ગુજરાત : એ યુક્તિ જેણે માંડમાંડ ગુજરાન ચલાવતા ખેડૂતને લાખો કમાતો કરી દીધો

સુરેશ મકવાણા

ઇમેજ સ્રોત, Sanjay Dave

    • લેેખક, સંજય દવે
    • પદ, બીબીસી ગુજરાતી માટે

“વર્ષ 2015 સુધી મને ખેતીમાં માંડ વાર્ષિક એક લાખ રૂપિયાની આવક થતી. પરંતુ તે બાદ મેં સજીવ ખેતી શરૂ કરી અને હવે વાર્ષિક સાત લાખ રૂપિયા કમાવું છું. આ કમાણીની 11 લાખ બચત વડે મેં નાનકડી ઑઇલ મિલ વસાવી છે. જેનાથી હવે મૂલ્યવર્ધિત પેદાશ ઘરે જ તૈયાર થાય છે.”

રાજકોટના વિંછીયા તાલુકાના ભોયરા ગામના 12મું ધોરણ ભણેલા ખેડૂત સુરેશભાઈ મકવાણા ખેતીની રીતોમાં પોતે કરેલા બદલાવ અને કોઠાસૂઝને લીધે મહિને લાખો કમાતા થયા છે. તેઓ પોતાના દૃઢ નિર્ધાર બાદ ખેતીમાં કરેલાં પરિવર્તનો અને તેના લાભ અંગે જણાવતાં ઉપરોક્ત વાત કહે છે.

આ આત્મવિશ્વાસુ અને પ્રયોગશીલ ખેડૂત, ગોલ્ડન બેરી નામના ફળની ખેતી તેમજ ટપક તથા ફુવારા સિંચાઈ પદ્ધતિ અને ખેતરમાં ભૂગર્ભ કૅનાલ બનાવવાના સફળ પ્રયાસોના કારણે બીજા અનેક ખેડૂતો માટે દૃષ્ટાંતરૂપ બન્યા છે.

આગળ જણાવ્યું એમ કુલ 12 વીઘા ખેતીની જમીન ધરાવતા સુરેશભાઈ વર્ષ 2013-2014 સુધી વર્ષે માત્ર એક લાખ રૂપિયાની આવક થતી હતી, પણ ધીરજપૂર્વક સજીવ ખેતીમાં ટકી રહેવાથી તેઓ આજે વર્ષે સારી એવી કમાણી કરતા થયા છે. પરંતુ એક લાખથી સાત લાખ રૂપિયાની ટકાઉ આવક સુધી પહોંચવાની સુરેશભાઈની સફર આસાન નહોતી.

તેમનાં પત્ની અને તેમની આસપાસના અન્ય લોકો પણ તેમને સજીવ ખેતીના કારણે પ્રારંભિક નુકસાનને કારણે ફરી વાર કેમિકલ આધારિત, દવા આધારિત ખેતી કરવા પ્રેરતાં. પરંતુ તેમના અડગ નિર્ધારને કારણે તેમણે આ દિશામાં આગળ વધવાનું ચાલુ રાખ્યું અને આજે સુરેશભાઈ જાતે સફળતાની એક ‘મિસાલ’ બની ગયા.

ધીરજ રાખીને સજીવ ખેતીમાં ટકી રહેવાથી આજે તેઓ તેમની પેદાશોનું ઊચું મૂલ્ય મેળવતા થયા છે. વિવિધ ખેતી-પદ્ધતિઓ અપનાવવાના કારણે તેઓ સરકારના ‘આત્મા પ્રોજેક્ટ’ તથા સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ‘શ્રેષ્ઠ ખેડૂત ઍવૉર્ડ’થી સન્માનિત પણ થયા છે.

તેમની કહાણી અન્યો માટે પણ પ્રેરણાથી કમ નથી. ખાસ કરીને એવા લોકો માટે જેઓ પ્રારંભિક નિષ્ફળતાને કારણે પોતાના ધ્યેય પરથી ડગી જાય છે.

આખરે તેઓ આ મુકામ સુધી કેવી રીતે પહોંચી શક્યા? આખરે તેમણે આ સજીવ ખેતી કરવાનો વિચાર કેવી રીતે સ્ફૂર્યો? જાણો તેમની કહાણી.

ગ્રે લાઇન

શરૂઆતના નુકસાનથી અડગ રહ્યા

સુરેશભાઈ મકવાણા

ઇમેજ સ્રોત, Sanjay Dave

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સુરેશભાઈ વર્ષ 2015 સુધી તેમની 12 વીઘા જમીનમાં રાસાયણિક ખેતી કરતા હતા.

તે વખતે તેમને જંતુનાશક દવાઓનો 50,000 રૂપિયા અને રાસાયણિક ખાતરનો 25,000 રૂપિયા વાર્ષિક ખર્ચ થતો.

ખાસ કરીને, શાકભાજીમાં તેઓ રસાયણોનો ભરપૂર ઉપયોગ કરતા.

દવા-ખાતરનો આટલો મોટો ખર્ચ બાદ કરતા તેમને માંડ એક લાખ રૂપિયા જેટલી વાર્ષિક આવક થતી.

વળી, આજુબાજુનાં ગામોમાં ઘણા ખેડૂતોના આરોગ્યને જંતુનાશકોથી નુકસાન થયાના સમાચાર તેમણે સાંભળ્યા.

બસ, ત્યારથી તેમણે ખેતીમાં રસાયણો નહીં વાપરવાનું નક્કી કરી લીધું. 2016માં સજીવ ખેતીની સાથેસાથે તેમણે ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવાનું પણ નક્કી કર્યું.

થોડાં વર્ષો પહેલાં તેમણે ‘આત્મા’ પ્રોજેક્ટ દ્વારા યોજાયેલી એક તાલીમમાં ભાગ લીધો હતો, તેમાંથી તેમને ટપક સિંચાઈથી થતા ફાયદા વિશે જાણકારી મળી હતી.

2016થી સજીવ ખેતી શરૂ તો કરી પણ પાકનું ઉત્પાદન ઘટવા લાગ્યું.

સૌથી પહેલા તેમણે 2016માં તેમની 12 વીઘામાંથી આઠ વીઘા જમીનમાં સજીવ ખેતીથી કપાસનો પાક લીધો.

તેમાં ઉત્પાદન ઘટીને એક વીઘે 17 મણ થયું.

પહેલાં, કેમિકલવાળી ખેતીમાં તેમને 27થી 30 મણ જેટલો કપાસનો પાક મળતો. એ જ રીતે જીરાનો પાક દસમાંથી ત્રણ મણ ઘટીને સાત મણ થયો. તેમણે તેમની અઢી વીઘા જમીનમાં મરચાં અને બીજી શાકભાજી કરી હતી. છતાં કેમિકલથી પકવેલાં મરચાંના ભાવ કરતાં પણ તેમને ઓછો ભાવ મળ્યો.

સુરેશભાઈનાં પત્ની, રાસાયણિક દવા-ખાતર નહીં વાપરવાના નિર્ણયથી નારાજ હતાં.

સુરેશભાઈનાં પત્ની પ્રભાબહેનને પતિનો સજીવ ખેતી કરવાનો નિર્ણય યોગ્ય લાગતો નહોતો. તેઓ એવું માનતા કે, ખેતીની આવકમાંથી માંડ ઘરનું ગુજરાન ચાલતું હોય ત્યારે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીને વધુ પાક મેળવતા રહેવા ઉપર જ ધ્યાન આપવું જોઈએ.

તેઓ રાસાયણિક દવા-ખાતર વાપરવા બાબતે સુરેશભાઈને સતત એક વર્ષ સુધી સમજાવતાં રહ્યાં. પરંતુ, સુરેશભાઈએ તો માત્ર સજીવ ખેતીને જ વરેલા રહેવાનો મક્કમ નિર્ણય લઈ લીધો હતો.

સજીવ ખેતીમાં આવક ઘટી એટલે ચિંતામાં મૂકાયેલાં તેમનાં પત્ની પ્રભાબહેન અને સુરેશભાઈના પિતાએ તેમને રાસાયણિક ખેતી તરફ પાછા વળવા સમજાવ્યા, પણ સુરેશભાઈ અડગ રહ્યા.

