ગુજરાત : જંતુનાશક દવાઓ ખેડૂતો માટે જોખમી કેમ બની રહી છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઋષિ બેનરજી
- પદ, બીબીસી ગુજરાતી
પાણી, ખાતર અને જંતુનાશક દવાઓ. ખેતીમાં સારા પાકમાં માટે ત્રણેય વસ્તુઓ એક પ્રકારે અનિવાર્ય માનવામાં આવે છે. ખાસ કરીને જંતુનાશક દવાઓ, કારણ કે પાક ઉપર વિવિધ પ્રકારની જીવાત અને ફૂગ લાગવાના જોખમને એ ઓછું કરે છે.
ગુજરાત જ નહીં સમગ્ર દુનિયામાં સારા ઉત્પાદન માટે અને પાકને કોઈ પણ પ્રકારના રોગથી બચાવવા માટે ખેડૂતો પાક પ્રમાણે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરે છે. ગુજરાતમાં મગફળી, કપાસ અને રોકડિયા પાક માટે જંતુનાશક દવાઓનો સારા એવા પ્રમાણમાં છંટકાવ કરવામાં આવે છે.
જોકે, જંતુનાશક દવાઓનો સતત અને વધુ પડતો ઉપયોગ પાકની સાથોસાથ ખેડૂતોના આરોગ્ય પર પણ ગંભીર અસર કરી રહ્યો છે. રાજ્યમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં સમાયંતરે આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે જ્યાં જંતુનાશક દવાનો છંટકાવ કરતી વખતે ખેડૂતને તેની ગંભીર અસર થઈ હોય અને હૉસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી હોય.
હાલમાં જ પોરબંદર જિલ્લાના અડવાણા ગામે રહેતા જિતેન્દ્ર કરશનભાઈ ખાવડા નામના ખેડૂતને કપાસના ખેતરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતી વખતે તબિયત લથડતા હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.
બીબીસી ગુજરાતની સહયોગી અજય શીલુના જણાવ્યા અનુસાર જિતેન્દ્રને પ્રથમ ભાણવડની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ટૂંકી સારવાર બાદ તેમને રજા આપવામાં આવી હતી પરંતુ થોડા કલાકો બાદ ફરી તબિયત લથડતાં પોરબંદરની સરકારી હૉસ્પિટલમાં દખલ કરવા પડ્યા હતા.
જ્યારે જંતુનાશક દવાના અસરથી 50થી વધુ ખેડૂતોનાં મૃત્યુ થયાં હતાં

ઇમેજ સ્રોત, JAIDEEP HARDIKA
જંતુનાશક દવાઓનો છંટકાવ કરતી વખતે ખેડૂતોને ઝેરી અસર થઈ હોય એવી ઘટનાઓ સમાંયતરે ઘટતી રહે છે. સમયસર સારવાર ન મળવાના કારણે અથવા તો વધુ ઝેરી અસર થવાના ખેડૂતોનાં મૃત્યુ થવાના કિસ્સા પણ નોંધાયા છે.
વર્ષ 2017માં મહારાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં જંતુનાશક દવાઓના ઝેરી અસરના કારણે 50થી વધુ ખેડૂતોનાં મૃત્યુ થયાં હતા જ્યારે 800થી વધુ ખેડૂતોને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. સૌથી વધુ અસર યવતમાલ જિલ્લામાં થઈ હતી જ્યાં કપાસની સારા એવા પ્રમાણમાં ખેતી કરવામાં આવે છે.
અહેવાલ પ્રમાણે જંતુનાશક દવાનો છંટકાવ કરતી વખતે કેટલાક ખેડૂત બેભાન થઈ ગયા હતા જ્યારે અન્ય ખેડૂતોને બેચેની, ઊલટી અને શ્વાસમાં તકલીફ થતી હોવાની ફરિયાદ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ખેડૂતોનાં મૃત્યુની તપાસ કરવા માટે રાજ્ય સરકારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ(એસઆઈટી)ની રચના કરી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે ખેડૂતોને મોનોક્રોટોફોસ નામક જંતુનાશક અથવા તેના મિશ્રણનો ખેતીમાં છંટકાવ કરતી વખતે ઝેરી અસર થઈ હતી. એસઆઈટીના રિપોર્ટ બાદ મહારાષ્ટ્ર સરકારે આ દવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
2018માં લોકસભામાં પૂછેલા એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય કૃષિરાજ્ય મંત્રી પરશોત્તમ રુપાલાએ જણાવ્યું હતું કે 2014-15થી 2017-18ની વચ્ચે જંતુનાશક દવાઓની ઝેરી અસરથી મહારાષ્ટ્રમાં 272 ખેડૂતોનાં મૃત્યુ થયાં હતાં. વર્ષ 20-14-15માં સૌથી વધુ 89 ખેડૂતોના જીવ જંતુનાશક દવાના કારણે ગયા હતા.
