સુરેન્દ્રનગર : એન્જિનિયરે સરકારી નોકરી છોડી પશુપાલન શરૂ કર્યું, હવે લાખોની કમાણી

ઇમેજ સ્રોત, Sanjay Dave
- લેેખક, સંજય દવે
- પદ, બીબીસી ગુજરાતી માટે
““જો હું દૂધ વેચું તો 28થી 35 રૂપિયે લિટર વેચાય. તેને બદલે હું માત્ર થોડુંક દૂધ ઘરવપરાશ માટે રાખીને બાકીનાં દૂધનું ઘી, માખણ અને થોડીક છાશ બનાવીને વેચું છું. તેમાંથી મને 40 ટકા વધારે આવક થાય છે.”
સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના વખતરપર ગામના 69 વર્ષીય ખોડાભાઈ જીવાભાઈ સભાણીએ ઇજનેરીની નોકરીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી, પણ જીવનની પ્રવૃત્તિઓમાંથી નહીં. તેમણે નિવૃત્તિ બાદ ગોસંવર્ધન અને કુદરતી ખેતીનો પ્રકલ્પ શરૂ કર્યો અને હવે નિવૃત્તિની મોકળાશ અને લાખોની કમાણીના સંયોજનથી જીવનની મોજ માણી રહ્યા છે.
પરંરાગત ગોપાલન અને કુદરતી ખેતી જેવા ‘ઓછા આકર્ષક’ વ્યવસાયોમાંથી પોતાની સૂઝ વાપરી વાર્ષિક 24 લાખ રૂપિયાનું ટર્નઓવર કરી રહ્યા છે.
તેઓ પરંપરાગત અને આકર્ષક મનાતી નોકરીઓ છોડીને આ વિકલ્પ અપનાવવાના પોતાના નિર્ણય અંગે કહે છે કે, “વર્ષ 2014માં મને થયું કે હવે જિંદગીનાં બાકીનાં વર્ષો ગાયોની સેવા જ કરવી છે અને પોતાના બાપદાદાની ખેતીની જમીનને માત્ર કુદરતી ખેતીના સહારે હરીભરી કરવી છે.”
આમ, તેઓ પોતાની પસંદનું કામ કરીને આત્મસંતોષ સાથે સારી કહી શકાય એટલી આવક રળવામાં સફળ રહ્યા છે.
તેમની આ સાફલ્યગાથા પોતાના જીવનમાં આત્મસંતોષ આપતાં નોકરી-વ્યવસાય સાથે કમાણીનો વિકલ્પ અપનાવવા માગતી વ્યક્તિઓ માટે પ્રેરણાદાયી છે એવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.
આ સપનાને હકીકત બનાવવામાં તેમના દૃઢ નિર્ધારે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
કોઈ પણ નિવૃત્ત વ્યક્તિ આર્થિક રીતે સુખી અને સાધન-સંપન્ન હોય તો શહેરની સિનિયર સિટીઝન ક્લબમાં જઈ બીજા સમોવડિયા સાથે સમય પસાર કરવાનું પસંદ કરે. આખી જિંદગી કામની જવાબદારી ઉઠાવ્યા પછી, કોઈને પણ નિવૃત્તિમાં આરામ ફરમાવાનું ગમે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ, ખોડાભાઈને એ મંજૂર નહોતું. તેમણે નિવૃત્તિમાં ગોસંવર્ધન પ્રવૃત્તિનો માર્ગ પસંદ કર્યો.
આજથી આઠ વર્ષ પહેલાં ગાય આધારિત ખેતીમાં સાવ શૂન્યથી શરૂઆત કરનારા ખોડાભાઈ આજે ખર્ચ બાદ કરતા વાર્ષિક આઠેક લાખ રૂપિયાની ચોખ્ખી આવક મેળવે છે.

ઇજનેરી છોડીને ગોપાલન કરવાનો નિર્ણય લીધો
મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, એમ બબ્બે ડિગ્રી ધરાવતા ખોડાભાઈએ વર્ષ 1976થી 2014 સુધીનાં 38 વર્ષ અમદાવાદ શહેરમાં વિતાવ્યાં.
તેઓ ગુજરાત સરકારના જીઆઈડીસીમાં નાયબ કાર્યપાલક ઇજનેર અને પછી વીઆરએસ (સ્વૈચ્છિક નિવૃત્તિ) લઈને આફ્રિકાના નાઇજિરીયામાં બે વર્ષ કાર્યરત્ રહ્યા.
છેલ્લે ગુજરાતમાં એક નામાંકિત કંપનીમાં જોડાઈને ડેપ્યુટી જનરલ મૅનેજર (ડીજીએમ)ના પદ સુધી પહોંચ્યા.
પરંતુ બાદમાં ગોસેવા અને કુદરતી ખેતી કરવાના તેમના નિર્ણયે તેમના જીવનની રાહ જ બદલી નાખી.
મોટા ભાગે લોકો ભેંસ રાખીને તેના દૂધની આવક રળવાનું વધુ પસંદ કરે, ત્યારે ખોડાભાઈએ ગાય આધારિત ખેતી કરવાનું જ પસંદ કર્યું.

“ગાયનાં છાણ-ગોમૂત્રથી જમીનની ફળદ્રુપતામાં વધારો થાય અને ગોસેવા પણ થાય”

ઇમેજ સ્રોત, Sanjay Dave
ગાય આધારિત સજીવ ખેતી જ કેમ?
તેનો જવાબ આપતાં ખોડાભાઈ કહે છે, “મેં ગાય અને કુદરતી ખેતી વિશે ઘણું-બધું સાહિત્ય વાંચ્યું હતું. તે મુજબ, એક દેશી ગાયના એક ગ્રામ છાણમાં 300થી 500 કરોડ બૅક્ટેરિયા હોય છે, જે જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે. વળી, એક દેશી ગાય એક દિવસમાં દસ કિગ્રા છાણ અને આઠથી દસ લિટર ગોમૂત્ર આપે છે. આમ, ગાયનાં છાણ-ગોમૂત્રથી જ કુદરતી ખેતી કરીને ધરતીનું જતન પણ કરી શકાય એ વિચારે મને બળ આપ્યું.”
પોતે મૂળ તો ખેડૂતનો જીવ અને ગામમાં પિતા જીવાભાઈનો ખેતીનો વ્યવસાય હતો જ.
તેથી ખોડાભાઈ અને તેમનાં પત્ની ગૌરીબહેન વર્ષ 2014-15થી તેમના વતન વખતપરમાં રહે છે.
ત્યાં સાત દેશી ગીર ગાયો ખરીદીને ગોસેવાનું કામ આરંભ્યું. સાથેસાથે, પોતાની ત્રણ એકર જમીનમાં ગાયના છાણના ખાતરની મદદથી 1000 વૃક્ષો ઉછેરવાનું શરૂ કર્યું. શરૂમાં તેઓ ગામમાં રહેતા, પણ પછી ગોશાળા અને ખેતીનું ધ્યાન રાખવા માટે તેઓ ત્યાં જ નાનકડું ઘર બનાવીને રહેવા લાગ્યા.

- ઇજનેર તરીકેની નોકરીમાંથી નિવૃત્ત થઈ સુરેન્દ્રનગરના ખોડાભાઈએ જીવનની સમી સાંજે નિરાંતે બેસી રહેવાના સ્થાને ગોસંવર્ધન અને કુદરતી ખેતીમાં સક્રિય ભૂમિકા ભજવવાનો વિકલ્પ પસંદ કર્યો
- ઓછા આકર્ષક ગણાતા આ વિકલ્પની પસંદગી બાદ તેમણે પોતાના દૃઢ નિર્ધારથી સાબિત કરી બતાવ્યું કે આ પ્રવૃત્તિ આત્મસંતોષની સાથોસાથ સારી કમાણી પણ કરાવી શકે છે
- તેઓ આજે કુદરતી ખેતી અને ગોપાલનની પ્રવૃત્તિ થકી વર્ષે 18 લાખ રૂપિયાનું ટર્નઓવર મેળવે છે
- પહેલા વર્ષે તેમની પાસે સાત ગાયો હતી, જે વધીને આજે 55 થઈ છે
- તેઓ દૂધનું મૂલ્યવર્ધન કરીને તેની વિવિધ બનાવટોમાંથી આવક રળે છે

