ગુજરાતમાં બદલાઈ રહી છે વરસાદની પેટર્ન, શું ખેડૂતોએ પાક પણ બદલવા પડશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી ગુજરાતી
છેલ્લાં કેટલાંક વર્ષોથી ચોમાસામાં પડતા વરસાદની પૅટર્નમાં જોવા મળેલી અનિયમિતતા ગુજરાતના ખેડૂતોને નુકસાનીમાં ધકેલી રહી છે. જોકે, કૃષિ વૈજ્ઞાનિકો અને વિશેષજ્ઞોના મતે જળવાયુ પરિવર્તનની અસરને કારણે હવામાન નોંધાઈ રહેલા ફેરફારને લીધે થતાં નુકસાનથી બચવા ખેડૂતોએ ખેતીની પદ્ધતિ અને પાકની વાવણીમાં બદલાવ લાવવાની જરૂર પડશે.
આ વરસે ગુજરાતમાં જુલાઈમાં ધમધોકાર વરસાદ પડ્યો અને અમરેલી અને જૂનાગઢના કેટલાક વિસ્તારોમાં તો રેકર્ડ તોડી નાખ્યા.
હવે ઑગસ્ટમાં નજીવો વરસાદ પડી રહ્યો છે. જુલાઈમાં ભારે વરસાદને કારણે ઘણા ખેડૂતોનાં વાવેતરને નુકસાન થયું અને હવે વરસાદ નથી ત્યારે કેટલાક ખેડૂતોનો ઊભો મોલ સુકાઈ રહ્યો છે.
વરસાદની પૅટર્ન બદલાઈ રહી છે. જાણકારો તેને જળવાયુ પરિવર્તનની અસર કહે છે. છેલ્લાં દસ વર્ષના આંકડા તપાસવામાં આવે તો ગુજરાતમાં ચોમાસું અનિયમિત જોવા મળે છે.
ચોમાસાની અનિયમિતતા પાકની ઉત્પાદકતાને અસર કરે છે અને સરવાળે ખેડૂતોને નુકસાન થાય છે.
અણધારી, અસામાન્ય, પ્રતિકૂળ અને અનિચ્છનીય પ્રકારની હવામાનની સ્થિતિ હોય તો પાકની વાવણી પહેલાં અથવા તો ઊભા પાકમાં ગંભીર અસર થાય છે.
આથી આવાં નુકસાનથી બચવા જાણકારો આકસ્મિક પાક આયોજન કરવાની સલાહ આપે છે.
ગુજરાત સરકારના કૃષિવિભાગના અધિકારીઓ કહે છે કે આ પ્રકારે આકસ્મિક પાકનું આયોજન કરવા માટે ખેડૂતોની કાર્યશિબિરોનું આયોજન થઈ રહ્યું છે. ખેડૂતોની આર્થિક ક્ષમતા નિર્માણ વધારવા માટે માર્ગદર્શન આપવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીજી તરફ કૃષિ નિષ્ણાતો કહી રહ્યા છે કે હવે ખેડૂતોએ આબોહવા પરિવર્તનની અસરથી બચવા માટે આંતરપાકનું આયોજન કરવું જોઈએ.
તેમનો મત એ છે કે વરસાદની પૅટર્ન બદલાઈ રહી છે તો પાક લેવાની પદ્ધતિમાં પણ વૈજ્ઞાનિક ઢબ અપનાવવાની અને સાથે જરૂર લાગે તો પાકની પદ્ધતિ બદલવાની પણ જરૂર છે.

શા માટે આકસ્મિક પાકોનું આયોજન જરૂરી છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કૃષિવિભાગના આંકડા અનુસાર ગુજરાતમાં અંદાજે 78 ટકા વિસ્તાર એટલે કે 80 લાખ હેક્ટર વિસ્તારમાં વરસાદ આધારિત ખેતી થાય છે.
ડાંગ, નવસારી, સુરત, વલસાડ અને જૂનાગઢ જિલ્લામાં વધુ વરસાદ પડે છે.
સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં સરેરાશ વાર્ષિક 450થી 750 મિમી વરસાદ પડે છે.
સૂકી ખેતીવાળા વિસ્તારમાં સામાન્ય રીતે વરસાદ ઓછો અને અનિયમિત હોય છે તથા વરસાદની વહેંચણી પણ સપ્રમાણ હોતી નથી. આથી સૂકી ખેતીવાળા વિસ્તારમાં પાક ઉત્પાદન ઓછું હોય છે.
