અકસ્માતે શોધાયેલું એ વૃક્ષ જેણે વાવનારને માલામાલ કરી દીધા

જંગલ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ફેલિપ લેમ્બિયાસ
    • પદ, બીબીસી વર્લ્ડ ન્યૂઝ

રુડોલ્ફ હાસે તેમના બગીચામાં અવોકાડોનું નાનકડું વૃક્ષ વાવ્યું હતું. તે કોઈ કામનું ન હતું એટલે તેઓ જમીન ખોદીને તેને મૂળમાંથી કાઢી રહ્યા હતા, પરંતુ તેવું ન કરવા તેમને સમજાવવામાં આવ્યા હતા.

1920ના દાયકાના અંતનો સમય હતો. તેઓ તેમનાં પત્ની એલિઝાબેથ અને 18 મહિનાની દીકરી બૅટી સાથે સપ્ટેમ્બર, 1923માં લોસ એન્જલસ નજીકના પાસાડેના ખાતે આવી પહોંચ્યા હતા. તેમના પરિવારના અન્ય કેટલાક સભ્યો ત્યાં સ્થાયી થયા હતા અને તેમણે રુડોલ્ફને અહીં સ્થાયી થવા પ્રોત્સાહિત કર્યા હતા.

તેઓ ઉત્તર અમેરિકાના મિલવૌકીથી જૂની ખખડધજ ફોર્ડ મોટરમાં 3,300 કિલોમીટરનો પ્રવાસ કરીને દેશના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં પહોંચ્યા હતા. એ મોટર તેમણે તેમના સહકાર્યકર પાસેથી 1920માં 75 ડૉલરમાં ખરીદી હતી.

રુડોલ્ફે કેલિફોર્નિયામાં પહેલાં ફળો તથા શાકભાજી વેચવાનું કામ કર્યું હતું. પછી હોઝિયરી, અન્ડરવેર અને ઍસેસરીઝના સેલ્સમૅન તરીકે કામ કર્યુ હતું. ત્યાર બાદ તેમણે વોશિંગ મશીન અને વેક્યુમ ક્લિનર્સ વેચવાનું કામ કર્યું હતું અને આખરે તેમને પાસાડેના પોસ્ટ ઓફિસમાં પોસ્ટમૅનની નોકરી મળી હતી.

તેમનાં પત્નીએ કરેલી નોંધ મુજબ, રુડોલ્ફને પોસ્ટમેનની નોકરી 1926માં મળી હતી. જોકે, તે લખાણ દાયકાઓ પછી લખવામાં આવ્યું હતું અને તેમા સમાવિષ્ટ માહિતી તેને સાબિત કરતા દસ્તાવેજો સાથે મેળ ખાતી નથી.

ગ્રે લાઇન

પૈસાનું ઝાડ

રુડોલ્ફ હાસ અને તેમની પત્ની એલિઝાબેથ

ઇમેજ સ્રોત, HASS FAMILY

ઇમેજ કૅપ્શન, રુડોલ્ફ હાસ અને તેમની પત્ની એલિઝાબેથ

એલિઝાબેથના લખાણ મુજબ, રુડોલ્ફ એક દિવસ ટપાલનું વિતરણ કરી રહ્યા હતા ત્યારે તેમણે દક્ષિણ અમેરિકામાં પાલ્ટા નામે ઓળખાતા અવોકાડોનાં વૃક્ષો સાથેની જમીનની જાહેરાત એક સામયિકમાં જોઈ હતી.

હાસ આવોકાડોના ઇતિહાસકાર જિનારોઝ કિમબોલ ભારપૂર્વક જણાવે છે કે તે જાહેરાતમાં મની ટ્રીને બદલે ડૉલરના પ્રતિકવાળી એક બૅગ અને તેની બાજુમાં આવોકાડોનું ચિત્ર હતું.

કેલિફોર્નિયા મેક્સિકન પ્રદેશ હતું ત્યારે ત્યાં અવોકાડોનું વાવેતર થતું ન હતું. 1870ના દાયકામાં મૅક્સિકોથી લાવવામાં આવેલા ત્રણ રોપા સાન્ટા બાર્બરામાં વાવવામાં આવ્યા હતા અને શંકા સાથે તેનો ઉછેર કરવામાં આવ્યો હતો. તેનાં 50 વર્ષ પછી આવોકાડોની ખેતીને રાજ્યમાં આશાસ્પદ વ્યવસાય તરીકે પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રુડોલ્ફ ઉત્સાહિત હતા. તેમણે મિલવૌકી પાસેની તેમની મિલકતનો એક હિસ્સો વેંચ્યો, બહેન પાસેથી થોડા પૈસા લીધા અને તેમણે જાહેરાતમાં લોસ એન્જલસના જે બિઝનેસમૅનનો ફોટો જોયો હતો એની ઓફિસે પહોંચ્યા હતા.

