અલ્પેશ ઠાકોર કે આશા પટેલ, કૉંગ્રેસ પોતાના ધારાસભ્યોને કેમ સાચવી શકતી નથી?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, હરિતા કંડપાલ
- પદ, બીબીસી ગુજરાતી
ગુજરાત કૉંગ્રેસમાંથી છેલ્લી વિકેટ રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે રાજીનામું આપ્યા બાદ પડી હતી.
તેઓ કૉંગ્રેસમાંથી રાજીનામું આપનાર છઠ્ઠા ધારાસભ્ય છે. જોકે, તેમણે ધારાસભ્ય પદથી રાજીનામું નથી આપ્યું.
આ પહેલાં કુંવરજી બાવળિયા, આશા પટેલ, જવાહર ચાવડા, પુરષોત્તમ સાબરિયા, વલ્લભ ધારવિયાએ કૉંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો હતો.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 2017માં પણ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં 17 ધારાસભ્યોએ કૉંગ્રેસ છોડી હતી.
કૉંગ્રેસ છોડવાનો 2017થી શરૂ થયેલો ઘટનાક્રમ 2019માં પણ હજી ચાલુ છે. ત્યારે સવાલ એ છે કે કૉંગ્રેસ કેમ પોતાના ધારાસભ્યોને સાચવી શકતી નથી?

કૉંગ્રેસની આ ત્રણ નબળાઈ?

ઇમેજ સ્રોત, Alpesh Thakor/facebook
અલ્પેશ ઠાકોરના રાજીનામા પર કૉંગ્રેસ નેતા અને ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ કહ્યું કે કૉંગ્રેસે અલ્પેશ ઠાકોરને સન્માનની સાથેસાથે પદ પણ આપ્યું હતું.
દોશીએ એવું પણ કહ્યું કે ગુજરાતમાં કૉંગ્રેસની ત્રણ મોટી નબળાઈ છે.
તેઓ કહે છે, "પ્રથમ કે સત્તામાં ન હોવાને કારણે અમે કોઈને પદ આપી ન શકીએ. બીજી નબળાઈ કે અમારી પાસે નેતાઓને આપવા માટે કરોડો રૂપિયા નથી અને ત્રીજી નબળાઈ એ કે અમારી પાસે પોલીસ અને વ્યવસ્થાઓ નથી કે અમે કોઈને એનો ડર બતાવી શકીએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમના અનુસાર, "2017ની રાજ્યસભા ચૂંટણી સમયે કૉંગ્રેસ પાસે આશરે 44 ધારાસભ્યો રહી ગયા હતા પરંતુ તે જ વર્ષે વિધાનસભામાં કૉંગ્રેસને 77 બેઠકો મળી હતી."
"રાજ્યસભા ચૂંટણીમાં તો ભાજપ અને વડા પ્રધાન કાર્યાલયની પૂરી તાકાત લગાવવામાં આવી હતી. પરંતુ કૉંગ્રેસ ઝૂકી નહોતી."
તેઓ કહે છે કે કૉંગ્રેસ સંઘર્ષ કરી રહી છે અને મજબૂત બનશે.

કૉંગ્રેસ પોતાનું ઘર સાચવવામાં નિષ્ફળ

ઇમેજ સ્રોત, TWITTER/JIGNESHMEVANI
વરિષ્ઠ પત્રકાર અજય નાયક કહે છે કે ઘણી વખત વ્યક્તિની મહત્ત્વાકાંક્ષા કામ કરતી હોય છે.
તેઓ ઉમેરે છે, ''અલ્પેશ ઠાકોર 2017ની ચૂંટણી પહેલાં કૉંગ્રેસમાં જોડાયા હતા અને તે વખતે કોઈ વચનો પૂરાં નહીં થયાં હોય.''
''2017ની ચૂંટણીમાં કૉંગ્રેસ પોતાના બળ પર ચૂંટણી જીતવાના બદલે એનો ઇરાદો હતો કે અલ્પેશ ઠાકોર, જિગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલના ખભા પર ચઢીને ચૂંટણી જીતે પણ તેવું થયું નહીં. જોકે, તેને લાભ થયો અને બેઠકો પણ વધી.''
''અલ્પેશ કૉંગ્રેસમાં જોડાયા હતા અને હાર્દિક પટેલ હવે જોડાયા. જોકે, જિગ્નેશ મેવાણીને કૉંગ્રેસે ટેકો આપ્યો હતો.''
તેમનું કહેવું છે, ''કૉંગ્રેસ પોતાનું ઘર સાચવવામાં નિષ્ફળ રહી છે. તે ગ્રાઉન્ડ લેવલ પર લોકો સાથેનો સંપર્ક ખોઈ ચૂકી છે.''

તમે આ વાંચ્યું કે નહીં?

