ગુજરાતમાં રાઠવા-કોળીને અનામત ન મળે એ માટેની માગ કેમ ઊઠી?

ઇમેજ સ્રોત, @trti.gujarat.gov.in
- લેેખક, રોક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાત હાઈકોર્ટમાં થયેલી એક જાહેરહિતની અરજી પ્રમાણે ગુજરાત રાજ્યમાં વસેલા રાઠવા અને રાઠવા-કોળી બે અલગઅલગ સમુદાય છે અને રાઠવા-કોળીને મળતા આદિવાસી સમાજ તરીકેના લાભો ગેરબંધારણીય છે.
જોકે, બીજી તરફ રાઠવા સમાજના લોકો એવું માને છે કે રાઠવા અને રાઠવા-કોળી એ બે અલગ સમુદાય નથી, પરંતુ એક સમુદાયનાં બે નામ છે.
ગત મહિને થયેલી આ અરજી મુદ્દે ગુજરાત હાઈકોર્ટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને નોટિસ આપી હતી, જેની સુનાવણી 15 ઑક્ટોબરે થવાની છે.
ગુજરાત હાઈકોર્ટમાં કરાયેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે સરકારે મતલક્ષી લાભ મેળવવા તેમને આદિવાસી ગણાવ્યા છે અને સરકારને આવું કરવાનો અધિકાર નથી.
અરજીમાં રાઠવા-કોળીને આદિવાસી જાતિ તરીકેના લાભો ન મળવા જોઇએ એવી માગણી કરવામાં આવી છે. 2001ની વસતીગણતરી મુજબ ગુજરાતમાં રાઠવા સમુદાયની વસતી 5.35 લાખની હતી.
હાલમાં આ સમુદાયના લોકો મોટા ભાગે છોટાઉદેપુર જિલ્લામાં રહે છે. ઉપરાંત પંચમહાલના ઘોઘંબા અને દાહોદના દેવગઢ બારિયા તાલુકામાં પણ તેમની વસતી છે.
રાઠવા સમુદાયના લોકો રાઠવા-કોળી, ઉપરાંત રાઠવા-ભીલ, રાઠવા-હિંદુ તરીકે પણ ઓળખાય છે.

ગુજરાત સરકાર રાષ્ટ્રપતિના હુકમમાં ફેરફાર ન કરી શકે

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત સરકારે સમયાંતરે જાહેર કરેલાં વિવિધ જાહેરનામાં પ્રમાણે રાઠવા-કોળીને અને રાઠવા એક જ આદિવાસી સમુદાય ગણાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે અરજી કરનારનું કહેવું છે કે સરકારી જાહેરનામું ખરેખર તો 1950માં જાહેર કરાયેલા પ્રૅસિડેન્સિયલ ઑર્ડરમાં ફેરફાર છે અને તે ગેરબંધારણીય છે.
હાઈકોર્ટમાં આ અરજી નરસિંહ મહીડા, કનુભાઈ ડામોર, ગૌતમ વાળવી અને દિનેશ કટારા દ્વારા એમના વકીલ રાહુલ શર્મા થકી દાખલ કરાઈ છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં અરજદારોના વકીલ રાહુલ શર્મા કહે છે કે "રાજ્ય સરકાર પાસે રાષ્ટ્રપતિના હુકમમાં ફેરફારની સત્તા નથી. તેથી તે રાઠવા-કોળીને રાઠવા તરીકે ગણીને આદિવાસી સમાજનો દરજ્જો ન આપી શકે."
વધુમાં તેમણે કહ્યું કે, "રાષ્ટ્રપતિના હુકમમાં રાઠવા જાતિનો જ આદિવાસી જાતિ તરીકે ઉમેરો કરાયો છે, જ્યારે રાજ્ય સરકારે પોતાની સત્તા વાપરીને રાઠવા-કોળીને રાઠવા તરીકે ગણ્યા છે અને તેમને પણ આદિવાસીનો દરજ્જો આપી દીધો છે."