સુરેશભાઈ એ દિવસોને યાદ કરતા કહે છે, “અમે અમારી બે ગાયોનાં દૂધની આવકના સહારે ટકી રહ્યા હતા. એ વખતે ખેતીમાં આખા વર્ષની આવક માંડ એક લાખ રૂપિયા જેટલી જ થતી.

તેઓ એ સમયની મુશ્કેલીઓ યાદ કરતાં કહે છે કે, “મારા ગામના કેટલાક લોકો પણ કહેતા કે વરસ-બે વરસ કુદરતી ખેતી કરશે, પછી થાકશે એટલે રસાયણો વાપરવાનું ચાલુ કરશે.”

2017માં સુરેશભાઈએ આઠ વીઘામાં કપાસને બદલે મગફળીનો પાક લેવાનું ચાલુ કર્યું. એક વીઘે 21 મણ લેખે તેમને 168 મણ મગફળીનો પાક થયો એટલે તેમની હિંમત વધી.

જોકે, સજીવ ખેતીની મગફળી હોવા છતાં તેમને તેનો વધારે ભાવ ન મળ્યો. તેમણે એક હજાર રૂપિયા મણના ભાવથી મગફળી વેચીને 1,68,00 રૂપિયાની આવક મેળવી.

તે પછી છ વીઘામાં ચણા કર્યા. તે વખતે બજારમાં ચણાનો ભાવ 900 રૂપિયે મણ હતો ત્યારે સુરેશભાઈને સજીવ ખેતીના ચણાનો ભાવ એક મણના 1500 રૂપિયા મળ્યો. આમ, સજીવ ખેતીની પેદાશોના થોડાક વધુ ભાવ મળવાના શરૂ થયા એટલે પરિવારના સભ્યોને પણ થોડીક નિરાંત થઈ.

ગ્રે લાઇન

પાકનું મૂલ્યવર્ધન કરીને વેચાણ કરવાનો આઇડિયા કામ આવી ગયો

ગોલ્ડન બેરી

ઇમેજ સ્રોત, Sanjay Dave

સુરેશભાઈએ જોયું કે લોકોમાં સજીવ ખેતીની પેદાશો બાબતે પૂરતી જાગૃતિ ન હોવાથી માર્કેટ યાર્ડમાં તેના વધુ ભાવ મળતા નથી.

તેથી તેમણે તેમની ખેતપેદાશો સીધી ગ્રાહકોને વેચવાનું નક્કી કર્યું.

ઉપરાંત, ખેતપેદાશો સીધી વેચવાને બદલે તેનું મૂલ્યવર્ધન કરીને તે વેચી, વધુ આવક રળવાનો રસ્તો અપનાવ્યો.

સુરેશભાઈ કહે છે, “હું 2018થી, કાચા સિંગદાણા વેચવાને બદલે ખારી સિંગ તથા સિંગતેલ બનાવીને વેચું છું. એ જ રીતે ચણા તથા લીલી તુવેરનો પાક સીધો વેચવાને બદલે તેમાંથી દાળ બનાવીને વેચું છું એટલે મને તેના વધારે ભાવ મળે છે.”

2022માં તેમને 180 મણ મગફળીનો પાક મળ્યો.

તેમણે તે સિંગ સીધી વેચી દેવાને બદલે ઘાણીમાં તેનું તેલ કાઢીને વેચ્યું.

જો તેમણે સિંગ વેચી હોત તો 1,450 રૂપિયે મણના ભાવે તેમને 2,61,000 રૂપિયાની આવક થઈ હોત, પણ તેમણે સિંગમાથી 15 કિલોના 80 ડબ્બા સિંગતેલ બનાવીને એક ડબ્બો 3700 રૂપિયાના ભાવે વેચ્યો, એટલે 2,96,000 રૂપિયાની આવક થઈ.

આમ, તેમને સિંગના મૂલ્યવર્ધનમાંથી 35,000 રૂપિયાની વધારાની આવક થઈ.

સુરેશભાઈ સજીવ ખેતીની છેલ્લાં સાત વર્ષની આવકમાંથી બચત કરીને 11 લાખ રૂપિયાના ખર્ચે નાનકડી ઓઇલ મિલ વસાવી શક્યા છે. એટલે સિંગ પિલાવાનો તેમનો ખર્ચ પણ બચ્યો છે.

સુરેશભાઈએ ખરીફ સિઝનમાં કપાસ અને તલ, ખરીફ પછી મરચાં સાથે વાલ તેમ જ, ટમેટાં સાથે તરબૂચનો પાક પણ સફળતાપૂર્વક લીધો છે.

કોઈ ખેડૂત ભાગ્યે જ પોતાની ખેતીમાં નવા પાક લેવાનું સાહસ કરતો હોય છે.

ત્યારે સુરેશભાઈએ ગુજરાતમાં ભાગ્યે જ જાણીતા એવા ‘ગોલ્ડન બેરી’ ફળ પકવવાનું સાહસ કર્યું છે અને તેમાં સફળતા પણ મેળવી છે. તેઓ આખા ગુજરાતમાં ગોલ્ડન બેરી ઉગાડનારા ‘એક માત્ર’ ખેડૂત છે.

સુરેશભાઈ કહે છે, “મારો એક મિત્ર અશોક, મથુરાથી ગોલ્ડન બેરી લઈ આવ્યો અને મને તેનો અખતરો કરવાનું કહ્યું. મને નવા પ્રયોગ કરવા ગમે એટલે મેં અખતરો કર્યો અને મને સફળતા મળી. આજે હું તેના વેચાણમાંથી વર્ષે એક લાખ રૂપિયા કમાઈ લઉં છું. અમદાવાદમાં ‘સૃષ્ટિ’ સંસ્થા દ્વારા દર રવિવારે યોજાતા ખેડૂત હાટમાં હું ગોલ્ડન બેરી 400 રૂપિયે કિલોના ભાવે વેચું છું.”

ગોલ્ડન બેરી રાસબરી જેવું, પણ પીળા રંગનું ખાટું-મીઠું દક્ષિણ અમેરિકાનું ફળ છે. તેમાં રહેલું એન્ટીઓક્સિડન્ટ, કોલસ્ટેરોલ ઘટાડવામાં મદદરૂપ થાય છે. વળી, તેમાં વિટામિન અને મિનરલ હોવાથી તેનું પોષણ-મૂલ્ય ઘણું છે.

સુરેશભાઈની સજીવ ખેતી વિશે ભોયરા ગામના સરપંચ ભરતભાઈ લવજીભાઈ મકવાણા કહે છે, “વર્ષો પહેલાં અમારા ગામમાં જંતુનાશકોની આડઅસરથી ખેડૂત-પરિવારના લોકો બેભાન થઈ ગયાના કિસ્સા નોંધાયા હતા. એ બનાવો ગામના લોકોને યાદ છે. એટલે સુરેશભાઈની સજીવ ખેતીનું મહત્ત્વ ગામના ખેડૂતોને સમજાવા લાગ્યું છે. તેમની ખેતી જોઈને અમારા ગામના સાત ખેડૂતો માત્ર કુદરતી ખેતી કરતા થયા છે.”

બીબીસી ગુજરાતી

ખેતરમાં પાણીના ભરાવાની આફતને કેવી રીતે અવસરમાં ફેરવી?

ખેતર

ઇમેજ સ્રોત, Sanjay Dave

થોડાં વર્ષો પહેલાં તેમણે ‘આત્મા’ પ્રોજેક્ટ દ્વારા યોજાયેલી એક તાલીમમાં ભાગ લીધો હતો, તેમાંથી તેમને ટપક સિંચાઈથી થતા ફાયદા વિશે જાણકારી મળી હતી.

સુરેશભાઈ પોતાના ખેતરમાં, ક્યારા પદ્ધતિથી પિયત કરતા હતા. તેમાં નીંદામણ વધુ થતું અને રાતે લાઇટ હોય ત્યારે ખેતરમાં પાણી વાળવા જવું પડતું.

ઉપરાંત, ક્યારા પદ્ધતિમાં પાણી પણ બહુ વેડફાતું, જે તેમને મંજૂર નહોતું. કુદરતી સંસાધનોનું મહત્ત્વ તેઓ સારી રીતે જાણતા હતા.

એટલે એમણે પાણીની બચત કરવા અને નિંદામણનો ખર્ચ ઘટાડવા માટે ટપક પદ્ધતિ અપનાવી.

