અમિત શાહના મિત્ર અને રાહુલ ગાંધી સામે કેસ કરનારા અજય પટેલ કોણ છે?

રાહુલ ગાંધી સુરતમાં

ઇમેજ સ્રોત, Dharmesh amin

ઇમેજ કૅપ્શન, સુરતની કોર્ટમાં હાજર થયેલા રાહુલ ગાંધી
    • લેેખક, અર્જુન પરમાર
    • પદ, બીબીસી ગુજરાતી

અજય પટેલના વિઝિટિંગ કાર્ડ સિવાય બધે જ લખાયેલું છે કે તેઓ અમિત શાહના મિત્ર છે. આજે અમિત શાહના ખાસ એવા અજય પટેલનો ઉલ્લેખ એટલા માટે પ્રાસંગિક છે કે રાહુલ ગાંધી ગુરુવારે ગુનાહિત માનહાનિના કેસમાં સુરતની કોર્ટમાં હાજર રહ્યા હતા.

જે બાદ તેઓ શુક્રવારે અમદાવાદની કોર્ટમાં પણ બદનક્ષીના દાવા મામલે કોર્ટમાં હાજર રહ્યા છે.

એડીસી બૅન્કના ચૅરમૅન અજય પટેલે રાહુલ ગાંધી અને કૉંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલા પર બદનક્ષીનો કેસ કર્યો છે.

નોટબંધી સમયે રાહુલ ગાંધીએ આપેલા એક નિવેદન મામલે તેમના પર કેસ કરવામાં આવ્યો છે.

અજય પટેલે જે એડીસી બૅન્કના ચૅરમૅન છે તે બૅન્ક પર જ રાહુલ ગાંધી અને સુરજેવાલાએ અમિત શાહ અને નોટબંધીને લઈને આરોપો કર્યા હતા.

હવે અહીં સવાલ થાય કે અજય પટેલ છે કોણ, તેમનું અમિત શાહ સાથે શું કનેક્શન છે અને શા માટે તેમણે રાહુલ ગાંધી પર કેસ કર્યો?

અજય પટેલનો પરિચય આપતાં પહેલાં રાહુલ ગાંધી વિરુદ્ધ અમદાવાદમાં નોંધાયેલા બદનક્ષીના કેસની વિગતો જાણીએ.

line

રાહુલ ગાંધી, નોટબંધી અને એડીસી બૅન્ક

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નોટબંધી અંગેની પત્રકાર પરિષદમાં રાહુલ ગાંધી

8 નવેમ્બર, 2016ના રોજ વડા પ્રધાન મોદીએ નોટબંધીની જાહેરાત કરી હતી. આ જાહેરાતની સાથે જ રૂ. 500-1000ની નોટોને ચલણમાંથી બહાર કરી દેવાઈ હતી.

નોટબંધીના શરૂઆતના દિવસોમાં દેશની તમામ બૅન્કો તેમના ગ્રાહકો પાસેથી જૂની નોટો સ્વીકારી રહી હતી અને નવી નોટો ઇસ્યૂ કરી રહી હતી.

જોકે 14 નવેમ્બર, 2016 બાદ તમામ સહકારી બૅન્કોને જૂની નોટો સ્વીકારવાની મનાઈ ફરમાવી દેવામાં આવી હતી.

ન્યૂઝ 18 ડૉટ કોમના અહેવાલ અનુસાર નોટબંધી દરમિયાન દેશની વિવિધ બૅન્કોમાં જમા થયેલાં નાણાંની વિગતો માગવા માટે માહિતી અધિકાર હેઠળ અરજી કરવામાં આવી હતી.

જેમાં સામે આવ્યું હતું કે નોટબંધીના શરૂઆતના થોડાક દિવસમાં જ અમદાવાદની સહકારી ક્ષેત્રની મોટી બૅન્ક ગણાતી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કૉ-ઑપરેટિવ બૅન્ક (એડીસીબી)માં 745.59 કરોડ રૂ. જમા થઈ ગયા હતા.

આ રકમ દેશની તમામ 370 ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કૉ-ઑપરેટિવ બૅન્કોમાં જમા થયેલી રકમ પૈકી સૌથી વધુ હતી.