વરસાદની સરખામણીમાં ઊંચા ઉષ્ણતામાન અને વધુ ઝડપથી ફૂંકાતા પવનોને કારણે બાષ્પીભવન દ્વારા પાણીનો બગાડ વધુ થાય છે.
રાજ્યમાં સામાન્ય રીતે દક્ષિણ-મધ્ય ગુજરાતમાં ચોમાસાની શરૂઆત જૂન મહિનાના બીજા સપ્તાહમાં થાય છે. જ્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ત્રીજા કે ચોથા સપ્તાહમાં થાય છે. સપ્ટેમ્બરના અંત સુધીમાં ચોમાસું રાજ્યમાંથી વિદાય લઈ લે છે.
પણ ગુજરાતમાં એક સમયે જ્યાં દુષ્કાળ પડતો હતો, ત્યાં આજે લીલા દુષ્કાળ જેવી ઘટનાઓ વધી રહી હોય તેવું નોંધાઈ રહ્યું છે. વૈજ્ઞાનિકો તેની પાછળ જળવાયુ પરિવર્તનની અસરોને કારણભૂત માને છે. તેમનું કહેવું છે કે વરસાદની બદલાતી પૅટર્ન પાકોને ગંભીર અસર કરી રહી છે.
વરસાદની અનિયમિતતા અને આબોહવા પરિવર્તનને કારણે ખેડૂતોને જે નુકસાન થઈ રહ્યું છે તેમાંથી બચવા માટે કૃષિ વૈજ્ઞાનિકો તેમને આકસ્મિક પાકનું આયોજન કરવા માટેની સલાહ આપે છે.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઍગ્રોનૉમી વિભાગના વડા ડૉ. ધીમંત વઘાસિયા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે, “ખેડૂતોએ એક જ પાક વાવવાને બદલે લાંબા ગાળાના પાક સાથે ટૂંકા ગાળાના પાકો પણ વાવવા જોઈએ. જેથી ખેડૂતોનો એક પાક નિષ્ફળ જાય તો તેનું નુકસાન તેઓ બીજા પાકથી સરભર કરી શકે.”
ડૉ. ધીમંત વઘાસિયા ગુજરાતમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી ચોમાસાની અનિયમતતા પર વાત કરતા કહે છે, “છેલ્લાં ત્રણ વર્ષની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં પાછલા મહિના એટલે કે ઑગસ્ટ, સપ્ટેમ્બર અને ઑક્ટોબરમાં સરેરાશ કરતાં વધારે વરસાદ પડ્યો છે. પણ આ વરસે શરૂઆતના મહિનાઓમાં એટલે કે જૂન-જુલાઈમાં વરસાદ સરેરાશ કરતાં વધારે વરસાદ પડ્યો અને હવે જ્યારે ખરેખર વરસાદની જરૂર છે ત્યારે તેની ખેંચ વર્તાઈ રહી છે.”

પાકના યોગ્ય આયોજન પર ભાર

ઇમેજ સ્રોત, Getty Images
કૃષિ વૈજ્ઞાનિકો આ માટે પાકનું યોગ્ય આયોજન કરવાની સલાહ આપે છે.
ડૉ. ધીમંત વઘાસિયા કહે છે, “જરૂરિયાત પ્રમાણે પાકની ફેરબદલ કરવી જોઈએ. પાક જ્યારે મધ્યાવસ્થામાં હોય અને પાણીની ખેંચ હોય તો તેમાં વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવીને તેમાં સુધારો લાવી શકાય. આંતરપાક પદ્ધતિ અપનાવી શકાય, મલ્ચિંગથી આવરણ કરીને જમીનમાં રહેલા ભેજનું બાષ્પીભવન થતું અટકાવી શકાય. જેની પાસે ટપક પદ્ધતિ કે ફુવારા પદ્ધતિની સુવિધા ન હોય, તેમણે તેમના ખેતરમાં પાકની એક હરોળને મૂકીને બીજી હરોળમાં અથવા એક પાટલાને મૂકીને બીજા પાટલામાં જમીનમાં પાણી આપવું જોઈએ. નબળા છોડને દૂર કરીને પણ પાણીનો યોગ્ય ઉપયોગ કરી શકાય.”