તે બિઝનેસમૅનનું નામ એડવિન હાર્ટ હતું. તેમને 19મી સદીના અંતમાં મૅક્સિકોમાં અવોકાડો વિશે માહિતી મળી હતી અને અવોકાડોનાં વૃક્ષો વાવવા તથા બાદમાં પ્લોટ વેચવા માટે 1919માં લોસ એન્જલસના પાદરે આવેલી 1,500 હેક્ટરની વાડી ખરીદી હતી.

એ ગ્રામ્ય વિસ્તારનું નામ લા હાબ્રા હાઇટ્સ રાખવામાં આવ્યું હતું અને રુડોલ્ફે તેમાં 1.93 એકર જમીન ખરીદી હતી. તેમાં અવોકાડોનાં વૃક્ષ હતાં. તેમણે ડિપોઝીટ તરીકે 760 ડૉલર ચૂકવ્યા હતા અને દર ત્રણ મહિને 3,800 ડૉલરનો હપ્તો ચૂકવવા સહમત થયા હતા.

કિમબોલ કહે છે, “રુડોલ્ફે આ જમીન ખરીદી ત્યારે તેઓ એક અલગ વેરાયટી, કદાચ લિયોન ઉગાડવા ઇચ્છતા હતા. તે જાડી છાલવાળી મોટી ગ્વાટેમાલાની વેરાયટી છે અને લિયોન નામના એક માણસે 1900ના દાયકામાં તેનું વૃક્ષ રોપ્યું હતું. પ્રારંભિક વર્ષોમાં તે આશાસ્પદ હતું. એ સમયે કેલિફોર્નિયામાં અવોકાડોનું પ્લાન્ટેશન કરતા લોકો ફળની પ્રત્યેક વેરાયટીનું નામ પોતાની અટક પરથી પાડતા હતા.”

રુડોલ્ફે બિઝનેસ શરૂ કર્યો ત્યારે ફ્યુર્ટે સૌથી કોમન વેરાયટી હતી. કેલિફોર્નિયામાં 1913માં થયેલા ભીષણ હિમપાતમાંથી તે બચી ગઈ હતી એટલે તેનું નામ ફ્યુર્ટે પાડવામાં આવ્યું હતું. તે મૅક્સીકન પ્રકારનું આવોકાડો હોવાને કારણે તેની છાલ નરમ અને મુલાયમ હતી. તેને છોલવાનું સરળ હતું.

લા હાબ્રા હાઇટ્સ પાસે બાગાયતશાસ્ત્રી આલ્બર્ટ રાઇડઆઉટની ખાસ પ્રકારના આવોકાડોની નર્સરી પણ હતી. તેઓ જ્યાં જાય ત્યાંથી આવોકાડોનું જે બીજ મળે તે લાવતા હતા અને અહીં નવી વેરાઇટી વિકસાવવા તેનું વાવેતર નર્સરીમાં કરતા હતા.

રુડોલ્ફ એ નર્સરીમાં ગયા હતા અને ત્યાંથી તેમણે ગ્વાટેમાલા અવોકાડોના બીજ ખરીદ્યાં હતાં. મૅક્સીકન અવોકાડોથી વિપરીત ગ્વાટેમાલા આવોકાડોની છાલ સખત હોય છે.

ગ્રે લાઇન

નિષ્ફળ પ્રયાસો

ઍવોકાડો

ઇમેજ સ્રોત, Getty Images

પોતાની વાડીમાં પાછા આવ્યા બાદ રુડોલ્ફે સફરજનના બૉક્સમાં લાકડાનો વહેર ભર્યો હતો અને તેમાં એ બીજનું વાવેતર કર્યું હતું. તે બીજ અંકુરિત ન થાય ત્યાં સુધી તેઓ તેને પાણી પીવડાવતા રહ્યા હતા. તેના છોડની દાંડી પેન્સિલ જેટલી જાડી થઈ ત્યારે તેમણે એ છોડને જમીનમાં ટ્રાન્સપ્લાન્ટ કર્યો હતો અને આજુબાજુ કાર્ડબોર્ડની નાની દિવાલ બનાવી હતી.

એ પછી કોલ્કિન્સ નામના એક નિષ્ણાતની મદદથી તેમણે તે નવા છોડમાંથી ફ્યુર્ટે અને લિયોન આવોકાડોનાં વૃક્ષોમાંથી લેવામાં આવેલા અંકુરની મદદ વડે કલમ બનાવી હતી.

આ ટેકનિકનો ઉપયોગ છોડની પ્રતિકૃતિ બનાવવા માટે કરવામાં આવે છે, પરંતુ તેનો અર્થ જૂની અને નવી જાતની ભેળસેળ કરીને વર્ણસંકર જાત બનાવવી એવો નથી. આનુવાંશિક મિક્ષણ પરાગનયન દ્વારા રચાય છે. આ ટેકનિકનો હેતુ અંકુર વૈવિધ્ય ધરાવતા નવા વૃક્ષો ઉગાડવાનો છે.

રુડોલ્ફ હાસ ફ્યુર્ટે વાય લિયોન પાસેથી નવાં વૃક્ષો મેળવવા ઇચ્છતા હતા, પરંતુ નવા છોડ પૈકીના એકમાં કલમથી કશું થયું ન હતું. તેમણે ઘણા પ્રયાસ કર્યા હતા. દરેક નવા પ્રયાસ માટે તેમણે વર્ષના ખાસ સમયની રાહ જોવી પડતી હતી. તેથી રુડોલ્ફ થાકી ગયા હતા અને તેમની ફળવાડીમાંથી નવાં વૃક્ષોને કાઢી નાખવા ઇચ્છતા હતા.

કોલ્કિન્સે તેમને વૃક્ષ મૂળ સાથે ઉખેડી નાખવાને બદલે એમને એમ રાખી મૂકવા સૂચવ્યું હતું.

ગ્રે લાઇન

ગંદા દેખાતા ઍવોકાડો

પાસાડીના

ઇમેજ સ્રોત, Getty Images

1931માં તેના પર છ અવોકાડો પાક્યાં હતાં. એ પછીના વર્ષે 125 અવોકાડો પાક્યાં હતાં.

તેમાં બહારના ભાગે કાળાં અને જાંબુડિયા રંગનું મિશ્રણ જોવા મળતું હતું. તેની છાલ ખરબચડી હતી અને તેનો દેખાવ જોવો ન ગમે તેવો હતો. જાણે કે સડેલાં હોય. કેલિફોર્નિયામાં તેજસ્વી લીલી છાલવાળાં અવોકાડોનો આહાર કરવામાં આવે છે, પરંતુ આ અવોકાડો તદ્દન અલગ જ હતાં.

રુડોલ્ફનાં સંતાનોએ તે ખાધાં હતાં અને તેમને તેનો સ્વાદ બહુ ગમ્યો હતો. અવોકાડોની એ જાત અંદરથી ક્રિમી હતી, તેમાં ઑઇલનું પ્રમાણ ઘણું હતું. તેમાં સુસંગતતા હતી, પણ રેસાયુક્ત ન હતા. રુડોલ્ફને તેમાં બિઝનેસની શક્યતા દેખાઈ હતી.

કિમબોલ કહે છે, “રુડોલ્ફ ફૂલ ટાઇમ નોકરી કરવા ઉપરાંત સેલ્સમૅન પણ હતા. તેમણે તેમનાં સંતાનોને અવોકાડો વેચવા માટે વેસ્ટ રોડ અને હેન્સિડા રોડ મોકલ્યાં હતાં. દોસ્તોને, પોસ્ટ ઓફિસમાંના સાથી કર્મચારીઓને જાતે પણ અવોકાડો વેચ્યા હતાં.”

તે અવોકાડો સારાં દેખાતાં ન હતાં એટલે શરૂઆતમાં તેને વેચવામાં મુશ્કેલી પડી હતી, પરંતુ ધીમેધીમે તેમણે વધુ લોકોને તે સારાં ફળ હોવાની ખાતરી કરાવી હતી.

રુડોલ્ફના પત્નીએ નોટબૂકમાં નોધ્યું હતું કે “અવોકાડો કંપનીમાંથી મિસ્ટર કાર્ટર આવ્યા હતા. તેમણે રુડોલ્ફને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે એક બૉક્સ શિકાગો મોકલ્યું હતું અને તે પાછું આવ્યું ત્યારે પણ તેમાંના અવોકાડો નરમ પડ્યાં ન હતાં.”

તેનાથી રુડોલ્ફ ઉત્સાહિત થયા હતા, કારણ કે એ સમયે દેશના ઇશાન પ્રદેશમાં મોકલવામાં આવતાં અવોકાડોના પાર્સલ અત્યંત ખરાબ સ્થિતિમાં પહોંચતા હતાં. અતિશય પાકી જતાં હતાં અથવા તો કોહવાઈ જતાં હતાં.

ગ્રે લાઇન

હાસનો વારસો

એલિઝાબેથે લખેલી નોંધ

ઇમેજ સ્રોત, HASS FAMILY

1935માં તેમણે અવોકાડોને એક નવી વેરાયટી તરીકે અને પોતાની અટક સાથે પેટન્ટ કરાવવાનો નિર્ણય કર્યો હતો. હાસનું ઉત્પાદન વધારવા તેમણે એ વિસ્તારમાં મોટી જમીન ધરાવતા રાઇડઆઉટના કાકા હેરોલ્ડ બ્રોકા સાથે ભાગીદારી કરી હતી.

એ બહુ મોટી વાત ન હતી. ઑગસ્ટ, 1952માં પેટન્ટ રાઇટ્સની મુદ્દત પૂર્ણ થઈ ત્યાં સુધીમાં રુડોલ્ફ માત્ર 4,800 ડૉલરથી થોડી વધુ કમાણી કરી શક્યા હતા.

જેફ હાસ કહે છે, “નામ અટવાઈ ગયું અને પૈસા ક્યારેય મળ્યા જ નહીં.”

જૂન, 1952માં તેઓ પોસ્ટ ઓફિસની નોકરીમાંથી નિવૃત્ત થયા હતા. એક કર્મચારી તરીકે 25થી વધુ વર્ષ સુધી સેવા આપવા બદલ પાસાડેના પોસ્ટ ઓફિસે તેમને પ્રશંસાનું પ્રમાણપત્ર આપવાની જાહેરાત કરી હતી.

એ વર્ષના નવેમ્બરમાં પ્રમાણપત્ર આવ્યું તેના એક મહિના પહેલાં રુડોલ્ફનું હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું હતું.

કેલિફોર્નિયાના અવોકાડો-ઉત્પાદકો દ્વારા સ્થાપવામાં આવેલી કાલાવો કંપનીના પ્રોડક્ટ મૅનેજમૅન્ટ વિભાગના વાઇસ પ્રેસિડેન્ટ પીટર શોરના જણાવ્યા મુજબ, આજે વિશ્વમાં ઉત્પાદિત કુલ અવોકાડો પૈકીના 95 ટકા હાસ વેરાયટીના હોય છે અને તે અબજો ડૉલરનો ઉદ્યોગ છે.

પીટર શોર કહે છે, “આજે હાસ અવોકાડોનાં કરોડો વૃક્ષો છે અને તે બધાં એક ઓરિજિનલ વૃક્ષનાં ફરજંદ છે.”

રુડોલ્ફ માનતા હતા કે તેમના હાસ અવોકાડો ગ્વાટેમાલા પ્રકારનાં છે, પરંતુ તેના જીનોમ વિશેના 2019માં પ્રકાશિત એક અભ્યાસના તારણ મુજબ, એ ફળનું 61 ટકા મૂળ મૅક્સીકન અને 39 ટકા ગ્વાટેમાલાનું છે.

‘અવોકાડો પ્રોડક્શન ઇન કેલિફોર્નિયા’ નામનું પુસ્તક જણાવે છે કે “મૅક્સિકન જનીન હોવાને કારણે હાસ અવોકાડો શુદ્ધ ગ્વાટેમાલા વેરાયટી કરતાં ઝડપથી પાકે છે. તેનાં વૃક્ષ અને ફળ વધારે ઠંડી સહન કરી શકે છે. હાસ અવોકાડોમાંના ગ્વાટેમાલા જનિન તેની છાલ જાડી બનાવે છે, પરંતુ તે આસાનીથી છોલી શકાય તેટલી પાતળી હોય છે.”

હાસ અવોકાડોના મધર ટ્રીને આખરે લૂણો લાગ્યો હતો અને તેને 2002માં કાપી નાખવું પડ્યું હતું.

રેડ લાઇન
રેડ લાઇન