ટપકની સાથે સાથે તેમણે મગફળીના પાક માટે ફુવારા સિંચાઈ પદ્ધતિ અપનાવીને પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કર્યો.

ઉપરાંત, તરબૂચ અને મરચાંના પાકમાં મલ્ચિંગ પદ્ધતિથી વધુ ઉત્પાદન મેળવ્યું.

સામાન્ય રીતે, ખેડૂતો પ્લાસ્ટિક મલ્ચિંગ કરતા હોય છે, પણ સુરેશભાઈએ સસ્તા ભાવે જૂની સાડી ખરીદી લાવીને તેના મારફતે મલ્ચિંગ કરવાનો નવો પ્રયોગ કર્યો છે.

બીબીસી ગુજરાતી

મલ્ચિંગ એટલે શું?

  • મલ્ચિંગ એટલે કે છોડનાં મૂળની આસપાસ જમીન પર ભૂસાનું કે ઘાસનું કુદરતી આવરણ બનાવીને પાક સાથે જમીનનું સંરક્ષણ
  • જમીન પર આવું એક પ્રાકૃતિક આવરણ બનાવી જમીનમાં ભેજનું પ્રમાણ જાળવી શકાય છે, સાથે સૂક્ષ્મ સજીવો માટે ઉત્તમ વાતાવરણ તૈયાર કરી શકાય છે
  • નીંદણનું પણ નિયંત્રણ થઈ જાય છે
  • ઘાસના બદલે પ્લાસ્ટિકથી પણ મલ્ચિંગ કરવામાં આવે છે
બીબીસી ગુજરાતી

ખેતરમાં ટપકની કિટ પાથરતા પહેલાં તેમની જમીન સમતળ હોય એ જરૂરી હતું.

પરંતુ, સુરેશભાઈની જમીન ઢાળવાળી હતી, તેથી બધું પાણી નીચે વહી જતું. વળી, તેમની જમીનના નીચાણવાળા ભાગમાં વરસાદનું પાણી સતત ભરાઈ રહેવાથી કાદવ-કીચડ ભરાતો અને પાક નિષ્ફળ જતો.

એટલું ઓછું હોય એમ, સુરેશભાઈની જમીનમાં ઉપર જ પથ્થરો હોવાથી વરસાદી પાણી રિચાર્જ થતું નહોતું.

સુરેશભાઈએ આ આફતને અવસરમાં ફેરવવાનું બીડું ઝડપ્યું.

તે બાબતે તેઓ કહે છે, “મેં મારા ખેતરની વચ્ચોવચ 12 ફૂટ પહોળો અને આઠ ફૂટ ઊંડો ખાડો કર્યો. તેમાંથી પથ્થરો કાઢીને, તેને જમીનમાં ઊંડા નંખાવ્યા અને પથ્થરો ઉપર માટીનું પુરાણ કર્યું. એટલે માટીની નીચે અને પથ્થરની ઉપર એક ભૂગર્ભ કૅનાલ જેવું બની ગયું. મેં તે પાણીને એક અન્ડરગ્રાઉન્ડ નીક (નાનકડું નાળું) મારફતે મારા કૂવામાં વાળીને કૂવો રિચાર્જ કર્યો. હવે જરૂરી પાણી જમીનમાં ઊતરે છે અને કૂવામાં ભેગું થાય છે. પરિણામે, મારા ખેતરમાં પાણીના ભરાવાને કારણે પાકને નુકસાન થતું અટક્યું.”

આ રીતે ખેતરની વચ્ચોવચ, ભાગ્યે જ કોઈ ખેડૂત ભૂગર્ભ કૅનાલ કરે. સુરેશભાઈને તેનાથી ફાયદા થયેલા જોઈને તેમના ગામના બીજા બે ખેડૂતોએ પણ પોતાની ઢાળવાળી જમીનમાં ભૂગર્ભ કેનાલ કરીને પાણીના ભરાવાની સમસ્યાનો ઉકેલ આણ્યો છે.

સુરેશભાઈ કહે છે, “હું મારી જમીનમાં અળસિયાં ખાતરનો ઉપયોગ કરું છું એટલે અળસિયાં મારી જમીન પોલી રાખે છે, એના કારણે પણ પાણી જમીનમાં ઊતરતું થયું છે.”

રેડ લાઇન
રેડ લાઇન