શું એ 'ગુજરાત મૉડલ'ને લીધે કૉંગ્રેસની દેશભરમાં ખરાબ હાલત થઈ રહી છે?

સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતમાં પેટાચૂંટણીની જાહેરાત થતાની સાથે જ કૉંગ્રેસમાં હાલ ઘમસાણ મચી છે. આવી જ સ્થિતિ હાલ જે બે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે તે મહારાષ્ટ્ર અને હરિયાણામાં પણ છે.

ગુજરાતમાં કૉંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી દીધી કે તેઓ હાલ સક્રિય રાજકારણમાંથી વિરામ લેવા માગે છે. તો અમદાવાદના કૉંગ્રેસના નેતા બદરુદ્દીન શેખે રાજીનામું આપ્યા હોવાના અહેવાલો છે.

બીજી તરફ મહારાષ્ટ્રમાં મુંબઈ કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સંજય નિરૂપમે કૉંગ્રેસ સામે નારાજગી જાહેર કરીને મહારાષ્ટ્રની ચૂંટણીમાં પ્રચાર નહીં કરે તેવી જાહેરાત કરી દીધી છે.

હરિયાણા કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અશોક તંવરે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. બંને નેતાઓનો એક જ સૂર છે કે પક્ષમાં તેમને કોઈ સાંભળતું નથી.

ગુજરાતમાં પણ પક્ષથી નારાજ થયેલા નેતાઓનો એક જ સૂર છે કે પક્ષમાં તેમને સાઇડલાઇન કરી દેવામાં આવ્યા છે.

આ પહેલાં ગુજરાતમાં જવાહર ચાવડા, અલ્પેશ ઠાકોર જેવા મોટા નેતા કૉંગ્રેસનો હાથ છોડીને કમળનો સાથ પસંદ કરી ચૂક્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા કૉંગ્રેસ મુક્ત ભારત સૂત્ર અંગે અનેક ચર્ચાઓ થઈ ચૂકી છે અને એનો જ પડઘો અનેક રાજ્યોમાં દેખાય છે.

line

ગુજરાતમાં કૉંગ્રેસની આવી સ્થિતિ કેમ થઈ?

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

1995થી ગુજરાતમાં કૉંગ્રેસ રાજ્યમાં સત્તાથી દૂર છે એટલે કે વિધાનસભા પર ભાજપનો કબ્જો છે.

છેલ્લા બે દાયકાથી કૉંગ્રેસ ગુજરાતની વિધાનસભાની ચૂંટણીઓ હારી રહી છે અને કેન્દ્ર સહિત અન્ય રાજ્યોમાં પણ તે નબળી પડી રહી છે.

ગુજરાતમાં વ્યાપક જનજૂવાળ ઊભો કરી શકે એવા કોઈ નેતા કૉંગ્રેસમાં હાલ દેખાતા નથી.

મહારાષ્ટ્ર અને હરિયાણામાં પણ કૉંગ્રેસ હાલના મીડિયાના અહેવાલો પ્રમાણે ભાજપને સીધી ટક્કર આપતી હોય એવું દેખાતું નથી.

જો કૉંગ્રેસે ફરી બેઠા થવું હોય તો મોદીના ગુજરાત પર ફોકસ કરવું પડે કે નહીં?

આ સવાલનો જવાબ આપતા પત્રકાર અને રાજકીય સમીક્ષક રમેઝ ઓઝાએ બીબીસીને કહ્યું કે, "ગુજરાતમાં કૉંગ્રેસની હાલત નબળી છે અને રાષ્ટ્રીયસ્તરે પણ આવી જ સ્થિતિ છે."

"આઇડેન્ટિટી ક્રાઇસિસ પ્રદેશસ્તરે પણ છે અને રાષ્ટ્રીયસ્તરે પણ છે. જો કૉંગ્રેસ હાઇકમાન્ડે દોઢેક દાયકા અગાઉ ગુજરાત પર ધ્યાન આપ્યું હોત તો ગુજરાતમાં તો કૉંગ્રેસની હાલત આવી ન જ હોત પરંતુ રાષ્ટ્રીયસ્તરે પણ આવી હાલત ન થઈ હોત. ગુજરાતમાં કૉંગ્રેસ ઊભી થઈ હોત તો ભારતનું રાજકારણ જુદું હોત."