જાહેરનામું અને ગુજરાત સરકાર

ઇમેજ સ્રોત, @trti.gujarat.gov.in
1950માં ભારતના રાષ્ટ્રપતિએ કૉન્સ્ટિટ્યૂશન (શિડ્યુલ ટ્રાઇબ્સ) ઑર્ડર 1950 જાહેર કર્યો, રાઠવા સમુદાય આદિવાસી જનજાતિ તરીકે આ યાદીના ત્રીજા ભાગમાં 20મા ક્રમાંકે છે.
1960માં ગુજરાત રાજ્યની સ્થાપના થયા બાદ 1946માં રાષ્ટ્રપતિના તે ઑર્ડરને ફરીથી 1976ના ઑર્ડર તરીકે પસાર કરવામાં આવ્યો.
આ યાદીના ચોથા ભાગમાં 25મા ક્રમાંકે રાઠવા સમુદાયનું નામ છે.
જોકે ત્યારબાદ 1982માં ગુજરાત સરકારે એક જાહેરનામું બહાર પાડીને કહ્યું કે રાઠવા-કોળી અને રાઠવા એક જ સમુદાય છે. માટે રાઠવા કોળીને પણ તે તમામ લાભો મળવાપાત્ર છે જે રાઠવાને મળે છે.
આ જાહેરનામાને ક્યારેય પડકાર ફેંકાયો નથી. રાઠવા-કોળીનો વિવાદ આશરે 15 વર્ષ અગાઉ શરૂ થયો હતો, પરંતુ તે પહેલી વાર ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે.

કેમ છે વિવાદ?

ઇમેજ સ્રોત, @FACEBOOK/Arjun Rathva
આ વિવાદ પાછળનું કારણ જણાવતા છોટાઉદેપુરમાં રાઠવા સમુદાયના આગેવાન પ્રોફેસર અર્જુન રાઠવાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે આ આખો વિવાદ સરકારી ભૂલો અને બિનઆદિવાસી સમાજના અમુક લોકોને કારણે ઊભો થયો છે.
તેઓ કહે છે કે ગુજરાત રાજ્યની સ્થાપના થયા બાદ જ્યારે આ સમાજના લોકોની સરકારી ચોપડે નોંધણી થઈ રહી હતી, ત્યારે જ સરકારી ચોપડે તેમને રાઠવા-કોળી તરીકે ગણવામાં આવ્યા હતા.
"રાઠવા સમુદાયના લોકો મુખ્યધારાના સંપર્કમાં ન હોવાથી અને ખાસ ભણેલા ન હોવાથી તેમને એ ખબર જ ન રહી કે સરકારી ચોપડે તેમની નોંધણી રાઠવા તરીકે થઈ કે રાઠવા-કોળી તરીકે."
આદિવાસી કર્મશીલ ગોવાભાઈ રાઠોડનું કહેવું છે કે શરૂઆતમાં અહમ્ સંતોષવા આદિવાસીઓ પોતાની સબકાસ્ટ નહોતા રજૂ કરતા અને તેને લીધે આવા ગૂંચવાડા થયા છે.
પંચમહાલ જિલ્લામાં આનંદી સંસ્થા સાથે સંકળાયેલા નીતા હર્ડિકર વર્ષોથી આદિવાસી સમુદાય સાથે કામ કર્યું છે.
રાઠવા અને કોળી વિવાદને તેઓ જૂનો ગણાવતાં કહે છે, "શરૂઆતમાં કોળી પોતાને આદિવાસી નહોતા ગણતા અને સામાજિક દરજ્જાની રીતે ઊંચા ગણતા હતા."
નીતાનું કહેવું છે, "આ ઓળખનો પ્રશ્ન છે. જાતિ પ્રમાણપત્રમાં ત્રીજી પેઢી સુધી આ સવાલો છે અને આ સવાલ આદિવાસીઓના અનેક ફાંટામાં દેખાય છે."
અગાઉની પેઢીએ બિનઆદિવાસી તરીકે રહેવાનું પસંદ કર્યું હોય અને યુવાપેઢી જાગૃત થતાં યોજનાઓ તથા અનામત સહિતના લાભો મેળવવા આદિવાસી ઓળખ પર પાછી ફરે તેવું પણ બને છે એમ તેઓ જણાવે છે.

ઇમેજ સ્રોત, KALPIT BHACHECH
અર્જુન રાઠવાનું કહેવું છે, "છોટાઉદેપુર જિલ્લાના મોટા ભાગના આદિવાસીઓ જે રાઠવા સમુદાયથી છે તેમના જમીનના કાગળો રાઠવા-કોળી નામના છે. ઘણી વખત તેઓ એક જ છે, પરંતુ સરકારી ચોપડે અલગઅલગ છે."
આવી જ રીતે આ જ વિસ્તારમાં રહેતા બીજા આગેવાન અને આદિવાસી બાળકો સાથે શિક્ષણનું કામ કરતાં વસંત રાઠવા બીબીસી ગુજરાતીને કહે છે,
"રાઠવા અને રાઠવા-કોળી એ એક જ સમુદાયનાં બે નામ છે. સરકારી ચોપડે બે અલગઅલગ નામથી ઓળખાતા આ લોકો ટેસ્ટમેચ કોઈ ભેદભાવ રાખતા નથી. તેમજ લગ્નનો પણ વહેવાર હોય છે."
પંચમહાલના ઘોઘંબા તાલુકાના ચાઠા ગામનાં વતની અને મહિલા આગેવાન કાશીબહેન રાઠવા સાથે પણ બીબીસી ગુજરાતીએ વાત કરી.
કાશીબહેન કહે છે કે રાઠવા અને રાઠવા-કોળી બેઉ એક જ છે. તેઓ પહેલાં ભીલ હતા અને ભીલમાંથી રાઠવા થયા.
જોકે તેઓ કહે છે કે રાઠવા અને રાઠવા-કોળી વચ્ચે લગ્નનું પ્રમાણ ઓછું છે.

તો 75 ટકા રાઠવા બિનઆદિવાસી થઈ જાય

ઇમેજ સ્રોત, Getty Images
આ સમગ્ર મામલામાં કૉગ્રેસના ભૂતપૂર્વ સાંસદ અને રાઠવા સમુદાયથી આવતા નારણ રાઠવા આ પિટિશનની વિરુદ્ધમાં પિટિશન કરશે તેમ બીબીસી ગુજરાતીને જણાવે છે.
તેમણે કહ્યું કે આવી પિટિશન આદિવાસી સમાજને તોડવા માટેની છે અને અમે તેની સામે ગુજરાત હાઈકોર્ટમાં રક્ષણ માગીશું.
નારણ રાઠવાએ બીબીસી ગુજરાતીને કહ્યું, "જો રાઠવા-કોળીને કાઢી નાખો તો છોટાઉદેપુર જિલ્લાનો 75 ટકા આદિવાસી સમુદાય બિનઆદિવાસી થઈ જાય અને આ જિલ્લો પણ આદિવાસી જિલ્લો ન રહે."
કાગળ પરની એક ભૂલ સમાજના બે ભાગ ન કરી શકે તેમ તેઓ જણાવે છે.
છોટાઉદેપુરમાં આ પિટિશન અંગે ભાજપ અને કૉંગસના આદિવાસી આગેવાનોની બેઠક મળી હતી.
આ બેઠકમાં મોટા પાયે વિરોધ કરવાનું નક્કી થયું છે.
આ વિવાદ મામલે બીબીસી ગુજરાતીએ આદિજાતિ વિકાસવિભાગના મંત્રી ગણપત વસાવા સાથે વાત કરી.
ગણપત વસાવાએ કહ્યું, "સરકાર આ વિવાદનો અભ્યાસ કરી રહી છે અને ટૂંક સમયમાં પોતાની વાત ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રજૂ કરશે."
જોકે આ અંગે વધારે વાતચીત કરવાનો કે ટિપ્પણી કરવાનો એમણે ઇન્કાર કર્યો.

