નરેન્દ્ર મોદી ગુજરાતમાં ચૂંટણીપ્રચારની શરૂઆત જૂનાગઢ બેઠકથી કેમ કરી રહ્યા છે?

ભાજપ સમર્થકની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગત વખતે ભાજપે લોકસભાની તમામ 26 બેઠક ઉપર વિજય હાંસલ કર્યો હતો
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રના જૂનાગઢ ખાતે જાહેરસભા સંબોધીને ગુજરાતમાં ચૂંટણીપ્રચારની 'ઔપચારિક' શરૂઆત કરશે.

આ સભા દ્વારા તેઓ લોકસભાની જૂનાગઢ અને પોરબંદર બેઠક ઉપરાંત વિધાનસભાની માણાવદર બેઠક ઉપર પ્રભાવ પાડવાનો પ્રયાસ કરશે.

ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન આ વિસ્તારમાં ભાજપનું પ્રદર્શન નબળું રહ્યું હોવાને લીધે આ ચૂંટણીસભાને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

ઉપરાંત દક્ષિણ ગુજરાતના સોનગઢ ખાતે જાહેરસભાને સંબોધીને મોદી ગુજરાતની બે તથા મહારાષ્ટ્રની એક બેઠકના મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરશે.

line

કોળી ફૅક્ટર

કુંવરજીભાઈ બાવળિયાની તસવીર
ઇમેજ કૅપ્શન, બાવળિયા દ્વારા કોળી મતદારોને સાધવાનો ભાજપ દ્વારા પ્રયાસ

મોદી જૂનાગઢની ઍગ્રિકલ્ચર યુનિવર્સિટી પાસે આવેલા મેદાનમાં જાહેરસભાને સંબોધશે.

જૂનાગઢ ભાજપના મીડિયા પ્રભારી પંકજ કાનાબારના કહેવા પ્રમાણે :

"જૂનાગઢ ઉપરાંત પોરબંદર, અમરેલી અને રાજકોટ જેવી આજુબાજુની લોકસભા બેઠકો તથા માણાવદર વિધાનસભા બેઠકની ચૂંટણીના ભાજપના ઉમેદવારો આ કાર્યક્રમમાં હાજર રહેશે."

જૂનાગઢની બેઠક ઉપર ભાજપે રાજેશ ચુડાસમા અને કૉંગ્રેસે પૂંજાભાઈ વંશને ટિકિટ આપી છે.

જૂનાગઢમાં 3.50 લાખ એટલે કે એ બેઠકના 19.55 ટકા મતદારો કોળી સમાજના છે.

ભાજપે જસદણના કુંવરજીભાઈ બાવળિયા અને સુરેન્દ્રનગરના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાને પોતાના પક્ષે લઈને કોળી મતદારોને સાધવાનો પ્રયાસ કર્યો છે.

વરિષ્ઠ પત્રકાર કાના બાંટવાના કહેવા પ્રમાણે, "સૌરાષ્ટ્રનો વિસ્તાર અનપેક્ષિત પરિણામો આપવા માટે પંકાયેલો છે. એટલે તેના ઉપરથી ધ્યાન હટાવવું પાલવે તેમ નથી."

"ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતોની આત્મહત્યા, પાકવીમો, પાણી જેવા મુદ્દે ખેડૂતોમાં અસંતોષ પ્રવર્તે છે. એટલે ભાજપ આ મુદ્દે સતર્ક હોય તેમ જણાય છે."

line

સૌરાષ્ટ્રમાં પાટીદાર ફૅક્ટર

હાર્દિક પટેલની તસવીર

ઇમેજ સ્રોત, FB/HardikPatel

ઇમેજ કૅપ્શન, હાર્દિક પટેલ સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજના ઉદ્દીપક બની શકે છે

પોરબંદરની બેઠક ઉપર કૉંગ્રેસે લલિત વસોયાને ટિકિટ આપી છે. હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલન કર્યું ત્યારે વસોયા તેમની સાથે જોડાયેલા હતા. તેમની સામે ભાજપે રમેશભાઈ ધડુકને મેદાને ઉતાર્યા છે.

પોરબંદરની બેઠક ઉપર 16 ટકા, જ્યારે જૂનાગઢની બેઠક ઉપર 12 ટકા વસ્તી પાટીદાર સમાજની છે.

