મકાઈની એવી જાત જે ઓછા વરસાદમાં પણ મબલક પાકે

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઋષિ બેનરજી
- પદ, બીબીસી સંવાદદાતા
કમોસમી વરસાદ, એક સાથે વધુ વરસાદ, વરસાદનો અભાવ અને તાપમાનમાં સતત થતો ફેરફાર, જળવાયુ પરિવર્તનની આ અસરોના પડઘા ખેતીક્ષેત્રે અવારનવાર ઝીલાતા રહે છે.
ખેતી અને ખેડૂતને જળવાયુ પરિવર્તનની પ્રમાણસર ઓછી અસર થાય તે માટે વિવિધ સ્તરે સંશોધનો ચાલી રહ્યાં છે.
જળવાયુ પરિવર્તનની પ્રતિકૂળ અસરોનો સામનો કરી શકે એવી મકાઈની જાત મકાઈ જાત વિકસાવવાની દિશામાં ભારતીય મકાઈ સંશોધન કેન્દ્રે (આઈઆઈએમઆર) નોંધપાત્ર પ્રગતિ સાધી છે.
સંશોધનમાં બહાર આવ્યું છે કે આ નવી જાત વિષમ પરિસ્થિતિમાં પણ ટકી શકશે અને વરસાદ આધારિત ખેતી માટે પણ અનુકૂળ હશે.
બીબીસી ગુજરાતીએ આ પ્રગતિ અને તેના લાભો અંગે વધુ જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

સંશોધનનાં તારણો
હાલમાં ગુજરાતમાં ખેડૂતો દ્વારા ડાંગર અને ઘઉંનું નોંધપાત્ર વાવેતર કરવામાં આવે છે પરંતુ મકાઈનું વાવેતર પણ વધી રહ્યું છે.
ઉપરોક્ત સંશોધનમાં કેટલાક મુદ્દાને લઈને તપાસ કરાઈ હતી. જેમાં દુષ્કાળ અથવા આકરા તાપની સ્થિતિમાં મકાઈના છોડની ટકી શકવાની ક્ષમતા, પાંદડા સુકાઈ જવાનો સમય, છોડની જળસંગ્રહની ક્ષમતા અને ઉત્પાદન વગેરે મુદ્દા સામેલ હતા.
આ સંશોધનમાં વૈજ્ઞાનિકોની ટીમને મોટી સફળતા મળી છે, ટીમે એવો જનીન શોધી કાઢ્યો છે જેના થકી વિકસેલ મકાઈની જાત જળવાયુ પરિવર્તનની સ્થિતમાં પણ ટકી શકશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સંશોધન અને તેનાં તારણો અંગે વધુ જણાવતાં સંશોધનમાં સામેલ રહેલાં સીમા શૅઓરને બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, “અમે એવો જનીન અને જર્મપ્લાઝમ શોધી કાઢ્યો છે જેનાથી મકાઈ વિષમ હવામાનમાં પણ ટકી રહેશે અને ઉત્પાદન આપશે. વિવિધ જગ્યાએ પરીક્ષણ કર્યા બાદ આ સફળતા મળી છે.”
તેઓ કહે છે કે આ સંશોધનનો પ્રથમ તબક્કો હતો. હવે બીજા તબક્કામાં આ સંશોધનની માહિતીનો ઉપયોગ કરીને આ મકાઈની જાત વિકસાવાશે. જેનાથી ખેડૂતોને લાભ થવાની આશા છે.
સીમા આગળ જણાવે છે કે, “કેન્દ્ર સરકારની વિવિધ એજન્સીઓ આ દિશામાં કામ કરી રહી છે. જો બધું નિયત સમયમર્યાદા અનુસાર ચાલ્યું તો આગામી એક-બે વર્ષમાં આ નવી જાતનાં બિયારણ બજારમાં આવવાની પ્રબળ શક્યતા છે.”
નોંધનીય છે કે થોડા સમય પહેલાં મુખ્ય મકાઈ સંશોધન કેન્દ્ર, ગોધરા દ્વારા પણ જળવાયુ પરિવર્તનની મકાઈ પરની અસરોનો અભ્યાસ કરતું સંશોધન હાથ ધરાયું હતું. જેમાં વર્ષ 2070થી 2100 દરમિયાનની વાતાવરણની સ્થિતિને કેન્દ્રમાં રાખી પરીક્ષણ કરાયું હતું.
સંશોધનમાં આવનારાં 50-70 વર્ષમાં સરેરાશ તાપમાનમાં હાલની સરખામણીએ અનેક ગણો વધારો થવાની વાત કરાઈ હતી, અને કહેવાયું હતું કે આ સ્થિતિની અસર ખેતી અને મકાઈ સહિત અન્ય પાકના પ્રમાણ પર પડશે. પરંતુ સંશોધનમાં કહેવાયું હતું કે આગામી સમયમાં જો ખરીફ સિઝનમાં મકાઈની ખેતી હાથ ધરાય તો ખેડૂતને નુકસાન જવાની શક્યતા છે. પરંતુ જો એ સમય દરમિયાન ખેડૂત રવી સિઝનમાં મકાઈની વાવણી કરશે તો સારું ઉત્પાદન મેળવી શકશે.
મુખ્ય મકાઈ સંશોધન કેન્દ્ર ગોધરા સાથે સંકળાયેલા સિનિયર રિસર્ચ વૈજ્ઞાનિક વી. જે. પટેલ કહે છે કે, “મકાઈ વધુ તાપમાન, વધુ પડતા ભેજવાળા વાતાવરણ સહિત ગમે તે પ્રકારના તાપમાનમાં ટકી શકે છે. જ્યારે બીજા પાકોમાં આવું થતું નથી.”
“જોકે શિયાળામાં મકાઈનું ઉત્પાદન થોડું ઘટે છે. ઉપરાંત જે જમીનમાં પાણી ભરાતું હોય ત્યાં મકાઈની ખેતી કરવી હિતાવહ નથી હોતી. ઊંચા તાપમાનની મકાઈના ઉત્પાદનમાં ખાસ અસર થતી નથી.”

ઓછા વરસાદમાં પણ સારું ઉત્પાદન
ઉપરાંત થોડા સમય પહેલાં ભારતીય મકાઈ સંશોધન કેન્દ્રને મકાઈની વધુ એક એવી જાત વિકસાવવામાં સફળતા મળી હતી જે ઓછા વરસાદ અને પાણીની ઓછી પ્રાપ્યતાની સ્થિતિ સામે ટકીને પણ સારું ઉત્પાદન આપી શકે છે.
આ જાતને હાલ DMRH – 1417 નામ આપવામાં આવ્યું છે અને સંશોધનનાં સારાં પરિણામ મળ્યાં છે.
આઈઆઈએમઆર અનુસાર નવી જાત રોગપ્રતિકારક ક્ષમતા ધરાવે છે અને વિષમ પરિસ્થિતિમાં પણ ટકી શકે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે સામાન્ય કરતાં આ જાતનો પાક તૈયાર થવામાં 15 દિવસ ઓછો સમય લાગે છે.
આ જાત વિકસાવનાર વૈજ્ઞાનિકોની ટીમમાં ભૂપેન્દ્રકુમાર પણ સામેલ હતા.
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેઓ કહે છે, ‘‘મકાઈની બે અલગ-અલગ જાત ભેગી કરીને આ નવી જાત તૈયાર કરાઈ હતી. DMRH – 1417 અથવા IMS221 પ્રતિ હેક્ટર 55થી 60 ક્વિન્ટલ ઉત્પાદન આપે છે અને જો ખેડૂત વધુ કાળજી લે તો વધુ ઉત્પાદન પણ મેળવી શકે છે. વાવણી બાદ 80-90 દિવસમાં પાક તૈયાર થઈ જાય છે. ભેજના પ્રમાણમાં વધઘટ હોય તો પણ નવી જાતમાં તેની નોંધપાત્ર અસર થતી નથી.’’
તેઓ નવી જાત થકી સારાં પરિણામની આશા વ્યક્ત કરતાં કહે છે કે, “અમે નવી જાતનું જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં પરીક્ષણ કર્યું હતું, જ્યાં મોટા ભાગે ખેતી વરસાદ આધારિત છે. જો ત્યાં અપેક્ષા પ્રમાણે પરિણામ મળ્યું હોય તો ગુજરાતમાં અને રાજસ્થાનમાં પણ સારાં પરિણામ મળશે.”
નોંધનીય છે કે મકાઈના પાકને ચાર વખત પિયતની જરૂરિયાત હોય છે.
ભૂપેન્દ્રકુમાર નવી જાતની ખાસિયત જણાવતાં કહે છે કે, “નવી જાત સાથે ખેતી કરતી વખતે જો ખેડૂત આ પૈકી એક વખત પાણી ન પણ આપે અથવા ઓછું પાણી આપે તો પણ તેને સારું કહી શકાય એવું ઉત્પાદન મળશે.”
ભૂપેન્દ્રકુમાર કહે છે, “અમે નવી જાતને બજારમાં રિલીઝ કરવાની મંજૂરી માગી છે અને જો બધું યોજના મુજબ રહ્યું તો આગામી દિવસોમાં આ જાતનાં બિયારણ બજારમાં ઉપલ્બધ હશે.’’

ગુજરાતના ખેડૂતો માટે મકાઈ કેમ લાભદાયક?

ઇમેજ સ્રોત, Getty Images
રાજ્યનો એક મોટો વિસ્તાર હજુ પણ ખેતી માટે વરસાદ પર આધારિત છે તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રનો કેટલાક વિસ્તારોમાં વરસાદ પર ખેડૂતોનો વધુ મદાર હોય છે. પરંતુ તાજેતરનાં વર્ષોમાં જોવા મળ્યું છે કે જળવાયુ પરિવર્તનના કારણે વરસાદની પૅર્ટન બદલાઈ રહી છે, જેની સીધી અસર ખેડૂતોને થઈ રહી છે.
આઈઆઈએમઆરના એક રિપોર્ટ અનુસાર અનિયમિત વરસાદ અને વધતી ગરમીના કારણે ડાંગર અને ઘઉંની ખેતી સમય જતાં વધુ ખર્ચાળ અને મહેનત માંગી લેનાર સાબિત થઈ શકે છે. આવા સંજોગોમાં મકાઈ એક એવો પાક છે જે ખેડૂતોને લાભ કરાવી શકે છે.
ભારતીય મકાઈ સંશોધન કેન્દ્રના ડાયરેક્ટર ડૉ. હનુમાન સહાય જાટ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, ‘‘મકાઈનો છોડ સૂર્યપ્રકાશ અને ખાતરનો મહત્તમ ઉપયોગ કરે છે, જેના કારણે બહુ સારું ઉત્પાદન મળે છે. આ પ્રકૃતિને વૈજ્ઞાનિક ભાષામાં C4 કહેવાય છે. તેના કારણે ઉચ્ચ તાપમાન અને વિષમ પરિસ્થિતિમાં પણ મકાઈની ખેતી શક્ય છે.’’
‘‘ડાંગરની સરખામણીએ મકાઈની ખેતીમાં અડધાથી પણ ઓછા પાણીની જરૂર પડે છે. કપાસ, ઘઉં અને જુવારની ખેતી કરતાં પણ ઓછા પાણીમાં મકાઈનો પાક લઈ શકાય છે. પ્રતિ કિલો ડાંગરના ઉત્પાદન માટે ત્રણ-ચાર હજાર લિટર પાણીની જરૂરિયાત હોય છે જ્યારે એક કિલો મકાઈ માટે માત્ર 800-900 લિટર પાણી વપરાય છે.’’
તેઓ મકાઈની ખેતીના અન્ય લાભો વર્ણવતાં કહે છે કે, “ઓછી જાળવણી અને ઓછા ખર્ચમાં મકાઈની ખેતી કરી શકાય છે અને સૌથી મોટી વાત એ છે કે બીજા પાક કરતાં ઉત્પાદન પણ સારું મળે છે. એટલે સરવાળે ખેડૂતો માટે તે સૌથી વધુ લાભકારી છે.”
“ખાસ કરીને પૂરની શક્યતા હોય એવા વિસ્તારોમાં જો ખેડૂત બેબી કોર્ન અને સ્વીટ કોર્નની ખેતી કરે તો સારો નફો મેળવી શકે છે. બેબી કોર્ન અને સ્વીટ કોર્નનો પાક ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે અને તેની બજારમાં કિંમત પણ સારી મળે છે.”
એક અહેવાલ પ્રમાણે અન્ય પાકોની સરખામણીએ ગુજરાતમાં વાવણી સંદર્ભે મકાઈનો પાક ત્રીજા ક્રમે આવે છે. જ્યારે રાજ્યમાં સૌથી વધારે વાવણી ડાંગરની થાય છે, જે બાદ બીજો ક્રમ કપાસનો આવે છે.

મકાઈ ખેડૂતોની આવક બમણી કરવાનો ઉપાય છે?
સંશોધકો મુજબ વિવિધ કારણોસર મકાઈ ખેડૂતો માટે એક સારો વિકલ્પ છે અને જો પારંપરિક પાકો છોડી તેનું વાવેતર કરાય તો સારો નફો મળી શકે છે.
આણંદ કૃષિ યુનિવર્સિટી અનુસાર નાના ખેતર ધરાવતા ખેડૂતોની મોટી સંખ્યા, ઘટતું જળસ્તર, જમીનની ફળદ્રુપતામાં થઈ રહેલો સતત ઘટાડો અને ક્ષારમાં થઈ રહેલો વધારો એ કૃષિ ક્ષેત્રના સૌથી મોટા પડકારો છે.
ખાતરનો વધુ પડતો ઉપયોગ, સિંચાઈની અપૂરતી સુવિધા, મજૂરોની અછત, સારી ક્વૉલિટીનાં બિયારણનો અભાવ અને સતત વધી રહેલો ખર્ચ વગેરે પણ એવાં કારણોમાં સામેલ છે જે ખેતીને ઓછી નફાકારક બનાવી રહ્યાં છે.
ફેડરેશન ઑફ ઇન્ડિયન ચેમ્બર ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી (એફઆઈસીસીઆઈ)એ હાલમાં જ મકાઈ પર એક રિપોર્ટ બહાર પાડ્યો છે. જે મુજબ ભારતમાં મકાઈના વેચાણમાં પાછલાં પાંચ વર્ષમાં સરેરાશ 11 ટકાનો વધારો નોંધાયો છે. દેશમાં મકાઈમાંથી બનતી 3,500થી વધુ વસ્તુઓનું વેચાણ થાય છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે.
આ રિપોર્ટ અનુસાર આવનાર સમય મકાઈનો છે અને તેની ખેતી કરવાથી ખેડૂતો બમ્પર નફો મેળવી શકશે. બધા પાકોમાં મકાઈ એક એવો પાક છે જે ખેડૂતોની આવક બમણી કરવાની ક્ષમતા ધરાવે છે.
ડૉ. હનુમાન સહાય જાટ કહે છે, “મકાઈનો કૉર્મશિયલ વપરાશ વધી રહ્યો છે અને આજે સમગ્ર વિશ્વમાં મકાઈની સારી એવી માગ છે. આવનારા સમયમાં માગમાં વધારો થશે. દૈનિક ભોજનમાં પણ મકાઈ હવે સામેલ થઈ ગઈ છે, જે ખેડૂતો માટે એક બહુ સારી વાત છે.’’
“સૌથી મોટો ફાયદો એ છે કે પર્યાવરણ અને જમીન માટે પણ મકાઈ શ્રેષ્ઠ છે. મકાઈની ખેતીમાં પ્રતિ હેક્ટર ઓછા પાણીની જરૂરિયાત હોય છે, જેના કારણે ભૂગર્ભ જળસ્રોત ઝડપથી ઘટતું નથી. ઉપરાંત મકાઈની ખેતી માટે ખાતરની એટલી જરૂરિયાત રહેતી નથી એટલે જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહે છે.”

ભારતમાં 346.13 લાખ ટન મકાઈનું ઉત્પાદન થવાનો અંદાજ

ઇમેજ સ્રોત, Getty Images
વિશ્વના મુખ્ય દસ મકાઈ ઉત્પાદક દેશોમાં ભારત પણ સામેલ છે. અમેરિકા અને ચીન આ મામલે અનુક્રમે પ્રથમ અને દ્વિતીય ક્રમાંકે છે. સત્તાવાર આંકડા પ્રમાણે વાર્ષિક 39.65 મિલિયન મેટ્રિક ટન ઉત્પાદન સાથે ભારત મકાઈ ઉત્પાદનમાં છઠ્ઠા ક્રમે છે.
કૃષિ મંત્રાલય અનુસાર 2021-22માં ભારતમાં 337.30 લાખ ટન મકાઈનું ઉત્પાદન થયું હતું. સરકારના અંદાજ પ્રમાણે વર્ષ 2022-23માં મકાઈનું ઉત્પાદન 346.13 લાખ ટન રહેશે.
ભારતની વાત કરીએ તો મકાઈનું વાવેતર કરતાં રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, કર્ણાટક, મધ્યપ્રદેશ, આંધ્ર પ્રદેશ, બિહાર, તેલંગાણા, ગુજરાત અને પશ્ચિમ બંગાળ સામેલ છે. 2018માં ગુજરાતમાં 5.24 લાખ હેક્ટર જમીનમાં મકાઈની ખેતી કરવામાં આવી હતી, જેમાં 8.20 લાખ ટન મકાઈનું ઉત્પાદન થયું હતું.
નિષ્ણાતોના મતે આવનારા સમયમાં ભારતના અર્થતંત્રના વિકાસમાં મકાઈ અગત્યની ભૂમિકા ભજવશે. લોકો સતત પોષ્ટિક ભોજન તરફ વળી રહયા છે, જેના કારણે મકાઈની માગમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. પોલ્ટ્રી ફીડમાં પણ મકાઈનો સારા એવા પ્રમાણમાં ઉપયોગ થાય છે.
અન્ય પાકોની સરખામણીમાં મકાઈ વધુ વિવિધતાસભર પાક છે. મકાઈની કેટલીક જાતો વિશ્વમાં પ્રચલિત છે, જેમે કે સ્વીટકોર્ન, બેબીકોર્ન, ક્વૉલિટી પ્રોટીન મકાઈ, હાઇઑઇલ મકાઈ, હાઇ સ્ટાર્ચ મકાઈ વગેરે.
ભારતમાં મકાઈના કુલ ઉત્પાદન પૈકી 13 ટકાનો પશુ અને ખાસ કરીને મરઘાના ખોરાક માટે ઉપયોગ કરવામાં આવે છે. કુલ ઉત્પાદન પૈકી 14 ટકા મકાઈનો ઉપયોગ સ્ટાર્ચ ઇન્ડસ્ટ્રીમાં થાય છે.
