ખેડૂતોને ઝેરી અસર કેમ થઈ રહી છે?

ઇમેજ સ્રોત, JAIDEEP HARDIKAR
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
'પેસ્ટીસાઇડ ઍક્શન નેટવર્ક (પેન) ઇન્ડિયા' નામની સંસ્થા ખેતીમાં જંતુનાશક દવાઓના ઉપયોગ અને તેનાથી થતી આડઅસરો સામે વિવિધ સ્તરે કામ કરે છે. સંસ્થા અનુસાર ભારતના મોટા ભાગના ખેડૂતો જંતુનાશક દવાઓનો યોગ્ય રીતે છંટકાવ કઈ રીતે કરવો તે વિશેની પૂરતી માહિતી હોતી નથી.
ખેડૂતો જંતુનાશક દવાની ખરીદી કરતી વખતે દુકાનદારે આપેલી સૂચના અને માહિતી પર જ ભરોસો કરી લેતા હોય છે. તેઓ દવાની બૉટલમાં લખવામાં આવેલ માહિતી ભાગ્યે જ વાંચતા હોય છે.
એ. ડી. દિલીપ કુમાર એક સંશોધક છે અને વર્ષોથી 'પેન' સાથે સંકળાયેલા છે. તેમણે જંતુનાશક દવાઓ અંગે ખેડૂતો કેટલા જાગૃત છે અને નિયમોનું કેવું પાલન કરે છે, તે અંગે સંશોધન કર્યું છે અને પુસ્તકો પણ લખ્યાં છે.
હાલમાં જ એ. ડી. દિલીપ કમારે એક પુસ્તકમાં નોંધ્યું છે કે ભારતમાં એવા ખેડૂતોની બહુ મોટી સંખ્યા છે કે જેઓ જંતુનાશક દવાનો છંટકાવ કરતી વખતે ભાગ્ય જ કોઈ કાળજી રાખતા હોય છે. ખેડૂતો દવાનો છંટકાવ કરતી વખતે તેઓ કોઈ કિટ, ચશ્મા, હાથમોજા અને જૂતાં પહેરતા નથી. જેના કારણે છંટકાવ કરતી વખતે ઝેરી અસર થાય છે.
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેઓ કહે છે, ‘‘ખેડૂતો પ્રોટેક્ટિવ સૂટ કેમ નથી પહેરતા, તેની પાછળ અનેક કારણો છે પરંતુ મુખ્ય કારણ છે કે સૂટ અને બીજી વસ્તુઓ પહેરીને કામ કરવી કોઈ પણ વ્યક્તિ માટે અઘરી છે. ભારતમાં સરેરાશ તાપમાન વધારે છે એટલે પ્રૉટેક્ટિવ શૂટ અને બૂટ પહેરીવાથી ગરમી લાગે છે અને કામ કરવું મુશ્કેલ બની જાય છે. ‘બીજી મહત્ત્વની વાત એ છે કે પ્રૉટેક્ટિવ સૂટ, ચશ્માં, બૂટ અને હાથમોજાની સારી એવી કિંમત હોય છે અને દરેક ખેડૂત માટે તે ખરીદવાં શક્ય નથી. એટલે આજે પણ ભારતમાં મોટા ભાગના ખેડૂતો અને ખેતમજૂરો કોઈ પણ સુરક્ષાસાધન વગર જંતુનાશક દવાનો છંટકાવ કરી રહ્યા છે અને ઝેરી અસરનો ભોગ બની રહયા છે.’’
તેઓ વધુમાં જણાવે છે કે સ્પ્રેઅરમાં લીકેજ હોવી, છંટકાવ કરતી વખતે ભોજન લેવું અને જંતુનાશક દવાઓને ભોજન અને પાણી પાસે રાખવી એ અન્ય એવાં કારણો છે જેના લીધે ખેડૂતોને ઝેરી અસર થાય છે. કેટલીક વખત ખેડૂતો જંતુનાશક દવાનું મિશ્રણ બનાવતી વખતે ધ્યાન રાખતા નથી, જેના કારણે પણ ઝેરી અસરનો ભોગ બને છે.
પેન સાથે સંકળાયેલા સંશોધક ડૉ. નરસિમ્હા રેડ્ડી બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, ‘‘ખેડૂતો સુરક્ષાસાધનો વગર છંટકાવ કરે છે એટલે ઘણી વખત જંતુનાશકના રજકણ તેમના શરીરમાં પ્રવેશી જાય છે. એ સામે આવ્યું છે કે ખેડૂતો ઉઘાડા પગે ખેતરમાં ફરીફરીને જંતુનાશકનો છંટકાવ કરે છે. સ્વાભાવિક છે કે પગ અને હાથની ત્વચા જંતુનાશક દવાના સંપર્કમાં આવે છે અને બાદમાં શરીરમાં પ્રવેશે છે. ‘બીજું સૌથી મોટું કારણે છે કે ભારતમાં ભેજનું પ્રમાણ વધારે છે. ભેજના કારણે કામ કરતી વખતે સ્વાભાવિક રીતે પરસેવો થાય છે. જંતુનાશક દવા પરસેવાના રસ્તે શરીરમાં અને ક્યારેક મોની અંદર પ્રવેશ કરે છે અને આ રીતે ખેડૂતો ઝેરી અસર હેઠળ આવી જાય છે. વિવિધ જંતુનાશક દવાનું મિશ્રણ પણ ક્યારેક ખેડૂતો માટે જોખમી બની જાય છે.’’
‘‘જંતુનાશક દવા છંટકાવ વખતે ખેડૂતના શરીરમાં પ્રવેશતી રહે છે. જ્યારે શરીરમાં એક હદથી વધારે પ્રમાણમાં જંતુનાશક દવા પહોંચે ત્યારે ગંભીર અસર થાય અને એ જીવલેણ પણ બની શકે.’’
તેઓ વધુમાં જણાવે છે જ્યાં ગરમી અને ભેજવાળું વાતાવરણ હોય અને ખેડૂતો વધુ પ્રમાણમાં જંતુનાશકનો ઉપયોગ કરતા હોય ત્યાં આવી ઘટના નોંધાતી રહે છે. ગુજરાત, મહારાષ્ટ્ર, તેલાંગણા, છત્તીસગઢ જેવાં રાજ્યોમાં ખેડૂતો સારા એવા પ્રમાણમાં જંતુનાશક દવાનો ઉપયોગ કરે છે.
કેટલીક જંતુનાશક દવાનો ઍન્ટીડોટ નથી!

ઇમેજ સ્રોત, pan-india.org
ભારતમાં જેટલી જંતુનાશક દવાઓ વેચાય છે તેમાં અત્યંત જોખમી જંતુનાશક દવાઓની સંખ્યા ઘણી વધારે છે. માર્ચ 2021માં આવા પ્રકારના જંતુનાશકોની સંખ્યા 338 હતી. બજારમાં આવા જંતુનાશકો વેચાઈ પણ રહ્યા છે અને ખેડૂતો ખરીદી પણ રહ્યા છે. ખાસ કરીને કપાસના ખેડૂતો.
એ. ડી. દિલીપ કુમાર કહે છે કે કેટલીક જંતુનાશક દવા એટલી ઝેરી છે કે તેની ઍન્ટીડોટ તરીકે કોઈ દવા ઉપલબ્ધ નથી. માટે જ્યારે ખેડૂત આવી દવાની અસર હેઠળ આવે છે ત્યારે ટૂંક સમયમાં તેમના ઉપર ગંભીર અસર જોવા મળે છે. ઘણી વખત વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે.
"ડૉક્ટરોને માહિતી હોતી નથી કે કઈ ઉપચાર કઈ રીતે કરવો અને તેના કારણે સમયસર યોગ્ય સારવાર મળતી નથી. તેના અભાવે ખેડૂતને ગંભીર પરિણામ ભોગવવાં પડે છે."
તેઓ વધુમાં ઉમેરે છે કે ભારત સરકારે કેટલીક જંતુનાશક દવાઓ ઉપર પ્રતિબંધ કર્યો છે, પરંતુ તેમની સંખ્યા બહુ ઓછી છે. ભારત સરકારે અનુપમ વર્મા કમિટીની રચના કરી હતી, જેની ભલામણ હતી કે ભારતમાં વેચાણમાં હોય તેવી દરેક જંતુનાશક દવાઓની તપાસ કરવામાં આવે. પરંતુ એ સમગ્ર પ્રક્રિયા બહુ ધીમી અને લાંબી રહી છે.
ભારતમાં કયા જંતુનાશક પ્રતિબંધિત છે?

ઇમેજ સ્રોત, Getty Images
જંતુનાશક દવાઓથી આડઅસર અને ખેડૂતના આરોગ્ય ઉપર થતી અસરને ધ્યાને લઈ ભારત સરકારે 40 જંતુનાશક દવાઓ અને 4 જંતુનાશક દવા બનાવવાના ફોર્મુલેશન ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે.