બાંટવા માને છે, "સૌરાષ્ટ્રવાસીઓમાં એવી ભાવના રહી છે કે આ વિસ્તારની ઉપેક્ષા થતી રહે છે."

"ત્યારે અહીંથી ચૂંટણીપ્રચાર અભિયાન શરૂ કરીને સંદેશ આપવાનો પ્રયાસ થયો હોય તેમ જણાય છે."

લાઇન
લાઇન

માણાવદરમાં આહીર ફૅક્ટર

જવાહર ચાવડાની તસવીર

ઇમેજ સ્રોત, FB/JawaharChawda

ઇમેજ કૅપ્શન, ભાજપમાં જોડાતા જ ચાવડાને ગુજરાત સરકારમાં કૅબિનેટ પ્રધાન બનાવાયા

જૂનાગઢ જિલ્લાની માણાવદર પેટાચૂંટણી માટે ભાજપે આહીર નેતા જવાહર ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે, જેઓ ગત મહિને કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. કૉંગ્રેસે અરવિંદ લાડાણીને ઉતાર્યા છે.

ગત મહિને ભાજપમાં પ્રવેશની સાથે જ ચાવડાને કૅબિનેટ કક્ષાના પ્રધાન બનાવવામાં આવ્યા હતા.

સ્વાભાવિક રીતે જ અન્ય ઉમેદવારોની સાથે ચાવડા પણ હાજર રહેશે.

રાજકોટ (25 ટકા), અમરેલી (25 ટકા) અને પોરબંદરની બેઠક પર પાટીદાર સમાજના મતદારોનું પ્રભુત્વ છે અને એ ત્રણેય બેઠકો પર પાટીદાર વિરુદ્ધ પાટીદાર ઉમેદવારનો જંગ છે.

line

સોનગઢમાં સભા

માણિકરાવ ગાવિતની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નવ વખત નંદુરબારની બેઠક ઉપરથી ચૂંટાયેલા કૉંગ્રેસના માણિકરાવ ગાવિતને ટિકિટ નથી આપી

જૂનાગઢ બાદ મોદી દક્ષિણ ગુજરાતના સોનગઢમાં જાહેરસભાને સંબોધશે.

બુધવારની ગુજરાતયાત્રા દરમિયાન મોદી દક્ષિણ ગુજરાતમાં સોનગઢ ખાતે જાહેરસભાને સંબોધીને બારડોલી તથા નવસારી ઉપરાંત મહારાષ્ટ્રની નંદુરબાર બેઠકના મતદારોનો સંપર્ક સાધશે.

મહારાષ્ટ્રમાં બેઠકોના વિભાજન દરમિયાન ગુજરાત સાથે જોડાયેલી નંદુરબાર બેઠક ભાજપને મળી હતી. ભાજપે આ વખતે ડૉ. ગાવિતને રિપીટ કર્યા છે.

માણિકરાવ તેમના પુત્ર ભરત માટે ટિકિટ માગતા હતા, પરંતુ કૉંગ્રેસે વર્તમાન સ્થાનિક ધારાસભ્યને ટિકિટ આપી છે.

line

ચિત્રલેખાના સિનિયર કૉરસ્પૉન્ડન્ટ ફયસલ બકીલીના કહેવા પ્રમાણે:

"દક્ષિણ ગુજરાત અને તેની સાથે જોડાયેલો મહારાષ્ટ્રનો આદિવાસી પટ્ટો પરંપરાગત રીતે કૉંગ્રેસનો ગઢ રહ્યો છે."

"મોદી આ સભા દ્વારા ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રના નંદુરબારના મતદારો સુધી પણ પહોંચવાનો પ્રયાસ કરશે."

"નંદુરબારની બેઠક ઉપર કૉંગ્રેસના ઉમેદવાર માણિકરાવ ગાવિત નવ વખત ચૂંટાઈ આવ્યા હતા."

"2014માં માણિકરાવનો પરાજ થયો અને ભાજપના ડૉ. હિના ગાવિત પ્રથમ વખત આ બેઠક ઉપરથી ચૂંટાઈ આવ્યાં."

લાઇન
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો