થયો. તેમણે ઘર બને ત્યાં સુધી કામચલાઉ ઝૂંપડીમાં રહેવું પડ્યું અને કેટલાક લોકોએ તો પાંચ વર્ષ સુધી પોતાનું ઘર બને એની રાહ જોવી પડી હતી.
ગુરુચરણ કુર્દિકર 10 વર્ષના હતા, જ્યારે તેમનો પરિવાર 1986માં વિસ્થાપિત થયો.
42 વર્ષીય ગુરુચરણ કહે છે, "કેટલીક ધૂંધળી યાદો છે. મારો પરિવાર બેબાકળો થઈને ગાડીમાં સામાન નાખી રહ્યો હતો. મને પણ એ સામાન સાથે ટ્રકમાં બેસાડી દેવાયો. મારી સાથે મારો ભાઈ અને દાદી હતાં."
તેમનાં માતા મમતા કુર્દિકર યાદ કરતાં કહે છે, "મને લાગે છે કે ગામ છોડનારા અમે છેલ્લા લોકો હતા. એક દિવસ પહેલાં ખૂબ વરસાદ થયો હતો અને અમારાં ઘરોમાં પાણી ભરાવવાનું શરૂ થયું હતું. અમારે તાત્કાલિક આ જગ્યા છોડવાની હતી. હું લોટ પણ નહોતી લઈ શકી."
પરંતુ જ્યાં કુર્દી ગામના લોકોને વસાવવામાં આવ્યા ત્યાં બંધનું પાણી ક્યારેય પહોંચી શક્યું નહીં.

મે મહિનામાં ઉત્સવ મનાવાય છે

ઇમેજ સ્રોત, SUPRIYA VOHRA
ગજાનન કુર્દિકર કહે છે, "વાયદો કર્યો હતો કે દક્ષિણ ગોવાનાં દરેક ગામમાં પીવાના પાણીની પાઇપ પહોંચશે. પણ એવું ન થયું. આથી અમને બંધમાંથી પીવાનું પાણી ન મળી શક્યું."
વાડ્ડમમાં, જ્યારે કુર્દિકર હવે રહે છે ત્યાં બે મોટા કૂવા છે, પરંતુ એપ્રિલ અને મે મહિનામાં એ પણ સુકાઈ જાય છે. એટલા માટે ગામવાસીઓને પીવાના પાણી માટે સરકારી ટૅન્કર પર નિર્ભર રહેવું પડે છે.
જ્યારે મે મહિનામાં પાણી ઓસરે છે ત્યારે મૂળનિવાસીઓ પોતાનાં છિનવાઈ ગયેલાં ઘરોને જોવા માટે આવી જાય છે.
ઈસાઈ સમુદાય ગિરજાઘરમાં એકત્ર થાય છે અને હિંદુ મંદિરોમાં ઉત્સવ માટે એકઠા થાય છે.

જમીન સાથે જોડાયેલા લોકો

ઇમેજ સ્રોત, SUPRIYA VOHRA
ગોવાના સમાજશાસ્ત્રી વેનિશા ફર્નાન્ડીઝના જણાવ્યા અનુસાર, "આજે અમારા માટે પોતાનો સામાન લઈને ક્યાંય પણ જવું સરળ છે, પરંતુ કુર્દી લોકો માટે તેમની જમીન જ તેમની ઓળખ હતી. તેઓ ગાઢ રીતે જમીન સાથે જોડાયેલા હતા. કદાય એટલા માટે તેઓ તેને એટલા દિલથી યાદ કરે છે અને અહીં આવે છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