નેતૃત્વનો અભાવ

ઇમેજ સ્રોત, Getty Images
વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્ય કહે છે, "કૉંગ્રેસની સૌથી મોટી નબળાઈ છે કે તેની પાસે ગુજરાતમાં એવો કોઈ નેતા નથી જેનો સામાન્ય લોકોમાં પ્રભાવ હોય."
"એવા નેતાની કમી કૉંગ્રેસમાં લાંબા સમયથી છે કે જે પાર્ટીમાં નેતાઓને સમજાવીને એક રાખી શકે."
"સંગઠનની કમી તેની બીજી મોટી નબળાઈ છે. તેના જે પણ નેતાઓ જીતે છે તે વ્યક્તિગત રીતે મોટા મજબૂત નેતા છે અને તેઓ પોતાના પ્રભાવથી બેઠક જીતી જાય છે."
તેઓ ઉમેરે છે, "પરેશ ધાનાણી સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છે પરંતુ તેમનો એટલો જ પ્રભાવ ગુજરાતના બાકીના ભાગમાં નથી."
"એ સિવાય અમિત ચાવડા ગુજરાત કૉંગ્રેસના પ્રમુખ છે પરંતુ તેમનો પ્રભાવ સૌરાષ્ટ્રમાં જોવા મળતો નથી."
"શંકરસિંહ વાઘેલા એવા નેતા હતા જેમનો સમગ્ર રાજ્યમાં પ્રભાવ હતો. જો કૉંગ્રેસ તેમને સાચવી શકી હોત તો તેના માટે લાભપ્રદ હોત પરંતુ તે પણ સંભવ થયું નહીં."
"એવું પણ નથી કે કૉંગ્રેસ છોડીને જનારા બધા રાજકારણીઓ ભાજપમાં જઈને સફળ થાય છે."
આચાર્ય વધુમાં ઉમેરે છે, "2017માં રાજ્યસભા ચૂંટણી પહેલાં કૉંગ્રેસ છોડીને જનાર બે નેતાઓ ડિસેમ્બર 2017માં ગુજરાત વિધાનસભા ચૂંટણી હારી ગયા હતા."
ત્યારે રાજકીય નિષ્ણાત અમિત ધોળકિયા કહે છે, ''ગુજરાતમાં ઘણા મુદ્દાઓ છે પરંતુ કૉંગ્રેસ ભારપૂર્વક તેને ઉઠાવી શકતી નથી."
"લોકોને વિકલ્પ પણ જોઈએ છે પરંતુ કૉંગ્રેસ નબળાઈને કારણે એ વિકલ્પ નથી બની શકતી અને સતત ભાજપનો વિજય થાય છે."
આ બાબતે જગદીશ આચાર્ય જણાવે છે, ''એવું નથી કે કૉંગ્રેસેને બેઠકો મળતી જ નથી, વિધાનસભામાં કૉંગ્રેસને 2012માં 57 બેઠકો મળી હતી જે વધીને 2017માં 77 થઈ.''
"કૉંગ્રેસના મજબૂત નેતા જેમ કે કુંવરજી બાવળિયા અને વિઠ્ઠલ રાદડિયા વ્યક્તિગત તાકાતના બળે જીતતા આવ્યા છે ત્યાં ભાજપની ચાણક્ય નીતિ અને બૂથ મૅનેજમૅન્ટ કામ આવતું નહીં."

આપને આ પણ વાંચવું ગમશે

હિંદુત્વની લૅબોરેટરીમાં સૉફ્ટ હિંદુત્વ

ઇમેજ સ્રોત, TWITTER @INCGUJARAT
ગુજરાતમાં રામ મંદિર માટે લાલકૃષ્ણ અડવાણીના આંદોલન બાદ હિંદુત્વ બુલંદી પર હતું અને નરેન્દ્ર મોદીના મુખ્ય મંત્રી બન્યા બાદ તે મોર્ચા પર ભાજપનો રસ્તો મક્કમ બન્યો છે.
એવામાં કૉંગ્રેસની ભૂમિકા અંગે અજય નાયક કહે છે, "ગુજરાતમાં હિંદુત્વના રાજકારણમાં કૉંગ્રેસ પણ સૉફ્ટ-હિંદુત્વના રસ્તે ચાલવા લાગી છે."
"કારણ કે તેમને સમજાયું કે બહુમતીને નારાજ કરવાથી નુકસાન જ થાય છે. એક રીતે તે ભાજપના રસ્તે ચાલતી જાય છે."
એવામાં જગદીશ આચાર્ય માને છે, "2002નાં રમખાણો બાદ ભાજપની હિંદુત્વ છબી ખૂબ મજબૂત બની છે અને 17 વર્ષ બાદ એ છબી નબળી પડતી હોય એવું દેખાય છે. કારણ કે વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 100 બેઠકો પણ મેળવી શકી નહોતી."
"એટલે કહી શકાય કે દર વખતે હિંદુત્વનું પરિબળ કામ કરે એ જરૂર નથી. પરંતુ કૉંગ્રેસ ગુજરાતમાં એટલી નબળી પડી ગઈ છે કે એ આવી સ્થિતિનો ફાયદો ઉઠાવી શકતી નથી."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













