ગુજરાતના ખેડૂતો આફ્રિકામાં કેમ ખેતરો ભાડે લઈ રહ્યા છે?

ઇમેજ સ્રોત, Ghanshyam Herbha
- લેેખક, અર્જુન પરમાર
- પદ, બીબીસી ગુજરાતી
વિદેશમાં વેપાર, વ્યવસાય ક્ષેત્રે અગ્રેસર ગુજરાતીઓએ હવે આફ્રિકામાં ખેતી ક્ષેત્રે રહેલી તકો પર નજર માંડી છે.
ગુજરાત ઍગ્રો ઇન્ડસ્ટ્રીઝ કૉર્પોરેશન અને સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આફ્રિકન દેશોમાં કૉર્પોરેટ ફાર્મિંગનો વિકાસ કરવા માટે આફ્રિકાના લગભગ 20 દેશોના પ્રતિનિધિઓ સાથે વાટાઘાટ ચાલી રહી છે.
આફ્રિકાના પાંચ દેશોના પ્રતિનિધિઓ દિલ્હી ખાતે આફ્રિકન હાઇ કમિશનની મુલાકાતે આવ્યા હતા, ત્યારે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રતિનિધિઓએ તેમની મુલાકાત લીધી હતી.
આ મુલાકાતમાં ગુજરાતના ખેડૂતો દ્વારા આફ્રિકાના દેશોમાં લીઝ પર જમીન લઈને કૉર્પોરેટ ખેતી શરૂ કરવાના આયોજન વિશે તેમજ આફ્રિકન દેશોના નાગરિકો અને ગુજરાતના ખેડૂતોને કૉર્પોરેટ ફાર્મિંગ ક્ષેત્રે રહેલી તકોનો લાભ મેળવવા માટે કેવી રીતે પ્રોત્સાહિત કરવા એ અંગે ચર્ચા થઈ હતી.

કૉર્પોરેટ ફાર્મિંગ માટે આફ્રિકાના દેશોની જ પસંદગી કેમ?

ઇમેજ સ્રોત, Saurashtra Vepar Udyog Mahamandal
આ પ્રશ્નનો ઉત્તર આપતાં સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ પરાગ તેજુરા જણાવે છે, "આફ્રિકામાં આખા વિશ્વમાં આવેલી કુલ ખેતીલાયક જમીનના 60% જેટલો ભાગ આવેલો છે."
"તેની સરખામણીએ વિશ્વની કુલ વસતિની માત્ર 10% વસતિ જ આફ્રિકામાં આવેલી છે. તેમજ આફ્રિકન દેશોના લોકો પાસે ખેતી માટે કોઈ સારી ટૅક્નૉલૉજી નથી."
"આ કારણે ત્યાંની કરોડો-અબજો એકર જમીન વણખેડાયેલી પડેલી છે."
"આફ્રિકન દેશોમાં છેલ્લાં ઘણાં વર્ષોથી અનેક ગુજરાતીઓ ખેતી કરી રહ્યા છે. હાલ આપણે આફ્રિકા પાસેથી મોટા પ્રમાણમાં કઠોળ અને અન્ય ખાદ્યપદાર્થોની આયાત કરીએ છીએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"આપણા દેશમાં જમીનના ભાવ અને અન્ય પરિસ્થિતિને જોતાં એવું કહી શકાય કે અહીં દિવસે દિવસે ખેતી મોંઘી બનતી જાય છે."
"તેની સામે આફ્રિકાના દેશોમાં સરકાર બિલકુલ ઓછા ભાવે લીઝ પર અને પાર્ટનરશિપમાં જમીનો મળી શકે છે."
"તેથી જો અહીંના લોકો મોટી સંખ્યામાં આફ્રિકન દેશોમાં જઈને ખેતી કરે તો તે તેમના માટે તે ફાયદાકારક સાબિત થઈ શકે છે."
આફ્રિકન દેશોમાં ખેતીલાયક જમીન લીઝ પર લેવાનો ખર્ચ અને લીઝ અંગેની પ્રક્રિયા વિશે વાત કરતાં તેઓ જણાવે છે, "આફ્રિકન દેશોની સરકારો વનટાઇમ લીઝ ઉપર જમીન આપે છે."
"લીઝની રકમ દેશ અને વિસ્તાર પ્રમાણે અલગઅલગ હોય છે. સામાન્ય સંજોગોમાં એક એકર જમીન લીઝ પર મેળવવા માટે 5થી 10 હજાર રૂપિયા ચૂકવવા પડતા હોય છે."

આફ્રિકાના કયા દેશોમાં ખેતરો લીઝ પર લેવાય છે?

ઇમેજ સ્રોત, Saurashtra Vepar Udyog Mahamandal
પરાગ તેજુરા જણાવે છે કે આફ્રિકાના દેશો પૈકી કૉંગો, ઘાના, ઝામ્બિયા, બુર્કિના ફાસો, સેનેગલ, સુદાન, અંગોલા, બોત્સવાના, ઝિમ્બાબ્વે, રવાન્ડા, યુગાન્ડા, તાન્ઝાનિયા, મોઝામ્બિક, બુરુંડી, ઇથિયોપિયા વગેરે દેશોમાં સસ્તી ખેતી માટે વિપુલ પ્રમાણમાં તકો રહેલી છે.
આ તમામ દેશોમાં પહેલાંથી જ મોટી સંખ્યામાં ગુજરાતીઓ વસેલા છે અને ખેતીક્ષેત્રની તકોનો લાભ લઈ રહ્યા છે.
પરાગ કહે છે કે હાલ કૉર્પોરેટ ફાર્મિંગ માટે થઈ રહેલી વાતચીતમાં 20 દેશો સાથે ચર્ચા કરાશે, જે પૈકી સેનેગલ, સાઉથ સુદાન, મોરેશિયસ, લીથોસો અને ગીનીના અધિકારીઓ સાથે તેઓ વાતચીત કરી ચૂક્યા છે.
આ દેશોએ પણ આ પ્રૉજેક્ટને લઈને હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. જ્યારે બાકીના 15 દેશો સાથે ટૂંક સમયમાં વાતચીત કરવામાં આવશે.
સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ છેલ્લાં 5 વર્ષથી વેપારમેળાનું આયોજન કરે છે, જેમાં તેમનું ફોકસ આફ્રિકાના દેશોમાં રહેલી વેપારની તકો પર હોય છે.
પરાગના કહેવા પ્રમાણે અત્યાર સુધીમાં 27 દેશોના હાઇ કમિશનરોએ રાજકોટની મુલાકાત લીધી છે.
મુલાકાત દરમિયાન તેમણે પોતાના દેશમાં કૃષિક્ષેત્રનો વિકાસ કરવાના મુદ્દા પર ભાર આપ્યો હતો. આ દેશોની સરકારો ઇચ્છે છે કે બહારથી લોકો આવીને તેમના દેશોમાં ખેતી કરે.
રાજકોટના ખેડૂત ઘનશ્યામ હેરભાએ આફ્રિકન દેશ ઝામ્બિયા ખાતે 25 હજાર એકર ખેતીલાયક જમીન લીઝ પર લીધી છે.
આફ્રિકન દેશમાં ખેતી કરવા માટે તેઓ કઈ રીતે પ્રોત્સાહિત થયા એ અંગે જણાવતાં તેઓ કહે છે, "ઘણા સમય પહેલાં મારા નજીકના એક મિત્ર યુગાન્ડા ગયા હતા."
"તેમણે મને આફ્રિકન દેશોમાં ખૂબ જ સસ્તા દરે સારી જમીનો મળી રહે છે એવી માહિતી આપી."
"તેમજ ત્યાં પાણી પણ પુષ્કળ પ્રમાણમાં હોવાનું જણાવ્યું હતું. આ સાંભળીને મને આફ્રિકા જવાનો વિચાર આવ્યો."
"તેથી અમે વર્ષ 2011માં ખેતી માટે જમીન મેળવવાના ઇરાદે કેન્યા, યુગાન્ડા અને ઝામ્બિયા જેવા દેશોમાં ગયા."
આફ્રિકામાં ખેતીના ફાયદા અંગે વાત કરતાં પરાગ કહે છે, "જો આપણા દેશના રાજ્યોની સરકારો, સંગઠનો કે વ્યક્તિઓ મોટા પ્રમાણમાં આ દેશોમાં ખેતીની જમીન લીઝ પર લઈને ખેતી કરશે તો હાલ આફ્રિકન દેશો પાસેથી પૈસા ચૂકવીને આયાત કરાતી વસ્તુઓ માટે ઓછા પૈસા ચૂકવવા પડશે."
"આમ વિદેશી હૂંડિયામણની જાવક ઘટશે. તેમજ ખેતી માટેની આપણા દેશની તકનીક અને સાધનોનો ઉપયોગ ત્યાં થવાના કારણે અહીંના સ્થાનિક ઉત્પાદન ઉદ્યોગોને પણ લાભ મળશે."
"તેમજ ખેતપેદાશોની નિકાસ દ્વારા વિદેશી હૂંડિયામણ મેળવીને આર્થિક પ્રગતિ સાધવાની પણ તક રહેલી છે."

આફ્રિકન દેશોમાં ખેતી માટે કેટલું રોકાણ કરવું પડે?

ઇમેજ સ્રોત, Ghanshyam Herbha
વર્ષોથી ભારતની અનેક કંપનીઓ આફ્રિકન દેશોમાં હજારો એકર જમીનો લીઝ પર લઈ રહી છે. અનેક દેશોમાં તે ચોખા, શેરડી જેવા પાકોની ખેતી કરી રહી છે.
કૉર્પોરેટ ફાર્મિગનો આ કન્સેપ્ટ હવે ગુજરાતના ખેડૂતો પણ અપનાવી રહ્યા છે. જોકે, નાના ખેડૂતો માટે વિદેશમાં આ રીતે રોકાણ કરવું સરળ નથી.
પરાગ તેજુરા કહે છે કે આ દેશોમાં 5-50 એકર જમીન લઈને ખેતી શરૂ કરવી ન પોષાય. જે તે વ્યક્તિએ ત્યાં 500-1000 એકરનું ફાર્મ જ બનાવવું પડે.
તેઓ કહે છે કે ઓછામાં ઓછા 1 કરોડ રૂપિયાનું રોકાણ કરવું પડે, પરંતુ તમારું આ રોકાણ પ્રથમ વર્ષે જ ચાર ગણા વળતર સાથે તમને પાછું મળી જાય છે.
પરાગના કહેવા પ્રમાણે આફ્રિકાના દેશોમાં માત્ર 5થી 10 હજારના ભાડાપટ્ટે 20થી 25 વર્ષ માટે 1 એકર ખેતીલાયક જમીન મળી જાય છે. જો બિલકુલ ઓછા ઉત્પાદનનું અનુમાન કરવામાં આવે તો પણ વર્ષ દરમિયાન 1 એકરમાં 50 હજાર રૂપિયા સુધીના પાકની ઊપજ લઈ શકાય છે.
આફ્રિકન દેશોમાં ખેતી માટે મજૂરો અને સિંચાઈની સુવિધા અંગે જણાવે છે, "આફ્રિકન દેશોમાં બોર મારફતે કે નજીકથી પસાર થતી નદીનું પાણી મેળવીને સસ્તાદરે ખેતી માટેનું પાણી મેળવી શકાય છે. તેમજ ત્યાં ખૂબ જ સસ્તાદરે મજૂરો પણ મળી જતા હોય છે."

કેવા પ્રકારના પાકોને પ્રાધાન્ય
ભારતમાં થતા લગભગ મોટા ભાગના પાક આફ્રિકાના દેશોમાં પણ લઈ શકાય છે. મુખ્યત્વે આફ્રિકાના દેશોની જમીનો પર ડુંગળી, ટામેટાં, કાજુ અને તેજાના વગેરેનો પાક લઈ શકાય છે.
ખેડૂત ઘનશ્યામ હેરભા કહે છે કે તેમણે જે જમીન ભાડે લીધી છે તેમાં ચોમાસુ પાક જેમ કે, સોયાબીન અને મકાઈની ખેતી કરી રહ્યા છીએ.
તેઓ કહે છે, "શિયાળુ પાકમાં ઘઉંની ખેતી કરી રહ્યા છીએ. આ પાકો અમે સ્થાનિક માર્કેટમાં જ વેચી દઈએ છીએ."
"આફ્રિકાના દેશોમાં જમીન ખૂબ જ સસ્તા દરે મળી રહે છે તેથી ઊપજના ભાવો સામાન્ય સ્તર પર રહે તો પણ ઘણો લાભ થઈ જાય છે."
"તેમજ ખેતી માટે સિંચાઈની વ્યવસ્થા પણ જમીન પાસેથી નીકળતી નદીમાંથી મળતા પાણી દ્વારા થઈ જાય છે. ચોમાસાની ઋતુમાં નદીમાં પાણીની આવક થાય ત્યારે નદી ફરતે બંધ બાંધીને પાણીનો સંગ્રહ કરી લેવાય છે."

ઇમેજ સ્રોત, Ghanshyam Herbha
કચ્છ જિલ્લાના રહેવાસી અને ભુજ ચેમ્બર ઑફ કૉમર્સના ઉપપ્રમુખ રાજેન્દ્ર ટાંકે પણ ઝામ્બિયામાં જમીન લીઝ પર લેવા માટેના એમઓયુ કર્યા છે.
તેમના કહેવા પ્રમાણે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા ફેબ્રુઆરી, 2019માં આયોજિત આંતરરાષ્ટ્રીય વેપારમેળામાં અમે આફ્રિકન દેશ ઝામ્બિયાની ફિદાના ગ્રૂપ લિમિટેડ નામની કંપની સાથે ખેતીની જમીન લીઝ પર લેવા માટે ભાગીદારી કરી છે.
તેઓ કહે છે કે ઘણી વખત આપણા દેશમાં ખેતપેદાશોના ભાવ ખૂબ જ વધી જતા હોય છે, આવી પરિસ્થિતિમાં જો મોટા પ્રમાણમાં બહારના દેશોમાં ખેતી આપણા દેશના લોકો દ્વારા કરવામાં આવતી હોય તો આવા કટોકટીના સમયમાં ભાવ પર નિયંત્રણ રાખી શકાય છે.
તેમના જણાવ્યા પ્રમાણે ભારતમાં આટલા મોટા પાયે સસ્તા દરે ખેતી થઈ શકે એવી વ્યવસ્થા નથી, પરંતુ આફ્રિકાના દેશોમાં મોટા પાયે ખેતી કરવા માટે સસ્તા દરે જમીનો પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ છે. આ સિવાય કચ્છના ઘણા પરિવારો છેલ્લાં 100-150 વર્ષથી આફ્રિકાના જુદા-જુદા દેશોમાં ખેતી ક્ષેત્રે કાર્યરત છે."

કૉર્પોરેટ ફાર્મિંગ પર સવાલો

ઇમેજ સ્રોત, Ghanshyam Herbha
ભારત સહિત વિશ્વના ઘણા દેશોની કંપનીઓ સસ્તી જમીન અને મજૂરીને કારણે કૉર્પોરેટ ફાર્મિંગ માટે આફ્રિકા પર મીટ માંડીને બેઠી છે.
અનેક કંપનીઓએ લાખો એકર જમીનો આફ્રિકામાં લીઝ પર લીધી છે અને ત્યાં મોટા પ્રમાણમાં ઉત્પાદન કરી રહી છે.
જોકે આફ્રિકાના અનેક દેશોમાં આવી કંપનીઓ પર સ્થાનિક લોકોનું શોષણ કરવાના તથા જમીનો હડપી લેવાના પણ આક્ષેપો થયા છે.
ભારતીય અને ચીની કંપનીઓ પર એવા આક્ષેપો થયા છે કે આ કંપનીઓ આફ્રિકામાં સાવ સસ્તાદરે જમીન લીઝ પર લે છે, અહીંના પર્યાવરણને નુકસાન કરે છે અને ફૂડની નિકાસ કરે છે. જ્યારે સ્થાનિક આફ્રિકનો ભૂખે મરે છે.
કૉર્પોરેટ ફાર્મિંગ મામલે એવા પણ આરોપો થયા છે કે જમીન લીઝ પર રાખનારા લોકો અહીંથી જે લઈ જાય છે તેના પ્રમાણમાં સ્થાનિકોને વળતર મળતું નથી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
