યુનાઇટેડ ન્યૂઝ ઑફ ઇન્ડિયા ડૉટ કોમના અહેવાલ અનુસાર આ વિગતોને કૉંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલા દ્વારા જૂન, 2018ના રોજ એક પત્રકારપરિષદ યોજવામાં આવી હતી.

જેમાં તેમણે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કૉ-ઑપરેટિવ બૅન્કમાં નોટબંધીના શરૂઆતના માત્ર 5 દિવસમાં 745.59 કરોડ રૂ. જમા થયા હોવાની માહિતી આપી હતી.

આ પત્રકારપરિષદમાં સુરજેવાલાએ આગળ કહ્યું હતું, "અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કૉ-ઑપરેટિવ બૅન્કમાં દેશની તમામ ડિસ્ટ્રિક્ટ કૉ-ઑપરેટિવ બૅન્કો પૈકી સૌથી વધુ નાણાં જમા થયાં હતાં."

"આ એડીસી બૅન્કના ચૅરમૅન અજય પટેલ ભાજપના નેતા અને અમિત શાહના ખાસ છે. નોટબંધીના 5 દિવસ બાદ સહકારી બૅન્કોને રદ્દ થયેલી નોટો ન સ્વીકારવા જણાવાયું હતું, જેથી કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન આચરી શકાય."

આ પત્રકારપરિષદ બાદ કૉંગ્રેસના તત્કાલીન અધ્યક્ષ રાહુલ ગાંધીએ 22 જૂન, 2018ના રોજ ટ્વીટ કર્યું હતું કે, "અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કૉ-ઑપરેટિવ બૅન્કના ડાયરેક્ટર અમિત શાહજીને અભિનંદન, જૂની નોટો બદલાવવાની સ્પર્ધામાં આપની બૅન્કે પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે."

"5 દિવસમાં 750 કરોડ રૂ.! નોટબંધીના કારણે કરોડો ભારતીયો જેમનાં જીવન બરબાદ થઈ ગયાં છે, તેઓ આપને આવી સિદ્ધિ મેળવવા બદલ સલામ કરે છે."

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

આ બનાવ બાદ એડીસીબીના ચૅરમૅન અજય પટેલે રાહુલ ગાંધી અને સુરજેવાલા વિરુદ્ધ બદનક્ષીની ફરિયાદ કરી હતી.

આ ફરિયાદ અમદાવાદમાં ઍડિશનલ ચીફ મેટ્રોપોલિટન મૅજિસ્ટ્રેટની કોર્ટમાં દાખલ કરાઈ હતી.

આ ફરિયાદ અંગે કોર્ટે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 202 હેઠળ તપાસ હાથ ધરી હતી.

નોંધનીય છે કે અજય પટેલે ફરિયાદ સાથે કેટલાક પુરાવા, જેમ કે બનાવની સીડી, નોંધાયેલાં નિવેદનો અને ટ્વીટ વગેરે રજૂ કર્યાં હતાં.

રાહુલ ગાંધી આ કેસ માટે શુક્રવારે અમદાવાદ મેટ્રોપોલિટન મૅજિસ્ટ્રેટની કોર્ટમાં હાજર થશે.

line

અજય પટેલ કોણ છે?

અજય પટેલ

ઇમેજ સ્રોત, adcbank

ઇમેજ કૅપ્શન, એડીસી બૅન્કના ચૅરમૅન અજય પટેલ

અજય પટેલની વેબસાઇટ અનુસાર તેમના પિતા હરિભાઈ પટેલ અમદાવાદમાં એક ઇલેક્ટ્રિકલ શૉપ ચલાવતા.

તેમજ રિક્ષા ભાડે આપી ગુજરાન ચલાવતા. તેઓ નાનપણથી જ રમતગમત ક્ષેત્રમાં રસ ધરાવતા હતા. તેઓ સારા સ્વિમર અને શૂટર હતા.

તેમણે કેટલાક સમય માટે રાજપથ ક્લબ અને અમદાવાદ રાઇફલ ઍસોસિયેશનમાં કોચ તરીકે કામ કર્યું હતું.

અમદાવાદ મિરરના એક અહેવાલ અનુસાર તેઓ ગુજરાન ચલાવવા માટે રિક્ષા પણ ચલાવતા.

અમદાવાદ રાઇફલ ઍસોસિયેશનમાં જ તેમની મુલાકાત અમિત શાહ સાથે થઈ હોવાનું કહેવાય છે.

