ગુજરાતમાં પ્રાણીઓ આઈવીએફથી ગર્ભધારણ કેવી રીતે કરે છે?

ઇમેજ સ્રોત, FARUKH KADRI
- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી ગુજરાતી
તમે માનવીના સંદર્ભમાં ‘સરોગેટ મધર’ શબ્દ તો સાંભળ્યો હશે, પરંતુ શું સરોગેટ ગાય વિશે સાંભળ્યું છે?
તમને જાણીને નવાઈ થશે કે ગુજરાતના અમરેલીમાં ગાયોને સરોગેટ બનાવીને ગીર ગાય પેદા કરી દૂધઉત્પાદન વધારવાનો એક પ્રોજેક્ટ શરૂ થયો છે.
અમરેલીની અમર ડેરીમાં ચાલી રહેલા પ્રોજેક્ટમાં સારી ગુણવત્તા ધરાવતા ગીર આખલાના વીર્ય અને ગીર ગાયના અંડાણુનો ઉપયોગ કરીને ભ્રૂણ તૈયાર કરવામાં આવે છે. આ ભ્રૂણને કોઈ ગીર ગાયની નસલ સિવાય અન્ય કોઈ સ્વસ્થ ગાયના ગર્ભાશયમાં સ્થળાંતરિત કરવામાં આવે છે.
જાણકારોનું કહેવું છે કે આ પ્રકારે જે ગાયો પેદા થશે તે ગીરની ગાયની માફક વધુ દૂધ આપવામાં સક્ષમ હશે.
અહીં નોંધનીય છે કે આ પહેલાં ગીર નસલની ગાયોને સાંકળીને કૃત્રિમ ગર્ભાધાન તો કરવામાં આવતું જ હતું પરંતુ આ પ્રક્રિયા અંતર્ગત પેદા થતી સંતતિ બાબતે કેટલીક મુશ્કેલીઓ રહેતી.
આ અંગે જાણવા માટે બીબીસી ગુજરાતીએ આ પ્રોજેક્ટના જાણકારો સાથે તેના લાભાલાભ અને તેની અમલવારી અંગે વાત કરી હતી.

શું છે આ ET/IVF પ્રોજેક્ટ?

ઇમેજ સ્રોત, DR. KAILASH KADAM
જાણકારોના મતાનુસાર અગાઉની રીતથી પેદા કરવામાં આવેલી વાછરડીમાં ગીર ગાયની લાક્ષણિકતા ન આવે એવું પણ બનતું હતું. આ સમગ્ર પ્રક્રિયા માટે આ બાબતને એક પડકાર તરીકે જોવામાં આવતી હતી.
તેથી હવે સરોગેટ ગાય અને ET/IVF ટેકનૉલૉજીની મદદથી સચોટપણ ગીર ગાયની લાક્ષણિકતા ધરાવતી વાછરડી જ પેદા કરીને વધુ દૂધઉત્પાદન કરાવવાનો પ્રોજેક્ટ શરૂ કરાયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ પ્રોજેક્ટનો હેતુ દેશમાં દૂધઉત્પાદન વધારવા માટે ગીર ગાયોની સારી નસલ વધારવાનો છે. તેના માટે સારી ગુણવત્તા ધરાવતા ગીર નસલના આખલાનું વીર્ય અને ગીર ગાયના અંડાણુનો ઉપયોગ કરવામાં આવે છે.
આ વીર્ય અને અંડાણુની મદદથી ભ્રૂણ તૈયાર કરવામાં આવે છે. આ ભ્રૂણને એક સ્વસ્થ ગાયમાં સ્થળાંતરિત કરી દેવામાં આવે છે. જાણકારોનો દાવો છે કે આ ગાયોની મદદથી પેદા થનારી વાછરડી ગીર નસલની ગાયની જેમ વધુ દૂધ આપવા સક્ષમ બનશે.
‘સેન્ટર ફૉર એક્સલન્સ’ નામનો આ પ્રોજેક્ટ કેન્દ્ર સરકાર, નેશનલ ડેરી ડેવલપમૅન્ટ બોર્ડ (એનડીડીબી) તથા અમરેલીની અમર ડેરી દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે. હાલ આ પાઇલટ પ્રોજેક્ટ છે.
નોંધનીય છે કે સ્વાભાવિક રીતે ગર્ભધારણ ન કરી શકનારી મહિલાઓ સંતાનસુખ પ્રાપ્ત કરવા માટે ઇન-વિટ્રો ફર્ટિલાઇઝેશન એટલે કે IVF તથા સરોગસીનો સહારો લેતી હોય છે.
આ પ્રોજેક્ટ આ બંનેનું મિશ્રણ છે. એટલે કે ગીર ગાયના અંડાણુ, ગીર આખલાનું વીર્ય અને તેની મદદથી બનેલા ભ્રૂણને કોઈ પણ ગાયની કૂખમાં એટલે કે સરોગેટ ગાયના ગર્ભાશયમાં ઉછેરવામાં આવે છે અને તેની મદદથી ગીર ગાયની વાછરડી પેદા કરવામાં આવે છે. આ ગીર વાછરડી મોટી થઈને ગીર ગાયની માફક વધુ દૂધ આપે તે આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

ET/IVF તકનીકનો ઉપયોગ કરનાર પશુપાલકોનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, DR ARPAN JANI
અમરેલીના ડૉ. અર્પણ જાનીએ તેમની ગાયોમાં ગીરની નસલની વાછરડી પેદા કરવા ET/IVF તકનીકનો ઉપયોગ કર્યો છે.
ડૉ. અર્પણ જાની પાસે બે મૂળ ગીર નસલની ગાય હતી. એક રાધા અને બીજી મૂંડો. રાધા તેમની પાસે પહેલાંથી જ હતી અને મૂંડો તેમણે ભાવનગરથી ખરીદી હતી.
રાધા રોજ 16 લિટર અને મૂંડો રોજ 15 લિટર દૂધ આપતી હતી. તેથી ડૉ. અર્પણે નક્કી કર્યું કે તેની પાસે આ બંને ગીર ગાયની વધુ નસલ હોય. તેથી તેમણે અમર ડેરીમાં ચાલતા આ પ્રોજેક્ટના સંચાલકોનો સંપર્ક સાધ્યો.
ડૉ. અર્પણે બિનગીર હોય તેવી બે ગાય ખરીદી. રાધા અને મૂંડોના અંડાણુ અને ભાવનગરના મશહૂર ગીર નસલના સાંઢ માર્શેલો બૂલના વીર્યની મદદથી ET/IVF તકનીકની મદદથી ભ્રૂણ તૈયાર કરવામાં આવ્યું. આ ભ્રૂણને ડૉ. અર્પણે ખરીદેલી આ બંને સરોગેટ ગાયોમાં સ્થળાંતરિત કરવામાં આવ્યું. હાલ તેમની બંને ગાયને ત્રણ મહિનાનો ગર્ભ છે.
ડૉ. અર્પણ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે કે, “આ ET/IVF તકનીકથી મારી બંને ગાયને ગર્ભ રાખવામાં મારી પાસે અમર ડેરીએ એક પણ પૈસો લીધો નથી. પણ મૂળ આશય અમારો ગીરની નસલને બચાવવાનો હતો. અમારી રાધા અને મૂંડો ગીર ગાયનું દૂધ ઉચ્ચ ગુણવત્તાવાળુ અને પચવામાં સારું છે.”
ડૉ. અર્પણ જાની એમ પણ ઉમેરે છે કે ગીર નસલની ગાયો ઊંચી અને મજબૂત હોય છે. સાથે તેમાં રોગપ્રતિકારક શક્તિ પણ વધારે હોય છે.

આ પ્રોજેક્ટ હેઠળ એક મોબાઇલ IVF વાન લૉંચ કરાઈ

ઇમેજ સ્રોત, ASHVIN SEVALIYA
હાલ ET/IVF પ્રોજેક્ટ હેઠળ એક મોબાઇલ IVF વાન લૉંચ કરવામાં આવી છે, જેનું નામ ‘મોબાઇલ કેટલ એમ્બ્રિયો ટ્રાન્સફર(ET) ઍન્ડ ઇન- વિટ્રો ફર્ટિલાઇઝેશન(IVF) લૅબ’ છે.
ભારતમાં ગીર ગાયોના સંવર્ધન માટે આ પ્રકારની આ કદાચ પહેલી મોબાઇલ IVF વાન છે.
આ મોબાઇલ વાનની મદદથી ગામેગામ ફરીને પણ ટેસ્ટ ટ્યૂબ બેબીની માફક જ ગીર નસલની વાછરડી પેદા કરવામાં આવશે. જેમાં નાની લૅબ પણ છે અને ત્રણ વૅટરનિટી ડૉક્ટરો સાથેની ટીમ પણ.
અમર ડેરીના ચૅરમૅન અશ્વિન સેવાલિયા બીબીસી ગુજરાતી સાથે ખાસ વાતચીતમાં જણાવે છે કે 26મી જાન્યુઆરીના રોજ પહેલી વાર આ પ્રોજેક્ટ અંતર્ગત ગીર ગાયોના અંડાણુ મેળવવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ 3 ફેબ્રુઆરીના રોજ સરોગેટ ગાયમાં ગીર ગાયના અંડાણુ અને ગીર આખલાના વીર્યની મદદથી તૈયાર થયેલા ભ્રૂણને સ્થળાંતરિત કરવાની શરૂઆત કરી હતી.
અશ્વિન સેવાલિયા વધુમાં જણાવે છે કે, “હાલ 100 જેટલી ગાયોમાં અમે આ પ્રકારે તૈયાર થયેલા ભ્રૂણને સ્થળાંતરિત કર્યું છે. હાલ તમામ ગાયોની તપાસ ચાલી રહી છે. આ પૈકી સાત સરોગેટ ગાયને સફળતાપૂર્વક ગર્ભ રહ્યો છે.”

કેવી રીતે પસંદ થાય છે 'સરોગેટ' ગાય?

ઇમેજ સ્રોત, FARUKH KADRI
આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા જાણકારોનું કહેવું છે કે કોઈ પણ સ્વસ્થ ગાય સરોગેટ ગાય બની શકે છે. પહેલા ગાયનું ચેક-અપ થાય છે. ત્યારબાદ જ્યારે જણાય કે આ ગાય ગર્ભધારણ કરવા અનુકૂળ છે પછી તેને હીટમાં લાવવા માટે તૈયાર કરવામાં આવે છે.
આ પ્રોજેક્ટના ઇન્ચાર્જ ડૉ. કૈલાસ કદમ બીબીસી સાથે વાતચીત કરતા કહે છે કે, “ સરોગેટ ગાયને હીટમાં લાવવા તેને ખાસ ઇંજેક્શન આપવામાં આવે છે. દરમિયાન સારી નસલની ગીર ગાયના અંડાણું મેળવીને તેને ગીરના આખલાના વીર્ય સાથે ફલિનીકરણ કરવામાં આવે છે. ફલિનીકરણ બાદ તૈયાર થયેલા ભ્રૂણને ઇંક્યૂબેટરમાં સાતથી આઠ દિવસ સુધી રાખવામાં આવે છે. આ ભ્રૂણને બાદમાં સરોગેટ ગાયમાં સ્થળાંતરિત કરવામાં આવે છે.”
અમર ડેરીના મૅનેજિંગ ડિરેક્ટર ડૉ. આર. એસ. પટેલ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે કે જો સરોગેટ ગાયને આ પ્રકારે ગર્ભ રહે તો 9 મહિનામાં વાછરડીને જન્મ આપે છે.
ડૉ. કદમ કહે છે કે વૈજ્ઞાનિકો ભ્રૂણને તૈયાર કરવામાં એ પ્રકારની તકનીકનો ઉપયોગ કરે છે કે જેથી 90 ટકા વાછરડી જ પેદા થાય.
ડૉ. પટેલ વધુમાં જણાવે છે કે હાલ ET/IVF પ્રોજેક્ટ હેઠળ જે સફળતા મળી છે તેમાં અમરેલી, ભાવનગર અને રાજકોટની તથા બ્રાઝિલની ગીર નસલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
જાણકારોનું એમ પણ કહેવું છે કે સામાન્ય ગાય ત્રણથી પાંચ લિટર દૂધ આપે છે પરંતુ સારી નસલની આ ગીર ગાય 15થી 20 લિટર દૂધ આપે છે.
હવે જે સરોગેટ ગાયમાં આ પ્રકારે ટેકનૉલૉજીની મદદથી વાછરડી પેદા કરવામાં આવે છે તે વાછરડીમાં સરોગેટ ગાયનાં કોઈ લક્ષણ નથી હોતાં, કારણ કે ભ્રૂણ ગીર ગાયનાં અંડાણુ અને ગીર આખલાના વીર્યમાંથી બનાવવામાં આવે છે.
એટલે આ પ્રકારે પેદા થયેલી વાછરડી ગીર ગાયની માફક 15થી 20 લિટર દૂધ આપી શકવા સક્ષમ હોય છે. આ સરોગેટ ગાય કોઈ પણ હોઈ શકે છે. અને કોઈ પણ સ્વસ્થ્ય ગાયમાંથી જો ગીર ગાયની નસલની વાછરડી મેળવવી હોય તો તે ગાયને સરોગેટ ગાય બનાવી શકાય છે.

આ ET/IVF પ્રોજેક્ટ અંતર્ગત ગીર વાછરડા પેદા કરવા કેટલો ખર્ચો થાય?

ઇમેજ સ્રોત, ASHVIN SEVALIYA
અમર ડેરીના મૅનેજિંગ ડિરેક્ટર ડૉ. આર. એસ. પટેલ કહે છે કે આમ તો જે ખેડૂતો અમર ડેરીમાં દૂધ ભરાવે છે તેમની પાસે તેઓ આ પ્રકારે વાછરડા પેદા કરવા માગતા પશુપાલકો પાસેથી તેઓ કોઈ રૂપિયા નથી લેતા.
જોકે ડૉ. પટેલ કહે છે કે તમામ ખર્ચાની વાત કરીએ તો તેમને આ પ્રકારે વાછરડી પેદા કરવા માટે અંદાજે 23 હજારનો ખર્ચો આવે છે.
ડૉ. પટેલ કહે છે કે, “આ માટે તેમને કેન્દ્ર સરકાર, NDDB અને તેમની અમર ડેરી પણ પાંચ-પાંચ હજારની સહાય કરે છે. ડૉ. પટેલ કહે છે કે માત્ર ભ્રૂણ પેદા કરવાનો ખર્ચો જ અંદાજે 6 હજાર આવે છે.”
ડૉ. પટેલનું માનવું છે કે જો વાછરડી પેદા થાય તો તે ત્રણ વર્ષમાં મોટી ગાય બનીને 15થી 20 લિટર દૂધ આપે છે અને પશુપાલકને સારી એવી કમાણી કરી આપે છે.
તેઓ એમ પણ કહે છે કે, આમ તો વાછરડો પેદા થવાની સંભાવના ઓછી છે પણ જો વાછરડો પેદા થાય તો તે મોટો થઈને આખલો બને છે અને તેના વીર્યની મદદથી પણ લાખોની કમાણી કરી શકાય છે, કારણ કે ગીરની નસલના આખલાના વીર્યની કિંમત બજારમાં ઘણી છે.
જો પશુપાલક ગીર ગાયને વેચવા માગતા હોય તો એક ગીર ગાયની કિંમત દોઢથી બે લાખ થાય છે. આમ વધારે દૂધનો ફાયદો તો છે જ પરંતુ જો પશુપાલક તેને વેચે તો તેની સારી કિંમત પણ મળી શકે છે. પરંતુ ડૉ. પટેલ કહે છે કે આ પ્રકારની ટેકનૉલૉજી મારફતે વાછરડી પેદા કરવામાં સફળતાની ટકાવારી માત્ર 25 ટકા જ છે.
ડૉ. કદમ કહે છે કે, “જો ગીર ગાયના અંડાણુ મેળવવામાં આવે તો મહિને દહાડે તેમાંથી 15-20 અંડાણુ મળી શકે છે. તેમાંથી ગીરના આખલાના વીર્યમાંથી ભ્રૂણ તૈયાર કરવામાં આવે તો તે સાત-આઠ ભ્રૂણ તૈયાર થાય છે.”
“હવે આ ભ્રૂણને સ્થળાંતરિત કરવામાં આવે તો તેમાંથી વાછરડી બનવાની સંભાવના 25 ટકા છે. એટલે આ ટેકનૉલૉજીની મદદથી માત્ર વર્ષના અંતે એક ગીર ગાયમાંથી વિવિધ સરોગેટ ગાયોની મદદથી 25ની આસપાસ એ જ નસલની વાછરડીઓ પેદા કરી શકાય છે.”

મોબાઇલ IVF વાનની સફળતા બાદ હવે મોટી લૅબ સ્થાપવાનું આયોજન
અમર ડેરીના સંચાલકોનું કહેવું છે કે તેઓ હવે આ પ્રોજેક્ટ અંતર્ગત મોટી લૅબ સ્થાપવાનું આયોજન કરી રહ્યા છે.
અમર ડેરીના ચૅરમૅન અશ્વિન સેવાલિયા કહે છે કે, “આ માટે 48 કરોડનો પ્રોજેક્ટ પ્રસ્તાવિત છે. તેને માટે 80 વીઘા જમીન ખરીદી લીધી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત 500 ગાયને રાખવામાં આવશે.”
ડૉ. પટેલ કહે છે કે, “તેઓ હવે એક શૅડ બનાવવા માગે છે. જેમાં તેઓ ગીર ગાય અને ગીર નસલના આખલાને ખરીદીને તેને રાખવાની વ્યવસ્થા હશે. આ ઉપરાંત આ શૅડમાં 200 જેટલી ગાયમાં ભ્રૂણ સ્થળાંતરિત કરવાની ક્ષમતા પેદા કરવામાં આવશે.”

બ્રાઝિલમાં ગીર ગાયની મદદથી જ આવી હતી શ્વેત ક્રાંતિ

એક સમયે ભાવનગરના મહારાજાએ બ્રાઝિલના એક ખેડૂતને કૃષ્ણા નામનો સાંઢ ભેટમાં આપ્યો હતો. આ ભેટને કારણે બ્રાઝિલમાં ગાયોને વિકસાવવામાં ખૂબ મદદ મળી હતી.
મનાય છે કે બ્રાઝિલની 80 ટકા ગાયોમાં કૃષ્ણાનું જ લોહી વહે છે. બ્રાઝિલમાં છેલ્લાં 20-25 વર્ષોમાં દૂધનું ઉત્પાદન વધ્યું છે અને તે પૈકીનું 80 ટકા દૂધ ગિરોલૅન્ડ ગાયમાંથી પેદા થાય છે. આ ગિરોલૅન્ડ ગાય એ ગીરની પેદાશ છે.
બ્રાઝિલમાં આ ગીરની નસલની મદદથી પેદા થયેલી ગાયોની કિંમત 9 લાખ રૂપિયા છે જે દિવસમાં 50-60 લિટર દૂધ આપે છે. આ ગાયો પૈકી કેટલીક ગાયો તો 20 વર્ષ સુધી દૂધ આપે છે.
નવાઈની વાત એ છે કે જે ગીર ગાયના સાંઢની બ્રાઝિલમાં નિકાસ થઈ હતી તે જ ગાયના સાંઢના નસલના વીર્યને બ્રાઝિલથી આયાત કરવાની વિચારણા થઈ. જોકે તેની સામે વિરોધ પણ થયો.
જાણકારોનું કહેવું હતું કે આપણી પાસે જ્યારે ગીર ગાય છે તો પછી બ્રાઝિલથી તેની નસલના સાંઢોનું વીર્ય આયાત શું કામ કરવું જોઈએ.
અમર ડેરીના મૅનેજિંગ ડિરેક્ટર ડૉ. પટેલ કહે છે કે, “બ્રાઝિલ અને ભારત વચ્ચે આ મામલે કરાર પણ થયો છે. બ્રાઝિલની નસલના મૂળ ભાવનગરની ગીર હોવાને કારણે તેના વીર્યને અહીં લાવવામાં આવ્યું. આ જે પ્રોજેક્ટ છે તેમાં એક સરોગેટ ગાયમાં બ્રાઝિલથી લાવેલા વીર્યની મદદથી બનેલા ભ્રૂણને સ્થળાંતરિત કરવામાં આવ્યું છે અને ગાયને ગર્ભ રાખવામાં સફળતા મળી છે.”
ડૉ. પટેલ કહે છે કે જો આ ગાયમાંથી વાછરડી પેદા થશે તો તે બ્રાઝિલની ગાયની નસલની માફક 30-40 લિટર દૂધ આપી શકવા સક્ષમ હશે. જો ભારતમાં આ નસલની ગાયો વધશે તો દૂધ ઉત્પાદન પણ વધશે.