આમા મુખ્યત્વે આલ્ડ્રીન, બેન્ઝીન હેક્ઝાક્લોરાઈડ, કેલ્શિયમ સાયનાઈડ, ક્લોરડેન, કોપર એસીટોઆર્સીનાઈડ અને મેનાઝોન સામેલ છે.
આ ઉપરાંત નાઈટ્રોફેન, પેરાક્વોટ ડાયમિથાઈલ સલ્ફેટ, પેન્ટાફ્લોરો નાઇટ્રો બેન્ઝિન, પેન્ટાક્લોરોફીનાલ, ડીલ્ડ્રીન, ટેટ્રાડિફોન, ટોક્ષાફેન, આલ્ડીકાર્બ, ડાયબ્રોમો ક્લોરોપ્રોપેન, એન્ડ્રીન, ઇથાઇલ મરક્યુરી ક્લોરાઇડ, હેપ્ટાક્લોર અને મેટોક્ઝ્યુકોન સામેલ છે.
ભારત સરકારે 18 જંતુનાશક દવાઓની નોંધણી રદ કરી નાખી છે જેમાં 2, 4 અને 5-ટી સામેલ છે.
એલ્યુમિનીયમ ફોસ્ફાઇડ, કૅપ્ટાફોલ, સાયપરમેથરીન, ડાઝોમેટ, ડીડીટી, ફેનીટ્રોથીઓન, મેથાઈલ બ્રોમાઇડ, મોનોક્રોટફોસ અને ટ્રીફ્લુરાલીન જેવા જંતુનાશક દવાઓના ઉપયોગ ઉપર સરાકરે નિયંત્રણો લગાવ્યાં છે.
6 જંતુનાશક દવાઓ પર ભારત સરકારે એક પરિપત્ર બહાર પાડીને બજારમાં વેચાણ ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. આમાં સામેલ છેઃ ઍલાક્લોર, ડાઈક્લોરોવોસ, ફોરેટ, ફોસ્ફામિડોન, ટ્રાયાઝોફોસ અને ટ્રાઈક્લોફોરોન.
જંતુનાશક દવાથી થતી ઝેરી અસરનાં લક્ષણો શું છે?

ઇમેજ સ્રોત, A. D. Dileep Kumar
નિષ્ણાતો મુજબ જંતુનાશકો માનવશરીરમાં સામાન્ય રીતે ત્રણ પ્રકારે પ્રવેશી શકે છે. ચામડી (સ્પર્શ થકી), મોં (અંદર જવાથી) અને ફેફસાં (સૂંઘવાથી) વાટે. જંતુનાશક દવા કઈ રીતે શરીરમાં પ્રવેશી છે તે મહત્ત્વનું હોય છે અને તે થકી નક્કી થાય છે કે શરીરને કેટલું નુકસાન કરશે.
મોટા ભાગના કિસ્સામાં એ બહાર આવ્યું છે કે જંતુનાશક દવાઓ ચામડી દ્વારા ખેડૂતના શરીરમાં પ્રવેશ કર્યો છે. આ સામાન્યતઃ જંતુનાશક દવાનું મિશ્રણ, સ્પ્રેઅરમાં નાખતી વખતે અને નિકાલ કરતી વખતે સૌથી વધુ કરતી હોય છે.
જો ઝેરી અસર થાય તો તેનાં લક્ષણો આ પ્રકારે છેઃ
• અત્યંત નબળાઈ અને થાક
• ત્વચામાં બળતરા થવી, ખંજવાળ આવવી અને અતિશય પરસેવો આવવો
• આંખોમાં ખંજવાળ અને બળતરા થવી, પાણી આવવું, જોવામાં મુશ્કેલી અનુભવવી, આંખની કીકી સાંકડી અથવા પહોળી થવી
• મોંઢામાં અને ગળામાં બળતરા થવી, વધુ પડતી લાળ આવવી, ઊબકા, ઊલટી, પેટમાં દુઃખાવો થવો અને ઝાડા થવા
• માથાનો દુઃખાવો, ચક્કર આવવા, માનસિક મૂંઝવણ અને બેચેની અનુભવવી, સ્નાયુઓમાં ધ્રુજારી આવવી, ચાલવામાં તકલીફ થવી, વાણી અસ્પષ્ટ થઈ જવી, ખેંચ આવવી
• ઉધરસ, છાતીમાં દુઃખાવો, શ્વાસ લેવામાં તકલીફ, ઘરઘરાટી
ઝેરી અસર થઈ હોય તેવા કિસ્સામાં શું કરવું અને ન કરવું?

ઇમેજ સ્રોત, Reuters
• પર્યાપ્ત શ્વાસોચ્છવાસ જાળવો. શક્ય હોય તો કૃત્રિમ શ્વાસોચ્છવાસની પ્રેક્ટિસ કરવી
• માથું પાછળની તરફ વાળીને મૂકો
• દાંત વચ્ચે વળેલું કાપડ મૂકીને મોઢું ખુલ્લો રાખવાનો પ્રયાસ કરો
• જો વ્યક્તિને ગરમી લાગતી હોય અને પરસેવો થતો હોય, તો ઠંડું પાણી આપવું. જો વ્યક્તિને ઠંડી લાગતી હોય તો ઓઢવા માટે કપડાં અથવા ધાબળો આપો
• જો વ્યક્તિ ભાનમાં હોય તો તે ઊલટી કરી દે એ માટેનો પ્રયાસ કરો
• એ વાતની ખાતરી કરો કે વ્યક્તિ મોઢું નીચું કરીને સૂઈ રહી છે.
• જો દર્દીને આંચકા આવે તો તેને પકડશો અથવા અટકાવશો નહીં
• જો જંતુનાશક દવા વ્યક્તિના મોઢાંની અંદર પ્રવેશી ગઈ હોય તો ખરાઈ કર્યા વગર તેને ઊલટી કરવા માટે કહેવું નહીં
• વ્યક્તિને તેમની પીઠ પર સૂવા દેવી નહીં કારણ કે ઊલટી અથવા ઝેરી દવા ફેફસામાં પ્રવેશી શકે છે અને વધુ નુકસાન કરી શકે છે
• ધૂમ્રપાન ન કરવું. કેફી પીણું અને દૂધ ન પીવો.
ખેડૂતોએ શું કાળજી લેવી જોઈએ?

ઇમેજ સ્રોત, JAIDEEP HARDIKAR
- પાક સંરક્ષણમાં જલદીથી વિઘટન પામતાં કૃષિરસાયણો જેમ કે ઇમામેક્ટીન બેન્ઝોએચ, સ્પીનોસાઇડ, ઇન્ડોક્ઝાકાર્બ અને નોવાલ્યુરોન વગેરેનો ઉપયોગ કરવો જોઈએસીન્થેટીક પાઇરોથ્રોઇડ જૂથના જંતુનાશકો તેમજ ફૂગનાશકોનો બજારમાં ઉપલબ્ધ મિશ્ર બનાવટ તરીકે જ ઉપયોગ કરવોએક કરતા વધુ જંતુનાશકો મિશ્ર કરતાં પહેલાં સચોટ માહિતી મેળવવી જોઈએ જંતુનાશક દવાનું મિશ્રણ ખુલ્લી જગ્યામાં કરવું અને કોઈ પણ પ્રકારે તે શરીરના સંપર્કમાં ન આવે તેનો ખ્યાલ રાખવોદવાનો છંટકાવ કરતી વખતે આખું શરીર ઢંકાય એ રીતે કપડાં પહેરો. હાથમોજાં અને ચશ્મા પહેરવાનું રાખોજંતુનાશકોના ખાલી થયેલા ડબ્બા કે પ્લાસ્ટિક બૉટલનો નાશ કરવો અને કોઈ પણ સંજોગોમાં તેનો પુનઃવપરાશ કરવો નહીં.પ્રતિબંધિત દવાઓનો જંતુનાશક તરીકે ઉપયોગ કરવો નહીંઅધિકૃત વિક્રતા પાસેથી જ જંતુનાશકો ખરીદવા જોઈએ અને જરૂરિયાત પ્રમાણે જે ખરીદી કરવીખેતરમાં ચોખ્ખું પાણી, સાબુ અને કપડાં રાખો જેથી જંતુનાશક દવા શરીરના સંપર્કમાં આવી પણ જાય તો તરત ધોઈને સાફ કરી શકાયજંતુનાશક દવાનો છંટકાવ કરતી વખતે કઈ પણ ખાવાનું અને પીવાનું ટાળો. ગુટખા અને તંબાકુનો ઉપયોગ પણ ન કરવોઉનાળા દરમિયાન વહેલી સવારે અથવા સાંજના સમય દવાનો છંટકાવ કરોજંતુનાશક દવાઓ જે જગ્યાએ રાખવામાં આવે છે ત્યાં કોઈ પણ પ્રકારનો ખાદ્ય પદાર્થ અથવા પીણાં ન રાખો