તેઓ કહે છે, "ગુજરાતમાં કૉંગ્રેસ નબળી રહી એમાં એક પ્રકારની ગોઠવણ હતી. કૉર્પોરેટ ભાજપ અને કૉંગ્રેસની આ સંયુકત ડિઝાઈન હતી એવા આરોપો થયા છે. તેને સાબિત કરવા અઘરા પડે પરંતુ એટલું એટલું ચોક્કસ કહી શકાય કે છેલ્લા બે દાયકામાં ગુજરાત કૉંગ્રેસે જે પ્રકારની નિષ્ક્રિયતા અને લાચારી દર્શાવી છે એ કોઈ રાજકીય પક્ષનું સ્વાભાવિક પગલું ન હોઈ શકે."

"દિલ્હીથી પાર્ટીનું નેતૃત્વ આ બાબતે સક્રિય થાય અને હિસાબ માગે એ પ્રકારની પાર્ટી કૉંગ્રેસ વર્ષો અગાઉથી મટી ચૂકી છે. હવે તે ચૂંટણી જીતવા માટેનું મિકેનિઝમ પાર્ટી બની ગઈ છે. તેથી દિલ્હીથી કોઈ આદેશ આવે અને એ મુજબ ગુજરાતમાં કામ થાય એ શક્ય નથી."

રમેશ ઓઝા કહે છે કે "કેન્દ્ર અને ગુજરાત બંને જગ્યાએ નેતાગીરીની કટોકટી છે, પણ એ બંને જુદા પ્રકારની છે."

"ગુજરાતમાં તો કૉંગ્રેસે કંઈ કરવું જ ન હતું. નરેન્દ્ર મોદી વડા પ્રધાન થયા પછી રાહુલ ગાંધી સક્રિય થયા અને વિપક્ષની જે હાજરી કેન્દ્રમાં દર્શાવવી જોઈએ તે દર્શાવી."

"તેમની નેતાગીરીને જનમત ન મળ્યો એ અલગ વાત છે પરંતુ આવી કોઈ સક્રિયતા ગુજરાત કૉંગ્રેસે છેલ્લા દોઢ દાયકાથી દર્શાવી જ નથી."

line

ગુજરાતમાંથી બોધપાઠ

રાહુલ ગાંધી ગુજરાતમાં

ઇમેજ સ્રોત, AFP/Getty

ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટી વખતે જેલમાં જઈ આવેલા અને રાજકારણના અભ્યાસુ તેમજ રાજ્યના પૂર્વ નાણામંત્રી અને કૉંગ્રેસના સાંસદ સનત મહેતાના સલાહકાર રહી ચૂકેલા હસમુખ પટેલે પણ રમેશ ઓઝાની વાતમાં સૂર પુરાવ્યો હતો.

તેમણે કહ્યું, "કૉંગ્રેસે ગુજરાતમાંથી બોધપાઠ લેવાની જરૂર હતી. જો બોધપાઠ લીધો હોત તો આ હાલત રાષ્ટ્રીયસ્તરે ન થઈ હોત."

"ગુજરાતમાં કાર્યકર્તાસ્તરે કૉંગ્રેસની કૅડર ભાંગીને ભૂક્કો થઈ ગઈ છે. કૉંગ્રેસ સાથે સંકળાયેલા જૂના કાર્યકરો હતાશ થઈ ગયા છે."

"કૉંગ્રેસે જો રાજ્યમાં પુનર્જીવન મેળળવું હોય તો કૅડર બનાવવી પડે. કૉંગ્રેસે પોતાનાં સંગઠન સેવાદળને ફરી સક્રિય કરવું પડે."

"જો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ના કાર્યકરો જંગલોમાં આદિવાસીઓ વચ્ચે જતાં હોય તો સેવાદળના કાર્યકરો કેમ દેખાતા નથી."

"રાષ્ટ્રીય તેમજ રાજ્યસ્તરે કૉંગ્રેસે મોદીના રાજકારણને સમજવામાં મોટી થાપ ખાઈ ચૂકી છે. મોદી ગુજરાતમાં હતા ત્યારે જ જો કૉંગ્રેસે તેમને થોડા કન્ટ્રોલ કર્યા હોત તો રાષ્ટ્રીયસ્તરે કૉંગ્રેસેનું આટલું નુકસાન ન થાત. કૉંગ્રેસે મુદ્દાઓ સાથે રસ્તા પર ઊતરવું પડે."

કૉંગ્રેસે આગળ આવવા શું કરવું જોઈએ. એ સવાલના જવાબમાં હસમુખ પટેલ કહે છે કે "કૉંગ્રેસની જે નબળી અવસ્થા છેલ્લા બે દાયકાથી ગુજરાતમાં છે, એ હવે રાષ્ટ્રીયસ્તરે વર્તાઈ રહી છે."

"રાષ્ટ્રીય સ્તરે તો કૉંગ્રેસ દસેક વર્ષમાં બેઠી થઈ જશે તો પણ ગુજરાતમાં તો એને બેઠી થતાં હજી વાર લાગશે."

"કૉંગ્રેસે આગળ આવવા યૂથ કૉંગ્રેસ, એનએસયુઆઈ, મહિલા કૉંગ્રેસ વગેરેને સક્રિય કરવા જોઈએ. ગુજરાતમાં મહિલા કૉંગ્રેસમાં પણ બે ભાગ જોવા મળે છે."

"શહેરમાં રહેલી મહિલાઓ જે બપોર પડે એટલે પ્રદેશ કાર્યાલયે આવે અને ખેસ પહેરીને દેખાવ કરે. તેની સામે ઝૂપડામાં રહેતી, ગામડામાં રહેતી મહિલા મોરચાની કૉંગ્રેસ કાર્યકરો વધુ સક્રિય છે. પરંતુ આ બંને જૂથો વચ્ચે ગજબનો ગૅપ છે. તેમની વચ્ચે કોઈ સંયોજન નથી."

હસમુખ પટેલ કહે છે, "વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સોશિયલ એન્જિનિયરિંગ ગજબનું છે. પટેલો પણ તેમની સાથે રહે, ઠાકોર પણ તેમની સાથે રહે. એક જમાનામાં માલધારી અને ચૌધરી સમાજ કૉંગ્રેસની વોટબૅન્ક ગણાતા હતા, પરંતુ તેમણે પણ ભાજપને મત આપ્યા હતા. મોદીએ ચૂંટણીઓમાં જે સોશિયલ એન્જિનિયરીંગ કર્યું એની સામે કૉંગ્રેસ ખૂબ કાચી પડી છે."

line

શું કેન્દ્રીય નેતૃત્વે ગુજરાત કૉંગ્રેસને પર ધ્યાન ન આપ્યું?

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

હસમુખ પટેલ કહે છે, "મને એમ લાગે છે કે કૉંગ્રેસને ગુજરાત પર એવો ભરોસો હતો કે ગુજરાત તો આપણું જ છે ને! કૉંગ્રેસને એમ કે માધવસિંહ સોલંકી, અમરસિંહ ચૌધરી, રતુભાઈ વગેરેનો જે જૂનો વારસો છે એ ગુજરાતમાં જળવાઈ રહેશે, પણ આ ગણતરીમાં તેઓ ખોટા પડ્યા."

"કૉંગ્રેસના વળતાં પાણી તો 1990થી થઈ ગયા હતા જ્યારે ચીમનભાઈ પટેલે ભાજપ સાથે સરકાર બનાવી હતી. ત્યારપછી પછી ચીમનભાઈ ભાજપથી છૂટા પડ્યા અને કૉંગ્રેસ સાથે સમાધાન કર્યું વગેરે બરાબર પરંતુ 1995 પછી તો કૉંગ્રેસ રાજ્યમાં સરકાર જ બનાવી શકી નથી."

હસમુખ પટેલ માને છે કે શંકરસિંહ કૉંગ્રેસ સાથે જોડાયેલા રહ્યા હોત તો ફરક પડત. તેઓ કહે છે, "લોકો ગમે તે કહે પરંતુ શંકરસિંહમાં સંગઠનની તાકાત છે. ભાજપની નબળાઈઓ તેઓ સારી રીતે પારખે છે. તેમને કૉંગ્રેસે બધું જ આપ્યું એની ના નહીં, પણ તેઓ જો ટકી ગયા હોત તો સારું હોત."

રાજકારણના અન્ય અભ્યાસુ શારીક લાલીવાલાનો મત શંકરસિંહના મામલે હસમુખ પટેલથી અલગ પડે છે.

શારીક કહે છે, "કૉંગ્રેસની સૌથી મોટી ભૂલ શંકરસિંહ વાઘેલાને લાવવાની હતી. તેમણે ઘણી તિરાડો ઊભી કરી."

"પાર્ટીમાં નવા નેતા ન જોડાય તેમજ મોબિલાઇઝેશન ન થાય એમાં શંકરસિંહનો ફાળો હતો. બીજી વાત એ કે કૉંગ્રેસ રાષ્ટ્રીયસ્તરે બિનસાંપ્રદાયિક એટલે કે સેક્યુલર પાર્ટી છે, જે ગુજરાતમાં નથી. એ મોટો તફાવત છે."

"કૉંગ્રેસ ગુજરાતમાં વિચારધારાની દ્રષ્ટિએ ભાજપથી બહુ અલગ નથી. જો આરએસએસના એકસમયના નરેન્દ્ર મોદી કરતાંય આગળ પડતા નેતા શંકરસિંહ વાઘેલા કૉંગ્રેસમાં જોડાતા હોય તો એ દર્શાવે છે કે કૉંગ્રેસ વિચારધારાની રીતે ગુજરાતમાં ભાજપથી દેખીતી રીતે અલગ નથી."

"આ વાત 1995 પહેલાં શાસનમાં રહેલી કૉંગ્રેસને પણ લાગુ પડે જ છે. કારણકે, ગુજરાતમાં જે રમખાણો અગાઉ થયાં હતાં એમાં કૉંગ્રેસની ભૂમિકા પર અનેક સવાલો છે."

"જ્યારે સોનિયા ગાંધીએ નરેન્દ્ર મોદીને 'મૌત કા સોદાગર 'કહ્યા ત્યારે ગુજરાત કૉંગ્રેસની એક આખી નેતાગીરીએ એવું કહ્યું હતું કે સોનિયા ગાંધીએ આવું ન કહેવું જોઇએ! આ આશ્ચર્યની વાત છે."

"રાષ્ટ્રીય સ્તરે કૉંગ્રેસ વર્કિંગ કમિટી અને હાઇકમાન જે છે તે સેક્યુલર છે એમ કહી શકાય. જ્યારે પ્રદેશમાં ટોચના નેતૃત્વમાં બે-ત્રણ ચહેરા જ સેક્યુલર છે બાકીના તો રૂઢિચુસ્ત માનસિકતા જ ધરાવે છે."

"તેથી જ કૉંગ્રેસથી ભાજપમાં છલાંગ મારવાનો જે પ્રવાહ છે એમાં ગુજરાત દેશના મોખરે છે."

"ગુજરાતમાં આટલી મોટી સંખ્યામાં ટ્રેડ મિલો હોવા છતાં ડાબેરી ચળવળ ઊભી ન થઈ શકી એના કારણો સાંસ્કૃતિક અને રાજકીય છે. આનું પરિણામ એ આવે કે સંગઠનના જે નીચેના માણસ હોય તેમને કૉંગ્રેસ અને ભાજપમાં કોઈ ખાસ ફરક ન લાગે. તેઓ હતાશ થાય."

રમેશ ઓઝા કહે છે, "ગુજરાત કૉંગ્રેસ સેક્યુલર રાજકારણને અને ગુજરાત રાજ્યને તાસક પર નરેન્દ્ર મોદીને ધરી દીધું છે. ભાજપના કોમવાદી રાજકારણ સામે કૉંગ્રેસનું સેક્યુલર સર્વસમાવેશક રાજકારણ માત્ર કહેવા પૂરતું જ રહ્યું છે."

"ગુજરાતમાં સેક્યુલર પાર્ટી તરીકે કૉંગ્રેસે ક્યારેય ભાજપ સામે પ્રતિઘોષ કે પ્રતિક્રિયા આપ્યાં જ નથી. રસ્તા પર ઊતર્યા નથી, સંઘર્ષ કર્યો નથી. વિધાનસભામાં દલીલો કરી નથી. કૉંગ્રેસે સર્વસમાવેશક બિનસાંપ્રદાયિક એટલે કે સેક્યુલર ઇન્ક્લુઝીવ પૉલિટિક્સને ક્યારેય મુદ્દો બનાવ્યો નથી."

line

ગુજરાતમાં કૉંગ્રેસની છાપ કેમ મુસ્લિમોની પાર્ટી તરીકેની?

સોનિયા ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

રમેશ ઓઝા કહે છે, "જો તમે તમારા સેક્યુલર વલણને મક્કમ રીતે પ્રગટ ન કરો તો તમારી છાપ તો એ જ પડવાની છે. કારણ કે તમારી સાથે જે મુક્ત વિચારધારાના લોકો છે એ ટકવાના નથી."

"જો પ્રજાની વાત કરીએ તો સર્વસમાવેશક વિચારધારામાં માનતા લોકોનો વર્ગ ગુજરાતમાં ખાસ્સો છે. અલબત, એ એવો બહુમતી વર્ગ નથી કે કોઈ પાર્ટીને મોટા પાયે હરાવી શકે, પણ કૉંગ્રેસ એક વાતાવરણ એમના માટે તૈયાર તો કરી શકે."

"ગુજરાતની સિવિલ સોસાયટી સાથે કૉંગ્રેસ ઊભી હોત તો ઘણું થઈ શકતું હતું. નરેન્દ્ર મોદી આટલા મોટા નેતા બની શક્યા એને ઢાળ આપવામાં ગુજરાત કૉંગ્રેસનો મોટો ફાળો છે."

"જેનું પરિણામ રાષ્ટ્રીયસ્તરે કૉંગ્રેસ ભોગવી રહી છે. એ ઢાળ જાણીબૂઝીને આપ્યો કે મજબૂરીથી આપ્યો એવો સવાલ હોય તો હું મજબૂરીને સ્વીકારતો નથી."

"એ પણ કહી દઉં કે નરેન્દ્ર મોદી મુખ્ય મંત્રી થયા પછી ગુજરાત કૉંગ્રેસની આ નિષ્ક્રિયતા જોવા મળી છે એ અગાઉ કૉંગ્રેસ સક્રિય હતી. નરેન્દ્ર મોદીની પહેલી ટર્મ વખતે પણ કૉંગ્રેસ સક્રિય રહી હતી."

કૉંગ્રેસની જે નબળી હાલત રાજ્યમાં અને કેન્દ્રમાં છે એમાં શારીક લાલીવાલાને સામ્યતા અને તફાવત બંને નજરે પડે છે.

તેઓ કહે છે કે "સામ્યતા એ છે કે દેશમાં કૉંગ્રેસની ટોચની નેતાગીરી ભાંગી પડી છે અને ગુજરાતમાં પણ ભાંગી પડી છે. તફાવત એ છે કે ગુજરાતમાં હાર્દીક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણીને કારણે કૉંગ્રેસ માટે એક મૉમેન્ટમ જે ઊભું થયું હતું એને ઝીલવામાં કૉંગ્રેસ નાકામ રહી."

"રાહુલ ગાંધીએ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વખતે મંદિર મંદિર ફર્યા હતા અને સૉફ્ટ હિન્દુત્વ ધારણ કર્યું હતું એને લીધે કૉંગ્રેસને ગુજરાતમાં તો ફાયદો નહોતો જ થયો, પણ લોકસભા ચૂંટણીમાં અન્ય રાજ્યોમાં પણ કૉંગ્રેસે નુકસાન ભોગવવું પડ્યું હતું."

ગુજરાત કૉંગ્રેસમાં રાજકીય દાનત સામે સવાલો છે અને કેટલીક બાબતોમાં ભાજપ હોશિયાર છે એવું કહીને શારીક ઉમેરે છે કે "આટલા મોટાં રમખાણ ગુજરાતમાં થયાં છતાં કૉંગ્રેસ એની સામે ન જ બોલી શકી."

"કૉંગ્રેસની પોતાની ભૂલ તો છે જ પરંતુ ભાજપની બુદ્ધિ પણ ખરી. નરેન્દ્ર મોદીએ શહેરીકરણને આગળ ધરીને મૉડલ તરીકે પ્રોજેક્ટ કર્યું, 2011ની વસતી ગણતરી પ્રમાણે 43 ટકા વસતી શહેરી છે."

"હવે કદાચ 50 ટકા કરતાં ઉપર હશે. તો આ શહેરીકરણને મુદ્દો બનાવવો, નોન ડોમિનન્ટ ઓબીસી કમ્યુનિટીને નિયો મિડલ ક્લાસ તરીકે આગળ કરવી. રિવરફ્રન્ટ કે કાંકરિયા સુશોભન વગેરે મોટા પ્રોજેક્ટને આગળ વધારવા."

"આના લીધે ભાજપને ફાયદો થયો અને કૉંગ્રેસ આ બાબતોને સમજવામાં થાપ ખાઈ ગઈ. કૉંગ્રેસમાં સૈદ્ધાંતિક સમસ્યા એટલે કે આઇડિયૉલૉજિકલ પ્રૉબ્લેમ તો હતો જ સાથે ભાજપને તે સતત હળવાશથી લેતી રહી."

"કૉંગ્રેસમાં કંઈક કરી દેખાડવાની વૃત્તિ એટલે કે ઇચ્છાશક્તિનો અભાવ છે. સિદ્ધાંતનિષ્ઠામાં જ શંકા હોય ત્યારે પાર્ટી સમસ્યાની સામે બાથ ભીડી શકતી નથી."

"તમે નહેરુ, માધવસિહ સોલંકીને જુઓ કે યુપીમાં ગોવિંદ વલ્લ્ભ પંતથી થયેલા સુધારણા જુઓ. તેમજ રાજસ્થાનમાં અશોક ગહેલોતનું રાજકીય વલણ જુઓ તો તેમના ડાબેરી તરફી વલણનો ઝુકાવ વર્તાશે જ. બીજી તરફ ભાજપ ડાબેરી વિચારધારા અપનાવ્યા વગર તેમની જે વોટબૅન્ક છે તેમને જનધન, આયુષ્માન ભારત, સ્વચ્છતા ઝુંબેશ વગેરેથી પોષી રહી છે."

line

રાજ્યમાં કૉંગ્રેસ ફરી બેઠી કેવી રીતે થઈ શકે?

શંકર સિંહ વાધેલા

ઇમેજ સ્રોત, Getty Images

રાજ્યમાં કૉંગ્રેસે બેઠું થવાં શું કરવું પડે એ પણ રાષ્ટ્રીયસ્તરે જ્યારે નબળી હાલત છે ત્યારે એ સવાલના જવાબમાં શારીક જણાવે છે કે "તેમણે વેલ્ફેર ઇકૉનૉમિક્સ પર ધ્યાન આપવું જોઈએ."

"લોકલ લેવલે ધંધા પડી ભાંગ્યા છે તો એની રજૂઆત કરે. નેતાઓ દોડતા અને દેખાતા થાય. ભાજપ પોતાના વિજય છતાં ગુજરાતમાં સતત યાત્રા વગેરે કાર્યક્રમો કરતી રહે છે."

"નરેન્દ્ર મોદી ગુજરાતમાં વિજયી થયા હતા એ પછી પણ તેમણે ઘણી યાત્રા કરી હતી. કૉંગ્રેસ ચૂંટણીના બે-ચાર મહિના અગાઉ ગામડાંમાં કે દૂરના શહેરોમાં જાય તો એ અસર ન કરે. તમારે જનતા સામે સતત દૃશ્યમાન રહેવું પડે."

"કૉંગ્રેસ દર વર્ષે એવું કોઈ અભિયાન ગુજરાતમાં કરે છે જેને લીધે 2 લાખ લોકો એમની સાથે જોડાય? 2019 જીત્યા પછી પણ ભાજપે સંગઠનપર્વ તો કર્યું જ છે અને અત્યારે પણ સદસ્યતા ઝુંબેશ ચાલી રહી છે."

"આગામી વિધાનસભા ચૂંટણી માટે કૉંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વે અત્યારથી જ ગુજરાત પર ધ્યાન આપવું જોઈએ. રાહુલ ગાંધી 2017 પછી કેટલી વખત ગુજરાત આવ્યા. પછી સીધા લોકસભાની ચૂંટણીમાં 2019માં જ દેખાયા."

line

આ અંગે કૉંગ્રેસના નેતા શું કહે છે?

પરેશ ધાનાણી

ઇમેજ સ્રોત, Paresh Dhanani/FB

આ તમામ સવાલો અને આક્ષેપ વિશે જ્યારે ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા કૉંગ્રેસ પરેશ ધાનાણીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું, "કૉંગ્રેસ પાર્ટીમાં હંમેશાં સત્તાનું વિકેન્દ્રીકરણ રહ્યું છે અને જવાબદારીઓ વહેંચાયેલી હોય છે."

"જાહેરજીવનમાં તૈયારીઓ એ નિરંતર પ્રક્રિયા છે. કૉંગ્રેસ પાર્ટી સામાજિક રાજકીય અને રચનાત્મક કાર્યક્રમોથી વધુને વધુ લોકો સુધી પહોંચી રહી છે."

"કૉંગ્રેસની એક વિચારધારા છે અને સમાનતાના પાયા પર રચાયેલી છે. અમે બે કાર્યક્રમો પણ કર્યા, ગાંધીજીની દોઢસોમી પુણ્યતિથીને અનુલક્ષીને પોરબંદરથી સાબરમતી અને દાંડીથી સાબરમતીની યાત્રા યોજી."

"પ્રદેશ કૉંગ્રેસ સમિતિની આગેવાનીમાં આગામી દિવસોમાં ગુજરાતના 249 તાલુકામાં કૉંગ્રેસના જે પાયાના કાર્યકરો છે તેમની સાથે સંવાદ સ્થાપવાનો પ્રયત્ન કરીશું."

"એ સ્થાનિક કાર્યકરો દ્વારા બ્લૉક ટુ બૂથ દરેક ઘર સુધી પહોંચી લોકોની વાત સાંભળી, સમજી અને એ સમસ્યાઓના ઉકેલ માટે ફરી પાછા આંદોલન સ્વરૂપે ઊભરે એ પ્રયાસ છે."

"યુપીએની સરકાર હતી ત્યારે થ્રીજી, ફોરજીથી લઈને જીજાજી સુધીનું બધું ભાજપને યાદ આવતું હતું, પણ હવે ડૉલર સામે રૂપિયો 72 પર પહોંચ્યો છે. પેટ્રોલના ભાવ 73 પર પહોંચી ગયા છે. એનો કોઈ જવાબ આ સરકાર પાસે નથી."

એ ક્યા ક્યા મુદ્દા છે જ્યાં કૉંગ્રેસ નિષ્ફળ રહી છે જેનું તમે આગામી વિધાનસભા ચૂંટણીમાં ધ્યાન રાખશો?

એ સવાલના જવાબમાં પરેશ ધાનાણીએ કહ્યું હતું, "ગત વિધાનસભાની ચૂંટણીમાં અંકગણિતમાં અમે કદાચ નિષ્ફળ રહ્યા છીએ પણ લોકોનાં દિલ જીતવામાં સફળ રહ્યા છીએ."

"આજ કદાચ ગાંધીનગરની ગાદી સુધી પહોંચી શક્યા નથી, પણ 2022માં અમને વિશ્વાસ છે."

હાઇકમાને ગુજરાત પર વધુ ધ્યાન આપવાની જરૂર છે એવું તમને લાગે છે.

એ સવાલના જવાબમાં પરેશ ધાનાણીએ કહ્યું હતું કે "રાષ્ટ્રીય નેતૃત્વનું સતત માર્ગદર્શન મળતું રહે છે. કૉંગ્રેસ પક્ષ સંપૂર્ણ લોકશાહીને વરેલો છે. કેન્દ્રથી લઈને ગ્રામ્યસ્તર સુધી વિવિધ જવાબદારી વહેંચાયેલી છે અને જ્યારે નીતિવિષયક બાબતો આવે ત્યારે ઉપરથી માર્ગદર્શન મળતું જ હોય છે."

"કૉંગ્રેસનો કાર્યકર લોકોની સાથે પોતાના તાણાવાણા જોડશે એના સુખદુખનો ભાગીદાર બનશે તો આવતીકાલે કૉંગ્રેસ ફરી પાછી ગ્રામ્યસ્તરેથી લઈને રાષ્ટ્રીયસ્તરે મજબૂત બનશે."

બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો