ગુજરાત : ઘઉંની એ નવી જાત કઈ છે, જે મબલક ઉત્પાદન આપે છે

ગુજરાતના ખેડૂતો ઘઉંનો મબલક પાક લઈ શકે એવી શોધ વીજાપુરસ્થિત ઘઉં સંશોધન કેન્દ્ર દ્વારા કરવામાં આવી છે. વર્ષોના સંશોધન બાદ કેન્દ્ર દ્વારા ઘંઉની નવી જાત GW 513 વેરાયટી વિકસાવવામાં આવી છે, જે પ્રતિ હેક્ટરે 77.4 ક્વિન્ટલ ઉત્પાદન આપે તેવો દાવો કરવામાં આવ્યો છે.
આઇસીએઆર (ICAR)ની નેશનલ બ્યુરો ઑફ પ્લાન્ટ જેનેટિક રિસોર્સિસ (એનબીપીજીઆર) દ્વારા વીજાપુર કેન્દ્રના શોધને માન્યતા પણ આપવામાં આવી છે.
હવે કેન્દ્ર દ્વારા ટૂંક સમયમાં GW513ના બિયારણ બજારમાં રજૂ કરશે, જેથી ગુજરાતના ખેડૂતોને લાભ થઈ શકે.
આ શોધ એટલા માટે પણ મહત્ત્વની કે હાલમાં ગુજરાતમાં ઘંઉનું વાવેતર થાય છે તેમાં સરેરાશ ઉત્પાદન 34થી 40 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર થાય છે.
સંશોધકો મુજબ જો વાતારવણ અનુકૂળ હોય અને સિંચાઈની સુવિધા સારી હોય તો ખેડૂતો GW 513થી પ્રતિ હેક્ટરે 77.4 ક્વિન્ટલથી પણ વધુ ઉત્પાદન મેળવી શકે છે.

સંશોધનનાં તારણો શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
વીજાપુર સંશોધન કેન્દ્રની 20 વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા વર્ષોના સંશોધન બાદ નવી જાત વિકસાવામાં આવી છે.
વૈજ્ઞાનિકોએ ઘઉંની જાત (PBW 559/ WR 1873)ની મૂળ સંરચનામાં અમુક ફેરફારો કરીને GW 513 તૈયાર કરી છે, જે વધુ ઉત્પાદન આપવાની સાથેસાથે સારી રોગપ્રતિકારક ક્ષમતા પણ ધરાવે છે.
સંશોધનમાં સામેલ વૈજ્ઞાનિક અશ્વિન પટેલ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "7થી 8 વર્ષના સંશોધન બાદ નવી જાત તૈયાર કરવામાં આવી છે. આ વેરાયટીની મહત્તમ ઉત્પાદનક્ષમતા 77.7 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર છે અને ગુજરાતમાં સરેરાશ ઉત્પાદનક્ષમતા 55થી 56 ક્વિન્ટલ છે. સંશોધનમાં સારાં પરિણામ મળ્યાં છે અને એટલે ચોક્કસ કહી શકાય કે નવી જાતથી ખેડૂતોને લાભ થશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ વધુમાં જણાવે છે કે, "GW 513 રાષ્ટ્રીય સ્તરે ઉપયોગમાં લઈ શકાય તેવી જાત છે અને કેટલાંક રાજ્યો જેમ કે મધ્યપ્રદેશમાં બહુ સારાં પરિણામ આપી શકે છે."
"ગુજરાતની જમીન, તેની ફળદ્રપતા અને પાણી ઘઉં પકવતા રાજ્યોથી થોડી અલગ છે અને એટલા માટે બની શકે કે ખેડૂતને થોડી વધારે મહેનત કરવી પડે. હાલ ગુજરાતમાં GW 451 અને GW 496નું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે."
વીજાપુર કેન્દ્ર અનુસાર GW 513 પર ગુજરાત સહિત ચાર રાજ્યોમાં 14 સ્થળે સંશોધન કરવામાં આવ્યું હતું, જ્યાં તેની ઉપર વિવિધ પરીક્ષણો કરવામાં આવ્યાં હતાં. સૌથી વધુ 60.3 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર ઉત્પાદન ગુજરાતમાં નોંધાયો છે.
અશ્વિન પટેલ કહે છે કે GW 513માં હજી પણ સંશોધન ચાલી રહ્યું છે. ગુજરાતમાં મોટા ભાગની ખેતીની જમીન ગોરાડુ પ્રકારની છે અને આવી જમીન પણ આ જાત માટે માફક છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ

નવી જાતની ખાસિયતો શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
GW 513 જાત ગુજરાતનાં હવામાન, જમીન અને પાણી માટે અનુકૂળ છે. તે વધુ રોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે અને સંશોધન પ્રમાણે નવી વેરાયટીમાં વધુ માત્રામાં પ્રોટીન, સ્ટાર્ચ અને ગ્લુટન છે.
સામાન્યતઃ ઘઉંની જાતોની જેમ નવી જાતનો પાક 100-110 દિવસમાં તૈયાર થઈ જાય છે. પરંતુ જો ગરમીનું પ્રમાણ વધી જાય તો 95-100 દિવસમાં પણ તૈયાર થઈ શકે છે.
ઘઉંની છોડની લંબાઈ 96 સેન્ટિમીટર હોય છે અને બીજ વાવ્યા બાદ 51થી 95 દિવસની અંદર ફ્લાવરિંગ આવે છે. સમગ્ર પાક 99થી 143 દિવસની અંદર ત્યાર થઈ જાય છે. સંશોધકો મુજબ સરેરાશ 119 દિવસમાં પાક સંપૂર્ણ રીતે તૈયાર થઈ જાય છે.
GW 322 એ નેશનલ વેરાયટી છે, જેની મધ્યપ્રદેશ સહિત બીજાં રાજ્યોમાં ખેતી થાય છે. GW 513 તેના કરતાં 10 ટકા વધુ ઉત્પાદન આપે છે. ઘઉંના છોડ અને પાંદડાંમાં થતી ગેરુ રોગ, ફૂગ, ઇયળ, ઊધઈ અને જીવાત સામે રક્ષણ આપે છે.
સંશોધન પ્રમાણે GW 513માં પ્રોટીનની માત્રા 10.7 ટકા છે અને દાણાનો આકાર પણ ઉચ્ચ પ્રકારના ઘઉં જેવો છે. GW 322ની સરખામણીમાં નવી જાત દેનિક ભોજનની જરૂરિયાતો (રોટલી અને બ્રેડ) માટે વધુ સારો વિકલ્પ છે.
ખેડૂતોએ જો નવી જાતની વાવણી કરવી હોય તો શું કાળજી લેવી જોઈએ?
તેના જવાબમાં અશ્વિન પટેલ કહે છે, "સામાન્યઃ જે રીતે ઘઉંનું વાવતેર કરવામાં આવે છે, તે રીતે જ ખેતી કરવાની હોય છે. ખેડૂતોએ માત્ર એ કાળજી રાખવી જોઈએ કે પાક તૈયાર થઈ જાય તો તરત કાપી લેવી, કારણ કે જો વિલંબ કરવાથી ઊભામાંથી દાણા ખરી પડે છે અને સરવાળે ખેડૂતોને નુકસાન થાય છે."
"બીજું કે ગરમીનું પ્રમાણ પણ મહત્ત્વનું છે. જો તાપમાન વધી તો ઘઉં જલદી પાકી જાય છે અને એટલા માટે ખેડૂતોએ તાપમાન વધધટ બાબતે ખ્યાલ રાખવો જોઈએ. જે દાણા પાકે છે કે GW 496 જેવા જ હોય છે એટલે ખેડૂતોને કિંમત પણ સારી મળશે.'

ગુજરાતમાં ઘઉંનું ઉત્પાદન

ગુજરાતમાં 12થી 14 લાખ હેક્ટર જમીનમાં ઘઉંની ખેતી કરવામાં આવે છે, જેમાં વધારે પણ થઈ રહ્યો છે. છેલ્લાં 50 વર્ષમાં રાજ્યમાં ઘઉંની ખેતીમાં નોંધપાત્ર વધારો થયો છે.
એક અહેવાલ પ્રમાણે 1950ના દાયકામાં ગુજરાતમાં સરેરશ ઘઉં ઉત્પાદન 647 કિલોગ્રામ પ્રતિ હેક્ટર હતું, જે 2020-21માં 495 ટકા વધીને 3205 કિલોગ્રામ પ્રતિ હેક્ટર થઈ ગયું છે. આ મોટા ભાગે ઉચ્ચ ઊપજ આપતી જાતો, સુધારેલ તકનીક, નહેર સિંચાઈ જેવી સુવિધાઓ અને અનુકૂળ હવામાન પરિસ્થિતિઓને આભારી છે.
ગુજરાતમાં ઘઉંની ખેતી મુખ્યત્વે ભાલ વિસ્તારમાં થાય છે જેમાં અમદાવાદ, ભાવનગર, ખેડા અને સુરેન્દ્રનગર જિલ્લાનો સમાવેશ થાય છે.
ભરૂચ જિલ્લાના વાગરા, જંબુસર અને આમોદ તાલુકામાં અને પોરબંદર જિલ્લામાં પણ ઘઉંની ખેતી થાય છે. ગુજરાતમાં સામાન્ય રીતે ઑક્ટોબરના બીજા પખવાડિયામાં ઘઉંની વાવણી કરવામાં આવે છે.
ગુજરાત ઉપરાંત ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, બિહાર અને મહારાષ્ટ્રમાં ઘઉં એક મુખ્ય પાક પૈકીનો એક છે. ક્ષેત્રફળની દૃષ્ટિએ સૌથી વધુ ઘઉંની ખેતી ઉત્તર પ્રદેશમાં થાય છે. પ્રતિ હેક્ટર ઉત્પાદનમાં પંજાબ પ્રથમ ક્રમાંકે છે જે બાદ હરિયાણાનો નંબર આવે છે.
સમગ્ર વિશ્વમાં મુખ્ય ઘઉં ઉત્પાદક દેશોમાં ભારત પણ સામેલ છે. વિશ્વમાં ઘઉંની ખેતી લગભગ 239 મિલિયન હેક્ટર વિસ્તારમાં થાય છે અને કુલ 425.5 મિલિયન ટન અનાજનું ઉત્પાદન થાય છે. ક્ષેત્રફળ અને ઉત્પાદન બંનેના સંદર્ભમાં ભારત ચોથા ક્રમે છે. ભારતમાં વાર્ષિક 44.25 મિલિયન ટન ઘઉંનું ઉત્પાદન થાય છે.

શું છે ઘઉંનો ઇતિહાસ?

ઇમેજ સ્રોત, Getty Images
ઘઉં મૂળ દક્ષિણ પશ્ચિમ એશિયાથી વિશ્વમાં ફેલાયો છે. એવું માનવામાં આવે છે કે આર્યો ઘઉંના દાણા ભારતમાં લાવ્યા હતા, ત્યારથી ભારતમાં તેની ખેતી કરવામાં આવે છે.
તે ચપાતી અને બેકરી ઉત્પાદનો બનાવવા માટે સારી છે. આજે તેની ખેતી સમગ્ર ભારતમાં થાય છે. ઘઉં અને તેનો લોટ વિવિધ રીતે ઉપયોગમાં લેવાય છે.
ઘઉંમાંથી સોજી, રવા, લાડુ, સમા, મેક્રોની (સેવ) અને ભાખરી બને છે. ઉત્તર ભારત, પશ્ચિમ ભારત અને દક્ષિણના રાજ્યોમાં ઘઉં એક અથવા બીજી રીતે લોકોના દૈનિક ભોજનનો ભાગ છે. ભારતમાંથી મોટા પાયે ઘઉં વિદેશોમાં નિકાસ થાય છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