જાણકારો કહે છે કે ઑગસ્ટ પાક માટે મહત્ત્વનો મહિનો હોય છે. કારણકે જો ચોમાસું સમયસર હોય તો તેનું વાવેતર થઈ ગયું હોય છે અને ઑગસ્ટમાં ફ્લાવરિંગનો તબક્કો ચાલતો હોય છે, સિંગો આવવાનો સમય હોય છે. આ સમયગાળામાં પાણીની જરૂરિયાત વધારે હોય છે.
આ સમયગાળામાં ચોમાસાની અનિયમિતતા ખેડૂતો માટે ઘણી અસરકર્તા હોય છે.
ડૉ. ધીમંત વઘાસિયા કહે છે, “જો આ સમયે વરસાદની ખેંચ હોય તો ફૂલ આવવાની પ્રક્રિયા, પરાગનયનની પ્રક્રિયા અને સિંગો બંધાવવાની પ્રક્રિયા પર તેની અસર થાય છે અને સરવાળે તેની અસર પાક પર થાય છે.”

શું છે આંતરપાક પદ્ધતિ?

ઇમેજ સ્રોત, SANJAY DAVE
એક જ ખેતરમાં એક જ સમયે એકથી વધારે પાકોને જુદી-જુદી હારમાં જરૂરિયાત મુજબના અંતરે વ્યવસ્થિત વાવવામાં આવે તેને આંતરપાક પદ્ધતિ કહેવાય છે.
- આ પદ્ધતિમાં એક મુખ્ય પાક હોય છે અને જ્યારે અન્ય ગૌણ પાક હોય છે.
- મુખ્ય પાક પર વધુ ધ્યાન આપવામાં આવે છે અને ગૌણ પાકને મુખ્ય પાકના જોખમે વાવવામાં આવતો નથી.
- મુખ્ય અને ગૌણ પાક વચ્ચે ખોરાક, પાણી અને સૂર્યપ્રકાશ માટે બિલકુલ હરિફાઈ થતી નથી.
- આંતરપાક પદ્ધતિમાં મુખ્ય પાક કરતાં ગૌણ પાક ઓછી જગ્યા અને મહત્ત્વ પામે છે. મુખ્ય પાકની જે માવજત થાય છે, તેનો ફાયદો ગૌણ પાકને મળે છે.
- ગૌણ પાક સામાન્ય રીતે ટૂંકા ગાળાના પાકો હોય છે અને તેના વાવેતરમાં વધારાનો ખેતી ખર્ચ થતો નથી.
ગુજરાત સરકારના કૃષિ નિયામક એસ. જે. સોલંકી બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે કે સરકાર ખેડૂતો માટે હવામાનમાં થઈ રહેલા બદલાવ અને ચોમાસાની અનિયમિતતાની અસરો અને તેને ખાળવા શું કરવું જોઈએ તે અંગેની માર્ગદર્શન શિબિરો અવારનવાર આયોજિત કરે છે.
એસ. જે. સોલંકી કહે છે, “આ પ્રકારની શિબિરોમાં આંતરપાકની ભલામણો સતત કરવામાં આવે છે. કઠોળ અને શાકભાજી ટૂંકા ગાળાના પાક હોવાથી અમે અનુકૂળ હોય તેવા મુખ્ય પાકની સાથે વાવવાની ભલામણ કરીએ છીએ. જોકે તેમાં અલગ-અલગ પાકો હોવાને કારણે ખેડૂતોએ સતત નિરીક્ષણ કરતા રહેવું પડે છે. એટલે ઘણા ખેડૂતોને એ માફક આવતું નથી પણ જો ખેડૂત આંતરપાક પદ્ધતિ અપનાવે તો તેને 100 ટકા ફાયદો થાય છે. ઘણી વાર જમીનની ફળદ્રુપતામાં પણ આંતરપાકને કારણે સુધારો પણ થાય છે.”
ઉત્તર ગુજરાતની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિક યોગેશ પવાર બીબીસી સાથેની વાતચીતમાં કહે છે, “શિયાળામાં પણ હવે ઠંડીની અનિયમિતતા જોવા મળે છે. તેથી જીરું સાથે અજમાનો આંતરપાક લઈ શકાય. ચોમાસામાં મુખ્ય પાકની સાથે આંતરપાક તરીકે શાકભાજી જેવાં કે કોબીજ, ફૂલકોબી, લીલી ડુંગળી અને મૂળા યોગ્ય રહે છે.”
એસ. જે. સોલંકી કહે છે, “દક્ષિણ ગુજરાતમાં કેટલાક ખેડૂતો આંબાવાડીમાં ડાંગર વાવી રહ્યા છે. બહુ થોડા ખેડૂતોએ આ આંતરપાક પદ્ધતિઓ અપનાવી છે.”
એસ. જે. સોલંકી વધુમાં જણાવે છે, “પહેલાં મુખ્ય પાક સાથે આંતરપાક લેવા માટે અમે ખેડૂતોને કઠોળનાં બિયારણ વિનામૂલ્યે આપતા હતા. પણ આ યોજના બહુ ચાલી નહીં, કારણ કે ખેડૂતો તૈયાર જ નથી. તેને સ્વીકાર્ય બનતાં થોડો સમય જશે, પણ સરકાર તેના વિશે જાગૃતિ આવે તેવા સતત પ્રયાસો કરી રહી છે.”
વૈજ્ઞાનિકો કહે છે કે હવામાનમાં જે પ્રકારે ફેરફાર થઈ રહ્યા છે તે જોતાં ખેડૂતોએ આકસ્મિક પાકનું આયોજન તો કરવું જ પડશે, પણ સાથે તે માટેની યોગ્ય રણનીતિ પણ બનાવવી પડશે.
- પાકની મધ્યાવસ્થામાં જો વરસાદ ખેંચાય તો જમીનમાં ભેજ બચાવવા માટે આંતરખેડ કરવાથી, એટલે કે પાકની બે હારની વચ્ચે ખેડાણ કરવાથી ભેજનું બાષ્પીભવન અટકાવી શકાય છે. તેને કારણે સપ્તાહ સુધી પાકને નુકસાનથી બચાવી શકાય છે.
- વરસાદ ન પડે તો પાકના છોડની સંખ્યા ઘટાડી શકાય છે જેથી ભલે ઉત્પાદન ઓછું થાય પણ છોડનો ઘટાડો કરીને ઉપલબ્ધ પાણીનો બચાવ થઈ શકે છે.
- પાણી પાકની એક હાર છોડીને આપી શકાય.
- મલ્ચિંગ કરવામાં આવે. જેમાં ઘઉં કે અન્ય પાકનું ભૂસું પાકની બે હરોળ વચ્ચે પાથરવાથી જમીનના ભેજનું બાષ્પીભવન થતું અટકાવી શકાય છે.
આ માટે રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીએ મળીને ખેડૂતો માટે આકસ્મિક પાકનું આયોજન કેવી રીતે કરવું તેની માર્ગદર્શિકા પણ તૈયાર કરી છે.

આંતરપાકની માર્ગદર્શિકા

ઇમેજ સ્રોત, ani
- જો સમયસર વરસાદ આવે તો શું કરવું?
ચાર કૃષિ યુનિવર્સિટીની માર્ગદર્શિકા પ્રમાણે જો 16 જૂનથી 1 જુલાઈ સુધીમાં વરસાદ પડે તો બાજરી, કઠોળ, મગફળી, કપાસ, દિવેલા જેવા પાકોનું વાવેતર કરવું જોઈએ. એકમ દીઠ છોડની સંખ્યા જાળવવી જોઈએ. ઊભી મગફળી સાથે આંતરપાક તરીકે એરંડા લઈ શકાય, જે વરસાદની અનિયમિતતા સામેનું જોખમ ઓછું કરી શકે.
બાજરા, મકાઈ, જુવાર અને કઠોળ જેવા પાકોનાં વાવેતર બાદ બે છોડ વચ્ચે 15 સેમી અંતર રાખવું. કઠોળ વર્ગના પાકો જેવા કે મગ, મઠ, અળદ, ચોળા, અને ગુવાર જેવા પાકોને બાજરાના પાક સાથે મિશ્ર કે આંતરપાક તરીકે લઈ શકાય.
- વરસાદ મોડો પડે તો
જો વરસાદ 1 જુલાઈથી 15 જુલાઈ વચ્ચે પડે તો ડાંગરના પાક માટે જો નર્સરી ઊભી ન હોય તો અંકુરિત બિયારણનો SRI (સિસ્ટમ ઑફ રાઇસ ઇન્ટેન્સિફિકેશન – ઓછા સ્રોતોથી ડાંગર પકવવાની) પદ્ધતિથી ઉપયોગ કરવો. સૂકા સમય દરમિયાન દિવેલાંની વાવણી પછી 25થી 60 દિવસે આંતરખેડ અને હાથથી નિંદામણ કરવું.
ચોમાસું મોડું થાય તો ઊભી મગફળીમાં કપાસ, તુવેર, દિવેલાં અને તલના પાકનું વાવેતર કરવું.
જો જુલાઈના અંત સુધીમાં વરસાદ પડે તો ઘાસચારાના પાક વાવી શકાય.
જો વાવણીલાયક વરસાદ ઑગસ્ટની શરૂઆતમાં પડે તો મગફળી અને બાજરીનું વાવેતર ન કરવું જોઈએ.
સૂકી ખેતીમાં દિવેલાં અને જુવારના પાકમાં કારીંગડાનો આંતરપાક લેવો, જેથી ખેતીનું જોખમ ટાળી શકાય.
ઑગસ્ટની શરૂઆતમાં પણ જો વરસાદ ન પડે તો ટૂંકાગાળાના પાકો જેવા કે તલ, જુવાર, ઘાસચારો, મેથી અને પાલક ઉગાડવા.
- ચોમાસાની શરૂઆત સારી હોય, પરંતુ વરસાદ ખેંચાય તો
એરંડો, ઘાસચારો, જુવાર, દેશી કપાસ, ગુવાર, તલ વગેરે પાક વાવી શકાય.
પાક ટકાવી રાખવા એરંડા અને જુવારમાં આંતરપાક કરીતે કારીંગડાનો પાક લેવો.
મલ્ચિંગનો ઉપયોગ કરવો.
- ચોમાસું વહેલું પૂરું થાય તો
31 ઑગસ્ટ પહેલાં ચોમાસું પૂરું થઈ જાય તો કપાસમાં મગફળી, મગ, અડદ વગેરેનો આંતરપાક કરવાથી નુકસાનીનું જોખમ ટાળી શકાય છે.
ચોમાસા દરમિયાન ઓછા વરસાદ અને પાણીની અછતની પરિસ્થિતિમાં બાજરી, એરંડા અને કઠોળ જેવા કે તુવેર, મગ, અડદ, રાજમા, ગુવાર અને ચોળી જેવા પાકો ઉગાડી શકાય છે.
- ચોમાસાની સિઝનની અંતે વધારે વરસાદ પડે તો
20 સપ્ટેમ્બર પછી વરસાદ પડે તો તેનો ઉપયોગ રવી પાક લેવા માટે કરી શકાય છે. કેટલીક વાર સપ્ટેમ્બરના અંતમાં અથવા ઑક્ટોબરની શરૂઆતમાં સંતોષકારક પણ મોડો વરસાદ પડે છે. આવી પરિસ્થિતિમાં કસૂંબી, સૂર્યમુખી, રાયડો અને ઘાસચારાનું આયોજન કરી શકાય. ઊંડાં મૂળ ધરાવતા પાકો પસંદ કરી શકાય. જેમકે ચણા, ઘાસચારો-જુવાર, ઘાસચારો-બાજરી, ઘાસચારો-મકાઈ.
લાંબા ગાળાના પાકો જેવા કે કપાસ, તુવેર અને વરિયાળીની બે હાર વચ્ચે રાયડો, ચણા કે ઘાસચારો લઈ શકાય.
વહેલા પાકતા ચોમાસુ પાકોની કાપણી પછી સંગ્રહિત ભેજનો ઉપયોગ કરી ચણા, રાઈ અને ઘાસચારો લઈ શકાય.
જે વિસ્તારમાં કાયમી ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં વરસાદ વધુ પડતો હોય તો વહેલા અથવા મોડેથી પાક પાકે તેવી જાતો પસંદ કરવી.
- ભારેથી અતિભારે વરસાદ પડે તો
ખેતરમાંથી વધારાનો પાણીનો નિકાલ કરવો. તુવેર, અડદ અને સોયાબીન જેવાં કઠોળના પાકનું આયોજન કરવું.
ડાંગરના રોપા ઉપલબ્ધ હોય તેવા વિસ્તારોમાં ડાંગરની રોપણી કરવી.
શાકભાજીનું પણ આયોજન થઈ શકે. ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં વધારે વરસાદ પડે તો રવી પાકો માટે જમીન તૈયાર કરી આયોજન કરવું. બિનપિયત ઘઉં, અર્ધ શિયાળુ મકાઈ અને ચણા વાવી શકાય. લાંબા ગાળાના પાકો જેવા કે કપાસ, તુવેર, વરિયાળીની બે હાર વચ્ચે ઘાસચારાની જુવાર, ટૂંકા ગાળાનાં અર્ધ શિયાળુ દિવેલાં, રાયડો, તલ, ચણા અને કસૂંબી જેવા પાકો લઈ શકાય.
વધારે વરસાદની સ્થિતિમાં કપાસના ખેતરમાં ભરાઈ રહેલા પાણીના નિકાલની વ્યવસ્થા કરવી જોઈએ. અર્ધ શિયાળુ બાજરો પણ વાવી શકાય.

'ખેડૂતોએ સ્માર્ટ ખેતી અપનાવવી પડશે'

કૃષિ વૈજ્ઞાનિક યોગેશ પવાર કહે છે, “વાવણીનો સમય, પાકના બિયારણની જાતો અને કૃષિપદ્ધતિમાં ફેરફાર કરીને ખેડૂતો તેના પાક પર તોળાતા જોખમને ટાળી શકે છે.”
નવસારી કૃષિ યુનિવર્સિટીના ઍસોસિયેટ ડાયરેક્ટર ઑફ રિસર્ચ ડૉ. લલિત મહાત્મા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે, “જળવાયુ પરિવર્તનની ખેતીને થતી અસરથી બચવા ખેડૂતોએ ક્લાઇમેટ સ્માર્ટ ખેતી તરફ વળવું જોઈએ. કૃષિ ઇકૉસિસ્ટમ વિવિધતાસભર હોવી જોઈએ. ખાસ કરીને ખેડૂતોએ એવા પાકની પસંદગી કરવી જોઈએ જે વિશેષ ઍગ્રો ક્લાઇમેટ કન્ડિશનમાં ગરમી, ઠંડી અને વરસાદની અનિયમિતતાની અસરનો સામનો કરી શકે.”
તેઓ વધુમાં ઉમેરે છે, “પર્યાવરણની સ્થિતિ પ્રમાણે વાવેતરનો સમય, જમીનની ફળદ્રુપતાનું વ્યવસ્થાપન, રોગો સામેનું જોખમ ટાળવાનું આગોતરું આયોજન વગેરે પગલાં ખેડૂતોને મદદ કરી શકે છે.”
જોકે યોગેશ પવાર કહે છે કે ખેડૂતો પાકની પૅટર્ન બદલવા તૈયાર નથી હોતા. તેમના મત પ્રમાણે ખેડૂતો માટે પાકની પૅટર્ન બદલવી યોગ્ય પણ નથી.
તેઓ કહે છે, “બધા જ બાગાયતની ખેતી કરે તો પછી તેમને તેમના પાકનું મૂલ્ય નહીં મળે. જે સ્થિતિમાં ખેડૂત જે પાકની ખેતી કરવા ટેવાયો હોય તેમાં બદલાવ કરવો મુશ્કેલ છે. મગફળી જેવાં તેલીબિયાંના પાકને બદલીને બીજો પાક લેવો કે કપાસને બદલે બીજો કોઈ પાક લેવો સૌરાષ્ટ્રના ખેડૂતો માટે મુશ્કેલ છે. કારણકે તે તેમની પરંપરાગત પાક પદ્ધતિ છે અને તેઓ તેનાથી ટેવાયેલા છે.”
જોકે, બજારમાં મળતા ભાવ પ્રમાણે વાવેતર કરવાની ખેડૂતોની વ્યૂહરચના પણ ઘણીવાર તેમને મુશ્કેલીમાં મૂકી દે છે. તેઓ સલાહ આપતા કહે છે કે ખેડૂતોએ ભાવ કેટલા મળે છે, તેના કરતાં વાતાવરણને માફક આવે તેવા પાકોનું વાવેતર કરવું જોઈએ.