સંખ્યાબળ અને લાભ લેવાનો સવાલ

ઇમેજ સ્રોત, Getty Images
આ વિવાદ બાબતે સમસ્ત આદિવાસી સમાજસંગઠનના પ્રદીપ ગરાસિયાએ કહ્યું, "જો રાષ્ટ્રપતિના જાહેરનામામાં રાઠવા-કોળીનો સમાવેશ નથી તો તેનો સીધો અર્થ છે કે રાઠવા-કોળી આદિવાસી નથી. પણ સરકાર જો એમને આદિવાસી ગણતી હોય તો સરકારે રાષ્ટ્રપતિના જાહેરનામામાં ફેરફાર કરવા માટે રજૂઆતો કરવી જોઈએ."
આદિવાસી સમાજના અન્ય આગેવાન અને સંગઠનના સચિવ અરુણ ચૌધરી બીબીસી ગુજરાતીને કહે છે, "જો બહારના સમાજ આદિવાસી સમાજમાં ઉમેરાય તો જે અધિકારો આદિવાસી સમાજને મળતા હોય તેનું હનન ન થવું જોઈએ."
ડેડિયાપાડા વિધાનસભાથી ચૂંટાયેલા ધારાસભ્ય અને આદિવાસી નેતા છોટુભાઈ વસાવાએ બીબીસી ગુજરાતીને કહ્યું, "રાઠવા-કોળી અને રાઠવા એક જ છે કે અલગ તે વ્યવસ્થિત પુરાવાને આધારે નક્કી કરવું જોઈએ."
આદિવાસી કર્મશીલ ગોવાભાઈ રાઠોડ આ વિવાદને નિરર્થક ગણાવી રાઠવા અને રાઠવા-કોળી બન્નેને આદિવાસી ગણાવે છે.
જોકે તેઓ માને છે કે કેટલીય કોમ આદિવાસી બનીને આદિવાસીઓને મળતા અધિકારોનો લાભ લે છે અને આ સવાલ આવનારા સમયમાં મોટો થશે.
ગોવાભાઈ ઉમેરે છે, "જન્મ, મરણ અને લગ્નની પરંપરાને આધારે આદિવાસીપણું નક્કી થાય છે."
"એક તરફ સંસ્કૃતિ પર આક્રમણ થઈ રહ્યું છે અને બીજી તરફ વિકાસયોજનાઓને નામે આદિવાસીઓનું વિસ્થાપન થાય છે. તેથી આદિવાસીઓ પોતાની ઓળખ ગુમાવી રહ્યા છે."
"આ સંજોગમાં 'કોણ આદિવાસી અને કોણ નહીં' તે મોટો સવાલ છે."
ગોવાભાઈ આને સંખ્યાની રાજનીતિ તરીકે પણ જુએ છે.
તેઓ કહે છે કે સ્થાપિત હિતો અને આદિવાસી નેતાઓ એમ બન્ને તરફથી રાજકારણ થઈ રહ્યું છે અને તેને લીધે આદિવાસી ઓળખનો સવાલ પેચીદો બની ગયો છે.
ગોવાભાઈ કહે છે કે આદિવાસીઓનું નેતૃત્વ બિનઆદિવાસી કરે એટલે સાધનસંપન્નને આદિવાસીમાં ખપાવી દેવાય છે. તો સામે આદિવાસી નેતાઓ સંખ્યાબળના વધારા તરીકે તેને જોઈ રાજનીતિ કરે છે. આમાં જે ખરેખર વંચિત આદિવાસીઓ છે તેમને અન્યાય થાય છે.
કોળી અને રાઠવા-કોળીનો આ વિવાદ આગળ કઈ દિશામાં જશે તે હાઈકોર્ટની આગામી સુનાવણીમાં સ્પષ્ટ થશે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