ગાયના દૂધને બદલે તેમાંથી છાશ અને ઘી બનાવીને વેચાણ શરૂ કર્યું

ઇમેજ સ્રોત, Sanjay Dave
ખોડાભાઈ તેમની ગાયોને કુદરતી ખાતરથી પકવેલો ચારો જ ખવરાવે છે. સામાન્ય રીતે, એક ગીર ગાય 200 દિવસ સુધી દૂધ આપે, ત્યારે ખોડાભાઈએ કરેલી માવજતના પરિણામે, તેમની એક ગીર ગાય 250થી 300 દિવસ સુધી, એક વેતરમાં 1,800થી 2,100 લિટર જેટલું દૂધ આપે છે.
શરૂઆતનાં વર્ષોમાં તેમને એક લિટર દૂધનો ભાવ 28 રૂપિયા જેટલો જ મળતો હતો. સાત ગીર ગાયોને પાળવાની આટલી કાળજી અને મહેનત પછી જો દૂધના યોગ્ય ભાવ ન મળે તો ચાલે નહીં એવું તેમને લાગ્યું. એટલે એમણે તેના વિકલ્પ વિશે વિચારવા માંડ્યું.
અંતે, દૂધની બનાવટોના બજારનો અનૌપચારિક અંદાજ મેળવ્યા પછી તેમણે દૂધને બદલે તેમાંથી વિવિધ ચીજવસ્તુઓ બનાવીને વેચવાનો નિર્ધાર કર્યો.
ખોડાભાઈએ તેમની આગવી સૂઝથી દૂધ વેચવાને બદલે દૂધની જુદી જુદી પ્રોડક્ટ વેચવાનો રાહ અપનાવ્યો. તે રાહ તેમને ફળ્યો છે. પહેલાં તેમની પાસે સાત ગાયો હતી અને આજે તે વધીને કુલ 55 થઈ છે.
દૂધને બદલે દૂધની બનાવટો વેચવા બાબતે ખોડાભાઈ કહે છે દૂધની બનાવટોના વેચાણથી તેમને દૂધની આવકની સરખામણીએ વધુ આવક મળે છે.

ગાયના ઘીની વાર્ષિક આવક 12 લાખ રૂપિયા

ઇમેજ સ્રોત, Sanjay Dave
તેઓ રોજ ત્રણ કિલો વલોણાનું ઘી બનાવીને તે 1,800 રૂપિયે લિટરના ભાવે વેચે છે.
અમદાવાદ, મુંબઈ, દિલ્હી, રાજસ્થાન જેવાં અનેક સ્થળોએ તેમના ગુણવત્તાયુક્ત ઘીના કાયમી ગ્રાહકો બન્યા છે. તેમને ગાયના ઘીમાંથી વર્ષે 12 લાખ રૂપિયાની આવક થાય છે.
ખોડાભાઈ કહે છે, “અમદાવાદ-રાજકોટ જેવાં શહેરોમાં ગાયનું વલોણાનું ઘી 2,500થી 3,500 રૂપિયે લિટરના ભાવે વેચાય છે, પણ હું ફક્ત 1,800 રૂપિયે વેચું છું.”
ખોડાભાઈ ઘીની સાથેસાથે માખણ, છાશ, ગોમૂત્ર અર્ક વગેરે બનાવીને પણ વેચે છે.

ઇમેજ સ્રોત, Sanjay Dave
ખોડાભાઈનાં પત્ની ગૌરીબહેન કહે છે, “અમે માખણ 1,100 રૂપિયે કિલો, છાશ 15 રૂપિયે લિટર, ગોમૂત્ર અર્ક 240 રૂપિયે લિટર વેચીએ છીએ. છાશના વેચાણમાંથી 1,20,000 રૂપિયા અને ગોમૂત્ર અર્કના વેચાણમાંથી અમને વર્ષે 1,00,000 રૂપિયાની આવક થાય છે. ઉપરાંત, ગોમૂત્રમાંથી બનેલાં નસ્ય ડ્રોપ, આંખ-કાનનાં ટીપાં અને ઘરની સફાઈ માટેનું ગોનાઇલ વેચીને, દૂધના વેચાણની સરખામણીમાં અમે વધારે આવક મેળવતા થયા છીએ.”
વખતપર ગામના એક ખેડૂત પરષોતમભાઈ સભાણી કહે છે, “ખોડાભાઈની સજીવ ખેતીની વાડી જોઈને મેં ગયા વર્ષે ફક્ત કુદરતી ખાતરથી મારી એક એકર જમીનમાં 38 મણ કપાસનો પાક લીધો હતો. પહેલું વર્ષ હતું એટલે ત્રણ મણ ઉતારો ઓછો આવ્યો, પણ હવે મારું ઉત્પાદન ધીરેધીરે વધશે. મેં સજીવ ખેતીથી પાંચ વીઘામાં મગફળી કરીને 25 ડબ્બા સીંગતેલ બનાવીને સગાં-સંબંધીઓને આપ્યું. હવે હું ખોડાભાઈનું માર્ગદર્શન મેળવીને સાડા તેર વીઘાની વાડીમાં સજીવ ખેતી જ કરવાનો છું.”

“શાંતિથી નિવૃત્ત જીવન માણોને, આ બધી પળોજણમાં શું કામ પડો છો?”
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ખોડાભાઈ અને તેમનાં પત્ની ગૌરીબહેને અમદાવાદ શહેર છોડીને વખતપર ગામમાં રહેવાનું શરૂ કર્યું એટલે ખોડાભાઈના કેટલાક મિત્રો તેમને કહેવા લાગ્યા કે, “તમે આખી જિંદગી કામ જ કર્યા કર્યું છે. હવે તો નિવૃત્તિનો આનંદ માણો! આ બધી પળોજણમાં શું કામ પડો છો?”
પણ, ખોડાભાઈને મન ગોસેવામાં જ શાંતિ હતી અને રસાયણો વગર કુદરતી ખાતરથી ધરતીનું જતન કરવામાં જ આનંદ હતો. એટલે એમણે તો તે જ કરવાનું ચાલુ રાખ્યું.
ખોડાભાઈએ ગીર અને દેશી ગાયોના સંવર્ધન કરવાની સાથેસાથે પોતાની 3 એકર જમીનમાં 1,600 વૃક્ષો સફળતાપૂર્વક ઉછેરી બતાવ્યાં છે. એમાંય સૌથી વધારે નોંધપાત્ર એ છે કે તેમણે તમામ વૃક્ષોનું જૈવિક ખાતરથી સંવર્ધન કર્યું છે. તેમની વાડીમાં બિલિપત્ર, ઉમરો, સાગ, સીસમ, લીમડા, વાંસ, નીલગીરી, કણજી, ગુલમહોર, વડ, શરુ, અશ્વગંધા, તકમરીયા (ફાલુદા), અર્જુન, અરીઠા, બદામ, આંબા, ચંદન, લીંબુ, આંબળા, સીતાફળ, દાડમ, જામફળ, મોસંબી, સંતરા, જાંબુ, રાયણ, ચીકુ તેમ જ જુદી જુદી શાકભાજીના વેલા પણ જોવા મળે.
તેમના વતનમાં ભૂગર્ભજળ પૂરતું નથી. તેથી ઉનાળામાં વૃક્ષોને ટકાવી રાખવાનું તેમના માટે અઘરું થઈ પડતું.
તે બાબતે ખોડાભાઈ કહે છે, “વર્ષ 2014-15માં પાણીની ખૂબ અછત હતી, અને મારી વાડીમાં મેં વાવેલા 1,000 છોડને પાણી આપીને બચાવવા જરૂરી હતા. મેં એક બોર કરેલો પણ તેમાં પાણી ન મળ્યું, એટલે છોડને ટકાવવા માટે મારા એકમાત્ર કૂવાનો જ આધાર હતો.
એક વખત તો એવો આવ્યો કે તેમણે ભાડેથી પાણીનું ટૅન્કર મંગાવીને મોટા થયેલા છોડને પાવું પડ્યું.

પાણીનું સરસ વ્યવસ્થાપન કરીને, પાણીની તંગીની સમસ્યા ઉકેલી
તેમણે પોતે વૃક્ષો અને છોડની માવજત કરવા માટે કરેલા પ્રયાસો અંગે તેઓ વાત કરતાં કહે છે કે, “ટૅન્કર મગાવ્યા બાદ કૂવાના ઓછા પાણીનો મેં આયોજનપૂર્વક ઉપયોગ કરીને મારા 1,000 છોડને બચાવ્યા. આજે તે વૃક્ષો વધીને 1,600 જેટલાં થયાં છે.”
ખોડાભાઈને 2014-15માં પોતાનાં 1,000 વૃક્ષો ઉછેરવા માટે પાણીની અછતનો પ્રશ્ન સામે આવ્યો. તેમના ગામમાં પાણી સહેલાઈથી મળતું નહોતું. પીવાનું પાણી પણ 2017થી નર્મદાની પાઇપલાઇનથી મળતું થયું છે. તેમાં મીટરના આધારે પૈસા ચૂકવવામાં આવે છે.
તેમની પાસે એક કૂવો છે, તેમાં શિયાળા સુધી 30 ફૂટે પાણી મળે છે. જોકે, ટપક પદ્ધતિ અપનાવીને તેમણે ઓછા પાણીએ પણ પોતાની વૃક્ષોની વાડી જાળવી રાખી છે.
તેમણે છોડ નાના હતા ત્યારે ટપક પદ્ધતિથી પાણી આપીને મોટા કર્યા. જો તેમણે ત્રણ એકરમાં ક્યારા પદ્ધતિથી પિયત કરી હોત તો 50 લિટર પાણીની જરૂર પડત. તેને બદલે ટપકથી તેઓ 12 લિટર પાણીમાં જ છોડને બચાવી શક્યા.
અહીં નોંધપાત્ર વાત એ છે કે, તેમણે તેમની વાડીમાં ઊગતી શાકભાજી પોતાના ખપ પૂરતી રાખીને, બાકીની ગામના લોકો, સગાં-સંબંધીઓ, મિત્રો અને પરિચિતોને વિનામૂલ્યે આપી દેછે.
ઉપરાંત તેમની આ પ્રવૃત્તિ તેમના માટે કમાણીનું માધ્યમ પણ બની શકી છે. તેમની વાડીમાં લીંબુનું ઉત્પાદન ચાર ટન થાય છે. તેમણે માત્ર લીંબુનું જ વેચાણ કરીને તેમને વર્ષે 80,000 રૂપિયા જેટલી આવક થાય છે.

“માત્ર ધંધો કરવાનો નહીં, પણ સજીવ ખેતીનો પ્રચાર-પ્રસાર કરવાનો પણ હેતુ”
ખોડાભાઈ ગાયના છાણનો ઉપયોગ કરીને સેન્દ્રીય ખાતર બનાવે છે.
તેઓ સેન્દ્રીય ખાતરની 40 કિલોની એક બૅગ 350 રૂપિયાના ભાવે વેચે છે.
ખાતરના ભાવ અને તેના વેચાણ બાબતે ખોડાભાઈ કહે છે, “ખાતર બનાવતી કંપનીઓ એક બૅગ 1,000થી 1,200 રૂપિયાના ભાવે વેચે છે, પણ હું માત્ર 350 રૂપિયામાં વેચું છું. કારણ કે, માત્ર ધંધો કરીને આવક રળવાનો મારો હેતુ નથી, મારે તો સજીવ ખેતીનો પ્રચાર-પ્રસાર પણ કરવો છે.”
માત્ર સેન્દ્રીય ખાતરની જ આવક ગણીએ તો, કુલ 2,500 બૅગોના વેચાણમાંથી તેઓ રૂ. 8,75,000ની કમાણી કરે છે.
ગુજરાતના અનેક ખેડૂતો તેમનું ગુણવત્તાભર્યું સેન્દ્રીય ખાતર ખરીદે છે.

સજીવ ખેતીથી એક એકરમાં ત્રણ લાખ રૂપિયાની આવક રળી શકાય
ખોડાભાઈ કહે છે, “મારે ગુજરાતના ખેડૂતોને એવો સંદેશો આપવો છે કે, ગાય આધારિત સજીવ ખેતી કરીને પણ એક એકરમાં ત્રણ લાખ રૂપિયાથી વધારે આવક રળી શકાય. હવે વર્ષ 2024 સુધીમાં મને એક એકરે ઓછામાં ઓછી ત્રણ લાખ રૂપિયાની આવક થશે.”
રાજ્ય સરકારના રાજકોટસ્થિત ‘ખેડૂત તાલીમ કેન્દ્ર’ના બ્લૉક ટેકનૉલૉજી મૅનૅજર મહેશભાઈ પટેલ કહે છે, “ખોડાભાઈ સફળતાપૂર્વક 100 ટકા સજીવ ખેતી કરીને ખેતપેદાશોનું વૅલ્યૂ ઍડિશન કરવામાં સફળ રહ્યા છે. અમે રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના ખેડૂતોને ક્યારેક તેમના ખેતર અને ગોશાળાની મુલાકાત કરાવીએ છીએ. તેમણે અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લાના 250 ખેડૂતોને ગોસંવર્ધન અને સજીવ ખેતીની તાલીમ આપી છે.”
સુરેન્દ્રનગર જિલ્લાના ‘આત્મા’ પ્રોજેક્ટના ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર કલ્યાણભાઈ સવજીભાઈ ભુવા કહે છે, “‘આત્મા’ પ્રોજેક્ટ દ્વારા સાયલા તાલુકાના શ્રેષ્ઠ ખેડૂત તરીકે તેમને ઍવૉર્ડથી નવાજવામાં આવ્યા છે. તેમની ગોશાળાને તાલુકાની શ્રેષ્ઠ ગોશાળા તેમ જ 2022માં જિલ્લાની શ્રેષ્ઠ ગોશાળાનો ઍવૉર્ડ પ્રાપ્ત થયો છે. ગુજરાતમાં યોજાતા કૃષિમેળામાં તેમને તેમનો અનુભવ રજૂ કરવા માટે બોલાવવામાં આવે છે. તેમણે ખેડૂત શિબિરોમાં આવીને સુરેન્દ્રનગર જિલ્લાના 200થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું છે.”
પાણીની અછતવાળા વિસ્તારમાં પણ, પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરીને સજીવ ખેતીમાં લાખો રૂપિયાની આવક રળી શકાય છે એવું ખોડાભાઈએ પુરવાર કર્યું છે.