આ મુલાકાતે તો જાણે તેમનું નસીબ જ બદલી નાખ્યું.

ધીમેધીમે તેઓ અમિત શાહના ખાસ બની ગયા અને એવું કહેવાય છે કે એક સમયના રિક્ષાચાલક અમિત શાહના ખાસ વિશ્વાસુઓ પૈકીના એક બની ગયા.

એડીસી બૅન્કની વેબસાઇટ અનુસાર તેઓ અનુક્રમે વર્ષ 2003 અને 2009થી એડીસી બૅન્ક અને ગુજરાત સ્ટેટ કૉ-ઑપરેટિવ બૅન્કના ચૅરમૅનપદે છે.

આ સિવાય તેઓ નેશનલ રાઇફલ ઍસોસિયેશન ઑફ ઇન્ડિયા અને ગુજરાત સ્ટેટ ચેસ ઍસોસિયેશનના પ્રમુખ તરીકે પણ ફરજ બજાવે છે.

તેમજ એડીસી બૅન્કની વેબસાઇટ અનુસાર તેઓ આ સિવાય ગુજરાત સ્ટેટ રાઇફલ ઍસોસિયેશનના ઉપપ્રમુખ અને ટ્રેઝરર તરીકે કાર્યરત છે.

અમદાવાદ મિલિટરી ઍન્ડ રાઇફલ ટ્રેનિંગ ઍસોસિયેશન, ગુજરાત અર્બન કૉ-ઑપરેટિવ બૅન્ક ફેડરેશન, અમદાવાદ જિલ્લા સેલ ઍન્ડ પરચેઝ યુનિયન લિમિટેડ, અમદાવાદ જિલ્લા સહકારી સંધ લિમિટેડમાં પણ તેઓ જુદાંજુદાં પદ પર કાર્યરત છે.

અહીં એ નોંધવું રહ્યું કે આટલા બધા હોદ્દા ધરાવતા હોવા છતાં અજય પટેલને આજે પણ લોકો અમિત શાહના મિત્ર તરીકે જ ઓળખે છે.

line

અમિત શાહ અને અજય પટેલનું કનેક્શન

અમિત શાહ અને અજય પટેલ

ઇમેજ સ્રોત, facebook/ajay patel

ઇમેજ કૅપ્શન, અમિત શાહનું સ્વાગત કરતા અજય પટેલ

અમદાવાદ મિરરના અહેવાલ અનુસાર, અજય પટેલ રિક્ષા ચલાવતા હતા. અમિત શાહ અને અજય પટેલની મુલાકાત અમદાવાદ રાઇફલ ક્લબમાં થઈ હતી.

જ્યાં અજય પટેલ સ્વિમિંગ ઇન્સ્ટ્રકટર તરીકે કામ કરતા હતા. અમિત શાહ જ તેમને અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કૉ-ઑપરેટિવ બૅન્કમાં લઈ આવ્યા.

કહેવાય છે કે અજય પટેલ કથિત રીતે અમિત શાહના શૅરબજારના રોકાણ પર નજર રાખે છે.

અમિત શાહ સાથેની મુલાકાત બાદ અજય પટેલનું નસીબ બદલાઈ ગયું અને તેઓ એક સામાન્ય રિક્ષા ડ્રાઇવરમાંથી આજે કથિતપણે મોટી સહકારી ક્ષેત્રની બૅન્ક એવી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કૉ-ઑપરેટિવ બૅન્કના ચૅરમૅન બની ગયા છે.

એ દરમિયાન અમિત શાહ કૉંગ્રેસ પક્ષના પકડવાળા ગુજરાતના સહકારી ક્ષેત્રમાં ભાજપની સ્થિતિ મજબૂત બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા, કારણ કે રાજ્યના અર્થતંત્રમાં આ ક્ષેત્રનો ફાળો નોંધપાત્ર હતો.

line

અમિત શાહ અને અજય પટેલ વિરુદ્ધ આરોપો

અમિત શાહ અને અજય પટેલ

ઇમેજ સ્રોત, facebook/ajay patel

ઇમેજ કૅપ્શન, અમદાવાદમાં વર્ષ 2006માં ચેસ સ્પર્ધાના ઉદ્ધાટન વખતે અમિત શાહ અને અજય પટેલ

વર્ષ 2005માં થયેલા સોહરાબુદ્દીન ઍન્કાઉન્ટર કેસમાં ગુજરાતના તત્કાલીન ગૃહરાજ્યમંત્રી અને સંખ્યાબંધ પોલીસ અધિકારીઓ સાથે અજય પટેલનું નામ પણ આવ્યું હતું.

ઇન્ડિયન ઍક્સપ્રેસના અહેવાલ અનુસાર વર્ષ 2010માં સીબીઆઈ દ્વારા સોહરાબુદ્દીન ઍન્કાઉન્ટર કેસમાં ચાર્જશીટમાં અજય પટેલ અને યશપાલ ચૂડાસમાનાં નામ સામેલ કરવામાં આવ્યાં હતાં.

જોકે આ કેસમાં અમિત શાહ તેમજ અન્ય તમામ આરોપીઓને સીબીઆઈ સ્પેશિયલ કોર્ટ મારફતે ક્લીનચિટ અપાઈ હતી.

અહીં નોંધનીય છે કે યશપાલ ચૂડાસમા પણ એડીસી બૅન્કના ડાયરેક્ટર છે.

ફ્રન્ટલાઇનના એક અહેવાલ પ્રમાણે સોહરાબુદ્દીન કેસની તપાસમાં સીબીઆઈ સમક્ષ અજય પટેલ અને યશપાલ ચૂડાસમાએ અમિત શાહના કહેવા પર સાક્ષીઓને ધમકાવ્યા હોવાનું કબૂલ્યું હતું.

આ સિવાય અજય પટેલે અમિત શાહ વતી ખંડણી વસૂલી હોવાનું પણ કબૂલ્યું હતું.

line

અરુણ જેટલીએ જ્યારે અજય પટેલનો ઉલ્લેખ કર્યો

એડીસી બૅન્ક

ઇમેજ સ્રોત, Adcbank

27 સપ્ટેમ્બર, 2013ના રોજ તત્કાલીન વડા પ્રધાન મનમોહન સિંઘને ભાજપના નેતા અરુણ જેટલીએ તપાસ એજન્સીઓના કથિત દુરુપયોગ અંગે ચિંતા વ્યક્ત કરતો પત્ર લખ્યો હતો.

સોહરાબુદ્દીન કેસમાં અમિત શાહ વિરુદ્ધ થયેલી કાર્યવાહીનો ઉલ્લેખ કર્યો હતો. નવાઈની વાત તો એ છે કે આ પત્રમાં પણ અજય પટેલનું નામ હતું.

અરુણ જેટલીએ પોતાના પત્રમાં લખ્યું હતું કે, "સીબીઆઈએ અમિત શાહની ધરપકડ અસ્વીકાર્ય પુરાવાઓને આધારે કરી હતી."

"અમિત શાહની ધરપકડ કરવા માટે સીબીઆઈએ રમણભાઈ પટેલ અને દશરથભાઈ પટેલ નામના બે ગુનાહિત ઇતિહાસ ધરાવતી વ્યક્તિઓનાં નિવેદનોના આધારે કરાઈ હતી."

"આ બંને દ્વારા અમિત શાહ વિરુદ્ધ નિવેદન અપાયા બાદ શંકરસિંહ વાઘેલા દ્વારા એક ફંકશનમાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું."

"બંને દ્વારા અપાયેલાં નિવેદનોમાં જણાવાયું છે કે તેમણે પાસાની કાર્યવાહીથી બચવા માટે અજય પટેલ મારફતે અમિત શાહને ત્રણ હપ્તામાં અમુક રકમ ચૂકવી હતી. ગુજરાત સરકારના દસ્તાવેજોમાં આ બંને શખ્સ વિરુદ્ધ કોઈ પણ આવી કાર્યવાહી કરવાનો સરકારનો ઇરાદો હોય એવું જોવા મળતું નથી."

"તેથી તેમનો આ આરોપ તદ્દન ખોટો છે, કારણ કે જે તારીખોએ તેમણે અજય પટેલને પૈસા ચૂકવ્યા હોવાનું જણાવાયું છે એ તારીખોએ અજય પટેલ વિદેશમાં હતા. જે તેમના પાસપૉર્ટ પરથી પણ સાબિત થાય છે. માત્ર આ તથ્ય જ આ આખી ચાર્જશીટને અયોગ્ય પુરવાર કરવા માટે પૂરતું છે."

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો